Search This Blog

14/08/2016

ઍનકાઉન્ટર : 14-08-2016

* આ બધા એનકાઉન્ટરો તમે જાતે કરો છો કે, શાર્પ-શૂટરોને સોપારી આપી દો છો ?
- આવી પવિત્ર હિંસા જાતે જ કરવી પડે !
(સમર્થ એ. સિહોરા, વડોદરા)

* તમે વૅલેન્ટાઇન-ડે કોની સાથે ઉજવો છો ?
- મારા છોકરાઓની બા સાથે.
(છત્રપાલસિંહ ગોહિલ, ભાવનગર)

* ચુસ્ત અને ટુંકા કપડાં પહેરીને સ્ત્રીઓ સુંદર દેખાવાની કોશિષ કરતી હોય, એવું મને લાગે છે...
- હા, પણ મારે એમાં શેની મદદ કરવાની છે ?
(ચંદ્રકાંત બગરીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* ભાજપે સુબ્રમણ્યમ સ્વામીને બે વર્ષ પહેલા રાજ્યસભામાં મોકલ્યા હોત તો આજે ભાજપ ક્યાં હોત ને કૉંગ્રેસ ક્યાં હોત ?
- કોંગ્રેસ...? એ વળી શું છે ?
(ધ્રૂવી પ્રકાશ કાચા, અમદાવાદ)

* તમારી પાસે અંબાણીઓે જેટલો પૈસો હોત તો શું કરત ?
- તો ય 'ઍનકાઉન્ટર' તો મારે જ લખવું પડતું હોત !
(ઋત્વિક નાઈક, સુરત)

* ૧૦૦ ટકા પ્રામાણિક કર્મચારીઓ મેળવવા સરકારે શું કરવું જોઈએ ?
- એક-બે ટકા ઓછા રાખો ને, તો અમારા જેવા સો-બસ્સોને નોકરી મળે !
(મનહરસિંહ ઠાકોર, કમાણા-મહેસાણા)

* તમે હાસ્યલેખક ન હોત તો શું બનવા પ્રયત્ન કરત ?
- કાંઈ નહિ. હાસ્યલેખક બનવા માટે સાત જનમ લીધા છે.
(કવિતા મારૂ, શિહોર)

* આધાર-કાર્ડમાં મુખ્ય આધાર કોનો હોય છે ?
- કાગળનો.
(મયૂર જે. મહેતા, વડોદરા)

* બટેટા વિશે કાંઈ કહેશો ? હું બટેટાની ફૅન છું.
- અડધું બટેટું કાપીને એની ઉપર મને તમારો ઑટોગ્રાફ મોકલાવશો.
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* 'મધર્સ-ડેગયો, પણ કોઈએ ભારત માતાને યાદ કર્યા ?
- યસ. ગીતકાર જાવેદ અખ્તરે રાજ્યસભામાં ટેબલ પર હાથ પછાડી પછાડીને 'ભારત માતા કી જય'નું રટણ કર્યું છે.
(ચિંતન માખેચા, રાજકોટ)

* કોઈ પણ નાગરિક માટે પાંચ વર્ષ ફરજીયાત લશ્કરી-તાલીમ રાખવી ન જોઈએ ?
- ચારે બાજુથી દેશના લોકોને આવા વિચારો પ્રાપ્ત થાઓ.
(ડૉ. ક્રિષ્ણા વિશુ ટીલવા, રાજકોટ)

* આર્ટ ફિલ્મ અને કમર્શિયલ ફિલ્મ વચ્ચે શું તફાવત ?
- ₹ ૧૦૦ કરોડનો.
(પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* સત્ય હંમેશા કડવું કેમ હોય છે ?
- કોઈ ચખાડે તો કહું.
(દીપક પંડયા, બિલિમોરા)

* મોદીજીને મળવું છે. શું કરવું ?
- કોઇ પણ દેશનો વિસા કઢાવી રાખો.
(હરેશ ભાનુશાળી, સિલવાસા)

