Search This Blog

07/10/2016

'ગંગા કી લહેરેં' ('૬૪)

ફિલ્મ : 'ગંગા કી લહેરેં' ('૬૪) 
નિર્માતા દિગ્દર્શક  :  દેવી શર્મા 
સંગીત  :  ચિત્રગુપ્ત 
ગીતકાર  :  મજરૂહ સુલતાનપુરી 
રનિંગ ટાઇમ  :  ૧૭ રીલ્સ 
થીયેટર  :  રૂપમ (અમદાવાદ) 
કલાકારો  :  ધર્મેન્દ્ર, કુમકુમ, કિશોર કુમાર, સાવિત્રી (મદ્રાસ), નઝીર હુસેન, અસિત સેન, ટુનટુન, રાની, માસ્ટર શાહિદ, અઝરા, એસ.કે. પ્રેમ, મૃદુલા, જાનકી દાસ, હરિ શિવદાસાણી અને રહેમાન. 
  


 ગીતો 
  ૧. જય જય હે જગદમ્બે માતા, દ્વાર તિહારે... લતા મંગેશકર 
૨. દેખો રે કોઇ કામિનીયા, નૈનન દીપ જલાયેં... આશા ભોંસલે 
૩. મચલતી હુઇ, હવા મેં છમછમ, હમારે સંગ... લતા-કિશોર-સાથી 
૪. છેડો ના મેરી ઝૂલ્ફેં સબ લોગ ક્યા કહેંગે... લતા-કિશોર 
૫. ઓ બૈરી બિછુઆ, બડા દુ : ખ દે હો રામ... લતા મંગેશકર 
૬. શમ્મા બૂઝને કો ચલી, હૈ યહી દર્દ કે જલ જાયે... મુહમ્મદ રફી 
૭. એક પૈસે કા હૈ સવાલ, જીયે તેરે બચ્ચે... ઉષા મંગેશકર-સાથી 
૮. અય જાનેમન હંસ લો જરા, ફિક્ર કી ક્યા બાત... કિશોર કુમાર 

તમારા લોકોમાં મોટાઓને પ્રણામ-બણામ કરવાનું રાખ્યું હોય તો, લતા મંગેશકર અને સંગીતકાર ચિત્રગુપ્ત માટે પૂરા સાષ્ટાંગ-પ્રણામ આ આખી ફિલ્મના સંગીત માટે તો પછી... પહેલા મા જય આદ્યાશક્તિની સૂરિલી આરતી 'જય જય હે જગદમ્બે માતા, દ્વાર તિહારે જો ભી આતા, બિન માંગે સબ કુછ પા જાતા...' માટે નિષ્ઠાપૂર્વક કરજો. સરદાર ખુશવંતસિંહને ફિલ્મી ગીતોના નામથી નફરત, પણ જૂની દિલ્હીના ભરબજારે પોતાની ગાડી લઇને જતા હશે, ત્યાં બાજુની કોઇ ઈરાની રેસ્ટોરાંમાં લતાની આ આરતી રેડિયો પર વાગતી સાંભળી ને સરદાર સૂનમૂન બનીને ઊભા જ રહી ગયા. આગળ-પાછળનો ટ્રાફિક બૂમાબૂમવાળો થઇ ગયો, ત્યાં સુધી આમને ખબરે ય ન પડી. હોશમાં આવ્યા ત્યારે કોઇને કીધું ય ખરૂં કે, ''ઓહ... આનાથી વધુ પવિત્ર ભજન મેં સાંભળ્યું નથી. હું ક્યાં ખોવાઇ ગયો... એની મને ખબર તક ન પડી !''  

ચિત્રગુપ્ત તો આજીવન અન્યાયો સહન કરવા જ જન્મ્યા હતા. કેવું મસ્તમધુરૂં કામ કરતા ગયા છે આ વંદનીય સંગીતકાર ! એમના જેટલા સફળ યુગલ ગીતો બીજા કોઇ સંગીતકારે બનાવ્યા હોય તો આપણે એમને ય સલામ કરવા તૈયાર છીએ, પણ મુહમ્મદ રફીના આ જીગરી દોસ્તે રફીને અમર બનાવવામાં ઓછો ફાળો નથી આપ્યો... રફી કે લતા, આવા જ સંગીતકારોને લીધે અમર બન્યા હતા ! આ ફિલ્મમાં તો ચિત્રગુપ્ત શ્રીવાસ્તવે એમના લાડકા કિશોર કુમાર પાસે ય એવું જ મીઠડું ગવડાવ્યું છે. 

કિશોર પોતે ય કહેતો કે, શાસ્ત્રીય સંગીત એના બસની વાત નથી છતાં, ચિત્રગુપ્તે ફિલ્મ 'એક રાઝ'માં 'પાયલવાલી દેખના, યે હી પે કહીં દિલ હૈ, પગ તલે આયે ના' અને 'અજનબી સે બન કે કરો ના કિનારા...' જેવી રચનાઓ શાસ્ત્રોક્ત નથી તો બીજું શું છે ? હકીકતમાં દોષી આપણે છીએ કે, શંકર-જયકિશન, નૌશાદ કે બર્મન દાદાથી બહુ આઘે આપણે ગયા જ નહિ. રોશન, ખય્યામ, શ્રીનાથ ત્રિપાઠી, સજ્જાદ હુસેન કે ઈવન હેમંત દાની જેમ ચિત્રગુપ્તને જે એ લોકો ડીઝર્વ કરતા હતા, એ ય આપી ન શક્યા. એ વાત જુદી છે કે, કોઇ અજાણ્યું પણ બહુ ગમતું ગીત આ લોકોમાંથી કોઇકે કમ્પૉઝ કર્યું હોય ત્યારે છક થઇ જવાય પણ, સંગીતની વાતોમાં નામો તો પેલા ઉપરવાળા ૪-૫ના જ આવે! 

યસ. ગાયિકા તરીકે લતા મંગેશકર માટે વિવાદ થઇ શકે. મુહમ્મદ રફી કેવા મહાન ગાયક હતા, એ જાણવા કોઇના સર્ટિફિકેટની જરૂર પડે એમ નથી. પણ રફીએ લતાની માફી માંગતો પત્ર લખ્યો હતો, એ બાતમી લતાએ રફીના અવસાન પછી બહાર પાડીને તોફાન મચાવી દીધું હતું. રફીના પુત્ર શાહિદ સૌજન્યપૂર્વક ટીવી પર બગડયો ય ખરો કે, 'હવે રફી સાહેબ હયાત નથી, ત્યારે આવો કીચડ ઉછાળવા કરતા જો લતાજી પાસે એ પત્ર હોય, તો દુનિયાને બતાવે.' 

અહીં લતાને ચૂપ થઇ જવું પડયું, એના બદલામાં પોતાના (આ બનાવ પછીના) ઈન્ટરવ્યૂઓમાં લતાએ હિંદી ફિલ્મોના આજ સુધીના સર્વોત્તમ ગાયક તરીકે કિશોર કુમારને ગણાવ્યો. કિશોર દાની ગાયકી માટે આપણને કોઇને દોરાભાર તકલીફ ન હોય ને એ અત્યંત મીઠા ગાયક હતા, એની કોઇ સરખામણી પણ ન હોય, પણ કિશોર દા કે અન્ય કોઇને પણ મુહમ્મદ રફીથી વધારે સારા ગાયક કહેવા, એ વધારે પડતું છે. ખૂબીની વાત તો એ છે કે, સ્વયં કિશોર કુમાર પણ પોતાની સરખામણીમાં રફીને ઘણા મહાન ગાયક સમજતા હતા.  

'૬૦ના દશકના પ્રારંભમાં ધર્મેન્દ્ર હજી નવોસવો હતો. માથામાં તેલ નાંખીને આવતો. શૂટ કચ્ચીકચ્ચીને ટાઇટ પહેર્યો હોય ને શરીરના તમામ હિસ્સાઓમાંથી વિનય-વિવેક તો પરસેવાની માફક ટપકતા હોય !  

અહીં હીરો ધર્મેન્દ્ર હોવા છતાં એને કોઇ ગીત ગાવા અપાયું નથી. આમે ય, ધરમ ગીતડા ગાય, એના કરતા ઘોડેસ્વારી કરે કે જીપ ભગાવે, એ વધુ સારો વિકલ્પ છે. એને પગે આમ તો કોઇ ખોડ નહોતી, પણ ગીત ગાતી વખતે-આપણા અમદાવાદના ફાસ્ટ બૉલર જસપ્રિત બુમરાહનો જેમ એક હાથ લાકડા જેવો ટટ્ટાર થઇ જાય છે, એવો ધર્માનો પગ ટટ્ટાર થઇને ઘુમરી ખાતો આગળ મૂકાય, પછી જ એ ગીત ગાઇ શકે. (યૂ-ટયૂબ' પર 'આજ મૌસમ બડા મેઇમાન હૈ...' જોઇ જુઓ) કિશોર કુમારના હાથ બાંધી રાખો તો અવાજ ગળામાંથી ય ન નીકળે.  

દરેક કડીએ બન્ને હાથ પહોળા કરીને કિશોર ગીત ગાય. રાજેન્દ્ર કુમાર નાનું છોકરૂં હોડીમાં બેઠું બેઠું પાણીમાં હાથ ઝબોળીને બહાર કાઢતું હોય, એમ હાથની ઘુમરી ન મારે, ત્યાં સુધી એ ગીત શરૂ ન કરે. આપણો ભા.ભૂ. ઉર્ફે ભારત ભૂષણ ગીત ગાતી વખતે ચેહરા પર નાનકડો ય કોઇ ભાવ આવી ન જાય, એ માટે સૉલ્લિડ હાઇટ-બૉડીવાળા બાઉન્સરો રાખતો હશે.  

કિશોરને હીરો તરીકે હરદમ બી કે સી-ગ્રેડની ફિલ્મો જ મળતી. મોટા ભાગે એની હીરોઇન પણ નક્કી જ હોય, કુમકુમ.  

અહીં તો નિર્માતા-દિગ્દર્શક દેવી શર્માના કુમકુમ ઉપર ચાર હાથ હોવાથી કુમી-કિશોરને પહેલી વાર રંગીન ફિલ્મમાં ચમકવા મળ્યું છે. કુમકુમ તો 'મધર ઈન્ડિયા' કે 'સન ઑફ ઈન્ડિયા' કલર ફિલ્મોમાં આવી ગઇ હતી. કિશોર માટે આમ નવું હતું, પણ તેમ નવું નહિ. એની અગાઉની 'આશા' જેવી ફિલ્મમાં એ જમાનાના ટ્રેન્ડ પ્રમાણે આમ પૂરી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મના બે રીલ્સ ક્યારેક રંગીન બનાવાતા.  

'ગંગા કી લહેરેં' માત્ર ઈસ્ટમેન કલર જ નથી, પણ આંખોને હરી લે, એવી મનોરમ્ય ફોટોગ્રાફીથી પારસી કૅમેરામૅન કેકી મિસ્ત્રીએ ગંગા તટ અને ગંગાની લહેરોને સ્વચ્છતાપૂર્વક કેમેરામાં કેદ કર્યા છે.  

બે સગી બહેનો સીમા સાવિત્રી અને ઉમા (કુમકુમ) ઠાકુર-ખાનદાન કી બેટીયાં હોતે હુએ ભી... ભરણપોષણ માટે સ્ટેજ પર નાચગાના કરતી હોવાના ગુન્હા સબબ, સીમા (સાવિત્રી)ની ચાલુ લગ્નવિધિએ જ વરનો બાપ (બ્રહ્મ ભારદ્વાજ), પાંચ લાખ ફિલ્મી લગ્નવિધિ વખતે જોવા મળતી ઘાંટાઘાંટ, ''યે શાદી નહિ હો સકતી...''ની બૂમ સાથે લગ્ન ફિટાઉન્સ કરાવે છે.  

ઘટનાસ્થળે ઉપસ્થિત દીવાન સાહેબનો દીકરો અશોક (ધર્મેન્દ્ર) બહુ ડાહ્યો થવા જાય છે, એમાં ભારદ્વાજ એને જ ચોપડાવે છે કે, ''બહુ ટેં-ટેં કરે છે,તો તું જ આને પરણી જા ને, ભ'ઇ...'' બસ. એ આંગડીયું આપણો ધરમો છોડાવીને સીમા સાથે ત્યાં જ લગ્ન કરી લે છે.  

(આવા જ ખોફથી, કોઇ પણ લગ્નમાં હું જતો નથી અને જઉં તો હસ્તમેળાપ પતી ગયા પછી જ જાઉં છું... મારૂં તો પાછું આ ફિલ્મના હીરોની જેમ નામ પણ 'અશોક' છે...!) પહેલી વારનું ય માંડમાંડ મળ્યું હતું, તો ય બીજી વારનો નિકાલ ઘટનાસ્થળે જ થઇ ગયો, એનો હરખ છાતીમાં મ્હાતો ન હોવાથી આ બન્ને બહેનોના ફાધર (એસ.કે. પ્રેમ)નું એ જ ઘડીએ હાર્ટ-ફેઇલથી મૃત્યુ થઇ જાય છે. (હવે મારી વાત બધાને સાચી લાગશે કે, આવા લગ્નોમાં હું કેમ જતો નથી ! વિધિ પતાવીને સીધા હનીમૂનમાં ઉપડી જવાનું હોય એને બદલે સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને સ્મશાને જવાનું હોય,તે ક્યાં હોંશીલા અને કોડીલા વરરાજાને ગમે ? વાંચકોએ મારી વાતને ટેકો આપવો...!)  

આમે ય, બારે માસ રોતડા નઝીર હૂસેનને હીરો-હીરોઇનની બધી વાતોમાં પથરા મારવાની ફિલ્મજાત આદત છે, એ હિસાબે અહીં હીરો ધર્મેન્દરના ધનવાન પિતા દીવાન સા'બ હોવાને નાતે અશોકને ઘરમાંથી કાઢી મૂકે છે. સાલી આધી ઘરવાલી હોતી હૈ, એ માન્યતા ૧૯૬૪થી પડી હોવી જોઇએ કારણ કે, કુંવારી સાળી કુમકુમને પણ એ સાથે લઇ જઇને ભાડાના ફાલતુ મકાનમાં ત્રણે જણા રહે છે.  

'માનવી, તું શાને ફરે છે ગુમાન માં, તારે રહેવું ભાડાના મકાનમાં' જેવું ભજન આપણા ધરમાએ સાંભળ્યું હશે, એટલે ગૂમાન કરવાને બદલે છાનોમાનો પડયો રહે છે. પણ કુમકુમને તો પોતાનું ભવિષ્ય બનાવવાનું હોય ને ? એટલે એ કિશોર કુમારના આધાર-કાર્ડમાં સહિ કરાવવાના નેક ઈરાદાથી એના પ્રેમમાં પડી ને પોતાના વાળના ઝટકા મારતી ગાય છે પણ ખરી, ''છેડો ના મેરી ઝૂલ્ફેં, સબ લોગ ક્યા કહેંગે...''  

આ બાજુ, વૈજ્ઞાનિક નિયમો મુજબ, લગ્ન પછીના એકાદ વર્ષમાં ધર્મેન્દ્ર સાવિત્રીના બાળકનો પિતા બને છે, પરંતુ એ મગજને બદલે આંખોનો ઉપયોગ વધુ કરતો હોવાથી આંખમાં પ્રોબ્લેમો ઊભા થાય છે. દીવાન સા'બ તો રૂપિયો આલવાની ના પાડે છે, સિવાય કે સાવિત્રી એના સત્યવાનને છોડી દે, તો ઑપરેશનનો ખર્ચો આપું. સાવિત્રી આ સાંભળીને સીધી આત્મહત્યા કરી નાંખે છે.  

એ જમાનામાં આવી નાન્નાની વાતોમાં લોકો આપઘાતો બહુ કરતા ! પણ બચી તો જાય છે અને યાદદાસ્ત ગૂમાવી દે છે. દુખિયારી સ્ત્રીઓમાં બારમાસી ડૉક્ટર બનીને રહેમાન આવી દુ : ખિયારી, છતાં એક વાર પરણી ચૂકેલી હીરોઇન સાથે પરણવાના ખ્વાબો જોયા હોય ! પણ એમ બધાનું માન રાખવા જાય તો ફિલ્મના દિગ્દર્શક પાસે બીજી વાર કોઇ હીરોઇન જાય નહિ, એટલે એક્સિડેન્ટમાં ધરમો આ જ હૉસ્પિટલમાં દાખલ થાય છે. એની આંખો પાછી આવી જાય છે અને બધું જે-શી-ક્રષ્ણ થાય છે.  

આ ફિલ્મ તો રૂપમમાં આવી હતી, પણ એની બરોબર સામે વ્હી.શાંતારામની 'ગીત ગાયા પથ્થરોં ને' ચાલે. લક્ષ્મીમાં એ જમાનામાં મને બહુ ગમેલી ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ 'હમારા ઘર' થોડી ઘણી યાદ રહી ગઇ હોય તો નાનકડી વિજયા મજૂમદારના ત્રણ ગીતો, 'સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા', 'ચલે હવા પુરવાઇ, ઉષા જગમગ જગમગ આઇ' અને 'રાજાજી પછતાયેંગે, રોયેંગે ઔર ગાયેંગે...' મારા જેવા ફિલ્મ શોખિનોની આ પાછી બદનસીબી કે આવી રૅર ફિલ્મ 'હમારા ઘર' વિશે કે તેમના આ ગીતો વિશે જાણકારો ય બીજા ન મળે ! મને એકદમ પરફેક્ટ તો યાદ નથી, પણ ચેતન આનંદની ફિલ્મ 'હકીકત' ફૂવારા પાસેની સેન્ટ્રલ ટૉકીઝમાં આવી હતી. પ્રકાશમાં આપણા ભા.ભૂ. અને માલા સિન્હાની 'જહાનઆરા' આવી હતી. સૉરી... ખરેખર તો મદન મોહનની 'જહાનઆરા' લખવું જોઇએ.  

દુનિયામાં આ એક માત્ર ફિલ્મ હતી, જેમાં ચારેચાર મંગેશકર બહેનોએ પહેલી (અને છેલ્લી) વાર સાથે ગાયું હતું. કમનસીબે, આ ગીત રેકોર્ડ પણ નહિ થયું. નહિ તો એ રેકોર્ડ મદન મોહનને નામે હોત ! યસ. એ પછી લક્ષ્મીની બાજુમાં એલ.એન.માં સચિનદેવ બર્મનની 'કૈસે કહું ?' (મનમોહન મન મેં હો તુમ્હી... અને મુહમ્મદ રફીના ક્યાંય સાંભળવા ન મળે, એવા બે દિલડોલ ગીતો, 'ઝીંદગી તૂ ઝૂમ લે જરા' અને 'દીલ કા દર્દ નિરાલા, કિસ કો સુનાઉં, કોઇ નહિ હૈ..' ઉપરાંત આશા સાથે બહુ જામેલું, 'કિસી કી મુહબ્બત મેં સબ કુછ ભૂલા કે, કોઇ ચીજ પાઇ હૈ..') સ્ટેશન પાસેની અલંકારમાં દિલીપ કુમારનું 'લીડર', નૉવેલ્ટીમાં મીના કુમારી-ધર્મેન્દ્રનું 'મૈં ભી લડકી હું', લાઇટ હાઉસમાં આ કૉલમના વાચક અને ફિલ્મ નિર્માતા સેવન્તીલાલ શાહનું 'સાંજ ઔર સવેરા', અશોકમાં દારા સિંઘ-અમિતા-ફિરોઝ ખાનનું 'સૅમસન', મોડેલમાં 'સંત જ્ઞાાનેશ્વર'  અને રીલિફમાં દાદુ-દાદુ રાજ કપૂરનું 'સંગમ'...!  

કુમકુમ વિશે તો જાણવું ગમે, એવી સુંદર અને કલાકાર છોકરી હતી. એનું સાચું નામ તો ઝેબુન્નિસા હતું, છતાં કેટલાક એને 'મહેરૂન્નિસા'ને નામે ય ઓળખે છે. કુમકુમમાં કોને રસ નહોતો પડયો, એ સવાલ રાક્ષસી છે.  

ઈવન, આ ફિલ્મ ઉતારનાર નિર્માતા-દિગ્દર્શક દેવી શર્મા પણ કુમીને પોતાની દેવી બનાવવા તૈયાર હતા. પ્રયત્નો ઓછા નહોતા પડયા, પણ હરિફો વધી ગયા હતા.  

સૌથી પહેલા ગુરૂદત્તે એમને 'આરપાર', 'મિસ્ટર એન્ડ મિસીસ '૫૫', 'સીઆઈડી' અને છેલ્લે 'પ્યાસા'માં નમૂનેદાર કિરદારો આપ્યા. એનું માંડ પત્યું, ત્યારે મેહબૂબ ખાને રીક્ષા ઊભી રાખી, પણ 'મુદ્દઇ (એટલે કે, દુશ્મન) બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વો હી હોતા હૈ, જો મંઝૂરે ખુદા હોતા હૈ' નામનો શે'ર પોતાની બધી ફિલ્મોના ટાઇટલ્સ પહેલા કહેતા મેહબૂબ ખાન (કુમકુમને ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને 'સન ઑફ ઈન્ડિયા'માં ઑલમોસ્ટ હીરોઇનોના રોલ આપ્યા હતા.) ને મુદ્દઇ તરીકે રામાનંદ સાગર નડી ગયો. સાગરે પોતાની ખાબોચીયા જેવડી અને જેવી ફિલ્મોમાં કુમકુમને મોટી હીરોઇન બનાવી જોવાના બહુ હલેસાં માર્યા, ફિલ્મ 'આંખે', 'લલકાર' અને 'જલતે બદન'માં એને હીરોઇન બનાવીને. 'આંખે'માં તો માલા સિન્હા હીરોઇન હતી, એટલે સાગરે 'લલકાર'માં હીરોઇન માલુને જ રાખીને સેકન્ડ-હીરોઇનમાં કુમકુમને લીધી. કુમી ધરમની હીરોઇન અને માલુ રાજેન્દ્ર કુમારની હીરોઇન...  

એમ કાંઇ ફિલ્મો ચાલતી હશે...? ના ચાલી, પછી સાગર સીધા ટીવી-સીરિયલ 'રામાયણ' બનાવવા ચઢી ગયા...! એ વખતે, પૂરા ભારતમાં 'દૂરદર્શન' સિવાય અન્ય કોઇ ચૅનલો ન હોવાથી 'રામાયણ' પ્રસારિત થતી હોય ત્યારે આખો દેશ કરફ્યૂમાં ડૂબી જતો. હાસ્યાસ્પદ વાત એ હતી કે, રામાનંદ સાગર પોતે દરેક એપિસોડના અંતે કોઇ સાધુ-મહાત્માની જેમ આધ્યાત્મિક સંદેશો આપવા પ્રગટ થતા અને એ પણ કોઇ ગુરૂ મહારાજની જેમ !  પોતાની જાતે જ એ ગુરૂ મહારાજ બની બેઠા !  

ફિલ્મની હીરોઇન સાઉથની સાવિત્રી તેલુગુ ફિલ્મોનું બહુ મોટું નામ ગણાતું. એ જેમિની ગણેશનની પત્ની હતી. આ જેમિનીની પત્ની નં. ૨ એટલે અમિતાભવાળી રેખાની મમ્મી 'પુષ્પાવલ્લી પૅન્ટાપડુ' પણ હીરોઇન હતી. એ વાત જુદી છે કે, જેમિનીએ પુષ્પાને ઑફિશિયલ વાઇફનો દરજ્જો નહતો આપ્યો, કારણ કે ત્રીજી વાઇફ 'જુલિયાન'ને ય સાચવવાની હતી. આ સાવિત્રીને મનોજ કુમારની ફિલ્મ 'ઘર બસા કે દેખો' અને બહુ પહેલા 'બહુત દિન હુએ'માં કામ કર્યું હતું.  

એ જમાના પ્રમાણે ખાસ્સી થર્ડ-ક્લાસ ફિલ્મ તો આને કહેવાય એવી નથી... પણ સાલ '૬૪ની એટલે નવીનવી કલર ફિલ્મો આવતી રહેતી હતી, એમાં કેકી મિસ્ત્રીનો કૅમેરા નયનરમ્ય દ્રશ્યો પર ફર્યો છે. કિશોર બકવાસ કરે છે પણ નવોનવો આવેલો ધર્મેન્દ્ર ઍક્ટિંગવાલી બાત છોડો... દિખને મેં અચ્છા લગતા હૈ ! 

No comments: