Search This Blog

14/01/2018

ઍનકાઉન્ટર : 14-01-2018

* દારૂ પીવાથી નુકસાન થાય, છતાં સરકાર પરમિટ કેમ આપે છે?
- 'પરમિટ લઈને કે લીધા વગર... ક્યાં ચાલે છે કોઈને પીધા વગર!'
(
ગોપાલ પટેલ, અમદાવાદ)

* કોઈ ૪૨૦- બાબાને હેલીકોપ્ટરમાં બેસાડીને કોર્ટમાં લઈ જવાની શી જરૂર?
- 'આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે...'
(
પ્રાંજલ એચ. જોશી, ભાવનગર)

* માતા- પિતા અને સદ્ ગુરૂ, આ ત્રણમાંથી પહેલી પસંદગી કોની કરો. કારણ ચોક્કસ જણાવજો.
- માતા- પિતાની સામે તો ભગવાનની પસંદગી પણ ન કરૂં... ભગવાન કે સદ્ ગુરૂ... બતાવ્યા કોણે?
(
પાયલ દિનેશ પરમાર, વડોદરા)

* બ્રાહ્મણોએ જ્યારથી ગુરૂપદ છોડવા માંડયું, ત્યારથી આ પદની ગરીમા ઓછી થવા નથી લાગી?
- બધા બ્રાહ્મણો જ્ઞાની નથી હોતા અને બધા જ્ઞાનીઓ બ્રાહ્મણ નથી હોતા.
(
ધર્મેન્દ્ર જોશી, અબ્રામા- વલસાડ)

* વ્યસનમુક્તિ માટે તમે દેશને શું સંદેશો આપો છો?
- પાનમસાલાની પિચકારીઓ મારનારાઓને કાશ્મિરના ફૂલવામામાં મોકલી દેવા જોઈએ.
(
નવિન ડી. જોશી, નાલાસોપારા)

* હોશિયાર કોણ? સવાલ પૂછનાર કે જવાબ આપનાર?
- હાલમાં આપણા બેમાંથી તો એકેય લાગતું નથી.
(
જગદિશ રતનપરા, વાસદ- આણંદ)

* તમારા દિમાગમાં આવા 'અનઍક્સપૅક્ટૅડ' જવાબો આવે છે ક્યાંથી?
- પરણેલો છું.
(
જતિન દૌલતરાય દેસાઈ, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર' તમે ન ચલાવતા હોત તો ગુજરાતની પ્રજાના અમૂલ્ય સવાલોના જવાબો કોણ આપત?
- મારી જેમ પ્રજાના (અને પોતાના) ગળે ય ન ઉતરે, એવા જવાબો હાલમાં ભારતમાં ફક્ત એક જ વ્યક્તિ આપી શકે છે... પરમપૂજ્ય રાહુલ ગાંધીજી.
(
ગૌરવ રાઠોડ, રાજકોટ)

* આજકાલ માણસો બહુ બદલાઈ ગયા નથી લાગતા?
- યૂ મીન... માણસોમાંથી નેતા, ગુરૂજી, બાબા ને એ બધું તો બનવાના જ હતા ને? બસ. હવે એ લોકો માણસો ન બની શકે.
(
સંજય ચાવડા, રાજકોટ)

* દર બબ્બે દિવસે પબ્લિક આટલી ભેગી કેમ થઇ જાય છે?
- ઘેરથી તગેડી મૂક્યા હોય - ને બહાર વક્તા થવાનો ચાન્સ રહે.
(
ચિરાગ કટારીયા, મોરબી)

* સવાલ પૂછનારનું નામ તમારા જવાબની નીચે હોય છે. સવાલ પૂછનારો જ જવાબ આપી દે છે?
- બાદશાહે મહેલ છોડયા પછી એમનું પાળેલું પોમરેનિયન ગાદી પર બેસી જાય, એટલે સરકાર કૂતરૂં ચલાવતું હોય?
(
દેવલ વસાવડા, વડોદરા)

