Search This Blog

07/08/2016

ઍનકાઉન્ટર : 07-08-2016

* સારા કામનું ફળ મળે છે, એ જાણવા છતાં લોકો સારૂં કામ કેમ નથી કરતા ?
- આજકાલ કામવાળા જ ક્યાં મળે છે !
(અંકિત આર. ઢોલીયા, સુરત)

* હવે તો હદ થઇ ગઈ... 'ભારત માતાની જય' બોલવામાં લાકડીઓ ખાવી પડશે ?
- દેશને બદલે પોતપોતાના ધર્મોને વળગી રહીશું, તો ખાવી પડશે.
(મયૂર સુખડીયા, ધોરાજી)

* કન્હૈયાકુમાર જેવાઓને ટીચી નાંખવા ટુકડી બનાવી છે. તમારૂં માર્ગદર્શન જોઇએ છે.
ટીચાટીચીમાં 'મારૂં' માર્ગદર્શન...? એટલું આપું કે, દેશના બધા યુવાનો તમારા જેવું ખમીર ધરાવે તો કન્હૈયાકુમારોની ખૈર નથી !
(અજય બી.ગોહેલ, જેતપુર)

* ટીવી-સીરિયલોમાં સ્ત્રી-પાત્રો ભજવતા કલાકારો કેવા ભદ્દા લાગે છે !
- હાસ્તો, એમને બદલે કરણ જોહર કે તુસ્સાર કપૂરને લેવામાં શું વાંધો છે ?
(જીતેન્દ્ર કેલ્લા, મોરબી)

* ભારતમાતાની જય ન બોલે, એને શું સજા થવી જોઇએ ?
- નહિ બોલનારાઓ પોતાની હેસીયત જાણે છે.
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)

* દારૂ પીવાય કે ના પીવાય ?
- આજુબાજુમાં જોઇને કહું...!
(સંજય વાજા, કડાયા-ગીર)

* સ્ત્રીને સમજવા માટે ચાહવી જરૂરી છે કે ચાહવા માટે સમજવી જરૂરી છે ?
આવા બીજ ગણિતો ગણવા રહેશો તો એ તમને ગુજરાતી વ્યાકરણના માસ્તર સમજીને જતી રહેશે... આમાં તો સીધો હલ્લાબોલ જ હોય !
(મધુકર માંકડ, જામનગર)

* દીકરાઓ મા-બાપને વૃધ્ધાશ્રમમાં કેમ મૂકી આવે છે ?
- વૃધ્ધાશ્રમોથી સ્મશાન નજીક પડતું હોય છે.
(દીપીકા જે. રાવલ, કપવંજ)

* લાભ પામીને લાભ આપનાર બાબા રામદેવને આધ્યાત્મિક ગુરૂ કહેવાય કે ઔદ્યોગિક ગુરૂ ?
- બન્ને ક્ષેત્રોમાં એમના લાભાર્થીઓ એમનાથી ખુશ છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* ગાંધીજીએ કહ્યું હતું, 'પરસ્ત્રી મા સમાન ગણાય', તો 'પરપુરૂષ' બાપ સમાન કેમ નહિ ?
- આમાં ભાવના જોવાની હોય... (હવે એવું ન પૂછતા કે, ભાવના પટેલ કે ભાવના મેહતા ?)
(મુગ્ધા ઉલ્લાસ વૉરા, જૂનાગઢ)

* તમારો પ્રિય પોષાક કયો ?
- કપડાં.
(જયેશ અંતાણી, ભાવનગર)

* તમે ફરીવાર અમેરિકા ક્યારે જવાના છો ?
- હવે તો એ લોકો મારા પૈસે આવી જવાનું કહે છે, બોલો !
(ડૉ. વિપુલ મકવાણા, શામપરા-ભાવનગર)

* સુખદુઃખના પૈડાં ઉપર આપની મુસાફરી કેવી ચાલે છે ?
-  હું તો રીક્ષા જ કરી લઉં છું.
(રશ્મિન એમ. દવે, રાજકોટ)

* ફિલ્મ 'ડોન'માં હૅલનનો ડાન્સ અનેકવાર જોવાનું મન થાય છે...
- સીધા બેસીને જોજો.
(દીલીપ પટેલ, મુંબઇ)

* તમારા ઘરનું વીજળીનું બિલ કેટલું આવે છે ?
- બસ... એ લોકોનો પગાર નીકળી જાય એટલું તો ખરૂં !
(ઋષિત પરમાર, રાજકોટ)

* આજના રાજકારણ  માટે સાવ અનફિટ હોય એવો નેતા કોણ ?
- હું જવાબ આપું એ પહેલા તમામ વાચકો જવાબ આપી દેશે ને સાચું પૂછશે, 'ફિટ કયો છે ?' એ પુછો.
(શિલ્પેશ પી. રાવલ, સુરત)

* મને એવું લાગે છે, ૨૦૧૭-માં કોંગ્રેસની જ સરકાર આવશે ? તમને શું લાગે છે ?
- મને કદી ખોટું નથી લાગતું.
(ફિરોઝ મોરાવાલા, સંતરામપુર)

* નવી પેઢીને જૂનાં ગીતો નથી ગમતા, છતાં એ જ ગીતોનું રીમીક્સ ખૂબ સાંભળે છે... !
- આખેઆખી પેઢી જ મીક્સ આવી છે !
(અશ્વિન મોરે, વડોદરા)

* પહેલાના વકીલ અબ્રાહમ લિંકન અને આજના જેઠમલાણી વચ્ચે શું તફાવત છે ?
- લિંકન તો ફક્ત વકીલાત જ જાણતા હતા... જેઠમલાણી તો ન્યાયાધીશોને ય જાણે છે !
(અશોક એમ. વોરા, મુંબઇ)

* 'સહૂનું થાય, તે વહુનું થાય', એ કહેવતમાં નવું કાંઈ ઉમેરશો ?
- અમારા ઘરમાં તો 'વહુનું થાય, એ જ બધું સહુનું થાય છે...!'
(સંજય કાપડીયા, કોડિનાર)

* જીવનમાં સુખશાંતિથી જીવવાનો રસ્તો કયો ?
- જીવનભર તમે ડૉક્ટરને શોધતા ન રહો અને પોલીસ તમને શોધતી ન રહે, એ !
(શિવાંગ જલસણવાલા, સુરત)

* અદાલતોનું કામ ઝડપી કરવાનો કોઈ ઉપાય ?
-અદાલતોમાં કામ કરાવવાનું જ નહિ !
(સાધના નાણાવટી, ગાંધીનગર)

* કોઈવાર વાચકોના ઇ-મૅઇલ ના આવે તો જાતે સવાલ ક્યાંથી લાવો ?
- હું સહેજ પણ સ્વાવલંબી નથી.
(ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર)

* 'ભાર વિનાનું ભણતર' એટલે ?
- ભટ્ટ વિનાના પ્રતિક જેવું !
(પ્રતિક ભટ્ટ, જૂનાગઢ)

* પનામા પૅપર્સમાં તમારૂં નામ ન જોઇને દુઃખ થયું કે આનંદ ?
- મને નામનો બહુ મોહ નહિ... !
(ડો. ભરત સોનીગરા, મોટા આંકડીયા-અમરેલી)

* સ્ત્રીઓ માટેની પૂર્તિમાં સવાલ પૂછાય છે, 'મને મારા પતિથી સંતોષ નથી. કોઈ ઉપાય બતાવશો - એક બહેન.' તો આ બહેન કોણ છે ?
- નામ જાણશો તો એમને તમારાથી ય સંતોષ નથી, એવો સવાલ પૂછાશે.
(સમીર જગોત, રાજકોટ)

No comments: