Search This Blog

08/12/2016

એક બાર જોરદાર તાલીયાં હો જાય...!

મને સંગીતનો શોખ ખરો, પણ તાળીઓ વગાડવી મને ગમતી નથી ને આવડતી નથી. રીધમમાં હું બહુ કાચો. પધ્ધતિસરની તાળીઓ પાડતા શીખ્યો પણ હોત તો ય કદી વગાડત નહિ. મને તાળીઓ અકળાવી મૂકે છે. ન છૂટકે ક્યારેક પાડવી પડે, તો તીનપત્તીના પત્તાં ચીપતો હોઉં એવા સૂરની તાળીઓ મારાથી પડે છે. કોઇ પ્રોગ્રામ જોવા જતા પહેલા સૌથી વધુ બીક એ પ્રોગ્રામના સંચાલકની લાગે છે. એ બધી શાંતી પ્રોગ્રામ શરૂ થયો ન હોય, તયાં સુધીની જ હોય છે. પરદો ખુલ્યા પછી મારા પૂરા શરીરમાં ગભરાટનું માર્યું લખલખું દોડી જાય છે કે, હમણાં કોમ્પેર આવશે ને હમણાં તાળીઓ પડાવશે ! હૉલમાં બેઠા પછી આપણે કઇ કમાણી ઉપર તાળીઓ પાડવાની હોય છે, તે મારી સમજમાં વતું નથી, પણ સંચાલક શરૂ જ થઇ જાય છે, ‘ભાઇઓં ઔર બહેનો... આઇયે, ઇસ બેહતરીન શો કે આગાઝ (શરૂઆત)મેં એક બાર જોરદાર તાલીયાં હો જાય...!’ હું મારી સીટમાં બેઠો બેઠો એને રીસ્પૉન્સ પણ આપી બેસું છું અને કોઇપણ જાતની બુધ્ધિ વાપર્યા વિના બસ... પેલો કહે છે, એટલે તાળીઓ પાડવા માંડું છું. આમ તો, શરીરમાં મારાથી બહુ ભારે ન હોય તો એવા માણસથી હું ડરતો ય નથી, પણ પ્રોગ્રામોના સંચાલકોથી બાકાયદા ફફડું છું.

હવે ગુજરાતભરનો કોઇપણ સ્ટેજ–શો જોવા જતી વખતે રીતસરની બીકો લાગવા માંડે છે કે મહી ગયા પછી કેટલીવારમાં અને કેટલી કેટલી વારે જોરદાર તાળીઓ પાડવી પડશે ? ડઘાઇ ગયેલા કેટલાક શ્રોતાઓ ડરના માર્યા હોલમાં દાખલ થતી વખતે તાળીઓ પાડતા પાડતા જ આવે છે !

આ એક હવે રોગ થતો જાય છે, કોઇપણ શોનો સંચાલક એટલે કે કોમ્પેર (Compere) શો શરૂ થતા જ દર પાંચ મિનિટે ઓડિયન્સ ઉપર ફરી વળે છે ને શું એને મઝા પડતી હશે કે, શ્રોતાઓ પાસે બસ... તાળીઓ પડાવે રાખે છે ! ઓડિયન્સની મરજી હોય કે ન હોય, એ ખુશ થયું હોય કે ન થયું હોય ને ઠંડીને કારણે ખિસ્સામાં ગમે તેટલા હાથ ભરાવી દીધા હોય, પણ કોમ્પેર તોફાને ચઢ્યો હોય છે ‘...ઔર એક બાર જોરદાર તાલીયાં હોય જાય...’

