Search This Blog

02/08/2016

કાળું ગુલાબ

ઘરની કોઈ એકાદ વ્યક્તિ કાળી ધબ્બ હોય, એ સમજી શકાય, પણ રંગોની દુનિયામાંથી આખેઆખું ફૅમિલી રદબાતલ કરવું પડે, એટલું કાળું હોય, એ ઝટ માનવામાં ન આવે. હમણાં મારે આવા એક ફૅમિલીના ટચમાં આવવાનું થયું. ઘરના દરવાજે મને આવકારવા આવેલ હૉસ્ટને જોઇને વ્યવસાયે એ ભાઈ કોલસાના વેપારી હશે, એવું માની લીઘું. સમગ્ર દેહસૃષ્ટિમાંથી નોખો પડતો સફેદ રંગ એમની આંખોના ફક્ત ડોળા પૂરતો જળવાયો હતો. મને જોઇને એ હસતા નહોતા, એટલે ખબરે ય શું પડે કે, દાંત સફેદ છે કે, એ બી કાળા છે ?

મારે કોઇ પણ બહાનું બતાવીને એમને અડી જોવું હતું, જેથી ખબર પડે કે, આ કાળો રંગ અસલી છે કે, અડીએ તો ઊખડી જાય એવો છે ? વર્ષો પહેલાં હું અને મરહૂમ શાયર શેખઆદમ આબુવાલા ફિલ્મી હીરોઇન હૅલનને મળ્યા, ત્યારે અમારા બે ય ના માનવામાં નહોતું આવતું કે, આની સ્કીન ખરેખર આટલી ગોરી હશે કે, મોંઢે ચીઝના લપેડાં કરીને આવી હશે ? એના ગાલ પર આંગળી અડાડી જોવાથી ખબર તો બધી પડે પણ જગતમાં જ્યારે પણ આવા આશ્ચર્યો ઊભા થાય છે ત્યારે સાયન્સનો સહારો કદી મળતો નથી અને એમ કોઇ અડવા દેતું ય નથી, પરિણામે એ રહસ્યો મહજ રહસ્યો જ રહી જાય છે.

ત્યાં હું હૅલનને અડી નહોતો શક્યો, એમ અહીં આ કાળીદાસના ગાલમાં મારી આંગળી ઘોંચી શક્યો નહતો, નહિ તો મને ફખ્ર થાંત કે, સમાજ સમક્ષ હું એ રહસ્ય ખુલ્લું મૂકી શક્યો હોત કે, આંગળી કાળી થઇને પાછી આવે છે, પણ ગાલને કાંઇ થતું નથી. કાળા માણસોની પણ હથેળી તો ગોરી જ હોય છે, એટલે હાથ મિલાવવાથી હાથમાં કાંઇ આવે એમ નહોતું. હું હોઊં કે તમે, કાળા માણસને મળતી વખતે કમ-સે-કમ એટલું તો વિચારતા જ હોઇએ કે, આટલો કાળો છે, પણ એને સહેજ બી અભિમાન છે ? એના ચહેરા પર ગર્વનો છાંટો તો શું, નાનકડી એકાદી છાંટી ય નથી ટપ્પકતી કે, અસોકીયાને કેવો જલાવું છું...? લોકો તો માથે કાળી ડાઇ કરાવીને આવે છે, એમાં ય ગામ આખામાં ફરી વળે છે કે, ફક્ત રૂ. દસ હજારમાં જ કરાવી ! અને આણે આખું બૉડી પૅઇન્ટ કરાવ્યું છે, છતાં સાહેબ..... નમ્રતા જુઓ. સ્કીનની કાળાશ સ્વભાવમાં નથી આવી.

એમના ઘરની દિવાલોનો રંગ કોઇ સમજણપૂર્વક જ સફેદ કરાવ્યો હશે, જેથી તેઓશ્રી દીવાલને અડીને ઊભા રહે તો દીવાલ દેખાય. પણ આસમાનમાં એક ખરતો તારો જોઇ લીધા પછી, નસીબ હોય તો એકસામટા બીજા ૮-૧૦ તારા જોવા મળી જાય, એમ મને પાણી આપવા હાથમાં ટ્રે લઇને જે ‘માતોશ્રી’ આવ્યા, તેમને જોયા પછી... મને યાદ છે એ જુલાઈ મહિનાની પંદરમી તારીખ હતી, બહાર મૂળશધાર વરસાદ પડતો હતો અને મને એકસામટી આઠ હેડકી ખચાખચ-ખચાખચ-ખચાખચ આવી ગઈ હતી. એ તો મારી કૂંડળીમાં લખ્યું છે કે, આ શિશુ જ્યારે અત્યંત ભારે કાળો પદાર્થ જોશે તો એને આઠથી દસ હેડકીઓ ખચાખચ-સ્વરૂપે આવશે અને બહાર વરસાદ પડશે.

એ કાળું ઍન્જીન એમની વાઇફ હતું અને મારાથી ઊંમરમાં નાના હોવા છતાં, મેં એમને માટે ‘માતોશ્રી’ શબ્દ એટલા માટે વાપર્યો કે, ઉંઘમાં ય એ કાળા ગુલાબને મારા માટે કોઇ રૉમૅન્ટિક વિચારો ન આવે. અમે બન્ને મહાબળેશ્વર આમ તો મને એમનો બાબો ગણીને ખોળામાં સુવાડવીને રમાડે, એ પણ આ ભાવમાં મોંધું પડે, છતાં એને માતોશ્રી ગણવામાં ‘ભૂતપિશાચ નિકટ નહિ આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ....’ જેવા અનેક સંકટોમાંથી ઉગરી જવાની ગૅરન્ટી હતી. આ પદાર્થ એમની વાઇફ હતો, એનો અત્યારે મને આટલો આઘાત લાગે છે, તો આની સાથે લગ્નમંડપમાં ચોરીના ચાર ફેરા ફરતા આ ડામરને કોઇ ચક્કર-બક્કર પણ નહિ આવ્યા હોય, એવા બિહામણા ખાટા ઘચરકા ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને ના આવે...? (કેવા ઘચરકા કીઘા ?- જવાબઃ ખાટા ઘચરકા તો તમે કિયો છો... તમારી જગ્યાએ અમે હોત તો ‘‘કાળા ઘચરકા’’ આવત ! જવાબ પૂરો)

જૂના દેસી નાટકોની છાપામાં જાહેરખબરો આવે, એમાં ‘અમારા આગામી આકર્ષણો’ તરીકે બે-ચાર નવા નાટકોના નામો લખ્યા હોય. અહીં ડ્રૉઈંગ-રૂમની પછવાડેથી એમની જુવાનજોધ દીકરી પ્રગટ થઇ, એ ક્ષણે જ સ્વર્ગમાંથી દેવી-દેવતાઓએ ફૂલોની વાછટ કરી. સૉસાયટીની બહાર હાથીઓના ઝૂંડેઝૂંડ જતા હોય, એવા શ્વાસોશ્વાસ સંભળાવા લાગ્યા. હવાનો રંગ પણ કાળો પડવા લાગ્યો. એમણે હશે કોઇ ૧૫-૨૦ વર્ષો પહેલાં આવું વિશાળ કાળું ઝાડ ઘરમાં ઊગાડ્યું હોય, એવી માતબર સાઇઝની એમની દીકરીને જો ભવિષ્યમાં પરણાવવી જ હશે તો, એને પહોંચી વળવા માટે લગ્નમંડપમાં જ છ-સાત નવા નક્કોર મૂરતીયાઓનો ભોગ ધરાવવો પડશે. એકલો માણસ પતરાંની આ કૅબિનને પહોંચી જ ન શકે. બાથ ભરવા જાય તો ચાર-ચાર વરરાજાઓના પના ટૂંકા પડે. ચોરીને ફેરા વરરાજાઓએ ઘટનાસ્થળે જ વહેંચી લેવા પડે. પછી કાળક્રમે (આના કૅસમાં કાળક્રમે નહિ...‘‘કાળા-ક્રમે’’ વાંચવું !) આ કન્યાનો વિકાસ થતો જાય, એમ એમ એકએક મૂરતીયો વધારતા જવું પડે કારણ કે, પહેલાવાળો આની સાથે એકાદ વર્ષથી વધારે ખેંચી શક્યો જ ના હોય. ગૅપ પૂરવા માટે દર વર્ષે ૩-૪ મૂરતીયાઓ સ્પૅરમાં રાખવા પડે.

સાલું, તમારામાંથી એકપણ વાચકને સહેજ બી વિચાર આવે છે ખરો કે, પ્રૅક્ટિકલી એ વખતે હું શું, ક્યાં, કેવું અને શા માટે જોતો હોઇશ....? ‘જિધર ભી મૈં દેખું, ઉધર તૂ હી તૂ હૈ...’ એમ ચારે બાજુ મારા બૉડીને શ્યામ રંગ જ અથડાયે રાખે. એ વખતે એકલા માણસને કેવા વિચારો આવે કે, આ લોકો તો દૂધ પણ કાળું પીતા હશે ને ? હું ચાની હા પાડીશ તો કાળા ગાંઠીયા અને કાળી ચટણી/કઢી સાથે ચા ય કાળી આવશે ને ?

કોઇ મનુષ્ય પોતાના અલ્પજીવનના અંતીમ શ્વાસો લેતો હોય, ત્યારે તો એને પરમેશ્વરે સારા દ્રષ્યો દેખાડવા જોઇએ ને ? હું બઘું પતાવીને ઠેઠ ઉપર જવા નીકળતો જ હતો, ત્યાં એના કાળા બાપા એમના રૂમમાંથી બહાર નીકળ્યા. આટલી હદે કાળો માણસ તો ખુદ આ ત્રણ કાળીયાઓએ પણ નહિ જોયો હોય ! આટલા કાળા ડોહાને જોયા પછી એમની ત્રણે કાળી રચનાઓને જુઓ તો પેલી કહેવત કેટલી સાચી છે, એનો ખ્યાલ આવે, ‘‘કૂવામાં હોય તો હવાડામાં આવે ને ?’’ કહે છે કે, ‘‘આ ડોહો પરણ્યાની પહેલી રાતે જ વિઘૂર થઈ ગયો હતો. આપણને એની કોઇ નવાઇ ન લાગે. પરણ્યાની પહેલી રાત્રે આને જોયા પછી એની વાઇફ પાસે હાર્ટ-ઍટૅક સિવાય બીજો વિકલ્પે શું હતો ? ભારત દેશ પરંપરાઓનો દેશ છે. અહીં રંગો કરતા સંસ્કૃતિને વઘુ માન અપાતું હોવાથી કાળા ગોરધનને પરણ્યાની પ્રથમ રાત્રીએ હણી નાંખી શકાતો નથી. એની સાથે પ્રેમ કરી શકાતો નથી. એક તો રાત અંધારી ને એમાં દુલ્હનની દ્રષ્ટિ સામે કાળું ધાબું.... એને કોઇ ખ્યાલે ય કેવી રીતે આપી શકે કે, આમાં પેલાની મૂછો કઇ, કપાળ ક્યું, ગળું ક્યું અને એ પલંગ પર બેઠો છે કે નહિ...! ભલેને ટાઇમ હનીમૂનનો થઇ ગયો હોય, પણ એને બહુ નજીકે ન આવવા દેવાય... વાંદરો ગમે ત્યાં બચકું ભરી લે તો ય ગોરા બદન પર કાળું ચકામું પડી જાય. આ લોકોને એક વાતની ગૅરન્ટી. મૅરેજ પછી બાબો આવે કે બૅબી, કલર બાબતે કોઇ ઝગડો જ નહિ...!... સિવાય કે, બાબો ધોળો આવે !’’

મિસ્ટર અશોક દવે...! બીજાના રંગોની ફિરકી લો છો...આપશ્રીએ અરીસામાં ક્યારે ય આપનો પોતાનો કલર જોયો છે ? તમને જોયા પછી રાજ્યના ૯૮-ટકા કાળીયાઓને નિરાંત થાય કે, ‘‘હાઆઆઆ...શ, આપણે આના જેવા કાળા નથી....! તમે તમારી માંડો ને...!’’

બસ. વાર્તા પૂરી. ફિલ્મ ‘સફર’માં રાજેશ ખન્ના શર્મીલા ટાગોરને કેવી ઉમદા ફીલસૂફી સંભળાવે છે ? હૉસ્પિટલમાં આપણે કોઇની ખબર કાઢવા એટલા માટે તો જઇએ છીએ કે, જાતને રાહત આપી શકાય કે, આ બિચારો કેવો લાંબો થઈને પડ્યો છે...? થૅન્ક ગૉડ, આપણે આના જેવા લાચાર નથી, બેબસ નથી...આપણી તંદુરસ્તીનો માપદંડ બીજાની નબળી તંદુરસ્તી ઉપર હોય છે..

મને આ ફૅમિલીએ એક આનંદ બહુ મોટો આપ્યો કે, હું આ લોકો જેવો કાળો નથી....! મને જુઓ તો ખબર પડે કે, ઇશ્વરે તમને અશોક દવે જેવા ડામર નથી બનાવ્યા....!

કાળા અને જાડા લોકો સમાજને આ રીતે પણ કેવું સુખ આપે છે ?

સિક્સર
- આ પાકલાઓ કેવા ભ્રષ્ટાચારી ક્રિકેટરો નીકળ્યા...?
- બહુ ખુશ થવા જેવું નથી....આપણું બહાર આવે ત્યાં સુધીની જ વાત છે...!
(Published on 22-09-2010)

No comments: