Search This Blog

11/12/2016

ઍનકાઉન્ટર : 11-012-2016

* વધતી મોંઘવારીમાં મર્યાદિત આવક સાથે ઘરખર્ચનો સુમેળ સાધવાનો કોઈ ઉપાય બતાવશો ?
-
તમને શું લાગે છે ? બ્રહ્માંડમાં ભારત અવકાશયાત્રીઓને પત્તાં રમવા મોકલે છે?
(
ગીતા દેસાઈ, વડોદરા)

* તમને આ કોલમ લખવાની પ્રેરણા ક્યાંથી મળી ?
-
નાના મગજમાંથી.
(
દિલીપ સુથાર, દેવકાપડી-ભાભર)


* આપણી પાસે દેશપ્રેમ નથી... ક્યારે જાગશે ?
-
બસ... એક વાર આ ઘરમાં છેલ્લી ૫૦૦/- અને ૧૦૦૦/-ની નોટનો વહિવટ થઈ જવા દો !
(
પંકજ દફ્તરી, રાજકોટ)

* શહેરના રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે ગાયોને સગવડતાપૂર્વક બેસવાના વિરામ સ્થળો બંધાતા હોય તો સગવડની સગવડ અને સેવાની સેવા ન થાય ?
-
અફ કોર્સ... એ ગાયોના માલિકો પાસેથી બાંધકામ ખર્ચ ઉપરાંત રોજનો સફાઈ ખર્ચ અને માસિક ભાડું દર મહિને વસૂલ કરી લેવાના !
(
મધુકર મહેતા, વિસનગર)

* પૈસાદાર બનવાનો કોઈ શોર્ટ કટ ખરો ?
-
તમે ચોક્કસ બની શકશો. તમારા સવાલમાં 'શોર્ટ'ને બદલે શોટ કટ લખ્યું છે !
(
વિજય વી. સોનાણી, સુરત)

* ઓલિમ્પિક ખેલાડીઓ માટે શોભા ડે ની કમેન્ટ વિશે તમારે શું કહેવું છે ?
-
એની વાત સાચી હતી, પણ સવાલ ગોઠવતા ન આવડયો... ! એનો ગુસ્સો ખેલાડીઓ માટે નહિ, એ ખેલાડીઓને મોકલનાર સ્પોર્ટ્સ-બોડી માટે હતો !
(
વિવેક માણીયા, સુરત) અને (પૂર્વેશ પંચોલી, વડોદરા)

* જાતિ આધારિત વસ્તીગણત્રી બંધ ક્યારે થશે ?
-
જ્યારે જાતિ આધારિત વસ્તી ઓછી થશે !
(
ઈલ્યાસ તરવાડી, ચલાલા-ધારી)

* સર, કમાવવું છે. અહીં રાજકોટમાં તો શ્રાવણ માસમાં જ તીનપત્તીનો મહિમા છે...!
-
હા, તે વળી આટલા નાના કારણોસર તમને ગોલ્ફ રમવા તો ન મોકલાય ને !
(
રશ્મિન દવે, રાજકોટ)

* તમે મારા સવાલોના જવાબ કેમ નથી આપતા ? શું મારાથી કોઈ ભૂલ થાય છે ?
-
તમે પૂછ્યું છે, ''સિન્ધુજીએ રાજીનામું કેમ આપ્યું ?''... આખા ભારતમાં ખોવાયેલા બાળક ક્યા સિન્ધુજીની મારે ક્યાં ક્યાં તપાસ કરવી ?
(
ઋષિ વૈષ્ણવ, જામનગર)

* તમે એસ.ટી.ની પૂછપરછની બારીએ ફરજ બજાવતા હો, તો મુસાફરોને કેવા જવાબો આપતા હોત ?
-
એ સવાલ એક જ વખત ઉભો થાત ને... ? મુસાફરો જ ફરિયાદ કરત કે, આવી બારીએ કોઈ તોતડાને બેસાડાતો હશે ?
(
હેતાંશી જે. સુથાર, પાલનપુર)

* તમારે અમદાવાદ અને જામનગર વચ્ચે પસંદગી કરવાની હોત તો કોની કરત ?
-
૪૦-વર્ષ પહેલા લગ્ન માટે જામનગરની પસંદગી કરી લીધા પછી હજી હપ્તા ભરૂં છું.
(
રિધ્ધિ કનખરા, જામનગર)

* તમે તિતિક્ષાના હર્યાભર્યા રૂપના જે વખાણ કર્યા છે. આવું મનમોહિત લખાણ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે ?
-
તિતિક્ષા પાસેથી... બીજી બધીઓ તો મા-બેન સમી ગણવી !
(
ચંદ્રકાંત બગરીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* બાળમજૂરી ગૂન્હો ગણાય, છતાં બોલીવૂડના અનેક બાળ કલાકારો પાસે કામ કરાવાય છે ?
-
તમારો ગુસ્સો સમજી શકું છું, પણ આમ શાહરૂખ, ઋત્વિક, સલમાન કે અજય દેવગણ માટે ગુસ્સો ન કરાય, ભાઈ !
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* ઓલિમ્પિકમાં ભારત કરતા ચીન-અમેરિકા વધારે મેડલો કેમ જીતે છે ?
-
એ લોકો મેડલો જીતી શકે, માટે ભારતને બોલાવાય છે !
(
ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

* જવાબો આપવા માટે તમે પગારદાર માણસ રાખ્યો છે. સાચી વાત ?
-
આપની અરજી કોરા કાગળ ઉપર સ્વચ્છ અક્ષરોમાં કરો.
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* તમારે આરએસએસ સાથે કોઈ નિસ્બત ખરી ?
-
ખરી જ. કાગળ ઉપરની એ અદ્ભુત વિચારધારા છે.
(
હિરેન સુતરીયા, કુકડીયા-ઈડર)

* તિતલી લેખમાળાનું તાત્પર્ય એ કે, આપ હજી રંગીન છો !
-
હજી એટલે... ?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* સુભાષચંદ્ર બોઝ વિદેશની ધરતી પર અવસાન પામ્યા, એનું રહસ્ય ઉકેલવા કેટલો બધો રસ લેવાય છે, પણ લાલબહાદુર શાસ્ત્રી પણ વિદેશી ધરતી પર ગૂજરી જવા છતાં કેમ કોઈને રસ નહિ ?
-
ચૂંટણીમાં નેતાજીનું નામ વટાવવાના હજી દસ-બાર વોટ આવે છે... અને આ શાસ્ત્રીજી કોણ છે... રવિ શાસ્ત્રીના મામા ?
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* આપને ડીડી-ગીરનાર પર જોયા હતા... આપનો દેખાવ મસ્ત છે, હો !
-
હા, પણ છેલ્લે આ આશ્ચર્યચિહન શેનું મૂક્યું છે ?
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* ૫૬''ની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી અંગ્રેજોએ આપેલ રવિવારની રજા કેન્સલ કરી બતાવે !
-
તે તમારે ક્યાં એમના પેટ ઉપર ચઢી જઈને છાતી ઉપર બચકાં ભરવા છે... !
(
કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* મોદીજીના શણગારખર્ચ વિશે તમારૂં શું માનવું છે ?
-
શેની દુકાનો રાખી છે... ?
(
અભિજીતસિંહ પઢીયાર, બરવાળા)

* પ્રેમ આંધળો કેમ ? લૂલો, લંગડો કે બહેરો કેમ નહિ ?
-
એ તો ખબર નથી. એટલી ખબર છે કે, પરણ્યા પછી એ બહેરો થઈ જાય છે.
(
રાજેશ બી. દરજી, અમદાવાદ)

No comments: