* વિશ્વાસ અને શ્રધ્ધા વચ્ચે શું ફર્ક છે ?
- હું ઓળખું છું ત્યાં સુધી, બન્ને મામા-ફોઇના સંતાનો છે.
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)
* સર, તમે ઇન્સ્પૅકટર હોત તો બધા
પ્રશ્નો કેવી રીતે સૉલ્વ કરત ?
- પોલીસખાતામાં ‘ઉપરથી’ કહેવામાં આવે, તે રીતે કામ કરવાનું હોય છે -
જાતે નિર્ણયો લેવાના નહિ !
(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)
* સરકાર ભણતર ફ્રી કરી નાંખે તો
કેટલા ગરીબ લોકોના બાળકો ભણી શકે !
- હા, પણ ભણી લીધા પછી ય એ લોકો ગરીબ જ રહેવાના હોય તો
યૂ-ટયૂબ પર એમના વિશે કાંઈ વિચારાય !
(રૂપેશ સોની, વડોદરા)
* ‘ભારત કી જય’ અને ‘ભારત માતા કી જય’.. બેમાંથી વધુ સારૂં શું ?
- અફ કૉર્સ, ‘ભારત માતા કી જય’ જ બોલાય... શંકા પડતી હોય તો જાવેદ અખ્તરનું
રાજ્યસભામાં ભાષણ સાંભળો.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)
* પોલીસ નેતાની ધરપકડ કરે, એ પછી જ એમને છાતીમાં દુઃખાવો કેમ ઉપડે છે ?
- બીજે જ્યાં ઉપડે છે, ત્યાં આપણાથી જોવાય એવું
હોતું નથી !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* દરેક સવાલનો જવાબ ફેરવીને
આપવો જરૂરી છે ? કોઈ જવાબ સરળ આપી ન શકાય ?
- તમારા નામ-અટકમાં ક્યાંય કાનો-માત્ર આવતા નથી...
આટલું સરળ નામ ફેરવીને મૂકી ન શકાય ?
(ધવલ અનડકટ, રાજકોટ)
* દીકરી પરણીને સાસરે જાય, ત્યાં પૂછાય છે, ‘શું શું લઇને આવી છે ?’ પણ એ શું ‘છોડીને’ આવી છે, એ કેમ કોઈ પૂછતું નથી ?
- ના સારૂં લાગે એ બધું... ! આપણે એને વધારે રોવડાવવી
છે ?
(દીપક સોલંકી, નિકોલ ગામ)
* માણસે પહેલા માણસ બનવું જોઇએ
કે નહિ ?
- શરીરમાં કોઈ પણ અજાણ્યા ફેરફારો દેખાય તો તાબડતોબ
ડૉક્ટરની સલાહ લેવાનું કહો.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)
* પ્રેમનો એકરાર કરવાનો સૌથી
સારો દિવસ કયો ?
- મને ડર છે... રીક્ષા તમે ઊભી રાખો છો ને બેસી જશે
કોક બીજો !
(સમીર પટેલ, વડોદરા)
* * ’બધી મજાઓ હતી રાતે રાતે,ને સંતાપ એનો સવારે સવારે...?
-પીવાનું ઘરે રાખ્યું હોય ને ‘જવાનું’ લૉક-અપમાં... એની વાત છે.
(કનુભાઈ પરમાર, દામનગર)
* ફિલ્મ ‘નવરંગ’માં મહિપાલની મોહિની, એ જ શું તમારી ડિમ્પલ...?
- અચ્છા અચ્છા... તો તમને અમારા ગયા જન્મનું ય બધું
યાદ છે...!
(ડૉ. મુકેશ પંડયા, જેતપુર)
* ગૌતમ ગંભીર આટલું સારૂં રમે
છે, છતાં ધોની એને ટીમમાં કેમ નથી રાખતો ?
- આ જુઓ ને... મોદી ક્યાં મારી સામું ય જુએ છે ?
(રાહુલ સપ્રા, બોટાદ)
* ગુજરાતમાં તોફાનો બીજા લોકો
કરે, એમાં સરકાર અમારૂં ઈન્ટરનૅટ કેમ બંધ કરી નાંખે છે ?
- એવું ના હોય ભ’ઇ...! બીજાઓના ઈન્ટરનૅટ ચાલુ હોય ત્યારે તમે તોફાનો કરવા જાઓ છો ?
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)
* વિજય માલ્યા આટલા બધાનું
આટલું બધું કરી ગયો, એમાં વાંક કોનો ? રોકાણકારોનો કે બૅન્કોનો ?
- આપણે તો માલ્યાને શાબાશી આપવી જોઇએ... યાદ છે, નાની નાની વાતમાં બૅન્કવાળા આપણને કેટલું ટટળાવતા હતા ?
(ભાવીન પી. વ્યાસ, જામનગર)
* ઈન્ટરનેટ પર પ્રતિબંધ દરમ્યાન
‘વોટ્સએપીયાઓની’ શું હાલત થતી હશે ?
- સેલ્ફી ચાલુ ને... !
(જીતેન્દ્ર કેલા, મોરબી)
* ઉપપત્ની માટે ‘રખાત’ શબ્દ વપરાય છે, તો બીજા પુરૂષ સાથે સંબંધો
રાખતી સ્ત્રીને શું કહેવાય ?
- ઘાલખાધ.
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)
* શું ઇંગ્લિશમાં ઇન્ડિયાનું
નામ ‘ભારત’ થઇ ન જવું જોઇએ ?
- ના. ‘ઇન્ડિયા’ પણ કેવો ગૌરવવંતો શબ્દ છે !
(ધર્મિલ એમ. દેસાઈ, જૂનાગઢ)
* પત્ની કેટલી બુધ્ધિશાળી છે, એ જાણવાનું કોઈ પ્રમાણ ખરૂં ?
- એણે તો તમારી બુધ્ધિ માપી લીધી... તમે એને પરણ્યા
ત્યારથી !
(હિરેન વઘાશીયા, રાજકોટ)
* કહે છે, જીવનમાં બધા અનુભવો કરી લેવા જોઇએ...!
- હા, પણ એને માટે પરણવું તો પડે જ !
(કપીલ મોનાણી, પોરબંદર)
* હવે તો ગમે તે આલીયો-માલીયો
મોદી વિશે મનફાવે એમ બોલે છે...
- મફત કોઈ બોલતું નથી. એવું બોલવાના એને પૈસા અને
ટીવીમાં પબ્લિસિટી મળે છે !
(મધુકર મહેતા, વિસનગર)
* એક કપ ચા તમને કેટલો સમય
સ્ફૂર્તિમાં રાખે છે ?
- ચા... ?
(જગદિશ આર. શાહ, રાજકોટ)
* મારે પણ લેખક બનવું છે, શું કરવું ?
- આવું કદી બીજા લેખકને ન પૂછવું.
(વૈભવ ડી. મેહતા, ભાવનગર)
* દહેજ એટલે શું ?
- ભીખ.
(પિન્ટુ ઝાલા, અમદાવાદ)
* કન્હૈયાકુમાર વિશે શું માનો
છો ?
- એની એટલી હૈસીયત નથી કે, મારા/તમારા જેવાએ એને વિશે
કાંઈ પણ માનવાનું હોય !
(મિતેશ પંડયા, સુરત)
* લગ્ન ક્યારે કરવા ?
- કોઈ લગ્ન કરવાની હા પાડે ત્યારે.
(ઈમ્તિયાઝ બાદી, ટંકારા)
No comments:
Post a Comment