Search This Blog

18/09/2016

ઍનકાઉન્ટર : 18-09-2016

 * ગુજરાતના શિક્ષણ માટે શું કહેશો ?
- ડોનેશન મોકલાવો, તો કહું !
 (યશ સવાણી, સુરત)

* પ્રેમમાં સૌથી વધુ શેની જરૂર પડે છે ?
- બે શરીરોની.
 (શૈલેષ લશ્કરી, તરસમીયા)

* ટ્રાફિક-સિગ્નલ જોવા છતાં લોકો કેમ હોર્ન મારમાર કરતા હોય છે ?
- આમાં તો રિયાઝ પાકો જોઈએ...!
 (ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

*  પનામા પેપર્સમાં તમારૂં નામ ન જોઈને તમને દુઃખ થયું કે આનંદ ?
- મને પહેલેથી જ પબ્લિસિટીનો મોહ નહિ !
 (ડૉ. ભરત સોનીગરા, મોટા આંકડીયા-અમરેલી)

*  ત્રણે પેઢીઓના વિચારો એકસરખા ક્યારે થશે ?
- પેઢી હોલવાઈ જવામાં હોય ત્યારે.
 (રાજેન્દ્ર પઢારીયા, ડૉમ્બિવલી)

* વોટ્સએપ અને ફેસબુક બાદ બચેલા સમયનું શું કરવાનું ?
- એ બધાને તમારા મેસેજ પહોંચી ગયા કે નહિ, એ જાણવા બધાને ફરી મેસેજ મોકલો.
 (બ્રિજ જતિનભાઈ પટેલ, પાટણ)

* મોદીસાહેબને તમે લખેલા પત્રનો કાંઈ જવાબ આપ્યો ?
- હું આજે ય મોદીનો મોટો ફેન છું... જ્યાં ફરિયાદ હતી, એ પત્રમાં લખી હતી. એ જવાબ આપે, એ જરૂરી નહોતું... કાંઇક અમલમાં મૂકે, એ જરૂરી હતું. !
 (રૂપાલી જે. જાની, વડોદરા)

* તમે જામનગર આવી ય ગયા...? મારે તમારા જેવા મહાન હાસ્યલેખકને ખાસ મળવું હતું !
- તમારા નામમાં કોઈ ફેરફાર થાય એવો છે...?
 (હાર્દિક ચૌહાણ, જામનગર)

* બધા મા-બાપે પોતાના એક સંતાનને ફરજીયાત લશ્કરમાં મોકલવા જોઈએ...સુઉં કિયો છો ?
- હમણાં નહિ. એક વાર કાશ્મીરમાં રોજના પાંચના હિસાબે આપણા જવાનો શહીદ થતા બંધ થાય પછી તમારી યોજના લાગુ પડે.
 (હેમાંગી કાકુ, જામનગર)

* તમારે ધો. દસમાં કેટલા ટકા આવ્યા હતા ?
- આખા ક્લાસના ભેગા કરીને, બધું મળીને ૮૨ ટકા થતા હતા.
(વૈશાલી મકવાણા, ભાવનગર)

* ગરમી બહુ પડે છે. કારણ બતાવશો ?
- હા. એનું બેલેન્સ બરોબર રહેતું નથી, એમાં પડી જાય છે.
(નિકુંજ પી. ગાંધી, વડોદરા)

* શું તમે લખવાનું અને લગ્ન કાચી ઉંમરે શરૂ કર્યા હતા ?
- અઅઅમ્મ...! મને ડર હતો જ કે કોક ને કોક દહાડે આ રાઝ ખુલી જ જશે !
(કિશોર વૈષ્ણવ, મુંબઈ)

* વરસાદ કેમ ધાર્યા મુજબ પડતો નથી ?
- એ હવામાન ખાતામાં નોકરી કરતો નથી, માટે !
 (જીતેન્દ્ર કેલા, મોરબી)

