Search This Blog

28/02/2016

ઍનકાઉન્ટર : 28-02-2016

* ગં.સ્વ. ડિમ્પલબેન રાજેશકુમાર કાપડીયાની હવે ઉંમર દેખાવા માંડી છે. તમને ?
- તમારી ઉંમર સુંદર સ્ત્રીઓની બાઓને જોયા કરે એટલી નાની તો નથી લાગતી !
(પંકજ દવે, વડોદરા)

* ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટના વ્યવસાય વિશે શું માનો છો ?
- કાંઇ નહિ. એમને બોલાવવા પડે, એટલું હજી કમાતો નથી.
(જે.કે. શાહ, બોટાદ)

* અમારા જેતપુરના સાડી-ડ્રેસ બહુ પ્રખ્યાત છે. કદી આવ્યા છો ?
- તે હશે..... પણ સાડી અને ડ્રેસમાં હું બહુ સારો ન લાગું.
(મૌલિક ભટ્ટ, જેતપુર-જૂનાગઢ)

* હૉલીવૂડની સ્ટન્ટ ફિલ્મો જેવા રીયલ સ્ટન્ટ જોવા આપણે બૉલીવૂડની 'ડી-ડે' કે 'ફૅન્ટમ' જેવી ફિલ્મો જોવી પડે છે.
- લાખ પ્રયત્નો કરવા છતાં હજી સુધી હૉલીવૂડનો કોઈ નિર્માતા આપણી એકે ય ફાળીયા-બ્રાન્ડ ગુજરાતી ફિલ્મ બનાવી શક્યો નથી.... હિંદીની નકલ કરતા તો સદીઓ નીકળી જશે !
(અનિરૂદ્ધ ચાવડા, વઢવાણ)

* સુખી જીવવાની રીત બતાવશો ?
- રોજ પેટ સાફ આવવું જોઇએ.
(કૌશિક કુમાર, કુવાસણા-મેહસાણા)

* જેટલી ખુશી ફૅસબૂક્સના લાઇક્સ વાંચીને નથી મળતી, એટલી 'ઍનકાઉન્ટર'માં અમારો જવાબ વાંચીને થાય છે... પંખો ચાલુ કરૂં ?
- તમારૂં વાંચન ઘણું ઊંચું કહેવાય ! અમદાવાદ કરતાં જૂનાગઢ ઘણો ઊંચો છે.
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

* કૉલેજમાં તમે કાયમ LLB હતા... 'ધી લૉર્ડ ઑફ ધ લાસ્ટ બૅન્ચ.' સાચું ?
- આ માહિતી ગુપ્ત રાખવાની હતી કે, હું કૉલેજ સુધી તો ભણ્યો છું...ને તમે-દોસ્ત દોસ્ત ના રહા.....
(ઈરવિન ક્રિશ્ચિયન, અમદાવાદ)

* તમે રીલાયન્સ જેવી નોકરી કેમ છોડી ?
- પાપી પેટને ખાતર.
(બ્રીજેશ દરજી, અમદાવાદ)

* છાપાંઓમાં આવતી તાંત્રિક અને મેલી વિદ્યાની જાહેરખબરો અંગે કેમ અવાજ ઊઠતો નથી ?
- ખોટાં તો ખોટાં.... સ્વયં પ્રજાએ આવા બે-ચાર જણાને જાહેરમાં ધીબેડી નાંખવા જોઇએ, જેથી બાકીના સીધા થાય !
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

* સ્વ. ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ અને સરદાર પટેલની મૃત્યુતિથિ એક જ દિવસે આવતી હોવા છતાં ફક્ત ઇંદિરાજીને જ વધુ યાદ કેમ કરાય છે ?
- અને એમાં ય આ લોકો, '.... પટેલ તો અમારા જ' એવો પાગલ પ્રચાર કરીને સરદાર પટેલ જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિભાને વામણી બનાવી રહ્યા છે.
(કાંતિલાલ માકડીયા, રાજકોટ)

* આધુનિક નવરાત્રીએ પારંપરિક નવરાત્રીનો છેદ ઉડાડી દીધો હોય, એવું નથી લાગતું ?
- દરેક ગરબામાં દાંડીયાને બદલે ફરજીયાત હાથમાં રાયફલો પકડાવો.... 'જયઅંબે'ને બદલે 'જયભારત' બોલાવો..... બધા છેદો ઊડી જશે !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ફિલ્મ 'બૉબી'માં ડિમ્પલને જોઇને લોકોનો ઉત્સાહ ઉભરતો, એવો આજે સની લિયોનીને જોઇને કેમ નથી આવતો ?
- તમારા સહિત હરએક સજ્જન ડિમ્પલને પોતાની સગી બહેન જેવી માને છે...
(મધુકર માંકડ, જામનગર)

* 'લગ્ન પછી તમે બહુ બદલાઇ ગયા છો !' એવું પત્ની અવારનવાર કહે તો શું સમજવું?
- હિમ્મત હોય તો એક વાર બદલાઇને બતાવો-હાથમાં ખણખણતો ચીપિયો પછાડી, 'અલખ નિરંજન' કરતો કૉલબૅલ વગાડો ને ધાક મારો, ''હા બોલ, હું ખરેખર બદલાઇ ગયો છું.... તારો વિચાર બદલાયો હોય તો બોલ !''
(દીપક આશરા, ગાંધીનગર)

* શું થવા બેઠું છે ? ગુજરાતનું અને દેશનું ?
- સૉરી, તમારા સવાલનો જવાબ ફ્રાન્સ, યા જાપાન કે ચાયનાથી મંગાવ્યો છે... આવી જશે તો સ્કૉટલૅન્ડથી જણાવીશું.
(શૈલેષ યાદવ, મજરા-પ્રાંતિજ)

* પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દેવાનો સમય પાકી ગયો નથી ?
- ઓહ...તમે તો ભારતે યુધ્ધ છેડવું જોઇએ, એવું સૂચન કરતા લાગો છો. સૉરી, હું બ્રાહ્મણ છું, તમે સોની. બાકીના બધા દલિતો, મુસલમાનો, જૈનો, વૈષ્ણવો, પટેલો છે, લોહાણાઓ છે. દેશ ગયો ભાડમાં... પહેલા એ નક્કી થઇ જવા દો કે, અમારા બધામાંથી સૌથી ઊંચું કોણ ? જેમને અનામતો નથી મળી, એ પહેલા મળી જવા દો....
(દર્શન સોની, અમદાવાદ)

* મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપ છોડાવવા ઘણા લોકો પાછળ કેમ પડી ગયા છે ?
- એ લોકો કોઇ પણ સબ્જૅક્ટમાં ધોનીથી આગળ નીકળી શકે એમ નથી, માટે !
(નિશીલ પટેલ, વડોદરા)

* તમને લાડવા ભાવે કે નહિ ?
- તોડતી વખતે હથોડી વળી જવી ન જોઇએ, એવા હોય તો ભાવે.
(તરૂલતા આર. ભટ્ટ, જૂનાગઢ)

* તમારા વાઇફ તમારા લેખો વાંચીને હસે છે ખરાં ?
- એ તો મારૂં વસીયતનામું વાંચીને ય હસી નહોતી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* પાળેલા કૂતરાઓનું પેટ ખાલી કરાવવા ઘણા લોકો બીજાના ઘરનાં આંગણાં બગાડે છે...શું કરવું ?
-''કૂતરાઓ ભલે અહીં પતાવતા..... તમે ઘરે જઈને કરો,'' એવું ચોખ્ખું કહી દેવાનું.
(દીપ્તિ રાવલ, અમદાવાદ)

* મારે મીડિયા સાથે કામ કરીને સમાજ માટે સારાં કામો કરવા છે. ક્યાં જોડાવું ?
- ઓહ... હું તો સમજ્યો, તમે કોઇ સારુ કામ કરવાનું પૂછો છો !
(સરફરાઝ ચવાણ, ગઢડા)

* સ્ટીવ જૉબ્સની જેમ તમારા ય કોઇ ગુરૂ ખરા ?
- ગુરુ બનાવનારાઓ સ્ટીવ જૉબ્સ કે અશોક દવે બની શકતા નથી.
(અલમીન વસાયા, કાસા-પાલઘર)

26/02/2016

'નગીના' (૫૧)

ફિલ્મ : 'નગીના' (૫૧)
નિર્માતા :દલસુખ પંચોલી
દિગ્દર્શક:રવીન્દ્ર દવે
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઇમ: ૧૫ રીલ્સ
કલાકારો : નૂતન, નાસીર ખાન, બિપીન ગુપ્તા, ગોપ, શામલાલ, મોહના, હીરાલાલ, ગોલ્ડસ્ટીન.






ગીતો
૧. તૂને હાય, મેરે જખમ-એ-જીગર કો છુ લિયા... લતા મંગેશકર
૨. યાદ આઇ હૈ, બેકસી છાયી હૈ.... લતા મંગેશકર
૩. કૈસી ખુશી કી હૈ રાત, બલમ મેરે સાથ... લતા મંગેશકર
૪. રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે... સી.એચ.આત્મા
૫. તુમકો અપની જીંદગી કા આસરા સમઝે... સી.એચ.આત્મા
૬. એક સિતારા હૈ આકાશ મેં... સી.એચ. આત્મા
૭. માય ડિયર માય ડિયર... ઓ મમ્મી નહિ... શમશાદ- રફી
૮. હમસે કરો પ્યાર કરો જી, હૅલ્લો... લતા-રફી- કોરસ
ગીત નં.૧,૨,૪ અને ૬ શૈલેન્દ્ર-૩ અને ૫ હસરત-બાકીનાની માહિતી નથી.

હીરોઇનના સ્વાંગમાં નૂતનની આ પહેલી ફિલ્મની એક સનસનાટી વાંચવા જેવી છે.

હીરોઇન હોવા છતાં નૂતનની ઉંમર કેવળ ૧૫ વર્ષની અને આ ફિલ્મ 'કેવળ પુખ્ત વયનાઓ માટે' હોવાથી ફિલ્મના પ્રીમિયરમાં ય નૂતનને ડોરકિપરે પ્રવેશ ન આપ્યો અને બાકાયદા ફિલ્મ જોવા ન મળી. છાતીમાં તીર તો એ સાંભળીને ખૂંચી જાય છે કે, આ ભારત દેશમાં એ જમાનામાં શું આવા ફરજપરસ્ત ડૉરકીપરો હશે ? નહિ તો, મોતીલાલ કે શોભના સમર્થ તો પેલાના ખિસ્સામાં રૂપિયાની નોટ સરકાવવા માટે સમર્થ હતા ! ફેમિલી-ફ્રૅન્ડ તરીકે સિનેમાઘરમાં શમ્મી કપૂરને ય સાથે લઇ જવામાં આવ્યો હતો, પણ નૂતનને થીયેટરમાં જવા ન મળ્યું. ફિલ્મ કોઇ સેક્સી દ્રષ્યોને કારણે 'એડલ્ટ'નહોતી જાહેર થઇ, પણ ૧૯૫૧-ના સરકારી ધોરણો મુજબ, ફિલ્મ હોરરથી ભરપૂર હોવાથી પુખ્ત વયનાઓનું સર્ટિફિકેટ લઇ આવી હતી.

આમ તો કાયદેસરની એની પહેલી ફિલ્મ એની મમ્મી અને ફિલ્મ 'રામરાજ્ય'ની હીરોઇન શોભના સમર્થે ઉતારેલી 'હમારી બેટી' હતી. કહેવાય તો ટાઇટલ રોલ, પણ ફિલ્મની હીરોઇન શોભના પોતે અને શોભનાના અંગત જીવનનો ય હીરો મોતીલાલ. નૂતન માટે જે હીરોએ ફિલ્મ 'તુઝે ક્યા સુનાઉ મૈં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ...'ગાયું હતું, તે હીરો શેખર આ 'હમારી બેટી'માં ય તેનો ટ્રેડિશનલ હીરો હોય છે. નૂતન (જન્મ તા.૪ જૂન, ૧૯૩૬ : મૃત્યુ : ૨૧ ફેબુ્રઆરી, ૧૯૯૧) આ ફિલ્મમાં નૂતનની નાની બહેન તનૂજાને પણ બાળકલાકારનો રોલ મળ્યો હતો. થોડો મનમાં ખટકો લાગે કે, આમ સ્નેહલ ભાટકરે થોડી ફિલ્મોમાં ય ઉત્તમ ગીતો આપ્યા છે અને 'હમારી બેટી'માં ય લતા, મૂકેશ, ગીતા દત્ત અને રાજકુમારી જેવા ગાયકો હોવા છતાં એકે ય ગીત પ્રજા સુધી પહોંચાડી શકાય નહિ. એ તો મુકેશના ડાયહાર્ડ ચાહકો હોય એમને બહુ બહુ તો 'મુહબ્બત ભી જૂઠી, જમાના ભી જૂઠા...' સાંભળ્યું હોય ! શોભનાનો હેતુ નૂતનને સિન્ગિન્ગ- હીરોઇન બનાવવાનો હોવાથી આ ફિલ્મમાં પણ એક સોલો, 'તુઝે કૈસા દુલ્હા ભાયે રી, બાંકી દુલ્હનીયા' ગવડાવ્યું હતું. એ પછી ય વાત કાંઇ જામી નહિ, એટલે શોભનાએ નૂતનને લૉન્ચ કરવા બીજી ફિલ્મ 'છબિલી' બનાવી, જેના ગીતો આજે ય ગમે છે. હેમંત- નૂતનનું ડયૂએટ 'લહેરોં પે લહર, ઉલ્ફત હૈ જવા...'

એ વાત જુદી છે કે, નૂતનને બાકીની જીંદગીમાં સગી મા સાથે અદાલતમાં જીવનભર ઝગડવાનું જ આવ્યું.

તનૂજા દુશ્મન પાર્ટીમાં !

હીરો દિલીપ કુમારનો સગો ભાઇ નાસીર ખાન હતો. એ અને એની હિરોઇન પત્ની બેગમ પારાને ખટકો એ જ વાતનો હતો કે, ખુદ દિલીપ કુમારે નાસીરને આગળ આવવા ન દીધો, હૅન્ડસમ અને ખૂબ ટેલેન્ટેડ તો નાસીરે ય એટલો જ હતો- ખાસ કરીને લોખંડના ગરમ સળીયા જેવો ઘટ્ટ અવાજ અને સુંદર દેખાવમાં એ દિલીપથી કમ નહતો. દિલીપમાં ય રાજ કપૂર અને દેવ આનંદની જેમ 'વ્યક્તિત્વ-ગ્રંથી' ભારોભાર હતી. એટલે જ, દિલીપે કદી નૂતન કે ગીતા બાલી સાથે કામ ન કર્યું. અભિનયની બુલંદીઓમાં તો એ બન્ને ભલભલા 'ઍક્ટર'ને ખાઇ જાય એવી હતી. કાંઇ તકદીરે ય આડું ઉતર્યું હશે તે, એક વિચિત્ર રોગ થવાને કારણે નાસીર ખાનના શરીર પરના તમામ વાળ કાયમ માટે જડમૂળથી ઉખડી ગયા. (પરિણામે, ફિલ્મ 'ગંગા- જમુના'માં એને માત્ર માથે વિગ નથી પહેરવી પડી, પણ આંખોની ભ્રમરો પણ ચીતરાવવી પડી હતી.) બહુ વર્ષો પછી નાસીર ફિલ્મ 'યાદોં કી બારાત' અને વહિદા-સુનિલની બેનમૂન ફિલ્મ 'જીંદગી-જીંદગી'માં જોવા મળ્યો હતો. એની હિરોઇન પત્ની બેગમ પારા એના જમાનાની સાચા અર્થમાં 'સેક્સ-સીમ્બોલ' હતી. એના વન-પીસ રંગીન ફોટા ફિલ્મી- મેગેઝીનોમાં ભરપૂર છપાતા. એ બન્નેનો દીકરો અય્યુબ ખાન અત્યારે ફાલતું ટીવી-સીરીયલોમાં કામ કરે છે. 'દિલ ચાહતા હૈ'માં એ આમિર ખાનના હાથનો મુક્કો ખાય છે. પૈસેટકે બર્બાદ થઇ ગયા પછી પણ નાસીરે હિમ્મત કરીને પોતાની ભાભી સાયરા બાનુ અને સંજય ખાનને લઇને ફિલ્મ 'ઝીદ' બનાવી, પણ અધવચ્ચે જ નાસીરનું અવસાન થઇ જતા ફિલ્મ પૂરી ન થઇ, પણ બનાવનારા પૂરા થઇ ગયા.

૧૯૨૮માં બનેલી મૂંગી ફિલ્મ 'ડૉટર્સ ઓફ ટુડે'માં પહેલી વાર ચમકનાર ખલનાયક હીરાલાલે ૧૪૩- ફિલ્મોમાં ખૂન- બળાત્કારો કર્યા છે. ઘણો સારો એક્ટર, પણ ઍ-ગ્રેડનો વિલન કદી બની ન શક્યો. એના મૉડેલ પુત્ર ઇન્દર ઠાકૂરનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ફિલ્મની આ તો સેકન્ડ હીરોઇન મોહના છે, પણ આખી ફિલ્મમાં મોહના કઇ, એ શોધતા રહેવું પડે. આમ પ્રેમાળ પિતાના કિરદારો થોકબંધ કરનાર અભિનેતા બિપીન ગુપ્તા અહી મુખ્ય વિલનમાં છે. લૉરેન-હાર્ડીવાળા હાર્ડીની નકલ ઉતારવા માટે ફિલ્મોમાં આવેલા કહેવાતા કૉમેડિયન ગોપ અને દીક્ષિતની એક જમાનામાં જોડી હતી. ગોપ કમલાણીએ પહેલી અને છેલ્લી ભૂલ પોતાની નિર્માણ કરેલી ફિલ્મો બનાવવાની કરી, એમાં દેવાળું ફૂંકાઇ જતા, આઘાતથી મૃત્યુ પામ્યો. કોઇ ફિલ્મ અત્યંત ઘટીયા હોય, એનો બહુ વાંધો ન લઇએ કેમ કે, એ વખતની તો ઑલમોસ્ટ બધી જ ફિલ્મો આવી જ ફાલતું હતી પણ આ કોલમના વાચકોએ મારા ઉપર કૃપા કરીને પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઇએ કે, એક આટલી કોલમમાં લખવા માટે અશોક દવેને કેટલો ત્રાસ વેઠવો પડે છે ? (એટલો તો જો કે, આ કોલમ વાંચતા તમે ય વેઠતા હશો... આ તો એક વાત થાય છે !) અહી 'નગીના'માં તો કોઇ મ્હોં- માથું જ ન મળે. એટલે, ફિલ્મની વાર્તાના અંશો લખવા એ જઘન્ય પાપ ગણાશે, છતાં કેટલાક મરવાના થયા હોય, તો હું બચાવી ન શકું, એટલે બે-ત્રણ લાઇનમાં અંશો પતાવી દેવા પડે. ડૉ.શ્રીનાથ (નાસીર ખાન) એના પિતા (શ્યામલાલ- ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદનો સસરો બને છે, તે) ઉપર એક સ્ત્રીની હત્યાનો આરોપ છે અને એ ત્યારના ગૂમ છે. જીવે છે કે નહિ, તેની ય શ્રીનાથને જાણ નથી. પિતાને નિર્દોષ સાબિત કરવા શ્રીનાથ એક બિહામણી હવેલીમાં દાખલ થાય છે, જ્યાં એને અડધી રાત્રે અગાસી ઉપર ચઢીને, લતા મંગેશકરના અવાજમાં 'તૂને હાય મેરે જખ્મે જીગર કો છુ લિયા...' ગાવાના ચહડકા ઉપડયા હોય છે. એ પણ એને બીવડાવવામાં ઉસ્તાદ છે. એ હવેલીનો માલિક બિપીન ગુપ્તા અને તેનો ગુંગો પણ ખતરનાક નોકર શ્રીનાથ ઉપર હુમલો કરે છે, કારણ કે મરનાર સ્ત્રી બિપીનભ'ઇના 'ઘેરથી' હતી અને તેની કિંમતી વીંટીનો અતિ મૂલ્યવાન હીરો (નગીના) શોધવાના એ બધા ધમપછાડા કરે છે. છેવટે પ્રેક્ષકોના સદનસીબે, ફિલ્મનો એક વાર અંત પણ આવે છે.

પણ ચર્ચા કરવા જેવી કોઇ ચીજ આ ફિલ્મે આપી હોય તો શંકર- જયકિશનનું ઍઝ-યૂઝવલ... મધુરૂં સંગીત. એક ગૂન્હો માફ કરીએ તો, ફિલ્મનું બૅકગ્રાઉન્ડ- મ્યુઝિ ભાઇશ્રી જયકિશને વધુ કાંઇ મહેનત કરવાને બદલે પ્રોકોફિયૅવની ફિલ્મ 'પીટર ઍન્ડ વૂલ્ફ'ની સીધી ઉઠાંતરી જ કરી છે, પણ બાકીનું ઘણું બધું ઓરિજીનલ હતું, જેમ કે લતા મંગેશકરનું 'તૂને હાય મેરે જખ્મે- જીગર કો છુ લિયા..' તો '૬૦ના દાયકામાં પણ અમદાવાદના ફિલ્મી- સંગીતના સ્ટેઝ પ્રોગ્રામોમાં નિયમિત ગવાતું. પણ કોણ જાણે ક્યાંથી શંકર- જયકિશનને... ફૉર એ ચેઇન્જ, કુંદનલાલ સાયગલના અવાજની હૂબહૂ નકલ કરી શકતા સિંધી ગાયક ચૈનાની હશમતરાય આત્મા એટલે કે, સી.એચ.આત્માને લઇ આવ્યા ને કેવું મધુરૂં કામ એમના ત્રણ ગીતોમાં લીધું છે. 'રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે...' તો આજતક લોકજીભે છે. આત્માનો કંઠ સંભળાવનાર પહેલા સંગીતકાર તો આપણા ઓપી નૈયર હતા, જેણે વિશ્વપ્રસિદ્ધ નોન- ફિલ્મી ગીત 'પ્રીતમ આન મિલો' ગવડાવ્યું. લોકો એને સાયગલ જ માની બેઠા. પણ આપણી જનરેશનમાં આત્મા પ્રસિદ્ધ થયા વ્હી.શાંતારામની ફિલ્મ 'ગીત ગાયા પથ્થરો ને'માં 'મંડવે તલે ગરીબ કે, દો ફૂલ ખીલ રહે હૈ' થી ! ''મૈં ઘી કા દિયા જલાઉં રે ઘર આઓ'' જેવા નોન ફિલ્મી ગીતો ય જાણિતા થયા. સાયગલને ગુરૂ માનતા હોવાથી પોતાનું મૃત્યુ પણ સાયગલ જેવું જ હોવું જોઇએ, એમ કદાચ માની બેસીને આત્માએ પણ અઢળક દારૂં ઢીંચવા માંડયો અને ગુરૂ પાસે પહોંચી ગયા.

બધાએ ન સાંભળ્યા હોય. એમના નાના ભાઇ ચંદ્રુ આત્માએ પણ એવો જ કંઠ બનાવી સાયગલ- બ્રાન્ડના ગીતો ગાવા માંડયા, પણ આપણા દેશમાં બધું ચાલે, નકલ ન ચાલે, એ ધોરણે ચંદ્રુના ચંદ્ર કદી ખીલ્યો નહિ.

એમ તો લતાના 'યાદ આઇ હૈ, બેકસી છાયી હૈ...' જેવા બીજા ગીતો ય 'નગીના'માં હતા, પણ એ કલૅકટર્સ-સોન્ગ્સમાં આવે.

ગુજરાતી તરીકે કે પાકિસ્તાનના લાહોરમાં મોટું નામ કમાયેલા આપણા હળવદના બ્રાહ્મણ દલસુખ પંચોલીએ આમ પાછી કોઇ નોંધપાત્ર ફિલ્મો બનાવી નહોતી, જેને તમે ક્લાસિકમાં મૂકી શકો. યસ, ફિલ્મ 'આસમાન'થી ઓપી નૈયર, 'ખજાનચી'- 'ખાનદાન'થી નૂરજહાં અને પ્રાણ, ઉપરાંત રમોલા, સ્મૃતિ બિશ્વાસ, કોમેડિયન ઓમપ્રકાશ કે સંગીતકાર ગુલામ હૈદરને ફિલ્મોમાં લાવનાર આ પંચોલી હતા.

યસ. બહુ અભિમાન લેવા જેવું નામ તો નહિ, પણ પંચોલીના ભાણેજ (!) રવિન્દ્ર દવેએ ૧૯૭૧ની સાલમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લઇને એ સમયે ઠપ્પ થઇ ગયેલા ગુજરાતી ચિત્રજગતને ફાળીયા- પાળીયાની અઢળક ફિલ્મો આપવાનો દૌર શરૂ કરાવ્યો, એ પહેલાં હિંદી ફિલ્મો 'સટ્ટા બાઝાર', રાજેશ ખન્ના-બબિતાની 'રાઝ', રાજ કપૂર- સાધનાની 'દુલ્હા-દુલ્હન' અને 'પોસ્ટબોક્સ નં.૯૯૯' જેવી અનેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આજની આ ફિલ્મ 'નગીના' પણ તેમની જ. એ વાત જૂદી છે કે, દવે સાહેબ કદી સારી ફિલ્મ બનાવી શક્યા નહોતા- બધી એ જમાનામાં ચાલે, એવી બી-ગ્રેડની જ.

ક્યારેક લલચાઇ જવાય ફિલ્મના નામથી. લતાના 'તૂને હાય મેરે જખ્મી જીગર કો છુ લિયા' જેવા ગીતથી આકર્ષાઇને, 'ઓહ, નગીના કેવી ફિલ્મ હશે !' એવી બેતાબી ફિલ્મ જોયા પછી આપણને મારી મારીને ખોખરા કરી નાંખે છે. જોતી વખતે એટલા બધા સવાલો, આઘાતો અને ગાળો ઊભા થાય કે, 'બનાવનારમાં તો નહોતી.. જોનારે ય શું લેવા આવી ફિલ્મ જોઇ હશે ?' એવા પશ્ચાતાપોનો કોઇ ઉકેલ નથી.

24/02/2016

હું 'બાઇ' પાસ કરાવવા જઉં છું !

''શું, દાદુની બાયપાસ સર્જરી પતી ગઈ ?.... ઘેર આઈ ગયા..?? અરે ભ', આમાં તો ઘણા ઘેર પાછા જ આવતા નથી. બહુ સાચવવું પડતું હોય છે...'' 

આ લખું છું, ત્યાં સુધી બાયપાસ કરાવવા ગયો નથી, પણ બે-ચાર દિવસમાં જવાનું છે, એ જાણીને સ્વાભાવિક છે, મને ઓળખતાઓ ફોન ઉપર ફોન કરે, ઘરે આવે અને ખાસ તો સૂચનો કરતા રહે. એ લોકો પોતે ૪૦-૫૦ બાયપાસ સર્જરીઓ કરાવી આવ્યા હોય, એટલા હક્કથી સૂચનો કરે. ''જુઓ દાદુ, ગભરાવાનું નહિ. હવે તો ડૉક્ટરો બહુ કાબિલ હોય છે. સોમાંથી માંડ ૨૦-૨૫ કૅસો ફૅઇલ જાય છે... હિમ્મત રાખવાની !'' તો બીજો સીધો ૩૦-૪૦ નારીયેળો લઇને આવ્યો હોય. એક એક નારીયેળ મારૂં ઑપરેશન કરનારા ડોક્ટરના પગ પાસે પછાડવાનું હોય, એવું હું સમજી ન બેસું, એટલે ઘટસ્ફોટ કરે, ''ભાભીને કહેજો, રોજ એક નારીયેળ માતાજીને વધારી આવે. આપણે શ્રદ્ધા રાખવાની.'' બીજા એક મહિલા બહુ ચિંતામાં હતા, ''હાયહાય... અશોકભ'ઇ જેવો તો માણસ નહિ થાય. એ તો કાયમ બીજાને હસાવે છે... એમને વળી આ ક્યાંથી વળગ્યું ? જુઓ દાદુ... જરા ય હિમ્મત ન હારતા..... બાયપાસમાં તો ઘણા પાછા આવી જાય છે.''

મુખ્ય પાર્ટી હું છું, પણ આવું સાંભળીને મારા જામનગરમાં સોપો પડી ગયો, ''અસ્સોકભા'યને આવું વરી સુઉં સૂઇઝું ? આ ઉંમરે 'બાઇ' પાસ કરાવવા હાલી નીકર્યા છે ? ઘરમાં કેવી સુશીલ વાઇફ છે, છતાં બીજી બાઇ પાસ કરાવવાના ડોડળીયા શેના ઉઇપડયા છે ?''

મારા હૃદયની ત્રણે ત્રણ નળીઓ બ્લૉક થઇ ગઇ છે, ૭૦-ટકા, ૮૦-ટકા અને ૯૦-ટકા ! મતલબ, હૃદયમાં સ્ટૅન્ટ મૂકાવવાના સ્ટેજથી હું ઘણો આગળ નીકળી ગયો છું. ભણવા સિવાયના તમામ ક્ષેત્રોમાં હું હંમેશા નંબર-વન રહ્યો છું (જેમાંના એક નંબરના સાક્ષી તો તમે ય છો.) બાયપાસ માઉન્ટ ઍવરેસ્ટના શિખર જેવું છે. બાયપાસથી કોઇ ઉપરનો તબક્કો હોતો નથી. કાં ઉપર જવાનું ને કાં નીચે આવવાનું ! અડધું-અડધું કામ પતાવવાનું મારા સ્વભાવમાં નથી.

મને ઓળખનારાઓ પાસે ય અડધું-પડધું જ જ્ઞાન હતું કે, '''ઇના મગજ સુધી પૂરતું લોહી પહોંચતું નથી-જે એમના લેખો વાંચીને ય સમજાય છે.''

પણ હવે તો હૃદય સુધી ય સડસડાટ લોહી પહોંચવાને બદલે દરેક ટ્રાફિક સિગ્નલે અટકી પડે છે. એ સિગ્નલો મ્યુનિ.બસોને બહુ નડે નહિ, એટલા માટે મ્યુનિસિપાલિટીએ અમદાવાદમાં બી.આર.ટી.એસ.ની વ્યવસ્થા કરી છે એવા છે, જેથી મુખ્ય માર્ગને બદલે બી.આર.ટી.એસ.ના બાયપાસથી નીકળી જવાય.

આપણું ય એવું જ નીકળ્યું. હૃદયની નસોમાં અચાનક ઘણા ટ્રાફિક-સિગ્નલો ઊભા થઈ ગયા અને મારી બસને આગળ સલામત જવા નહિ દે, એટલે ડૉક્ટરો એને બી.આર.ટી.એસ.ને બદલે 'બાયપાસ' કહે છે. તૂટલી-ફૂટલી નસની બાજુમાં એના જેવી જ બીજી નસ મૂકાવી દેવાય છે, જેમાંથી લોહી રાજકુંવરીની માફક બેરોકટોક ફરતું રહે. એ વાત જુદી છે કે, આખા શહેરમાં બી.આર.ટી.એસ. બાંધવાના ખર્ચા કરતા આ બાયપાસનો ખર્ચો મને વધુ ખોખરો કરી નાંખે એવો છે.

જે આપણો સબ્જૅક્ટ નથી ને જેના વિશે થોડી ય જાણકારી નથી, એ બધાની કૉમન-સલાહો બાય-પાસ સર્જરી કરતા વધારે મોંઘી પડે છે. આ રોગ વિશે કે બાયપાસ સર્જરી વિશે જેણે જેટલું સાંભળ્યું હોય, એ બધું મારી ઉપર ઓકવા આવી જાય છે.

''તમારે.....? તમારે આટલી નાની ઉંમરે બાયપાસ કરાવવાની આવી ? નાની ઉંમરમાં તો બાયપાસ બહુ ખરાબ ! અમારા ફુઆને ૫૬-મે વર્ષે બાયપાસ કરાવવી પડી.... ઇશ્વરને ગમ્યું તે ખરૂં. આયુષ્ય પૂરૂં થઈ ગયું. પણ તમે એક કામ કરો. ઑપરેશન પહેલા એક વાર પગે ચાલતા અંબાજીના દર્શનની બાધા રાખી લો.... માતાજી બધું સારૂં કરશે.''

''ક્યાં કરાવવાના છો ?'' બાયપાસને બદલે હું માથે મૂંડન કરાવવાનો હોઉં અને હૅરકટિંગ સલૂનવાળા સાથે એમને સગાસરીખો સંબંધ થતો હોય, એટલી અધિકૃતતાથી બીજા એક ખબરકાઢુએ પૂછ્યું. મેં જવાબ આપ્યો, ''આમાં તો કોઇ હૉસ્પિટલમાં જ કરાવવાનું હોય છે... કોઇ લૉન્ડ્રી કે ટાયર-પંક્ચરવાળાને ત્યાં ઉપડી ન જવાય.''

''', જ્યાં કરાવવું હોય ત્યાં કરાવો.... પછી કાંઇ થાય તો આપણું નામ નહિ લેવાનું !'

''કંઇ થઇ જાય તો....?'' મૃત્યુ કરતા મૃત્યુનો ખૌફ માણસને વધારે મારી નાંખે છે. યારદોસ્તો જે સગાંસંબંધીઓ કહેતા હતા કે, ''ભલે ઍન્જીઓગ્રાફી કરાવો.... તમારો તો ફૂલગુલાબી સ્વભાવ અને હરદમ પૉઝિટીવ-થિન્કિંગની સોચ છે. તમે સાંગોપાંગ બહાર નીકળી જવાના !''

ન નીકળાયું. એ એમનો પ્રેમ હતો. ઍન્જીયોગ્રાફીએ વાત બહાર પાડી દીધી.... મારા હૃદયની બધી નળીઓ બ્લૉક છે. જેમને જેમને ત્યાં લગ્ન આવતા હતા તે મારા કરતા વધારે ફફડી ગયા, ''ડોહાને આખી જીંદગી નનેકડી છીંકુ ય નો આયવી.... આપણા લગ્ન ટાણે જ ખોંખારા ખાવા માંઇંડો છે... આપણે એના ઘરમાં લગ્નપ્રસંગે નાનકડી ઉધરસું ય ખાધી'તી...? આ તો એક વાત થાય છે !'

તેમ છતાં ય, સોમવાર દાખલ થતા પહેલા જાહેરજનતાજોગ એક પરિપત્ર 'દવે ખાનદાને' બહાર પાડી દીધો છે-ખબર કાઢુઓ માટે !

(૧) ફલાવરના બૂકેને બદલે ફ્રૅન્ચ-પરફ્યૂમની બૉટલો લેતા જવી.

(૨) હોસ્પિટલમાં દાખલ થયા પછી રૂમ નં. ઉપરાંત દર્દીનું ડાચું બરોબર તપાસીને એના દેહ પર ફૂલો (આઇમીન, 'બૂકે') પધરાવવાના પૂરતી તપાસ કર્યા પછી દર્દીના પગ પાસે (પગ ઉપર નહિ!) નારીયેળ ફોડવું- પલંગ પર લાંબોથઇને પડેલો જીવતો દેહ મારો છે કે, બીજાનો તે તપાસ કર્યા પછી જ ''જે સી ક્રસ્ણ'' બોલવું.

(૩) હાલમાં અશોક દવે પાસેથી જે કાંઇ ઉધાર વસૂલવાનું બાકી હોય, તે બધું એ હયાત હોય ત્યાં સુધી પાછું માંગી ન લેવું.

(૪) ફલાવર-બૂકે તો નહિ જ લઇ જવાના. એને બદલે, લૅપટૉપ, પર''નું ટીવી કે ગોવા-મહાબળેશ્વરની ફલાઇટની બે ટિકીટો ચાર-દિવસ માટે કરાવવી. (હાલમાં મૌસમ ઍનઆરઆઇની છલકી રહી છે, તો પરદેશથી મારી ખબર કાઢવા આવનારા સુજ્ઞા મિત્રોએ મિનરલ-વૉટરની બૉટલો લેતા આવવી. તમે એટલા ડૉબા ય નથી કે, મિનરલ-વૉટરની બૉટલ કોને કહેવાય !)

(૫) તમે ખબર પૂછવા કે કાઢવા આવ્યા હો ત્યારે, ન કરે નારાયણ ને મારી તબિયત વધુ બગડી કે હું ઉપરાઉપરી હૅડકી ખાતો ઝડપાઉં તો, ''ચલો, હજી કલાક ખેંચી કાઢીએ...બીજો ધક્કો નહિ'' એવા મનસૂબાઓ લઇને આવવું નહિ ! બેસણાંમાં, 'ચલો નૅક્સ્ટ ટાઇમ આવીશુંવાળી ગોઠવણ કરીને ઘેર જતા રહેવાની ગોઠવણ થઇ શકતી નથી. એમાં તો છેલ્લા લાકડાં સુધી હાજર રહેવું પડે છે. અહીં તો તમે મલ્ટિ-પ્લૅક્સમાં મૂવી જોઇને પાછા આવી જાઓ, ત્યાં સુધી તો હું વન-પીસ બેઠો જ હોઇશ... પછી તો પરમાત્માની કૃપા !

(૬) મને જે રૂમમાં દાખલ કર્યો હોય, એની બહાર ટોળે વળીને, ''આમ તો દાદુ.... ધાર્મિકવિચારોવાળા બહુ, નહિ ?''  અથવા તો, ''આમ અશોક દવે માણસ સારો પણ એક વખત આપણા ઘેરથી છાપું વાંચવા લઈ ગયા હોય પછી એ એમના રસોડાંમાં તેલના ડબ્બાને ચોંટાડેલું જ પાછું આવે... સુઉં કિયો છો ?'' એવી સત્યકથાઓ કહેવા નહિ માંડવાની !

(૭) ''કંઇ પણ કામકાજ હોય તો કહેવડાજો''ની ઑફર તદ્દન ફ્રીમાં મોકલનારાની ખાસ જરૂર છે, પૈસા માટે નહિ... અમારા બા-બાપુજીના રોજ કપડાં-ટુવાલ અને રસોડાં-બસોડાં સાફ કરી આપે તો એમનો આભાર.

અને છેલ્લે દુનિયાની 'સિક્સરો'નો બાપ : ''દાદુ.... બચી જાઓ ને ઘેર પાછા આવો તો, એકાદવાર ચા-પાણી પીવા આપણે ત્યાં આવજો.''

સિક્સર
-શહીદવીર સ્વ.હનમાન્નઅપ્પાને શ્રદ્ધાંજલિ આપવા સોનિયા-મોદીનો સૂર એક જ કેવી રીતે નીકળ્યો ?
- હજી બન્ને એમ જ માને છે કેહનમાન્નઅપ્પા પાકિસ્તાનનો હતો.

21/02/2016

ઍનકાઉન્ટર : 21-02-2016

* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
- કોકનો એવો સ્વભાવ... ! આપણે તો કેટલું ખીજવી શકીએ !
(હિતેશ પરમાર, મુંબઇ)

* આ વર્ષે તમારી ૧૬મી બર્થ ડેટ ૨૯ ફેબ્રુઆરીએ આવશે. મોરારજી દેસાઇની જેમ... તમારા વચ્ચે કોઇ ફર્ક ખરો...?
- એમને જે પીણું ફાવતું હતું, એ મને ફાવતું નથી... જે પીણું મને ફાવે છે, એની રાજ્ય સરકારે બંધી ફરમાવી છે. 
(ગૌતમ વ્યાસ, અમદાવાદ)

* ધાર્મિક સ્થાનો પર વધતી જતી ભીડનું કારણ શું ? વધી રહેલી ભક્તિ કે પાપ ?
- નવરા નખ્ખોદ વાળે...
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* પિયર જવાની ધમકીનો વાઇફ અમલ કેમ નહિ કરતી હોય ?
- એનો ટેસ્ટ ઊંચો હોવો જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* ડિમ્પલજીના મીણબત્તીના બિઝનેસમાં તમારો ભાગ કેટલો ?
- હું ગમે તેમ તો ય સ્માર્ટ પતંગીયું છું... એમ કાંઈ ભડકે બળવા ન જવાય !
(દિલીપ શાહ, અમદાવાદ)

* નાના ભૂલકાઓના દફતરનું વજન ઘટાડવાનો કોઈ ઉપાય નથી ?
- શિક્ષણ વિભાગ અને શાળાના સંચાલકોનું તમે નુકસાન કરાવવા માંગો છો ?
(રૂપેશ સોની, વડોદરા)

* 'ઇન્તેઝાર'ની આપની વ્યાખ્યા શું?
- મા અને પત્નીના ઇન્તઝાર વચ્ચે ફર્ક મેહસૂસ કરો, એમાં બધું આવી જાય.
(દિપક આશરા, ગાંધીનગર)

* રામાયણ અને મહાભારત- બન્નેમાં 'મામા'ને જ કેમ ચીતરવામાં આવ્યા છે ?
- બંનેમાં મામીઓ ગાયબ છે
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* નવા નવા પ્રેમમાં પડેલા તમને મળે છે ખરા ?
- હું ક્યાં આર.ટી.ઓ. છું કે નવો પ્રેમ પાસ કરાવવા મારી પાસે વિધિઓ કરાવવી પડે !
(ભરત ડી. સાંખલા, ડિસા)

* અખબારમાં સમાચાર હતા કે, 'બિલ્ડરોને ત્યાં રેડ' અને બાજુમાં સમાચાર હતા, 'પાદરામાં લૂંટારા ત્રાટક્યા...'
- એમ ? બિલ્ડરો જેટલું લૂંટારાઓ લૂંટી શકે...?
(ગીરીશ માલીવાડ, વડોદરા)

*સવાલ મારો એ છે, કે ઉત્તર ક્યાં છે ?
- સવાલ મારો ય એ છ કે, સવાલ ક્યાં છે ?
(ચિરાગ પંચાલ, શ્યામનગર)

* હવે નરેન્દ્ર મોદી પણ અગાઉના વડાપ્રધાનોની જેમ પ્રજાને છેતરી રહ્યા હોય, એવું નથી લાગતું ?
- મોદી શું હતા... અને શું બની ગયા ? ઓહ...!
(સોનુ શર્મા, રાજકોટ)

* ઘરની પત્ની લક્ષ્મી, તો ગર્લફ્રેન્ડ... ?
- બોલ મારી અમ્બે...
(અજય વ્યાસ, બિલખા)

* મહિલાઓ માટેની હેલ્પ લાઇન 'અભયમ', તો પુરુષો માટે... ?
- ડિક્કો ડમ્મ...!
(હરેશ લાલવાણી, વણાકબોરી)

* તમે લેખક જ કેમ બન્યા ?
- આટલા ક્વોલિફિકેશન્સમાં પ્રાઇમ મિનિસ્ટર બનાય એવું નહોતું.
(જીજ્ઞા ઘેવરીયા, મુંબઈ)

* જીંદગીની ઘડીના સેકન્ડ કાંટાને રોકવાનો કોઈ ઉપાય ખરો ?
- મેડિકલનું કામ કરતા કોઈ સારા ઘડિયાળીને બતાવો !
(મિહિર ગજેરા, સુરત)

* સુખી થવા મેં ચાર વાર લગ્ન કર્યા, પણ હવે લાગે છે કે, પહેલી વારમાં જ સુખી હતો
- એ ચારે ચાર કેવા સુખી થઈ ગઈ...!
(રાજેશ જે. શાહ, મુંબઈ)

* ભલા માણસ... કોઈને દારૂ પીવાની સલાહ અપાય ?
- હવે તમને ય લાલચ થવા માંડી ને ?
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* તમે યારદોસ્તોનું ય એન્કાઉન્ટર કરો છો ?
- હું ય કોઈનો યારદોસ્ત છું.
(તેજસ નાયક, લાડોલ)

* ટીવીમાં ટેલેન્ટને નામે નાના બાળકોને ડાન્સ કે સિંગર્સ શૉમા મોકલવું કેટલું યોગ્ય ?
- હા તે વળી રોજેરોજ બાજુવાળાને ઘેર છોકરાઓને થોડા મોકલાય છે ?
(મયૂરી ત્રિવેદી, અમદાવાદ)

* સંબંધોનો ભાર ક્યારે લાગે ?
- સાસુને ઉપાડીને રેલ્વેમાં ઉપરના બર્થ ઉપર ચઢાવવાની હોય ત્યારે.
(ચંદ્રકાંત ભાયાણી, ભાવનગર)

* ગુજરાતમાં સૌથી વધુ વંચાતા હાસ્યલેખક તરીકે કેવી લાગણી અનુભવો છો ?
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* મોદીના 'અચ્છે દિન' પહેલા આવશે કે મારા સવાલનો જવાબ ?
- જવાબ 'અચ્છો' લાગ્યો ?
(જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, પાદરા)

* શ્રાદ્ધ ચાલુ થયા પછી કાગડાઓ શું વિચારતા હશે ?
- આ વખતે ય, કોના ધાબે પાવડરના દૂધની ખીર છાંટશે ?

* જવાબોની જેમ, તમારા સવાલો પણ અસરકારક પૂછી શકો ખરા ?
- વિશ્વનો કોઈ પણ પરિણીત પુરુષ કેવળ જવાબો આપતા શીખ્યો હોય છેે સવાલો પૂછતા નહિ !
(વિજય ભટ્ટ, લીમડા હનુભાણા)

* તમારા મતે શ્રેષ્ઠ દિગ્દર્શક કોણ ? વિજય આનંદ કે રાજ કપૂર ?
- વિજય આનંદ... પોતાની ભાણીને એવી દિગ્દર્શિત કરી કે, એ પત્ની બની ગઈ.
(પ્રકાશ શાહ, દીવ)

19/02/2016

'આદમી ઔર ઇન્સાન' (૬૯)

ફિલ્મ : 'આદમી ઔર ઇન્સાન' (૬૯)
નિર્માતા : બી.આર.ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : રવિ
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ : ૧૬૮-મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, સાયરા બાનુ, ફીરોઝ ખાન, મુમતાઝ, જહૉની વૉકર, મદન પુરી, મનમોહનકૃષ્ણ, અચલા સચદેવ, કામિની કૌશલ, રૂપેશ કુમાર, અજીત, સુરેખા, ઇફ્તિખાર, નર્મદા શંકર, નાના પળશીકર, અનવર હુસેન, મુબારક મર્ચન્ટ, ગજાનન જાગીરદાર, કરણ દીવાન, કુલજીત, રવિકાંત, રંધાવા, પૂનમ સિન્હા (કોમલ), જગદિશ રાજ, સુરેખા, કેશવ રાણા, મૂલચંદ અને અજીત.

ગીતો
૧. જીંદગી ઇત્તેફાક હૈ, કલ ભી ઈત્તેફાક થી..... આશા ભોંસલે
૨. જાગેગા ઇન્સાન જમાના દેખેગા.... મહેન્દ્ર કપૂર-કોરસ
૩. ઇજાઝત હો તો પૂછે આપ સે, કે મિલકર.... આશા-મહેન્દ્ર
૪. જીંદગી કે રંગ કઇ રે સાથી રે... આશા ભોંસલે
૫. ઇતની જલ્દી ન કરો, રાત કા દિલ તૂટ..... આશા ભોંસલે
૬. ઓ નીલે પર્બતોં કી ધારા, આઇ ઢૂંઢનેકિનારા.... આશા-મહેન્દ્ર
૭. જીંદગી ઇત્તેફાક હૈ, કલ ભી ઇત્તેફાક થી..... આશા-મહેન્દ્ર
૮ બિના સિફારીશ મિલે નૌકરી, બિના રિશ્વત.... મુહમ્મદ રફી
૯ દિલ કરતા, ઓ યારા દિલદારા.... મહેન્દ્ર-બલવીર-જોગિન્દર

બલદેવ રાજ ચોપરા ઉપર એમની સુંદર ફિલ્મો, ગુમરાહ, સાધના, વક્ત, હમરાઝ, ધૂન્દ, ઇત્તેફાક, ઈન્સાફ કા તરાઝૂ અને આજ કી આવાઝ માટે આદર થાય, એ જ ચોપરાએ ઘટીયા ફિલ્મો બનાવવામાં ય મોટું નામ કાઢ્યું હતું. એનો વન-ઑફ-ધ-મોટો દાખલો જ આ ફિલ્મ 'આદમી ઔર ઈન્સાન' છે. ફિલ્મનગરીની આ એક જ નિર્માણસંસ્થા છે, જેનું સ્ટોરી-ડીપાર્ટમૅન્ટ અલગ હતું, છતાં આ ફિલ્મની વાર્તા જોઇને ખૂન્નસ ચઢે છે કે, 'શું સમજતા હશે આ લોકો આપણને ?' મોટી સ્ટારકાસ્ટ લીધી, એટલે પ્રેક્ષકો બેવકૂફ બનશે ? નહોતા બન્યા...એમની જ દાસ્તાન (દિલીપ-શર્મીલા), ઝમીર, (અમિતાભ-સાયરા-શમ્મી) કે ધર્મપુત્ર જેવી કંગાળ ફિલ્મોને પ્રેક્ષકોએ હડધૂત કરીને કાઢી મૂકી હતી.

ફિલ્મની વાર્તા અતિ સામાન્ય હતી :
ધર્મેન્દ્રને ફીરોઝ ખાને સગા ભાઈ જેવી મદદ કરી ભણાવ્યો અને ઇંગ્લેન્ડ મોકલ્યો, એટલું જ નહિ, ડૅમ બનાવવાના પોતાના જંગી પ્રોજૅક્ટનો ઇન-ચાર્જ પણ બનાવ્યો. ફીરોઝના ભાઈ રવિની સગાઈ ધર્મેન્દ્રની બહેન (પૂનમ સિન્હા) સાથે થઇ છે. પણ ધર્મેન્દ્રને ખબર પડે છે કે, ફીરોઝનો આ જંગી પૈસો બેઈમાની અને ભ્રષ્ટાચારથી બનેલો છે, એટલે એ આઘો ખસી જાય છે. ફીરોઝ આ બેવફાઇનો એવો અર્થ કાઢે છે કે, સાયરા બાનૂને ધરમે ઉશ્કેરી છે અને પોતાનાથી છીનવી લીધી છે અને ધરમ સાયરાને છોડી દે, એવી અપેક્ષા રાખે છે. ફીરોઝે પોતાની ઉપર કરેલા ઉપકારોના બદલામાં, ફીરોઝ માટે ધરમ સાયરાને પણ છોડી દેવા તૈયાર છે, પણ ફીરોઝના બેઇમાનીથી છલોછલ ધંધાને સપૉર્ટ કરવા એ હરગીઝ તૈયાર નથી. પોતાના પ્રેમ અને સિધ્ધાંતમાંથી કોનું બલિદાન દેવું, એ મૂંઝવણો પછી ફિલ્મનો અંત આવે છે.

ફિલ્મ આવી હોય, એમાં સંગીત પણ એવું જ થર્ડ-કલાસ હોય ને ? રવિએ પોતાનું નામ ડૂબાડવા ઘણી જહેમત ઉઠાવી હશે. એક ગીત તો મીઠડું બનાવવું હતું ? એમાં ય, ફિલ્મ ચોપરાની હોય, એટલે અમથાય લતા-રફી તો હોય નહિ ! રફી પાસે ય એક ગીત બહુ નબળું ગવડાવ્યું છે. લતા સાથે ચોપરાને પહેલેથી બારમો ચંદ્ર હોવાથી મોટા ભાગની ફિલ્મોમાં આશા ભોંસલે હોય. લતા-રફી સાથે બગડયું હોવાથી '૫૬ સુધીની ફિલ્મોમાં લતા હતી.... રફીને તો રવિએ મનાવ્યા હતા, ફિલ્મ 'વક્ત'નું એક ગીત ગાવા પૂરતા બાકી મહેન્દ્ર કપૂરથી ચલાવવું પડયું, એમાં ગુમરાહ, વક્ત અને હમરાઝને બાદ કરતા ભાગ્યે જ કોઈ શકરવાર નીકળ્યો.

શકરવાર એકલો ફીરોઝ ખાનનો નીકળ્યો હતો. ફીરોઝ ખાનને આ ફિલ્મના 'બેસ્ટ સપૉર્ટિંગ રોલ'નો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો. યોગાનુયોગ આ રોલ મૂળ તો ચોપરા-છાવણીના લાકડા 'જાની' રાજકુમારને ઑફર થયો હતો, પણ ધંધામાં 'જાની' કોઇ શેહશરમ રાખે એવો નહતો. સાઈડી રોલમાં કશું કમાવવાનું નથી, એ ગણત્રી સાથે રાજકુમારે રોલ સ્વીકાર્યો નહતો. ખરી હકીકત એ હતી કે, ફિલ્મની શરૂઆતમાં જ રાજકુમારને ધર્મેન્દ્રના ગળામાં ફૂલમાળા પહેરાવવાની હતી, જે 'જાની'ને પસંદ નહોતું. હજી વધારે સાચું કારણ એ પણ હતું કે, ફિલ્મની વાર્તા મુજબ, ધર્મેન્દ્રએ રાજકુમારને થપ્પડ મારવાની હતી. પોતાનાથી ઘણો જુનિયર ધર્મો રાજને લાફો મારી જાય, એ તો એ ક્યાંથી ચલાવી લે....? ફિર ક્યા ? રોલ ફિરોઝને આપવો પડયો.

પણ રાજકુમાર અને ફીરોઝ ખાન-બન્નેની કુંડળીઓ તપાસો તો એ સિંગલ હીરો તરીકે ભાગ્યે જ ચાલ્યા છે. બન્નેએ આખરે તો હીરોઇનથી હાથ જ ધોવાના આવ્યા છે.

ફિલ્મમાં ઠેકાણાં હોય કે ન હોય, બે ચીજો ગમે એવી છે. એક તો, ધરમ પાજી અને ફીરોઝ ખૂબ હૅન્ડસમ લાગે છે. બેમાંથી વધુ સુંદર કપડાં કોણે પહેર્યા છે, તેની શરતો લાગી શકે. ફીરોઝની પર્સનાલિટી ડૅશિંગ હતી. એ ચાલ્યો કેમ નહિ, એના કારણમાં એને જ જવાબદાર ઠરાવવો પડે. શરૂઆતમાં હોમી વાડીયાની સ્ટન્ટ ફિલ્મોમાં હીરો તરીકે આવ્યો, પણ એના ચેહરામાં ક્યાંક ખલનાયકી તત્વ પડયું હોવું જોઇએ, એટલે જ એની સોશિયલ ફિલ્મો તપાસો તો અડધી ફિલ્મે તો વિલન બની ગયો હોય !

સિમી ગ્રેવાલની સાથે 'ટારઝન ગોઝ ટુ ઇન્ડિયા'(૬૨) નામની ઇંગ્લિશ ફિલ્મમાં કામ કરી ચૂકેલ ફીરોઝ (૨૫ સપ્ટૅમ્બર, ૧૯૩૯ : મૃત્યુ ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) ભલે કદી ટૉપ હીરો બની ન શક્યો, પણ સ્ટાયલિશ હતો. એના ચાહકો બહુ ન હોય, છતાં સહુને એ જોવો ગમતો. એના નાના ભાઈ અકબર ખાનની ફિલ્મ 'તાજમહલ'ને પાકિસ્તાનમાં દર્શાવવા માટે એ ત્યાં ગયો, ત્યારે પ્રૅસિડૅન્ટ મુશર્રફે એનું ભારત વિરોધી ઘણું અપમાન કર્યું હતું, ત્યારે છંછેડાયેલા ફીરોઝે અક્ષરસઃ આ શબ્દોમાં પાકિસ્તાનને ઉઘાડું પાડયું હતું.

''મને એક ભારતીય હોવાનું અભિમાન છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમોએ વધુ પ્રગતિ કરી છે. પાકિસ્તાન ઇસ્લામના નામ ઉપર બનેલો દેશ છે, પણ જુઓ....અહીં મુસલમાનો જ મુસલમાનને કાપી રહ્યા છે.'' મુશર્રફે ફીરોઝને કાયમ માટે પાકિસ્તાનનો વિસા રદ કરી નાંખ્યો હતો. અફઘાનિસ્તાનના મૂળ ધરાવતો ફીરોઝ ખાન અફઘાની પઠાણ હતો, પણ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આપણા ગુજરાતના ટેસ્ટ ક્રિકેટર ઈરફાન ખાન (યુસુફ ખાનના ભાઈ) માટે કેવા ઘટીયા શબ્દો વાપર્યા હતા ? ''અરે વો (ઈરફાન) કાયકા પઠાણ..? વો અસલી પઠાણ થોડા હૈ...? અસલી પઠાણ હમ હૈ....''

ભાગ્યે જ કોઈ હિંદી ફિલ્મમાં કોઇ હીરો બરફ ઉપર સ્કીઇંગ જાતે કરતો જોવા મળ્યો છે. અહીં ફીરોજ શીખેલો હોય, એવી સાહજીકતાથી સ્કીઇંગ કરતો દેખાયો છે. સ્વાભાવિક છે, સ્કીઇંગ દેખાય છે એટલું સહેલું નથી હોતું-હાડકાં-પાંસળાં છોલાઈ જાય એવી અઘરી ગૅઇમ છે.

સાયરા બાનુ (૨૩ ઑગસ્ટ, ૧૯૪૪)ના પિતા મીયાં એહસાન-ઊલ-હક્ક એક જમાનામાં 'ફૂલ' (હિંદી) અને 'વાદા' (પાકિસ્તાનમાં) જેવી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એની મમ્મી નસિમ બાનુ ખુદ એક જમાનાની બ્યુટી-ક્વિન કહેવાતી. એની માં (છમીયા બાઇ-ઘરનું નામ શમશાદ બેગમ....(ગાયિકા જુદી). સાયરા ભણી-ગણી લંડનમાં અને પોતાની ૨૨-વર્ષની ઉંમરે એ વખતે ૪૪-વર્ષના દિલીપ કુમાર સાથે પરણી હતી અને આજ સુધી આદર્શ પત્ની બની રહી. લગ્ન પહેલા અને પછી બે તોફાની બનાવો બનવા છતાં. પહેલા બનાવમાં, એ પરિણિત રાજેન્દ્ર કુમારના ધગધગતા પ્રેમમાં હતી અને બન્ને લગ્ન કરી લે, એવા સળગતા સવાલો ઊભા થયા હતા. પણ નસિમ બાનુએ દિલીપ કુમારને મનાવીને-ખાસ તો એ મુદ્દા ઉપર કે આપણી એક મુસ્લિમ છોકરી હિંદુ પાસે જઇ રહી છે અને તે ય પરિણિત. દિલીપે બાજી સંભાળી લેવા સાયરા સાથે પોતાના લગ્ન જ કરી આપ્યા. બીજો બનાવ વધુ ખતરનાક હતો. એ બન્નેના સુખી લગ્નજીવન છતાં, અસ્મા નામની એક સ્ત્રીના પ્રેમમાં દિલીપ ભરાયો હતો અને નૅશનલ-ન્યુઝમાં પણ મોટો ઉહાપોહ થયો હતો (ઈવન, પાકિસ્તાની અખબારોમાં પણ !) પણ સાયરાનો પ્રેમ જીતી ગયો અને દિલીપે અસ્માને રીક્ષામાં બેસાડી દીધી. આજે ૭૧-વર્ષની સાયરા ૯૩-વર્ષના દિલીપ કુમારને એક આદર્શ પત્નીની જેમ સેવા કરી રહી છે.

આમાં એક આડવાતે ય અનાયાસ મૂકાઈ જાય એવી છે. ફિલ્મમાં સાયરા અને કામિની કૌશલ સાથે દેખાય છે. રાજકારણની જેમ ફિલ્મનગરીમાં પણ કોઇ કાયદમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. ગામ આખું જાણે છે કે, એક જમાનામાં દિલીપ-કામિની ગળાડૂબ પ્રેમમાં હતાં. કોઇ ફિલ્મમાં દિલીપની આ હીરોઇન કામિનીનું નામ 'ફૂલવા' હતું, તે દિલીપને એટલું ગમી ગયું હતું કે, વખત એવો આવ્યો કે એને કામિની છોડવી પડી, પણ 'ફૂલવા' કદી ન છોડી... તે આટલે સુધી કે, આજતક દિલીપ ઘરમાં ય સાયરા બાનુને 'ફૂલવા' કહીને બોલાવે છે. સાયરાને બધી જાણ હોવા છતાં, આ ફિલ્મમાં બન્ને સાથે કામ કરી રહ્યાં છે. ધર્મેન્દ્રનો એક શોખ પછી તો પ્રોફેશનલ-ડીમાન્ડ બની ગયો હતો કે, દરેક ફિલ્મમાં એને એક વખત તો જીપ લઇને જતો દરેક ફિલ્મમાં બતાવવો પડે. ગીત વખતે જેમ રાજેન્દ્ર કુમારના હાથ સખણા નહોતા રહેતા, એમ ધરમ ગીત ગાતી વખતે ડાબો પગ તો આપણી જેમ જ મૂકે, પણ રામ જાણે ક્યા કારણથી જમણો પગ સાઇડમાં ગોળ ચક્કર મારીને આગળ ચલાવે....આપણને એક પગે ખોડ લાગે એવો ! અહીં ચોપરાએ એમની ફિલ્મ 'હમરાઝ'માં રાજકુમાર અને વિમી પાસે 'નીલે ગગન કે તલે, ધરતી કા પ્યાર પલે'ની જેમ સાયરા-ધરમ પાસે ય ગીતના એક એક મીસરા વખતે જુદા જુદા કપડાં પહેરાવ્યા છે. અલબત્ત, ગીત વખતના ઝાડપાન, પહાડો, ઝરણાઓ એના એ જ રાખ્યા છે. એમને બદલે આ બન્નેની આજુબાજુમાં ટ્રક, રીક્ષાઓ, ઘરડાં ઘરો કે મ્યુનિ. શાળા નં. ૭ વગેરે વગેરે નથી રખાવ્યા....! ધરમ એ વખતની ફિલ્મોના સંદર્ભમાં બેશક 'માચો' એટલે કે સ્નાયુબદ્ધ હી-મૅન લાગે છે, પણ આજના જમાનાના અક્ષય કુમાર, અજય દેવગણ કે સલમાન ખાનની જેમ 'સિક્સ-પૅક બૉડી'વાળો નથી... થોડી ટમી બહાર નીકળેલી એની ય દેખાય છે, છતાં હૅન્ડસમ તો બેશક લાગે છે. 'જીંદગી ઇત્તેફાક હૈ'ના આશા-મહેન્દ્રના યુગલ ગીતમાં ધર્મેન્દ્ર પિયાનો વગાડવા બેસે છે. એમાં, એની આંગળીઓ અન્ય ફિલ્મોના હીરોની જેમ, લૉજમાં મહારાજ રોટલી વણવા બેઠા હોય, એવી ફેરવે છે.

એક જમાનામાં ચોપરાની ફિલ્મોમાં ગીતો વાર્તાને આગળ વધારનારા હતા. પછીની ફિલ્મોમાં કોઇ જગ્યાએ ગીતની જરૂરત ન લાગે-માત્ર વાર્તા કાપનારા બનવા લાગ્યા. એમાં ય આ ફિલ્મના તો ૯-માંથી એકે ય ગીતને ફિલ્મ સાથે કોઇ લેવાદેવા જ નથી. બધા ય કાપી નાંખો તો ય ફિલ્મ એની એ જ રહે છે. આમ તો ચોપરાની ફિલ્મોમાં વધુ છવાઇ જનારા સંગીતકાર રવિએ ઉતારાય એટલી વેઠ અહીં ઉતારી હોય તો એનો વાંકે ય નથી. ચોપરા પૂરી ફિલ્મનું મહેનતાણું મજૂરીથી ય ઓછું આપતા. અંગત રીતે મેં રવિને પૂછ્યું હતું કે, ''તો પછી આવી ફિલ્મો સ્વીકારો છો શું કામ ?'' તો એમણે પ્રોફેશનલ પણ સાચો જવાબ આપ્યો હતો કે, ચોપરાનો કૅમ્પ વિરાટ હતો અને એમની લગભગ દરેક ફિલ્મ સુપરહિટ જતી, જેથી મારૂં સંગીત પણ એવું જ વેચાતું.

ફિલ્મમાં નવા બનતા ડૅમના બાહરી દ્રષ્યો મનોહર લાગે છે. બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાંથી દેશ હજી તાજો જ છુટો થયો હતો અને જે નિર્માતાઓ હવે ઇસ્ટમૅન કલરની ફિલ્મો બનાવવા માંડયા હતા, એમાંના બહુ ઓછાને રંગીન કૅમેરાનો સમુચિત ઉપયોગ કરતા આવડતો હતો, ત્યારે બી.આર. ચોપરાના ત્રીજા ભાઈ ધરમ ચોપરાએ તો બી.આર.ની બધી ફિલ્મોમાં કૅમૅરા અદભુત ફેરવ્યો છે. ચીઝના પૅકની માફક ફૂલતી જતી આજની હીરોઇન સોનાક્ષી સિન્હાની 'મૉમ' પૂનમ સિન્હા એક જમાનામાં હીરોઇન તરીકે 'કોમલ' નામ રાખતી. 'બરખા રાની, જરા જમકે બરસો' એ મૂકેશનું ગીત એના માટે ગવાયું હતું. શત્રુધ્ન સિન્હાને પરણેલી આ સિંધી હીરોઇનને લગ્ન પહેલા જ શત્રુધ્નના રીના રૉય સાથે બેફામ લફરાંની ખબર તો હતી, પણ આવી ખબર હોય ત્યારે સ્ત્રીઓ 'પછીથી' વરજીને સુધારી લઇશું, એમ માનીને ઝૂકાવે છે, પણ પેલી બાજુ રીના રૉય ફરી ગઇ અને પૂનમને પડેલી ખબરનો લગ્નજીવનમાં કોઇ વાંધો ન આવ્યો.

આ ફિલ્મમાં ધર્મેન્દ્રને જહૉની વૉકરની સાથે સફરજનના સૂંડલાની લાંચ આપવા આવેલો રવિકાંત દેવ આનંદની લગભગ બધી ફિલ્મોમાં હોય. પોલીસ-ઇન્સ્પૅક્ટરનો એકનો એક રોલ અનેક ફિલ્મોમાં કરીને 'ગીનેસ બૂક ઑફ રૅકૉર્ડ્સ'માં ચમકી ચૂકેલો જગદિશ રાજ હીરોઇન અનિતા રાજનો પિતા થાય, પણ અહીં દારૂડીયા મજૂરની ભૂમિકામાં જોઇને ક્ષણ પૂરતી વાસ્તવિકતા લાગે કે, મજૂર અને પોલીસ-બન્નેના જન્માક્ષરો શરાબ સાથે ઘણા મૅચ થાય !

ડૅમ બનવાની સાઇટ ઉપર તે ચિક્કાર પી ને આવે છે અને બીજા ઉઘાડા મજદૂરના પેટ ઉપર થપ્પો મારે છે, એ મજૂર ફિલ્મોનો જાણીતો કલાકાર મૂલચંદ. ધર્મેન્દ્રની સૂચના પછી જગદિશ રાજને નોકરીમાંથી કાઢી મૂકનાર મુકાદમ કેશવ રાણા છે. જ્હૉની વૉકર મીઠાઇ લેવા જાય છે, એ દુકાનદાર રામવતાર છે. ધરમ પાસે મનમોહનકૃષ્ણ ''જરૂરી'' કાગઝાત લાવવા માટે સીક્ટોરિટીના જે ઑફિસર શેરિસંઘને મોકલે છે, તે કલાકાર ઉમા દત્ત છે. એના બદલે 'મોના-ડાર્લિંગ'વાળો વિલન અજીત શેર સિંઘ બનીને જાય છે.

17/02/2016

ઍન્જીઓગ્રાફી

હું ૧૦૦-ટકા જીવિત છું, એનો એક માત્ર પુરાવો ધબકતું હૃદય છે. છાતી ઉપર હાથ દબાવું ત્યારે અંદરથી કોક દરવાજો ખખડાવતું હોય, એવા ધબકારા જણાય છે. કોકને બહાર આવવું હોય, એવું આપણને લાગે. આવું મગજ ઉપર હાથ દબાવવાથી થતું નથી, એટલે મને પહેલો ડાઉટ મગજ બંધ પડી જવાનો થયો. જો કે, મગજ માથામાં જમણી તરફ હોય કે ડાબી, એની બહુ ખબર નથી. મેં તો મીનાકુમારીની માફક બન્ને હથેળીઓ બન્ને લમણાં ઉપર દબાવી જોઇ, તો ય કોઇ નક્કર અવાજ આવ્યો નહિ, એટલે ડાઉટ મગજ કામ કરતું નહિં હોય, એવો પડયો. અલબત્ત, મારા લેખો વાંચનારા ઘણાએ કીધું કે, ''....તો ય, આટલા વર્ષોથી તમે લખી રહ્યા છો, એ ચમત્કાર જ કહેવાય !''

અને એક સુંદર સવારે, એ જ હૃદય નાના બાળકની જેમ ખફા થઈ ગયું. ધબકવાનું તો બંધ ન કર્યું પણ, ''હવે બધું હૃદયથી કામ લેશો તો આખી ફૅક્ટરી બંધ કરી દઇશ,'' એવી ધમકી આપવા અંદર પડયા પડયા એણે તોફાનો શરૂ કરી દીધા. ઘરમાં બધા અને બહારના દોસ્તો ઉપરથી ઠપકો આપવા માંડયા, ''દાદુ, તમે બધા કામો હૃદયથી કરો છો....એનો વપરાશ વધી ગયો છે, એટલે એ ય થાકે ને ?''

એટલે મને વિશ્વાસ બેઠો કે, આ ધોરણે તો મને મગજની કોઇ બિમારી નહિ થાય....એકે ય કામમાં મગજ વાપર્યું હોય, તો તકલીફ ! એ તો વળી સારૂં છે કે, હું એક સામાન્ય કક્ષાનો લેખક છું, એટલે મગજ વાપર્યા વગર ફક્ત હૃદયથી બધું લખાઈ જાય છે....ગુજરાતી સાહિત્યવાળાઓને થોડા વખતથી એક નવો શબ્દ મળ્યો છે, તો વાપર વાપર કરે છે, ''હૃદયસ્થ.'' પણ મારા કૅસમાં કોઇ ''મગજસ્થ'' શબ્દ વાપરે, એવી શક્યતા દેખાતી નથી.

પણ હવે મારૂં હૃદય ખબર નહિ, મહીં પડયું પડયું કોઇ ખરાબ સંગતે ચઢી ગયું હશે. લીવર દારૂડીયું છે. ફેફસાં બરફના પહાડો ઉપર વહેતા ધૂમ્મસ જેવા છે (લોકો એને ધૂમ્મસ નહિ, સિગારેટનો ધૂમાડો કહે છે !) ગોલબ્લૅડર બહુ ડાહ્યું થતું'તું, એટલે પહેલેથી કઢાવી નાંખ્યું હતું અને બન્ને કીડનીઓ સારા ઘરની હોવાથી પરફૅક્ટ કામ આપે છે, એ જોઇને ઘણાએ ઑફર મોકલી હતી, ''બોલો, કેટલામાં કાઢવાની છે ?''

મતલબ, યે તો એક દિન હોના હી થા ! મારા જેવા અનેક લોકો છે, જેમને હૃદયરોગ આવે ત્યારે સમાજને ખબર પડે છે કે, આને તો હૃદય હતું ! મને પોતાને ય, હૃદય આડું ફાટયા પછી વિશ્વાસ બેઠો કે, ''એમ તો હું દિલવાળો માણસ છું.''

''કોઇ હૂમલો-બૂમલો આયો કે નહિ....?'' એક સંબંધીએ મારા ખભે હાથ પછાડીને પૂછ્યું. ''બે સુધી ધ્યાન રાખવાનું હોય છે...ત્રીજામાં ધ્યાન રાખવાનો મોકો મળતો નથી....!''

મેં એમને સમજાવ્યા કે, હજી હું હૂમલાના સ્ટેજે પહોંચ્યો નથી...આળસ ! મૂળભૂત રીતે હું મારામારી કે હુલ્લડોનો માણસ જ નહિ. હજી મને એકે ય ઍટેક આવ્યો નથી, એ સાંભળીને એમને થોડી નિરાશા થઇ. આવે તો એમને ગમે, એવું ય સાવ નહોતું, પણ પહેલો આવ્યા પછી શું કરવાનું, બીજા વખતે કયા ડૉક્ટર પાસે તો નહિ જ જવાનું, ને ત્રીજો આપણા હાથમાં કેમ નથી હોતો, એ બધી ડીટૅઇલ્સ એ મને આપવા માંગતા હતા, પણ મને હજી એકે ય આવ્યો ન હોવાથી એમનું હૃદય બહાર-બહારથી ઘવાયું.

''તમે ઍન્જીઓગ્રાફી કરાવી લો.'' મારા ફૅમિલી-ડૉક્ટરે સલાહ આપી. ''અહીંથી નીકળ્યા છો, તો દાઢી કરાવી લો,'' એવું ઓળખીતો સલૂનવાળો કહે, એટલી આસાનીથી ડૉક્ટરે મને ઑફર મૂકી હતી.

''સર...મેં એકે ય વાર કરાવી નથી....મને એવી હૉબી જ નથી. વળી-''

''અરે ભ'ઇ, આ કોઇ બાબરી ઉતરાવવા જેવી સહેલી વાત નથી. ઍન્જીઓગ્રાફી એટલે તમારૂં હૃદય ઠીક કામ કરે છે કે નહિ, તે ચૅક કરાવવાની વાત છે.'

અમારે બા'મણભ'ઇઓને તો દિવાળી ટાણે ઘરમાં સાફસૂફી કરાવવાની આવે, એ ય સાલી મોંઘી પડતી હોય, ત્યાં આ કંઇ નવું લાયા, ઍન્જીઓગ્રાફી !

''દાદુ, આમાં કાંઇ થતું નથી. જરા ય ગભરાશો નહિ !'' એકાદ વાર કરાવી ચૂકેલાઓ મને સમજાવવા આવ્યા. ''....કાંઇ...થતું નથી ? તો પછી...આટલો બધો ખર્ચો શું કામ કરવો ?''

''અરે ભ'ઇ, કાંઇ થતું નથી, એટલે ઍન્જીઓગ્રાફી કરાવતી વખતે કાંઇ થતું નથી. કોક નળીમાં લોહી ગંઠાઇ ગયું હોય, તો ખબર પડે. એવું હોય તો એ લોકો સ્ટૅન્ટ મૂકશે અને -'

''સ્ટૅન્ટ ? નસમાં ??....તો તો બહુ દુઃખે ને ?'' મેં ગભરાઈને પૂછ્યું.

''અરે, તમને ખબરે ય નહિ પડે કે ઑપરેશન થઇ ગયું છે...''

''ખબરે ય નહિ પડે ? ખબર જ ના પડવાની હોય તો તો ખોટા પૈસા પડી ના જાય ?''

''ઉફ...ઓહ...આ માણસથી તો-અરે, કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ !''

મેં જીવનમાં કદી કોઇને ખબર ન પડે, એવું કામ કર્યું નથી અને અહીં તો ડૉક્ટરો જ આવા-ખબર ન પડે-એવા ધંધામાં પડયા હોવાનું મને ન ગમ્યું. એ તો પછી ખબર પડી કે, આમાં તો આપણને ખબર ન પડે, એ સારૂં કહેવાય. હું આમ મરદ ખરો, પણ દવાખાનામાં બીજા કોઇને ઇન્જેકશન આપતા હોય, એ હું જોઇ શકતો નથી. એવો મારો ઈર્ષાળુ સ્વભાવ નહિ કે, ''તમે (ઇન્જેકશન) લઇ ગયા ને અમે રહી ગયા'' પણ, એ ઇન્જૅકશન મને અપાતું હોય એવો ફફડી જઉં છું. ઘણી વાર તો ડૉક્ટર મને ઇન્જૅકશન આપવા

આવ્યા હોય, તો મોટું મન રાખીને વિનમ્રતાથી કહી દઉં છું, ''મને નહિ....આ બાજુમાં બેઠા છે, એ ભ'ઇને આલી દો....મેં તો લાઇફમાં બહુ ઇન્જૅકશનો જોઇ નાંખ્યા.'

''જુઓ દાદુ, મોટે ભાગે તો કશું નહિ નીકળે...પણ ન કરે નારાયણ ને એકાદી ગાંઠ નીકળી, તો એ લોકો ઍન્જીઓપ્લાસ્ટી કરીને ગાંઠ કાઢી નાંખે છે.''

''પણ મારા મનમાં તો કોઇના માટે ગાંઠ નથી રાખતો. જે ઉકેલતા ન આવડે, એવું કશું વાળવાનું જ નહિ.''

''મનમાં નહિ રાખતા હો....આ તો હૃદયમાં છે. એટલે તમને ઝીણકો ઝીણકો દુઃખાવો છાતીમાં રહે છે ને ?'' વાત તો સાચી હતી. ઉધરસ ખાતી વખતે છાતીમાં થોડું દુઃખે, એને આ લોકો પાપની નિશાની ગણે છે. એનો અર્થ એવો ય થયો કે, ઇશ્વરે તમને ચેતવણી આપી દીધી છે. એ ધારત તો વગર ચેતવણીએ ગૅટ-પાસ મોકલી આપ્યો હોત, પણ બહુ ઓછા લોકોને એ આવા-બબ્બે તત્તણ ઍટેકોવાળા-ચાન્સ આપે છે. આમાં, પહેલો હજી ન આવ્યો હોવાથી, એની રાહ જોવાની હોતી નથી કે ખોટું ય લગાડાય નહિ,

''બાજુવાળાને તો બબ્બે આઈ ગયા...ને અહીં હાવ નવરા બેઠી છીએ.'' આમાં તો 'દિલ' મોટું રાખવું પડે.

ને તો ય, ઍન્જીયોગ્રાફી કરાવવાની તો છે જ, એટલે મેં'કુ...વસીયત-બસીયતનામું કરતા જઇએ. મારા તો અક્ષરે ય બહુ સારા આવે છે. પણ એમાં તો ઘરના છોકરા બગડયા. 'ડૅડ...(પહેલી વાર મને ઉચ્ચાર 'ડેડ' સંભળાયો) ખોટી ઉતાવળો ના કરો...આપણા ફૅમિલી-વકીલ અમેરિકા ગયા છે...ઠેઠ માર્ચમાં આવશે....અત્યારે તમારે વિલ-બિલનો વિચાર જ ના કરવાનો હોય !''

વાઇફ બહુ બગડી, ''અસોક...આ સુઉં માંઈડુ છે...? તમે ગામ આખામાં ઢોલ પિટી આઇવા છો, એમાં ઇ લોકો મારા લોહીડાં પીએ છે, 'ભા'આયને ક્યારે લઈ જવાના છે ?''

એ ભોળુંડાઓ મને 'હૉસ્પિટલ' ક્યારે લઇ જવાના છે, એવું પૂછતા હતા ને આ અમથેઅમથી ઉત્સાહમાં આવતી હતી....આ તો એક વાત થાય છે !

સિક્સર
- અમારા નારણપુરા ચાર રસ્તા ઉપર રોજ એકાદો ઍક્સિડૅન્ટ થાય છે...ટ્રાફિક સિગ્નલ ક્યારે આવશે ?
- કોઇ મોટાને મરવા દો....!
- ઓહ...તો તો તમે જ આવી જાઓ ને!

14/02/2016

ઍનકાઉન્ટર : 14-02-2016

* જો તમારી ઉંમર કાયમ માટે અહી જ અટકી જાય તો ?
- 'કાયમ રહી જો જાય તો, પયગમ્બરી મળે, 
દિલમાં જે એક દર્દ કોઇ વાર હોય છે.' (મરીઝ)
(ઋત્વિક ભટ્ટ, મુંબઇ)

* તમારા મતે બોલિવૂડનો આજનો બેસ્ટ એક્ટર કોણ છે ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર અક્ષય કુમાર. તમે ય ફિલ્મ 'ઍરલિફ્ટ' જોઇ લો એટલે પેદા થઉ-થઉ કરતો આ સવાલ અટકી જશે.
(મુશ્તકિમ ઘડિયાળી, ભરૂચ)

* પતિ ઘણી બધી સ્ત્રીઓ સાથે ફરે, તો શું કરવું ?
- ઘણા બધા પુરુષો મરી ગયા છે, શું ?
(જ્યોતિ રાણા, વડોદરા)

* મારો એક મિત્ર સલાહ માંગે છે કે, એની વાઇફના બર્થ-ડે પર ગિફ્ટ શું આપવી ?
- એનો આધાર હાલમાં એ બન્નેને કેટલા બાળકો છે, એની ઉપર છે.
(મયંક બી. ભટ્ટ, આણંદ)

* 'અશોકના સત્યના પ્રયોગો'ક્યારે બહાર આવશે ?
- જગતમાં ગાંધીજી સિવાય કોઇને સત્ય વિશે બોલવાનો અધિકાર નથી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* નેતાઓ વગર દેશ ચાલે કે નહિ ?
- એ તપાસી જોવાનો સાલો.. એક ચાન્સ મળતો નથી.
(કલ્પેશ કારંગીયા, બામણાસા- કેશોદ)

* ઘડપણમાં માથાના વાળ સફેદ ન થાય, એનો કોઇ ઉપાય બતાવશો ?
- ઘડપણ આવે, પછી કહું.
(ખ્યાતિ ધરોડ, મુંબઇ)

* વધતી મોંઘવારીમાં કોઇ ઇનામ મળવાની યોજના કરો ને !
- દેશ માટે કંઇક કરી બતાવો, એ ઇનામ જ છે.
(ભગવાનદાસ મકવાણા, મુંબઇ)

* નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇરફાન ખાન માટે શું અભિપ્રાય છે ?
- અત્યારના લોટમાં આ બન્ને સર્વોત્તમ કલાકારો છે.
(રાકેશ વારીયા, સુરત)

* 'આ બૈલ, મુઝે માર...' નું કોઇ ઉદાહરણ ?
- ''મારી મમ્મી થોડા દહાડા રહેવા આવે ?'' એવું વાઇફ પૂછે અને તમે હા પાડો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* યાદશક્તિ વધારવાનો કોઇ ચોક્કસ ઉપાય ખરો ?
- ચારે બાજુથી ઉધાર લેવાનું ચાલુ કરો.. જુઓ, તમારા લેણદારોની યાદશક્તિ કેટલી સોલ્લિડ વધે છે.
(શશીકાંત દેસાલે, વડોદરા)

* મારી પાસે કાતર છે. એમાંથી તમે કેટલી સૉય બનાવી શકો ?
- તમે કોઇ પરફૅક્ટ વાળંદને પકડો... મને તો ટેભા મારતા ય નથી આવડતું.
(રોહિત દરજી, હિમ્મતનગર)

* રિવરફ્રન્ટ પર પાર્કિંગ- પ્લોટ ઓહિયા થઇ ગયો.. કોઇ આંદોલન ?
- 'કહાં તક નામ ગીનવાયેં, સભી ને હમકો લુટા હૈ...'
(ચિરાગ સુવેરા, નારણપુર- અરાવલિ)

* સંતાનો અને મા-બાપ વચ્ચે આજકાલ અંતર કેમ વધી રહ્યું છે ?
- તમે તમારા મા-બાપને સારી રીતે રાખ્યા હશે, તો એ તમારા સંતાનોએ જોયું હશે... એ લોકો ય તમને પૂરતા પ્રેમ-આદરથી રાખશે... જે દીકરાઓ મા-બાપને હડધૂત કરે, એમને ય હડધૂત થવાના દિવસો બહુ દૂર નથી. સ્વર્ગ-નર્ક બધુ અહી જ છે, ઉપર કાંઇ નથી.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* સ્કૂલમાં તમે બ્રિલિયન્ટ હતા કે સીધાસાદા ?
- હું તો બસ... એક સીધોસાદો બ્રિલિયન્ટ હતો.
(ધીમંત ભાવસાર, બડોલી- ઇડર)

* રાધે મા એ ફેશનેબલ કપડાં માટે કહ્યું કે, 'ભક્તોએ આપ્યા છે, માટે પહેરૂં છું.'
-કોક્વાર ભક્તો કશું ન આપે, એવી પ્રાર્થના કરો.
(દીપક પટેલ, અમદાવાદ)

* પૈસો, પત્ની, મોબાઇલ અને દોસ્ત... તમારી પસંદગી પ્રમાણે ક્રમમાં ગોઠવશો?
-પૈસો.. બસ, પછી કાંઇ નહિ ! એ જ કાયમ તમારી સાથે રહે છે, પેલા ત્રણ કાયમ નહિ.
(દીપક આશરા, ગાંધીનગર)

* એક હિન્દી ન્યુસ-ચેનલમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ માટે લખેલી લાઇનમાં સ્પેલિંગની ભૂલ હતી..
-આ વાત મને કહેવાને બદલે એ ચેનલને કહો, જેથી બીજીવાર આવી ભૂલ ન કરે.
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

* સરકાર કૉમન મેનને હજી કેટલું લૂટશે ?
-'લૂંટવું' આપણા દેશમાં બહુ કોમન છે.
(મોહિત મર્થક, રાજકોટ)

* તમને મંગળના ગ્રહ પર રહેવા મળે, તો જાઓ ખરો ?
-બે રૂમ રસોડાનું ભાડું કેટલું છે, એ જોઇ લેવું પડે.
(મિતુલ પ્રજાપતિ, અરોડા-ઇડર)

* ઘેર બનાવેલી પાણી-પૂરી અને બહાર ભૈયાઓની પાણી-પુરી વચ્ચે ફરક ખરો ?
-ઘેર પાણીપુરીના ચટાકેદાર પાણીમાં સાલો જલદ એસિડ નથી નાંખી શકાતો.
(અજય ધામેલીયા, શામપરા, ભાવનગર)

* તમે ૨૦ વર્ષની ઉંમરે કેટલી દેવી- મિત્રો રાખતા ?
-૨૦ની ઉંમરે હું ૬૦ની ઉંમરવાળી દેવી-મિત્રો ઘણી રાખતો... કંઇક શીખો મારામાંથી, યુવાન !
(આશિષ પાનસેરીયા, નેસડી- સાવરકુંડલા)

* લાગવગ વધુ ફાયદાકારી કે ઇમાનદારી ?
-ઇમાનદારી એટલે શું વળી ? નામ જ આજે સાંભળ્યું. એ શું કોઇ છોકરીનું નામ છે ?
(જયપાલ ગોહિલ, લવરાડા-સિહોર)

* તમારા વાઇફનું નામ શું છે ?
-'રામપ્યારી'
(કિશન મોરડીયા, ઊગામેરી- ગઢડા)

* તમને મળવા માટે મેં ફ્લાઇટ બૂક કરાવી હતી પણ એ પ્લેન જ કેન્સલ થયું..
-ઓહ... મારા નાનપણથી પ્રિય ઊંઝામાં એરપોર્ટ આવી ગયું ?
(આભા પંચાલ, ઊંઝા)

* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
-કોકનો એવો સ્વભાવ... ! આપણે તો કેટલું ખીજવી શકીએ !
(હિતેશ પરમાર, મુંબઇ)

* આ વર્ષે તમારી ૧૬મી બર્થ ડેટ ૨૯ ફેબ્રુઆરીએ આવશે. મોરારજી દેસાઇની જેમ... તમારા વચ્ચે કોઇ ફર્ક ખરો...?
-એમને જે પીણું ફાવતું હતું, એ મને ફાવતું નથી... જે પીણું મને ફાવે છે, એની રાજ્ય સરકારે બંધી ફરમાવી છે. 
(ગૌતમ વ્યાસ, અમદાવાદ)