* ભાજપનું મિશન રોડ-રસ્તા, કૉંગ્રેસનું મિશન 'અનાજ-સસ્તા', તો વિજય માલ્યાનું મિશન શું ?
- બૅન્કવાળા હાથ-ઘસતા.
(બ્રિજ જતિનભાઈ પટેલ, પાટણ)

* ભગવાનોને અબજો રૂપિયા ચઢાવાય છે, એને બદલે એટલા રૂપિયા દેશ માટે વપરાતા હોત તો ?
- આ તમે જે સમજ્યા, એ દેશના ધર્મગુરૂઓ સમજે અને શિષ્યોને આવો ઉપદેશ આપે, તો અમેરિકા કરતા આપણા દેશમાં સમૃદ્ધિ વધુ હોત !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આટલા ફટાફટ જવાબો કેવી રીતે આપી શકો છો ?
- મને પરણે ફક્ત ૪૦ વર્ષ જ થયા છે...! આટલામાં તો માણસ કેટલું કરી શકે ?
(મધુતલા માંકડ, મુંબઈ)

* અમારા મુંબઈ શહેરમાં તો કદી ભૂલા પડો...!
- મુંબઈમાં ભૂલા પડયા પછી નહાવા-ધોવાનું રોડ ઉપર રાખવું પડે છે !
(અપર્ણા ભદ્રેશ દેસાઇ, મુંબઇ)

* દેશની મુશ્કેલીઓ માટે હવે 'સીસ્ટમ'નો વાંક કાઢવાની ફૅશન થઈ ગઈ છે...!
- સીસ્ટમ સારી હોય તો પ્રજાનો વાંક કાઢવાના દહાડા ન આવે !
(જય એમ. આદ્રોજા, રાજકોટ)

* 'હાથી જીવતો લાખનો, મરેલો સવા લાખનો,' એનું કોઇ વાસ્તવિક ઉદાહરણ ?
- અરવિંદ કેજરીવાલ.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* મોદી સાહેબ ઇ.સ. ૨૦૧૯ સુધીમાં 'સ્વચ્છ ભારત અભિયાન' પૂરૂં કરવાનું કહે છે. તમને શું લાગે છે ?
- મારા કે તમારા શહેરના જાહેર રસ્તાઓ ઉપર માત્ર એક કચરાપેટી જોવા મળે, પછી કહું.
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

* સફળ લગ્નજીવન માટે શું જરૂરી છે ? લવ કે ઍડજસ્ટમૅન્ટ ?
- એક પત્ની.
(જયેશ અંતાણી, ભાવનગર)

* હું તમારા વિચારોથી પ્રભાવિત છું. મને કહો કે, શું આપણો દેશ આદર્શ રાષ્ટ્ર નહિ બની શકે ?
- દેશ કરતા ધર્મ અને જ્ઞાતિઓનું જોર ચાલતું રહેશે, ત્યાં સુધી તો નહિ જ !
(કુલદીપસિંહ ગોહિલ, કુકડ-ઘોઘા)

* આવી જોરદાર ગરમીથી બચવાનો કોઈ ઉપાય બતાવશો ?
- મેં મારા પૂરતો ઉપાય શોધી કાઢ્યો છે. હવે હું અડધો કલાકને બદલે છ-સાત કલાકે નહાઇને બાથરૂમની બહાર નીકળું છું.
(ફાતેમા મીયાજીવાલા, સિદ્ધપુર)

* ગુજરાતમાં ઘણા ગુજરાતી જાણતા હોવા છતાં હિંદીમાં કેમ બોલતા હોય છે ?
- સોનિયાજી ઇટાલિયન છે, છતાં હિંદીમાં બોલે છે ને ?
(મધુકર માંકડ, જામનગર)

1 comment:

Color-Canvas said...

Sir, you always write comedian actor named " dhumal" ,actually his surname was " dhumaal"( not " dhumal") he was Maharshtriyan actor.

Thanks for your informative filmi articles..