* સોનિયાજીને 'બહુ' કે 'બહુમત', બેમાંથી એકે ય કેમ મળતું નથી ?
- એમને 'રાહુ' નડે છે !
 (પ્રબોધરાય જાની, વસાઈ-ડાભલા)

* મોબાઈલમાં હવે નવું શું આવી શકે એમ છે ?
- કહે છે કે, અમુક ઍપ નંખાવો, તો આપણું બધું બિલ બાજુવાળાના ઘેર આવે !
 (વાહિદ સૈયદ, ધંધુકા)

* તમને ક્યારેય એવું લાગ્યું કે, તમારા વાઈફ તમને છોડીને જતા રહેશે ?
- આ જગતમાં બધું આપણું ધાર્યું ક્યાં થાય છે, ભાઈ !
 (ગોપાલ કડવાણી, અમરેલી)

* તમારી પત્ની 'રામપ્યારી' છે... તો 'અશોકપ્યારી' કોણ છે ?
- પહેલા એકલા સની દેઓલનો જ ડર લાગતો... હવે 'રૂસ્તમ'નો ય લાગે છે !
 (જીગીશા પી. પટેલ, વલ્લભવિદ્યાનગર)

* વરસાદમાં વગર રેઈનકોટ કે છત્રી, છતાં ખુલ્લા મેદાનમાં એ ધોધમાર ઊભો રહ્યો,  છતાં પલળ્યો નહિ. શું કારણ હશે ?
- ડોબો કહેવાય !
 (પરસોતમ ચાવડા, મેંદરડા)

* રોજ હસતા રહેવાની ચાવી કઈ ?
- ભૂલેચૂકે ય અરીસો નહિ જોવાનો!
 (શિવમ હીરાણી, જૂનાગઢ)

* મોટા દિવંગત નેતાઓની જેમ, દેશના જવાનો શહીદ થાય ત્યારે કેમ રાષ્ટ્રીય શોક જાહેર થતો નથી ?
- જવાનો રોજના પાંચ મરે છે... નેતાઓ માટે દેશનું એવું નસીબ ક્યા ?
 (મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ટી.વી. આપણો પીછો ક્યારે છોડશે ?
- ઘરમાં કોક તો સ્ટુપિડ વાતો કરનારૂં હોવું જોઈએ ને ?
 (અપર્ણા ભદ્રેશ દેસાઈ, નાલાસોપારા)

* રાહુલજી એકલા પડી ગયા છે, એમાં નમોનો હાથ હોય, એવું નથી લાગતું ?
- ના. મોદી ગમે ત્યાં હાથ નાંખે એવા નથી.
 (પ્રકાશ શાહ, દીવ)

* સત્યવાદી રાજા હરિશ્ચંદ હવામાન ખાતું સંભાળતા હોત તો ?
- તો એમને જવાબ રાણી તારામતિને આપવો પડત... અને એ વધારે અઘરૂં પડત!
 (મધુકર માંકડ, જામનગર)

* શું આપણે તો વેકેશનમાં પત્ની પિયર જાય ત્યારે જ 'અચ્છે દિન' સમજવાના ને ?
-હા, પણ એ તો આપણા બન્નેમાંથી કોની પત્ની પિયર જાય, એ જોવું પડે ને ?
(દીપક આશરા, ગાંધીનગર)

* હવે રાહુલબાબા કોંગ્રેસ-પ્રમુખ થઈ જવાના. હવે તો દેશનો ઉદ્ધાર થશે ને ?
- બાળવિભાગના પ્રશ્નો અમારી 'ઝગમગ પૂર્તિ'માં પૂછવા.
 (રાજેન્દ્ર જોશી, નવી મુંબઈ)

* તમે હજી ૬૪ની ઉંમરના લાગતા નથી. એનું શું રહસ્ય ?
-  તે ના જ લાગે ને...? હું ૬૫નો થયો!

(રેખા પટ્ટણી, અમદાવાદ)

No comments: