Search This Blog

21/10/2016

'ન્યુ દિલ્હી ટાઈમ્સ' (૮૪)

ફિલ્મ : 'ન્યુ દિલ્હી ટાઈમ્સ' (૮૪)
નિર્માતા : પી.કે. તિવારી
દિગ્દર્શક : રમેશ શર્મા
લેખક : ગુલઝાર
સંગીત : લુઇ બૅન્ક્સ
રનિંગ ટાઈમ : ૧૨૩-મિનિટ્સ : ૧૫ રીલ્સ
કલાકારો : શશી કપૂર, શર્મીલા ટાગોર, ઓમપુરી, કુલભૂષણ ખરબંદા, એમ.કે. રૈના, મનોહરસિંઘ, વિજય કશ્યપ, એ.કે. હંગલ, રામગોપાલ બજાજ, જેઝબૅલ, અનંગ દેસાઇ, આશા શર્મા.


શમ્મી કપૂર સાથે ફિલ્મ 'કાશ્મિર કી કલી'નું 'ઇશારોં ઈશારોં મેં દિલ લેનેવાલે...' ગીતનું શૂટિંગ કરી રહેલી શર્મીલા ટાગોર ડઘાઈ ગઇ... સેટ પર અચાનક આવી ચઢેલા શશી કપૂરને જોઇને ! એ માની નહોતી શકતી કે, કોઇ પુરુષ આટલો હૅન્ડસમ હોય ! એની તો હજી પહેલી ફિલ્મ હતી અને તે પણ કોઇ ઐરાગૈરા સાથે નહિ, સ્વયં શમ્મી કપૂર સાથે, જેનું પુરૂષાતનથી ધાંયધાંય થતું રૂપ કોઈ સ્ત્રી માટે જાળવવું અઘરૂં હતું, ત્યાં એ જ શમ્મીના નાના ભાઈ શશી કપૂરને જોયા પછી (અને ઈવન, આજ સુધી) શર્મીલા ટાગોર કહે છે, 'મેં શશીથી વધુ હૅન્ડસમ પુરુષ જોયો નથી.' શર્મીલાએ ફિલ્મના દિગ્દર્શક શક્તિ સામંતને ડરતા ડરતા કહી પણ દીધું કે, આમની હાજરીમાં હું બોલી જ નહિ શકું... ઍક્ટિંગ તો દૂરની વાત છે.' અને શક્તિએ રીક્વૅસ્ટપૂર્વક શશી જાય ત્યાં સુધી શૂટિંગ બંધ રાખ્યું.

શશી-શર્મીલાની દોસ્તી તો બૅબીના લગ્ન પહેલાની હતી અને બન્ને સાઉથ મુંબઈમાં સાથે રહેતા અને બન્નેના બાળકો સાથે ભણ્યા અને દોસ્તી સાથે મોટા થયા. શર્મીલા કહે છે, 'શશી તોફાની તો એવો જ હતો. પટૌડી સાથે મારા લગ્ન થયા પછી એ આંખ મીંચકારીને મને કહે, 'તું અડધી મારી છું અને અડધી એની...!' ઓહ, મને શશીની આંખની ભ્રમરો ખૂબ ગમતી.'

સાઉથ મુંબઈના નૅપીયન સી રોડ ખાતેના નવા બંગલામાં રહેવા જવાનું એક કારણ શશીની ઈંગ્લિશ પત્ની જૅનિફર કૅન્ડલનું એ પણ હતું કે, છોકરાઓ હજી ભણે છે અને ફિલ્મ દુનિયાની ચકાચૌંધવાળી જુહુ-ફૂહુની દુનિયામાં એમને નથી રાખવા. શશી-પુત્રી સંજના કહે છે, 'એ દિવસે ટીવી પર અમારા દાદાજી પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ 'સિકંદર' ટૅલીકાસ્ટ થવાની હતી. અમારી પાસે ટીવી નહોતું, તે એક દિવસ માટે ભાડે લઇ આવ્યા. હું તો દાદાજીને જોઇને ખુશીથી એવી ઉછળી પડી કે, દાદાજી જુવાનીમાં બિલકુલ પાપા (શશી) જેવા લાગતા હતા.'

'
૬૫માં ફિલ્મ 'વક્ત'થી શરૂ કરીને એ બન્નેએ આમને-સામને, માય લવ, સુહાના સફર, આ ગલે લગ જા, પાપ ઔર પુણ્ય, અનાડી, દૂરદેશ, સ્વાતિ અને છેલ્લે '૮૬માં આજની આ ફિલ્મ 'ન્યુ દિલ્હી ટાઇમ્સ.' આ ભલા માણસને અગાઉ ફિલ્મ 'આનંદ'નો રોલ પણ ઑફર કરવામાં આવ્યો હતો, પણ કોઇ જ કારણ આપ્યા વગર એ પાછો લઇ લેવામાં આવ્યો. ખુદ શશી કપૂરના શબ્દોમાં જોઇએ તો, 'ઋષિકેશ મુકર્જી બિમલ રૉય જેવા ઉમદા માણસ નહોતા.'

એક જમાનામાં શબાના આઝમી સાથે શશીનું ચક્કર છાપે ચઢ્યું હતું (એ જમાનામાં ટીવી નહોતા) પણ જે રીતે શબાના આજે પણ શશી અને તેના પૂરા ફૅમિલીથી નજીક છે, એ જોતાં બધું સમુંસુતરૂં પાર ઉતરી ગયું હશે. ફિલ્મ 'અંકૂર' માટે નૅશનલ એવૉર્ડ જીતનારી શબાનાને શશી સાથે પહેલી વાર કમર્શિયલ ફિલ્મ 'ફકીરા' માટે સાઇન કરવામાં આવી, ત્યારે આનંદથી ઝૂમી ઉઠીને એ માની શકતી નહોતી કે એ આટલા મોટા સ્ટાર સાથે કામ કરવાની છે. 'મેં તો એમને હંમેશા એક ચાહકની નજરથી જ જોયા છે.' શશી કપૂર સાથે ૧૪ ફિલ્મો કરનાર સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કહે છે, 'શશીજી કોઇ માની ન શકે, એટલા હૅન્ડસમ હતા અને દરેક રોલને એ સ્યૂટ થતા.'

કોલકાતામાં ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ જન્મેલા આ બલબીરરાજ કપૂરનું જન્મથી જ આ નામ એની મધર રામસરનીદેવીને ગમતું નહોતું. અને પોતાના બાળકના ચેહરાને ચંદ્ર (શશી) સાથે સરખાવી જાતે જ નામ બદલી નાંખ્યું. શશી કિશોરાવસ્થા સુધી ઘરમાં ય બેફામ (માં-બેનની) ગાળો બોલતો. એને માત્ર 'રાજ સા''નો ડર લાગતો. એ એક વખત સાંભળી ગયા અને કોઇ બે-ત્રણ કલાક સુધી પીઠ ઉપર લાકડાની ફૂટપટ્ટી મૂકીને પગના અંગૂઠા પકડાવ્યા.

ભારતમાં આવી ફિલ્મો બહુ ઓછી બની છે, જે પૂરેપૂરી ઉતરી ગયા છતાં એકે ય થીયેટર કે ટીવી પર દર્શાવાઈ જ નહિ... અને છતાં ફિલ્મના શ્રેષ્ઠ હીરોનો એવૉર્ડ શશી કપૂરને મળે. ફિલ્મનો હીરો શશી કપૂર એક મોટા ઈંગ્લિશ અખબારનો તંત્રી દિલ્હીના મોટા રાજકારણીઓ અને અંડરવર્લ્ડ વચ્ચેનો ગાઢો સંબંધ (Nexus) પોતાના અખબારમાં છાપે છે.

સ્વાભાવિક છે, ૧૯૮૬ના ભારત દેશ પ્રમાણે રાજકારણીઓ વિશે આવું લખવું માન્ય નહોતું, ત્યાં એની ફિલમ બનાવવી (એટલે કે, ઉતારવી) ક્યાંથી માન્ય હોય ? વળી, '૮૦નો એ દાયકો અને આજુબાજુના થોડા વર્ષો આવી 'આર્ટ ફિલ્મો'નો શરૂ થઇને હોલવાઈ જતો હતો. આવી 'મીનિંગફૂલ ફિલ્મો' બનાવનારા, એમાં કામ કરનારા અને ખાસ તો શહેર પૂરતા એને જોનારાઓનો એક અલાયદો વર્ગ હતો. આવી ફિલ્મોમાં ગીતો-ફીતો ન હોય.

વાર્તા અને ફિલ્મની રજુઆત બેશક બૌદ્ધિક અને અર્થપૂર્ણ હોય. શશી કપૂર પોતે 'આર્ટ ફિલ્મ' શબ્દો નહોતો વાપરતો. એ તો એમ જ કહે, 'ફિલ્મો બે પ્રકારની હોય છે. સારી અને ખરાબ.' પણ એણે પોતાની જ ખરાબ (!) એટલે કે ઢીશુમ-ઢીશુમ અને નાચગાનાવાળી ફિલ્મોમાંથી અઢળક પૈસા કમાઈને આવી 'સારી' ફિલ્મો બનાવવામાં નાંખ્યા, એમાં હકડેઠઠ મુશ્કેલીઓથી ધોવાઇ ગયો. કદાચ તમામે તમામ ફિલ્મોમાં એણે માર જ ખાધે રાખ્યો.

આ ફિલ્મ કેવી રીતે બની, એની ય નાનકડી દાસ્તાન છે.

તમને યાદ હોય તો જયા ભાદુરીની શરૂઆતની ફિલ્મ 'દૂસરી ગીતા'નો હીરો અને છેલ્લે અમિતાભ બચ્ચનને લઇને ફિલ્મ 'હમ' બનાવનાર રમેશ શર્માએ શશી કપૂર સાથે ઈંગ્લિશ ફિલ્મ 'સિદ્ધાર્થ'માં ય કામ કર્યું હતું. કૅડબરી-ફૅસ જેવા સોહામણા આ હીરો ફિલ્મોમાં ન ચાલ્યા, એટલે નિર્માતા બનવા આજની આ ફિલ્મ 'ન્યુ દિલ્હી ટાઇમ્સ'નો આઈડીયા વેચવા નીકળ્યા.

આમ તો અન્ય કોઇ નિર્માતાએ ભાવ ન આપ્યો પણ ગુલઝારને એની થીમ ગમી ગઇ અને એની ઉપરથી વાર્તા લખી આપવાનું કહ્યું. ગુલઝારે જ શશી કપૂરનું નામ સૂચવ્યું, પણ શશીનો સંપર્ક કરવો એમ સહેલો નહોતો. ડરતા ડરતા રમેશ શશીને તાજમહલ હોટેલમાં ડિનર માટે 'ગોલ્ડન ડ્રેગન રેસ્ટારાં'માં મળ્યો. રમેશે હજી પોતાના પ્લોટની વાત માંડી જ હતી, ત્યાં શશીની નજર આજુબાજુના ટૅબલ પર દોસ્તો સાથે બેઠેલા ફિલ્મ હીરો જીતેન્દ્ર ઉપર ગઇ. શશી ખુશ થઇને રમેશને જીતેન્દ્રના ટેબલ પર લઇ ગયો અને પોતાની નવી ફિલ્મ 'ન્યુ દિલ્હી ટાઇમ્સ'ના પ્રોડયુસર તરીકે ઓળખાણ જ કરાવી દીધી, આ જોઇને રમેશ હેરત પામી ગયો.

આઘાત તો શશી બાબાને ય મોટો લાગ્યો, એ જાણીને કે પૂરી ફિલ્મ બનાવવાના રમેશ પાસે ટોટલ ૨૫ લાખ જ છે. પણ સ્ક્રિપ્ટ સરસ હતી, એટલે શશીએ હસતા મોંઢે રમેશ પાસેથી સાઇનિંગ-એમાઉન્ટના ફક્ત ૧૦૧/- લીધા. પૂરી ફિલ્મના તો શશીએ ફક્ત એક લાખ જ લીધા (જે રકમ ૨૦-વર્ષ પહેલા બી.આર. ચોપરાની ફિલ્મ 'વક્ત'માં કામ કરવા માટે એને મળેલા હતા.) અલબત્ત, ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થવાનું હતું, એટલે શશીએ શરત મૂકી કે એ ફક્ત હોટેલ તાજ માનસિંઘમાં રોકાશે. અન્ય નિર્માતાઓને એવું ન લાગવું જોઇએ કે, શશી હવે ગમે તે કામ સ્વીકારી લે છે. જો કે, શશીનો એ હોટેલમાં જમવાનો, ડ્રિન્કસનો અને ટૅલીફોનનો ખર્ચો પોતે ઉઠાવશે, એવું પણ શશીએ કહ્યું હતું.

રાજકારણી નેતાઓ અને અંડરવર્લ્ડ સાથે અખબારોની મિલિભગત હોય છે અને પોતાના દુશ્મનોના ખૂન કરાવી નાંખવા નેતાઓ માટે આમ વાત હોય છે, એ સાબિતી કરતી આ ફિલ્મ યોગાનુયોગ સ્વ. ઇંદિરા ગાંધીની હત્યા દરમ્યાન બનતી હતી. એ હત્યા પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, એમાં ફિલ્મ ઢીલમાં પડી અને બજેટ ૨૫ લાખને ૩૪ લાખનું થઈ ગયું. દરમ્યાન ૨૮ ફેબ્રુઆરી, ૧૯૩૩ના રોજ જન્મેલી શશીની બ્રિટિશ પત્ની જૅનિફર કૅન્ડલનું કૅન્સરથી તા. ૭ સપ્ટેમ્બર, ૧૯૮૪ના રોજ અવસાન થયું. (યસ. જૅનિફર શશી કરતા પાંચેક વર્ષ મોટી હતી.)

'
ન્યુ દિલ્હી ટાઇમ્સ'ને શશી કપૂરનો પહેલો અને છેલ્લો નેશનલ ઍવોર્ડ બૅસ્ટ-ઍક્ટર માટેનો મળ્યો. હૉલીવૂડની અનેક ફિલ્મોમાં હીરો તરીકે કામ કરનારા શશી કપૂરનો મોટો ચાહક જૅમ્સ બૉન્ડ ફિલ્મોનો હીરો પિયર્સ બ્રોસ્નન છે. એને શશીનો ઈંગ્લિશ ઉપરનો કમાન્ડ અદભુત લાગ્યો હતો. હૉલીવૂડના કોઇપણ ઍક્ટર જેવું પરફૅક્ટ ઈંગ્લિશ શશી બોલે છે. એક દ્રષ્યમાં તો શશીએ મારી સામે જોઇને ફક્ત સ્માઇલ આપવાનું હતું.

એ સ્માઇલ એવું હતું કે, એમાં હજારો શબ્દો આવી જાય અને એ શશીની કૅલિબરનો કોઇ ઍક્ટર જ ભજવી શકે. શશી કપૂરને લઇને 'સૅમી એન્ડ રોઝી ગૅટ લૅઇડ' ફિલ્મની પટકથા લખનાર પાકિસ્તાની લેખક હનિફ કુરેશીના કહેવા મુજબ, શશી રૅસ્ટારાંમાં દાખલ થાય ત્યારે એની શાહી અને સ્ટાયલિશ પર્સનાલિટી જોઇને ત્યાં બેઠેલાઓના બદનમાં લખલખું આવી જતું, છતાં એ તદ્દન નૉર્મલ રહી શકતો.' ન્યુર્યોર્ક ટાઇમ્સના પત્રકાર લૉરેન્સ વાન ગૅલ્ડરના કહેવા મુજબ, 'શશી સ્ટીવ મૅક્વિન અને રૉબર્ટ રૅડફૉર્ડની ભારતીય આવૃત્તિ છે.'

શશી કપૂર અને ક્રિસ્ટોફર લિ ('ધી હૉરર ઑફ ડ્રૅક્યુલા')ને લઇને પાકિસ્તાનમાં ફિલ્મ 'જીન્નાહ' બનાવનાર દિગ્દર્શક જમિલ દેહલવીને શશી કપૂરને ક્રિસ્ટોફરની બરોબરીનો 'ઍન્જલ'નો રોલ આપ્યો. ભારતમાં કદી જોવા ન મળેલી આ ઈંગ્લિશ ફિલ્મ હકીકતમાં તો પાકિસ્તાને સર રિચર્ડ ઍટનબરોની ફિલ્મ 'ગાંધી'ની બરોબરી કરવા બનાવી હતી, જે સ્વાભાવિક છે, હાસ્યાસ્પદ ઠરી હતી.

આ ફિલ્મ 'ન્યુ દિલ્હી ટાઈમ્સ'ની હીરોઇન શર્મીલા ટાગોર શશીની ઍડવૉકેટ પત્ની બને છે. શશી ઘણો જાડો લાગે છે, પણ શર્મીલાને તો આજ સુધી પોતાનું ફિગર જાળવી રાખ્યું છે. કુલભુષણ ખરબંદા, એ.કે. હંગલ, એમ.કે. રૈના કે ઓમપુરી એ જમાનામાં શરૂ થયેલી ન્યુવૅવ ફિલ્મોના પર્મેનૅન્ટ કૅરેક્ટરો હતા.

અલબત્ત, એ કબુલ કરવું પડશે કે, એ તમામ ઍક્ટરો 'ઍક્ટર' હતા, જેમને ઍક્ટિંગ કરવી પડતી નહોતી. આપણને એ લોકો લાઉડ ન લાગે. આ ફિલ્મમાં તો એક બીજો ફરકે ય દેખાઇ આવે છે કે, એ સમયની 'અંકૂર', નિશાંત', કે 'ઉત્સવ' જેવી ફિલ્મો જોવા કરતા ય સમજવામાં હેતુપૂર્વક કઠિન બનાવવામાં આવી હોય, એવી આ ફિલ્મ નથી. અહીં વાર્તા સરળથાથી વહે જાય છે.

એક હચમચાવી નાંખનારૂં થ્રિલર પણ બની શક્યું છે અને ખાસ તો,એક 'ઍક્ટર' તરીકે પદ્મભૂષણ શશી બાબાએ એ કામ કર્યું છે, જે નિહાળ્યા પછી ભલે આ ઉંમરે એને 'દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ' ઍનાયત થયો, એ વ્યાજબી લાગે છે.

નિરાંત મળી રહેતી હોય તો આ ફિલ્મ 'યૂ-ટયુબ'પરથી ય જોવા મળશે.

No comments: