Search This Blog

02/10/2016

ઍનકાઉન્ટર : 02-10-2016

* શું તમે આ ઉંમરે પણ ડિમ્પલને મળવાના સપનાં જુઓ છો ? 
- તમે માનો છો, એવી કાંઈ ડિમ્પલની ઉંમર થઈ નથી... ! 
(ભાવિન વ્યાસ, જામનગર) 

તમારા વાઈફ કેવા બ્યુટિફૂલ અને એલિગન્ટ છે. તમે લકી હોવાનું ફીલ કરો છો ? 
- હશે એ તો... ! જે થવાનું હતું, તે થઈ ગયું. એ બિચારીને લકી હોવાનું ફીલ કરવાનો ભગવાને ચાન્સ ન આપ્યો ! 
(દીપ્તિ કે. કારીયા, રાજકોટ) 

કાશ્મિરમાં આપણા ૧૮-જવાનો શહિદ થયા અને મોદીના પેટનું પાણી ય હાલતું નથી... ! 
- એ તો પોતે શું છે, એટલું પુરવાર જ કરી રહ્યા છે ! 
(કવિતા કે. જોશી, વડોદરા) 

પ્રશ્ન પૂછનારના મોબાઈલ નંબર અને સરનામા તમે મંગાવો છો, પણ કોઈએ સાચા કે ખોટા લખ્યા છે, તે કદી ચેક કરો છો ?  
તમે જોયું હશે કે, અગાઉ કેટલાક નામો વારંવાર 'એનકાઉન્ટર'માં ચમકતા હતા... આજે એ નામો કાયમ માટે ઊડી કેમ ગયા ? 
(કૌશલ સોની, વડોદરા) 

તમારા મતે જીવનની કઈ અવસ્થામાં જીવવાની મજા છે ? 
- જ્યાં તમે ડૉક્ટરને શોધતા ન હો અને પોલીસ તમને શોધતી ન હોય, એ ! 
(જયદીપ ઉપાધ્યાય, જૂનાગઢ) 

'સ્વચ્છતા અભિયાન' વિશે શું માનો છો ? 
- તેજાબી અને અસરદાર કવિ સૌમ્ય જોશીની બે પંક્તિઓ અહીં જોડી દેવાનું મન થાય છે :
''મન વગર મેં એ રીતે દર્શન કર્યું, 
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું !'' 
(પ્રાપ્તિ જી. દેસાઈ, સુરત) 

મારા સવાલનો જવાબ આપો. 'દિલ તો બચ્ચા હૈ, જી... !' 
- તો તો પછી કશું કાંઈ પુખ્ત થયું ન હોય ને ? 
(અમિતા બી. પટેલ, અમદાવાદ) 

અમારા લગ્નને હજી છ જ મહિના થયા છે. મને વાંચવાનો ખૂબ શોખ છે ને એમને જરા ય નહિ. શું કરવું ? 
- આ હિસાબે, અગાઉ એ 'બુધવારની બપોરે' કે 'એનકાઉન્ટર' વાંચતા હશે ! ઓહ, હવે તો ભગવાને તમને ન બચાવી શકે ! 
(રોશની દવે, ભરૂચ) 

હું છેલ્લા ૨૦-વર્ષથી દોસ્તીની ટ્રેનમાં મુસાફરી કરતા 'લવ-સ્ટેશન'ની રાહ જોઉં છું. સુઉં કિયો છો ? 
- બોલો, તમે 'કૂલી' છો ને ! 
(અલ્પેશ સુખડિયા, સુરત) 

દેશ માટે સૌથી વધુ બલિદાન કરનાર સીખ્ખ અને ક્ષત્રિયો ઉપર જોક્સ કેમ વધુ આવે છે ? 
- મારા નોલેજ પ્રમાણે છેલ્લા ૧૫-૨૦ વર્ષથી જ્ઞાતિ-આધારિત જોક્સ ક્યાંય જોવા-વાંચવા મળ્યા નથી. ખાનગીમાં ચા કે પાનના ગલ્લે કહેવાતા હોય, તો એની ઉપર રોક લાગી ન શકે. 
(સિધ્ધરાજસિંહ ગોહિલ, પડવા-ભાવનગર) 

મોદી અને ઓબામાની દોસ્તી વિશે શું કહો છો ? 
- ઓબામાનું અમેરિકા પાકિસ્તાનને થપ્પડ મારે, પછી ખબર પડે ! 
(નિમેષ રાડિયા, રાજકોટ) 

કોઈ પણ પ્રસંગે મેક-અપ માત્ર સ્ત્રીઓ જ કેમ કરતી હોય છે... પુરૂષો કેમ નહિ ? 
- જેને જેની જરૂર હોય એ કરે ! 
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

હાસ્યલેખકો બુદ્ધિશાળીઓના વર્ગમાં આવે. એમની બુદ્ધિનો ઉપયોગ રાજકારણીઓને સીધા કરવામાં ન થઈ શકે ? 
- રાજકારણીઓને સીધા કરવાની નહિ, દેશભક્ત બનાવવાની જરૂર છે... અને એ એ લોકો કદી થઈ શકે એમ નથી. 
(રાજેશ શેલત, વડોદરા) 

ગાડી પર બેસતો કાગડો અને શ્રાધ્ધમાં આવતો કાગડો એક જ હશે કે જુદાજુદા ? 
- વાહ ! કેવા મનોહર નિરીક્ષણોનો તમને સમય મળી રહે છે ! 
(હેમંત રાઠવા, વલ્લભવિદ્યાનગર) 

આવતા જન્મે શું બનવાનું ઈચ્છા રાખો છો અને શા માટે ? નેતા, સાધુ કે હીરો ? 
- 'અશોક દવે'થી મોટા તો આ ત્રણેમાંથી કોઈના નસીબમાં ન હોય ને ! 
(પ્રફૂલ્લા જગદિશ જોષી, મુંબઈ) 

તમને એક દિવસ માટે સત્તા મળે તો શું કરો ? 
- તમે ય બ્રાહ્મણના બ્રાહ્મણ જ રહ્યા... ! ક્યાં ખિસ્સામાંથી આપવાની છે, તે એક દિવસ માટે આપો છો ? 
(ચેતન ત્રિવેદી, અમદાવાદ) 

હોરર ફિલ્મો કે ટીવી-સીરિયલોમાં ભૂતપ્રેતનો વળગાડ સ્ત્રીઓને જ થયેલો બતાવાય છે, પુરૂષોને કેમ નહિ ? 
- એ લોકો અસંભવ ચીજો દર્શાવતાનથી ! 
(ધિમંત ભાવસાર, બડોલી) 
  
અમારા શહેરમાં અઢીસો કપલ-મેમ્બરોની 'અશોક દવે ફેન કલબ' છે. આપને અનેકવાર આમંત્રણ આપવા છતાં આવતા કેમ નથી ? 
- 'ફેન કલબ' ટકી રહે માટે. 
(જહાન્વી જગત પટેલ, સુરત) 

'વોટ્સ એપ'નું પ્રદુષણ ક્યારે અટકશે ? 
- બેવકૂફો પોતાના ધર્મોના પ્રચાર માટે એનો ઉપયોગ બંધ કરશે ત્યારે. 
(મનિષ રામાવત, મીઠાપુર) 

કહે છે કે, પહેલો પ્રેમ કદી ભૂલાતો નથી, તો પછી લોકો મા-બાપને કેમ ભૂલી જાય છે ? 
- હું તો મારો પહેલો પ્રેમ ય ભૂલી ગયો છું, બોલો ! 
(મનિષ એન. વર્મા, ગોધરા) 

સંસદ સભ્યોનો પગારવધારો જરૂરી હતો કે સરહદ પરના જવાનોનો ? 
- જે સવાલ તમને થયો, એ મોદીને ય થયો તો હશે ને ? 
(તેજલ જરીવાલા, સુરત) 

હવે પાકિસ્તાન સામે યુદ્ધ ક્યારે ? 
- ઓ બેન... હજી તો આપણા ૧૮-જવાનો જ મર્યા છે... ! 
(કિશોરી નંદિશ મહેતા, અમદાવાદ)

No comments: