Search This Blog

14/09/2016

હત્યા, સી.જી. રોડ પરની!

રાતના પોણા ત્રણ. અમદાવાદના સૂનસાન સી.જી. રોડ પર એક કૂતરૂં તો ઠીક, કોઈ એકલો અટૂલો નિ:સાસો ય ભટકતો નહતો. શહેરોમાં ક્ષિતિજ જેવું કાંઈ ન હોય... દૂર સી.જી. રોડ જ્યાં અને જેટલો પૂરો થતો દેખાય, એ ક્ષિતિજ! વરસાદ હજી કલાક પહેલાં પડયો હતો એટલે ભીનો સન્નાટો ગરમ તાવડી પર ઢોંસાના ખીરા જેવો પથરાઈ ગયો હતો. બે થાંભલા દૂર, મિનિટોથી સચવાયેલું વરસાદનું ટીપું છમ્મ કરતું લાઈટના થાંભલેથી હેઠે પડે તો ય અવાજ સંભળાય, એવી નિરવ શાંતિ - જો કે, રાત્રે ત્રણ વાગે તો બધી શાંતિઓ નિરવ જ હોય ને!

સામેની ફૂટપાથ ઉપર ઊભા રહી, એણે ચોર માળના ઑફિસ-બિલ્ડિંગના ચોથા માળે અંદરના રૂમમાં બળતી લાઈટનો આછો પ્રકાશ જોયો. ખાત્રી થઈ કે, એનો શિકાર એકલો અને હજી ઑફિસમાં જ છે. એ રેકી કરીને આવી ખબર રોજ રાખતો, એટલે આજે કન્ફર્મ થયું કે, મામુ એકલો જ છે અને સામનો કરી શકે એટલો સશક્ત અને એટલી ઉંમરનો નથી. જીત્સુએ પોતાના પાટલૂનના ખિસ્સા પર હળવો હાથ ફેરવીને અમસ્તું ચેક કરી લીધું કે, રીવૉલ્વર ઠેકાણે જ છે. ઑટોમેટિક હતી, એટલે છએ છ બૂલેટ ચેમ્બરમાં સરકાવીને એ મલક્યો હતો. એકાદ વાર ખાલી જાય... બાકીના પાંચમાંથી એક તો કામયાબ નીકળવાનો ને?

જીત્સુ ઉપલો હોઠ અડધો ઢંકાય એવી લટકતી મૂછો રાખતો. વાળ બસ, આંગળીના એક એક વેઢા જેટલી લંબાઈના અને બિલકુલ ઊભા હોળેલા. આંખો ઉપરની ભ્રમર તગડી ખરી પણ બીક લાગે એવી નહિ. સાઇડ-બર્ન્સ નોર્મલ... કાઠીયાવાડી મોટરબાઈક પર નીકળેલા જીતુભા જેવા ચેહરા કરતા મોટા થોભીયા નહિ. આંખો ઊંડી ઊતરી ગયેલી અને એમાંથી એની નજર બહાર આવું-આવું કરતી હોય ત્યારે જ પોપચાં ખૂલે, એવી વ્યવસ્થા ઉપરથી કરાવીને એ આવ્યો હતો. યુવાની શરૂ થઈ એ દિવસથી એણે કસરતો પૂરજોશમાં શરૂ કરી દીધી હોવાથી ખભા પહોળા અને ઘોડીયાના લાકડા જેવા ગોળાકાર. ગરદન લાંબી અને માથું અને ખભા વચ્ચે કુંભારના ચાકડા જેવું કોઈ લિસ્સું સ્ટ્રક્ચર ઊભું થયું છે, એ અડયા વિના ય જોઈ શકાય એવી મજબૂત પણ ખરી. ચેહરાને કારણે જીત્સુને હેન્ડસમ કહેવો પડે, બાકી પૂરા શરીરની પાછી એવી કોઈ પર્સનાલિટી ય નહિ, જેથી આ ફકરાની બીજી બે લાઈનો વધારવાનો સોટો ચઢે!

બિલ્ડિંગમાં તો પાછળના ભાગમાંથી જવાનું હતું અને દેખિતું છે, આટલી મોડી રાત્રે તો વૉચમેનના ય ઊંઘવાના કલાકો ચાલતા હોય, એટલે એ બિલ્ડિંગ એના પૂજ્ય પિતાશ્રીએ બંધાવ્યું હોય, એવી સાહજીકતાથી એ દાદરા ચઢવા પગથીયે પગ મૂક્યો. એ ખૂન કરવા જઈ રહ્યો હતો, પણ કાયદાનું પાલન કરીને... અર્થાત્, દાદરની દિવાલ પર લખ્યું હતું, 'અહીં થૂંકવું નહિ', તો એ ન થૂંક્યો! એને ગળી જતા બહુ આવડે!

ના. લિફ્ટનો ઉપયોગ ખૂન કરવા જવાનું હોય ત્યારે ના થાય. એક તો, આજકાલ લિફ્ટોમાં ય સીસીટીવી-કેમેરા મૂક્યા હોય ને બીજું, લિફ્ટ રગડવાનો સહેજ પણ ખખડાટ મામુને ચોંકાવી દઈ શકે. જાહિર છે, ખૂન કરવા જવાનું હોય ત્યારે થાળી-વેલણ વગાડતા ન જવાય... આ તો એક વાત થાય છે!

આ મામુ એટલે જીત્સુનો સગો મામો. હશે કોઈ ૪૦-થી ૧૦૦-ની વચ્ચેની ઉંમરનો! આ ગણત્રી વિજ્ઞાનના પૂરા આધારો લઈને મૂકવામાં આવી છે. જીત્સુડો જન્મ્યો ત્યારે ય ૪૦-થી ૧૦૦-ની વચ્ચેની ઉંમરનો લાગતો હતો. એના ભગવાનમાં ય બુધ્ધિ ઓછી લાગે કે, વૈભવને નામે આપી આપીને આ ડોહાને બધું પૂરજોશ આપ્યું.

આજુબાજુ આપણામાંથી કોઈ દેખાયું જ નહિ! પૈસો ચિક્કાર આપ્યો હતો. અમદાવાદમાં કોઈનું પોતાની માલિકીનું પ્લેન હોય તો આ ડોહાનું નામ પહેલું મૂકજો, ભાય! પોતાની પુત્રીના હેપી બર્થ ડેના દિવસે મામુએ એને 'ફેરારી' ગિફ્ટમાં આપી. જમાઈને ખોટું ન લાગે, એટલા માટે એને માટે મુંબઈના દરિયામાં પાર્ક કરેલી ચાર કરોડની બોટ આપી. (તારી ભલી થાય ચમના, આપણે પૈણીએ ત્યારે આવા ડોહાઓ ક્યાં નખ્ખોદ વળાવવા જતા રહ્યા હોય છે...?) મામુને ડ્રિન્ક્સનો ગાન્ડો શોખ... પીવાનો નહિ, પીવડાવવાનો! એણે પોતે તો લાઇફ પતવા આવી છતાં છાંટો ચાખ્યો નહતો, પણ બીજાને પીવડાવવાનો તગડો શોખ. અભિમાન એટલું કે, સ્કૉચ-ફૉચ તો ઠીક છે, તમે માંગો ને એની પાસેથી ન નીકળે, એવી કોઈ બ્રાન્ડ જગતમાં બની નથી. ગુજરાત છતાં-સીજી રોડ છતાં, બધું તમને મામુ પાસે મળે જ! મૂડ પડે ત્યારે દોસ્તોને એ આ જ ઑફિસમાં બોલાવતો અને મેહફીલ શેર'ઓ શાયરીથી ભરપુર જામતી.

ગઝલ-નઝમ કે ઈવન કવિતાના ખેતરમાં મામુનું કોઈ મોટું પ્રદાન હોય તો એ એમનો સંયમ હતો. પોતે કદી ન લખે. પોતે જૈન ન હોવા છતાં જીવદયામાં અખૂટ શ્રદ્ધા એટલે કોઈને ય નાનકડો શે'ર પણ ન સંભળાવે. યસ. સામેના બંગલામાં ૯૨-વર્ષના જીવા પટેલનો જીવ નહોતો જતો, તે એમના છોકરાઓ હાથ જોડીને મામુને બોલાવવા આવ્યા અને રીક્વેસ્ટ કરી કે, ''કૃપા કરી... એકાદી ગઝલ કે કવિતા પપ્પાને સંભળાવવા આવી જજો... જીવ છુટતો નથી... આવું કાંઈ પીવડાવ્યું હોય તો છેલ્લું ડચકું પીડા વગરનું આવે.'' મામુ આમ તો જાય નહિ. પણ કોઈનો જીવ જતો હોય ત્યારે ક્યાં વળી સિધ્ધાંતો વચમાં લાવવા! મામુએ જીવા પટેલના પલંગ પાસે જઈને ગઝલ કે નઝમ નહિ, સીધું અછાંદસ જ સંભળાવ્યું... આ ઉમળકો જરા વધુ પડતો ક્રૂર હતો.

જીવા પટેલનો જીવ જવો તો નક્કી થઈ ગયો પણ એ પહેલા એમને શરીરના તમામ અવયવોમાં તોતિંગ આંચકીઓ ઉપડી, પલંગ ઊંચો થાય એવી! જોનારાઓ કહે છે, એમના બૉડીમાંથી બધું મળીને કોઈ ૩૪૫-જાતના છેલ્લા ડચકાં નીકળ્યા હતા. પટેલના છોકરાઓ થોડું ઘણું કાવ્યસાહિત્ય જાણતા હતા, એટલે એ ય ખીજાણા કે, પપ્પાને દેવલોકે મોકલવાના હતા... અછાંદસવાળી ક્રૂર સજા આપીને આત્માને અહીંનો અહીં ફેરફૂદરડીઓ ફરતો રાખવાનો નહતો. આમાં તો પાછું ધ્યાને ય રાખવું પડે, કે જીવા પટેલે દેહ છોડી દીધા પછી મામુ પોતાની અછાંદસ રચનાઓ બંધ કરે... ક્યાંક આપણી સામે જોઈને બે-ચાર પંક્તિઓ બોલી નાંખે તો આપણો આત્મા જીવતેજીવતા ભટકતો થઈ જાય!

હાંફ સાથે પાંચમા માળ સુધી દાદરો ચઢીને આવેલા જીત્સુને ખૌફ કેવળ મામુની અછાંદસ રચનાઓનો જ હતો. ગઝલ કે છુટાછવાયા શેરોને તો એ કાચી કેરીની છાલ ચૂસવાની હોય એમ ચૂસીને ફેંકી દઈ શકતો.... અછાંદસમાં તો કહે છે, અગાઉ તમે ભાવક તરીકે મિનિમમ છસ્સો કીલો અછાંદસ 'હાંભળી' હોવી જોઈએ, તો આવી છુટકમૂટક રચનામાં ટકી શકો.

જીત્સુએ મામુના કાવ્યસાહિત્યનો સામનો કરવા પોતાની રીવોલ્વર પંપાળી જોઈ. મામુને સીધી ઠોકી જ દેવાની હતી. વાચકો માનતા હશે, એમ જીત્સુ મામુની બેહિસાબ મિલ્કત પોતાને નામ કરાવવા-એમનું ખૂન કરવા નહતો આવ્યો. એક જમાનામાં આ જ મામુએ જીત્સુને નવોદિત કવિ તરીકે ધૂત્કાર્યો હતો, એનો બદલો લેવા આવ્યો હતો.

અંદરથી બંધ ઑફિસનો દરવાજો ખોલતા જીત્સુને આવડતો હતો... આવડયો. ઑફિસની અંદર ઑફિસ ને એની અંદરની ઑફિસમાં મામુ લેપટોપ લઈને બેઠા હતા. એ હાલતાચાલતા નહોતા. સ્થિર થઈ ગયા હતા. જીત્સુ ચોંકી ગયો. મામુના ખભે સહેજ હાથ અડાડયો, એમાં ડોકી ખભા ઉપર ઢળી ગઈ. મામુને હમણાં જ સીવિયર હોર્ટએટેક આવ્યો હશે ! હલાવો તો હલે નહિ એવો જીત્સુ સજડબંબ થઈ ગયો. નજર પડી મામુના લેપટૉપના સ્ક્રીન પર...

ચોંકવાનું હવે હતું. જીત્સુની અછાંદસ રચના સ્ક્રીન પર હતી. નીચે મામુએ પોતાની કોઈ નોંધ લખી હતી :

''જીત્સુ-મારા ભાણાની આ રચના સાદ્યંત સંવેદનશીલ અને હૃદયની પૂર્ણત: સોંસરવી નીકળી જાય એમ છે. આ સાથે એની અન્ય બસ્સો ગઝલ, નઝમ અને અછાંદસ રચનાઓ મોકલું છું. કાવ્યપરિષદને મારા તરફથી હું  અઢી કરોડનું ડૉનેશન આપું છું. શક્ય હોય તો કવિ જીત્સુના આ સંગ્રહને પુરસ્કૃત કરશો, તો આભારી થઈશ.''

જીત્સુએ રીવૉલ્વરનો ઘોડો દબાવ્યો... પોતાના લમણાંના ફૂરચા ઊડી જતા જોવા ય ન રોકાયો!

સિક્સર
સુરતના સફળ ડૉક્ટર હોવા છતાં કવિતાને વગર ઉપચારે વરેલા સદા ય મુસ્કુરાતા કવિ વિવેક મનહર ટેલરનું સુરતી હોવું કેવું રળીયામણું બન્યું છે!
-  પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યા તમે, આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
   ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ, ચેતજો! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.'

No comments: