Search This Blog

31/03/2016

તિતિક્ષા પાછી આવી..?

Other articles on તિતિક્ષા

એક તો આખી બેન્ક બુઠ્ઠાઓથી ભરેલી (બીન કે ઝૂઠે પડ ગયે તાર...) ને એમાં ય કોઈ નવજીવન આપતા સમાચાર આપે તો વહાલમાં ને વહાલમાં આલિંગનોની ઝડી વરસાવી દઈએ (સામે કોણ છે, એના ઉપર ઝડીઓનો આધાર સમજવો!) કોક વળી ખબર લાવ્યું કે, તિતિક્ષા પાછી આવે છે, એમાં તો બધાની (કેવળ પુરૂષ સ્ટાફની) ઉંમરમાં છ-છ મહિના ઓછા થઈ ગયા! સાલું બેન્કના બાકીના સ્ટાફમાં તો ઘર કરતાં ય વધારે કાટમાળ જોવાનો, એટલે તિતિક્ષાના આવવાના સમાચાર તો સ્ફૂર્તિ-સ્ફૂર્તિ આપે ને ? કૌચાપાક ખાવાના મનો થાય... સુઉં કિયો છો?

એ તો ખૌફ બધાને હતો વળી કે, તિતિક્ષા આવી તો ય કાંઈ આપણને લાડવો મળવાનો છે? કોઈને ય મળવાનો છે? સાલી જરા નજર બગડી તો તિતુડી ચંપલે ને ચંપલે નહિ, બેન્કના લેજરે ને લેજરે ફટકારે એવી છે! અને ફ્રેન્કલી કહીએ તો આપણે વળી ક્યાં એની સાથે પૈણવું છે? આ તો આપણને એમ કે, બેન્કમાં સાથે કામ કરે છે ને દોસ્તી-ફોસ્તી થાય તો કોક દહાડો વળી સીસીડી-માં લઈ જઈએ-ભલે બિલ તિતુ આપે- ને બોલ્યા ચાલ્યા વગર એની સામે જોયે રાખીએ, એ આપણી સામે જોયે રાખે, બહુ મોટા વાંધા લે એવી ન હોય તો હાથ ઉપર હૉટેલનું મેનુ ઢાંકીને એનો હાથ બી પકડેલો રાખીએ... (પછી... પછી આગળની ધારણાઓ સાલી નથી કરવી... જમાનો બહુ ખરાબ છે!)

ઉમળકા તો આપણને હોય એટલે બેન્કમાં બાજુના ટેબલવાળી દેવકી ડોસી (ઉં.વ. ૫૭.. નિવૃત્તિમાં તઈણ ખૂટે!)ને સમાચાર હોંશથી આપ્યા તો, એના નહિ, આપણા સગામાં કોઈ ગૂજરી ગયું હોય, એવા મોંઢે બોલી, ''હાસ્તો... દીકરી ઘેર પાછી આવતી હોય તો કયા બાપને છમછમ ન થાય..!''

હાળી દેવકુડી... બૅન્ક છુટયા પછી તું ઘરે પાછી જાય છે, ત્યારે તારો ગોરધન તને દીકરીની જેમ ઊંચકી લે છે? હાળા બૈરાઓ જાતના જ જૅલસ...!

ફ્રૅન્કલી કહું તો, તિતિક્ષાના આવવાના સમાચાર પછી કામમાં કોઈનું ધ્યાન નહિ... 'કામ'માં બહુ ધ્યાન હોવાને કારણે! કૅશિયર કાપડીયાએ તો એક કસ્ટમરને દસની નૉટ વધારે આપી દીધી હતી... આ તો આપણા દેશનું પ્રામાણિકતાનું ધોરણ દસ રૂપિયા સુધી વળી જળાવાયું છે એટલે કસ્ટમર પાછી આપવા આવ્યો, પણ નૉટ દસને બદલે વીસની હોત તો કાપડીયો તો ગયો'તો કામથી!

બપોરે રીસેસમાં નંદુની ચાની લારીએ વાત ઉઘડી. વાત કરવા બધા તલપાપડ હતા-નંદુ પણ! નંદુને તો સમજ્યા કે તિતિક્ષામાં રસ નહિ, પણ તિતુને લીધે અમે બધા અડધીને બદલે તઈણ- તઈણ કપ ચાઓ ઠોકી જતા હતા, એ એનો રસ!

''એ ભટ્ટ... સાંભળ્યું છે કે, તિતિક્ષાબેન પાછા આપણી બ્રાન્ચમાં આવે છે..!''

''થૅન્કસ ચાવડા... તેં એને 'બહેન' કીધું, એમાં તારા ઉપર માન વધી ગયું... કેવા સારા સંસ્કાર તારી વાઈફે આલ્યા છે... વાહ!''

''એ ચંબુ... તે તું શેનો આટલો મલકાયે રાખે છે..?'' પરેશ બોલ્યો. ''મોંઢે તો આપણે બધાએ એને બહેન જ કહેવાનું નક્કી કર્યું છે...''

''પણ... આઈ મીન, એ આવે છે ક્યારે?'' સળવળાટની માત્રા વધતી જતી હતી.

''ખબર નહિ, પણ કોક કહેતું હતું કે, ખાડિયા બ્રાન્ચમાંથી અહીં ટ્રાન્સફર લઈને આવે છે...''

''ખાડિયા..? તો તો કોરી નહિ રહી હોય! ત્યાંનો તો અડધો સ્ટાફ વિજય માલ્યાની નજરવાળો છે, બૉસ!''

''તે આપણે ક્યાં એની સાથે પૈણવું છે, કોડા...? આપણી બ્રાન્ચમાં પાછી આવે તો જીવદયા નેત્રપ્રભાના ખર્ચા તો બચે!''

તિતિક્ષા નાની ઉંમરે સીનિયર ઑફિસરની પોસ્ટ ઉપર આવી હતી-ડાયરૅક્ટ રીક્રુટમાં! એ અમારી બ્રાન્ચમાં હતી, ત્યાં સુધી બધાને ઘેર ઝગડા, જુઠ્ઠું બોલવાનું અને ઘેર મોડું જવાનું! સાલી કડક પણ બહુ હતી, એટલે કામ સિવાય કોઈની સાથે વાત બી નહિ કરે! થોડીઘણી વાતબાત કરતી હોત તો અમે, 'સહુ ભારતીયો મારા ભાઈબેન છે'ના ધોરણે એને બહેન પણ ગણી લેત, પણ એ જે ઢીંચણ સુધીની મિડી અને ઉપર બ્લૅઝર પહેરીને બૅન્કમાં આવતી હતી, એ જોયા પછી એને 'બહેન' ગણવી એ ચૌદે ભુવનનું પાપ ગણાત. આપણે ભલે રીટાયર થવા આવ્યા, પણ એમ કાંઈ બધા વાજીંત્રો માળીયે થોડા ચઢાવી દીધા છે! સાલી, મને તો પાછી એ 'અન્કલ' કહીને બોલાવતી, ત્યારે ધુંધવાઈ જવાતું કે, ''તારા ઘરમાં ભ'ઈ-બાપ કે ફૂવા-બૂઆ નથી?'' આપણને એટલો સંતોષ કે, આ મામલે આપણા કટ્ટર હરિફ દિવેચાને પણ એ અન્કલ જ કહેતી.

બીજો મોટો પ્રોબ્લેમ અમારા સહુને માથે, એના બાઉન્સર જેવા ગોરધનનો હતો. સાલો સવા-છ ફૂટ ઊંચો અને એક વાર મેં જસ્ટ હાથ મિલાવ્યો, એમાં તો ગરમ લોઢું પકડયું હોય એવો મર્દાના હાથ (તિતુનો નહિ... એના ગોરધનનો) એટલે સ્ટાફમાં જે કોઈ તિતુની કૅબિનમાં જાય, એ પહેલા દરવાજે જોઈ લેતું કે, પેલો રાક્ષસ એને લેવાબેવા આવ્યો નથી ને! જંગમાં તો દસે દિશાઓનું ધ્યાન રાખવું પડે. પેલો ક્યાંક હાથ-બાથ મરડી નાંખે તો? ...સુઉં કિયો છો? (કાંઈ કે'તા નહિ... ખાલી પંખો ચાલુ કરો!)

આમ તો એના આવવાની તારીખ-બારીખ નક્કી નહોતી ને હોય તો અમને કોઈને ખબર નહોતી. પેલું કહે છે ને કે, 'તુમ્હેં અપના કહેને કી ચાહ મેં, કભી હોસકે ન કિસી કે હમ...' એ મુજબ, તિતુજીની રાહો જોવામાં બ્રાન્ચમાં એકએકથી ચઢે એવી ફૂલગુલાબી કસ્ટમરો આવતી, એમાં ધ્યાન પરોવવાનું ય બંધ હતું. હિંદુસ્તાની મર્દ જીવનમાં એક સમયે એક જ સ્ત્રીનો થઈને રહે છે, બીજી બધી સાળીઓ અને સાળાવેલી સમાન... જયઅંબે..! સહુને ડર એ જ વાતનો પેસી ગયેલો કે, ન કરે નારાયણ ને એ કસ્ટમર બીજી વાર આવે ને તિતુને આપણી ફરિયાદ કરે તો... ઘેર તો બન્નેના અલગ-અલગ ઍક્સપ્લૅનેશનો આલવાના ને?

ખૌફ સહુને એ વાતનો ય હતો કે, પહેલી વાર તિતિક્ષાજી આપણી બ્રાન્ચમાં ટુંકસમય માટે આવ્યા, તે પછી એથી ય ટુંક સમયમાં એમની બદલી બીજી બ્રાન્ચમાં થઈ ગઈ. બ્રાન્ચમાં ય કોક પાપી તો હોય ને? બુરી નજરવાલે, તેરા મુંહ કાલા! અમને બધાને ડાઉટ ગીરાડી ઉપર હતો. સાલી છેલ્લા ૩૫-વર્ષથી રીટાયર થવાની લાલચો બતાવે રાખે છે, એમાં અમારામાંથી છ કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા ને એ હજી બેઠી છે. એનાથી કોઈનું સારું જોવાય નહિ. તિતુ હતી ત્યારે ય એ મોંઢા ચડાવીને જ બેસતી. ગીરાડી પોતાને ભલે નિરૂપા રૉય સમજતી હોય પણ અમને સમજ નથી પડતી કે પણ અમે બધા એ જમાનાના અશોક કુમારો, એ.કે. હંગલો કે એક પાટીયું ત્રાંસુવાળા કે.એન. સિંઘો નથી- આજનો તો આજના અજય દેવગણો કે અક્ષયકુમારો છીએ ! તારા ગળામાં હઈડીયો કેમ ભરાયો છે?... નકરી ઈર્ષ્યા!

અમારો પટાવાળો સમાચાર લાવ્યો કે, બેન તો હજી આવતા વીકમાં આવવાના છે, ત્યારે બધાએ ગુસ્સાથી એને ફોલી ખાધો, ''હાળા રોંચા... અઠવાડીયાને બદલે બે દહાડા ન કહેવાય?ખોટી ચાર દહાડાની ઉઠાડી દીધી ને?''

યસ. પ્લાનિંગનો ફાયદો લગભગ બધાને થયો. તિતુજીના આવ્યા પછી તો કોઈ સીઍલ/પીઍલ લેવાનું ન હોય, એટલે જે બે દહાડા ગ્રેસના મળ્યા છે, તે રજામાં વાપરી નાંખો... ઘરવાળા તો રાજી થાય!
...અને તિતિક્ષા આવી ત્યારે....?

સિક્સર
''પાકિસ્તાનને પાકિસ્તાનની ભાષામાં જવાબ આપવો જોઈએ...!''
''', પહેલા ઘરમાં બેઠેલા પાકિસ્તાનીઓને તો આપણી ભાષામાં જવાબ આપો, જે ઉઘાડેછોગ કહે છે, ''હું 'ભારત માતા કી જય' નથી બોલવાનો!''

27/03/2016

ઍનકાઉન્ટર : 27-03-2016

૧.આટલા પ્રસિધ્ધ છો. હવે તમને કોઈ તુંકારે બોલાવનારૂં રહ્યું છે ખરૂં ?
- એક મારી માં... અને બીજી મારી વાઇફ, જેને વર્ષમાં એકાદવાર પ્રેમ ઉભરાઇ આવે, ત્યારે તુંકારો કરે...!
(મયૂર સુખડીયા, ધોરાજી)

૨.તમારા પત્ની રિસાઇ ગયા હોય તો મનાવવા શું કરો છો ?
- એ જાણે છે કે, ચાંપલી છતાં સુંદર પડોસણો આવા મોકાની રાહ જોઈને બેઠી હોય છે, એટલે વાઇફ કદી આવી ભૂલ કરતી નથી.
(મિતુલ સિહોરા, સુરત)

૩.આજની છોકરીઓને મોડેલ કે ઍકટ્રેસ બનવું હોય છે, કોઈને ઇંદિરા ગાંધી બનવું કેમ નથી ગમતું ?
- એ પછીનો ફાલ બહુ કચ્ચરઘાણ ઉતરે છે, માટે.
(ધ્રૂવ પંચાસરા, વીરમગામ)

૪.બ્રાહ્મણો ૮૪-જાતના હોય છે. તમે કઇ જાતના ?
- ઇન્ડિયનો એક જ જાતના હોય છે ને હું ઇન્ડિયન છું.
(પરાગ બી. પંડયા, પોરબંદર)

૫.પત્ની ઉપર ગુસ્સો આવે તો શું કરવું ?
- શું કામ પણ રહી-સહિ મર્દાનગીનો ય કચરો કરવા માંગો છો ?
(દીપક આશરા, ગાંધીનગર)

૬.'સૅલ્ફી' પાછળના ગાંડપણનું કારણ શું ?
- બીજાના કૅમેરામાં આપણે કેવા બબૂચક લાગીએ છીએ, એ જોઈ લેવાનો એક માત્ર રસ્તો-'સૅલ્ફી'.
(મધુકર મેહતા, વિસનગર)

૭.'ઍવોર્ડ-વાપસી'ના ગાડરીયા પ્રવાહ વિશે કંઇક કહેશો ?
- હમણાં એક કૉંગ્રેસી કાર્યકર્તાના બાબાને લારીમાંથી લકી નંબર ઉપાડીને પ્લાસ્ટિકની ચમચી ઈનામમાં લાગી હતી... એ ય લારીવાળાને પાછી આપી આવ્યા.
(કિશોર દવે, ભાવનગર)

૮.ધાર્મિકસ્થળો બાંધવા પાછળ અબજો રૂપિયા ખર્ચતા લોકોને શું કહેવું ?
- આવા લોકો દેશને તો કોઈ કામમાં આવવાના નથી. એમને માટે 'દેશદ્રોહીઓ' શબ્દ ઠીક રહેશે.
(રાજેશ બી. દરજી, અમદાવાદ)

૯.કેટલીક અભિનેત્રીઓ કહે છે, 'સીનની જરૂરિયાત હોય તો મને ન્યૂડ સીન આપવામાં વાંધો નથી.' આ વળી કઇ જરૂરિયાત ?
- એમાં બિચારીનો વાંકે ય શું છે ? સીનની જરૂરિયાત હોય છે, ત્યારે એ અબળાઓ થરથરતી ઠંડીમાં ધાબલા પહેરીને ય ન્યૂડ-સીનો આપે જ છે ને ?
(કલ્પેશ પટેલ, લંડન)

૧૦.ઑનલાઇન-શૉપિંગ વિશે શું કહેવું છે ?
- બસ. એ દિવસની રાહ જોઉં છું કે, ઘરઘાટીઓ ઑનલાઇન મળતા થાય.
(નીધિ ભૂત, જૂનાગઢ)

૧૧.બધાને સરકારી નોકરી કેમ મળતી નથી ?
- બધા એવા કરમફૂટલાં ન હોય ને ?
(આશિષ બાંભણીયા, સિહોર)

૧૨.લગ્નને દિવસે જ પ્રેમિકા લગ્ન કરવાની ન પાડી દે તો શું કરવું ?
- બસ. હવે એ શું કરે છે, એ જોવા ન જવું.
(રાહિલ મનસુરી, પ્રાંતિજ)

૧૩.'પારકી આશા, સદા નિરાશા' કહેવતનો અર્થ શું થાય ?
- એ જ કે, હવે એકલી આશાથી ય નહિ.. એના ગોરધનથી ય સંભાળવું.
(રણજીત ઝાલા, ગૌચરના મુવાડા)

૧૪.ભૂતકાળમાં સિનેમાઘરોના શો-કૅસમાં જે તે ફિલ્મના ફોટા મૂકવામાં આવતા, એ પ્રથા બંધ થઈ ગઈ... !
- ઘણા બોલી જતા, 'વો દાઢીવાલા ખૂની હૈ...!'

૧૫.સોનિયા ગાંધી સાચું હિંદી ક્યારે બોલશે ?
- એમને મૂંગા રહેવામાં ય, મોંઢું હસતું રાખવાની જરૂર છે.. આપણે બારે માસ તોબડો ચઢેલો જ જોવાનો ?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

૧૬.તમે ઍક્ટર હોત તો શું કરત ?
- ઍક્ટિંગ.
(આમિર પટાણ, જૂનાગઢ)

૧૭.તમે પેટલાદ જોયું છે ?
- ત્યાં તમારા સિવાય કાંઇ જોવા જેવું હોય તો બોલો !
(અબ્દુલકાદિર મલેક, પેટલાદ)

૧૮.પહેલા બા-બાપુજી, પછી મમ્મી-પપ્પા અને આજકાલ મૉમ-ડૅડ ! હવે શું ?
- 'ઓ હાય જૅન્તી... હાય સવિતા... !'
(કૌશિક શાહ, ભાવનગર)

૧૯.કૉલમનું નામ 'ઍનકાઉન્ટર' ને બદલે 'ઍક્રોસ ધી કાઉન્ટર' રાખીએ તો ?
- તો ય, જવાબોની ક્વૉલિટી સુધરત નહિ !
(અમિતા ભાવેન પટેલ, અમદાવાદ)

૨૦.આપકી ટુથપૅસ્ટ મેં નમક હૈ ?
- મને ડૉક્ટરે મીઠું ખાવાની ના પાડી છે.
(વિપુલ ચપલા, વડોદરા)

૨૧.મારે એક વત્તા એક, બરાબર ત્રણ કરવા છે...શું કરૂં ?
- લગ્ન.
(સ્મિત કે. આચાર્ય અમદાવાદ)

૨૨.વૅકેશનમાં કંટાળો આવે છે, તો શું કરવું ?
- બધા જુએ, એમ મોટે મોટેથી હસવું.
(યોગેશ ચીકાણી, ટંકારા)

૨૩.એક વ્યકિત આપણી સામે વારંવાર સ્મિત કરે, એનો અર્થ શું સમજવો ?
- કાં તો ચંપલ ખાવાના ને કાં તો એની સાથે પરણવાના દિવસો નજીક આવી રહ્યા છે.. બંનેનો અંજામ તો એક જ છે.
(સંજય એચ. દવે, જામજોધપુર)

23/03/2016

ફિલ્મી હોળી

આપણે નસીબદાર છીએ કે, હોળીના ફિલ્મી ગીતો નમૂનેદાર અને રમઝટ મચાવી આપતા મળ્યા છે. એમાં નકરો તરવરાટ જ હોય. જોઈ જુઓ, આ સાથેના હોળી ગીતો.. તમને ન ગમે એવું એકે ય ખરું ?

હોળીનો ફાયદો એ કે, પર્સનલી તમે ભલેને માયાવતી જેવા લાગતા હો, રંગાઈ ગયા પહેલાં તમારો મૂળ રંગ કયો હતો, તેની દર્શકમિત્રોને ઝાઝી ખબર પડતી નથી. અર્થાત્, આજે ૬૫-ની ઉંમરે ભલેને હું ઋત્વિક રોશન જેવો ન લાગતો હોઉં... હોળીના દિવસે દુનિયાભરના ઋત્વિક રોશનો અસરાની જેવા જ લાગે છે,એટલો મને સંતોષ! વગર અરજીએ આ દિવસે તમને 'મેક-અપ આર્ટિસ્ટ'નો દરજ્જો મળી જાય છે.

તો ય, આમ જોવા જઈએ તો આપણા તમામ હિંદુ તહેવારો આપણે ફિલ્મોમાં જોઈજોઈને વધુ શીખ્યા છીએ. દિવાળીમાં ફટાકડા કેવી રીતે ફોડવા કે હોળીમાં પિચકારીઓ કેવી રીતે મારવી, એ બધું સ્કૂલોમાં શીખવતા નથી, ફિલ્મો જોઈજોઈને શીખાય છે.. ઉત્તરાયણ તો હમણાં રાષ્ટ્રવ્યાપી તહેવાર થયો,નહિ તો ગુજરાત પૂરતો મર્યાદિત હતો અને ગુજરાતીઓને કાંઈ પણ શીખવા માટે હિંદી ફિલ્મો કે ભાઈલોગોની જરૂર ન પડે... ગુજરાતીઓ ગામ આખાને શીખવાડે એવા છે.

ફિલ્મોની હોળી સ્વ. રાજ કપૂરે મશહૂર કરી, એના પૂના પાસેના લોની ફાર્મમાં તત્સમયના જાણીતા ફિલ્મ કલાકારોને ખાસ લોની બોલાવીને એક અલગ અંદાજથી હોળી રમાતી. આ અલગ અંદાજ એટલે ત્યાં ભરચક કલાકારો ઊમટયા હોય ને એમાં જે મોડો આવ્યો, એની પાસે બધા હૂડૂડૂડૂ 'હોલી હૈ, ભ'ઇ હોલી હૈ'ના નાચગાના અને રમઝટ સાથે દોડી જઈ, એને આખેઆખો ઉપાડીને પાણી અને રંગ ભરેલા તોતિંગ હૉજમાં ડૂબાડવાનો. અફ કોર્સ, એ પહેલા તો સહુ એકબીજાને ડૂબાડી ચૂક્યા હોય ! એ પછીના ફિલ્મી મેગેઝિનોમાં રાજ કપૂરની આ હોળીના ફોટા જોવા વાચકો અંક વહેલો બૂક કરાવી દેતા... ખાસ કરીને, 'ગુજરાત સમાચાર' પ્રકાશિત 'ચિત્રલોક'નો અંક ! કારણ કે, એ ઑલમોસ્ટ છાપાના કદનું આવતું હોવાથી રંગીન ફોટા મોટી સાઇઝના અને સંખ્યામાં જોવા મળે.

આપણને સામાન્ય વાચકો ય રાજ સાહેબની આ હોળીઓ અને ફિલ્મોમાં દેખાતી હોળીઓ ઉપરથી ઘણું બધું શીખ્યા કે, 'હોળી કેમ રમાય?'

ફ્રેન્કલી કહું તો, ત્યાં સુધીની ટ્રેડિશનલ હોળીઓ પિત્તલની પિચકારી અને કેસૂડાના ફૂલમાંથી પાણીમાં બનાવેલા રંગની રમાતી ત્યાં સુધી તો ઇવન ફિલ્મોની હોળી કેવી હોય, એની ય કોઈને ખબર નહોતી, સિવાય કે દિલીપ કુમાર- મીનાકુમારીની ફિલ્મ 'કોહીનૂર'માં ધી ગ્રેટ નૌશાદ સા'બની હોળી- ધૂન પર મુહમ્મદ રફી અને લતા મંગેશકરે, 'તન રંગ લો જી આજ, મન રંગ લો તન રંગ લો..' ગાયું, એ પહેલાં મેહબૂબખાનની ફિલ્મ'આન'માં શમશાદબાઈની રાહબરી હેઠળ આજ સુધીના તમામ હોળી ગીતોમાં રમઝટ અને જમાવટની દ્રષ્ટિએ સર્વોત્તમ કહી શકાય, એવું 'ગાઓ તરાને મન કે જી આશા આઇ દુલ્હન બન કે જી નાચો નાચો મન કે દ્વાર રે છમછમ' ગીતમાં તો લતા- રફી પણ પોતે પ્રત્યક્ષ હોળી રમતા હોય, એવા કમીટ થઈને આ ગીતને રંગરસીલું બનાવ્યું હતું.

ધીમે ધીમે ફિલ્મોમાં આવા વધુ હોળી ગીતો આવતા થયા, એમ એમ લોકોને હોળી પ્રત્યે વધુ સભાનતા આવવા માંડી. પતંગ વિશે કમનસીબે એક તો ફિલ્મો ઓછી બનતી અને બનતી એમાં પતંગને લગતા ગીતો બહુ થોડા અને નહિવત્ રમઝટ બોલાવનારા હોય!

હોળીની બીજી એક ખૂબીલિટી કે, આ એક જ તહેવાર એવો છે જે હસતા હસતા રમાય છે. પતંગ ચઢાવતા મોંઢા ગંભીર રાખવા પડે છે, પણ કપાઈ ગયા પછી તો મોંઢા પરથી નૂર ઊડી ગયા હોય, જ્યારે હોળી તો ઘરની બહાર નીકળતાની સાથે જ ચહેરા ઉપર ભરચક આનંદ- આનંદ લાવી દે છે. દિવાળીના ફટાકડા ફોડતા મોંઢા હસતા રાખવાની જરૂર નથી. જામગરી ચાંપતાની સાથે જ ભાગવું પડે છે. દિવાળી અને ઉતરાયણ બંને ગરમી પહોંચાડનારા છે, જ્યારે હોળી પૂરા બદન ઉપર ઠંડક આપે છે.

હોલી આઇ પ્યારી પ્યારી ભર પિચકારી, રંગ દે ચુનરીયા હમાર...

વચમાં થોડી ઘણી હિંદી ફિલ્મોમાં હોળી ગીતો આવતા, છતાં ધૂન કે ડાન્સની દ્રષ્ટિએ એમાં 'વો વાલી બાત' નહિ થી, જેના લીધે ખાસ તો એ ગીત જોવા પ્રેક્ષકો સિનેમા સુધી જાય. શંકર- જયકિશનની ધૂન પર ફિલ્મ 'પૂજા'માં હોળીનું આપણે જોઈતું હતું એવું તરખાટવાળું ગીત તો મળ્યું, 'હોલી આઇ આઇ પ્યારી પ્યારી ભર પિચકારી, રંગ દે ચૂનરિયા હમાર...' પણ હીરો કોઈ નહિ ને ભા. ભૂ હતો, એટલે કે ભારત ભૂષણ. મુખ્યમંત્રીની શપથવિધિને પણ બેસણામાં ફેરવી નાંખી શકે, એવો મનોહર ડાચાવાળો આ અભિનેતા તો હજી સારો લાગે, પણ એની સામે હીરોઈન પૂર્ણિમા ભા.ભૂ.ની વિધવા 'મૉમ' થાય એવા કરુણ ચહેરા સાથે આ ગીતમાં આવી. ગીતનો ચારે બાજુથી કચરો થઈ ગયો. આ પૂર્ણિમા એટલે આજના હીરો ઇમરાન હાશ્મીની સગી નાની.

શંકર- જયકિશનની આહલાદક તર્જ ઉપર મુહમ્મદ રફીએ આખું ગીત તાર સપ્તકમાં ગાયું છે અને એની પાછળ રિધમ- સેક્શન આપણા હાથ-પગની થાપટ ઊભી કરવા કાફી શક્તિમાન છે.

એ વાત જુદી છે કે, આ જ ફિલ્મ અને આ જ હોળીની સિચ્યુએશન ઉપરથી શક્તિ સામંતે 'કટી પતંગ' બનાવ્યું અને રાજેશ ખન્નો હતો તો સ્ફૂર્તિ અને થનગનાટવાળો અદાકાર... ને એમાં ય કિશોરનો કંઠ વત્તા રાહુલદેવ બર્મનની તોફાની તરજ. લતા ગીતનો ગંભીર પાર્ટ ગાય અને કિશોર તોફાની પાર્ટ ને છતાં ય પંચમે એ બંન્ને ભાવોને કેવી સાહજીકતાથી ભેગા કરીને ઉત્તમ હોળીગીત બનાવ્યું છે.

ભીગે ચૂનરવાલી રંગ બરસે...

પછી તો જમાનો આવ્યો અમિતાભ બચ્ચનનો. એ જે કરે, જેવું કરે, તેવું આપણે કરવાનું અને એમાં સદીના આ સૌથી મોટા મહાનાયકે એવી સ્તર વગરની ફિલ્મ અને એવા જ સ્તર વગરના હોળી ગીતોમાં સામેલ થઈને ભારતીય તહેવારની પવિત્રતાને ડાઘ પણ લગાડી દીધો. ફિલ્મ 'સિલસિલા' એના અને એની પ્રેમિકા રેખા વચ્ચેના ગેરકાયદેસર લફરાને 'જસ્ટિફાય' કરાવવા યશ ચોપરાની મદદ લઈને બનાવવામાં આવી હતી. હોળીને નામે પરિણિત અમિતાભ એની પત્નીની હાજરીમાં નફ્ફટ થઈને પરિણીત પ્રેમિકા સાથે વધુ પડતી છૂટ લઈને હોળી રમે છે. રેખાનો પતિ પણ આ બધું નજર સામે જોવા છતાં સોશિયલ- નોર્મ્સ સામે લાચાર છે. બચ્ચને રેખા કે બીજી કોઈ લીટી સાથે લફરૂં હોય, એ એ બન્નેનો પર્સનલ વિષય છે, પરંતુ કેવળ એને જસ્ટિફાય કરવા એક તબક્કે તો પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થાય એ અસહ્ય છે.

પ્રસ્તુત ગીતના ફિલ્માંકનની વાત કરીએ તો ભર તડકે એને શૂટ કરવામાં આવ્યું હોવાથી હોળીની ભીનાશ એમાં દેખાતી નથી.

હોલી ખેલત નંદલાલ બિરજ મેં

મેહમૂદને કેવળ કોમેડિયન ગણવામાં આવ્યો, એ આપણા ફિલ્મ પત્રકારત્વની નબળાઈ છે. જ્હોની વોકર માટે હજી આ નિવેદન ચાલી જાત, પણ મેહમૂદ ન કેવળ કોમેડિયન, પણ અચ્છો કલાકાર પણ હતો. એક 'અભિનેતા' તરીકે એનું મૂલ્યાંકન થયું જ નહિ. એ તો ઠીક, માત્ર કૉમિકમાં લેવા માટે ય, પત્રકારો પાસે સમજ પરિપક્વ નહોતી. મેહમૂદ હિંદી ફિલ્મોનો સર્વોત્તમ'મિમિક્રી- આર્ટિસ્ટ' હતો, પિતા મરહૂમ મુમતાઝઅલીના પગલે એ પણ ખૂબ અચ્છો ડાન્સર હતો. સર્જક તો હતો જ, છતાં એણે બનાવેલી ફિલ્મો કૉમિક હોય કે ગંભીર, દેશને ઉપયોગી કોઈ સંદેશો એની ફિલ્મોમાં રહેતો.

પ્રસ્તુત ગીતમાં વિશ્વવિખ્યાત સિતારવાદક પં. રવિશંકરે એની પાસે મુહમ્મદ રફીના પ્લેબેકમાં બે-ત્રણ અદ્ભુત રચનાઓ આપી છે, એમાંનું આ હોળીગીત શિરમોર ! દ્રષ્યોમાં ક્યાંય હોળી રમાતી દેખાતી નથી, તેમ છતાં ગામનો આ ભોળો છોકરો ગામ જઈને (પોતાને નંદલાલ માનીને) કેવા થનગનાટથી હોળી રમશે,એનું મધૂરું વર્ણન આ ગીતમાં થયું છે. મુહમ્મદ રફીએ આ ગીત પૂરી તળપદી છાંટથી ગાયું છે.

ગાઓ તરાને મન કે જી આશા આઇ દુલ્હન બન કે

'નૌશાદ ઍટ હિઝ બેસ્ટ' એવું છોગું લટકાવવું હોય તો એમની લગભગ તમામ ફિલ્મોને લગાવવું પડે, પરંતુ હોળીની રમઝટ અને પ્રસ્તુત હોળી ગીતમાં ભાગ લેનાર કલાકારો - દિલીપ કુમાર,નાદિરા અને અનેક જુનિયર આર્ટિસ્ટ્સની કારીગરી જોયા પછી બહુ ભણેલાગણેલા હો તો ભલે નાચો-બાચો નહિ પણ ફુટટેપિંગ તો થવાનું, એ ખાત્રી ગેરન્ટીના લેવલ સુધી આપી શકાય. નૌશાદને વંદન કરવા પડે આવું સુંદર અને ભીનું ભીનું હોળી ગીત બનાવવા માટે.

શકીલ બદાયૂનીએ પણ ટિપિકલ ભારતીય સંસ્કૃતિને આધિન રહીને અદ્ભુત હોળીગીત લખ્યું છે. હસતો અને નટખટ દિલીપકુમાર કેવો રૂપાળો અને હેન્ડસમ લાગે છે ! એના આ હેન્ડસમ કે રૂપાળા લાગવા પાછળ કારણ એ પણ હતું કે, એ અરસાની તમામ ફિલ્મોમાં દિલીપ કરુણ પાત્રો અને નિષ્ફળ પ્રેમના રોલ ભજવી ભજવીને માનસિક સમતુલા ખોઈ બેઠો હતો. દિલીપને બાકાયદા માનસિક રોગોના ડૉક્ટરની સારવાર લેવી પડી હતી અને આવા માનસિક આલમમાં ભારતની હોળી જેવો થનગનાટ પેદા કરી આપે એવો બીજો કયો તહેવાર હોઈ શકે ?

આજ મીઠી લગે હૈ તૈરી ગાલી રે...

કોઈ પણ સેક્શનમાંથી વિવાદ જ ઊભો ન થાય, એવું સર્વાનુમતે સર્વોત્તમ પસાર થઈ જાય એવું ફિલ્મ 'નવરંગ'નું ગીત, 'અરે જા રે હઠ નટખટ ના છોડ મેરા ઘુંઘટ, પલટ કે તુઝે આજ દુંગી ગાલી રે...' આજે એ ગીત બનવાના ૫૫- ૫૬ વર્ષ પછી ય તરોતાઝા લાગે છે. પંડિત ભરત વ્યાસના શબ્દો રામ જાણે એમના મનના કયા ખૂણામાંથી એમની મરજી મુજબ, સર્કસના સિંહોની જેમ કવિની આંગળીના ઇશારે એક પછી એક રિંગમાં આવતા ગયા અને આપણે મુગ્ધ થતા ગયા. અને એમાં ય ભળ્યો અન્ના ચિત્તલકર દાદાનો સ્પર્શ- ગળેથી અને સંગીતથી. મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના કંઠ ઉપરાંત સંગીતકાર સી. રામચંદ્રે હોળીના તળપદા રંગોને 'લાઇવ' કરવા વાજીંત્રો પણ પૂરા દેસી ઢબના વગાડાયા છે.

જેણે ફિલ્મ જોઈ હશે, એને આ ગીત દરમ્યાન હોળી રમતો હાથી પણ યાદ આવશે કે, વ્હી. શાંતારામે હોળીની અસર ઉભી કરવા કોઈ તત્ત્વ બાકી રાખ્યું નહોતું. હીરોઇન સંઘ્યાએ વ્હી. શાંતારામ સિવાય કોઈની ફિલ્મોમાં કામ ન કર્યું પણ નૃત્યના જાણકારો હક્કથી કહે છે કે, હિંદી ફિલ્મી નૃત્યોમાં વૈજયંતિમાલા અને હેલન કરતા સંધ્યા એક દોરો ય ઉતરે એવી નથી. બેશક આજ સુધીની હિંદી ફિલ્મોનું સર્વોત્તમ હોળી ગીત ફિલ્મ'નવરંગ'નું આ હતું.

20/03/2016

ઍનકાઉન્ટર : 20-03-2016

૧.બિહારની ચૂંટણી માટે આપનો શું ખ્યાલ છે ?
- પ્રભુને પ્રાર્થના કરો, આપણું ગુજરાત બિહાર નથી.
(હાર્દિક સરપદડીયા, સાવરકુંડલા)

૨.વિખ્યાત સર્જકોને નવા વિચારો ટોઈલેટમાં આવે છે... આપ પણ ?
- હજી એવું માનો છે કે, હું વિચારી વિચારીને લખું છું ? બહુ ભોળા છો !
(કૌશલ શાહ, ગાંધીનગર)

૩.ફિલ્મોમાં મોટા ભાગે શાહરૃખ ખાનનું નામ 'રાહુલ' કેમ રાખવામાં આવે છે ?
- બન્નેનો ટેસ્ટ એકસરખો છે.
(રાહુલ એલ. સપારા, બોટાદ)

૪.તમને નથી લાગતું, 'એનકાઉન્ટર'ની સાઇઝ વધારીને દોઢી કરવી જોઈએ ?
- રસના ચટકાં હોય... કૂંડા નહિ !
(દીનલ પટેલ, સાધલી-વડોદરા)

૫.જીવનમાં હેરાન કરનારાઓ વધારે હોય તો શું કરવું ?
- એકાદાને ખુશ કરો.
(આશા મકવાણા, સુરત)

૬.જ્ઞાતિ, જાતિ અને ધર્મના વાડાંઓમાંથી દેશ ક્યારે મુક્ત થશે ?
- પાકિસ્તાનીઓ આપણને બધાને ઘેર આઈ-આઈને ફટકારશે ત્યારે !
(જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)

૭.રજા રવિવારે જ કેમ ?
- 'એનકાઉન્ટર' વાંચવા માટે.
(ધવલ ખાટસુરીયા, ભાવનગર)

૮.તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવાય તો શું કરો ?
- ચીન તો હું આવી ગયો...ત્યાંનો વડાપ્રધાન બનવાતૈયાર છું
(ભરત રબારી, વેન્ઝૂ સિટી, ચીન)

૯.તમે ચુંટણીમાં કેમ ઊભા નથી રહેતા ?
- હું તો સારો માણસ છું.
(નિમેશ રાડીયા, રાજકોટ)

૧૦.અમદાવાદના રીક્ષાવાળા ફાળીયાવાળાના ગીતો કેમ વગાડે છે ?
- ઈશ્વરનો પા'ડ માનો, વગાડે જ છે... ચાલુ રીક્ષાએ ગાતા નથી !
(નવીન ત્રિવેદી, અમદાવાદ)

૧૧.વહુ અને વરસાદને જશ કેમ નહિ ?
- કેમ જાણે ભરઉનાળા અને વરરાજાને બહુ જશો મળતા હોય... !
(કાંતિલાલ ખંડોર, મુંબઈ)

૧૨.ગિફ્ટ રેપરમાં વીંટીને જ કેમ અપાય છે ?
- મહીં કંઈ મૂકવાનું રહી ગયું હોય તો આપણું નામ ના આવે !
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

૧૩.ભ્રષ્ટાચારનું પ્રમાણ આટલું વધી જવા છતાં કેમ કોઈ હળવળતું નથી ?
- આ એકલા આપણા દેશનો મામલો નથી.
(મધુકર મેહતા, વિસનગર)

૧૪.બે વર્ષના વિકાસ માટે મોદીજી પોતાને જવાબદાર કહે છે... દસ વર્ષના શાસન પછી શું કહેશે ?
- વિકાસ પાંચ ગણો વધ્યો.
(અફરોઝ મીરાણી, મહુવા)

૧૫.લેડીઝ-ડ્રાયવિંગ વિશે તમે શું માનો છો ?
- ગાડી પાર્ક કરવા માટે મિનિમમ ૨૦૦-વખત રીવર્સ લે, તો પાસ કરી દેવી જોઈએ.
(મિહિર ગજેરા, સુરત)

૧૬.મને પ્રેમ કરતા આવડતું નથી. અશોકજી, શીખવા હું ક્યાં જાઉં ?
- મારા રસ્તે ચાલશો તો પરણી જવાના દહાડા આવશે !
(નીલ એમ. પટેલ, ધોરાજી)

૧૭.શું આપણા બંધારણમાં અનામતની વ્યવસ્થા પ્રથમ દસ વર્ષ માટે જ હતી ?
- ધીમે બોલો... હજી બીજા ૧૦૦-વર્ષ જ કાઢવાના છે.
(ડૉ. નીલેશ શાહ, વડોદરા)

૧૮.મોદીસાહેબ વારેઘડીયે વિદેશ કેમ ઉપડી જાય છે ?
- એમને એમ નથી જતા... દેશનું કંઈ કામ પણ કરતા આવે છે.
(દક્ષ દરજી, ઈડર)

૧૯.કેનેડીએ કહ્યું હતું, ''દેશ તમારા માટે શું કરે છે, તે ન પૂછો... તમે દેશ માટે શું કરી શકો છો, તે વાત કરો.'' આવું કોઈ ભારતીય નેતાએ કીધેલું યાદ નથી.
- કીધું છે... સાડી સત્તરવાર કીધું છે. ''દેશ તમારા માટે શું કરે છે, તે ન પૂછો... તમે દેશનું કેટલું 'કરી નાંખ્યું' છે, તે પૂછો... (સૌજન્યઃ વિજય માલ્યા).''
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

૨૦.આ બધા લેખકો એવોડર્સ વાપસ કરવા માંડયા છે... તમારે કેમનું છે ?
- નફ્ફટોના લિસ્ટમાં મને શું કામ મૂકો છો ?
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)

૨૧.નામ સંયમ હોય, એટલે બધે સંયમ રાખવાનો ?
- આ પવિત્ર કામ તમારા સસુરજીએ કરવાનું હોય.
(સંયમ વાઘાસીયા, લીલીયા-અમરેલી)

૨૨.છોકરી જોવા ગયો, ત્યારે એણે મને કહી દીધું હતું કે, હું તો આજીવન વિદ્યાર્થી છું. લગ્ન થઈ ગયા પછી રોજ મારી પરીક્ષા લીધે રાખે છે. શું કરું ?
- પરીક્ષામાં તો કાપલી રખાય ને ?
(ડૉ. કે.કે. દેસાઈ, સુરત)

૨૩.અમેરિકામાં તમે જોયેલા ગુજરાતીઓ વિશે ખાસ કોઈ ગર્વની વાત ?
- ભારતમાં રહેતા ગુજરાતીઓ કરતા અમેરિકાના ગુજરાતીઓમાં દેશદાઝ ઘણી સશક્ત છે.
(મિતુલ એસ. ખેની, સુરત)

૨૪.'હસે એનું ઘર વસે,' બાબતે આપનું શું માનવું છે ?
- એ આપણા પોતાના ઘરમાં હસવાનું કે બીજાના ઘેર જઈને... એની હજી સમજણ પડી નથી.
(રાજકુમાર ભૂત, સુરત)

૨૫.તમે બધા સવાલના જવાબ મજાકમાં આપી શકો છો... એવું તે શું ખાઓ છો ?
- વધારેલા સવાલો.
(મીરાં ગોહેલ, ભાવનગર)

18/03/2016

'પુનર્મિલન' ('૪૦)

- બૉમ્બે ટૉકીઝનું પુનર્મિલન

- ભલે આ ફિલ્મ વિશે તમે કાંઇ પણ સાંભળ્યું ન હોય, આ લેખ વાંચવાનું ચૂકશો નહિ !

રૅકોર્ડિંગ પતાવીને લતા સ્ટુડિયોની બહાર બૅન્ચ પર બેઠી હતી, ત્યાં મઘમઘાટ પરફ્યૂમ છાંટીને આવ્યા. ''અચ્છા ગા લેતી હૈ આપ...!'' લતાને ભ'ઇનો બાયોડેટા ખબર એટલે ઊભી થઇને જવા લાગી, તો પૂરા વિવેકથી રોકીને કહ્યું, ''આપને બખૂબી ગાયા.... મૈંને તારીફ કિ... ઇસ મેં કુછ બુરા તો નહિ કિયા... આપ બુરા ક્યું માન ગઇ ?... ખૈર, આપકી યે પૅન હમેં પસંદ આ ગઇ... આજ સે યે હમારી હો ગઇ...!'' 

**** 
ફિલ્મ : 'પુનર્મિલન' ('૪૦) 
નિર્માત્રી : દેવિકારાની (બૉમ્બે ટૉકીઝ)
દિગ્દર્શક : નઝમ નકવી
સંગીતકાર : રામચંદ્ર પાલ
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ ટાઇમ: ૧૪ રીલ્સ : ૧૪૪ મિનિટ્સ
થીયેટર : સેન્ટ્રલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : સ્નેહપ્રભા પ્રધાન, કિશોર સાહૂ, શાહ નવાઝ, અંજલી દેવી, મુમતાઝ અલી, પી.એફ. પીઠાવાલા, સુનલિની દેવી, એસ. બાબુરાવ, મુમતાઝ બેગમ અને મંગલે.


****
ગીતો 
૧.નાચો નાચો પ્યારે મન કે મોર, આજ મેરે જીવન મેં છાયા... અરૂણ કુમાર
૨.સુની સેજરીયા સૈંયા, તૂ એક બૈરી આજા, દિન નહિ ચૈન... રાજકુમારી
૩.હંસ લે જી ભર ભર કે હંસ લે, જાને કૌન કહાં ફિર... સ્નેહપ્રભા પ્રધાન
૪.કર લે કામ ભજ લે રામ, બોઝ ઉઠાકર ક્યા કોઇ તેરા... રામચંદ્ર પાલ
૫.ઓ જીનેવાલે, હંસતે હંસતે જીનામ આંસુ તેરે છલક ન જાયેં... અરૂણકુમાર
૬.મેરા ગીતભરા, સંગીતભરા, મનુવા નાચે, મેરી આંખોં મેં દુનિયા... સ્નેહપ્રભા
૭.નાચો નાચો પ્યારે મન કે મોર, આજ મેરે જીવન મેં છાયા... સ્નેહપ્રભા પ્રધાન
૮.આઓ બનાયેં ઘરવા પ્યારા, પ્યારાપ્યારા જગ સે ન્યારા... સ્નેહપ્રભા-કિશોર

ગીત નં. ૧, ૭ ના સ્વરકાર કવિ પ્રદીપ અને ગીત નં. ૬ ના સ્વરકાર સરસ્વતીદેવી : ૧ અને ૭ ગીતકાર પ્રદીપજી, ૨, ૪, ૬ ના ગીતકાર જમુનાસ્વરૂપ 'કશ્યપ', ગીત નં. ૩ આનંદ ૫ : પંડિત ઈન્દ્ર, ૮, ૯, ૧૦ ના ગીતકાર આનંદ.
*****
આ કોઇ ફિલ્મી બાતમી નથી. '૪૦ના દાયકા પછી મશહૂર નિર્માતા-દિગ્દર્શક-લેખક અને હીરો કિશોર સાહૂ (જેને તમે દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ'માં વહિદા રહેમાનના ઐયાશ પતિ તરીકે જોયો છે) એ મુંબઇની ભરચક અદાલતમાં નામદાર ન્યાયમૂર્તિને ચોખ્ખું ઈજન આપ્યું હતું, 'યૉર ઑનર... ઍન્ડ મૅમ્બરાન-એ-જ્યુરી... હું નપુંસક છું માટે મારી અભિનેત્રી પત્ની સ્નેહપ્રભા પ્રધાને માંગેલા છુટાછેડા કાયદેસર છે. મિ. લૉર્ડ, આ વાત ન્યાયથી બિલકુલ વિપરીત છે. હું સહેજ પણ નપુંસક નથી. નામદાર ઈચ્છે તો હું મારૂં શિષ્ન આપ સાહેબના ટૅબલ પર પછાડી શકું એમ છું.'

નામદારને 'એટલી' ઊંડી તપાસ કરવાની જરૂર ન પડી.

આ કિશોર સાહૂએ પછી તો બીજા લગ્ન કર્યા અને કૉર્ટમાં એની જુબાની સાચી હતી, તે પુરવાર પણ થયું. એમને બે-ત્રણ સંતાનો થયા, એમાંની પહેલી દીકરી નયના સાહૂને લઇને ફિલ્મ 'હરે કાંચ કી ચૂડીયાં' ('પંછી રે ઓ પંછી, ઊડ જા રે ઓ પંછી') બનાવી અને બીજો દીકરો વિમલ સાહુ, જેને તમે અમિતાભના પાંચમા નંબરના ભાઇ 'શુક્ર' તરીકે ફિલ્મ 'સત્તે પે સત્તા'માં જોયો છે. કિશોર પોતે છત્તીસગઢ રાજઘરાણાનું ફરજંદ હતા.

તો બીજી તરફ, બહેનજી ય ગાંજ્યા જાય એમ નહોતા. આમ તો સ્નેહપ્રભા પ્રધાન બહુમુખી પ્રતિભા-માત્ર ફિલ્મ ઍક્ટ્રેસ નહિ. ખૂબ ધનિક અને શિક્ષિત પરિવારમાંથી આવતી હોવા ઉપરાંત ઈંગ્લિશ ઉપર એનો પ્રભાવ ભલભલા અંગ્રેજ પાસે છકડી છંડાવતો. સુંદરતા આણામાં આવી હતી. ગર્વિષ્ઠ એવી કે, પોતાની ફિલ્મોના કલાકારો સાથે વાત ન કરે.

આ સંજોગોમાં જે.નખ્શબ નામનો ગીતકાર એને લપટાવી ગયો. પહેલી જ મુલાકાતમાં નખ્શબે એને પલંગમાં ખેંચી લીધી. આ નખ્શબ દાવા સાથે કહેતો કે, મારા બિસ્તર પર રોજ એક સુંદરી જોઇએ જ... અને એ ખોટું નહોતો બોલતો. મૂળ ફિલ્મ ઍક્ટ્રેસ નાદિરાને પરણેલો નખ્શબ ફિલ્મ 'મહલ'ના ગીતોના રૅકોર્ડિંગ વખતે લતા મંગેશકરને પોતાની જાળમાં ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યો હતો.

રૅકોર્ડિંગ પતાવીને લતા સ્ટુડિયોની બહાર બૅન્ચ પર બેઠી હતી, ત્યાં મઘમઘાટ પરફ્યૂમ છાંટીને આવ્યા. ''અચ્છા ગા લેતી હૈ આપ...!'' લતાને ભ'ઇનો બાયોડેટા ખબર એટલે ઊભી થઇને જવા લાગી, તો પૂરા વિવેકથી રોકીને કહ્યું, ''આપને બખૂબી ગાયા.... મૈંને તારીફ કિ... ઇસ મેં કુછ બુરા તો નહિ કિયા... આપ બુરા ક્યું માન ગઇ ?... ખૈર, આપકી યે પૅન હમેં પસંદ આ ગઇ... આજ સે યે હમારી હો ગઇ...!''

હજી ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવેલી લતાએ રડવાના અવાજે રીક્વૅસ્ટ કરી, ''નહિ નહિ... યે મુઝે કિસી ને ગિફ્ટ મેં દિ હુઇ હૈ... યે નહિ દે સકતી!'' પણ નખ્શબને ક્યાં પૅનમાં રસ હતો. એ તો લઇને ચાલવા માંડ્યો.

બીજા દિવસથી લતા રડી રડીને અધમૂઇ થઇ ગઇ કે, પેલા નાલાયકે આખી ફિલ્મનગરીમાં એવી વાત ઉડાડી કે, ''હું ને લતા પ્રેમમાં છીએ... જુઓ, બતૌર નિશાની એનું નામ લખેલી આ પૅન...!''

અશોક કુમારે એના જાણિતા અંદાઝથી નખ્શબને બરોબરનો આડેહાથ લીધો, ત્યારે વાત થાળે પડી.

આ નખ્શબ ખૂબ કિંમતી કપડાં પહેરવાનો (અને કાઢવાનો ય) શોખિન હતો. અનેક સ્ત્રીઓના પતિદેવોએ તેને ઊભીબજારે અનેક વખત પેટ ભરીને ફટકાર્યો પણ હતો. પણ એનામાં સ્ત્રીઓને ફસાવવાની અજીબ આવડત હતી. એણે લખેલા ગીતો કાફી મશહૂર થયેલા. મધુબાલા-અશોક કુમારની ફિલ્મ 'મહલ'ના ગીતોથી એ વધુ ઉચકાયો. 'જે' એટલે 'જારચવી' નખ્શબે ફિલ્મ 'નગ્મા' ખાસ નાદિરાને ફસાવવા માટે બનાવી હતી. નાદિરા માટે ફસાવવું કોઇ મુશ્કિલ વાત નહોતી. અશોક કુમાર હીરો અને સંગીત 'નાશાદ' (નૌશાદ નહિ) સાથે એક ગીત તો આજ સુધી મશહૂર છે, 'બડી મુશ્કિલ સે દિલ કી બેકરારી કો કરાર આયા...'

ફિલ્મ 'પુનર્મિલન' ૧૯૪૦માં બની હતી, એટલે એ જમાનાનું મુંબઇ અને રસ્તાઓ જોવાની લજ્જત આવે છે. ઈવન, કાર પણ આવી ગઇ હતી. ફિલ્મની વાર્તા આજે તો આપણને શું ઈમ્પ્રેસ કરે ! પોતાના પિતા (મુમતાઝ અલી)એ કરેલા ખૂનનો બદલો પોતાને માથે લઇલઇને હીરો કિશોર સાહૂ રખડતો-કૂટાતો કંગાળ બની જાય છે, ત્યાં શેરીઓમાં નૃત્ય-ગીત દ્વારા ભીખ માંગતી સ્નેહપ્રભાના સંપર્કમાં આવે છે. સ્નેહનો પિતા (પી.ઍફ. પીઠાવાલા) છે. ૧૯૩૫માં એ 'જવાની કી હવા'માં પ્રથમવાર આવ્યો પછી બૉમ્બે ટૉકીઝની બધી ફિલ્મોમાં એ હોય. અશોક કુમારની ફિલ્મ 'કિસ્મત'માં એ રાનીનો પિતા બને છે.

સંગીત રામચંદ્ર પાલનું છે અને ખાસ તો અશોક કુમારના ભાણેજ અરૂણ કુમારે ગાયેલું 'નાચો નાચો પ્યારે મન કે મોર' આજ પર્યંત મશહૂર છે. આ ગીત સ્નેહપ્રભાએ પણ સોલો ગાયું છે. ફિલ્મ આજથી ૭૬ વર્ષ પહેલા બની હોવા છતાં બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ પ્રિન્ટ ખૂબ સારી હોવાને કારણે જોવી ગમે છે.

16/03/2016

એકલા ચોલો રે...

છોકરૂં સ્કૂલ રમતોત્સવના લાંબી દોડ વિભાગમાં હાંફતું-હાંફતું ફર્સ્ટ આવ્યું હોય, એમ બાયપાસ સર્જરી કરાવીને સહિસલામત ઘેર પાછા આવ્યા પછી એને મેરેથોન દોડવાની બાકી છે, એવી નોટિસ સ્કૂલવાળા ઘેર આવીને આપી જાય, ત્યારે કેટલું ખૂન્નસ ચઢે એ તો, હોસ્પિટલ-બાણ વાગ્યા હોય, એ જાણે !

આ મેરેથોન એટલે ઘર આવી ગયા પછી ય હખણા નહિ રહેવાનું... ખૂબ ચાલ ચાલ કરવાનું અને એ ય ઊંઘમાં નહિ, રૂંમમાં ને રૂંમમાં ! અહીં કવિવર ટાગોર ગમે તેટલા ગમતા હોય, તો પણ 'એકલા ચોલો રે' અમલમાં મૂકી શકાતું નથી. વાઈફ હાથ પકડી પકડીને રૂંમમાં ને રૂંમમાં આપણને એવી રીતે ફેરવે રાખે, જાણે મદારી દોરડે બાંધેલા રીંછને ફેરવતો હોય ! પાછળ કોઈ ન આવતું હોય, છતાં પણ ગાડીની આદત પડી ગઈ હોવાથી વાઈફ મને લઈને જેટલા યુ-ટર્ન મારે, એટલી વાર હાથ બતાવીને સાઈડ આપે છે.

અડોસપડોસમાં કોક પૂછતું હતું કે, 'પેલા જાડા બેન (મારી વાઇફ) રોજ કોક મંદબુદ્ધિના બાળકને ચકરચકર ફેરવે કેમ રાખે છે ?' જવાબ પણ મળે, ''એ જાડી સ્વભાવની તો બહુ સારી છે... પણ બચ્ચારીને જો ને... ગોરધન જ આવો મળ્યો, એમાં આપણે શું કરી શકીએ ?'' તો ખેર, જગતના મોંઢે તાળા થોડા મારી શકાય છે ? હું જેવો લાગતો હોઉં, એવું ઈ તો કિયે હવે... !

શ્વાસ કોક દિવસ દગો દઈ ન જાય, એ માટે ડૉક્ટરોએ મને બ્રીધિંગ-એક્સરસાઇઝ કરવા એક રમકડું આપી રાખ્યું છે- અઘરા શબ્દમાં એને 'સ્પાઈરોમીટર' કહે છે, જેમાં ત્રણ નળામાં ત્રણ લખોટીઓ હોય, એ આપણે પૂરજોશ શ્વાસ પાછો ખેંચીને ઉપર લાવવાની. આવું દિવસ-રાતમાં પચાસ વખત કરવાનું. (સુઇ ગયા પછી નહિ!)

પહેલે દિવસે જ પ્રોબ્લેમ થયો. ઊંડો ઉચ્છશ્વાસ લઈને લખોટીઓ અંદર ખેંચી, તો બહાર પાછી બે જ આવી. આજુબાજુ આખું ઘર ગોતી માર્યું, ન મળી. એ તો પહેલી હેડકી રાક્ષસી કદની આવી ત્યારે ખબર પડી કે, એક ગોટી હું ગળી ગયો હતો. ફૂલેલા ગળામાં લખોટીનો એક આકાર દેખાતો હતો, એટલે આજુબાજુ આંગળી દબાવીને મોં તરફ ધકેલવાનો પ્રયત્ન મારો આખો પરિવાર કરવા માંડયો. પણ 'બાય વન, ગેટ વન ફ્રી'ના ધોરણે એ જ દરમ્યાન એક મોટો હેડકો આવી જાય ને લખોટી હોય એનાથી ય અડધો ઈંચ નીચે ઉતરી જાય. પ્રોબ્લેમ એટલો થતો કે, રાત્રે સૂતી વખતે હું પડખું ફેરવું, એની કોર આ લખોટી ય ગરરર... કરતી રગડે. એ તો ભલું થજો, જુલાબના શોધકનું કે, વહેલી પરોઢે એક સુખદ ધડાકો થયો, એમાં બધું હેમખેમ પાર ઉતરી ગયું.

હોસ્પિટલના એ ગોઝારા દિવસો હજી ભૂલાતા નથી. ડૉક્ટરો, નર્સો, ફિઝીયો-થેરાપિસ્ટ, સપોર્ટ-સ્ટાફ... એ બધું મળીને આખા દિવસમાં ૫૦-૬૦ વિઝિટો મારે, પણ દરેકનો એક જ સવાલ, ''તમે કાંઈ ખાતા કેમ નથી ?'' થોડા દિવસો તો સજ્જન-દર્દીને છાજે એવા જવાબ આપ્યા, કે ''એક બાજુ તમે એન્ટી-બાયોટિક ઈન્જેકશનો ઠોકે રાખો, એમાં જીભ કડવી ઝેર જેવી થઈ જાય (ઈવન, ઝેર પણ મસ્તીથી ન પી શકાય !) માટે ખવાતું-પીવાતું નથી, તો લિક્વિડ-ડાયેટ આપો ને... !'' પણ દરેક મૂંઝવણનો ઉકેલ એક જ, ''તમે કાંઈ ખાતા કેમ નથી ?'' એક-બે વાર તો મેં પ્રામાણિક જવાબ આપ્યો કે, 'હું ગાન્ડો થઈ ગયો છું, માટે ખાતો નથી... પણ ખાવા દઉં છું ખરો... મારા બદલે તમે ખાઈ લો.'

બસ. હવે બાયપાસ પ્રકરણો પૂરા થયા. તમે તો ઠીક... મારે મૂડમાં આવવા માટે બેન્કની પેલી બ્રાન્ચમાં પાછા જઈશું... જ્યાં કદાચ... તિતિક્ષા પાછી આવી ગઈ છે !

સિક્સર
સાચા સહિષ્ણુ તો કોંગ્રેસીજનો છે, જે આટલા વર્ષોથી રાહુલ ગાંધીને બર્દાશ્ત કરી રહ્યા છે. 
- અનુપમ ખેર

13/03/2016

ઍનકાઉન્ટર : 13-03-2016

૧. તમને કદી અસહિષ્ણુતાનો અનુભવ થયો છે ખરો ?
- પોતાને ભારતીય માનનારાઓને કદી આવો અનુભવ ન થાય.
(જયેશ જરીવાલા, સુરત)

૨. સરદાર પટેલ, ઈંદિરા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે તમારી દ્રષ્ટિએ શું ફરક ?
- એમાંથી એક માત્ર સરદારને જ્ઞાતિને આધારે પોતાની તરફ ખેંચી લવાય એમ છે.
(માધવ ધ્રુવ, જામનગર)

૩. તમે ખુશીના મૂડમાં આવવા શું કરો છો ?
- 'તારક મેહતા કા ઊલટા ચશ્મા' જોઉં છું.
(બીના શાહ, રાજકોટ)

૪. તમે બિહારમાં રહેતા હોત, તો કોને વોટ આપત ?
- શું કામ પણ ? હું ભારતના સૌથી સોહામણા અને સમૃદ્ધ રાજ્યમાં તો રહું છું. મારે બીજાનું શું કામ ?
(મુશ્તકીમ કારી, સેગવા-ભરૂચ)

૫. શું મોદીસાહેબ કશું ઉખાડશે ખરા ?
- પહેલા એમને ડૉ. મનમોહનની બરોબરીએ આવવા તો દો.
(દેવાંગ સોની, અમદાવાદ)

૬. પાકિસ્તાનને પાઠ ભણાવવા દોસ્તી સિવાય બીજો કોઈ માર્ગ ખરો ?
- કોણે કીધું, પાકિસ્તાનને પાઠ ભણાવવાનો છે ? આ બધું ભાષણોમાં ચાલી જાય...
(પ્રજ્ઞેશ આર. પંડયા, દેભારી-વીરપુર)

૭. આજ સુધી સૌથી અઘરો સવાલ તમને કયો પૂછાયો છે ?
- 'આ કોલમ બંધ ક્યારે કરો છો ?'
(ઐઝાઝ મેમણ, આણંદ)

૮. શું સોશિયલ એપ્સ સમયનો કેવળ બગાડ જ છે ?
- બગાડમાંથી મળેલો સમય છે.
(મુર્તુઝા એ. જામ, વેરાવળ)

૯. આપ રવિવારે એટલે કે રજાના દિવસે જ સવાલોના જવાબો કેમ આપો છો ?
- બાકીના દિવસોએ તો કામબામ હોય કે નહિ ?
(રાકેશ રાઠોડ, માળીયા-હાટીના)

૧૦. હિંદુઓના મતોથી ચૂંટાયેલી સરકાર માનસરોવર યાત્રા માટે સબસિડી ક્યારે જાહેર કરશે ?
- બસ... બીજી ચૂંટણીઓ આવવા દો... હિંદુઓ ગણીગણીને આ સરકારને સબસિડીઓ આપીને ઘેર બેસાડશે.
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

૧૧. 'મેઈક ઈન ઈન્ડિયા'... પછી 'ડિજિટલ ઈન્ડિયા'... પણ 'મોદી ઈન ઈન્ડિયા' ક્યારે ?
- નેકસ્ટ ઈલેકશન્સ સુધી.
(કૌશલ ઈટાલિયા, ભાવનગર)

૧૨. પ્રસિદ્ધ લેખકો મોદી સાહેબના વિરુદ્ધમાં પોતપોતાના એવોર્ડસ પાછા આપી રહ્યા છે... તમે ક્યારે ?
- મને એકે ય એવોર્ડ કોઈની બદૌલત મળ્યો નથી... જાતમેહનતથી મળ્યો છે.
(સિદ્ધાર્થ છાયા, અમદાવાદ) અને (દીપક એસ. માછી, વડોદરા)

૧૩. હસતી વખતે તમારા ગાલે 'ડિમ્પલ' હોય છે કે સાદી કરચલીઓ ?
- સાદી ડિમ્પલો... !
(અકબર બલોચ, આરંભડા)

૧૪. તમને પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવે તો સ્વીકારો ખરા ?
- ગાલી મત દો... !
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

૧૫. ઈન્ડિયાના માણસો ધર્મમાં પ્રેમથી ડૂબેલા છે કે ડરથી ?
- પ્રેમ હોય કે ડર... એક વાત નક્કી છે કે, ધર્મોને કારણે દેશ હાથમાંથી જવાનો છે !
(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

૧૬. મારી પ્રેમિકા મળવા આવે ત્યારે મારા માટે ખારી સિંગ લેતી આવે છે. મારે શું લેતા જવું ?
- હિંગવટી.
(મોહિત ગૂજરીયા, અમરેલી)

૧૭. અશોકચક્ર અને અશોક દવે વચ્ચે ફરક ?
- આવા મહાન પ્રતિક સાથે કોઈ એરાગૈરાની સરખામણી ન થાય !
(ભરત થાનાણી, સામખીયાળી)

૧૮. પાકિસ્તાનનું સર્જન કરનારને ભારતના રાષ્ટ્રપિતાનું બિરુદ કેવી રીતે આપી શકાય?
- હું અને તમે ગાંધીજી વિષે અભિપ્રાય આપવા બહુ નાના પડીએ... !
(દુષ્યંત ર. અત્રી, દ્વારકા)

૧૯. 'ઓવર કોન્ફિડેન્સ' ઘટાડવા શું કરવું ?
- 'ઓવર' કાઢી નાંખવું.
(ધાર્મિક બાપોદરા)

૨૦. માન્યું કે, યુદ્ધ વિનાશ નોંતરે છે, પણ એક ઝાટકે પાકિસ્તાનને ઉડાવી દેવાથી રોજેરોજનો વિનાશ અટકે કે નહિ ?
- અત્યારે તો ભાજપની મેહરબાનીથી પાકિસ્તાનવાળા રોજેરોજ આપણા સૈનિકોને ઉડાડતા જાય છે.
(કલ્પેશ વાડોલિયા, રાજકોટ)

૨૧. લગ્નને આટલી મજાકનું સાધન કેમ બનાવી દેવાયું છે ?
- છૂટાછેડા બધાના નસીબમાં નથી હોતા માટે.
(પિયુષ ભટાસણા, લખધીરગઢ)

૨૨. તમને તમારા ઘરવાળા સવાલો પૂછે, ત્યારે આવા જ જવાબો આપો છો ?
- ઘણીવાર તો નથી ય આપતો !
(હાર્દિક ભટ્ટ, ભાવનગર)

૨૩. ફર્સ્ટ ટાઇમ એનકાઉન્ટરનો આઈડીયા ક્યાંથી આવ્યો ?
- જ્યારે ફર્સ્ટ ટાઇમ મગજ બરોબર નહોતું ચાલતું, ત્યારે !
(શિવાંગ ત્રિવેદી, ડાકોર)

11/03/2016

'ઉજાલા' ('૫૯)

આ પ્રસંગે માલા સિન્હાની દીકરી પ્રતિભા સિન્હાએ 'ઓન-રેકોર્ડ' ઇન્ટરવ્યૂમાં કીધો હતો, એના પ્રતિભાવમાં શમ્મી કપૂરે  ( આ પ્રસંગને છંછેડયાવિના) માલા સિન્હાના વખાણ કરેલા ઇન્ટરવ્યૂમાં કહ્યો છે. 'અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઇ ખેત !'



ફિલ્મ : 'ઉજાલા' ('૫૯)
નિર્માતા    :એફ.સી. મેહરા
દિગ્દર્શક    :નરેશ સાયગલ
સંગીત    :શંકર-જયકિશન
ગીતો    :શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ    :૧૬ રિલ્સ, ૧૦૯ મિનિટ્સ
કલાકારો    :  શમ્મી કપૂર, રાજકુમાર, માલા સિન્હા, કુમકુમ, ધૂમલ, લીલા ચીટણીસ,  ટુનટુન, રાજન કપૂર, રત્ના, રમેશ સિન્હા , શિવરાજ, રાજેન્દ્રસિંહ, (એક દ્રષ્ય માટે, નાનો અસરાની).

ગીતો
 ૧.સૂરજ જરા, આ પાસ આ, આજ સપનોં કી...     મન્ના ડે
૨.તેરા જલવા જીસને દેખા વો તેરા હો ગયા...     લતા મંગેશકર
૩.યારોં સૂરત હમારી પે મત જાઓ...     મૂકેશ- મુહમ્મદ રફી
૪.ઝૂમતા મૌસમ મસ્ત મહિના, ચાંદ સી ગોરી..     લતા-મન્ના ડે
૫.અબ કહાં જાયેં હમ, યે બતા અય ઝમીં, અબ...     મન્ના ડે
૬.છમ છમ, લો સુનો છમ છમ, ઠૂમક ઠૂમક રાત...    લતા-રફી
૭.ઓ મોરા નાદાન બાલમા ન માને જી કી બાત...    લતા
૮.દુનિયાવાલો સે દૂર જલનેવાલોં સે દૂર... લતા- મૂકેશ

માની ન શકાય, એટલી હદે ઉત્તમ સંગીતમાં બનેલી અઢળક ફિલ્મોની આ સાલ હતી, ૧૯૫૯. હજી તો હું અડધી જ લખવાનો છું, છતાં એક એક હિટ ગીતોથી બનેલી એ ફિલ્મોની યાદી તો જુઓ : અનાડી, અર્ધાંગિની, ઇન્સાન જાગ ઉઠા (ચાંદ સા મુખડા ક્યૂં શરમાયા), ઉજાલા, કન્હૈયા, કવિ કાલીદાસ, કાગઝ કે ફૂલ, કાલી ટોપી લાલ રૂમાલ, કૈદી નં.૯૧૧, કંગન (મુસ્કુરાઓ કે જી નહિ લગતા), ખૂબસુરત ધોખા (યે જવાની યે હંસિ રાત ખુદા ખૈર કરે), ગૅસ્ટ હાઉસ (દિલ કો લાખ સંભાલા જી, ફિર ભી દિલ મતવાલા જી), ગૂંજ ઉઠી શેહનાઇ, ઘર ઘર કી બાત (યે સમા યે ખુશી કુછ બોલો જી બોલો જી), ચાચા ઝીંદાબાદ (પ્રીતમ દરસ દિખાઓ), ચાર દિલ ચાર રાહેં, ૪૦- દિન (મૈં દીવાના મસ્તાના, મુશ્કિલ ભેદ મેરા પા જાના), ચિરાગ કહાં રોશની કહાં, છોટી બહેન, જાલસાઝ (પ્યાર કા જહાં હો, છોટા સા મકાં હો), દિલ દે કે દેખો, દીદી (તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમકો), દુનિયા ના માને (હમ ચલ રહે થે, વો ચલ રહે થે), દો ઉસ્તાદ, દો ગુંડે (ભીગી પલકેં ઉઠા, મેરી જાં ગમ ન કર), દો બહેંને (સૈંયા પ્યારા હૈ અપના મિલન- લતા), ધૂલ કા ફૂલ, નઇ રાહેં (યે ઝૂમતે નઝારેં, તુમ પાસ હો હમારે), નવરંગ, પ્યાર કી રાહેં (દો રોજ મેં વો પ્યાર કા આલમ ગૂઝર ગયા), પૈગામ, બ્લૅક કૅટ (મૈં તુમ્હીં સે પૂછતી હૂં, મુઝે તુમ સે પ્યાર ક્યું હૈ) બરખા (એક રાત મેં દો દો ચાંદ ખીલે), બાપ-બેટે (દિલ ઉનકો ઉઠા કે દે દિયા, કુછ શરમા કે), બેદર્દ ઝમાના ક્યા જાને, બૅન્ક મેનેજર (સબાં સે યે કહે દો, કે કલીયાં બિછાયે) મધુ, મિનિસ્ટર (ઉન આંખો મેં નીંદ કહાં જીન આંખો સે પ્રિતમ દૂર બસે), મોહર (તુમ હો સાથ રાત ભી હંસિન હૈ), મૈં નશે મેં હૂ, મૈને જીના સીખ લિયા (તેરે પ્યાર કો ઇસ તરહ સે ભૂલાના, ન દિલ ચાહતા હૈ), રાની રૂપમતિ (રાત સુહાની, ઝૂમે જવાની, દિલ હૈ દીવાના હાય તેરે લિયે), લવ મેરેજ (ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં), શરારત (હમ મતવાલે નૌજવાન, મંઝિલો કે), સ્કૂલ માસ્ટર, સટ્ટા બાઝાર (તુમ્હે યાદ હોગા, કભી હમ મિલે થે), સન્તાન (દિલ ને ઉસે માન લિયા, જીસકા અંદાઝ નયા), સાવન (નૈન દ્વાર સે મન મેં વો આ કે, તન મેં આગ લગાયે), સુજાતા, હમ ભી ઇન્સાન હૈ (ફૂલવા બંદ મહેકે, દેખો ચહેકે ડાલીડાલી)... અને એ ઉપરાંત બીજા સેંકડો મધુર રંગોભર્યા ગીતો... આ આખી સાલ જ રૂમઝૂમ કરતી આવી હતી એક એકને બીજા નંબરે ધકેલે એવા મધૂરાં ગીતો લઇને ! ૧૯૫૯ એટલે આજે ગણવા બેસીએ તો આજે ૫૫ વર્ષો પછી ય આમાંના મોટા ભાગના ગીતો મને એકલાને નહિ... તમને બધાને પણ કંઠસ્થ છે. તમે એક નજર હજી મારી જુઓ, એકોએક સંગીતકાર કેવા ઉપડયા હતા ને સવિશેષ શંકર-જયકિશન.

એ બન્ને આ વર્ષે નહિ તો આ ફિલ્મમાં કોઇ જુદા રંગો લઇને ગીતોની હોળી રમવા આવ્યા હતા. શમ્મી કપૂર પાસે કદાચ પહેલી વાર મૂકેશ અને મન્ના ડેનું પ્લેબેક અપાવ્યું.. રફી નામ પૂરતા ! ઓપી નૈયરે મૂકેશ- આશા સાથે શમ્મી-ગીતાબાલીની ફિલ્મ 'મીસ કોકાકોલા'માં 'ઝૂકા ઝૂકા કે નિગાહેં મિલાયે જાતે હૈં...' ગવડાવ્યું હતું.) અને એ તો એમાં ય 'જાની' રાજકુમાર બરોબરના ખીજાણા હતા કે, ફિલ્મના તમામ ગીતો શમ્મી કપૂરને અપાયા છે, એટલે ન છુટકે, 'યારોં સૂરત, હમારી પે મત જાના...' ગીત મૂકેશ-રફી પાસે ઉમેરાવવું પડયું.  મન્ના ડે ને મેં પર્સનલી પૂછ્યું હતું, એમની દ્રષ્ટિનો સર્વોત્તમ સંગીતકાર, તો પલક ઝપકતા જ જવાબ આપી દીધો, ''સવાલ હી નહિ ઉઠતા...શંકર-જયકિશન કે સિવા કિસી કા ભી નામ લિયા નહિ જા સકતા.'' વાર્તાનો માહૌલ સડકછાપ હોવાથી સંગીત (અને નૃત્યો) પણ એ જ જૉનરના. લતા મંગેશકર તો જયકિશન ઉપરે મીઠડી થઇને ખીજાતી કે, તું મારા બધા ગીતો હાઇ-પિચ ઉપર જ કેમ બનાવે છે ? જવાબમાં જય મુસ્કુરાઇને લતાના ગાલ ઉપર નાનકડો ચીટીયો ભરી લેતો.

પણ દરેક ગીતની ઇન્ટરલ્યૂડ ધૂનો નોખી બનાવવામાં બર્મન દાદાની કક્ષાએ પહોંચેલા આ બન્ને સંગીતકારો પાસે રિધમ- સેંક્શનમાં દત્તારામ વાડકર હતો, જેની પર્કશન્સના તમામ વાજીંત્રો પાસેથી કામ લેવાની ખૂબી હતી. 'સુરજ જરા, આ પાસ આ, આજ સપનોં કી રોટી ખીલાયેંગે હમ' એ મન્ના દા ના ગીતના અંતરાઓ પાછળ વાગતું રહેતું નાનકડું ઢોલકડું હવે ફરી ધ્યાનથી સાંભળજો. બહુ ઓછા ગીતોમાં આવા નોખા ઠેકા વાગ્યા છે. શંકર- જયકિશન માટે આ ફિલ્મમાં દત્તારામે ગજબના ખેલ રમ્યા છે.

'તેરા જલવા જીસને દેખા, વો તેરા હો ગયા' અને 'હો મોરા નાદાન બાલમા, ન જાને જી કી બાત'માં કુમકુમના ફૂટપાથીયા ડાન્સની સાથે દત્તાની ઢોલકીએ આપણને ડોલતા કરી દીધા છે. ડોલી તો ગયા હતા, શમ્મી જોઇને આ ફિલ્મના નિર્માતા એફ.સી. એટલે કે ફકીરચંદ મેહરાએ પોતાની પ્રસિદ્ધ ફિલ્મનિર્માણ સંસ્થા 'ઇગલ ફિલ્મ્સ'માંથી બનાવેલી અનેકમાંથી મોટા ભાગે ખાસ શમ્મી કપૂર માટે બનાવી હતી. એમાં શરૂઆતની તો બધી જ સિપહ સાલાર, કૈદી, મુજરીમ, ઉજાલા, સિંગાપુર, પ્રોફેસર, પ્રિન્સ અને છેલ્લે છેલ્લે હવે ઘરડા થયેલા શમ્મી માટે ય ફિલ્મ 'મનોરંજન'

વાર્તાનો પ્લોટ આવો હતો :
રામુ (શમ્મી) મુંબઇના પરેલ વિસ્તારની ઝોંપડપટ્ટીમાં રહી ઠેલો ચલાવવાનું કામ કરે છે. ઘરમાં બુઢ્ઢીમાં (બારમાસી રોતડ લીલાબાઇ ચીટણીસ), બહેન સંધ્યા (રત્ના ભૂષણ.. ભારણ ભૂષણની પત્ની) અને બે-ત્રણ નાના ભાંડુડાઓ. માલા સિન્હા એની પાછળ પડેલી પ્રેમિકા છે.

રામુ પાસે ખાવાના સાંસા પડે છે છતાં ઇમાનદારી છોડતો નથી, એમાં અકસ્માતમાં મૃત્યુ પામેલી નાની બહેનને સ્મશાનમાં અગ્નિદાહ દેવા જરૂરી લાકડાના પૈસા પણ ન મળવાથી એ ચેમ્બુરના કાલુદાદા (રાજકુમાર)ની જેબકતરી ગેન્ગમાં જોડાય છે. કાલુના હાથે એના જ ગુંડાનું ખૂન થઇ જતા આરોપ ઘટનાસ્થળે ઉપસ્થિત રામુ ઉપર આવે છે. (એ વાત જુદી છે કે, ફિલ્મની વાર્તામાં, 'તો પછી, શમ્મી છુટો કેમ  ફરે છે ?' એવા સવાલો ન પૂછાય ! પોતાની ઇમાનદારી સાબિત કરવા મથતા શમ્મીને હરકદમ પર કાલુ નડે છે. છેલ્લે રાબેતા મુજબની ફાઇટિંગમાં સત્યનો એટલે કે શમ્મીનો વિજય થાય છે.

શમ્મી કેવો સોહામણો લાગે છે, એ તો હરકોઇને ખબર છે, પણ માલા સિન્હા વધુ પડતી વાયડી લાગે છે, એની ય બધાને ખબર છે. એ કદાચ એટલે જ એટલી ન ટકી કે, અભિનયમાં લાઉડ વધુ બનતી. સાદી ભાષામાં 'લાઉડ'નો અર્થ સમજીએ તો 'ઑવર-ઍક્ટિંગ' સાઇડ- હીરોઇન કુમકુમને પેલા ફક્ત બે ગીતો ગાવા માટે જ લીધી છે. કમરના લટકા અને આંખોના મટકાને કારણે પિટ-ક્લાસની એ માનિતી હીરોઇન હતી. રાજકુમાર હજી 'જાની' નહોતો બન્યો. એટલે કે એક સામાન્ય વિલનથી કાંઇ વધુ કરી બતાવવાનો મોકો મળ્યો નથી. અભિનયના જોહર બતાવવાનો મોકો એને તો નહિ, પણ શમ્મીને પૂરેપૂરો મળ્યો છે અને બેમિસાલ ઍક્ટર હતો એ. ગમે તેમ તો ય, એ કપૂર ખાનદાનનું ફરજંદ, એટલે પાપા પૃથ્વીરાજનો સીધો વારસો તો આવે જ. વાતવાતમાં રડી પડવાનો વારસો લીલાબાઇ ચીટણીસ મૂકતી ગઇ છે.

એ મુજબ અહીં આપણને વધુ ઢીલા કરી નાંખવા રોતડો શિવરાજ પણ છે. ચપ્પા-છુરી બનાવવાના કારખાનામાં શમ્મી નોકરી કરે છે, એનો માલિક રમેશ સિન્હા છે, જેને તમે રાજ કપૂરની 'આહ' કે 'શ્રી૪૨૦'માં જોયો છે. ધૂમલના ભાગે કોઇ કોમેડી કરવાની આવી નથી, એટલે ગમે તેમ ચાળા કરતો રહે છે. પણ સંગીતના મનમોહક ચાળા જોવા નહિ, સાંભળવા હોય તો ભલે, આ થર્ડ-ક્લાસ ફિલ્મ જોવાની તમને ભલામણ નથી કરતો, પણ જયકિશને બનાવેલું આ ફિલ્મનું ટાઇટલ- સંગીત મન મૂકાવીને ડોલાવી દે એવું છે, એ સાંભળવા માટે ય યૂ-ટયૂબ કે ડીવીડીનો ખર્ચો મોંઘો નહિ લાગે. આમે ય, શંકર- જયકિશનની કોઇ પણ ફિલ્મનું ટાઇટલ્સ મ્યુઝિક રોમાંચક અને દિલ લહેરાવી દેનારૂં જ હોય.

બન્ને વચ્ચેની સમજણ મુજબ, એ લોકોની તમામ ફિલ્મોના ટાઇટલ અને બૅકગ્રાઉન્ડ-મ્યુઝિક જયકિશન જ બનાવતો. અહીં તો રમઝટ બોલી ગઇ છે. લતા- મન્નાનું 'યા અલ્લા યા અલ્લા દિલ લે ગઇ..' તો તમે સાંભળ્યું જ છે. એ ગીતની ધૂનને ટાઇટલ્સમાં મૂકી જયકિશને ટ્રમ્પેટ અને સૅક્સોફોનથી 'ઝૂમતા મૌસમ મસ્ત મહિના...' વગાડીને સાચે જ ઝૂમાવી દીધા છે. અલબત્ત, બન્ને વચ્ચે ખટરાગનું આ પણ એક કારણ હતું કે, શંકરની એ ફરિયાદ કાયમની કે જય દરેક ટાઇલ્સમાં પોતાના જ ગીતની ધૂન વગાડે છે. આપણા માટે એટલું સારૂં થયું કે, બન્નેનો ખટરાગ- એ બન્ને પૂરબહારમાં હતા, ત્યાં સુધી- આપણા સુધી પહોંચ્યો નહિ અથવા તો એ બન્નેના કામમાં એમનો ખટરાગ વચ્ચે આવ્યો નહિ, માટે એક એકથી અદ્ભૂત ગીતો આ જોડીએ આપ્યા.

યસ. મન્ના દા એ કમાલો ઉપર કમાલો જ કરી છે- ખાસ કરીને, 'અબ કહાં જાયેં હમ' કોરસમાં. (આ ગીતમાં કૉમેડિયન અસરાની (કિશોરાવસ્થાનો) પહેલી હરોળમાં હાથ જોડીને ઊભેલો દેખાય છે. વેદના એ કંઠથી ઊભી કરતા, તો મસ્તી પણ અપનેઆપ એમના અવાજમાં આવી હતી.

મૂકેશને જરૂર પૂરતો જ લેવાયો હોવા છતાં, જગત આખું જાણે છે તેમ, આખી ફિલ્મમાં મૂકેશનું એક જ ગીત હોય, તો પણ સૌથી વધુ એ જ ઉપડયું હોય. 'દુનિયાવાલો સે દૂર, જલનેવાલો સે દૂર...'માં લતા સાથેનું ગીત આજે પણ સ્ટેજ- પ્રોગ્રામોમાં ગવાતું રહે છે. ફિલ્મ 'ઉજાલા' એક વારે ય જોવા માટે ટાઇમ બગાડાય એવું નથી.

શમ્મી કપૂરે ટીની-ઇન્ટરવ્યૂમાં માલાસિન્હાના સ્પેશિયલ વખાણ કર્યા છે. આટલી બધી હીરોઇનો છતાં માલા જ કેમ ?

જવાબ ગમ્મત કરાવે એવો છે :
પોતાના સુવર્ણકાળ દરમ્યાન શમ્મી એની દિલફેંક પર્સનાલિટી ચારે બાજુ વાપરતો. (કોઇ હીરોઇન સખણા રહ્યા હોય, એવું બહુ માનવું નહિ !) એમાં ફિલ્મ 'દિલ તેરા દીવાના'ના શૂટિંગ વખતે શમ્મીએ માલાને 'પ્રપોઝ' કરી દીધું. એ દિવસે, માલુ કાંઇ બોલી નહિ, પણ બીજા દિવસે શૂટિંગમાં બધાની વચ્ચે એણે શમ્મીને રાખડી બાંધી, બાજી ફિટાઉન્સ કરી નાંખી.

આ પ્રસંગે માલા સિન્હાની દીકરી પ્રતિભા સિન્હાએ 'ઓન-રેકોર્ડ' ઇન્ટરવ્યૂમાં કીધો હતો, એના પ્રતિભાવમાં શમ્મી કપૂરે ( આ પ્રસંગને છંછેડયાવિના) માલા સિન્હાના વખાણ કરેલા ઇન્ટરવ્યૂમાં કહ્યો છે. 'અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઇ ખેત !'