Search This Blog

09/08/2016

સવા ફૂટની સ્ટોરી

(પ્રસ્તુત લેખમાં વારસાગત કે પંગુતાને કારણે સવા ફૂટની રહી ગયેલી વ્યક્તિઓની વાત નથી. એટલે કે, સર્કસમાં હોય છે, એવા મિજીટ (midget), ડ્વૉફ (dwarf) કે પિગ્મી (pygmy) ની વાત નથી. મારા-તમારા સર્કલમાં ટુંકા... સમજો ને, કોઈ પાંચ ફૂટ અને તેનાથી ય ટુંકા રહી ગયેલા માણસોનો અહીં ઉલ્લેખ છે. તેમ છતાં, આ લેખના કોઈ શબ્દમાં પણ ઓછી હાઈટ ધરાવનારાઓની મજાક ઉડાડવાનો કોઈ પ્રયાસ નથી.)

સુનિલ ગાવસકર જેની પાસે લાંબો તાડ જેવો લાગે, એવો અમારો મસ્તુ પરીખ અમારા સર્કલમાં 'ગટ્ટી'ને નામે ઓળખાય છે. આપણા દેશમાં એક પણ ઠીંગણો એના પોતાના નામથી ઓળખાતો નથી. વ્હેંતીયો, ઢીચકો, બાંઠીયો, મુકરી, દેઢ ફૂટીયો કે 'અડધી ચડ્ડી' નામો જીભે ચઢેલા છે. 'ગટ્ટી' નામ બી બહુ ઉપડયું છે. ''ક્યો મસ્તુ પરીખ ?'' જવાબ, ''આપણો ગટ્ટી, યાર.''

નિર્વિવાદ છે કે, ઑલમોસ્ટ મોટા ભાગના બાંઠીયાઓ બુદ્ધિના સૉલ્લિડ ધની હોય છે. ગુસ્સે થતો ગટ્ટી તમે ભાગ્યે જોયો હશે. આ કરામત ઉપરવાળાની હશે કે, બહુ ઓછા વ્હેંતીયાઓના નાક અણીદાર હોય. આખા શરીરના તમામ અવયવોમાં સૌથી મજબુત એમના પગના પંજા હોય... કારણ કે, અડધી દુનીયા એમને પંજા ઉપર ઊંચા થઈ થઇને જોવાની હોય છે. એમણે સ્વીકારી લીધું હોય છે કે, એમને ઊંચાઈ નહિ આપીને ઈશ્વરે પોતાની નીચાઈ બતાડી દીધી છે. પોતાના ઉપર થતી મજાક હસી કાઢવામાં વ્હેંતીયાઓ ખેલદિલ હોય છે, એનું એક કારણ કેટલાક લંબુઓ એવું બતાવે છે કે, 'મજાક સહન ન કરે તો બીજું કરી ય શું શકે ? એમનો ફિઝિકલ બાંધો અને શક્તિ એટલા પર્યાપ્ત નથી હોતા કે, કોઈની સાથે મારામારી કે ઝગડો કરી શકે.' આ વાતમાં થોડું તથ્ય હોવા છતાં દલીલ સાથે હું સહમત નહિ કે, ફક્ત એમની અસમર્થતાને કારણે પોતાના પરની મજાકો આ લોકો સહન કરી લે છે. સહન કોઈ નથી કરતું.... વખત આવે, આ લોકો છાતી સોંસરવો પલટવાર કરી જાણે છે. 'બહોત લમ્બા, બહોત બેવકૂફ' ઉત્તર ભારતમાં પડેલી કહેવત છે, પણ ટીંગુજીઓ પ્રીડૉમિનન્ટલી બુધ્ધિમાન હોય. મારામારી સિવાય બીજી હજાર રીતે આ લોકો ભલભલાની ઊંઘો હરામ કરી શકે, એવા સમર્થ હોય છે. શરીરની ઊંચાઈ ઓછી, પણ મગજની લંબાઈ આપણા કરતા ય ઘણી ''પહોંચ'' વાળી.

હાઈટ અને પહોળા ખભાવાળા પુરૂષો બેશક 'માચો' પર્સનાલિટી ધરાવે છે. એમની બાજુમાં ઊભા રહીને ફોટા પડાવો તો એમના ફોટા ય સારા આવે છે. અમદાવાદના એક સફળ ઍડવોકેટ અને નિષ્ફળ પોલિટિશિયનના સસુરજી છ ફૂટ ઊંચા અને સાસુ ઢીંચકા હતા. વર્ષો પહેલા મૅરેજના એક ફંકશનમાં બન્નેએ સાથે ઊભા રહીને ફોટો પડાવ્યો, એમાં હાઈટનો પ્રોબ્લેમ ન થાય એટલા માટે વાઇફને પાટલા ઉપર ચઢાવી દેવામાં આવ્યા. તોફાની ફોટોગ્રાફરે એ પાટલો દેખાય એવો ફોટો લીધો. આજે પણ એ ફોટો બ્લૅકમાં વેચાય એવો કિંમતી ગણાય છે.

સ્ત્રીઓને લગતી ટીંગુજીઓની બે વાતો અનોખી છે. એકાદ અપવાદને બાદ કરતા બધાને વાઇફ લાંબી મળેલી હોય છે. અને બીજું, દુનિયાના મોટા ભાગના મુકરીઓ વાઇફ સુંદર ઉઘરાવી લાવ્યા હોય છે. એમાંના ભાગ્યે જ કોઇની વાઇફ કાટમાળ હશે. પણ બીજી વાત વધુ જોરદાર છે કે, એકેય ટીંગુને પોતાના માપની સ્ત્રીઓ ગમતી નથી. એમને બી પ્રેમ અથવા પ્રેમોમાં પડવા માટે જોઇએ તો સુસ્મિતા સેનો કે દીપિકા પદુકોણો જ ! પસંદગીના ધોરણોમાં આ લોકો ક્વૉલિટી સાથે કોઇ સમાધાન કરતા નથી. કૉલેજમાં અમારી સાથે એક સવા ફૂટીયો હતો, તે પોતાનાથી દોઢી ઊંચી છોકરીઓને જ એના પ્રેમમાં પડવાનો ચાન્સ આપતો... બહુ મોટું મન, પણ એ વખતની છોકરીઓમાં થોડીઘણી અક્કલ ખરી ને એટલું વિચારે કે, મૅરેજ આની સાથે થશે તો રસોઇ સિવાય હાળું બધું બબ્બેવાર કરવું પડશે...! એકલે હાથે આવડો આ પહોંચી નહિ વળે, એટલે હાથમાં આવેલો ચાન્સ એ વખતની તમામ છોકરીઓએ ગૂમાવેલો.

પણ ટીંગુઓને છોકરી લાંબી ગમે એમાં પેલી કહેવત એમને કારણે જ પડી હશે. પેલી એટલે અડધી અહીં લખાય એવી નથી અને બાકીની અડધી એટલે, ''...તોય તોપખાનામાં નામ નોંધાવવા જોઈએ !''

તો અમારો આવો મસ્તુ મુંબઈના ઍરપૉર્ટ પર અમદાવાદની ફલાઈટ પકડવા લાચાર થઈને ટાઈમો પાસ કરતો હતો. શરીર હજી આખું હતું, એટલે ટાઇમો પસાર કરવા માટે, હાલમાં ઍરપૉર્ટ પર ઉપસ્થિત ભારત દેશની તમામ સુંદર સ્ત્રીઓને નિરખી-નિરખીને મનમાં મૅરેજો કરતો હતો. કહે છે કે, ''ચક્ષુ-વિવાહો'' કુંવારાઓ કરતા પરણેલાઓના વધારે થાય છે. બીજી કોઇ સારી નજરે પડે તો પહેલીવાળીને ઘટનાસ્થળે જ છુટાછેડા આપી દે. Justice delayed is justice denied. મસ્તુનો ટેસ્ટ ઊંચો એટલી હાઈટ ઊંચી નહિ, પણ કોઈ નીચા ટેસ્ટવાળી ઊંચી યુવતી એને પસંદ કરે, તો આ બાજુ મન મોટું છે.

અને એટલા વિરાટ ઍરપૉર્ટ પર સેંકડોની વચ્ચે મસ્તુની નજરે પડી, પોણા છ ફૂટ લાંબી આકૃતિ. નો ડાઉટ, બહુ સુંદર સ્ત્રી હતી. પૂરતા જથ્થામાં એના લહેરાતા સિલ્કી-બ્રાઉન વાળ તો બીજી સ્ત્રીઓય પાછળ વળી વળીને જોતી હતી. આવામાં પોતાને મંગળ નડે છે કે, બા ખીજાશે કે પછી પેલીની ઇચ્છા હશે કે નહિ, એ બધું ના જોવાય. અત્યારે તો નામ નોંધી લેવાનું હોય. મસ્તુને એ ગમી ગઇ, એટલે મૅરેજ તો અડધા જ બાકી રહ્યા ને ? પાછી સાવ એકલી હતી. એણે વ્હાઈટ પૅન્ટ અને વ્હાઈટ શર્ટની ઉપર વ્હાઈટ બ્લૅઝર પણ નીચે બ્લૅક શૂઝ પહેર્યા હતા, એ મસ્તુને ના ગમ્યું. આમાં તો નીચે સ્ટાર્ક-રૅડ શૂઝ જ જોઈએ. 

પણ માય, માય માય....! આટલી મસ્ત હાઈટ છતાં કમર-બમર કુછ નહિ.... બિલકુલ પતલી કમરીયા. મસ્તુ ચીજોની આરપાર જોઇ શકતો હતો એટલે બ્લૅઝર પણ જોયું, એ જ ક્ષણથી 'યુદ્ધ અને શાંતિ'માં માનતો બંધ થઇ ગયો... હવે તો યુધ્ધ એ જ કલ્યાણ !

આવું કાંઇ થાય એટલે મસ્તુને કુતુહલો બહુ ઉપડે. 'કઇ ફલાઇટમાં જવાની હશે ? ઓહ નો. આપણા એવા નસીબ ક્યાં કે, એ આપણી જ ફલાઇટમાં આવે !'

એ તો પિલરની પાછળ જઇને ઍન્ગલ ગોઠવીને એને પાછળથી જોઇ, ત્યારથી તોપખાનામાં નામ નોંધાવી આવવાનું નક્કી કરી નાંખ્યું કે, આવી સ્ત્રી સાથે ફલાઇટમાં બેસવા મળતું હોય તો અડધા શહેરને તોપના ગોળે ફૂંકી મારવું ! અડધું એટલા માટે કે, બાકીની તો સ્ત્રીઓ હોય ને ? ઘણી સ્ત્રીઓ ફક્ત સામેથી સુંદર લાગતી હોય છે. પાછળથી જુઓ તો એકેય ખાડો/ટેકરો માપસરનો નહિ. આ તો વળાંકોના વિશ્વમાં હલચલ મચાવી દે, એવા આકારો લઈ આવી હતી. મસ્તુને ખાત્રી કે, ઍરપોર્ટની જે સીટ પર એ બે ઘડી બેસશે, એ જગ્યા આવનારા હજારો સાલ સુધી તીર્થસ્થાન બની જવાની. આજીવન-દાતા તરીકે પહેલો ફાળો આપણો ગણવો. તખ્તી ઉપર નામ આપણું આવવું જોઈએ.' એ બડબડયો. 

મસ્તુએ ધારવાનું એટલું જ હતું કે, એ કઇ ફલાઇટમાં જશે ? મુંબઈ-ચૅન્નઈ ? મુંબઈ-કોલકાતા ? મુંબઈ-દિલ્હી ?... આપણી મુંબઈ-અમદાવાદવાળીમાં તો દર વખતની જેમ, દુબાઈ-શારજાહવાળા ખભે થેલી ભરાવેલા સુથાર-કડીયાઓ જ હોય અને એ લોકોના વાળ સિલ્કી ને લહેરાતા ન હોય. એમની બાજુમાં બેસો તો પૅરિસના પરફ્યૂમની નહિ, સીમેન્ટ-ચૂનાની ગંધ મારતી હોય. એમના શરીરના વળાંકો કે એ લોકોની છાતીના પાટીયા શું તંબૂરો જોવાના ? ખુદા કભી છપ્પર ફાડ કે નહિ દેતા.... કાયમ કાણા પાડકે દેતા હૈ.....! બાજુમાં આ બેઠી હોય તો ક્યાંક એનો હાથ પણ અડી જાય... સુથારની તો કરવત અડે.

મસ્તુ પોતે ફૂલટાઇમ પૈણેલો હતો, છતાં પેલી પરણેલી હશે કે કુંવારી, એ વ્યવસ્થાઓ તપાસી જોવાનો કોઇ મતલબ નહોતો. સરવાળે એ જો પરણેલી નીકળે તો એક બચકું ડાયરૅક્ટ એના ગોરધનના ખભા ઉપર ભરી આવવું જોઇએ....'' તારી ભલી થાય ચમના, છોકરીઓને ઍરપૉર્ટ પર આમ છૂટ્ટી મૂકી દેવાય ? આ તો ઠીક છે, અમે બેઠા છીએ....  બાકી કોઇનો વિશ્વાસ થાય એવો છે આ જગતમાં ?''

પછી તો એ સિધ્ધિનું એવું સોપાન સર કરવા ગઇ, જ્યાં પુરૂષો જઇ શકતા નથી, એટલે એને જામીન પર છોડી દેવી પડી. વિશ્વપ્રસિદ્ધ ઇમારતોમાં પુરૂષોએ ફક્ત આ સ્થાપત્ય અંદરથી જોયું હોતું નથી. અને આ બાજુ ભાઇને પ્લેનમાં બેસી જવું પડયું. બાજુવાળી સીટમાં હજી કોઇ આવ્યું નહોતું, એટલે મનમાં ડર પેસી ગયો હતો કે, કોઇ આલતુ-ફાલતુ તો નહિ આવી જાય ને ?

...અને સાહિરના શબ્દોની જેમ, દૂર પર્વતની ટોચ પર સૂરજ ઊગે અને સોનું ઢોળાતું લાગે, એમ વિમાનના દરવાજે સૂરજ ઊગ્યો. મસ્તુએ એને જ આવતી જોઇ.... અને તે ય પોતાની સીટ ઉપર ! ''ઉફ....ફોઓઓ....આ તો બિલકુલ મારી જ બાજુમાં છે....!'' પરમેશ્વરને એણે કદી આટલો દયાળુ નહોતો ધાર્યો. આજથી ૩૦,૦૦૦-વર્ષો પહેલા મોરબી અને વાંકાનેર વચ્ચે જે સ્માઇલને કારણે ધિંગાણાં ફાટી નીકળ્યા હતા, તે જ સ્માઈલ આટલા વર્ષો પછી પેલીએ વાપરવા કાઢ્યું અને મસ્તુને આપ્યું, પોતાની સીટ ઉપર હાથ મૂકીને એ ઇંગ્લિશમાં એટલું જ બોલી, 'I hope, this is 36, na...? મસ્તુના શરીરમાં જેટલા ગોખલાઓ હતા, ત્યાં બેઠેલા બધા કાગડાઓએ ચીચીયારીઓ અને ચીસો પાડીને ''કા...કા...કા...કા...કા....'' કરી મૂક્યું. આવામાં તો કાગડાઓ આમ જ રીઍક્ટ કરે. કૅરી-બૅગ મૂકવા માટે પેલીએ ઊભા ઊભા ઉપરની અભેરાઈ ખોલી, એ તબક્કો મસ્તુ માટે સાહસિક પણ લાવણ્યમય હતો. આવા દ્રષ્યો વખતે દૂરબીન (ઓહ....આ કૅસમાં માઈક્રોસ્કોપ....!) ક્યાં ગોઠવવું, એ કાંઇ મસ્તુને શીખવવું પડે એમ નહોતું. એ થોડો સ્વાર્થીય ખરો કે, ફલાઇટ ઠેઠ અમદાવાદ પહોંચે, ત્યાં સુધી અભેરાઇ પકડીને એ આમ જ ઊભી રહે તો.... અપંગ-સેવા માટે એ તૈયાર હતો. 

એ બાજુમાં જ આવીને સ્માઇલ સાથે બેઠી. મસ્તુને સ્માઈલો આલતા બહુ ફાવતું નહોતું, એટલે ના આપ્યું. જરા ડઘાઈ ગયો હતો. ખુશી બર્દાશ્ત કરવાની હદ બહાર નીકળી ચૂકી હતી.

પણ હવનમાં હાડકાં નાંખનારાઓ આપણા દેશમાં ક્યાં ઓછા છે ? ક્યાંકથી કશી ગંધ મારતી હતી... સહન ન થાય એવી, મસ્તુ અકળાયો. એક બાજુ આ બેઠી છે, જેના નાકમાંથી નીકળતો એકેએક શ્વાસ મારી શ્વાસનળી જ નહિ, અન્નનળીઓમાં પણ ભરી લઉં ને બીજી બાજુ આ સાલી ગંધ ક્યાં મારે છે ?.... તીવ્ર થતી જાય છે.

ભેદ બહુ આકરો ખૂલ્યો. પેલીએ નવાનક્કોર સ્માઇલ સાથે સામે ચાલીને મસ્તુને ''હલ્લો...'' કીધું, એમાં મસ્તુના આખા ચેહરા પર, શરીરની નસનસમાં પેલીનો ઉચ્છશ્વાસ હૂલ્લડની પોલીસની જેમ ફરી વળ્યો.... ઍટેક ડાયરેક્ટ હતો, એટલે એ આટલો કડવો, ખાટો અને પાયોરીયાના રોગવાળો ઉચ્છશ્વાસ સીધો મસ્તુની નાભી સુધી પહોંચીને આખું શરીર હચમચાવી ગયો. કાચી સૅકન્ડમાં તો મસ્તુને જગતભરની સ્ત્રીઓ પ્રત્યે નફરત થઇ ગઇ. વિન્ડો-સીટ મળી હતી, એટલે બારીના કાચ સાથે એ સજડબંબ ચોંટી ગયો.

અમદાવાદ આવતા સુધીમાં ત્રણમાંથી એક ઊલટી તો પેલીના બ્લૅઝર ઉપર કરી... જાણકારો કહે છે, ચાઇ-જોઈને કરવામાં આવેલ આ હૂમલો પૂર્વઆયોજીત હતો, જેથી પેલી સીટ બદલે.

૬૫-મિનિટની પૂરી ફલાઈટ મોંઢે રૂમાલ દબાવીને પૂરી કરે, એવા મુસાફરો હવે તો થતા પણ નથી.

એ હવે જાણતો થયો કે, ૯૯-ટકા સ્ત્રીઓ સુંદર હોય છે... ને બાકીની એક ટકો આપણને પરણવા માટે બાકી રહી ગઇ હોય છે...મસ્તુને પહેલી વાર પોતાની ટૂંકી હાઈટનો આજે અફસોસ ન થયો ! જે શી ક્રસ્ણ.

સિક્સર
- કહે છે કે, ગુજરાતની પોલીસ માટે ટોટલ દસ ફૂટનું અંતર દોડી શકવાની પરીક્ષાઓ લેવાવાની છે....
- એક માન્યતા મુજબ, કુલ દસ પોલીસોય પાસ નહિ થાય !

(Published on 10-11-2010)

No comments: