Search This Blog

30/05/2012

મૈં કા કરૂં રામ, મુઝે બુઢ્ઢા મિલ ગયા...

હાથમાં સ્ટીલની ચમચી પકડીને હું એવી રીતે ઉછાળું છું કે, એક ગુલાંટ ખાઈને ચમચીનું નાકું પાછું હાથમાં આવે. બહુ સહેલું છે... બધા કરી શકે!

પણ બે ગુલાંટ ખવડાવીને ચમચી પકડી જુઓ... નહિ ફાવે! એ જમાના તો હવે ગયા. ઉછળતી ચમચીને નજીકથી જોવા માટે ચશ્માની જરૂર પડે છે... ફરી ઉછાળી... ના પકડાઈ. ચશ્મા ચઢાવ્યા પછી પણ...!

કહે છે કે ૬૦-ની ઉંમર પછી શરીરના રીફ્‌લૅક્સીસ ઓછા થઈ જાય છે. ઘણા લોકોને ઘણા કામો પડતા મૂકી દેવા પડે છે.

સાલી બહુ કમીની ઉંમર છે ૬૦ અને ૬૦ પછીની પણ! હર તબક્કે બધાને બઘું સાબિત કરતા રહેવાની ઉંમર... ! હજી અમે પહેલા જેવા જ જુવાન છીએ તેમ જ, ઉંમર તો એક આંકડો છે, બાકી બઘું ફિટમફિટ છે, એ બતાવી આપવા માટે બહુ બઘું સાબિત કરતા રહેવું પડે છે... રોજમરોજ! ૬૦ના થઈ જવાથી ઈચ્છાઓ અને ભાવનાઓ ય કાંઈ ૬૦ની થતી નથી. ૬૦ના હોઈએ, એટલે ૬૦ વાળીને જ જોવાની, એવું ય કાંઈ ના હોય! પણ રોડ ઉપર કંઈક વળી સારૂં જોવા જઈએ તો, ‘‘કાકા, હવે અમારા માટે કાંઈ છોડો...!’’ની સિક્સર જોઈ જુવાનીયો મારી દે છે. ‘‘સાલા, કાકો તારો બાપ...!’’ એવું ફક્ત મનમાં કહેવું પડે છે. મોંઢામોંઢ કહેવા જઈએ ને એની બા ખીજાય તો એની બાનો સામનો કરવાના ય રીફ્‌લૅક્સીસ ક્યાં રહ્યા છે?

આ ઉંમરે હવે પહેલા જેવા પર્સનાલિટા પાડી શકાતા નથી. આપણે પ્રયાસો કરી જોવાના. ફળ ઈશ્વરને હાથ છે. પહેલા તો ગમે તેવા ઝભલાં પહેરી લેતા હતા. હવે તો બાબા-શૂટ લાગે એવા મોંઘા બ્રાન્ડેડ શર્ટો પહેરીને પરફ્‌યૂમ-બરફ્યૂમ, કપાળને બાદ કરતા આખા શરીર ઉપર બધે છાંટવાના. જુવાનીમાં ફેશિયલકરાવાય... આપણી ઉંમરે આખેઆખું બૉડીયલકરાવવું પડે! આજ સુથી જાતમહેનતથી જુવાન હતા ને યુવાન દેખાવા માટે કોઈ પ્રયાસો કરવા પડતા નહોતા. હવે માર્કેટમાં હરિફાઈ વધી ગઈ છે. યુવાનો તો સમજ્યા, પણ આપણા ૬૦-વાળાઓએ ય વચમાં ઝોલ નાંખે છે. સારા કામમાં સો વિધ્નો આવે.

અઘરી છે, સાઇઠે પહોંચ્યા પછી જુવાની જાળવવી. મોટે ભાગે તો આપણી સામે જોવા ય કોઈ નવરૂં હોતું નથી. જ્યાં પ્રભાવ પાડવાનો હોય, ત્યાં પેટ અંદર ખેંચી લેવું પડે છે, અને બહુ ખેંચો તો હાળુ પાછળથી બહાર નીકળે છે. આ પેટખેંચુ-પઘ્ધતિમાં, પેલી ઉપસ્થિત હોય ત્યાં સુધી બહુ લાંબુ ખેંચેલું રાખી શકાતું નથી. છેલ્લા તબક્કે શ્વાસ છોડવાનો આવે, ત્યારે નાકમાંથી ઘૂમાડાવાળી સિસોટીઓ વાગે છે. વળી, જોનારીને આપણા ફક્ત પેટ ઉપર જોવાનું નથી હોતું, ચેહરો ય જોતી હોય છે ને અડધા રાજીનામાં ત્યાં જ પડી જાય છે.

ચેહરા ઉપરે ય રોજ કેટલું રંગરોગાણ કરાવીએ? નાકના જ નહિ, કાનના વાળ પણ બહાર લબડતા દેખાય છે ને, સામાજીક સૌજન્ય ખાતર, એ બન્ને જગ્યાઓ ઉપર કાંસકો ફેરવી શકાતો નથી. ભ્રમરો ઉપર રાવણ રાખતો એવા લાંબા વાળો ઊગવા માંડ્યા હોય છે. દાઢીની સાથે એ ત્રણેય સ્થળોની અંગત દેખરેખથી કાપકૂપીઓ અને સાફસફાઈઓ કરવાની. મૂછો એની માંને... વહેલી ધોળી થઈ જાય છે, એટલે એની ઉપર મેંહદીના લપેડા ક્યારેક તો હોઠ સુધી આવે છે. હોઠના બન્ને ખૂણાઓ ચાડીયાઓ છે સાલાઓ...! ત્યાંથી જ બે લિટા દાઢી તરફ ફંટાઈને આપણી ઉંમરની ચાડીઓ ખાય છે.

થોડા ઉપર આવો અને માથે હાથ ફેરવી જુઓ. બધી જાહોજલાલી પતી ગઈ હોય છે. ટાલ પડવા માંડી છે અને જેટલા સૈનિકો બચ્યા છે, એનો યુનિફૉર્મ બદલાવી, શત્રુઓ સમક્ષ નવજુવાન સૈનિકો તરીકે, એમને કાળા કરીને પેશ કરવાના છે. જુના બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફોટા કાઢીને આજે કોકને બતાવી જોઈએ તો, ‘‘વાહ... પહેલા તો તમે કેટલા હૅન્ડસમ લાગતા હતા...!’’ એ વખાણમાં ય ખુશ થવાનું નથી હોતું, કારણ કે વખાણની સામે ટીકા ય છે કે, પહેલા હૅન્ડસમ લાગતાતા... આજે કશું નહિ! ...એ જમાના તો ગયા!

૫૦-થી નીચેનાને એક સામટા છ-સાત આંચકા લાગી જાય, એવી એક વાત એ છે કે ૫૦-ની ઉપરનાને લોકો હવે કાકા, કાકી કે ડોહા, ડોહી કહેવા માંડ્યા છે, એ સહન થતું નથી. આખા જગતથી હું એકલો અહીં જુદો પડું છું. મને કોઇ કાકો કે ડોહો કહે તો બાય ગૉડ... સહેજ પણ ખોટું લાગતું નથી. ફ્રૅન્કલી કહું તો, અપ્રતિમ ગૌરવ મેહસૂસ કરવાની મને આ ઉંમર લાગે છે. યુવાન દેખાવાની ઘેલછા-ફેલછા સમજ્યા મારા ભઈ... હજી ૩૫-૪૦ના દેખાતા હોઈએ, તો ય શું? એનો અનુવાદ કોઈ લફરા-બફરામાં તો કરવાનો ન હોય. કરવા હોય તો હિંમત પણ જોઈએ ને? સુંદર સ્ત્રીની સામે ટીકીટીકીને જોતા પ્રૌઢોની સામે પેલી એક વાર જ અમથું જોઇ લે, એમાં ય ધોતીયા ઢીલાં થઈ જાય છે. આ ઉંમરે ‘‘ચક્ષુ-વિવાહ’’થી આગળ વધી શકાતું નથી. એને માટે હિંમત, સામેવાળા/ળીની હા, વાહનની સગવડ, શક્તિપ્રવાહ, દેખાવ, ગુપ્ત સ્થળોની જાણકારી આવશ્યક મનાઈ છે. પરંતુ હજી બીજા ૨૦-૨૫ વર્ષો ચાલે એવી અડીખમ પત્ની હાજરાહજુર હોય, ત્યાં ક્યાં બીજો માંડવો બંધાવાનો છે, હરિભાઈ? એના કરતા ઘેર બેઠા ગંગા કે વ્હિસ્કી શું ખોટી?

મને તો સાઇઠે પહોંચ્યા પછી ખબર પડી કે, જીંદગીનો અસલી મજો જ હવે શરૂ થાય છે. હવે કોઈ તુંકારે બોલાવનારું રહ્યું ન હોય, જ્યાં જઈએ ત્યાં માનપાન, પતિ-પત્ની સમી સાંજે કૉફી પીવા બાલ્કનીમાં બેઠા હોય, છોકરાના છોકરાઓ ઘરમાં કલબલ કરતા હોય... ને ખાસ તો ગૅરન્ટી... કે પત્ની હવે ક્યાંય બીજે જવાની નથી, એ શાંતિ! (આપણા જેવા બધા ડોબા ન હોય ને?)

શાંતિ...! બસ. એ જ નથી રહી હોતી. આજના કોઈ પિતાની એ  હિંમત નથી કે, જુવાન દીકરા-દીકરીને કાંઈ પણ કહી શકે. એક જમાનામાં આખી ઑફિસ ગજવતો આ માણસ રીટાયર થયા પછી બે બદામનો થઈ જાય છે. ફક્ત પ્રેમ જ પ્રેમ આપે રાખવાથી છોકરાઓ બાપના થતા નથી. પ્રેમની સાથે પ્રભાવ પણ જોઈએ. જરૂર પડે બે શબ્દો કહેવાની કે હજી ઘરમાં બાપહું છું, એ અસર ઊભી કરવાના જમાના તો ગયા. દરેક પિતા પોતાના સંતાનોના અગાધ પ્રેમમાં પડ્યો હોય છે... ફૅનથઈ જાય છે, પણ સામેથી એવું ખાસ જોવા મળતું નથી. શાહજહાંને તો નદી પાર દેખાતા તાજમહલને જોઇ જોઈને આખરી દિવસો કાઢવા પડ્યા હતા... આપણા શાહભાઈને તો ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા ઘર નીચેનો ટ્રાફિકે ય કોઈ જોવા દેતું નથી. ડોહા બધાને વચમાં આવતા હોય, એટલે દીકરો ને વહુ છણકા કરે, ‘‘આ રોજ ઘરમાં ને ઘરમાં પડ્યા રોછો, તે બે ઘડી આંટો મારી આવતા હો તો...!’’ ...આંટો મારવાનું ડોહાના હાથમાં હોય તો ઉપરમારવા જાય, પણ પાછા ન આવવાનું હોય તો!

..અને આંટો ઘરની બહાર મારવા જાય તો કાકા પાછા હખણા રિયે એવા ય નથી. આંખોનું હખણા ન રહેવું ૫૦-ની ઉંમર પછી વધારે જોર મારતું હોય છે. ઘરમાં બધો હિસાબકિતાબ લગભગ પતી ગયો હોય છે. કંટાળો ય આવતો હોય. ૫૦-ની ઉંમરની આસપાસ (હોઠ પર જીભ ફેરવવાના મામલે) તો કાકીઓ વધારે સિસકારા બોલાવતી શરૂ થાય છે. ગોરધનના તમામ અવગુણો એમને હવે દેખાવા માંડે છે. જગતમાં બીજા ફૂલો ય (આપણી જેમ ૫૦-૫૦ વર્ષો પહેલા) ખીલેલા છે, એનો ચમકારો ૫૦-ની ઉંમરની આસપાસ થવા માંડે છે. પતિ હોય કે પત્ની... આ ઉંમર બહુ ભરોસો રાખવા જેવી હોતી નથી. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેની સાથે લશ્કર લડવા માંડી શકે છે. મંદિર-દેરાસરોમાં ભગવાનો અનેક મળી રહે છે, પણ જગ્યા અત્યંત સલામત હોવાથી સૅઇફ રહીને નજરના ચટકા-બટકા ચલાવાય છે.બધા જ લોકો ફક્ત પરમેશ્વરના દર્શન માટે મંદિર / દેરાસરમાં આવતા નથી..... કેટલાકને તો આગળ જીવવું હોય છે ! શુઘ્ધ ચરીત્રની વાતો ફક્ત કદરૂપા લોકો કરતા હોય છે.

...કમ-સે-કમ, ત્યાં ઘર કરતા વઘુ સારું જોવાનું તો મળી રહે છે... સુઉં કિયો છો? (કાંય કેવાના હો, તો આજુબાજુ જોઇને કેજો, ભાઆ...ય!) 

સિક્સર
જેને ગ્યારહ મૂલ્કોં કી પુલિસ ઢૂંઢતી હૈ...એને વાનખેડે સ્ટૅડિયમના એક સીક્યોરિટીવાળાએ કાચી સેકંડમાં બાજુ પર બેસાડી દીધો!

27/05/2012

ઍનકાઉન્ટર : 27-05-2012

૧. વ્યસન કરીને વહેલું મૃત્યુ પામનારા અને ભક્તિભાવથી લાંબુ જીવનારાઓ વચ્ચે શો ફેર?
- યૂ મીન... તમારી દ્રષ્ટિએ વ્યસન અને ભક્તિભાવ જુદા છે?
(હર્ષા ઈલેશ ઝવેરી, મુંબઈ)

૨. ટેન્શન દૂર કરવાનો કોઈ ગુરૂમંત્ર આપશો, ગુરૂજી?
- બીજા માટે ટૅન્શનો ઊભા કરો.
(જયેન્દ્રસિંહ કે. રાઠોડ, વઢવાણ સિટી)

૩. આજના ડીજે-મ્યુઝિક અને શાસ્ત્રીય સંગીત વચ્ચે શું ફરક?
- શાસ્ત્રીય સંગીતમાં ગાયકે કે આપણે બહુ હલવાનું હોતું નથી.
(પીયુષ પ્રવિણભાઈ પટેલ, કલોલ)

૪. લગ્ન પછીની જવાબદારીઓ સમજી ન શકનારાઓ લગ્ન શું કામ કરતા હશે?
- કયો ગધેડો વળી સમજવા માટે લગન કરે છે?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૫. સરદાર પટેલે બધા રાજ્યોને ભેગા કર્યા... આજના નેતાઓ રાજ્યો જુદા કરે છે... કારણ?
- ઘરમાં ઘણું બઘું ભેગું કરવા માટે.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

૬. અજમલ કસાબના જન્મદિવસે સરકાર એને શું ગિફ્‌ટ આપશે?
- કોંગ્રેસનું સભ્યપદ.
(ગોવિંદ રામલાલ સોની, નવસારી)

૭. લાલુ યાદવ અમિતાભ બચ્ચન વિશે કેમ આડું બોલે છે?
- શહેરના રાજમાર્ગ પર હાથી નીકળ્યો છે એટલે ગલીના કૂતરાં ભસવાના તો ખરા ને!
(વિજયકાંત પી. સિઘ્ધપુરીયા, કામરેજ)

૮. રાજકારણમાં પ્રવેશવાની લાયકાત કઈ જોઈએ?
- ઘણી બધી... ગેરલાયકાતો જોઈએ!
(હિતેશ એસ. દેસાઈ, ગણદેવી)

૯. શેરબજારના ભાવો અને શાકભાજીના ભાવો વચ્ચે શો તફાવત?
- શેરબજારવાળાને શાકભાજીના ભાવો વધે તેની ચિંતા કરવી પડતી નથી.
(ચંદ્રવદન પટ્ટણી, ભૂજ)

૧૦. અમદાવાદના ઈન્કમટૅક્સ સર્કલ પર ગાંધીજીની પ્રતિમા બ્લૅક કેમ છે?
- ગાંધીનગર જવાનો રસ્તો ત્યાંથી શરૂ થાય છે.
(દેવાશું વસાવડા, ભરૂચ)

૧૧. તમારા અમદાવાદમાં, અમારા મુંબઈના મર્ડર૧-૨-૩ ની જેમ ફ્‌લેટના નામ શરણમ૧-૨-૩ રખાય છે... હવે શું?
- નારણપુરા ૧-૨-૩...મોદી ૧-૨-૩... વાઈફ ૧-૨-૩...!!!
(જયંત વી. હાથી, થાણે-મહારાષ્ટ્ર)

૧૨. હૅરોઈનઅને હીરોઈનવચ્ચે શું ફરક?
- એનો આધાર, તમારે તાત્કાલિક કોની જરૂર પડી છે, એની ઉપર છે.
(સલમા મણીયાર, વિરમગામ)

૧૩. લગ્નને લાડવો કહેવાતો હોય તો એ લાડવો ખાવો કે નહિ?
- બને ત્યાં સુધી પારકે ભાણે ખઇ આવવો.
(દિપ્તી/વિવેક/કેજલ રાવળ, બોટાદ)

૧૪. તમે જીવનમાં વીતી ગયેલી ક્ષણોને યાદ કરો છો કે આવનારી?
- અત્યારે જલસા કરૂં છું.
(હરેશ લાલવાણી, થર્મલ)

૧૫. દિવસની કોઈપણ ક્ષણે રૂપજીવિનીઓ આનંદમગ્ન જોવા મળે છે, છતાં સમાજ તેમને દુઃખી કેમ માને છે?
- અચ્છા.. એવું હોય છે?
(દિનેશ સ્વરૂપચંદ મેહતા, ભૂજ)

૧૬. તમને ઍનકાઉન્ટરની પ્રેરણા ક્યાંથી મળી?
- આપણા દેશમાં પ્રશ્નો સૉલ્વ કરનારા કરતા પ્રશ્નો ઊભા કરનારાઓ વધારે છે, એ જાણ્યા પછી!
(વૃત્તિ એમ. અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

૧૭. હું ચૂંટણી લડવા માંગુ છું. શું કરૂ?
- હાથ જોડો.
(મંજુલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)

૧૮. દુશ્મનાવટ ભૂલી જવા છતાં, દુશ્મનોમાં કેમ કોઇ ફરક પડતો નથી?
- ખાનદાની તો તમારી દેખાઈ ને?
(પૂર્વી પટેલ, અમદાવાદ)

૧૯. સત્ય અને પ્રામાણિકતાની કિંમત શું?
- મેં પેટ ભરીને ચૂકવી છે, માટે આનો જવાબ આપવા માટે હું નાલાયક છું.
(આર.બી. ચારણીયા, રાજકોટ)

૨૦. ‘‘કૌન બનેગા કરોડપતિ’’માં તમે રૂ. ૫ કરોડ જીત્યા હોત, તો પત્નીને આપત કે ડિમ્પલને?
- અમારા લોકોમાં એવા ભેદભાવો હોય જ નહિ.
(લલિત ટી. ભટ્ટ, રાજકોટ)

૨૧. ભારતનો નાગરિક રાષ્ટ્રદેવો ભવઃક્યારે શીખશે?
- નાગરિક...? ભારતમાં તમે વળી નાગરિક ક્યારે જોયો? આપણા દેશમાં તો કોઈ વૈષ્ણવ છે, કોઈ જૈન છે, કોઈ બ્રાહ્મણ છે... આવી નાગરિક જેવી ગાળ ન બોલો, ભાઈ!
(અજયસિંહ આઈ. ચંપાવત, હિંમતનગર)

૨૨. એક ટીવી શોમાં શત્રુધ્ન સિંહાએ અમિતાભ બચ્ચનને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. આપની કમૅન્ટ?
- હમણાં એક ઍડમાં પેલું હાડપિંજર ખન્નુય નથી મંડયું...? લેકીન શેર આખિર શેર હોતા હૈ...!
(રસિક શાહ, ભાવનગર)

૨૩. દેશના સર્વોત્તમ છાપાની વ્યાખ્યા શું?
- બસ. જેમાં ઍનકાઉન્ટરછપાતું હોય!
(ચેતન રાજાણી, રાજકોટ)

૨૪. તમે વાત વાતમાં બા ખીજાયકહો છો. વાઈફ ખીજાય એવી નથી?
- વાઈફો તો બા ઉપરે ય ખીજાય, બોલો!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૨૫. જાણે બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ’, એવું ધર્મપત્નીને કહીએ તો કેવું લાગે?
- બસ. એના ગોરધનને ખબર ન પડવી જોઈએ.
(ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર)

૨૬. ભગવાન શ્રી કૃષ્ણે સુદામા પાસેથી પોતાનું પિતામ્બર પાછું માંગી લીઘું, ત્યારે સુદામાને કેવી લાગણી થઈ હશે?
- દ્રોણાચાર્યે કર્ણ પાસેથી અંગૂઠો માંગી લીધો હતો તેવી.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

૨૭. સાંભળ્યું છે કે, તમે કોઈની ઉપર વેર નથી રાખતા... ફાયદો થયો કે નુકસાન?
- હવે તો એ લોકોને નુકસાન થાય છે, એનો ય જીવ બળે છે.
(કાર્તિકી મનોહરભાઈ શુક્લા, અમદાવાદ)

25/05/2012

‘કાલા આદમી’ (’૬૦)

ફિલ્મ : કાલા આદમી’ (’૬૦)
નિર્માતા-નિર્દેશક  :  વેદ-મદન
સંગીત  :  દત્તારામ
ગીતકારો  :  હસરત જયપુરી - શમીમ જયપુરી
રનિંગ ટાઈમ  :  ૧૫-રીલ્સ
થીયેટર  :  ખબર નથી.
કલાકારો :  અશોક કુમાર, શ્યામા, મેહમુદ, જ્હૉની વૉકર, રાજ મેહરા, શીલા વાઝ, મીનુ મુમતાઝ, નીલોફર, બૈજ શર્મા, રામ મોહન, બ્રહ્મદત્ત અને અમર.

*****
ગીતો
૧. હમ ભી તો તેરે, દીવાને હૈં, દિલ તોડ કે ન જા.... મુહમ્મદ રફી (મેહમુદ)
૨. બીમા લાઈફ, બીમા પૉલિસી બાબુ ઇન્શ્યોરન્સ કરા લો... મુહમ્મદ રફી (જ્હૉની વૉકર)
૩. અખીયાં મિલાકે તુને મુઝકો હી જીત લિયા... લતા મંગેશકર-કોરસ (શ્યામા)
૪. મેરા તો દિલ દિલ દિલ ઘબરાયે રે... લતા-રફી (શીલા વાઝ-જ્હૉની વૉકર)
૫. દિલ ઢુંઢતા હૈ સહારે સહારે, લૂટે દિલ કે અરમાં... મૂકેશ (અશોક કુમાર)
૬. આંખ મિલાકર વાર કરૂંગી.... સુમન કલ્યાણપુર (મીનુ મુમતાઝ)
(કૌંસમાં જે તે ગીત કયા કલાકાર ઉપર પિક્ચરાઈઝ થયું છે, તેમના નામ છે.)
*****

સ્વ. મૂકેશનું હજી ૨૦૦- વર્ષ ચાલે એવું મીઠડું ગીત, ‘દિલ ઢૂંઢતા હૈ સહારે સહારે, લૂટે દિલ કે અરમાં બુઝૈ નૈન સારેઆ ફિલ્મ કાલા આદમીનું ગીત છે, એટલે અને અશોક કુમાર હીરો છે, એટલે આ ફિલ્મ જોવાની ઈચ્છા થઈ. દોસ્તોની માફક ફિલ્મોની પસંદગી કરવામાં ય અમારા નિર્ણયો ખોટા પડ્યા છે, તેની પાછી નવી સાબિતી. અશોક કુમારને હું તો અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની પણ ઉપર મૂકુ-એક ઍક્ટરતરીકે, પણ આ ફિલ્મમાં અશોક કુમાર પ્રદીપ કુમાર બની ગયો છે. ભારત ભૂષણ કરતા ય વઘુ નિશ્ચલ રહીને આખી ફિલ્મમાં અશોકે શરીરના અવયવોને હલાવ્યા વિના ઍક્ટિંગ કરી છે. આટલું મઘુરૂં મૂકેશીયું ગીત’... આના કરતાં તો નાના પળશીકર જેવાએ વઘુ હાવભાવથી ગાયું હોત. એ સમય એવો હતો જ્યાં સારી ફિલ્મો તો પચાસમાંથી માંડ એકાદી નીકળે. પ્રેમલા-પ્રેમલી અને ક્રાઇમ, એ બે પ્રકારની ફિલ્મો ૫૦-ના દાયકામાં નિર્માતાઓને ખોટ તો નહોતી કરાવતી, એટલે શક્તિ સામંત જેવા અનેક સીગ્રેડના નિર્માતાઓ આવી ફિલ્મો અને પ્રેક્ષકોને સહજતાથી બનાવવા માંડ્યાં. આપણો ભરોસો દાદામોની ઉપર કે, એ પછી સાવ દીધે રાખવાની ફિલ્મોમાં તો કામ ન જ કરે... આ ભરોસો આજે મારા પચ્ચા વરસ પછી તૂટ્યો.

એ જમાનાની ફિલ્મ ભંગાર હોય, એનો દુઃખાવો ન ઉપડે, કારણ કે ફિલ્મો તો બધી એવી આવતી હતી. આ કૉલમ વાંચનારાઓ એ જમાનાની ફિલ્મો જોનારાઓ પણ છે અને આપણને સહુને ખબર છે કે, મોટે ભાગે તો ફિલ્મોના આહલાદક ગીત-સંગીતને કારણે માથે તો નહોતી પડતી. સંગીત લગભગ બધીઓનું સારૂં કે નહિ?

કાલા આદમીમાં તો એવો ય શકરવાર ન નીકળ્યો. મૂકેશના આ ગીતને બાદ કરતાં-આમ અધરવાઇઝ, એમના પેલા ફૅમસ દત્તુ ઠેકાને કારણે મારા મનગમતા બની ગયેલા મશહુર સંગીતકાર અસલમાં તો પર્કશન્સ (રીધમ સૅક્શન)ના માસ્ટર હતા. (આ દત્તુ ઠેકો તમને ય યાદ કરાવી દઉં. ઢોલક-તબલાંને સહારે દત્તારામના ઘણા ગીતોમાં શંકર-જયકિશન અને પછી તો અનેક સંગીતકારોએ આ ઠેકાનો ઉપયોગ કરીને મસ્ત ગીતો બનાવ્યા. યાદ કરજો, ગીતની સાથે સાથે વાગતા તબલાં-ઢોલકના ઠેકા) જેમ કે, (૧) મીઠી મીઠી બાતોં સે બચના જરા, દુનિયા કે લોગોં મેં હૈ જાદુભરા (૨) ઓ ઇસ દુનિયા મેં જીના હો તો સુન લો મેરી બાત, ગમ છોડ કે મનાઓ રંગરેલી, ઔર માન લો જો કહે કિટી કૅલી’ (૩) મસ્તીભરા હૈ સમા, હમતુમ હૈ દોનોં જવાં (૪) બોલે યે દિલ કા ઇશારા, આંખોને મિલકે પુકારા (૫) કજરે બદરવા રે, મરજી તેરી હૈ ક્યા જાલમા. બદનસીબ દત્તુનુ અને મારૂં ય હશે કે, રફી-લતા-સમુનના ગીતો હોવા છતાં બાકીના કોઇ ગીતમાં કશો ભલીવાર નહિ. દાદામોનીને તડકે મૂકી આવવા પડે, એવી ફાલતુ એક્ટિંગ. શ્યામા જોવી તો ખૂબ ગમે, પણ એમ કાંઈ ત્રણ કલાક એને જો જો કરવામાં ઓછા વાપરી નંખાય છે? (બા ઘરમાં ન હોય, તો વાત જુદી છે!)

શ્યામાને એના ફૂલ-ફ્‌લૅજમાં આપણે એની ૬૦-પછીની ફિલ્મોમાં, એ હીરોઈન મટી ગયા પછી જોઇ ને તો ય એના રૂપમાં ભારોભાર અને વજનદાર ઘણું બઘું હતું. પણ એનો અસલી જમાનો ૫૦-ના દાયકામાં, જ્યાં એ ઑલમોસ્ટ સુપર સ્ટાર હતી. ફિલ્મફૅરના લગભગ દરેક ઈશ્યુમાં એના કલર ફોટા સાથે સ્ટોરી-બોરી હોય. મોટા હીરો સાથે કામ કરવા ન મળ્યું તોય બી-ગ્રેડના તમામ હીરો સાથે એની મહત્વની ફિલ્મો આવી છે. થોડી બેવકૂફ હતી એ... (સુધારો : ‘થોડીનહિ... ઘણી બેવકૂફ હતી એએમ વાંચવું! સુધારો પૂરો) કે પુરૂષ મિત્રોની જેમ ગમે તેવી ફિલ્મોમાં ગમે તેવા રોલ લેવાની ય ના નહિ. જેનો કાયમી હીરો અશોક કુમાર હોય, એ શ્યામાને જ્હૉની વૉકર સાથેની ફિલ્મ પણ લેવાનો કોઇ વાંધો નહિ. હીરોઇન તરીકે જમાનો ચાલુ અને પૂરબહારમાં હોવા છતાં બીજી કોક ફિલ્મમાં સાઇડ-હીરોઈન કે વૅમ્પનો રોલ મળે તો ય ના નહિ કહેવાની. ખંડાલા ઘાટ સુધી દિલીપ કુમાર એને ડ્રાઈવ કરીને એકલી લઈ જવા માંગતો હોય કે કોઈ ફાલતુ ને કાબરચીતરો કદરૂપો નિર્માતા લઈ જવા માંગતો હોય... કોઈને ના જ નહિ. ધીમે ધીમે નહિ, પણ ઘણી ઝડપથી એનુ કૅરેક્ટર પણ લૂઝ થતું ગયું. દેવ આનંદના નવકેતન ફિલ્મ્સથી બધી ફિલ્મોના પારસી કૅમેરામૅન ફલી મિસ્ત્રી સાથે એ પરણી, પણ પારસી બાવો ભલો હતો... અને લાચાર પણ હતો. કાકો બઘું જાણતો હતો કે, એની પત્નીના ચરિત્ર માટે કાંઇ બોલાય એવું નથી. શ્યામાના છોકરાઓ ય માની હરકતોથી ત્રાસી ગયા હતા. તા. ૧૨મી જૂન, ૧૯૩૫માં પાકિસ્તાનના લાહૌરમાં સાવ સાધારણ મુસલમાન-પરિવારમાં જન્મેલી શ્યામાનું અસલી નામ ખુરશિદ અખ્તર બેગમહતું. મુંબઇ આવીને એના પિતાને ક્રોફર્ડ-માર્કેટમાં ફળોની લારી હતી, તેમાં મદદ કરતી. નૂરજહાં અને શશીકલાને ચમકાવતી પેલી ફૅમસ કવ્વાલી આંહે ન ભરી શિકવે ન કિયે, કુછ ભી ન ઝુબાં સે કામ કિયામાં શ્યામુ હતી ને એ જ એનો પહેલો સ્ક્રીન-પ્રવેશ. પેલી હરકતોને બાદ કરતા શ્યામા ખૂબ ભલી અને હસમુખી સ્ત્રી છે. ગુજરાતી સરસ બોલી શકે છે.

આપણને ગમે નહિ આવું વાંચવાનું, પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોરૂં નહોતું. મને ને તમને એમના વિશે ખબર ન હોય, ત્યાં સુધી જ સહુ સારાં. અઢળક સ્ત્રીઓના મામલે અને સ્ત્રીઓને કારણે અત્યંત ઘટિયા વર્તન કરનારાઓમાં દેવ આનંદ, દિલીપ કુમાર, અશોક કુમાર કે શમ્મી કપૂરો ય બાકાત નહોતાં. અમારૂં નૉલેજ કાચું પડતું હોય તો ખબર નથી, પણ એક માત્ર સુનિલ દત્ત ચરિત્રનો સ્વચ્છ હીરો રહ્યો હતો. એને તો અનેક વહેતી ગંગાઓ મળે, છતાં એકે ય માં હાથ ધોવા ગયો નથી.

કાલા આદમીમાં મેહમુદ વિલન હતો અને જ્હૉની વૉકર રાબેતા મુજબનો કૉમેડીયન. મેહમુદને ફિલ્મોમાં લાવનાર જ્હૉની વૉકર હતો, પણ કોમેડીમાં મેહમુદ જ્હૉનીને બહુ આસાનીથી મ્હાત દેતો રહ્યો, એમાં સંબંધો કાયમ માટે બગડ્યા. મેહમુદ ગમે તેવો હશે, પણ પોલિટિશયન નહોતો. એ કોઈની આઘીપાછી નહોતો કરતો, એની જ્હૉનીને ખબર, એટલે મેહમુદનો આંકડો કઢાવવામાં જ્હોનીને ધારદાર સફળતાઓ મળતી રહી. તમે યાદ કરો, દિલીપ કુમાર, રાજકપૂર કે દેવ આનંદની બહુ નામની ફિલ્મોમાં મેહમુદને ચાન્સ મળ્યાં છે. બહુ ઓછાને ખબર હશે કે દેવ આનંદની ફિલ્મ સી.આઈ.ડી.ની હીરોઇન શકીલાની બહેન નૂર જ્હૉની વૉકરને પરણી હતી, તો બીજી બાજુ મઘુબાલાની પાંચમા નંબરની બહેન શાહિદાજ્હૉનીના ભાઈ વિજયકુમારને પરણી હતી. મઘુબાલાની ફક્ત આ બહેન મુસલમાનમાં પરણી હતી, બાકીમાં સૌથી મોટી ફાતિમાકનીઝા વલસાડના બલસારા અટકધારી એક પારસીને પરણી છે. બીજી અલ્તાફપણ હોમી કોતવાલ નામના પારસીને, ત્રીજી મઘુબાલા પોતે હિંદુ કિશોર કુમારને પરણી, એનાથી નાની ચંચલ’ (‘જીસ દેશ મૈં ગંગા બહેતી હૈમાં પ્રાણને એય રા...ક્કાકહીને ચીઢવતી તે) હિંદુ લેખક-દિગ્દર્શક એસ.કે. પ્રભાકરને પરણી અને સૌથી નાની ઝાહિદા સંગીત જગતમાં મોટું નામ ગણાતાં બ્રીજ ભૂષણ નામના હિંદુને પરણી છે. એમ તો મેહમુદની કોઈ ૩-૪ પત્નીઓમાં એક તો મીનાકુમારીની સગી બહેન મઘુ પણ હતી, જે kleptomaniac હતી. આ રોગનો ઇલ્કાબ એવાઓને અપાય છે, જે આપણા ઘેર કે કોઈ સ્ટોરમાં જઈને છાનીમાની ચોરી કરી લે, પણ પૈસા ખાતર કે કિંમતી ચીજ ચોરવા માટે નહિ... આવાઓનો તો પોતાને ય ખબર ન હોય કે ચોરી શું કામ કરી છે!

મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ પણ છે. ૬૦-ની સાલ સુધી અશોક કુમાર હીરો તરીકે આવતો હતો... મતલબ કાકા પચ્ચા વરસની ઉંમરે પણ બગીચાનો બાંકડો એકલા એકલા નહોતા વાપરતા. દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ અને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત આ દાદામોની’ એ જમાનામાં નહોતા હીરો રહી શકતા, ન કૅરેક્ટર-આર્ટિસ્ટ બની શકતા. એક મહાન અભિનેતા તરીકે એમનું મૂલ્યાંકન બિમલ રૉયની બંદિનીપછી શરૂ થયું... ત્યાં સુધીની ફિલ્મોમાં એ સ્ટાર વધારે ને ઍક્ટર ઓછા હતા. એ વાત જુદી છે કે, ‘બંદીનીપછી આજ સુધી એ ભારતના આજ સુધીના સર્વોત્તમ ઍક્ટર બનીને રહ્યા.

કાલા આદમીમાં કૅમેરા ય કાળો જ રહ્યો છે. અંધારું વધારે. બ્લેક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના આઉટડોર ગીતોની ફોટોગ્રાફીમાં બૅક-પ્રૉજેક્શનનો ઉપયોગ ચણા-મમરાની જેમ થતો. ઘરમાં ને ઘરમાં કામ પતી જાય ને સ્ટુડિયોની બહાર જઇને શુટિંગ કરવાનો ખોટો ખર્ચો ન આવે. આ પઘ્ધતિ મોટે ભાગે કાર કે ઘોડાગાડીના દ્રશ્યોમાં બહુ વપરાતી. હીરો-હીરોઇન સ્ટુડિયોમાં કારમાં જ બેઠેલા રહે. એમની પાછળ કે આજુબાજુના દ્રશ્યો હરતા-ફરતા લાગે, તેમાં અગાઉથી એકલી કૅમેરામેનની ટીમ જઇને આવી જ કારમાં કૅમેરા ગોઠવીને માત્ર પાછળ પાછળ દોડતા રસ્તાઓની ફિલ્મ ઉતારી લાવે, જે ઍકચ્યૂઅલ શૂટિંગ વખતે ગાડીની પાછળ સિનેમા હૉલ જેટલી સાઇઝના મોટા પડદા પર બતાવે. મતલબ, આ બે જણા એમની ગાડીમાં/સ્ટુડિયોમાં બેઠા રહે ને પાછળ મોટા પડદા ઉપર ફક્ત રસ્તાના દ્રશ્યો દેખાય, એટલે જોનારાને લાગે કે, આમની ગાડી ચાલી રહી છે. ઘોડેસવારીમાં પણ આવા જ બૅક-પ્રોજૅક્શનનો ઉપયોગ થાય છે. માત્ર પૂતળાંના ઘોડા ઉપર બેઠેલા, હીરોના વાળ અને કપડાં ઊડતા બતાવવા, મોટા જાયન્ટ સાઈઝના પંખા એની ઉપર ચાલુ રાખવામાં આવે. ફિલ્મના ટાઈટલ્સ ઉપર તમે જે સ્પેશિયલ ઇફેક્ટ્‌સકે સાઉન્ડ-ઈફેક્ટ્‌સવાંચો છો, તે લોકો એ પંખાની પાછળથી ઘૂળ ને કચરો વગેરે પંખા આગળ પધરાવતા રહે ને ઘોડાના ડાબલાંનો અવાજ મોટા ભાગે બોંગો-કોંગો કે એવો જ ઘ્વનિ પેદા કરી શકતા સાધનોથી ઊભા કરવામાં આવે, એટલે ફિલ્મ જોતી વખતે ઘોડા ઉપર ભાગી રહેલા હીરોના વાળ ઊડતા દેખાય, ડાબલાં સંભળાય અને ધમધમધમ મ્યૂઝિકને લીધે ઘડીભર તો પ્રેક્ષકોના જીવો ય અઘ્ધર થઈ જાય. આ દ્રશ્યોમાં લૉગ-શોટ્‌સમાં દૂરથી ઘોડા ઉપર હીરોને ભાગતો બતાવાય, તેમાં હીરો પોતે નહિ પણ એનો ડુપ્લિકેટ હોય... આપણે જાણે વટવા ઔદ્યોગિક વસાહતમાં ઘોડાગાડીનું કારખાનું નાખ્યું હોય એમ ખુશ થતા હોઇએ કે, રાજેન્દ્ર કુમારને ઘોડેસવારી પરફૅક્ટ આવડે છે, હોં!

ઘણા દિલધડક દ્રશ્યોમાં હીરો ૮-૧૦ માળના બિલ્ડિંગ ઉપર પાઇપ કે બારીઓની ધાર પકડીને ઉપર ચઢતો બતાવાય છે. જોનારાને એમ પણ થાય કે, આવું જોખમી શૂટિંગ કેવી રીતે કર્યું હશે?

આ ફિલ્મના એક દ્રષ્યમાં અશોક કુમાર અને જ્હૉની વૉકર એક બિલ્ડિંગની દિવાલ પર ચઢે છે. જાણવાનું એટલું જ કે, સ્ટુડિયોમાં પેલા ૮-૧૦ માળના બિલ્ડીંગની એક બનાવટી દિવાલ ઊભીને બદલે જમીન પર આડી પાથરી દીધી હોય છે. હીરોને તો દેડકાની માફક ચાર પગે જમીન પર ચાલતો હોય, એવી જ ઍક્ટિંગ કરવાની હોય છે. અલબત્ત, કમ્પ્યૂટરના જમાનામાં હવે કૅમેરાની કરામતોને લીધે આવા સૅટ્‌સ બનાવવાને બદલે કમ્પ્યૂટર જ આવું સલામત બિલ્ડીંગ, એની ઉપર ચઢતો હીરો અને નીચે ધમધમધમ જતો ટ્રાફિક આબેહૂબ લાગે છે.
(સીડી સૌજન્ય : શ્રી. ચંદુભાઈ બારદાનવાલા, જામનગર)