* મનોજ કુમારને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ મળ્યો. તમારૂં શું માનવું છે ?
- ફિલ્મી પરદા ઉપર કલાને નામે છીછરૂં સૅક્સ તો એણે ય રાજ કપૂર અને
વ્હી. શાંતારામની માફક પૂરધોધ વહાવ્યું છે... દરેક કલાનો રીવૉર્ડ તો હોય ને ?
(રાકેશ પટેલ, વડોદરા)
* 'આંખોમાં આવે તો સપનું કહું, કોઈ હૈયે આવે તો શું કહું ?'
- વિક્સનો છાતીએ ચોળવાનો બામ.
(રવિ એસ. ગોર, જુનાગઢ)
* લગ્નના પ્રારંભમાં સ્ત્રીને એની સાસુ 'મા' લાગે છે, પણ સમય જતા 'કાળી મા' લાગે છે...કેમ ?
- તે સારૂં ને...? મનુષ્યમાંથી સીધો દેવી અવતાર મળી ગયો...!
(ધ્રુવી પ્રજાપતિ, અમદાવાદ)
* કૉંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહ ૭૪ વર્ષની ઉંમરે પણ બીજવર બની
શકતા હોય તો કૂંવારા ઉપપ્રમુખ રાહુલ ગાંધીને કયો ગ્રહ નડતો હશે ?
- રાહુલજી હજી એમના સગા કાકા સંજય ગાંધીજીની બાયોગ્રાફી વાંચે, તો ધોધબંધ પ્રેરણાઓ મળે એમ
છે.
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)
* ટૅટુમાં પ્રેમીનું નામ ચીતરાવી લીધા પછી પ્રેમી બદલાય તો શું કરવું ?
- જો ભ'ઇ...પ્રેમીઓ તો પચાસ આવશે... હાથ પર એક વાર કોતરાવેલો શીલાલેખ તો હાથ
સાથે જ જાય...આપણા માટે હાથ અગત્યનો છે કે, પ્રેમી ?
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)
* રિશી કપૂરે દરેક જગ્યાએ ગાંધી-પરિવારના નામ મૂકાવવા અંગે બિનધાસ્ત
ગુસ્સો વ્યક્ત કર્યો છે....
- એ લોકોનું ચાલે તો 'નરેન્દ્ર મોદી' નામ બદલાવીને 'નરેન્દ્ર નહેરૂ' કે 'નરેન્દ્ર ગાંધી' કરાવી દે.
(મધુકર મેહતા, વિસનગર)
* પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓના માથે ટાલ કેમ ઓછી પડે છે ?
- સ્ત્રીઓ જીભથી વિચારે છે, માટે !
(જયેશ અંતાણી, ભાવનગર)
* ઈતિહાસમાંથી તમારે કોઈ એક પાત્ર પસંદ કરીને એક સવાલ પૂછવાનો હોય તો
પાત્ર કયું અને સવાલ કયો પસંદ કરશો ?
- હું મહાન સમ્રાટ અશોકને પૂછીશ, 'આપણા ઘરની ચાવી ક્યાં મૂકી
છે ?'
(કુણાલ ગૌરવ, ઉદવાડા-વલસાડ)
* 'ઍનકાઉન્ટર'માં ક્યારેક જવાબ આપવામાં મુશ્કેલી પડે તો કોને યાદ કરો છો ?
- તરત પત્નીનો ફોટો કાઢીને જોઈ લઉં છું... 'હું આને ઉલ્લુ બનાવી શકું
છું, તો
બાકીના બધા તો... હંહ!'
(ધવલ સોની, ગોધરા)
* તમારા પત્ની તમને બીજું લગ્ન કરવા કહે તો શું કહો ?
- 'તારા ફાધરને કહે, બીજા લગ્નનો ખર્ચો પૂરો આપે... પહેલામાં તો મામુ બનાવી ગયેલા !'
(સૌરભ એમ. કાકા, જાંબુઘોડા)
* સલમાનના લગ્ન થશે ખરા ?
- હવે તો મને તમારા ય થશે કે નહિ, એની ચિંતા થવા માંડી છે...!
(ફૈયાઝ ખત્રી, રાજપારડી-ભરૂચ)
* 'ઍનકાઉન્ટર' અને 'બુધવારની બપોર' સિવાય તમારા અન્ય લખાણો ખરા ? તમારા લેખોનો ભક્ત...!
- અન્યમાં તો રામાયણ અને મહાભારત મેં લખ્યા હતા, એટલું યાદ છે...!
(આકાશ રાચ્છ, મોરબી)
* દરેક મા-બાપે પોતાના એક સંતાનને આર્મીમાં ફરજીયાત મોકલવો જોઈએ...
સુઉં કિયો છો ?
- અને એવા મા-બાપને સરકારે ખાસ મોટી રકમ દર મહિને આપવી જોઈએ, જેથી દીકરાની
ખોટ ન લાગે ! હવે તમે સુઉં
કિયો છો ?
(હેમાંગી કાકુ, જામનગર)
* અશોકભાઈ, તમારો જન્મદિવસ ચાર વર્ષે (૨૯ ફેબ્રુઆરીએ) આવે છે... કેવું ફીલ કરો
છો ?
- એમાં કમાવાનું કાંઈ નથી. લગ્નવિધિ ચાર વર્ષે આવતી હોત, તો તોતિંગ બચત થાત !
(બ્રિજ જતિન પટેલ, પાટણ)
* માણસ બીજાનું જોઈને દુઃખી થાય છે અને બીજાનું અનુકરણ કેમ કરે છે ?
- આપણા ટીવી કરતા બાજુવાળાના ટીવીની સીરિયલોમાં હીરોઈનો વધુ સુંદર
લાગતી હશે, એવું બધાને લાગે છે... સાલું, આપણે એ જ ટીવી લઇ આવીએ, તો ય હીરોઇનો તો એવી ને એવી
જ રહે છે ! કાગડીઓ બધે કાળી...!!
(ધનેશ શેઠ, ધ્રાંગધ્રા)
* તમારો અન્નકૂટ-ધનકૂટવાળો લેખ ગમ્યો. ભગવાન સર્વશક્તિમાન હોય તો આવું
બધું ચઢાવવાની કોઈ જરૂર ખરી ?
- 'હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામ-એ-ગુલિસ્તા ક્યા હોગા...?'
(કાંતિલાલ વી. ખંડોર, મુંબઈ)
* આતંકવાદીઓને સહાય કરતા પાકિસ્તાનને અમેરિકા શું કામ મદદ કરે છે ?
- કોઈ ભિખારી દાનદક્ષિણા વિના પાછો નહિ જવો જોઈએ, એવો એ લોકોનો મત !
(જયેશ વી. જરીવાલા, સુરત)
* ફિલ્મો વિશેની તમારી અગાધ જાણકારીને લક્ષ્યમાં રાખીને, તમને પી.એચ.ડી.ની ડીગ્રી
મળવી જોઈએ.
- એમ તો, બૉસ... હું કુસ્તી ય મસ્ત કરૂં છું.
(મેહૂલ વ્યાસ, રાજપિપળા)
* સરકારી કામ એક જ ધક્કે પૂરૂં થયું હોય, એવું તમારી લાઈફમાં બન્યું
છે ખરૂ ?
- હા. ટ્રાફિક-પોલીસને સ્થળ પર જ ₹ ૧૦૦/- આપી દેવા પડયા હતા.
(ઈલ્યાસ તરવાડી, ચલાલા-ધારી)
* તમારા લેખોમાં, 'સુઉં કિયો છો ?' લખીને તમે સુઉં કિયો છો ?
- મારી ૯૮ ટકા વાતો મનેય સમજાતી નથી અને બે ટકા વાચકોને...!
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)
* કાશ્મીરનો પ્રશ્ન તમે ઉકેલી શકો ખરા ?
- હું ઉકલી જઉં, ત્યાં સુધી તો નહિ જ !
(અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)
* તમે ભાજપ, બજરંગ દળ કે વિશ્વ હિંદુ પરિષદ... કોના પ્રશંસક છો ?
- આમાંથી એકે ય કોઈ કામ કરતું નજરે પડે, તો પ્રશંસક થઉં ને...!
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
* કેમ છો ?
- હજી જવાની વાર છે, માટે છું.
(સુરેશ દર્જી, આણંદ)
* અશોકજી, રાહુલ ગાંધીના લગ્ન ક્યારે થશે ?
- બસ... એમને ખબર પડશે કે તરત જ તમને જણાવી દઇશું.
(રાજેન્દ્ર ધનવાણી, જામનગર)
No comments:
Post a Comment