Search This Blog

01/08/2016

વાઘ બચાવો

ઇન્ડિયામાં આજકાલ ‘વાઘ બચાઓ’ અભિયાન ચાલી રહ્યું છે.

શરૂઆતમાં હું એવું સમજેલો કે, આ લોકો ‘અશોક દવે’ને બચાવવા માંગે છે.

લુપ્ત થતી મૂલ્યવાન જાતિઓને બચાવી લેવાની ઝૂંબેશમાં મારી સાથે આ લોકો વાઘને પણ બચાવી લે, એમાં ખોટું કાંઇ નથી. સાહિત્યના આ માયાવી સંસારમાંથી એક અશોક દવે ઓછા થયા પછી એવો બીજો માલ આવવાનો નથી, માટે જે છે એને જાળવી જાઓ. પશુપ્રેમીઓને ડર એ હતો કે, વાઘને બચાવવા જતા આ લોકો મારાવાળું માંડી ન વાળે. આ જગતમાં મૂંગા પશુઓ બોલી શકતા નથી (અહીં વાઘની વાત થાય છે, એમ સમજવું.) ને માણસ છે... ભૂલ થઇ જાય. કોઇ વાઘને ભડાકે દીધા પછી તમે તો છાપામાં નિવેદન આપો કે, ‘‘સદરહું વાઘને અમે અશોક દવે સમજીને ભડાકે માર્યો હતો....! બંને સરખા દેખાતા હતા...’’

આમ પાછી આપણી પર્સનાલીટી વાઘ જવી ખરી. ગુસ્સો આવે ત્યારે વાઘોના વિચારો મારી સાથે બહુ મળતા આવે અને અમિતાભ બચ્ચનના આ અભિયાન સાથે પણ હું સહમત કે, આજકાલ મને બચાવવા જેવો તો ખરો. અમારા અનેક સાહિત્યકારો બંદૂક નહિ તો હાથમાં ગીલ્લોલ અને ઢેખાળા લઇને ઊભા જ છે. એમનો ય ટેસ્ટ ઉંચો છે કે, શિકાર કરવો તો વાઘ-સિંહનો કરવો.

પણ વાઘોની પર્સનાલિટી.. સૉરી, ‘ટાયગરલિટી’ મને બહુ મળતી આવે છે. સામેથી જુઓ તો મારી મૂંછ રૉયલ બૅંગોલ ટાયગર જેવી લાગે. તમે વાઘની મૂછો જોઇ હોય તો, શાંત પાણીમાં પથરો પછાડો અને છમ્મ કરતાં છાંટા ઊડે, એવા સાત-આઠ વાળ ઉપલા હોઠથી ભાલાની માફક સીધા-સામા તમારી તરફ આવતા હોય. આપણી મૂછોનું બી એવું છે. રાજા-મહારાજાઓની મૂછોમાં કેવું હોય કે, એ લોકોની મૂછ ગાડીની નંબર-પ્લેટની ઉપરની ધારી પર કાળું ઓઇલ ઢોળાયું હોય, અને રેલા નીચે આવતા હોય, એમ એ લોકોની મૂછો ઢળતી લાગે. અમારે વાઘોમાં એવું ન હોય. ઘણા વાઘો ફેશનમાં મૂછો આડી ફંટાય એવી પણ રાખે છે, ને ઘણાં અન્ય વાઘણોને ખુશ કરવા માટે આમળીને ઉપર ચઢાવેલી ધારદાર મૂછો રાખે છે, પણ અમે લોકો એવી અંધશ્રદ્ધામાં ન માનીએ...! મારી જેમ વાઘની બા ય ખીજાય!

એ તો પછી કોકે કીઘું ત્યારે ખબર પડી કે, આ લોકો વાઘ જેવી છાતી, વાઘ જેવી હિંમત અને વાઘ જેવી ચપળતા ધરાવતા અશોક દવેને નહિ, જંગલમાં રખડયા કરતા બેકાર વાઘોને બચાવવા માંગે છે અને એ માટે મારી- તમારી મદદ માંગવામાં આવી છે. ઓકે. હાલ પૂરતું આપણે માનનીય શ્રી. અશોક દવેજીને બચવવાના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો મોકૂફ રાખીએ છીએ. આવો, આપણે સહુ પ્રતિજ્ઞા લઇએ કે, જ્યાં સુધી રાષ્ટ્રનો એક એક વાઘ બચાવી ન લઇએ, ત્યાં સુધી, કોઇ અશોક દવેને ઠાર મારતું હોય, એમનો શિકાર કરતું હોય કે ભલે ને સી.જી. રોડના ભરચક ટ્રાફિક વચ્ચે કોઇ એમનું શર્ટ ઉંચું કરીને બંને સાઇડની કમર ઉપર ફક્ત ગલીપચી કરતું હોય, તો પણ એમને બચાવવા નહિ જવું. આપણી પ્રાયોરિટી વાઘની છે. તો આવો. અત્યારથી જ આપણે ‘વાઘ બચાઓ’ આંદોલનમાં જોડાઇ જઇએ.

ઓકે, વાઘ બચાવવા સૌથી પહેલું શું કરવું જોઇએ?

આ પહેલું મિશન ઘણું મહત્વનું છે. બચાવવા-પાત્ર થતા વાઘોને સર્વપ્રથમ તો શોધી કાઢો. વાઘને શોધી ન શકો, તો બચાવવાના ક્યાંથી છો? જુઓ.રાષ્ટ્રનો સંદેશો જરા સમજી લો. એ લોકો વાઘ હોય કે મરઘા- બતકાં હોય, એ બઘું બચાવવાનું આપણને કહે છે કે, Save the tigers. વાઘને કે દેશને બચાવવાનું કામ એમનું નથી, આપણું છે. લોકો તમન્ના ઘણી ઘણી હોય કે, આપણે ખુદ પતી જઇએ તે પહેલા દેશનો કમ-સે-કમ એકાદો વાઘ બચાવતા જવું સારૂં. પણ સોસાયટીમાં, નારણપુરામાં કે સમગ્ર અમદાવાદ જીલ્લામાં ઘણી તપાસ કરવા છતાં એકાદો વાઘે ય મળી ન આવે, તો મૂંઝારો થાય, ગળામાં ડચૂરો બાઝે અને એવી હતાશામાં કોઇ વાઘ પોતાને બચાવી લેવા સામે આવીને ઉભો રહે, તો આપણી ફાટે અને ભાગી જઇએ. દેશવાસીઓ.. વાઘ બચાવવો, એ કાંઇ દેશ બચાવવા જેટલું સહેલું કામ નથી.