સ્ટેજ–શોના સંચાલકો ઓડિયન્સ પાસે દર ત્રીજી મિનિટે ‘જોરદાર’ તાળીઓ પડાવી પડાવીને ભૂકાં કાઢી નાંખે છે ને નોબત ત્યાં સુધી આવી જાય છે કે, શો પૂરો થયા પછી ગાડીમાં ઘેર જતી વખતે, બાજુમાં બેઠેલી વાઇફ કંઇ બોલવા જાય તો ય આદતના જોરે ‘જોરદાર’ તાળીઓ પાડી બેસીએ છીએ. ચાલુ શોએ યાદ પણ નથી રહેતું કે, શૉ જોવા આવ્યા છીએ કે તાળીઓ પાડવા ! સ્ટૅજ ઉપર દરેક નવી ન્ટ્રીએ કૉમ્પેર આપણી પાસે તાળીઓ પડાવે છે, ‘... તો અબ સ્ટેજ પર આ રહી હૈ, હિંદુસ્તાન કે બેહતરીન ગાયિકા મિસ માલા.... ઇન કે લિયે એક બાર જોરદાર તાલીયાં હો જાય...’ એટલે ચાવીવાળું રમકડું, ચાવી ચાલે ત્યાં સુધી વાળીઓ પાડતા ખંજરી વગાડે રાખે, એમ ઓડિયન્સ પણ પેલો ઍન્કર જેમ નચાવે એમ નાચતું રહે છે. પછી તો, રસ્તામાં ટ્રાફિક–પોલીસવાળો દેખાય તો ય એને જોઇને, ‘જોરદાર તાળીઓ’ આદતના જોરે પડાઇ જાય છે. ૯૮ ટકા કૅસોમાં તો ઓડિયન્સને જ નહિ, ખુદ કૉમ્પેરને ખબર હોતી નથી કે, આ વખતે શેને માટે તાળીઓ પડાવી ! અનેકવાર એવું બને છે કે, શોએ–શોએ જોરદાર તાળીઓ પાડવાના હુકમનામાનો શ્રોતાઓ ભયના માર્યા નહિ, પણ રાબેતા મુજબનો અમલ કરે છે. પેલો તાળીઓ પડાવે એટલી વાર પાડે રાખવાની. કોઈ એ સમજતું નથી કે કૉમ્પેર બોલતા બોલતા એની સ્ક્રિપ્ટમાંથી કશું ભૂલી ગયો છે, એ યાદ કરવા ને ગેપ પૂરવા હોમવર્ક આપણને સોંપી દે છે કે... ‘તો આઈયે... એકબાર જોરદાર તાલીયાં હો જાય...!’

મારી બાએ વર્ષોથી શીખવાડી રાખ્યું છે કે, કોઇ હોલમાં સ્ટેજ શો જોવા, પ્રવચન કે શેર–ઓ–શાયરી સાંભળવા જવાનું હોય, ત્યારે બન્ને હાથ ભાંગી ગયા હોય, એવા સોલ્લિડ પ્લાસ્ટરો બનાવીને જવું અથવા બન્ને હાથમાં ‘વિક્સ’ ઘસીને જવું સારૂં...! વિક્સ ઘસેલા હાથે તાળીઓ પડે ખરી પણ અવાજ ન નીકળે અને લાગે ય ખરૂં કે, આપણે તાળીઓ પાડી છે ! પ્રોગ્રામનો સંચાલક એ અથવા આપણે જરાક અમથા નવરા પડ્યા નથી ને, ‘...ઔર ઇનકે લિયે જોરદાર તાલીયાં હો જાય...’ એવા ઝનૂનો શરૂ થાય !’ રામ જાણે આપણા ઉપર કયા જનમનું વેર લેવા માંગતો હશે કે, નવરો પડ્યો નથી ને ઑડિયન્સ પાસે તાળીઓ પડાવવા માંડ્યો નથી ! સ્ટેજ પરથી શોનું સંચાલન કરનારને કોમ્પેર (Compere) કહેવામાં આવે છે. લાયન્સ–રૉટરીવાળા થોડું વધારે ભણેલા, એટલે એ લોકોમાં કૉમ્પેરને બદલે ‘ધી માસ્ટર ઑફ સેરૅમની’ વપરાય છે. તો બિચારો કહેવાય ‘માસ્ટર’, પણ એને ત્રણ કલાક બેઠા બેઠા જૂની હોટલના મહેતાજીની માફક ઘરાક ઊભું થાય એટલે લાકડાના પાટીયાંની ક્લિપમાં ભરાવેલી કાગળની ટચુકડી ચિઠ્ઠી ફાડીને સોંપેલું ઘરકામ જ કરવાનું હોય છે – ખાસ કરીને, દર દસ–પંદર મિનિટે તાળીઓ પડાવવાનું. વચમાં વચમાં ‘...તો હવે પછીના આપણા સન્માનનીય વક્તા છે... શ્રી–’ "Ladies & Gentlemen, put your hands together to welcome on stage Mr. Chhanalal..."

ફિલ્મ–સંગીતના શોમાં કૉમ્પેર શ્રોતાઓ પાસે તાળીઓ પડાવવાની રાહ જોઇને બેઠો હોય છે. મૂળ તો ગમે તે સારૂં કે ઠેકાણા વગરનું ગીત કોઇ ગાયકે પતાવ્યું હોય એટલે સૌજન્ય ખાતર (અથવા તો નવરા બેઠા કંટાળ્યા પછી શું કરવું, એની દાઝમાં) શ્રોતાઓ તાળીઓ તો પાડતા જ હોય, પણ એનો ગડગડાટ પતી જાય પછી પણ કૉમ્પેર ઝાલ્યો ન રહે અને ગમે ત્યાંથી કારણ શોધી લાવીને ફરી પાછો તાકાત બતાવશે, ‘બહેનો ઔર ભાઇયોં... મિસ માલા કે ગાને પર તો આપને બહોત ખૂબ તાલીયાં બજાઈ, લેકીન ઢોલક–તબલે પર અપની કમાલ દિખાનેવાલોં કો ક્યા મિલા...? થોડી સી તાલીયાં ભી નહિ...? એટલે હોલમાં બેઠેલા ૭૦૦ નવરાઓ ફરી એકવાર મંડી પડે, આડેધડ તાળીઓ પાડવા ! એ હજી પુરી થઇ ન હોય તે પેલાને બીજી સનક ઉપડે, ‘બહેનોં ઔર ભાઈયોં.. આપકો ઇસ પ્રોગ્રામ કી દાવત જીસને દી, વો સિર્ફ નટુભાઈ નહિ થે... અપની બહેતરીન કૂરિયર સર્વિસ સે હમ સબકો ટાઈમ પર ઇસ પ્રોગ્રામ કે પાસ ભેજનેવાલી શિવશક્તિ કૃપા કૂરિયર સર્વિસ કે દિનુભાઇ કે લિયે જોરદાર તાલીયાં હો જાય...!’ ફરી પાછા નવરાઓ મંડી પડે ! હજી ટાઉન હોલનો, ઇલેક્ટ્રિશિયન, સફાઇ–કામદાર કે સીક્યુરિટી–ગાર્ડસ માટેની તાળીઓ સાચવીને અલગથી રાખી મૂકી હોય !
આવી બીજી છસ્સો વાર તાળીઓ પાડવાની બાકી હોય ને મોટા ભાગના શ્રોતાઓમાં બહુ ‘લાંબી’ હોતી નથી, એટલે જેમ કૉમ્પેર નચાવે એમ રીંછભ’ઇઓ જાહેરમાં તાળીઓ પાડે જાય ! ગાયકે મધુર ગાયું હોય તો શ્રોતાઓ વગર માંગે તાળીઓ પાડવાના જ છે. આમ દરેક ગાયકે ગાયકે તાળીઓ ઉઘરાવવાથી એકેય ગાયકનું માન રહેતું નથી. આ તો ઘણા કૉમ્પેર દયાળું હોય છે કે તાળીઓની માફક ખડખડાટ હસવાની ડિમાન્ડ કરતા નથી નહિ તો, ‘...ઔર યહાં મેરા જોક પૂરા હો ગયા... આઇયે, એક બાર જોરદાર અપને અપને પેટ પકડ કે ખડખડાટ હંસના હો જાય...!’

કૉમ્પેર એના ઘેરે ય આવું જ કરતો હશે ? વાઇફે જમવાનું સારૂં બનાવ્યું હોય તો, ‘...આઈયે બચ્ચોં, મમ્મી કી બહેતરીન રસોઇ કે લિયે એક બાર જોરદાર તાલીયાં હો જાય...!’

તારી ભલી થાય ચમના...! તું બહુચરાજી માતાનો ભક્ત હોઇ શકે, પણ મને કઇ કમાણી ઉપર તારા સંઘમાં જોડે છે ? આવા કૉમ્પેરને બેસણાં કે શોકસભાઓમાં ન બોલાવાય... સુઉં કિયો છો?

સિક્સર
નોટબંધીની બબાલ પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાલત માટે કવિ ભાવેશ ભટ્ટની બે પંક્તિઓ:
‘હું જ મારો આશરો થઇ જાઉં છું : સાંજના મુશાયરો થઇ જાઉં છું,

કોઇને તત્કાલ મળવું શક્ય ક્યાં ? હરઘડી આગોતરો થઇ જાઉં છું.’

No comments: