Search This Blog

(અશોક દવેનો) એક સાચ્ચો ઈન્ટર્વ્યૂ

નામ : અશોક દવે
ઉંમર :  અબ તક છપ્પન.
જન્મ તારીખ :  ૨૯મી ફેબ્રુઆરી, ૧૯૫૨.
જન્મસ્થળ : પ્રસૂતિગૃહ.
જન્મવાનું કારણ : માં-બાપના લગ્ન.
વજન :  જેને ઉચકવાનું હશે, તેને કહીશું.
કેવા કપડાં ગમે? : તમે સ્પષ્ટ કર્યું નથી કે, પહેરવા કે ધોવા?
પહેરવા માટે : હું મારા ધોયેલા કપડાં જ પહેરું છું.
હા, પણ કેવા કપડાં?  : ઉતરી ન જાય એવા...!
ઉફફ... ફૅશનમાં કેવા કપડાં?  : પોલો શર્ટ (જેને ગુજરાતીઓ જર્સી-જર્સી લઇ મંડ્યા છે.. હાફ-સ્લીવ્સની કૉલરવાળી જેને તમે ટૅનીસ-જર્સી કહો છો, તેને પોલો શર્ટ કહેવાય એ અને વ્હાઈટ પૅન્ટ.
નાસ્તામાં શું ફાવે? : કોઇના ઘેર કરવાનો હોય તો બઘું જ... મારા ઘેર હોય તો કાંઇ નહિ!
જમવામાં?  :  આપ લૉજ ખોલવા માંગો છો?

જી. હું તો...  :  ઓકે. જમવામાં ફાવવા / ન ફાવવા જેવું કાંઇ હોતું નથી. બારે માસ બે ટાઇમ ભૂખ લાગતી હોય, એને ચૉઇસ જેવું કાંઇ હોતું નથી. ભૂખ લાગી હોય ત્યારે બઘું ભાવે.
હિલ સ્ટેશન કયું ગમે?  :  જ્યાં હિલ અને સ્ટેશન બન્ને હોય તે.
સ્પૉટ્‌ર્સનો શોખ  :  મને તીનપત્તી (flush) સિવાય જગતની એકે ય ગૅઇમમાં રસ નથી.
સાંસ્કૃતિક કાર્યક્રમો ગમે?  :  એટલે?
એટલે, છાંટો-પાણી... ડ્રીન્ક્સ, યૂ નો...!  :  શટ અપ. આવો બેહૂદો સવાલ પૂછવાની તમે હિંમત કેમ કરી? દારૂને હું કદી હાથ પણ અડાડતો નથી... ગ્લાસમાં હાથ બોળ્યા વગર ફક્ત હોઠ જ અડાડવાના.
કઇ રૅસ્ટરામાં જવું ગમે?  :  એવું કાંઇ ચોક્કસ નહિ. મારા ટૅબલની સામે ઍન્ગલ કેવો ગોઠવાયો છે, એની ઉપર બધો આધાર છે.
જી. હું સમજ્યો નહિ  :  અરે સીધી વાત છે ને? ઘેલસફ્‌ફા જેવા એના ગોરધનનું મોંઢું આપણી તરફ હોય ને કાન્તાગૌરીનો કાળો બૅકલૅસ બરડો આપણી તરફ તંકાયો હોય, એવી હોટેલોમાં શું ઘૂળ જાય?
યૂ મીન, કાન્તા સુંદર હોય ને મોંઢું તમારી તરફ હોય, એવી હોટલો ગમે? ગમે ? : પણ એ વખતે હકીનો ઍન્ગલ કાન્તા તરફ ગોઠવાયેલો ન હોવો જોઇએ.

હોટેલમાં નૉર્મલી તમે શું માંગો? : માંગો નહિ, ‘મંગાવોબોલાય, ઈડિયટ...! હોટેલોમાં હું ને હકી વાડકા લઇને નથી જતા.
સૉરી. પણ શું મગાવો?  : એ તો બિલ ચૂકવનાર નક્કી કરે ને? જગતભરની તમામ રૅસ્ટરાંમાં, જે એમ કહેતો હોય કે, ‘‘આપણને તો જે મંગાવો, તે ચાલશે’’, એમાં સમજી લેવું કે બિલ એ આલવાનો નથી.
વાંચવા-બાંચવાનો શોખ ખરો?  :  હા. પ ન ડ ર ત ગ જ ય હ મ ક લ સ. ઉપરના મોટા અક્ષરો વાંચવા ગમે. છેલ્લા સાવ ઝીણા ન વંચાય.
અરે ભ, હું સાહિત્યિક વાંચનનું પૂછું છું.  : સાહિત્ય પણ ઉપર જણાવેલા ત પ ડ ગ જ ય હ મ ક લ સ થી જ બને છે.
ઉફ... આપે શૅક્સપિયર, કાફકા, મિલ્ટન કે બર્નાર્ડ શો જેવા સાહિત્યકારોને વાંચ્યા છે?  :  એ બધાના નામો મારી કૉલમોમાં વારંવાર લખ્યા વિના ય વાચકો મને લેખક ગણે છે.
આપ આપના લેખોમાં તમારા પત્નીને અવારનવાર લાવો છો. :  ઘેર પૂછી જોજો. હા પાડે તો હવેથી તમારા પત્નીને લાવીશું.
કોઇ સુંદર સ્ત્રી તમારી સામે જોતી હોય ત્યારે કેવું ફીલ કરો છો?  :  ‘‘સાલીનો રહી રહીને ટેસ્ટ ઊંચો ગયો...!’’

આપ રૉમેન્ટિક છો?  : તે આ ઉપરનો જવાબ વાંચીને તમને હું નં. ૬ લાગ્યો?
સરખું કહો ને?  : તમને જોઇને શું કહેવાનું હોય? તમે જ્હૉન અબ્રાહમ અને મને અભિષેક બચ્ચન ધારી લીધો છે?
મોબાઇલમાં લાંબી વાતો પુરૂષ સાથે ગમે કે સ્ત્રી સાથે?  :  પુરૂષનો ધંધો અને સ્ત્રીનો આઇ-ક્યૂ ઊંચો હોય તો.
પ્રવચન કરવાનો આખા ગુજરાતમાં સૌથી વઘુ ભાવ તમે લો છો? :  BMW ખરીદનારાઓ ગાડીની ઍવરેજ કેટલી આવશે, તે પૂછતા નથી.
ઍનકાઉન્ટરમાં તમને સૌથી વઘુ સવાલો કોણ પૂછે છે? :  મને ઈડિયટ સમજનારાઓ.
શુક્રવારે તમારી કૉલમ દૂર કોઇ ગાયેયુવાનો પણ કેમ વાંચે છે?  :  અજાણતામાં એ લોકો લતા, રફી કે મૂકેશને હિમેશ રેશમીયા જેવા નવા ગાયકો સમજે છે.
તમારી દ્રષ્ટિએ મુંબઇના આતંકવાદને ટાઇમસર નાથવામાં ભૂલ ક્યાં થઇ?  : સરકારે કમાન્ડોને બદલે ગુજરાતના કવિઓ અને સુગમ સંગીતના ગાયકોને મોકલવા જોઇતા હતા. એમની એ.કે. ૪૭ અને હૅન્ડ-ગ્રૅનેડની સામે આ લોકોની હાર્મોનિયમની પૅટી અને કવિઓની તાજી રચના કાફી હતી.
જો કે, ઘણાં એવું માને છે કે, એને બદલે હોટેલ ઑબેરોય કે તાજમાં આપનું પ્રવચન ગોઠવ્યું હોત તો એ લોકો ધૂસ્યા પણ ન હોત!  :  ભારત સરકારને આપ વઘુ પડતી બુઘ્ધિશાળી માની બેઠા છો.
આજના હીરાઓની જેમ તમે કદી શર્ટ કાઢીને પ્રવચનો આપવા જતા હો તો?  :  હું શ્રોતાઓને મસલ-પાવરથી નહિ, અસલ-પાવરથી બીવડાવવા માંગુ છું.
આપના લેખોની જેમ એકાદી નૉન-સૅન્સ જૉક કહો ને  :  ઈન્ડિયાને છેલ્લા બૉલે જીતવા માટે દસ રન કરવાના હતા. આખરી ઉપાય તરીકે સાઉથના ફિલ્મસ્ટાર રજનીકાંતને બૅટિગમાં મોકલ્યો. એણે હવામાં ઊંચી સિક્સર મારી. બૉલના બે ટુકડા થઇ ગયા. એક સિક્સર થઇને મેદાનની બહાર પડ્યો ને બીજાના ચાર રન મળ્યા.
સિક્સર
પાકિસ્તાન લાખ લાખ પ્રયત્નો કરશે તો ય ભારતના ટુકડા નહિ કરી શકે... એ માટે તો અમારો રાજ ઠાકરે એકલો કાફી છે. કહે છે કે, મુંબઇના આતંકમાં બઘું મળીને કોઇ ૨૫- આતંકવાદીઓ હતા...!
આ લોકો ૨૬-મા રાજીયાને ભૂલી ગયા લાગે છે!

સ્પીક બિન્દાસના દેવાંગ વિભાકર દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યૂ:


3 comments:

Anonymous said...

good , one keep up this good work , Really you make us to smile...laugh

tech show said...

aatlo funny interview paheli var vanchyo ..:D

ashraj said...

Due very poor printing quality of Gujarat Samachar in this time of modern printing technology I shift from G.S. to Divyabhaskar but I missing you sir on Wednesday and sunday from next diwali will be join again