Search This Blog

30/03/2011

દેશ જાય ખાડામાં....આપણો ધરમ પહેલો !

આ દુનિયાનું સર્જન કરવામાં હાથ કોનો ઉપર ? માણસનો કે ઈશ્વરનો ?

સાયન્સને ઘ્યાનમાં લેવાનું હોય તો ઈશ્વરનું ક્યાંય નામ આવે એવું નથી. यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवति भारत... વાળો કોણીએ ગોળ આપણા શ્રીહરિએ હજારો વર્ષોથી ચોંટાડી રાખ્યો છે. એ શ્વ્લોક મુજબ, જ્યારે જ્યારે ભારત પર દુઃખના પહાડો તૂટી પડશે, ત્યારે ભગવાન કહે છે, હું અવતાર લઈશ અને દેશને બચાવીશ. સાલું, દેશ માટે મેં અને તમે જેટલું કર્યું છે, એનો એક ડિજીટલ ટકો ય પ્રભુએ કરી બતાવ્યો હોય તો કહો ? એને વગાડવાની વાંસળી પણ બામ્બૂના વાંસડા તોડી તોડીને આપણા કારિગરો બનાવે છે. એના મુગુટનું સપ્તરંગી પીંછું ય કોઈ મોરની મેહરબાની છે. માખણ ચોરીને ખાવાનું ખરૂં, પણ એ પોતે એકે ય વાર આજુબાજુમાં દહીનું મેળવણ માંગવા ગયો નથી.

આપણે ત્યાં પરમેશ્વર અને ડૉક્ટરને એક જ સ્થાને મૂકવામાં આવે છે. ડૉક્ટરની સારવારમાં કાકાંને જમા કરાવ્યા હોય ને બચી જાય તો, ‘‘ઇ...કાકા તો જાય એવા જ હતા...આ તો ડૉક્ટર બહુ બ્રિલિયન્ટ કે, ઠેઠથી પાછા લઈ આયા....’’ અને ડોહો ડબકી જાય તો ‘‘ઇ...કાકાનો કૉલ આવી ગયોતો....બાકી ડૉક્ટરે તો પૂરા પ્રયત્નો કર્યાતા...આ તો જેવી શામળીયાની ઇચ્છા....!’’ ભારતમાં કાપડની દુકાન કરો ને બે વર્ષે ય ઝભલું બગલમાંથી ફાટ્યું તો, ‘‘આ હાળા રૅમન્ડ-ફેમન્ડના કપડાં જ રદી આવે છે....!’’ પણ ધંધો ડૉક્ટરનો કરો તો ઇન્ડિયામાં તમારૂં નામ કોઇ કાળે ય ના બગડે...પૈસા કમાયે રાખો !

એવું ઍક્ઝૅક્ટ પ્રભુ-ભક્તિનું છે. મરી જાઓ ત્યાં સુધી ઈશ્વર-ભક્તિમાં તમારી કોઈ ભૂલ ન થઈ હોય, ઘરનાને પડતા મૂકીને ભગવાનનું ઘ્યાન પહેલું રાખ્યું હોય...વર્ષો જૂની કોઇ એક ચોક્કસ માંગ પૂરી કરવા માટે. કેટલા મિડલ-કલાસ કે ગરીબોની કેટલી ડીમાન્ડ ભગવાનોએ પૂરી કરી ? બીજી બાજુ, અંબાણી-અદાણીઓ કે મિત્તલોને ઈશ્વરની નહિ, ઈશ્વરોને એમની જરૂર પડતી હશે, એવું અત્યારે તો લાગે છે. ભગવાનોએ જેમને ખોબા ભરીભરીને પૈસા આપ્યા છે, એમને મંદિરો-દેરાસરોએ જવાની જરૂર નથી...ભગવાનો એમની ઑફિસે જાય છે.

કારગિલમાં દેશને બચાવવા સામી છાતીએ ગોળીઓ આપણા જવાનોએ ખાધી, ને જશ ભગવાન લઇ જાય ? આ નદીનાળા, પર્વત કે દરિયા એણે બનાવ્યા હશે, પણ એ તો બધા દેશો પાસે છે પણ, દરિયામાં ચલાવવાની હોડી કે હલેસું ભગવાનોએ નથી બનાવ્યું. આ તો આપણી પાસે કોઇ સિદ્ધિ નથી એટલે, ‘યે હમારે ઊંચે પર્બત યે હમારી નદીયાં...ની ડંફાસો મારીએ છીએ. કેમ બીજા બધા દેશો પાસે ઊંચા નહિ તો જમીનમાં ઊંડે ઊતરી ગયેલા પર્વતો અને નદીઓ છે ? અરે, પર્વતો ઊંચા બનાવ્યા, એમાં એની કમાલ શું ? એનાથી માનવજાતને શું ફાયદો ? એની ઉપર ચઢવા માટે રોપ-વે આપણે બનાવવા પડ્યા છે. સર્જન એનું કામ નથી...સર્વત્ર વિનાશ એની હૉબી છે. જાપાનના ધરતીકંપ દ્વારા તો એણે પોતાની ગુંડાગીરી ય સાબિત કરી આપી છે. એના એક ઝાટકે પૃથ્વી આખી ઘરમૂળથી સાફ થઈ શકે છે અને જાપાનના ધરતીકંપે તો હવે આપણા મનમાં એ ફફડાટે ય પેસાડી દીધો છે કે, મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિન્સે, ઈ.સ. ૨૦૧૨-માં આ પૃથ્વીનો પૂર્ણ નાશ થઈ જવાનો છે, એ સાલી સાચી પડવાની એંધાણી ય મળી ગઈ છે. ફાંકા બહુ મારીએ છીએ, કહો આપણા પરમેશ્વરને કે, એક ત્સુનામી તો રોકી બતાવે ! એ શેનો રોકે ? કચ્છથી જાપાન, બધે એની તો ભાઇગીરી ચાલે છે....!

ઈશ્વર થઈને માનવજાતિ માટે કોઈ સારા ચમત્કારો અચાનક એણે બતાવ્યા નથી કે, ચલો રાતોરાત દુનિયાભરમાંથી કૅન્સરો મટી ગયા, ગરીબો બે ટંક જમી શકે, એવી કોઇ આકાશી કે દરિયાઈ ઘટના બની...એક નવા જ પ્રકારનું દરિયામાંથી ત્સુનામી આવ્યું ને દૂધ-ઘીની નદીઓ બની ગઈ, ચીઝના પહાડો બની ગયા કે આપણા બધાના માસિક પગારો વધી ગયા....! આવી કલ્પનાઓ અત્યારે મૂર્ખામીભરી લાગે પણ જાપાનમાં કે ભારતમાં ધરતીકંપના સહારે એણે જે કર્યું, એવું તો કદી થાય જ નહિ, એ એક જમાનામાં વિચારવું ય મૂર્ખામી કહેવાતી ને ? એની સામે, કાચી સેકંડમાં તબાહી-બર્બાદી ને વિનાશ એના ડાબા હાથનું કામ છે, અને Who is the Boss? એ આપણી ફેંટો પકડી-પકડીને બતાવતો રહે છે. તો કંઈક સર્જન પણ કરી બતાવ ને ? જગતભરના લોકો તારા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે, એનું કંઇક તો રીસ્પૅક્ટ રાખી બતાય....! સાવ નાનું અમથું ય કોઇ સર્જન કરવામાં માણસને હજારો વર્ષો લાગ્યા છે. એક ટાંકણી ય બનાવતા સદીઓની મેહનત માણસે કરી છે. ને તું કેટલો બહાદુર છે એ બતાવવા કાચી સેકંડમાં ૧૦૦-માળના બિલ્ડિંગો તું ઉડાડી દઇ શકે....ભ, એક નાનું ભોંયરૂં તો તું બનાવી બતાય....! ખબર પડે, આવી લૂ લાગતી ગરમીમાં રોજની ફક્ત ૧૦૦-રૂપરડી કમાતા મજૂરને કેવા પરસેવા પડે છે ! ઈશ્વરની વધારે જરૂર એમને પડે છે, પણ એવાઓની ઈશ્વરને કોઇ પડી હોતી નથી. ખરો આતંકવાદી તો ભગવાન છે. પૃથ્વી પર જીવસૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી અન્ય જનાવરોની સાથે માણસ પણ ઉછર્યો છે. માણસ સિવાય કોઈ પ્રાણીએ કોઇ સર્જન કર્યું નથી. હાથી-ઘોડા, વાઘ-સિંહ....નફ્‌ફટો બધા હજી નાગાં ફરે છે. હજી સુધી કોઈ ડાયનાસોરસે જાંગીયો બનાવ્યો નથી. જંગલનો રાજા હોવા છતાં સિંહ કૂતરાની માફક ઝાપટ મારીને જમે છે. ઉપર ઝૂમ્મર લટકતા હોય એવા શાહી ભોજન-સમારંભો ગોઠવવાની એમનામાં અક્કલ ન હોય. કમ્પ્યૂટર ઘોડા-લોકોએ શોઘ્યું નથી. ચાન્સ બધાને એકસરખા મળ્યા છે. ફક્ત માણસે આવતા વ્હેંત કંઈકને કંઈક સર્જન કર્યું છે. દાઢી કરવાની બ્લૅડ પરમેશ્વરે શોધી નથી. દાઢી કરતા કરતા ગાલ પર ચીરો પડી જાય તો લગાડવા માટેનું ડૅટૉલ પણ માણસે શોઘ્યું છે. તમે ઈશ્વરને માનો છો, એ શ્રદ્ધાની વાત છે, સાયન્સની નહિ. આ પડી આખી પૃથ્વી. ઈશ્વરે શેનું સર્જન કર્યું, એ તો કોઇ કહે....! સાચો સર્જક માણસ છે, ઈશ્વર નહિ. મોટા મોટા વિનાશોમાં બેશક પ્રભુનું નામ આવે, નાના એકે ય સર્જનમાં ક્યારે પણ નહિ.

વાત ઈશ્વરની જ નીકળી છે, એટલે ધર્મોવાળા અને જાતિવાળા તુટી પડશે. પણ તમે ભલે તમારા એકલાના જ ધર્મ પર મુસ્તાક હો, પ્રામાણિકતાપૂર્વક કહો.... તમારા ધર્મે આ દેશને કે દુનિયાને શું આપ્યું છે ? તમારા ધર્મથી દુનિયાને શું ફાયદો થયો, એનો એક દાખલો તો આપો. જવાબ આપવાની હિંમત હોય તો એ ય કહી દો, તમારા ધર્મે ઈવન તમને ય શું આપ્યું ? તડકામાં પહેરવાના ગૉગલ્સ કે રેલ્વેના પાટા ય તમારા ધર્મે શોઘ્યા છે ? ફાંકા તો બહુ મારીએ છીએ કે, જગતના તમામ ધર્મોમાં અમારાવાળો સર્વોત્તમ, ધૅટ્‌સ ઑલ ! પણ આખી દુનિયામાં તમારા સિવાય કોઈ એક પણ માણસ, એના ધર્મ કરતા તમારાવાળાને ચઢીયાતો કહેતો હોય, એવો એક દાખલો તો લઈ આવો.

કબુલ કરવામાં મરચાં લાગતા હોય તો લગાડો, પણ જગતની મોટા ભાગની શોધ (Discoveries કે Invention) જર્મની, અમેરિકા કે યુરોપવાળાઓએ કરી છે. જાપાન, ચાયના કે કોરિયનો ભલે ગમે તે હોય, મારા તમારા ધર્મોના તો નથી જ. આપણે જે કાંઈ વાપરીએ છીએ, કમાઈએ છીએ, એનો પૂરો યશ આ જાપલાઓ, કોરિયનો, અમેરિકનો કે યુરોપિયનોને આપવો પડે....આપણા ધર્મોવાળાએ તો ફૂટપટ્‌ટી ય શોધી નથી.

પણ દુનિયાને આ બઘું આ બધા દેશોએ આપ્યું છે અને તે પણ પોતપોતાના ધર્મો કે ભગવાનોના નામો વટાવ્યા વગર. આપણે જંગી પૈસો ભેગો કરવાની ખોરી દાનતથી ભક્તોને ધર્મને નામે આડે રસ્તે ચઢાવવા સિવાય બીજું કર્યુ છે શું? સાયન્સ સામે ધિક્કાર બતાવતા અનેક ધર્મોને સાયન્સ વગર ચાલતું તો નથી, પણ એમના ધર્મો કાંઈ કરી શક્યા નથી, એટલે નવી ટ્રિક શોધી લાવીને, બીજા ધર્મનો ધિક્કાર કરવાનું હવે તો ઉઘાડેછોગ શીખવવામાં આવી રહ્યું છે. જાહેરમાં બોલવાનું હોય ત્યારે ફાંકા મારવાના કે, સર્વ ધર્મો સમાન છે. ખાનગીમાં પોતાના સિવાયના ધર્મોના તહેવારોને ય ધિક્કારવાની ઉશ્કેરણી કોઈ ધરમવાળો ચૂકતો નથી... એ જાણ્યા વગર કે, દેશને આ હરામજાદા નેતાઓ નહિ, ફક્ત લશ્કર અને આપણા સહુ વચ્ચેની એકતા જ બચાવી શકે એમ છે. પેલા આતંકવાદીઓ એક સાથે બધાને મારવા આવશે ત્યારે તમારા ધર્મ પ્રમાણે લાઈનમાં ઊભા રાખીને તમને બચાવી લેવાના નથી. ‘‘ઓહ, તમે તો ભારતના સર્વોત્તમ ધર્મના માણસો છો... તમને અમારાથી ઠોકાય? તમારા તો ચરણસ્પર્ષ કરવા આવ્યા છીએ.’’

દેશને બચાવવાનો સીધો વખત આવશે ત્યારે, તમારા ધર્મમાં એ તાકાત છે ખરી કે, આખા દેશને એક કરી શકે? દેશની સાચી એકતા આપણા ક્રિકેટરો લાવી શકે છે, અમિતાભ બચ્ચનો લાવી શકે છે, તો એકલા ગુજરાતમાં જ ફેલાયેલા હજારો ધર્મો-સંપ્રદાયોમાંથી એકે ય સ્વામી, ગુરૂજી, બાપૂ, મહારાજ સાહેબ કે જેટલાને પૂજ્યલાગતું હોય, એમાંથી એકે ય દેશભક્તિ જગવવાની કથાઓ કેમ નથી કરતા? સાલું, એમનું ફૅન-ફોલોઇંગ એટલું તગડું હોય છે કે, એમાંનો એક જ ગુરૂજી ધારે તો યુવાનોમાં દેશદાઝની એવી ચેતના જગાવી શકે કે, કોઇ આતંકવાદીની તાકાત નથી કે, ભારત સામે ઊંચી આંખે જોઈ શકે. સાલું, રાત-દિવસ ભગવાન-ભગવાન-ભગવાન શેનું કરવાનું હોય?

પણ તમારો કોઈ મહારાજ આવું નહિ કરે. પૈસા ભેગા ભક્તો પાસેથી થઈ શકે, દેશભક્તો પાસેથી નહિ. સવા સો કરોડની વસ્તીવાળા દેશમાં દોઢસો કરોડ દેવતાઓ હોય, એ દેશને તો કયો દેવતો બચાવી શકવાનો છે?

છાતી ઠોકીને એક ઈન્ડિયન એમ કહે કે, હું મારા ધર્મને બેશક ચાહું છું, પણ દેશ મારા માટે પહેલો છે, તો એવા દેશભક્તનું સન્માન કરવું પડે, એવી લાચારીના દિવસો આવ્યા છે. તમામ ધર્મોના બાદશાહોને પોતાના માટે કે પોતાને નામે ધર્મ-સંપ્રદાયો માટે પૈસા ભેગા કરવા છે. અબજો રૂપિયા ખર્ચીને જંગી ઈમારતો બાંધો છો, તે દેશના એકે ય નાગરિકાના કામમાં આવતી નથી. બહાર નીકળો તો ખબર પડે કે, દેશને અત્યારે વધારે જરૂરત હોસ્પિટલોની છે, મંદિરોની નહિ! દેશના કૉમનમૅનને કંઈક કામમાં આવે એવી એક ઈમારત તો બનાવો.

રોજ જુદા જુદા ભગવાનોને નામે વ્યાખ્યાન કે કથાઓ કરતા ગુરૂજીઓને લાઈફમાં કમ-સે-કમ એક કથા તો ભારત દેશને બચાવવાની દેશદાઝ જગવતી કરો, ગુરૂજી. જે દેશનું ખાય, એનું જ ખોદે, એ આપણું કલ્ચર નથી. કૂતરૂં ય બેસે તે જગ્યા સાફ કરીને બેસે છે. એ દિવસો હવે બહુ દૂર નથી કે, મુંબઇના તાજ હોટેલ જેવું તો હવે રોજેરોજ થવાનું, ત્યાં તમારો ભગવાન નહિ, ‘‘ભારતીય’’ કામમાં આવશે.

...ઓહ! આ બધી સ્માર્ટ વાતો કરી અને દુનિયાભરના ભગવાનો સામે બંડ પોકાર્યું, પણ અંતે એક વાત કબુલ કરવી પડે કે, આખરી રીમોટ-કન્ટ્રોલ ઈશ્વરે પોતાની પાસે જ રાખ્યું છે. કોઇ ગમે તેવી ફાંકા-ફોજદારી કરે, કે ઈશ્વરે કર્યું છે શું? પણ એનું સર્વોત્તમ સર્જન માણસ જ છે. માણસ પોતે ઈશ્વરનો ય બાપ બની ન બેસે, એ માટે છેલ્લી ચાવી પ્રભુએ પોતાની પાસે રાખી છે. એકલો પૈસો જ સુખ આપી શકતો હોત, તો જીવનના આખરી વર્ષોમાં સ્વ. ધીરૂભાઇ અંબાણી પોતાનો લકવો મટાડી શક્યા હોત!

...અને પરમેશ્વર હજી આ ધરતી પર જ છે, એની મોટી સાબિતી કઇ?

...આપણો ભારત દેશ હજી ચાલે છે, એ!

સિક્સર
- દર કલાકે એક નવો મોબાઈલ ફોન શોધાય છે...
- સાંભળ્યું છે, હવે ડાબા હાથે પકડી શકાય એવો ફોન પણ આવી રહ્યો છે!