દેશ બચાવવાને આપણે સહેલું કામ એટલા માટે ગણી લીઘું છે કે, બહુ ગુસ્સાવાળા આપણાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહે પાકિસ્તાનને લૂખ્ખી આલી દીધી છે કે, ‘‘પાકલાઓ.... હવે ચેતી જજો. હવે એકપણ વખત તમે અમારા દેશમાં કોઇ અડપલું કર્યું છે, તો હવે સહન નહિ કરીએ. આતંકવાદ સામે અમે કડક હાથે કામ લઇશું....’’ આવી લૂખ્ખી ચીનને ય આલી દીધી છે, એટલે દેશ તો જાણે બચી ગયો. હવે કોઇ અવાજ નહિ કરે, પણ વાઘો બચાવવામાં પાકિસ્તાન કે ચીનની મદદો લેવાય એવું નથી. ભારત સરકારની પણ મદદ લેવાય એમ નથી. આ મિશન તો આપણે જ પુરૂં કરવું પડશે. અરે, શુકર કરો કોંગ્રેસ સરકારનો કે એણે દેશને આવા વાઘ જેવા ખૂંખાર વડાપ્રધાન આપ્યા છે કે, એકી ઝાટકે પાકિસ્તાન અને ચીન બે ય ના ચડ્ડા ફાડી નાંખ્યા...! બાપ રે... આવી છત્રીસની છાતી તો દુનિયામાં ભારતના વડાપ્રધાનની એકલાની જ હોય. તમારામાંથી કોઇને ખ્યાલ સરખો આવે છે કે ડો. સિંઘની આવી ચેતવણીથી આતંકવાદીઓ કેવા ફફડી ગયા હશે? અરે, હવે તો એ લોકો પોતાના ઘરમાં ય બહાર નીકળી શકતા નથી. ઓસામા બીન લાદેન અત્યાર સુધી ડો. મનમોહનસિંહને ભલે કોઇ મિમિક્રી આર્ટિસ્ટ ગણતો હોય, પણ આ ચેતવણી પછી ખુદ એની હવા ટાઇટ થઇ ગઇ છે. હમણાં હમણાંથી કોઇએ ઓસામાને આપણા નંદુની ચાની લારીએ કે જાહેરમાં ક્યાંય જોયો? અરે, ઓસામાની ક્યાં માંડો છો. અત્યારે તો પાકિસ્તાનની સ્ત્રીઓ ય સબ્જી-મંડીમાં જઇ શકતી નથી ને એનું બચ્ચે- બચ્ચું અત્યારે મિનિમમ છ-છ તાવમાં પટકાયું હોય. સિંઘસાહેબે ચેતવણી આપી દીધી, પછી વાત ખલાસ થઇ ગઇ બોસ!

...ને આ તો હજી લુખ્ખી આલી જ છે, પણ ડો. સિંહ ખરેખર કડક હાથે કામ લેવા માંડશે, તો એ હાથો કેવા કડક થઇ જશે, એનું પાકલાઓને ભાન છે?... આપણા હાથો પોતાની જગ્યા પરથી બે ઈંચ આમ કે તેમ હલી પણ નહિ શકે. કડક હાથોનું તો એવું જ હોય. કોઇ બગીચામા મૂકેલા પૂતળાંને અડી જોજો... એના હાથ હલી કે ખસી નહિ શકે. કડક પગલાંનું બી એવું જ હોય. સરકાર જ્યારે એ લેવા માંગતી હોય ત્યારે ચારે બાજુ ફફડાટ ફેલાઇ જાય. યાદ કરો જૂના જમાનાના ટોઇલેટોમાં સીમેન્ટના બે કડક પગલાં મૂકાતા... એ સહેજ બી હલતા’તા..? તમે આખેઆખા હલી જાઓ, પણ એ પગલાં હલે નહિ... ટ્રેનોના ટોયલેટોમાંથી વીજળીના બલ્બ, સ્વીચો કે અરીસા ચોરાઇ જાય છે, પણ આજ સુધી એ બંનેમાંથી એકે ય પુનિત પગલું ચોરાયું...? ન જ ચોરાય, કારણ કે, સરકારે ટોયલેટોમાં ય કડક પગલાં લીધા હોય છે..! (મસ્ત વાત કરી ને..?)

એકવાર નક્કી થઇ જાય કે આપણે વાઘને બચાવવા જ છે, એ પછી નક્કી કરવું પડે કે, વાઘોને કોનાથી બચાવવાના છે? વાઘોમાં કાંઇ આપણાં જેવું ન હોય કે જંગલ આખું જેનાથી ફફડતું હોય, એ હાળો એની વાઇફથી તૂટી જતો હોય. વાઘો ય આપણી જેમ પોતાની વાઘણોથી ન બીતા હોય.... બીજાની વાઘણોથી બીતા હોય, બોલો! યાદ રાખો મિત્રો. આ પવિત્ર પર્યુષણ-પર્વ નિમિત્તે લખવા બેઠો છું, એટલે ખોટું નહિ બોલું કે પોતાની સગ્ગી વાઘણથી ફફડી ગયેલા વાઘને તો પરમેશ્વર પણ બચાવી શકતો નથી.. આઇ મીન, અહીંના કર્યા બધા અહીં જ ભોગવવાના છે!