* ગર્વ હોવો અને ગૌરવ હોવું, એ બન્ને વચ્ચે શું ફરક છે?
- ગર્વ પુલ્લિંગ છે ને ગૌરવ નાન્યતર જાતિનું છે. મોદી જે ચલાવી શકે તે ગાંધી ચલાવી શકે?
(
તેજસ મેહતા, હિમ્મતનગર)

* આ રામરહીમબાબા સાથે તમારે કોઈ ઓળખાણ ખરી?
- તમે જૅલસ બહુ છો. છાનોમાનો રૂમાલ ય ભરાવી દેવાય, એવો એક નાનકડો સવાલે હનીપ્રિત માટે તમે પૂછ્યો?
(
લાખણ પંપાણીયા, લોધવા)

* 'ઍનકાઉન્ટર'માં ફક્ત સ્ત્રીઓના જ સવાલો લેવાય, તો પુરૂષો શું કરે?
- એકે ય વાચક પુરૂષે પૂછેલા પ્રશ્નો વાંચતો હજી સુધી તો જોવા નથી મળ્યો!
(
જીગ્નલ એ. ગામિત, સુરત)

* ગુજરાતને દમણમાં સમાવી લેવામાં આવે તો?
- શનિ- રવિ જાઓ.... અડધું ગુજરાત દમણમાં સમાયેલું દેખાશે.
(
કૌસ્તુભ દેશપાંડે, વડોદરા)

* મોદીજીના સ્વચ્છતા અભિયાન વિશે શું કહેવું છે?
- કચરો વધારે છે ને માણસો ઓછા છે.
(
અનંતકુમાર ત્રિવેદી, ગઢડા)

* વાઇફ વહેમાતી રહે તો ગોરધનના ફાયદામાં, પણ ગોરધન શું કરે તો વાઇફને ફાયદો થાય?
- તમારામાં કંઇક તો હશે ને, જેનો કોઈ ખૌફ એને રહેતો હોય... આ જ સિધ્ધિ ઉપર જીંદગી ખેંચી નાંખો.
(
ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)

* દેશમાં બનતી ચીજવસ્તુઓ જ ખરીદવાનો ધારો સરકાર કેમ કાઢતી નથી?
- સરકારે ય ચીન- રશિયન બનાવટની ચીજો વાપરે છે.
(
સાધના નાણાવટી, ગાંધીનગર)

* તમારી દ્રષ્ટિએ વિકાસ શું ગાંડો થયો હતો?
- આ બધાને જોવાના પણ નહિ, એટલા પૂરતો હું ડાહ્યો છું.
(
પરેશ પી. દવે, રાજકોટ)

* 'ઍનકાઉન્ટર'માં હું જ સવાલ પૂછું ને હું જ જવાબ આપું, તો ચાલશે?
- આ તમારા જ સવાલ- જવાબ છપાયા છે.
(
અજય જોશી, નાસિક)

* રાષ્ટ્રગીત માટે તમે ધર્મગુરૂઓ- કથાકારોને આટઆટલી વિનંતીઓ કરો છો... કોઈ રીસ્પૉન્સ?

- એ પ્રમાણયોગ્ય ગુરૂઓની તો ખબર નથી, બાકી ગુજરાતભરમાંથી અનેક સંસ્થાઓના ફોન- મેસેજ આવતા રહ્યા છે કે, અમે અમારા દરેક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત શરૂ કરાવી દીધું છે. આ ચેતના મારા કે કોઇના કહેવાથી નથી આવી... આપણો હરએક નાગરિક દેશભક્ત છે જ.
(
રશ્મિન એન. પાઠક, આદિપુર- કચ્છ)

12/01/2018

'જૂનુન' ('૭૮)

ફિલ્મ: 'જૂનુન' ('૭૮)
નિર્માતા  : શશિ કપૂર
દિગ્દર્શક : શ્યામ બૅનેગલ
સંગીત    : વનરાજ ભાટીયા
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ ૧૪૧ મિનિટ્સ
કલાકારો : શશિ કપૂર, શબાના આઝમી, જૅનિફર કૅન્ડલ, નફિસા અલી, દીપ્તિ નવલ, નસિરૂદ્દીન શાહ, જ્યૉફરી કૅન્ડલ, સુષ્મા શેઠ, ટૉમ ઑલ્ટર, કુલભૂષણ ખરબંદા, બૅન્જામિન ગીલાણી, પર્લ પદમશી, ઇસ્મત ચુગતાઈ, જલાલ આગા, રાજેશ વિવેક.

ગીતો
૧ ખુસરો રૈન પિયા કી જાગી પિ કે સંગ.... જમિલ એહમદ
૨ ઇશ્કને તોડી સર પે કયામત..... મુહમ્મદ રફી
૩ Come live with me and be my love.... જૅનિફર કૅન્ડલ
૪ ઘીર આઇ કારી ઘટા મતવારી.... આશા ભોંસલે-વર્ષા ભોંસલે

રસ્કિન બૉન્ડની નૉવેલ A Flight of Pigeons પરથી શશી કપૂરે શ્યામ બૅનેગલ પાસે ફિલ્મ 'જૂનુન' બનાવી. અંગ્રેજ સરકાર સામે ઇ.સ. ૧૮૫૭ના બળવાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મની વાર્તા કંઇક આવી હતી.

મુસ્લિમ પઠાણ જાવેદ ખાન (શશિ કપૂર) એક નાના ગામ શાહજહાનપુરમાં પાળેલા સંદેશવાહક કબૂતરો પાળવાનો શોખ ધરાવે છે. એનો સાળો સરફરાઝ ખાન (નસીરૂદ્દિન શાહ) અંગ્રેજી હુકુમત સામે બળવાખોર બન્યો છે અને ગામના એક ચર્ચમાં પ્રાર્થના માટે એકઠા થયેલા ખ્રિસ્તી સમુદાય ઉપર હૂમલો કરી નસિરના સાથીઓ બધાને મારી નાંખે છે. એ હૂમલામાં મિરિયમ લૅબડૂર (જૅનિફર કૅન્ડલ: જન્મ તા. ૨૮ ફેબ્રૂઆરી, ૧૯૩૩- મૃત્યુ તા. ૭ સપ્ટૅમ્બર, ૧૯૮૪) તેની દીકરી રૂથ (નફિસા અલી) અને માતા (ઇસ્મત ચુગતાઈ) બચીને ભાગી શકે છે, જેમને એક હિંદુ ધનવાન વેપારી લાલા રામજીમલ (કુલભૂષણ ખરબંદા) પૂરા ભાવથી પોતાની હવેલીમાં આશરો આપે છે.

સ્વાભાવિક છે, આવા જોખમ સામે લાલાના ફૅમિલીનો વિરોધ હોય, પણ લાલો મક્કમ છે. એ દેશભક્ત તો છે, પણ બ્રિટિશ સરકારે તેને ખાસ વિશેષાધિકારો આપેલા છે. જો કે, શશિ કપૂર અને તેના સાથીઓ તલવારના જોરે ત્રણે બ્રિટિશ મહિલાઓને ઉઠાવીને પોતાના ઘેર લઈ જાય છે, જ્યાં એની પત્ની ફિરદૌસ ગુસ્સા અને ઈર્ષ્યાથી વિરોધ કરે છે, પણ શશિના ગુસ્સા સામે તે લાચાર છે.

પશ્તુ પઠાણોના 'નાનાવટાઇ' દસ્તૂર મુજબ, ઘેર આવેલા દુશ્મનને પણ સલામતિથી રાખવો પડે, એની સામે નસિર કાંઈ કરી શકતો નથી. અલબત્ત, શશી નફિસાથી ભારોભાર આકર્ષાઈને એની સાથે નિકાહ કરવા માંગે છે, જે શબાના, જૅનિફર કે ઈવન નફિસાને મંજૂર નથી, છતાં પોતાના મઝહબમાં આવા નિકાહ માન્ય હોવાના દાવે જબરદસ્તીથી પણ પોતાની ઑફર જૅનિફર સામે નફિસા માટે મૂકે છે.

લાચારી અને સામનો કરવાની અશક્તિ છતાં જૅનિફર સામે શરત મૂકે છે કે, દિલ્હીની અંગ્રેજી-હુકુમતને બળવાખોરો હરાવી શકે, તો નફિસાના નિકાહ કરવા તૈયાર છે. જૅનિફર આ બળવાખોરોની પાંગળી તાકાત જાણતી હતી અને એ સાચી પડે છે. બળવાખોરો (અને પરિણામે આ બાજુ શશિ કપૂર) અંગ્રેજો સામેનો જંગ હારી જાય છે.

ચર્ચમાં આશરો લઈ રહેલા જૅનિફરની મા-દીકરીને મળવા શશિ મારતે ઘોડે પહોંચે છે અને એક વાર નફિસાને જોવાની વિનંતિ કરે છે, જે જૅનિફર તો સ્વીકારતી નથી પણ પાછા ફરતા શશિને નફિસા એની માની નારાજગી છતાં બૂમ મારીને પાછો બોલાવે છે. એ શશિ સાથે જવા તૈયાર છે, પણ શશિ જૅનિફરે મૂકેલી શરત હારી ગયો હોવાથી પઠાણ તરીકેનું વચન નિભાવી નફિસાને મૂકીને જતો રહે છે.

બ્રિટિશ મૂળના છતાં બાળપણ આપણા જામનગરમાં વીતાવેલા લેખક રસ્કિન બૉન્ડની નૉવેલ પરથી દિગ્દર્શક શ્યામ બૅનેગલે બનાવેલી આ ફિલ્મ સુંદર તો છે અને ૧૯૮૦-'૮૧ના છ ફિલ્મ ફૅર ઍવૉર્ડ્સ પણ જીતી લાવી છતાં શશિની આવી તમામ આર્ટ ફિલ્મોની માફક ટિકીટબારી ઉપર કાગડા ય ઊડવા નહોતા આવતા અને શશિબાબા એ જમાનાના પૂરા રૂ. ૫૫-લાખમાં ધોવાઈ ગયા. પોતે નવી શરૂ કરેલી પ્રોડકશન કંપની 'ફિલ્મવાલાઝ'ની આ પહેલી ફિલ્મ હતી અને આ એ જમાનો હતો કે, કમર્શિયલ ફિલ્મોમાં શશિ ધોધમાર કમાતો હતો. શશિની નમ્રતા જુઓ.

ફિલ્મ પોતાની, પૈસા પોતાના છતાં શ્યામ બૅનેગલને રીક્વૅસ્ટ કરીને પૂછે છે, 'હું આ ફિલ્મમાં કામ કરી શકું ?' શ્યામને તો ઘનશ્યામ મળ્યા જેવો સુપડાધાર આનંદ થયો કે, એ જમાનાનો સુપરસ્ટાર એને હીરો તરીકે મળતો હતો. લટકામાં શશિની બ્રિટિશ વાઇફ જૅનિફર અને સસુરજી જ્યૉફરી કૅન્ડલ પણ મળતા હતા. જૅનિફર તો શશિને પરણ્યા પછી હિંદી શીખી હતી, છતાં એની સંવાદો બોલવાની છટાથી જ્યૉફરી અત્યંત પ્રભાવિત હોવાનું પોતાની આત્મકથામાં લખ્યું છે.

શ્યામના કહેવા મુજબ, શશિ સૅટ ઉપર પૂરી શિસ્તનો અમલ કરાવતો. કોઇને સિગારેટ પીવા ન દે. ફિલ્મ 'ફકીરા'ના શૂટિંગ દરમ્યાન શશિ કપૂર સાથે પ્રેમ થઇ ગયો હોવાનું એ સમયના ફિલ્મી મૅગેઝિનોએ પૂરજોશ લખ્યું હતું, તે શબાના આઝમીએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું છે : શૂટિંગ માટે મારો વારો આવવાની વાર હોવાથી સૅટ પર નવરી બેઠી હું 'ધી બીટલ્સ'ને સાંભળતી હતી. શશિ આવીને ખિજાયો, ''આ કોઇ બુદ્ધિ છે ? ફિલ્મ ૧૮૫૭-ના બળવાની બની રહી છે ને તું અત્યારે 'બીટલ્સ' સાંભળી રહી છે ?'' શબાનાએ પૂછ્યું, ''આવી દાદાગીરી હોતી હશે ?'' જવાબમાં શશિએ કીધું, ''બેગમ અખ્તરની ગઝલો સાંભળ....'' જવાબમાં શબાનાએ કીધું, ''બેગમ અખ્તર પણ ૧૮૫૭-ના બળવા વખતે નહોતા...!''

જો કે, શશિ કપૂરની દરિયાદિલીની વાત પણ શબાના સિવાય કોણ કરી શકે ! એ જમાનામાં મુખ્ય હીરો-હીરોઇનો સિવાયના નાનાનાના કલાકારો  વચ્ચે ઘણો ભેદભાવ રાખવામાં આવતો. પણ શશિ કપૂરે 'જનૂન' સાથે સંકળાયેલા કેવળ કલાકારો જ નહિ, નાનામોટા ટૅકનિશિયનો માટે પણ લખનૌની ફાઇવ-સ્ટાર હોટેલ ''કલાકર્સ અવધ'' બૂક કરાવી હતી. શબાના કહે છે, મારી મા (શૌકત કૈફી... કૈફી આઝમીના પત્ની)ના કહેવા મુજબ, શશિ પણ એના પાપા પૃથ્વીરાજ કપૂર જેવો જ દરિયાવદિલ હતો, જે પોતાના નાના કામદારોનો પણ આવો જ ખ્યાલ રાખતા.

બહુ ફિલ્મી મૅગેઝિનો વાંચ્યા હશે, એમને યાદ હશે કે, આ જ ફિલ્મના ઍકસ્ટ્રા જેવા કલાકાર બૅન્જામિન ગીલાણી સાથે શબાનાનું નામ ઘણું ચગ્યું હતું. (આપણા જેવાના નામો તો ઊગતા ય ન હોય ને આ લોકોના ટીકડી-પતંગમાં ચગતા હોય, બોલો !)

મૂળ બંગાળી ઍક્ટ્રેસ અને સામાજીક કાર્યકર નફિસા અલી (જન્મ તા. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૭) 'મીસ ઇન્ડિયા' તો બની જ હતી, પણ સ્વિમિંગની નૅશનલ ચૅમ્પિયન ('૭૨-'૭૪) પણ હતી. નફિસા બંગાળી મુસલમાન એહમદઅલી અને ઍંગ્લો-ઇન્ડિયન રોમન કૅથલિક પત્ની ફિલોમીના ટૉરેસનનું સંતાન હતી. નફિસા સ્વામી ચિન્મયાનંદજી પાસે વેદાંત પણ શીખી છે.

નફિસા ઇન્ડિયન આર્મીના 'અર્જુન-ઍવૉર્ડ વિજેતા' કર્નલ આર.એસ.સોઢીને પરણ્યા પછી બે પુત્રીઓ અરમાના અને પિયા તેમ જ પુત્ર અજીતની માતા બની છે. મિસ ઇન્ટરનેશનલ્સમાં એ બીજા નંબરે આવી હતી. નવાઈ લાગે એવી વાત એ છે કે, નફિસા પોતે કોલકાતા-જીમખાનામાં ઘોડા દોડાવનારી જૉકીનું કામ પણ કરતી હતી. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીની એ અધ્યક્ષા પણ રહી ચૂકી છે.

શશી કપૂરનો એક દીકરો કૃણાલ કપૂર 'શોલે'વાળા રમેશ સિપ્પીની પુત્રી 'શીના' સાથે પરણ્યો પણ બે સંતાનો પછી ડાયવૉર્સ થઈ ગયા. શીના કૅન્સરમાં મૃત્યુ પામી. શશી કપૂરનો ધોળીયો દીકરો કરણ કપૂરે 'સલ્તનત' અને 'લોહા' જેવી બે ફિલ્મોમાં નિષ્ફળ કામ કર્યા પછી મૉડૅલિંગમાં જઇ 'બૉમ્બે ડાઇંગ'ની ઍડમાં આવતો હતો. આજે યુ.કે.માં એ ફોટોગ્રાફી કંપની ચલાવે છે.

આઠેક ફૂટ ઉંચા ધૂમધડાકા ધોધના ધમધમ આવતા પાણી નીચે 'લાઆઆઆલાલાલાઆઆઆ...'ની બૂમો પાડીને 'લિરીલ સાબુ'માં નહાતી મૉડૅલ છોકરી એક જમાનાની દેવ આનંદની હીરોઇન રમોનાની પુત્રી દીના હતી. સવાલ એ જમાનામાં ય ઉઠતો કે, પ્રચંડ ધોધના આવા તોફાની ધધૂડા વચ્ચે ખડક પર સાબુની ગોટી ટકી કેવી રીતે રહેતી હતી? (હા... કેટલાક લોકોનું ધ્યાન ગોટી ઉપર પણ રહેતું...)

પહેલી જ વાર 'જૂનુન'માં ચમકેલી દીપ્તિ નવલ ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે પરણ્યા પછી છુટી  થઇ ગઇ, એ પહેલા સ્વ. ફારૂખ શૅખ સાથે એનું નામ બારેમાસ ગાજતું હતું. છેવટે એ પંડિત જસરાજના ભત્રીજા વિનોદ પંડીતને પરણી છે.

આર્ટ-ફિલ્મોમાં ચાલી જાય એવું વનરાજ ભાટીયાએ સંગીત ચોક્કસ પાયું છે,પણ પ્રીતિ સાગરના 'તુમ્હારે બીન જી ન લગે ઘર મેં....' જેવા બીજા ૫-૭ને બાદ કરતા કોઇ સફળ ગીતો ન આવ્યા. મોટા ભાગે તો વનરાજભાઈ ગુજરાતી છે. જેનિફરની મા બનતી વૃધ્ધા લેખિકા ઇસ્મત ચુગતાઇએ ૧૯૪૮ અને ૧૯૫૦માં દેવ આનંદનું 'ઝીદ્દી' અને દિલીપકુમારના 'આરઝૂ'માં કામ કર્યા પછી બીજી વીસેક ફિલ્મોમાં નાનુંનાનું કામ કર્યું, પણ એનો મીયાં શાહિદ લતિફ ઉમદા માણસ હોવા છતાં કે. આસિફવાળી નિગાર સુલતાનામાં આવી જ ગયો અને તોફાનો મોટા થઇ ગયા.

જો કે, ફિલ્મમાં કેટલીક અજાણી વાસ્તવિકતાઓ બતાવી છે. રાજમહલમાં રાણી મા સુતા હોય ને બહાર એનો ચપરાસી ઊંઘતો ઊંઘતો યંત્રવત પંખો ઢાળતો હોય. આમ મફતનો લાગે, કોઇ ખર્ચો નહિ, પણ કૉસ્ટ કાઢવા જાઓ ત્યારે ખબર પડે કે, ઢાળીયાનો પગાર જુદો, રહેવા-જમવાનું આપવાનું, પંખો નાંખતો-નાંખતો એ 'હુઇ' ગયો હોય તો જગાડી આવવાનો ને એના છણકા સાંભળવાના જુદા.

સૌથી વધુ વેઠ ઉતારી છે, યુદ્ધના દ્રશ્યોમાં. શ્યામે 'મુગલ-એ-આઝમ, તો ક્યાંથી જોયું હોય. 'જુનૂન''માં તો પઠાણો-અંગ્રેજો એકબીજાને તલવારો મારે છે કે પીઠી ચોળી આપે છે, તેની ખબર પડતી નથી.

મોટા ભાગની આર્ટ ફિલ્મોમાં ઝૂંપડીનું અંધારૂં એકાદ મીણ બતીના અજવાળામાં જ દર્શાવાય. દર્શકો કંટાળીજાય ત્યાં સુધી આવું અંધારૂ લાંબુ ચાલે.

વધુ પડતી વાસ્તવિકતા બતાવવાના મોહમાં જ કદાચ આર્ટ ફિલ્મોનું નામ ભુસાઈ ગયું. 'ધીર આઇ કારી ઘટા મતવારી' આશાની સાથે એની સ્વર્ગસ્થ દીકરી વર્ષા ભોંસલેએ પણ ગાયું હતું, જેણે આત્મહત્યા કરી હતી.