સરકારે તો વાઘોને બચાવવાનું કામ દેશની જનતા ઉપર છોડયું છે અને આજકાલ તો અમિતાભ બચ્ચને ય નવરો ઘૂપ થઇને ફરે છે. ડોહા પાસે કોઇ કામ નથી એટલે ટીવી પર આઇ-આઇને આપણને વાઘ બચાવવાની અપીલો કરવા માંડ્યા છે.વાત કેવી કોમિક થઇ રહી છે? રાત પડે, છતે એ.સી.એ આપણે ઘરમાં મચ્છરો મારવામાંથી ઉંચા નથી આવતા... રોજ રાતે કેવી સટાસટી બોલી જાય છે, એ કોઇ જોવા આવે છે? ને કાકા ‘વાઘ બચાવો- વાઘ બચાવો’ મંડયા છે. અગાઉ આપણને ‘પાણી બચાવો, વીજળી બચાઓ’ કહેવામાં આવતું હતું. પછી આખેઆખી ‘નર્મદા બચાવવાનું’ કામ આપણા નાજુક ખભાઓ પર છોડવામાં આવ્યું. પછી ‘મંદિર બચાવો’ ચાલ્યું.. દર વખતે શું બચાવવાનું છે, એ આમ પાછું આ લોકોનું કાંઇ નક્કી ન હોય. આજે આપણને વાઘ બચાવાનું કહે છે, આવતી કાલે શહેરમાં રખડતા કૂતરાં, ગાયો અને ઘરમાં અચાનક ઊડતા વાંદાઓ બચાવવાનું કહેશે. બચ્ચન ટીવી પર આઇને રામ જાણે બીજું શું ય બચાવવાનું લઇ આવશે? મારા જેવા એના કરોડો ચાહકો માટે તો અભિતાભ બચ્ચન ખુદ એક વાઘ છે અને ફિલ્મ ‘કુલી’ના એ ખૌફનાક એક્સિડન્ટ વખતે જરૂર પડી ત્યારે આખો દેશ એને બચાવવાના અભિયાનમાં જોડાઇ ગયો હતો.

હકી ખીજાણી. ‘અસોક... આ સુઊં કે’દું ના તમે વાઘના ફોટાંવ પાસે બેશી રિયા છો...? ‘‘મારે વાધું ને બચાવવા છે’, એવું રાડું પાડી પાડીને કોઇને ફોટાને અઇડવા દેતા નથી. શમ્રાટના છોકરાઓ અટાણથી શિંહ-વાઘુંના ફોટા ફાઇડતા શીખશે, તો કોક ‘દિ મોટા થઇને અસલી વાઘ-દીપડાં માઇરશે... એમન ફોટાંવ તો ફાડવા દિયો...’’

યાદ હે.. ‘વાઘ બચાવો’ પછી દેશમાં નવા સૂત્રો આવી રહ્યા છે... ‘‘અફઝલ ગુરુ બચાવો’’.... ‘‘અજમલ કસાબ બચાઓ’.. ‘‘અબુ સાલેમ બચાઓ’’....

સરવાળે થશે એટલું કે, અફઝલ, કસાબ કે સાલેમ તો તો ય બચી જશે... આપણાં રાષ્ટ્રીય પ્રાણી વાઘને કોણ બચાવશે..?

સિક્સર
આજે દેશને જરૂર છે, સચિન તેન્ડુલકર જેવા મહાન દેશભક્તોની.. જે T-20ની કરોડો રૂપીયા કમાવીઆપતી IPL Champions' League ટુર્નામેન્ટસમાં રમી શકે છે... પણ દેશ માટે વર્લ્ડકપમાં રમવામાં એ બિમાર પડી જાય છે! ‘મેરા ભારત મહાન.’

(Published on 15-09-2010)

No comments: