Search This Blog

27/02/2013

કાળાં કપડાંના શોખિનો...

એક હતું જંગલ... બે નાનકડા ગામોને જોડતું જંગલ. ટોપી વેચતો એક ફેરીયો બપોરના તાપથી કંટાળીને એક ઝાડ નીચે માલ ભરેલો થેલો બાજુમાં મૂકીને સુઈ ગયો. ઝાડ ઉપર વાંદરા બેઠા હતા...

ઓય હોય હોય...! હું આખી સ્ટોરી તમને શું કામ કહું છું ? બધાને ખબર છે. ધૅટ્સ ફાઈન, વાતનો ફક્ત સાર કહી દઉં કે, ટોપીવાળો બુધ્ધિશાળી હતો (સાબિતી : એ કદી 'બુધવારની બપોરે' નહતો વાંચતો !) સમજી ગયો કે, હું જે કાંઈ કરૂં છું, એની વાંદરાઓ કેવળ નકલ કરે છે... પોતાની બુધ્ધિ દોડાવતા નથી. એટલે વાંદરાઓએ ચોરી લીધેલી ટોપીઓ પાછી મેળવવા પોતાની પહેરેલી ટોપી ફેરીયો જમીન પર પછાડે છે. કાચી સેકંડમાં તમામ વાંદરાઓ બધી ટોપીઓ પાછી ફેંકી દે છે. (સાબિતી નં. ૨ : એ વાંદરાઓ રાજકારણમાં નહોતા...!)

એ પછી આગળ વધેલી વાતમાં નવી માહિતી એ છે કે, એક જમાનામાં આપણો 'જાની' રાજકુમાર ઑફ-વ્હાઈટ પૅન્ટ અને સફેદ શૂઝ અને મોજાં પહેરતો. માની ન શકાય એવું એનું શરીર સૌષ્ઠવ, ગુલાબી સ્કીન, ખૂબ્બ જ હૅન્ડસમ અને અદભૂત ચાલને કારણે એને આવું બધું ધોળું-ધોળું શોભતું ય હતું. બસ. આપણે ય રાજકુમાર જેવા લાગીશું, એમ માનીએ આપણા જીતુભ'ઈ એટલે કે ફિલ્મસ્ટાર જીતેન્દ્ર અને વિશ્વજીતો ય સફેદ પૅન્ટ ને સફેદ બૂટ-મોજાં પહેરવા માંડયા હતા. (સાબિતી નં. ૩ : ટોપી પહેરવાથી રાજકુમાર ન બની શકાય ને લંગોટ પહેરવાથી દારાસિંઘ ન બની શકાય.)

(સંસારની સર્વોત્તમ જોક : વિશ્વજીતે હમણાં કોક ઇન્ટર્વ્યુમાં કહ્યું છે કે, સફેદ પૅન્ટ અને શૂઝની શરૂઆત એણે કરી હતી.... મતલબ, રાજકુમાર વિશ્વજીતની નકલ કરતો હતો...! જય અંબે)

એ દિવસોમાં તો આખેઆખું રાજકોટ ને જામનગરેય ઉપડયું હતું... લંગોટ પહેરવા નહિ, સફેદ શૂઝ અને સફેદ પૅન્ટ પહેરવા ! હું તો આ બન્ને સ્થળે ઉછર્યો છું, એટલે ખબર કે દર ત્રીજો માણસ આ જ લિબાસમાં જોવા મળે... ભલે ને પાનના ગલ્લે ઊભો હોય કે દીકરીના લગ્નમાં ! પાનને ગલ્લે વધારે એટલા માટે ઊભા હોય કે, સફેદ શૂઝને ડાઘા જલ્દી પડી જાય તો તાબડતોબ એની ઉપર પાનમાં ખાવાનો ચૂનો ચોપડી શકાય... પછી જીતેન્દ્રની માફક ''મસ્ત બહારોં કા મૈં આશિક, મૈં જો ચાહે યાર કરૂં...'' ની અદાઓ સાથે સાયકલ પર બેસી જવાય ! રાજકોટમાં તો ઈવન આજે ય તમને આવા કાઠીયાવાડી જીતેન્દ્રોને વિશ્વજીતો જોવા મળશે.

તો આ સારૂં છે કે, રાજકુમાર લાલ બૂટ, લાલ પૅન્ટ ને લાલ ચડ્ડી-લેઘા નહોતો પહેરતો !

એવું રામ જાણે મિથુન ચક્રવર્તીનો કેટલો પ્રભાવ કે, ફિલ્મોમાં એણે બ્લૅક-શર્ટ-પૅન્ટ પહેરવાના શરૂ કર્યા કે આપણા સ્થાનિક મિથુનો ય ઉપડયા ભેળાભેળા કાળા કપડાં પહેરવા ! આ તમારી રેખાએ દ'ઈ જાણે કઈ ફિલ્મમાં કાળી સાડી પહેરી (કે કાઢી) હશે કે ભારતભરની કાળી ડીબાંગ સ્ત્રીઓ, ''હવે આપણાથી ય કાળી સાડી પહેરાય...!'' ના ધોરણે કાળી સાડી કે કાળા ડ્રેસો પહેરતી આજ સુધી બંધ નથી થઈ !

ઓ બેન... તું તારો કલર તો જો, બેન... (પંખો તો પછી ચાલુ કરૂં છું...!) 'તારા કાળા રંગમાં વાંક ઈશ્વરનોય નથી... એ તલ બનાવવા ગયો, ને સ્યાહિ ઢોળાઈ ગઈ !' રેખાએ પહેરી ને તને સારી લાગશે, એટલે તું પહેરે ને ફક્ત રેખાને સારી લાગવાની હોય, તો તને માફ છે, બેન... પણ તને કાળી સાડી પહેરેલી જોવાની છે અમારે, એમાં તારી સ્કીન ક્યાં પૂરી થાય છે ને સાડી ક્યાંથી શરૂ થાય છે, એની તો ખબર પડવી જોઈએ કે નહિ ? હજી કાંઈ બાકી રહી જતું હોય તેમ તું પૂરા ધોળા થઈ ગયેલા વાળ કાળા કરી આઈ છું, એટલે સમગ્ર અસ્તિત્વમાં અમારે તો તું હસે ત્યારે તારા સફેદ દાંત સિવાય ધોળું ધોળું કાંઈ જોવાનું જ નહિ ? હવે તો ડર લાગે છે કે, તારા ઘરે ચા-પાણી માટે આઈશું, ત્યારે તારી ભીંતો ય કાળી ન નીકળે...! આ તો એક વાત થાય છે...

ઓહ દેસી મિથુનજી, કાળો રંગ આપનો કસૂર નથી. જન્મથી જે પૅકેજ આવ્યું હોય, એ જ વાપરવું પડે. આ લેખ લખનારે ય કાળો ધબ્બ છે, પણ શ્યામળા હોવાનો કોઈ રંજ કે લઘુતાગ્રંથિ તો માય ફૂટ...! હું તો સાલો સફેદ કપડાંમાં ય કાળો લાગું છું. દુનિયાભરના કાળા ગોરધનોને વાઈફો તો ગોરી જ મળે છે, એટલે કદાચ મને ય બંધ પડેલા ટીવીના સ્ક્રીનના રંગનો બનાવ્યો હશે. પણ બાય ગૉડ, મને એનું ય ગૌરવ છે... કારણ કે દુનિયાભરમાં મારા કરતા ય વધારે કાળીયાઓ રૂપિયાના છ અડધાને ભાવે જોઈએ એટલા મળે છે... આફ્રિકા-વેસ્ટ ઈન્ડીઝમાં તો આજે ય હું 'ગોરો' ગણાઉં છું. પણ આપણા ઘણા સ્થાનિક કાળિયાઓ કરતા હું નોખો એટલા માટે પડું છું કે, હું ડામરછાપ છું, તો મને ક્યા રંગના કપડાં ઓછા ખરાબ લાગે, એનું મને ભાન છે. સ્કૂલમાં એક નાટકમાં મને બ્લૅક-પ્રિન્સનો રોલ મળ્યો હતો. બધાનો મૅઈક-અપ થઈ ગયો, એટલે હું ય લાઈનમાં બેઠો, તો મૅઈકઅપમૅને મને કહી દીધું, ''છોકરા, તારે નવો મૅઈક-અપ કરાવવાની જરૂર નથી.''

પણ આપણા લોકલ મિથુનો કે રેખાઓને નથી ખબર પડતી. એમાં ય કાળી જરસી પહેરી હોય ત્યારે તો કાળા ગૉગલ્સ ખાસ પહેરે. તાજ્જુબીની વાત તો એ છે કે, જેઓ રંગે કાળા નથી હોતા, એ ય એમ માની બેઠા છે કે, કપડાં તો કાળા જ પહેરવાના, હઓ ! ...આપણે એમાં ટોપ લાગીએ છીએ...! તારી ભલી થાય ચમના... ટોપ તું કપડાંના રંગને કારણે નથી લાગતો... તારી પોતાની પર્સનાલિટીને કારણે લાગે છે...! કાલ ઉઠીને કોઈ તને એવો ય ભરાવી દે કે, હાથમાં ભાલો, માથે અને કમર ઉપર લાંબા પીંછા અને બાંવડા અને ગળામાં ઘુંઘરૂ ને પગમાં સ્લીપર પહેર્યા પછી તું ટાકુમ્બા સ્ટૅટના પ્રિન્સ ગોગુમ્બા જેવો લાગે છે, એટલે તું ગામમાં પીંછા પહેરીને ફરવાનો ? અને ફરીશ તો અમે બધા તો જાવા દિયો... તારી બા ય નહિ ખીજાય ?

હું તો થોડો ઘણો સંગીત સાથે સંકળાયેલો છું, એમાં એ વર્ષોથી જોઉં છું કે, સ્ટેજ પરના ઘણાં કલાકારો કાયમ કાળા કપડાં પહેરીને હાઈલાં આવે છે ! કૉમિક એ વાતનું છે કે, મોટા ભાગે તો બૅક-સ્ટેજનો પરદો ય કાળો ધબ્બ હોય ને ઉપરથી આ આખી ટીમ કાળા સાબુથી નહાઈને આવી હોય. કફોડી હાલત આપણી થઈ જાય કે સાલો ગાય છે ગુલાબી ગીત, પણ આપણા ઉપર કાળું ગીત ફેંકાય છે !

એવું ય નથી કે, કાળા કપડાં ખરાબ જ લાગે...! પ્રસંગોચિત તો ઘણીવાર ઘણાને સારા ય લાગતા હોય છે. ઈવન, કાળાઓને ય કાળા કપડાં સારા લાગી શકે છે, પણ પછી એ વાઘાં કાયમી થઈ જાય પછી તકલીફ આપણને. પહેરેલા કપડાં એ લોકોને પોતાને વાંકા વળી વળીને જોવા નથી પડતા... આપણે જોવા પડે છે...! આમાં મને શપોર્ટ કરવા કેમ કોઈ કાંય કે'તું નથ્થી...?

આપણા દેશમાં કાળા કપડાં અપશુકનનું પ્રતિક મનાય છે. કોકના લગ્નપ્રસંગે અજાણતામાં ય કોઈ બ્લૅક પહેરીને આવ્યું હોય, તો ગુસપુસ થતી, ''સાલો લગ્ન ભંગાવવા આયો છે...!'' જૂની ફિલ્મોમાં યાદ હોય તો કેવળ ગુંડા-મવાલીઓ કાળા કપડાં પહેરતા. દેવ આનંદ કદાચ પહેલો હીરો હતો કે ફૂલ-ડ્રેસ કાળો પહેરતો, પણ એમાં ય એ પોતે ગુંડો કે મિકેનિક બન્યો હોય તો! ત્યાં સુધીની ફિલ્મો જ નહિ. સમગ્ર સમાજમાં પણ કાળાં કપડાં પહેરનારાઓ તરફ ખાસ કોઈ માનની નજરે ન જોતું. ''આ શું આવા સારા પ્રસંગે કાળું પહેરીને આયો છું ?'' એવી ડાંટ વડિલો આપતા.

ઍની વૅ... આ આખા લેખનો સારાંશ... મલ્લિકા શેરાવત, પૂનમ પાંડે કે સની લિયોનને કાળા કે ધોળા કપડાં... કાંઈ લાગુ પડે છે ?... જય અંબે.

સિક્સર

દૂર કોઈ વેરાન હાઈ-વે પર પાનનો સાવ સામાન્ય ગલ્લો જોઈને સલિમભાઈ સિગારેટ લેવા ગાડીમાંથી ઉતરતા હતા. અજીતસિંહ 'બાપુ' એ પૂછ્યું, ''...ઓળખાણ વગર આપશે ?'' ચોંક્યા સલિમભાઈ, ''અરે આમાં શેની ઓળખાણ-ફોળખાણ...?''

''કોઈ વાંધો નહિ. તમે ત્યારે મારૂં નામ આપજો... સિગારેટ આપી દેશે.''

સલિમભાઈના ગળે હજી ઉતરતું નથી કે, 'અજીતસિંહ'નું નામ ન દીધું હોવા છતાં, વગર ઓળખાણે પેલાએ સિગારેટ આપી કેવી રીતે ?

24/02/2013

ઍનકાઉન્ટર 24-02-2013

૧ અશોકભાઈ, તમારી સફળતાનું રહસ્ય શું?
- હજી સુધી કોઈને નફરત નથી કરી એ.

(પ્રણવ કવા, ગાંધીનગર)


૨ એકે ય રાજકીય પાર્ટી આપણને ફળાહાર કરવા કેમ બોલાવતી નથી?
- ટ્રાય મારી જુઓ. ફળ આપણે લઈ જવાના... આહાર એ લોકો કરશે.
(વિક્રમ સી. પંડયા, અમદાવાદ)

૩ તમામ સામાજિક સંબંધોમાં શ્રેષ્ઠ સંબંધ ક્યો?
- ટકે તે.
(મૌલિક જોશી, જુનાગઢ)

૪ ગાંધીજી હયાત હોત તો આજની આપણી પાર્લામૅન્ટ માટે શું કહ્યું હોત?
- ''હે રામ''
(ભરત ડી. સાંખલા, ડીસા)

૫ આઝાદીના ૬૪ - વર્ષો થવા છતાં વડાપ્રધાન કહે છે, 'ભ્રષ્ટાચાર એમ રાતોરાત દૂર ન થાય...!' તો ૬૪ - વર્ષ પૂરતો સમય નથી?
- આપણા દેશમાં રાતોરાત તો વડાપ્રધાને ય દૂર થતા નથી!
(સાધના પી. નાણાવટી, જામનગર)

૬ ચૂંટણીમાં ઊભા રહેવાનું હોય, તો તમે ક્યો પક્ષ પસંદ કરો?
- મને ના-લાયક ધારી લેવાનો તમને આ એક સવાલ પૂરતો હક્ક આપું છું.
(યોગેશ કૃ. દલાલ, સુરત)

૭ ચૂંટણીઓ તો પતી ગઈ... હવે કેમ એકે ય નેતા દેખાતો નથી?
- કંઈક સારું જોવાની ટેવ પાડો ને...!
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ)

૮ રામદેવ અને અન્ના એકબીજાનો લિબાસ બદલી લે તો કોઈ ફેર પડે? બન્ને બહુરૂપી છે.
- બન્નેમાંથી એકે ય બહુરૂપી તો સહેજ પણ નથી. જનમના અસલી લિબાસમાં જ પ્રજાએ તેમને જોવા પડયા છે!
(ઘીમંત એચ. નાયક, બારડોલી)

૯ પરિણિત હોય કે વિધવા, સહુ કુંવારી સ્ત્રીઓની ઈર્ષા કેમ કરે છે?
- તમે બહુ ઊલટો સવાલ પૂછ્યો!
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

૧૦ પ્રજાને લૂંટતા કરવેરા નાંખીને સરકાર કમર તોડી નાંખે છે. આપ શું કહો છો?
- ''છોટા રસ્તા ભી લમ્બા લગતા હૈ, જબ કોઈ સાથ ન હો,
લમ્બા રસ્તા છોટા લગતા હૈ, જબ કૂત્તે પીછે પડ જાતે હૈ''
(એન. યુ. વહોરા, જરોદ-વાઘોડિયા)

૧૧ શું મોટી ઉંમરે પરણતી સ્ત્રીઓ માથાભારે થઈ જાય છે?
- પગભારે ન થાય તો!
(વિશ્વા નાણાવટી, રાજકોટ)

૧૨ પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે... પણ પછી એ દેખતો ક્યારે થાય છે?
- લગ્ન પછી ઑફિસેથી પાછા આવ્યા બાદ પોતાના ઘરને બદલે પડોશીના ઘેર જવા માંડે ત્યારે.
(કૌશામ્બી રાવલ, અમદાવાદ)

૧૩ કેટલીક હીરોઈનો બીજવર, ત્રીજવર કે ચોથવરને કેમ પરણે છે?
- વળતા હૂમલા તરીકે હીરોલોગ પણ બીજવહુ, ત્રીજવહુ કે ચોથવહુઓની પૈણી નાંખે છે.
(રમેશ આર સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

૧૪ પોસ્ટકાર્ડનો ભાવ રૂ. ૧/- થયા પછી 'એનકાઉન્ટર'માં બે સવાલો પૂછી શકાશે?
- સ્વચ્છ અક્ષરે છુટી છુટી જગ્યામાં આજે ય દસ સવાલો પૂછો, તો પૂછી શકાય, પણ બાકીના ૯ સવાલો કાયમ માટે નીકળી જશે. બેહતર છે, મૅક્સિમમ બે સવાલો પૂછો.
(ખુશ્બુ માલવ મારૂ, સુરત)

૧૫ ઘોડા માટે ચાબુક ને ગઘેડા માટે ડફણું, તો પુરૂષને સીધો કરવા ક્યું સાધન વપરાય?
- જીભ કાફી છે, પણ એ પ્રકારની સ્ત્રીઓને સીધી કરવા માટે ય પહેલા બે શસ્ત્રો જ વપરાય!
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)

૧૬ તમને તમારો મનપસંદ કોઈ લેખ વખણાય નહિ તો દુઃખ થાય?
- હમણાં 'બુધવારની બપોરે'માં લિફટ બંધ હોય ને દાદરા ચઢીને ઉપર જવાનું હોય, એ વિષયે મારી સમજ મુજબનો ઉત્તમ લેખ હતો... કમનસીબે ભાગ્યે જ કોઈ બે-ચાર વાચકો ખુશ થયા, ત્યારે વાચકોની બેરૂખી ઉપર સાચ્ચે જ દુઃખ થયું હતું!
(પ્રિયા પટેલ, સુરત)

૧૭ આજકાલ મંદિરોમાં આટલી બધી ચોરીઓ થવાનું કારણ શું?
- મંદિરો ભગવાન નહિ, માણસો સંભાળે છે માટે!
(પરિમલ કે. રાજદેવ, સુરેન્દ્રનગર)

૧૮ સૌરાષ્ટ્રને રણજી ટ્રૉફીની ફાઈનલમાં પહોંચતા ૭૫ - વર્ષ કેમ થયા?
- ફાઈનલ જીતતા હવે ૭૬ - વર્ષ જ થશે!
(વિરેન્દ્ર ભરવાડ, દેવડા-કુતિયાણા)

૧૯ મોટી ઉંમરે લગ્ન કરે, એવો માણસ સમાજને કેવી રીતે ઉપયોગી થાય?
- એણે ધ્યાન એટલું રાખવાનું કે, એને ઉપયોગી થવા સમાજ રોજ બારણા ન ઠોકે...!
(વિભૂતિ નાણાવટી, રાજકોટ)

૨૦ ભરચક ભીડને કારણે મુંબઈમાં પુરુષોને ફૂટપાથો ઉપર અદબ વાળીને ચાલવું પડે છે, જેથી કોઈને હાથ અડી ન જાય... તમારે ત્યાં કેમનું છે?
- અમારે ત્યાં એવા જ ડરથી સ્ત્રીઓ અદબ વાળીને ચાલે છે!
(યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

૨૧ આજકાલ ચોરીના બનાવો વધવા પાછળનું કારણ શું?
- પોલીસ પરમેશ્વરના સ્થાને બિરાજે છે.
(કુશલ એસ. શેઠ, અમદાવાદ)

૨૨ કહેવાય છે કે, કપડાંની શોધ થયા પછી જ નગ્નતાનો જન્મ થયો... સુઉં કિયો છો?
- પહેલા નગ્નતા ઢાંકવા માટે કપડાંનો ઉપયોગ થતો... હવે કપડાં ઢાંકવા માટે નગ્નતા વપરાય છે. કોકને ખબર પડે કે, ''આ યુવતી પાસે તો કેટલા બધા કપડાં છે?'' તો મોંઢું શું બતાવવું?
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

૨૩ આ કૉલમના 'ઍનકાઉન્ટર' નામને બદલે કોઈ બીજું નામ વિચાર્યું હતું ખરું?
- 'કાઉન્ટર-ઍટેક.'
(ઝોયા પટેલ, મુંબઈ)

૨૪ દુશ્મનો સહુને હોય છે... તમારા દુશ્મનો કોણ?
- એટલું મહત્વ હું કોઈને આપતો નથી.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૨૫ ફક્ત 'બા'ના 'બાબા' હોવાને કારણે જ દેશના વડાપ્રધાન બનવાની લાયકાત આવી જાય ખરી?
- એવું નથી. થોડા વર્ષો રાહ જુઓ... બાબાભાઈએ પાળેલો કૂતરો ય વડાપ્રધાન બની શકે!
(મહેન્દ્ર પી. મોદી, ભાવનગર)

૨૬ 'મન હોય તો માળવે જવાય'... તમારી દ્રષ્ટિએ એનો શું અર્થ થાય છે?
- કહેવતમાં થોડો ફેરફાર કરો. '(પત્નીનું) મન હોય તો માળીયે ચઢાય!'
(હાર્દિક, મિત, જપન, જયનિક, અમદાવાદ)

22/02/2013

ગ્યારહ હઝાર લડકિયાં

ગીતો
૧. કામ કી ધૂન મેં હૈં રવાં... ગ્યારહ હઝાર લડકીયાં... મહેન્દ્ર કપૂર-સાથી
૨. સબ લોક જીધર વો હૈં, ઉધર દેખ રહેં હૈં... આશા ભોંસલે
૩. પેહચાનો હમ વો હી હૈં, દેખો તો આંખ મલ કે... લતા-સાથી
૪. દિલ કી તમન્ના થીં મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર નીકલતે... આશા-રફી
૫. ગમ ગયા તો ગમ ન કર, ગમ નયા જગા લે... આશા ભોંસલે
૬. દિલ કી તમન્ના થીં મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર... મુહમ્મદ રફી
૭. મેરે મેહબૂબ મેરે સાથ હી ચલના હૈ તુઝે... મુહમ્મદ રફી
(ગીત નં. ૧ અને ૭ કૈફી આઝમી, બાકીના મજરૂહ) 


ફિલ્મ : 'ગ્યારહ હઝાર લડકિયાં' ('૬૨)
નિર્માતા : અલી સરદાર જાફરી - એસ.કે. મેહતા
દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસ
સંગીત : એન. દત્તા
ગીતો : મજરુહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
કલાકારો : માલા સિન્હા, ભારત ભૂષણ, હેલન, જગદિશ કંવલ, નર્મદા શંકર, બૅબી ફરીદા, લોટન, મુરાદ, મુકરી, ઈન્દિરા, ડૅવિડ, સોની સુલતાના અને નિર્મલા મનસુખાની. 

ફિલ્મ 'ગ્યારહ હઝાર લડકિયાં' નામ સાંભળીને એ વખતે ઘણા ફિલમ જોવા ગયા અને ભરાઇ પડેલા હોવાનું મને ય યાદ છે. ભારત ભૂષણ હોય એટલે ભરાઇ પડવામાં કોઇ નવી વાત નથી હોતી. કૌતુક આજ સુધી એક વાતનું ચાલ્યું આવે છે કે, મુહમ્મદ રફીસાહેબના એકમાત્ર ગીત, 'દિલ કી તમન્ના થી મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર નીકલતે, અપના ભી કોઇ સાથી હોતા, હમ ભી બહેકતે ચલતે ચલતે...' ગીતે આજ સુધી ચાલે એવી કમાલ કરી રાખી છે કે, એક માત્ર આ ગીતને કારણે ફિલ્મનું નામ આજ સુધી લેવાય છે. એમ તો આ ગીત આશા સાથે યુગલ-સ્વરૂપે પણ હતું, પણ એ કોને યાદ રહ્યું છે? રફી સાહેબે ગાયેલા ઉત્તમ ગીતોના અમારા લિસ્ટમાં પણ આ ગીત ૧થી ૧૦માં આવે છે.

કમનસીબે, આવું બ્લૅકબૅરીની કૉસ્ટનું ગીત એન.દત્તાને ફળ્યું નહિ. એક તો અમથી ય એમની કરિયર કૅઇ શૅઇપ લેતી નહોતી, રફી અને સાહિર લુધિયાનવીની કાયમી ત્રિપુટી બનાવવા છતાં ય, '૫૫થી '૮૦ સુધીની ટોટલ કારકિર્દીમાં માત્ર ૫૫ ફિલ્મો આવી અને એમાંની કેટલી બધી ફિલ્મોમાં કેટલું મોટું કામ કર્યું? યાદ છે દત્તા નાઇકની એ સંગીત સમર્પિત ફિલ્મો? મરિન ડ્રાઈવ, મિલાપ, ચંદ્રકાંતા, મિસ્ટર ઍક્સ, લાઈટ હાઉસ, સાધના, ભાઇ-બહેન, બ્લૅક કૅટ, ધૂલ કા ફૂલ, જાલસાઝ, દીદી, ધર્મપુત્ર, કાલા સમુંદર અને છેલ્લે છેલ્લે તલતના 'અશ્કોં મેં જો પાયા હૈ, વો ગીતો મેં દિયા હૈ..'વાળી ફિલ્મ 'ચાંદી કી દિવાર...' આ માણસને પોતાનો માલ વેચતા નહિ આવડયો હોય, એટલે ટિકિટબારી ઉપર તો ફક્ત 'ધૂલ કા ફૂલ' જ તગડી સાબિત થઇ ને બાકીની ફ્લૉપ ગઇ, એમાં એમના સંગીતની ય નોંધ ન લેવાઇ! દાદા બર્મનના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર દત્તા નાઈક આ ફિલ્મ 'ગ્યારહ હઝાર લડકિયાં'ના તમામ ગીતોમાં બહુ બુરી રીતે નિષ્ફળ ગયા, તો ય રફીનું એક ગીત કાફી હતું, એમને આગળ લઇ જવા માટે... ન જવાયું, એ દુર્દૈવ... બીજું શું?

અલબત્ત, '૬૧ની સાલમાં આ ફિલ્મ રીલિઝ થઇ, તે સાથે જ ભાંગી પડેલી. કેટલાક શહેરોમાં તો બીજે દિવસે ઉતારી લેવી પડેલી. આમ તો '૬૧ની સાલમાં મેં જોયેલી ફિલ્મોના થીયેટરો આજ સુધી યાદ છે, પણ આ તો ક્યારે, ક્યાં આવી અને ક્યારે ઉતરી ગઇ, તેની ખબર નથી, મને પરફૅક્ટ યાદ છે કે, એ દિવસોમાં અમદાવાદના રીગલમાં શમ્મી કપૂરનું 'દિલ તેરા દીવાના', કૃષ્ણમાં 'અનપઢ', લાઇટ હાઉસમાં દેવ આનંદનું 'અસલી-નકલી', નોવેલ્ટીમાં મીના કુમારીનું 'મૈં ચૂપ રહુંગી', એલ.એન.માં આઇ.એસ. જોહરનું 'મૈં શાદી કરને ચલા', પ્રકાશ ટૉકીઝમાં મારા ફૅવરિટ શશી કપૂર અને નંદાનું 'મેંહદી લગી મેરે હાથ' રૂપમમાં અશોક કુમારનું 'રાખી' અને રીલિફમાં દાદુ હીરો શમ્મી કપૂરનું 'પ્રોફેસર'... મને પરફૅક્ટ યાદ છે, રીલિફની બહાર સિંગચણાની લારીવાળો ય ઊભો રહેતો હતો... (આટલા ઝડપી ઈમ્પ્રેસ ન થઇ જાઓ... સિંગચણાની લારીવાળા તો દરેક થીયેટરની બહાર ઊભા હોય...!)

આમે ય, આપણી આ કૉલમ માટે આ ફિલ્મ જોવાનો ય નહતો, પણ ભાવનગરના બીજા 'મૂકેશ' અને ત્યાં જૂનાં સંગીતને જીવતું રાખનાર રાજેશ વૈષ્ણવે આ ફિલ્મની સીડી મોકલાવી, એ પછી આકર્ષણ ખ્વાજા એહમદ અબ્બાસના નામનું હતું. રાજ કપૂરની ઘણી ફિલ્મોમાં અબ્બાસનું પ્રદાન રાજપ્રેમીઓ જાણે છે. એમાં ય નિર્માતા તરીકે એક નામ જોરદાર હતું, શાયર અલી સરદાર જાફરીનું. ખુશ થઇ ગયો કે 'ઈપ્ટા'વાળા બધા સામ્યવાદીઓએ ભેગા થઇને આ ફિલ્મ બનાવી છે, એટલે કશુંક સત્વશીલ તો હશે જ...!

સાલું કાંઇ ન નીકળ્યું. ફિલ્મ ધાર્યા કરતા વધુ બદમાશ નીકળી. અમદાવાદની ભાષામાં પેલું શું કહે છે, ''આપણું કરી નાંખ્યું, આ ફિલ્મે!'' એક તો વીસીડીવાળાએ પહેલેથી લખી નાંખ્યું હતું કે, ફિલ્મ જૂની હોવાથી દર્શકો માફ કરે, એટલે આપણાથી કાંઇ બોલાય નહિ. બીજું આખેઆખી ફિલ્મ સેપિયા કલરમાં જોવાની. ફિલ્મની વાર્તા કે કોઇના અભિનય માટે જયઅંબે બોલવાનું હોય, તો હજી અઢી રૂપિયાનો પ્રસાદ ચઢાવી આઇએ, પણ માલા જેવી સિન્હા પણ હોવા છતાં ઍક્ટિંગમાં 'બોલો... રામેરામો...' અને ફ્રૅન્કલી કહું છું કે, આ બધું ય 'હરહર ગંગે'ના નાદ સાથે, બે લોટા ઠંડા પાણીના રેડીને નહાઇ નાંખ્યું તો ય મોંઢામાંથી એક હરફ સુધ્ધાં ન ઉચ્ચારત, પણ સવા ત્રણ કલાક સુધી ભારત ભૂષણને સહન કેવી રીતે કરવો... અને એ ય પાછો ઍન્ગ્રી યંગ મૅનના રોલમાં...? તારી ભલી થાય ચમના... ગામમાં બીજાં કોઇ 'ઠંડા યંગ મૅનો' નહોતા મળતા તે ભા.ભૂ.ને 'ઝંઝીર'વાળા અમિતાભ જેવો ગરમ ખૂનવાળો રોલ પહેરાઇ દીધો? એ શોભે? 'ગંગા જમુના'નો દિલીપ કુમારવાળો રોલ તમે ગામઃ જોરાજીના મુવાડા, તાઃ ઉત્તરસંડાના દરજી ભાઇ શામજી વિઠ્ઠલને સોંપો, એ ચાલે? એક તો અગાઉથી જ ભા.ભૂ. અમારી આખી પોળની દાઢમાં કે, રફી સાહેબના ઉત્તમમાં ઉત્તમ ગીતો આ માણસ લઇ ગયો છે...!

નહિ તો, આ જ ભારત ભૂષણ પર્સનલ લાઇફમાં એક ગ્રેટ હસ્તિ હતો. હાલમાં ડિમ્પલ કાપડીયા જે 'આશીર્વાદ' બંગલામાં રહે છે, તે બંગલો રાજેશ ખન્નાએ રાજેન્દ્ર કુમાર પાસેથી લીધો હતો, જેણે એ ભારત ભૂષણ પાસેથી ખરીદ્યો હતો. ભા.ભૂ.નો એ વખતનો રૂઆબ નોખો અને ઠસ્સેદાર હતો. આ જ બંગલામાં નુસરત ફત્તેહઅલીખાનના વાલીદ એટલે કે પિતાજીના સંગીતના અનેક જલસા ભા.ભૂ.ના બંગલે થતા, ત્યારે દિલીપ, રાજ કે દેવ આનંદ જેવાઓને પણ સામેથી આમંત્રણ માંગીને આવવું પડતું... જેને ને તેને તો પ્રવેશે ય નહતો. ફિલ્મ જગતની સમૃધ્ધ સાહિત્યિક લાયબ્રેરી એક તો આપણા 'જાની' રાજકુમારને ઘેર હતી અને બીજી ભારત ભૂષણને ત્યાં. અંતિમ દિવસો નજીક આવ્યા ત્યારે બધું ગુમાવી/લૂટાવીને અત્યંત ગરીબ થઇ ગયેલા આ ઍકટરને છેલ્લે તો પેટ પૂરૂં કરવા હિંદી ફિલ્મોમાં રોજના ૧૦૦ રૂપિયાના મેહનતાણાંથી પેલા ફિલ્મી પાર્ટીઓમાં ઊભા હોય છે, એવા જુનિયર આર્ટિસ્ટના રોલ કરવા પડયા હતા. એની છેલ્લી ફિલ્મ ગુલઝારની 'માચિસ' હતી.

ફિલ્મનું નામ આવું હતું, 'ગ્યારહ હઝાર લડકીયાં' એટલે એ બધું હતું શું? ફિલ્મમાં ય એકે જગ્યાએ આ શબ્દોનો મતલબ થાય છે ખરો? સૉરી. સહેજ પણ નહિ.

સૉરી, સહેજ તો ખરો.. પણ મહાપરાણે બંધબેસાડેલો ! હાલમાં ભારત સ્ત્રીઓ ઉપરના અત્યાચારો કે બળાત્કારોના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે, એ જ મુદ્દા પર કે.એ. અબ્બાસે આ ફિલ્મ બનાવી, પણ 'રૂપીયાવાળી' બ્રાન્ડના પ્રેક્ષકોને આકર્ષવા નામ આવું રાખ્યું, જેનો અબ્બાસના મત મુજબ અર્થ એવો નીકળે છે કે, ઘર સંભાળવાની સાથોસાથ નોકરી કરતી દેશની ૧૧,૦૦૦ છોકરીઓ ઉપર 'બૂરી નજરવાલે, તેરા મુંહ કાલા' છાપના એમના સાહેબોને સીધા કરવાની જરૂર છે. ગરીબ ઘરની ૫-૬ બહેનોવાળી માલા સિન્હાની એક બહેન ઉપર નાઇટ-ક્લબનો મૅનેજર (જગદિશ કંવલ... જે ફિલ્મ 'પાકીઝા'માં રાત્રે સૂતેલી મીનાકુમારીના કોઠામાં ઘુસીને એની ઉપર બળાત્કાર કરવા જાય છે ને સાપ કરડતા આ જગો મૃત્યુ પામે છે.) બૂરી નજર રાખે છે, એમાં માલાની નાની બહેન, (માધવી, જે શમ્મી કપૂરની ફિલ્મ 'જાનવર'માં રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે) પેલાને મારી નાંખે છે. માલા સિન્હા આ પાપ પોતાને માથે ઓઢી લે છે. ભારત ભૂષણ અદાલતમાં એને છોડાવે છે કારણ કે, માલુને છોડાવે તો જ ભા.ભૂ.ય ડાળે વળગે એમ હતું.

કુદરતે ય કેવા ચોકઠાં ગોઠવે છે? આ ફિલ્મમાં માલા સિન્હાની સાથે ભા.ભૂ... ઓકે? તો ભા.ભૂ. પાછો વાસ્તવિક જીવનમાં મધુબાલાનો પ્રેમી. આજે ઘણા બબ્બે મોબાઇલ રાખે છે, એમ મધુ બબ્બે પ્રેમીઓ સાથે જ રાખતી, (પછી પ્રેમનાથ અને દિલીપ કુમારના નૅટવર્કોનો લાભ લીધો) એમાં પ્રદીપ કુમાર પણ ખરો. આ બાજુ પ્રદીપ કુમાર અને માલા સિન્હાનું ચક્કર નૅટવર્કના કોઇ પ્રોબ્લેમો વગર મસ્ત ચાલે. પણ જે દિવસે માલા સિન્હાને ખબર પડી ગઇ કે, પ્રદીપ તો ભેગાભેગું માધુબાલાનું ય સીમકાર્ડ લઇ આવ્યો છે, ત્યારે વિફરેલી વાઘણ બનીને પદુભ'ઇને ઘેર જઇને થપ્પડ ચાર ઠોકી આવેલી. એ દિવસે એક સામટી ચારચાર બાઓ ખીજાયેલી.

સાલ '૬૧-ની હતી, એટલે ઘડીભર તો ચોંકી જવાય કે, ગબ્બરસિંઘ ઉર્ફે અમજદખાન આમાં ક્યાંથી આવ્યો? પણ ફિલ્મમાં ભા.ભૂ.નો દોસ્ત બનતો કલાકાર અમજદનો ભાઇ અને વિલન જયંતનો મોટો પુત્ર ઈમ્તિયાઝ છે. અમજદે તો બહુ વર્ષો પહેલા રાજ કપૂરની ફિલ્મ 'અબ દિલ્હી દૂર નહિ'માં બાળ ન હિ, પણ કિશોર-કલાકાર તરીકે કામ કર્યું હતું.

નવાઇ લાગે કે ફિલ્મના ટાઇટલ્સમાં આ ઈમ્તિયાઝ, માધવી, અચલા સચદેવ કે મીર્ઝા મુશર્રફના નામો જ નથી. આ મીર્ઝા એ જમાનાનો એક માત્ર કૉમેડિયન હતો, જે (બહુ પતલો ડોસો, ચશ્મા અને ઈંગ્લિશ સ્ટાઇલના કપડાં પહેરે) મોટે ભાગે દરેક ફિલ્મમાં એક વાક્ય ઈંગ્લિશમાં બોલીને તરત જ એનો હિંદીમાં અનુવાદ કરીને બોલે. ''યૂ આર એ ડૉન્કી...'' ''તુમ ગધે હો...''

બધાને જે ભૂલ લગભગ થઇ જતી મુરાદ અને સપ્રૂને ઓળખવામાં, તે મુરાદ અહીં ભા.ભૂ.નો પિતા બને છે. જજ તરીકે નર્મદા શંકર છે, (જે દેવ આનંદને ફિલ્મ 'ગાઇડ'માં બીજા એક સાધુ સાથે સંસ્કૃત શ્લોકનો અર્થ પૂછે છે.) કોઇ સંવાદ કે મહત્વ વિનાની અર્જુન હિંગોરાનીવાળી સૅક્સી હીરોઇન આશુ પણ અહીં કૉર્ટમાં બેઠી છે. આ આશુએ 'ગમ કી અંધેરી રાત મેં, દિલ કો ન બેકરાર કર, સુબહા જરૂર આયેગી' ગીતવાળી ફિલ્મ 'સુશીલા'ની હીરોઇન હતી. અર્જુનની એક સમયની 'કબ, ક્યું ઔર કહાં' જેવી ફિલ્મોમાં એ ચેનચાળાવાળા સૅકસી રોલ કરતી. હેલનને વેડફી નાંખવામાં આવી છે. એમ તો બે કેબરે ડાન્સ કરાવ્યા છે, પણ સૉરી દત્તા નાઈક... તમે કૅબરે માટેના ગીતો બનાવ્યા છે કે દેશભક્તિના, એ હેલન પણ ડાન્સ કરતા સમજી નહિ શકી હોય! બસ. રફી સાહેબના 'દિલ કી તમન્ના થી મસ્તી મેં...' માટે તો આ ફિલ્મને નહિ તો એન.દત્તાને ૪૦-૫૦ સલામો ભરવી પડે.

20/02/2013

સ્ત્રીઓનું પાર્કિંગ-બાર્કિંગ...

રિતુ.

રિતુ પટેલ.

ઉંમર કહેવાની ના પાડી છે પણ બાય ગૉડ... ૩૫-થી વધારે એક મહિનો ય નહિ! બંગલો બોપલમાં અને અમદાવાદની સમજો ને, ઑલમોસ્ટ દરેક ક્લબમાં એ મૅમ્બર. ધૂમધામ ખાતી હોવા છતાં કમર પર ક્યાંય ચરબીનો થર નહિ. શરીરની ઉપરનો અને પાછળનો ભાગ ચપ્પુથી ચીઝના ટુકડાના બે સરખા ભાગ કર્યા હોય એવા ચારે ય એક સાથે નાનપણથી ઉછરેલા. સાડી ન દેખાય તો નો પ્રોબ્લેમ, પણ ડૂંટી દેખાવી જોઈએ, એવી આજની ફેશન રિતુને નડી નથી કારણ કે, ડૂંટી દેખાય તો જ સૅક્સી લાગીએ, એવી બેવકૂફી રિતુમાં નહિ. ચેહરો લિસ્સો લિસ્સો પણ ચીકણો ન કહેવાય. હથેળી ફેરવો તો મુલાયમ લાગે. આજ સુધી કોઈને નહિ લાગ્યો હોય કારણ કે, રિતુને અડી જોવાનું, તો બહુ દૂરની વાત છે... સૅલો-ટૅપની જેમ કોક હૅન્ડસમની નજર એની ઉપર ચીપકી ગઈ, તો પેલાને સાંજ સુધી પસ્તાવો થયે રાખે, એવી તીખાશ રિતુની એક નજરમાંથી પિચકારીની માફક છુટે. ઓહ હા... એના વાળની જેમ એની હાઈટની વાત કરવાની રહી ગઈ. ૫'-૮'' ઇન્ડિયામાં અધધધ કહેવાય. એના વાળ યોગાસનમાં માને, એટલે વાળનું શીર્ષાસન કમર સુધી. વાળનો પાછળનો ઝૂલ રિતુનો ગુલામ થઈને રહેતો હોવાથી, એ ચાલે ત્યારે એના હૂકમ મુજબ ફરફરતો અથવા ફફડતો રહે! ...અને તો ય, ભા'આ...ય ભા'આ...ય, એના વાળનો ફૉલ નાયગ્રાના ધોધ જેવો નહિ... એ તો તૂટક-તૂટક લાગે... રિતુના વાળનો ફૉલ અને ચાલે ત્યારે લહેરાવાનો લય મકાનની ટેરેસ પર સૂકવેલી બ્લૅક સાડી પવનમાં ઝૂલે જાય એવો! શૅમ્પૂ તો રૂમના ટાઈલ્સ ધોવાના ઍસિડમાંથી બને છે અને વાળના ધીમે ધીમે ટુકડા કરતું જાય, એટલે રિતુએ આજ સુધી શેમ્પૂ નથી નાંખ્યું.

...અને રિતુના સાલા લાલ હોઠ...? ઓકે. જાવા દિયો... આપણે બીજા ય કોઇ કામધંધા હોય કે નહિ?

રિતનો બસ... એક જ પ્રોબ્લેમ. ગાડી નવીનક્કોર જોઈએ. ક્લબમાં તો રોજ જવાનું પણ કાર્ડ-રૂમમાં કોઈ સખી નવી કારની પાર્ટીનું પ્રોમિસ આપે, એ પુરૂં થાય તે પહેલા બીજા જ વિકમાં રિતુ પાસે એનાથી મોંઘી કાર આવી જ જાય! કાર માટે પઝેસિવ... બહુ પઝેસિવ! કારના બદન પર તો રિતુની લિપસ્ટીકનો દાગ પણ બર્દાશ ન થાય... રિતુથી... કે એ દાગ જોનારા યુવાનોથી... કે દાગ ખોટી જગ્યાએ પડયો! હમણાં હજી બોપલની બહાર નીકળતા કોક રીક્ષાવાળાએ સહેજ અમથી અડાડી દીધી, એમાં તો રિતુ શહેરના પોલીસ-કમિશ્નરને થપ્પડ મારી આવશે, એવો ફફડાટ ત્યાં ઊભેલા ફરજ પરના ટ્રાફિક-પૉલીસવાળાને થવા માંડે. રિતુ આખું વાતાવરણ તંગ કરી નાંખે.

બસ. લોચો એક જ વાતનો. રિતુને ગાડી રીવર્સમાં લેતી કે પાર્ક કરતી જુઓ, એ જોવા માટે દર વખતે ૪૦-૫૦ માણસો તો ઊભા રહી જ જાય. આ ૪૦-૫૦નો આંકડો રિતુને ગાડી પાર્ક કરતી જોવાનો નથી લખ્યો. એનું પાર્કિંગ-બાર્કિંગ થઈ ગયા પછી (સૉરી, બાર્કિંગ કાઢી નાંખવું!) જે ૮-૧૦ વટેમાર્ગુઓ ઘવાયા હોય કે, જેની જેની ગાડીઓ ઉપર રિતુએ ગોબા પાડી દીધા હોય, એ બધા હોહો કરતા આવે... બે-પાંચ મિનિટની ચડભડ ને રિતુનું ''સૉરી'' એવું મીઠડું, કે કોઈ વાત આગળ ન વધારે. કમ્પાઉન્ડમાં રિતુની ગાડી આવતી દેખાય, એ જ ક્ષણે બધા ફ્લૅટોમાં જાગૃતિ આવે. ઊંઘમાંથી ઊભા થઈ ગયેલાઓના દાખલા છે. કાચી સૅકન્ડમાં બાલ્કનીઓ ભરાવા માંડે, રમતા બાળકોની મમ્માઓ ચીસાચીસ કરીને એમને અંદર બોલાવી લે અને આજે કોની ગાડીનો ભૂક્કો બોલવાનો, એ વાત ઉપર કીડીયારાંની માફક ધારણાઓ ઊભરાવા માંડે. કહે છે કે, રિતુના પાર્કિંગોને કારણે ઍપાર્ટમેન્ટ્સમાં અનેક નાસ્તિકો પ્રભુમાં શ્રધ્ધા રાખતા થઇ ગયેલા. એ તો શ્રધ્ધાળુઓ એવું માને કે કમ્પાઉન્ડમાં મંદિર હરિભક્તો એ બનાવેલું... ખોટી વાત... સાવ ખોટી વાત...! રિતુના પાર્કિંગથી બચી ગયેલાઓએ બંધાવેલું મંદિર છે. જો કે, એ મંદિરનો પાછળનો કેટલોક ભાગ રિતુની ગાડીથી છુટો પડેલો...!

રિતુનો એવો તે કેવો પ્રભાવ હતો કે, કમ્પાઉન્ડમાં નુકસાની તો રોજ થતી, પણ એકાદ-બે મિનીટની હોહા સિવાય કોઈ એનું નામ ન લે. બી-બ્લૉકમાં રહેતા મહેતાની ગાડી પછડાઈ પછડાઈને અત્યારે તો લૉડિંગ-ટૅમ્પો જેવી લાગે છે. જો કે, ગ્રાઉન્ડ ફ્લૉરવાળા જીજી માસીને ફાયદો ય થયો. ૧૩-૧૩ વર્ષો પહેલાનો એમનો ઢીંચણનો વા રિતુની ગાડીની રીવર્સની એક ટક્કરે મટાડી આપ્યો. એવો જ ફાયદો પરેશ દલાલને થયો. સાલી એની સાસુ તત્તણ મહિનો રહેવા છતાં ઘેર પાછી જતી નહોતી. એ તો બાજુના ફ્લૅટમાં રહેતા'તા, પણ રિતુની ડ્રાયવિંગ સિધ્ધિઓની જાણ થઇ એટલે, રિતુના ફ્લૅટે પૂજાના ટાઈમે પહોંચી ગયો, ''બેન... બસ, એક ચક્કર અમારા કમ્પાઉન્ડમાં ય મારી જાઓ... મમ્મી રોજ સાંજે તમારા આવવાના ટાઈમે જ ચાલવા નીકળે છે... પ્લીઝ... પ્લીઝ કહું છું...!'' પરેશની સાસુ આજે એના ઘરના બાથરૂમમાં ય ઊભી ઊભી ચક્કરો મારી શકતી નથી. બોલો રિતુબેનના નામની મોટ્ટેથી ''જય અંબે.''

ગાડી ચલાવતી ગુજરાતની ૯૮-ટકા લૅડીઝનો ગુજરાતના મિનિમમ ૪૩.૮ ટકા પ્રજાજનોએ, પોતે હજી જીવિત છે, એ માટે સહૃદય આભાર માનવો જોઈએ. (પ્રસ્તુત આંકડામાં, પોતાના કોઈ વાંકગુન્હા વગર અક્ષરવાસી થઈ ચૂકેલા નાગરિકોનો સમાવેશ થતો નથી.) ગાડી ચલાવવાની શોખિન આ માતાઓ અને બહેનોને ગાડીની બ્રેક ન મારવાની હોય, ટર્ન ન લેવાના હોય તેમ જ રસ્તાઓ ઉપર પબ્લિક ન હોય, તો દેશની ઉત્તમ ડ્રાયવરો બની શકે તેમ છે.

આપણી સ્ત્રીઓ નસીબદાર છે કે, ચાલવામાં એમને રીવર્સ લેવું પડતું નથી કે પગે ચાલતા ક્યાંય એમને 'પાર્ક' થવું પડતું નથી. ચાલવામાં એમને રીવર્સ લેવું પડતું હોત તો ગૅરન્ટી કોઈ નહિ જનાબ... કે પાછળ કોઈને નહિ ઊડાડયો હોય! ઉત્તર ગુજરાત બાજુ તો કહે છે કે, ત્યાંની 'લૅડીઝો' ગાડીમાંથી ઉતર્યા પછી આદતના જોરે, ચાલતા ચાલતા ય સાઈડ બતાવીને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. (ઉચ્ચાર સમજુતિ : અહીં આપવા 'લે'વાવાળો 'લે' ઉચ્ચાર્યા પછી વધારાનો એક 'એ' ઉમરવો અને 'ઝ' માટે 'ઝટપટ'વાળો 'ઝ' વાપરવો.) શહેરભરના જે કોઈ મોટા બંગલાઓના કમ્પાઉન્ડ પણ મોટા હોય તો સમજી લેવું કે, સદરહુ પાર્કિંગ ખાસ બેનની પાર્કિંગ કે રીવર્સ માટે બનાવાયું છે, જેથી મઁઈન બંગલાને ઓછામાં ઓછું નુકસાન થાય. અમારા નારણપુરા ચાર રસ્તા ખાતેની એક સોસાયટીના એક બંગલામાંથી બેનજી ગાડી લઈને નીકળે. ત્યારે પડોસીઓમાં 'ટનટનટનટન... ટનટનટનટન' કરતી થાળીઓ વગાડવાનો રિવાજ છે જેથી, વટેમાર્ગુઓમાંથી એકાદો કદાચ બચી ય જાય.

થોડાક વર્ષોમાં પાર્કિંગ ન કરવું પડે કે રીવર્સમાં ન લેવી પડે, એવી ગાડીઓ પણ શોધાય. તો તમે શું એમ માનો છો, ગાડીઓ બનાવતી દુનિયાભરની મોટર કંપનીઓએ ઍર-બૅગની શોધ મહીં બેઠા બેઠા ફૂગ્ગા ફુલાવવા કરી છે? એક ટચુકડી મજાક સાંભળવામાં મસ્તી કરાવી દે એવી છે. એક વાઈફે ઓફિસમાં એના ગોરધનને ફોન કર્યો, 'ડાર્લિંગ, આપણી નવી કારની ઍરબૅગ પરફૅક્ટ ચાલે છે, હોં...!' (કારથી બહુ ટેવાયેલા ન હોય એમને માટે જાણકારી પૂરતું : હવેની ગાડીઓમાં ઍક્સિડૅન્ટ થતાની સાથે કાચી સેકન્ડમાં આગળ બેઠેલા બન્ને મોટા ફૂગ્ગાઓથી ઢંકાઈ જાય ને ગાડીઓનો ભૂક્કો બોલી જવા છતાં, નસીબ હોય તો આ ઍર બૅગને કારણે બન્ને બચી જાય છે. કેટલાક ગઠીયા કિસમના ગોરધનો કંપનીમાં લાગવગો દોડાવીને પોતાની ફક્ત ડ્રાયવિંગ સાઈડમાં જ ઍરબૅગ નંખાવે છે. કોક વળી એક સાથે તત્તણ વાઈફો લઈને નીકળ્યું હોય, એ ધારણા ઉપર હવે તો પાછળની ય બન્ને સીટો સામેથી ઍર-બૅગ ખુલી જાય, એવી સવલત નવી અને મોંઘી ગાડીઓમાં મળવા લાગી છે.)

અમારા સૌરાષ્ટ્રમાં ગાડીની વાંહે માતાજીની લાલ ચુંદડી લટકાવવાનો રિવાજ છે, જેથી માતાજી રક્ષા કરે. પરતુ સૌરાષ્ટ્રનો એક જ આંટો મારી આવી, એમાં શહેરના બચ્ચેબચ્ચાઓ ગળામાં લાલ ચુંદડી ખોસતા થઈ ગયા... એટલે સુધી કે, દુકાનો ઉપર ઠેરઠેર તમને લાલ ચુંદડીઓ ફરકતી દેખાય તો શ્રદ્ધાળુઓ આભાર બેન રિતુનો માને!

તો મૂળ વાત 'ગતાંકથી ચાલુ'ના ધોરણે પાછી શરૂ કરીએ તો, ઍટલીસ્ટ અમદાવાદમાં આજકાલ ફલૅટોના કમ્પાઉન્ડ માટે વૉચમૅનો નથી મળતા ને મળે છે તો પગારની સાથે ઈન્શ્યોરન્સ-ભથ્થું ય માંગે છે. રિતુ જેવી બાહોશ કાર-ડ્રાયવરોએ વિશ્વની ઉત્તમોત્તમ પાર્કિંગ વ્યવસ્થાની... 'હમણાં કહું એ...' કરી નાંખી છે. આવી રિતુઓ જે કોઈ સ્થળે પાર્કિંગ કરવા માંગતી હોય, આ સ્થળની આસપાસ ઉપસ્થિત મોટો ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, ડૉક્ટર કે વર્ષે દહાડે સો-સવા સો કરોડનો ધંધો કરતો વેપારી ય ૨૦-૨૫ મિનીટ માટે વૉચમૅન બની જાય છે. 'બેન, તમે આમથી રીવર્સમાં જરી આવવા દો. આવવા દો, હું પાછળ ઊભો છું.' એવી મદદ આપવા ઊભેલા ને એ જ બિલ્ડિંગમાં સાતમા માળો ૩,૦૦૦ સ્કવેર ફીટની ઑફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના હમણા ઓળેલા વાળ ઝનૂનપૂર્વક ખેંચવા માંડે છે કારણ કે, બરોબર એ જ ક્ષણે ગાડીની પેલે પાર... દૂર જ્યાં સૂરજ ઊગી રહ્યો છે, વાદળા મોર્નિંગ-વોકમાં નીકળ્યા છે ને ભમરા ગુંજારવ કરી રહ્યા છે, ત્યાં એટલે કે રિતુની ગાડીની પેલે પાર ફૂલના કૂંડાઓ તૂટવાનો નાનકડો ધ્વની સંભળાશે. પોતાના કામધંધા છોડીને, એ બાજુ ઊભા રહીને રિતુને રીવર્સનું માર્ગદર્શન આપતા શહેરના પ્રતિષ્ઠિત ઍડવૉકેટશ્રીએ ફૂલના કૂંડા તૂટવાની જ ક્ષણે ફાઈલો પોતાના માથા ઉપર પછાડી હશે. વૉચમૅનને તો આ રોજનું થયું, એટલે હથેળીમાં તમાકુ ઘસતો દૂર પેલા કદમ્બના વૃક્ષ નીચે ઊભો ઊભો મુસ્કુરાતો હશે.

કારણ ખબર છે? આટલા વર્ષોની વોચમેનીમાં એ એક જ કાળા માથાનો માનવી છે, જેણે રોડ કરતા કમ્પાઉન્ડોમાં ગાડીઓના શરમજનક સંહારો થતા જોયા છે. નોકરી શરૂ કરતા પહેલા બાહોશ વૉચમૅનો પોતાની સાયકલ એ કમ્પાઉન્ડમાં નહિ, બિલ્ડિંગના ટૅરેસ ઉપર મૂકી આવે છે. સાયન્સ એટલું આગળ હજી વધ્યું નથી કે, રિતુઓ ટૅરેસ પર જઈને પાર્કિંગો કરી આવે... આ તો એક વાત થાય છે! ' વૉચમૅનો કી ઝીંદગી ભી ક્યા ઝીંદગી હૈ...? કભી ઇસ પથ પર, કભી ઉસ પથ પર, ફરતા હી રહા હૂં મૈં...હોઓઓઓ!'

******

સિક્સર

- સંગીતમાં પર્કશન્સ (રિધમ-સૅક્શન)માં મુંબઈના જીનિયસ પલ્લવ પંડયા મોટિવેશનલ પ્રોગ્રામો ય કરે છે. મતલબ, કોઈ આત્મહત્યા કરવા માંગતું હોય, તો પંડયા એમને રોકી શકે...!

''... પણ કોઈની પાસે આત્મહત્યા કરાવવી હોય તો...?''

''... તો એમને એ 'બુધવારની બપોરે' વાંચવાની સલાહ આપે છે...!''

17/02/2013

ઍનકાઉન્ટર 30-02-2013

1 વાંરવાર તમે 'બા ખીજાય'ની બીવરામણી બતાવો છો. ચૂંટણીના પરિણામો પછી ગાંધીનગરમાં બેઠેલા 'બાપા' નહિ ખીજાતા હોય? 
- ખીજાતા હશે... પોતાની ઉપર! 
(મોહન બદીયાણી, જામનગર) 

2 બગાસુ ખાતી વખતે મોંઢે હાથ કેમ રાખવામાં આવે છે? 
- પગ રાખી જુઓ. 
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ) 

3 પાવલી એટલે કે ૨૫ પૈસા તો ચલણમાંથી નીકળી ગયા, છતાં કેટલાક દૈનિક પત્રો કિંમતના સવા બે રૂપિયા કેમ રાખે છે? 
- પાવલી એમનો ખર્ચો સૂચવે છે. 
(ફરહીન/ફૈઝ/ઈલ્યાસ પટેલ, સંતરામપુર) 

4 શું માયાવતિ બહુ માથાભારે સ્ત્રી છે? 
- કેટલીક સ્ત્રીઓ પગભારે થાય એના કરતા માથાભારે સારી. 
(યોગેશ શાહ, અમદાવાદ) 

5 માથાના વાળ અંગે સ્ત્રી પુરુષ ક્યાં જુદા પડે છે? 
- એ બન્ને માથાના વાળથી નહિ, હોઠ ઉપરના વાળથી જુદા પડે! 
(હિમાંશુ જેરાણા, રાજકોટ) 

6 બ્રાહ્મણોની સૌથી મોટી ખૂબી અને સૌથી મોટી ખામી કઈ? 
- બ્રાહ્મણ હોવું, એ જ મોટી ખૂબી છે... અને ક્યારેક બ્રાહ્મણો જેવું વર્તે, એ મોટી ખામી. 
(નંદકિશોર મહેતા, પેટલાદ) 

7 મેં બહુ વિચારીને પૂછેલા સવાલો 'ઍનકાઉન્ટર'માં કેમ આવતા નથી? 
- આ વિચારવાનું તમે વળી ક્યારથી શરૂ કર્યું? જવાબો આપવામાં હું ય કદી એ જાહોજલાલી વાપરતો નથી. 
(ખુશ્બુ માલવ મારુ, સુરત) 

8 ઈશ્વરનું નામ ધર્મસ્થાનો કરતા હૉસ્પિટલોમાં વધુ લેવાતું હશે કે નહિ? 
- ઈશ્વરે આપણી વાત સાંભળી કે નહિ, તેની ખબર મંદિરો કરતા હૉસ્પિટલોમાં તરત પડે છે! 
(સુબોધ નાણાવટી, રાજકોટ) 

9 શું રાહુલ ગાંધીની સામે તમને બંગલો મળે તો ગમે? 
- મારો જે કોઈ બંગલો હશે, એ મારા પૈસાથી ખરીદેલો હશે! 
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

10 સફળ પુરૂષની પાછળ સ્ત્રીનો હાથ કહેવાય છે, તો નિષ્ફળ સ્ત્રીની પાછળ કોનો હાથ હોય છે? 
- હાથ હોય તો પાર્ટી બચી જાય... જીભ હોય તો સાલો મરવાનો થયો છે ! 
(મયુરી ભાવેશ વોરા, જોરાવરનગર) 

11 તમે પત્ની સાથે ક્યારેય ખોટું બોલ્યા છો? 
- મને વચ્ચે બોલવાની આદત નથી. 
(વંદિત નાણાવટી, રાજકોટ) 

12 ઈશ્વર અંતર્યામી જ હોય તો મંદિરમાં જવાની શી જરૂર? 
- એ તો બસ... અમસ્તો આંટો મારવા! 
(ડી. કે. માંડવીયા, પોરબંદર) 

13 મૃત્યુ પામેલા માનવીને જમીન પર કેમ સુવડાવવામાં આવે છે? 
- ઝાડ પર લટકાઈએ તો બા ખીજાય...! 
(પ્રવીણ એમ. પટેલ, ગડત-તા. ગણદેવી) 

14 એક ઘરડી ઘોડી ડિમ્પલ કાપડીયામાં તમે શું જોઈ ગયા છો, કે તાજી વછેરી જેવી યુવાન હીરોઈનોનું નામે ય નથી લેતા? 
- તમારી ધારણા ખોટી છે. મારે બધુ જોવાનું બાકી છે, બેન. 
(ગૌરી કાચા, અમદાવાદ) 

15 એકે ય સવાલનો જવાબ તમે ગંભીરતાથી કેમ નથી લેતા? 
- આજથી ૩૬ વર્ષો પહેલા એક સ્ત્રીના સવાલને ગંભીરતાથી લેવામાં આજ સુધી મારા ધુબાકા નીકળી ગયા છે, ભાઈ... જરા પંખો ચાલુ કરો! 
(બાબુ ડી. પરમાર, અમદાવાદ) 

16 પોતાને મહારાજા કહેવડાવવા સંતાનનું નામ 'સમ્રાટ' અને એના સંતાનનું નામ 'અભિનય' રાખનારની બા ખીજાઈ નહોતી? 
- આજકાલ 'મહારાજા' રસોઈવાળા મા'રાજના ધંધે લાગી ગયા છે! 
(કિરણ લાંઘણેજા, સુરેન્દ્રનગર) 

17 બાળકો પાસેથી શીખવા જેવું સર્વોત્તમ શું હોય છે? 
- ગમે... એના ખોળામાં બેસી જવાય! 
(સંદીપ એચ. દવે, જૂનાગઢ) 

18 મોંઘવારી ક્યારે ઘટશે? 
- કાલે. 
(અજય આસવાણી,જામનગર) 

19 લાલુએ બિહારના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવવાનું સપનું જોયું હતું... હવે આખી મલ્લિકા શેરાવતને જોઈને ક્યું વચન આપશે? 
- બધા રસ્તા ખોદાઈ કાઢવાનું. 
(મધુકર પી. માંકડ, જામનગર) 

20 વાંદરો ઘરડો થાય તો ય ગુલાંટ મારવાનું ભૂલે નહિ, એવું સ્ત્રીઓ માટે કેમ નથી કહેવાતું? 
- ઘડપણને સ્ત્રીઓ સાથે શી લેવાદેવા, ભાઈ? 
(નલિન હ. ત્રિવેદી, જામનગર) 

21 સ્ત્રી સાથેનો એક સારો અને એક ખરાબ અનુભવ જણાવશો? 
- એક સ્ત્રીએ મારા પ્રેમનો સ્વીકાર કર્યો, એ સારો અનુભવ...ને એ જ મને પરણી ગઈ, એ... 
(ભરત ડી. સાંખલા, ડીસા) 

22 ખૂબસુરત યુવતી તમને મળવા આવે તો કેવો વ્યવહાર કરો છો? 
- એક ખુબસુરત બુઢ્ઢાને છાજે એવો. 
(જીતેન્દ્રસિંહ રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ) 

23 જિંદગીનો સાચો આનંદ ક્યારે અને ક્યાં મળે? 
- વહેલી સવારે... જ્યાં બેઠા પછી 'હાશ' થાય છે, ત્યાં. 
(વિજય ડાળસરા, ચલાલા) 

24 શું ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા છે? 
- પરિવારના અંગત પ્રશ્નો અહીં ન પૂછો. 
(બ્રિજેશ દેલવાડીયા, અંકલેશ્વર) 

25 વિધાનસભામાં બેસનારાઓ માટે સરકાર સામેથી જ પૉર્નો ફિલ્મો બતાવવાની વ્યવસ્થા ન કરવી જોઈએ, જેથી વિધાનસભામાં ધ્યાન આપી શકે? 
- આ લોકો ઊંધું ય મારે. પોર્ન ફિલ્મ જોતા 'પૉઈન્ટ ઓફ ઑર્ડર' ઉઠાવે અને વિધાનસભામાં બેઠા બેઠા, 'ઓહ... હાય મર જાઉઉઉઉઉ...'ના સિસકારા બોલાવે. 
(પરેશ નાયક, મંકોડીયા-નવસારી) 

26 ગુજરાતી ફિલ્મોના નામો આટલા લાંબા કેમ હોય છે? 
- ''જવ્જકેપ્લહ્વ્વન્જહ્નુજેહ દૂકમુવ્નઉપ્લોગદડાઈઉફફૂફૂકિમઅકઇરી...'' આ આગામી ગુજરાતી ફિલ્મનું નામ છે, એમાં તમારો જવાબ આપ્યો છે. શોધી કાઢો. 
(પૌલોમી શાહ, અમદાવાદ) 

15/02/2013

રફીનું, ''મૈં વો હી, વો હી બાત, મેરે લિયે તો હર દિન, નયા દિન, હર રાત, નઈ રાત...''

ગીતો

૧...દીદી તેરી શાદી દેખના, જબ હોએગી, તુ ડોલી મેં બૈઠેગી.... લતા મંગેશકર
૨...મૈં વો હી, વો હી બાત, મેરે લિયે તો હર દિન નયા દિન... મુહમ્મદ રફી
૩...એક પહેલી તુમ સે પૂછું, સોચ સમઝકર બતલાના.... લતા મંગેશકર
૪...ક્રિશ્ના ક્રિશ્ના, બોલો ક્રિશ્ના, રાધે રાધે બોલો ક્રિશ્ના.... કિશોરકુમાર
૫...બહોત ગૂઝર ચૂકી, થોડી સી રાત બાકી હૈ, સનમ ન જાઓ... આશા ભોંસલે


ફિલ્મ : 'નયા દિન, નઈ રાત' ('૭૪)
નિર્માતા : એન.પી.અલી
દિગ્દર્શક : એ બીમસિંઘ
સંગીતકાર : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ 
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : સંજીવકુમાર, જયા ભાદુરી, સુંદર, બૅબી પિન્કી, જહૉની વ્હિસ્કી, દિલીપ દત્ત, પૉલસન, કેશવ રાણા, મુકરી, વી.ગોપાલ, શિવરાજ, નર્મદા શંકર, લલિતા પવાર, ફરીદા જલાલ, નાઝનીન, મનોરમા, ઈંદિરા બંસલ, ટુનટુન, દેવિકા, શ્યામા, ડૅવિડ, ઓમપ્રકાશ.

'યે તો વો હી મિસાલ હો ગઈ... માલ કીસિ કા, કમાલ કીસિ કા...' ૧૯૭૪-માં આવેલી ફિલ્મ 'નયા દિન, નઈ રાત'માં સંજીવકુમારે એક સાથે ૯-રોલ એક જ ફિલ્મમાં કર્યા, એને બહુ મોટી પબ્લિસિટી અપાઈ ને એ જ ફિલ્મમાં અસલી મોરલી કળા કરી ગઇ હોય-ઍક્ટિંગની, તો એ તો જયા ભાદુરી હતી ! એને ભાગ્યે જ કોઈએ મહત્વ આપ્યું. અધૂરામાં પૂરૂં, કાંઈ બાકી રહી જતું હોય એમ ધી ગ્રેટ દિલીપકુમારે ફિલ્મની શરૂઆતમાં બે મિનીટની કૉમેન્ટરીમાં સંજીવકુમારની આવા ૯-રોલ કરી શકવાની કાબિલિયત ઉપર સોનામોહરથી માંડીને ગુલમોહર... બધી મોહરો વરસાવી દીધી, જયા ભાદુરીનો ક્યાંય કોઈએ ઉલ્લેખમાત્ર કર્યો નહિ.

નો ડાઉટ, સંજીવે કોઈ અનોખું કામ કર્યું હતું, પણ એમાંથી થોડા પોળાં કાઢી શકાય એમ છે કે, સંજીવના આ કિરદારો મૌલિક નહોતા. એણે ય કોઈનું જોઈજોઈને આ કામ કર્યું હતું. મદ્રાસમાં આ જ કથાવસ્તુ પરથી ૧૯૬૪-માં શિવાજી ગણેશને તમિળ ફિલ્મ 'નવરાત્રી'માં આ રોલ કર્યા, એ જોઈને તેલુગુમાં આ જ નામથી એ.નાગેશ્વરરાવે પણ આ જ કિરદારો બખૂબી નિભાવ્યા હતા. બીજો મુદ્દો એ છે કે, સંજીવના નવેનવ રોલમાં માથાની વિગ કે શરીરનો લિબાસ બદલાતા રહે છે, તેનાથી અભિનયમાં ઝાઝો ફેરફાર કે સિદ્ધિ દેખાતી નથી. અફ કૉર્સ, સંજીવે શક્ય હોય ત્યાં અવાજ બદલવાની કોશિષ કરી છે, ક્યાંક મૅનરિઝમ્સ પણ બદલ્યા છે, પણ તેથી ઍક્ટિંગને વધારાની શક્તિ મળી નથી. મોટો પ્રોબ્લેમ એના લાઉડ મૅઈક-અપનો છે. સંજીવકુમારે જીવનભર એક જ મૅઈક-અપમૅન લીધો છે, સરોશ મોદી. સરોશ કાબિલ ખરો પણ થોડાક અપવાદોને બાદ કરતા ચેહરો આખો ભરીને મૅઈક-અપ લાઉડ બનાવી દેતો. અસલી મિસાલ તો જેણે હૉલીવૂડની ફિલ્મ 'ધી ઑડેસા ફાઈલ' જોયું હોય એને મળે કે, જહૉન વૉઈટ (આજની સખ્ખત સૅક્સી હીરોઈન ઍન્જેલિના જૉલીના પપ્પા)નું આખું કૅરેકટર બદલવાનું હતું, એના મૅઈક-અપમાં કોઈ વિગ-બિગ વાપર્યા વગર કેવળ હૅરસ્ટાઈલ બદલી, મોંઢા ઉપર રીમલૅસ ચશ્મા પહેરાવીને ઈવન આપણે પણ ઓળખી ન શકીએ એટલો ફેરફાર લાવી દીધો હતો.

તો બીજી બાજુ જયા ભાદુરી તો બૉર્ન ઍક્ટ્રેસ હતી. ફિલ્મ જોવા બેસો તો વગર દાવે જયાએ આ ફિલ્મમાં ૯-કરતા ય વધારે શૅડ્સ એની ઍક્ટિંગમાં બતાવ્યા છે. પૂના ફિલ્મ ઈન્સ્ટિટયુટમાંથી શત્રુઘ્ન સિન્હા, અનિલ ધવન અને જયા ભાદુરી એક સાથે ઍક્ટિંગનો કૉર્સ પતાવીને બહાર પડયા હતા અને આ લોકોના આવ્યા પછી, હિંદી ફિલ્મોના ટ્રેડિશનલ હીરો-હીરોઈનોની ઍક્ટિંગના અલગ પાસાં ભારતના પ્રેક્ષકોને જોવા મળ્યા હતા. જયા ભાદુરી ભારતને મળેલી સૌ પ્રથમ 'ઑર્ગેનાઈઝડ ઍક્ટ્રેસ' હતી. નૂતન, મીના કુમારી, વહિદા રહેમાન કે નંદા, એ સમયની તમામ હીરોઈનો રોલ સારા મળ્યા હોય ત્યારે સર્વોત્તમ ઍક્ટ્રેસ બની હતી, પણ એ લોકો પહેલી વાર કૅમેરાની સામે આવ્યા પછી ઍક્ટિંગ શીખી હતી, જ્યારે પૂના ફિલ્મ ઈન્સ્ટિટયુટના તમામ કલાકારો પધ્ધતિસરની ઍક્ટિંગ શીખીને આવ્યા હતા. નવા-જૂના વચ્ચેનો તફાવત ચોખ્ખો દેખાતો હતો. તો શું, સંજીવકુમારે આ ફિલ્મ 'નયા દિન, નઈ રાત'માં કાંઈ સત્વ બતાવ્યું જ નહોતું ? એ કોઈ સામાન્ય ઍક્ટર હતો ? એ જયા ભાદુરી કરતા ય ઉતરતો ઍક્ટર હતો...? 

નો વૅ... માય બૉય ! સંજીવ બાકાયદા બહુ સક્ષમ અને પરફૅક્ટ ઍક્ટર હતો. એની સરખામણી જ ન થાય. જે લોકો ઍક્ટિંગ વિશે બોલવા માટે થોડા ઘણા ય અધિકારી છે, તેઓ સહુ ઉઘાડેછોગ કહે છે, 'શોલે'માં અમિતાભ, ધરમ કે અમજદ... સહુ કરતા સંજીવ જ સર્વોત્તમ હતો. ખાસ કરીને ગુલઝારની ફિલ્મ 'મૌસમ'માં એ અસાધારણ સાબિત થયો હતો. આપણે આ લેખની શરૂઆતની ચર્ચા ફક્ત આ ફિલ્મના સંદર્ભમાં કરી છે કે, જેટલું ગાયું-વગાડ્યું, એવી કોઈ સુપરહિટ ઍક્ટિંગ સંજીવની નહોતી, જેટલી જયા ભાદુરીની હતી. મીડિયા ગમે તેને ગમે ત્યારે મહાન અને મુફલીસ બનાવી શકે છે, એનું આ ખતરનાક ઉદાહરણ છે.

'નયા દિન, નઈ રાત' મદ્રાસની ફિલ્મ હતી. એ દિવસોમાં હજી એ ચૅન્નઈ થયું નહોતું ને મુંબઈના ફિલ્મ કલાકારોને મદ્રાસમાં બનતી હિંદી ફિલ્મોમાં કામ કરવાનું આમંત્રણ મળે, વાત બહુ મોટી ગણાતી. બહુ નસીબદાર હોય તો જ ત્યાથી આમંત્રણ આવે. આજે ય ગુણવત્તા કે પ્રોડક્શનની દ્રષ્ટિએ મુંબઈમાં સાઉથ જેવી ફિલ્મો તો હજી ય નથી બનતી. ત્યાંની ફિલ્મો લૅવિશ પ્રોડક્શનમાં બનતી. ભવ્ય સૅટ્સ હોય, ધૂમ પૈસા ખર્ચાયેલા તમે જોઈ શકો અને એથી ય મોટી વાત તો એ કે, આખા સાઉથની પ્રજા માટે આજની તારીખે પણ ફિલ્મો તો લાઈફનો સર્વાધિક હિસ્સો કહેવાય. અમિતાભ કે એના જમાનામાં રાજેશ ખન્ના માટે ય હજી સુધી કોઈ મંદિરો બન્યા નથી, ત્યારે સાઉથમાં આપણને ફાલતું લાગતા હિરો-હીરોઈનો માટે ય ઠેરઠેર મંદિરો બનતા રહે છે. આપણે ચાલતા અંબાજી-ડાકોર જવાની કે શિવરાત્રીનું વ્રત કરવાની માનતા માનીએ, એમ ત્યાં 'ભગવાન' કમલાહાસન, રજનીકાંત કે ખૂશ્બુ માતાના મંદિરો ભક્તોથી ભરચક હોય !

'નયા દિન, નઈ રાત'ની વાર્તામાં મગજમાં ઉતરે એવું કાંઈ શોધવા જશો, તો બાકી રહ્યું હશે, એ ય ગૂમાવશો. કૉલેજમાં ભણતી જયા ભાદુરી આનંદ નામના એક યુવાનના પ્રેમમાં હોય છે, પણ તેના કરોડપતિ પિતા ઓમપ્રકાશ એને જબરદસ્તી પરણાવી દેવા માંગે છે. વિરોધ નાકામયાબ સાબિત થતા જયા ઘર છોડીને ભાગે છે ને કરોડપતિ વિધૂર સંજીવકુમાર એને આપઘાતમાંથી પરાણે બચાવે છે. ભારતીય હીરોઈનો લાઈફટાઈમમાં ફક્ત બે જ વાર ''છોડ દો મુઝે... મૈં કહેતી હૂં, છોડ દો મુઝે...'' બોલતી હોય છે. એક તો ઊંચા પર્વતની કિનારી ઉપર અને બીજું, વિલન બળાત્કાર કરવા ઘસડીને લઇ જતો હોય ત્યારે. છેલ્લા ૮૨- વર્ષોથી વર્ષની સરેરાશ ૧૦૦- ફિલ્મો નિયમિત બનતી આવી છે, એ ૮- હજાર ફિલ્મોમાંથી દસ હજાર હીરોઇનોએ આપઘાત કરતા કે બળાત્કાર થતા પહેલા આવી શાયરી ''છોડ દો મુઝે.... મેં કહેતી હૂં, છોડ દો મુઝે...'' .....વિલનની તાળીઓના ગડગડાટ સાથે સંભળાવી છે, પણ હજી સુધી આપઘાતમાંથી એને બચાવનાર એકે ય હીરોએ એની વાત માની નથી અને બળાત્કાર કરવા માંગતા ઉત્સાહી વિલને એની બધી વાતો માનવી પડી છે. અહીંથી એ ભાગે છે તો કોઠેવાલી મૌસી શ્યામા એને ઉલ્લુ બનાવીને પોતાના કોઠા ઉપર લઈ જાય છે. ત્યાં દારૂડીયો સંજીવ ભટકાય છે, બીજા બધા સંજીવકુમારો કરતા આ સંજીવનું ગળું વધારે સારૂં હોવાથી આ એકલો જ રફી સાહેબનું સુંદર છતાં શરાબી ગીત, ''મૈં વો હી, વો હી બાત, મેરે લિયે તો હર દિન, નયા દિન, હર રાત, નઈ રાત'' ગાઈને જયાને સંભળાવે છે. જયાને જેટલું ગીત ગમે છે, એટલો સંજીવ નથી ગમતો એટલે એને છોડીને ભાગે છે, તો રસ્તામાં કોઢી અને રક્તપિત્તીયો સંજીવ મળે છે. એનાથી છુટયા પછી ડાકુ સંજીવ, પાગલખાનાનો વૃધ્ધ ડૉક્ટર સંજીવ, નૌટંકીનો બાયાછાપ કલાકાર સંજીવ... એમ સહુથી ભાગતી-ફરતી જયાને આખારે તેનો અસલી પ્રેમી આનંદ (એ ય સંજીવકુમાર) મળી જાય છે ને પ્રેક્ષકોનો છુટકારો થાય છે.

ઓકે. આ એ જમાનો હતો જ્યારે અગાઉના તમામ સ્થાપિત હીરો-હીરોઈનો ભૂંસાઈ ચૂક્યા હતા. રાજ-દિલીપ અને દેવ તો બહુ પહેલાના ફેંકાઈ ગયા હતા, પણ '૬૦-ના દાયકામાં જે આવ્યા, તેમાંથી એકમાત્ર શમ્મી કપૂરને બાદ કરતા જમાનો એકેયનો શરૂ નહોતો થયો કે ચાલતો ય નહતો. નવાઈ લાગશે પણ '૭૦-ના દાયકામાં સંજયખાન અને સાયરાબાનુનો દબદબો ઠીકઠાક હતો. ખાસ તો, સાયરા પુરબહારમાં ખીલી હતી. ઘાતક ઘટનાઓ એ થયે જતી હતી કે, એક પછી એક તમામ સંગીતકારો આ સમયમાં બહુ શરમજનક રીતે એમના આખરી દિવસો ગણી રહ્યા હતા. આમાં કોઈ અપવાદ જ નથી અને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને બાદ કરતા એકે ય સંગીતકાર એમની પ્રતિષ્ઠા મુજબનો માલ પિરસી શકતો નહતો. બધા હવાતીયાં મારતા હતા. લક્ષ્મી-પ્યારે બીજા હરિફો કરતા સારો માલ બનાવતા હતા, પણ એમની ગૂડવિલ શોભાવે એવો ઘાણ તો એમનો ય નહતો ઉતરતો. આ ફિલ્મમાં મુહમ્મદ રફીનું ગીત અને પછી કિશોર-લતાનું ભજન 'ક્રિશ્ના ક્રિશ્ના...' બહુ મધુરા બન્યા છે. બાકી બધામાં વેઠ ઉતરેલી દેખાય.આપણે ખુશ એ વાત પર થવાનું કે, આ ફિલ્મના સહાયક સંગીતકાર આપણા ગુજરાતના ગૌરવસમા સ્વ. દિલીપ ધોળકીયા હતા.

આઈ.એસ. જોહર ઉઘાડેછોગ કહેતો, ''ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે. એક ખરાબ અને બીજી બહુ ખરાબ.'' આ 'નયા દિન...' બહુ ખરાબમાં ન આવે...! ફિલ્મના દિગ્દર્શકો થિયેટરના પ્રેક્ષકોને કેવા સ્ટુપિડ ધારી લેતા હશે કે, ઘટનાઓમાં કોઈ લૉજીક-બૉજીક ભૂલી જવાનું. જયા પાસે દર નવા દ્રષ્યે કપડાં ક્યાંથી આવી જાય છે ? એ તો ઘેરથી ભાગીને નીકળી હતી ! જયા પાખંડી બાબા સંજીવકુમારને સળીયા વડે ફટકારે છે, એ તમે આસાનીથી જોઈ શકો છો કે, સળીયો મારવાને નામે માત્ર અડાડે છે, એમાં ય પેલો પડી જાય છે. પાગલખાનામાંથી જયા ભાદુરી ભાગે અને બુઝુર્ગ ડૉક્ટર સંજીવકુમાર પોલીસને ફોન કરે, એમાં મારતી-ભાગતી પોલીસ જીપ હાથોમાં ભરી બંદૂકોએ શું કામ પાછળ પડે ? ભારત બહુ મોટો દેશ છે પણ આપણી ફિલ્મોનો હીરો કે હીરોઈન ભાગતા ભાગતા જે ખૂફીયા સ્થળે પહોંચ્યા હોય, ત્યાં જ પોલીસ પહોંચે, બોલો ! વાસ્તવિકતામાં માણસ ગાન્ડો થઈ જાય એટલે એ જીવે ત્યાં સુધી કોઈ એકની એક હરકત જ કરે, જેમ કે જ્યાં ઊભો-બેઠો હોય ત્યાં આકાશમાંથી તારા તોડે, તો એ મરે ત્યાં સુધી આવા કાલ્પનિક તારા જ તોડતો રહે. આપણી ફિલ્મોના ગાન્ડાઓ ગીતો ગાય, ગાન્ડાવેડાં ય કરે, અવનવા તોફાનો કરે કે બાળક જેવી વાતો અને હરકતો કરે, જેવી ડાયરેક્ટરની ઈચ્છા. અસલી ગાન્ડાઓ આવા ન હોય, એ તો તમારામાંથી જે એકાદવાર થયું હશે, એને ય ખબર હશે...! 

ફિલ્મી ગીતોના મુજરાઓમાં બેઠેલા સાજીંદાઓ કેમ આવા પસંદ થાય, જેમને સુર-તાલનું રતિભાર જ્ઞાન ન હોય. જાણકારોને કેમ ન બેસાડી શકાય ? આપણે એટલું સંગીત તો જાણતા હોઈએ કે, જે જોઈએ છીએ એ આંગળીઓ સાઝ પર ફરતી નથી ને તો ય સુર બદલાયે રાખે. હીરો પિયાનો, ગીટાર કે વાંસળી વગાડતો હોય ત્યારે એના સુરતાલ આપણે ભૂલી જવાના.

આવું દારૂડીયાના રોલમાં ય ધ્યાન રખાતું નથી. વાસ્તવિકતામાં પીધેલાઓ ફિલ્મમાં બતાવે છે. એવા નથી હોતા. ચિક્કાર ઢીંચેલાઓની વાત જુદી છે. અહીં તો સંજીવે દારૂ પીને મુહમ્મદ રફી પાસે એક ગીયે ય ગવડાવ્યું છે, ''મૈં વો હી, વો હી બાત...'' ને રફીએ પણ અવાજ પીધેલાનો કાઢ્યો છે. વાત હવે સલામની બની જાય છે કે, રફી સાહેબે કદી ય દારૂ, સિગારેટને હાથ કે હોઠ અડાડયા નથી, પણ ગાવાનું આવે ત્યારે અસલમાં રફીએ પીધો હશે અને હીરો એમની નકલ કરતો હશે, એવી છાપ એમના મધુરા કંઠથી ઊભી થાય !

મુહમ્મદ રફી મકાનો બદલવાના બહુ શોખિન હતા. એ જ્યારે બાંદરા બૅન્ડસ્ટૅન્ડ પર આવેલી 'સી-બર્ડ' ફ્લેટ્સમાં રહેવા ગયા, ત્યાં ઉપરના માળે અભિનેત્રી રેખા રહેતી હતી, જે કાયમી લંડનમાં રહેતા રફી-પુત્ર ખાલિદની બહુ માનિતી હતી. એકવાર લિફ્ટમાં બેગમ બિલ્કીસ (જેને રફી 'અનિસા'ના નામે બોલવતા) સાથે બાપ-દીકરો ઉતરી રહ્યા હતા, ત્યારે કાલા થઈને ખાલિદે અબ્બાને સૂચન કર્યું, ''અબ્બા, અબ યે મકાન નહિ બદલના...'' અમ્મા તરત સમજી ગઈ ને પોતાના શૌહરને પૂછ્યું, ''દેખ લી અપને બેટે કી કરતુત...? વો ક્યું યે મકાન બદલવાના નહિ ચાહતા ? ક્યું કી રેખા યહાં રહેતી હૈ...!'' તો જવાબમાં છોટે મીયાં તો છોટે મીયાં, બડે મીયાં સુબહાન અલ્લા'ના ધોરણે રફી સાહેબે ડબલ-કાલા થઈને કીધું, ''અચ્છા, રેખા ઈસી બિલ્ડિંગ મેં રહેતી હૈ...?'' અમ્મા ચાલાક હતી. લિફ્ટમાં સાથે રફી સાહેબની પુત્રવધુ યાસમિન પણ હતી, જેને અમ્માએ કીધું, ''જોયું ? બાપ ભી બેટે સે કમ નહિ !'' ત્યારે રફીએ દીકરાને મશવરો આપતા મજાકમાં કહ્યું, ''દેખો બેટે... અબ ઈસ બિલ્ડીંગ મેં મેરા વો ગાના કભી નહિ ગાના, ''રેખા ઓ રેખા, જબ સે તુમ્હેં દેખા, ખાના પીના સોના દુશ્વાર હો ગયા...''!

સૉરી યાર... બહુ બકવાસ ફિલ્મ હતી આ !

13/02/2013

ગીર લાયન્સ વેલકમ યૂ

એ તો કોકે પૂછ્યું ત્યારે મારે કહેવું પડયું કે, ''આ શનિ-રવિ તો હું નથી... સાસણ-ગીરના જંગલોમાં જઉં છું... અમારા બધા સગાં ત્યાં રહે છે, તે મેં કુ... એક આંટો મારી આઇએ... !''

એમને હસવું ન આવ્યું, મને કહે, ''એમાં નવું શું છે ? તમને જોઇને-મળીને તો જંગલનો રાજા સિંહ જ યાદ આવે..!''મને એમની સત્યપ્રિયતા માટે માન થયું.

મનમાં આપણે ય જાણતા હોઇએ કે, 'ભ'ઇલા, ઘેર આઇને જોઇ જા..કે અમે ક્યા બ્રાન્ડના સિંહ છીએ..' છતાં ય, કોક આપણને જંગલના રાજા સાથે સરખાવે, તો ઝાઝો વિરોધ ન કરવો, એ મારા મૂળભૂત સંસ્કાર..!

ગુજરાતીઓ સાહસિક પ્રજા છે. સિંહો બનવા કરતા સિંહો જોવાનું વધુ પસંદ કરે છે. માણસ અને સિંહ વચ્ચે એટલો જ તફાવત કે, સિંહને ય એક વાઇફ હોય છે, જે સિંહણ કહેવાય છે અને આપણા ભાગે પડતી આવેલી વાઇફો ય સિંહણ કહેવાય છે... પણ આપણે સિંહ નથી હોતા, એટલો તફાવત !

ગુજરાતીઓને સિંહો સાથે ફોટા પડાવવાના બહુ ધખારા છે. ગીરનાં જંગલમાં અસલી સિંહ સાથે ઉભા રહીને ફોટા ન પડાવે, કારણ કે આમને જોઇને સિંહોની ફાટે... અને આમે ય, પૂરા સાસણ ગીરમાં પાટીયાં મારેલા છે કે, સિંહોને કોઇકનડગત કરવી નહી. માટે અહીના સિંહ-સદનમાં મૂકેલા સિંહણના પૂતળાંની બાજૂમાં ઊભા રહી હસતે મોંઢે ફોટા પડાવીને ગુજરાતીઓ આવનારા છ મહિના સુધી ઘેર આવેલા મેહમાનોના લોહીઓ પી જાય છે, ''જુઓ, મેં સિંહની બિલકુલ બાજુમાં ઊભા રહીને ફોટો પડાવ્યો છે... સિંહ સહેજ બી ડરેલો દેખાય છે ? સિંહમાં ને તમારા ભા' આયમાં આટલો ફરક..!'' એને આજ સુધી ખબર પડી ન હોય કે, એની બાજુમાં સિંહણનું પૂતળું હતું... સિંહનું નહિ !

અહી સિંહ સદનમાં સિંહો કદી આવતા નથી, પણ દીપડા ઓલમોસ્ટ રોજ એકાદો આંટો મારી જાય છે, એવું ત્યાંના વોચમેન બકુલભાઇએ એમને કીધું, એમાં અમારા બધાની હવા ટાઇટ થઇ ગઇ. આ બકુલભાઇ ઉપર સિંહનો મોટા પ્રભાવ હતો. એમની મૂછો ક્યાં પૂરી થાય છે ને દાઢી ક્યાંથી શરૂ થાય છે. એ કેવળ માન્યતાનો પ્રશ્ન છે. એવા બીજા વોચમેન રહેમાનભાઇ હતા.જે સાત ફૂટની હાઇટમાં અડધોએક ફુટ જ ચૂકી ગયા હશે. સિંહ કરતાં એમની ચામડીનો કલર બિલકુલ ઉલટો હોવાથી રાત્રે અંધારામાં રહેમાનભાઇ એમના ઓવરકોટ અને હાથમાં ડંડો અને ટોર્ચ લઇને આવતા દેખાય તો સિંહોની ખોટી છાપ પડે કે, સિંહોએ વળી કે'દી થી ઓવરકોટું પે'રવા માંઇડા..?'' પણ બન્ને માણસો બહુ સારા. પ્રવાસીઓ સાથે પૂરા વિવેકથી વાતો કરે... સાવ પ્રવાસીઓ જેવા નહોતા.!

લગભગ રોજ રાત્રે દિપડો અહીં સદનમાં એકાદ આંટો મારી જાય છે, એ જાણ્યા પછી બંધ બારણે ય અમારી હવા ટાઇટ થઇ ગઇ. અમારા ગ્રુપમાં મોટા ભાગે જૈનો હતા ને તમે તો જાણો છો કે, જૈનો ખોટી મારામારીઓમાં ન પડે... સાચીમાં ય ન પડે, એટલે સામો આવે તો દીપડાંને બે થપ્પડ મારવાની વાત રદબાતલ થઇ. તો શું કરવું ? મને અંગત રીતે ગાળો બોલતા મસ્ત આવડે છે. એટલે મેં એ માર્ગે જવાનું નક્કી કર્યું. એ સામો આવીને ઊભો રહે ત્યારે એકે ય ગાળ યાદ ન આવે, તો આપણી છાપ ખોટી પડે, એ ધોરણે મેં મંત્રની કક્ષાએ ગાળો ગોખવાનું શરૂ કરી દીધું. અજીતસિંહ 'બાપુ'એ કીધું, 'અમે ખુદ સિંહ છીએ. સિંહો પોતાનાથી નબળા ઉપર કદી હૂમલો ન કરે, એટલે દીપડો તો જાણે અમે નહિ મારીએ.' રાજકોટનો કલાકાર સુનિલ ગઢીયા ડરનો માર્યો કિશોર કુમારના ગીતો ઉપર ચઢી ગયો. એને એવો ભરોસો કે, કિશોર દા ના ગીતો સાંભળીને ભલભલા તાનમાં આવી જાય છે. એ વાત જુદી છે કે, કાતિલ ઠંડી અને ભયથી એનો ધ્રુજતો અવાજ કિશોર નહી, પણ તલત મેહમૂદ જેવો બની ગયો હતો.

સિંહ સદનમાં દીપડો આવે, પણ સિંહ નથી આવતો, એ બધી વાતો સાચી પણ આ ફેરફારને લીધે આપણાં ભયમાં કોઇ ફેરફાર કરી શકાતો નથી. અંગત રીતે હું બહુ બીકણ માણસ છું. વરૂ બાળક રામુની જેમ મારો ઉછેર વરૂઓ કે સિંહો વચ્ચે નથી થયો, એટલે વગર ઓળખાણે કાંઇ સંબંધ-બંબંધ ન બંધાય...અને અહીં સુધી સિંહ કોઇ'દિ આવતો નથી, એનો મતલબ એ ય નહિ કે ન જ આવે. હું પ્રવાસનો પેલ્લેથી શોખિન, એટલે મારા હોટેલ-રૂમના વોશ-રૂમમાં જવાનું આયોજન કર્યું. અલબત્ત, મારા પસંદીદા તમામ પ્રવાસોમાં એક આ જ પ્રવાસ એવો છે, જ્યાં આયોજન કરીને જવાતું નથી. બહુ લાગી'તી, એટલે શક્ય છે, આયોજનમાં કચાશ રહી ગઇ હોય. ફફડાટને કારણે બાથરૂમ સમજીને પહેલા તો બે-ચાર કબાટના બારણા ખોલી નાંખ્યા.ત્યાં જવાય એવું નહતું. છેવટે વૉશરૂમનો દરવાજો ખોલ્યો તો, ભડકી જવાયું. અંદર એક ડાલામથ્થો સિંહ બેઠો હતો... અંદર કોઇ ગયું હોય તો આપણાથી ન જવાય, એવા સંસ્કાર મારામાં પહેલેથી...! મને તરત પાછો આવેલો જોઇને મારી સાથેના સહુએ પૂછ્યું, ''સુઉં થીયું ?'' મેં કીધું, ''કાંય નંઇ..માઇલી કોર શીંહ બેઠો'તો...મેં જ શીંહને કય દીધું, ''મારે તો થઇ ગઇ...તું જઇ આવ..!'''

ખૈર, આ તો જાણિતી જોક મારા નામે ચઢાવી દીધી. કબુલ એટલે કરી નાખ્યું કે, કોઇને મારા માટે ખોટી છાપ ન પડે કે, આવું, કાંઇક થાય તો અમારો બ્રાહ્મણ અંદર બેઠો હોય ને બહાર સિંહ લાઇનમાં ઉભો હોય ! હું એટલો બધો સ્ટ્રૉંગ બ્રાહ્મણ નથી...સિંહ તો દૂરની વાત છે...બાથરૂમની છત પર ગરોળી ચીપકેલી હોય તો ય હું ન જાઉં. બાથરૂમની ગરોળીઓને કોઇના અંગત કામોમાં તાંક-ઝાંક કરવાની બૂરી આદત હોય છે.

ગીર અભયારણ્યમાં જવા માટે જીપ્સીમાં બેસીને જવાનું હોય છે. એમાં ડ્રાયવર અને ગાઇડ બન્ને સલામત બંધ કેબિનમાં હોય ને આપણે પાછળ ખુલ્લી સીટો પર બેસવાનું, એનો એક મતલબ એ થયો કે, સિંહોને ય ખબર છે કે, મારવા તો કોને મારવા ! હવે એ સરહદ શરૂ થતી હતી કે, સિંહ ગમે ત્યાંથી ગમે ત્યારે આવી શકે. ખુલ્લી જીપ્સીમાં મેં સમજીને વાઇફને બહારની તરફ બેસાડી, બીજી બાજુ પાર્થિવ પરીખને બેસાડયા, જેથી વચ્ચે હું સલામત રહું. ગાઇડે કીધું ય ખરૂં કે, ''સિંહ નજીક આવે ત્યારે બોલવાનું કાંય નંઇ...ઇ તમને સુંઘીને જતો રહેશે. બીવાનું નંઇ !''

એણે આ, 'બીવાનું નંઇ' એ સિંહ માટે કીધું હતું કે મારી વાઇફ માટે, એની ખબર ન પડી. પણ એટલી ખબર મને પડી ગઇ કે, સિંહ આટલો નજીક આવવાનો હોય તો એ બાજુ વાઇફોને જ બેસાડાય...! સુઉં કિયો છો ? (જવાબઃ તમામ પરણેલા પુરૃષ વાચકોએ જવાબમાં, 'એકદમ સાચું કિયો છો', એમ કહેવાનું છે : જવાબ પુરો)પરણેલા પુરૂષ વાચકો પાસે આવા જવાબની અપેક્ષા એટલા માટે રાખી છે કે, જે કામ પરિણિત જીવનના ૨૫-૩૦ વર્ષોમાં આપણે ન કરી શક્યા, એ સિંહ એક જડબામાં પતાવી આપે.

જીપ્સી આગળ વધતી હતી ને અમે એકીધારે મટકું ય માર્યા વગર સિંહની તલાશમાં નીકળ્યા હતા. ખૌફ એટલો જ બાકી રહી ગયો હતો કે, સિંહ આપણી તલાશમાં નીકળવો ન જોઇએ.

અચાનક ગાઇડે ચિતલ, હરણ કે નીલગાયના ભાંભરવાનો અવાજ સાંભળ્યો ને કહ્યું, ''થંભો...સાવજ આટલામાં જ કિયાંક છે...''આને કાંઇ કોઇ આનંદના સમાચાર ન કહેવાય. વાઇફે તરત ઊભા થઇ જઇ, મને ખભેથી ખેંચીને બહારની બાજુ બેસાડી દીધો. પોતે વચ્ચે બેસી ગઇ. લાઇફમાં પહેલી વખત મારે બન્ને બાજુથી બીવાનું આવ્યું ! (ને હજી સ્ત્રી-વિચારકો બૂમો પાડે જાય છે, કે સ્ત્રીઓને સમાન હક્ક આપો...આવા ?)

''જુઓ...ત્યાં જુઓ'' ગાઇડના કહેવાથી અમારાથી કોઇ ૪૦-૫૦ ફુટની દૂરી પર એક નાનકડી ટેકરી ઉપર સિંહણ ઊભેલી જોઇ. નીચે નીલગાય ઊભી હતી, તેની ઉપર સિંહણ ત્રાટકી. અમારા બધાના ગળામાંથી સાઉન્ડ વગરની એક ટીસ નીકળી ગઇ. નીલગાય ભાગી ગઇ, પણ સિંહણે એનો પીછો ન કર્યો, એ મોટી ઘટના કહેવાય એવું ગાઇડે કીધું. અમારી સાથેના જૈન પ્રવાસીઓ નીલગાયના બચી જવાથી બહુ ખુશ થઇ ગયા... સિંહણ ભૂખી રહી ગઇ, એનાંથી અમે દુઃખી થયા.

થોડે આગળ ગયા, ત્યાં સિંહોનું નસીબ વળી સારૃં હતું કે, અમે એમને દેખાઇ ગયા. અમને જોવાની એ લોકોને તો પરમિટ-ફરમિટ કાંઇ કઢાવવું પડયું નહોતું...ભ્રષ્ટાચાર બધે સરખો ! સારા કપડાં પહેરીને જીપ્સીમાં અમે હખણા બેસીએ, તો અમે ય જોવા ગમે એવા લાગીએ છીએ. પણ બદતમીઝ સિંહોએ અમારા આવવાની નોંધ પણ લીધી નથી. મને યાદ છે, મોટા ભાગે તો અમદાવાદથી અમે બધા નાહીને નીકળ્યા હતા. એમાંનો એક સિંહ એની સિંહણના કાન ચાટતો હતો. સાલું સિંહોમાં ય આવુ જ હોય છે. એ જાણીને બહુ દુઃખી થઇ જવાયું.

ક્લોઝ એનકાઉન્ટરનો સાદો નિયમ છે કે, તમે કોઇ ખાસ વ્યક્તિને મળવા બેતાબ હો, ત્યારે તમારી સાથે એવા જ લોકો હોય, જેની સાથે હોવાનું તમે કદી ય પસંદ ન કરો... અમે હવે શું કરી શકવાના હતા...? બધા વાઇફોઝ લઇલઇને આવ્યા હતા...! આવ્યા તો ભલે આવ્યા, પણ એમના આવવાનો અમને કોઇ ફાયદો સિંહોએ ય કરાવી ન આપ્યો! કદાચ, સિંહોમાં અમારી છાપ બહુ સારી પડી નહોતી !

અમારા બધામાંથી એક માત્ર પાર્થિવ પરીખ બે રીતે ખુશનશીબ સાબિત થયા....એમનાથી માત્ર છ ફૂટ દુર ડાલામથ્થો સિંહ આવીને ઉભો રહ્યો. બન્ને એકબીજાથી કેવા થરથરતા હશે, એ ધારણાનો વિષય છે. પણ ડર્યો સિંહ હશે, કારણ કે ઘટના સ્થળ છોડીને જતો એ રહ્યો હતો.

પ્રવાસના સાથી પુરૂષો બહુ ખિન્ન થયા કે, ગીર ફોરેસ્ટના ખૂબ અનુભવી દોસ્ત રવિ આડતીયાએ અમને જણાવી દીધું હતું કે, સિંહો કદી માણસો ઉપર હૂમલો કરતા નથી...એટલે જરા દુઃખ થયું કે, સિંહો હવે અમારામાંથી અડધાને નહિ છોડે ! મૂવી બધાએ ઉતારી હતી, ફોટા ય બધાએ પાડયા હતા... પણ રૃમ પર આવીને જોયું ત્યારે ખબર પડી કે, જંગલના ફોટા ને મૂવી તો અફલાતૂન આવ્યા હતા... જ્યાં સિંહો સામે આવીને ઊભા, એ તમામ ફોટા અને મૂવી હાલી ગયા હતા ! અમે એ ફોટા ધ્રુજતા ધ્રુજતા જોઇએ તો જ સીધા દેખાય એવું હતું.

સિક્સર

આપણા ઘરનું ગીઝર, ઑવન, કમ્પ્યુટર કે એવું કોઇપણ સાધન રીપેર કરનારો આવે, ત્યારે કોઇપણ અપવાદ વગર એવું તો બને જ છે કે, આપણે એને ફૉલ્ટ બતાવવા જઇએ, ત્યાં જ એ ચાલુ થઇ જાય...ને એના ગયા પછી બંધ ?!

10/02/2013

એન્કાઉન્ટર 10-02-2013

૧. આ 'યુ-ટર્ન' એટલે શું ?
- અમદાવાદના ભરચક ટ્રાફિકમાં ઘણીવાર ગાડી પાછી વાળવા નડિયાદ સુધી જઈને ટર્ન લેવો પડે, એ યુ-ટર્ન.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

૨. કોંગ્રેસરૂપી ફર્નિચરને ભ્રષ્ટાચારરૂપી ઉધઈ લાગી ગઈ છે... ઉપાય ?
- ભાજપ વળી ક્યા ધોયેલા મૂળાનું છે ?
(કૃષ્ણકાંત ટી. બૂચ, મુંબઈ)

૩. પ્રેમમાં પડયા પછી ખાવું, પીવું હરામ કેમ થઈ જાય છે ?
- પ્રેમમાં સફળ થાઓ કે નિષ્ફળ, 'પીવાનું' બન્ને તબક્કે કામમાં આવે આવે છે !
(રાજકમલ જે. પટેલ, ભરૂચ)

૪. ડિમ્પલ, ડિમ્પલ... ડિમ્પલ... આ બધું તમારા પત્ની ચલાવી કેમ લે છે ?
- એ કાંઈ પણ ચલાવી લેતી નથી, એની તો બધી મોંકાણ છે, બેન !
(ડિમ્પલ બેનાણી, જૂનાગઢ)

૫. 'ફાધર્સ-ડે' કે 'મધર્સ-ડે' ઉજવાય છે... 'વાઈફ-ડે' કેમ નથી ઉજવાતો ?
- હસબન્ડોઝને મઝાક પસંદ નથી હોતી !
(યોગીતા વી. ડોડીયા, ઠળીયા / તળાજા)

૬. બા ખીજાય અને વાઈફ ખીજાય, એ બન્ને વચ્ચે ફરક શું ?
- બાના ખીજાવાને મહત્વ આપવું પડે... હઓ !
(અજય પંચાસરા, રાજકોટ)

૭. હસ્તરેખા અને હીરોઈન 'રેખા' વચ્ચે કેટલો ફરક ?
- હસ્તની સાથે મિથુન (ચક્રવર્તી)નું નામ જોડાવું સારૂં ન લાગે !
(લલિત ઓઝા, જૂનાગઢ)

૮. ગાંધીજી ટોપી નહોતા પહેરતા, છતાં 'ગાંધી ટૉપી' કેમ કહેવાઈ ?
- એમ તો પત્નીને તેઓ 'બા' કહેતા હતા, તેથી ભારતભરની વાઈફોને કોઈ બા નથી કહેતું...!
(રજા હુસેન બચુભાઈ, મહુવા)

૯. પ્રેમની આપ-લે આંખોથી થાય કે હોઠોથી ?
- રોજ બ્રશ કરતા હો તો હોઠોથી ચાલે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૧૦. આપની જન્મ તારીખ તો ૨૯ ફેબ્રૂઆરી છે, જે આ વખતે તો આવવાની નહિ...! ઉજવશો કેવી રીતે ?
- મારી પહેલી પ્રાયોરિટી તો ૨૮મી સુધી હું છું કે નહિ, તેની છે... Who cares...
(ફિરોઝખાન પઠાણ, કલોલ)

૧૧. કેન્દ્રની યુ.પી.એ. સરકારમાં બેઠેલા આખલાઓ હિંદુઓના ભગવા રંગથી કેમ ભડકે છે ?
- મુસલમાનોએ કોંગ્રેસને પરખી લીધી. કોંગ્રેસ એમની આંખોમાંથી ઉતરી ગઈ છે. સાચા હિંદુઓ કોંગ્રેસને ચણા ય આલે એમ નથી... ભાજપે પણ હિંદુઓ માટે કાંઈ કર્યું હોવાનું જાણમાં નથી. આ બન્ને પક્ષો, બીજા પક્ષોની જેમ હિંદુ-મુસલમાનોને 'ભારતીય' લિબાસમાં નહિ, વોટના લિબાસમાં જુએ છે... હાક થૂ...!!!
(પ્રફૂલ્લ આર. શાહ, મીયાંગામ-કરજણ)

૧૨. તમે મહાદેવ, ગણપતિ, હનુમાન અને રામ-કૃષ્ણના પરમ ભક્ત છો... મુસિબતમાં ક્યા ભગવાનને યાદ કરો છો ?
- હું ભારતીય છું. મને મારા ધર્મ કે પરમેશ્વર પહેલા 'ભારત માતા' વધારે યાદ આવે છે. મુસિબતના સમયમાં ભારત માતા મદદમાં આવે છે, કોઈ ભગવાન નહિ !
(શા.ગોવિંદલાલ બી., પૂના-મહારાષ્ટ્ર)

૧૩. વૅલેન્ટાઈન-ડે પ્રેમીઓનો દિવસ છે, તો પ્રાણીઓ ઉપરના પ્રેમ માટે કોઈ દિવસ મુકર્રર થયો છે ?
- આજે જ મારા માથા ઉપર કબુતરૂં ચરક્યું છે. મને એનો સહેજ પણ આનંદ નથી. આપણી પાસે માણસોને પ્રેમ કરવાનો સમય નથી ને જાનવરોને પ્રેમો કરવા હાલી નીકળીએ છીએ !
(કુલદીપ સોઢા, સુરેન્દ્રનગર સબ-જૅલ)

૧૪. ફિલ્મોમાં મનોજ કુમાર પોતાનું નામ 'ભારત' જ કેમ રાખે છે ?
- એ પુરૂષ છે, માટે 'ભારતી' ન રખાય !
(સલમા મણીયાર, વિરમગામ)

૧૫. અશોકભાઈ, આપે 'સ્વમૂત્ર' નામની દવા પીવાની હિંમત કરી છે ?
- કરવાનો ય નથી... કહે છે કે, આજકાલ તો સ્વમૂત્ર ય ભેળસેળવાળું આવે છે !
(દિનેશ દોશી, મુંબઈ)

૧૬. અવસાન પછી નામની આગળ 'સ્વ' એટલે કે 'સ્વર્ગસ્થ' જ લાગે છે... કેમ કોઈ નર્કમાં જતું જ નહિ હોય ?
- ભ'ઈ, આજકાલ કોઈને સાચું સરનામું આપતા બે ઘડી વિચાર કરી લેવો પડે છે !
(વિશાલ પટેલ, રૂપાલકંપા-હિંમતનગર)

૧૭. પ્રેમમાં 'દિલ'નું બહુ જાણિતું પ્રતિક 'પાંદડાના' આકારનું જ કેમ ?
- બે કારણ. એક તો પ્રેમ દિલથી થાય છે, મગજથી નહિ, એટલે મગજનો આકાર માંડી વાળ્યો. બીજું, મગજનો દેખાવ અખરોટની ફાડ જેવો ખતરનાક લાગે છે, એટલે અમે પછી આ આકાર માન્ય રાખ્યો.
(બીના બી., રાજકોટ)

૧૮. મારાથી પત્ની અને પતંગ, બન્ને કાબુમાં રહેતા નથી. શું કરવું ?
- પતંગ સાચવવા તો બાજુના ધાબાવાળાને આપી અવાય...! પત્નીવાળા કૅસમાં ઢીલ જવા દો... અમે બધા એ જ કરીએ છીએ !
(ધવલ અશોક શાહ, વડોદરા)

૧૯. આજે દ્રૌપદીના સ્થાને મલ્લિકા શેરાવત હોય તો દુર્યોધન શું કરે ?
- દ્રૌપદી મહાન સ્ત્રી હતી. એની સરખામણી આવી લલ્લુ-પંજુ સ્ત્રી સાથે ન કરાય!
(દર્શના ડી. શાહ, વડોદરા)

૨૦. જેમને બાળકો ન હોય, એ પડોસીના બાળકો રમાડીને રાજી થાય છે. મારે પત્ની નથી તો શું કરવું ?
- તપાસ કરી જુઓ. તમે બાળક હતા, ત્યારે તમને રમાડવા કોણ લઈ જતું હતું...!
(ભૂપેન્દ્ર ટી. શાહ, વડોદરા)

૨૧. ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા બાબા રામદેવ ક્યાં ગયા ?
- એ 'ક્યાં ગયા', એ શોધવા જેટલો મહત્વનો એ માણસ નથી !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

૨૨. વિધવા માટે 'ગંગા સ્વરૂપ' વિશેષણ લગાવાય છે, તો વિધૂર માટે કેમ નહિ ?
- સમાજમાં એવી છાપ ન પડે કે, આને તો વિધૂર થવા ઉપર સારો હાથ બેસી ગયો છે, માટે ! ભોળીયાને બીજીવારનું ય કરવું હોય તો આવનારીઓ ડરે નહિ !
(અનિલ દેસાઈ, નિયોલ-સૂરત)

૨૩. અમે ભાગવત-સપ્તાહનું આયોજન કરવા માંગીએ છીએ. વિદ્વાન વક્તા તરીકે આપ આવશો ?
- 'ભારત-સપ્તાહ'નું આયોજન કરો. બેશક આવીશ.
(નીતિન રાજ્યગુરૂ, ભાટીયા-જામકલ્યાણપુર)

૨૪. 'અચ્છોં કો બુરા સાબિત કરવા, દુનિયા કી પુરાની આદત હૈ...' આવું કેમ ?
- ઘણી ખમ્મા. દુનિયાએ તમને ય ન છોડયા, નહિ ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૨૫. ઊંચી કક્ષાના સવાલોના જવાબો તમે આપતા નથી. આવું કેમ ?
- આવું કાંઈ ન હોય...! આ તમારો ય જવાબ આપ્યો ને ?
(જયંતિ પંચાલ, અંકલેશ્વર)

૨૬. તમે વડાપ્રધાન હો તો પહેલું કામ ક્યું કરો ?
- બોલું.
(પ્રણવ કવા, ગાંધીનગર)

કિશોર કુમારનું પોતાનું દૂર ગગન કી છાંવ મેં

ફિલ્મ : 'દૂર ગગન કી છાંવ મેં' ('૬૪)
નિર્માતા-નિર્દેષક : કિશોર કુમાર
વાર્તાલેખક : કિશોર કુમાર
સંગીતકાર : કિશોર કુમાર
ગીતકાર : શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ :૧૬-રીલ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, સુપ્રિયા ચૌધરી, અમિત કુમાર, રાજ મેહરા,સજ્જન, નાના પળશીકર, ઈફ્તેખાર, લીલા મીશ્રા, હીરાલાલ, મોની ચૅટર્જી, એસ.એન.બૅનર્જી, જીવનકલા, શમશેરસિંઘ અને નંદકિશોર. 


ગીતો
૧...રાહી તુ મત રૂક જાના, તુફાં સે મત ઘબરાના....હેમંત કુમાર
૨...કોઈ લૌટા દો મેરે બીતે હુએ દિન, બીતે હુએ દિન વો...કિશોર કુમાર
૩...છોડ મેરી બૈંયા, બલમ બેઈમાન, આતે જાતે દેખ લેગા...આશા ભોંસલે
૪...જીન રાતોં કી ભોર નહિ હૈ, આજ ઐસી હી રાત આઈ...કિશોર કુમાર
૫...આ ચલ કે તુઝે, મૈં લેકે ચલૂં, એક ઐસે ગગન કે તલે...કિશોર કુમાર
૬...ખોયા ખોયા ચંદા, ખોયે ખોયે તારેં, સો ગયે તુ ભી સોજા...આશા ભોંસલે
૭...પથ ભૂલા એક આયા મુસાફિર લેકે મેરા મન દૂર ચલા...આશા ભોંસલે
૮...ઓ જગ કે રખવાલે, હમેં તુઝ બીન કૌન સમ્હાલે...મન્ના ડે-કિશોર
ગીત નં. ૫ ના ગીતકાર પણ કિશોર કુમાર છે.

મુંબઈના સાન્તાક્રુઝમાં હસનાબાદ લૅન આવેલી છે. મૅઈન રોડ ઉપર સોમુ મુકર્જીનો વિશાળ બંગલો છે. સોમુ તનૂજાના પતિ અને કાજોલના પિતા. આ બંગલાને અડીને એક જ દિવાલના બીજા બંગલામાં ઉપર જૉય મુકર્જી અને નીચે દેબુ મુકર્જી રહે. અને નાનકડા કમ્પાઉન્ડ પછીનો બંગલામાં સૌથી નાનો મુકર્જી શુબિર રહે. શુબિર સુરતના આપણા અજીતસિંહનો ખાસ દોસ્ત. સોમુના બંગલામાંથી શુબિરના બંગલામાં જવા માટે જે પતલી ગલી જેવું આવે, એ ગલીની ડાબી બાજુના ફલૅટના પહેલા માળે કાદરખાન રહે.

શુબિરે એક વાત શરૂ કરી છે. સમય સવારનો હતો અને ચા-નાસ્તા અમારે કરવાના પણ પોતાના (સોમુ સિવાયના બધા) ભાઈઓની જેમ શુબિર પણ જરાક નવરો પડે, એટલે આપણી દેશી કસરતો કરવા મંડી પડે છે. અત્યારે એ જમીનથી એના પેટ જેટલું ઊંચુ લાકડાનું ભારેખમ મગદળ ખભાની પાછળ ફેરવતા ફેરવતા વાત માંડી રહ્યો છે :સુબોધ મુકર્જીએ '૬૪ની સાલમાં સાયરા બાનુ અને વિશ્વજીતને લઈને એ જમાનામાં ભાગ્યે જ કલરમાં બનતી ફિલ્મો પૈકીની એક 'ઍપ્રિલ ફૂલ' બનાવીને તૈયાર રાખી, જેને રીલિઝ કરવા મુંબઈના ફૉકલૅન્ડ રોડ પાસે આવેલી અલંકાર સિનેમા એમણે બૂક કરાવી રાખી હતી. ફિલ્મમાં બ્યુટી-ક્વીન સાયરા બાનુ, સંગીત શંકર-જયકિશનનું અને એમાંય આ તો પાછી કલર ફિલ્મ...! ૨૫-અઠવાડીયા તો નાંખી દેતા ય ખેંચી નાંખશે...! ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ લાઈન લગાડે, આવી ફિલ્મ રીલિઝ કરવા.

આ બાજુ, 'ઍ ગ્રૅટ કૉમેડિયન હીરો'ની સફળ છાપ છતાં કિશોર કુમાર કાંઈ નહિ ને એક કરૂણ ફિલ્મ બનાવી બેઠો હતો. 'દૂર ગગન કી છાંવ મેં'. બીજા બધા તો ઠીક, ખુદ એ ય જાણતો હતો કે, કોઈ ચમત્કાર થાય તો પણ ફિલ્મ બીજું વીક તો ચાલવાની જ નથી. ડિસ્ટ્રીબ્યુટર્સ બધા ઘસીને ના પાડી બેઠા હતા આ ફિલ્મને હાથ પણ લગાવવા માટે. કિશોર લિટરલી દરદર ભટક્યો, એક થીયેટર શોધવા માટે. એકે ય ના મળ્યું, એટલે નજીકના સગા હોવાને દાવે, સુબોધ મુકર્જીને હાથ જોડીને રીક્વેસ્ટ કરી જોઈ, ''વધારે નહિ... એક વીક માટે તમારૂં 'ઍપ્રિલ ફૂલ' પાછું ઠેલો ને મને મારૂં 'દૂર ગગન કી છાંવ મેં' રીલિઝ કરવા દો.'' સગપણ-ફગપણ ફિલ્મોમાં નથી ચાલતા. સુબોધે ય ના પાડી દીધી. કિશોર પર કેવી વિતી હશે એ તો કિશોર જાણે, પણ ક્યાંકથી કોઈ ચમત્કાર થયો. એક જ વીક માટે સુબોધે હા પાડી અને અલંકાર સિનેમામાં આ ફિલ્મ રીલિઝ થઈ. જાણતા તો બધા હતા કે ફિલ્મ આખું વીક તો ઠીક છે, ૭-૮ શો પણ નહિ ચાલે... ના ચાલ્યા. ઘણા ય પ્રેક્ષકો બગાસાં ખાતા અડધી ફિલ્મે અકળાઈ-અકળાઈને બહાર નીકળવા માંડયા.

પણ સૌથી વિરાટ ચમત્કાર ત્રીજા દિવસે થયો. હવા ક્યા રંગની મુંબઈમાં ફરી વળી કે, ફિલ્મ જોઈ ગયેલા સારા ઘરના પ્રેક્ષકોએ ખૂબ વખાણી, એમાં ચોથા દિવસથી 'હાઉસફૂલ'...! કિશોરે ઘેર બેઠા પસીનો પોંછવા માંડયો. બીજા વિક પહેલા તો ફિલ્મ ઉતારી લેવાની હતી, ડિસ્ટ્રીબ્યુટરે ના પાડી કે, હવે તો હું જ ના ઉતારૂં... એક પછી એક તમામ શો હાઉસફૂલ જવા માંડયા છે. ટિકીટોના બ્લૅક બોલાય છે... સુબોધ મુકર્જીને હસવું આવી ગયું... ઓકે... 'ઍપ્રિલફૂલ' નૅકસ્ટ વિક... સૉરી મુકર્જી બાબા... ત્રીજું, ચોથું આઠમું... સોળમું વિક ને ફિલ્મ હજી હાઉસફૂલ...! એ ત્રીજા વિકમાં તો કિશોર પાસે રીતસર દોડયા હતા કે, ''ભ'ઈ, હવે તું તારી ફિલ્મ ઉતારી લે...''

ઉતારી લેવી કિશોરના ય હાથમાં નહોતી, ડિસ્ટ્રીબ્યુટર્સના હાથમાં હતી... ફિલ્મ એ જ થીયેટરમાં પૂરા ૨૫-વિક્સ ચાલી... દેશભરના અનેક થીયેટરોમાં ય સિલ્વર-જ્યુબિલી...!

શુબિરવાળી વાત પૂરી... આપણી ચાલુ.

અમદાવાદના ઘી-કાંટા ઉપર એ જમાનામાં થીયેટરો જ થીયેટરો...! રીલિફ રોડ પરના કૃષ્ણ, રૂપમ, અશોક અને રીગલને બાદ કરતા ઘી-કાંટાના નાકા પછી તરત જ નોવેલ્ટી, એલ.એન., લક્ષ્મી, પ્રકાશ, મધુરમ... એમાં લાઈટ હાઉસમાં આ ફિલ્મ આવી. ખૂબ સારૂં ચાલી.

બહુ નસીબદાર હો અને '૬૦ના દાયકાથી તમારો ટેસ્ટ ક્લાસિક સ્તરે ઊંચો ગયો હોય તો આ ફિલ્મ 'દૂર ગગન કી છાંવ મેં' જોઈ હોય. ચમત્કારો કરવા કિશોર માટે રમત વાત હતી, એ ધોરણે માત્ર કૉમેડી માટે જાણીતા કિશોરે આટલી ગંભીર ફિલ્મ બનાવી, એની વાર્તા લખી, સંગીત આપ્યું, હીરો બન્યો, દિગ્દર્શન કર્યું, નિર્માણ કર્યું, એકાદું ગીત પણ લખ્યું. અને એથી ય મોટી વાત, પ્રેક્ષકોને એનું આવું અનોખું સર્જન મન ભરીને ગમાડવું પડયું.

શું હતું એની આ ફિલ્મમાં ? શંકર (કિશોર) લશ્કરમાંથી ગામ પાછો આવે છે, ત્યારે એક અકસ્માતમાં એનું ઝુંપડું બળીને ખાખ થઈ ગયું હોય છે, એના પિતા અને પત્નીને લઈને ! એકમાત્ર ૭-૮ વર્ષનો પુત્ર રામુ (અમીતકુમાર) બચી તો જાય છે, પણ નજર સામે સળગી ગયેલ માં અને દાદાને જોઈને એને પ્રચંડ આઘાત લાગે છે, એમાં એ મૂંગો થઈ જાય છે. શંકર પાછો આવે છે ત્યારે કુદરતની આવી ક્રૂર મજાક માની નથી શકતો અને ઈલાજ માટે રામુને શહેર લઈ જવા માંગે છે, એ સફરના માર્ગમાં ગામના હલકટ બાપ (રાજ મેહરા) અને તેના બે દીકરાઓ (સજ્જન અને ઈફ્તિખાર) એની ઉપર હુમલો કરે છે. બેભાન શંકરને પરગજું ગ્રામકન્યા મીરાં (સુપ્રિયા ચૌધરી) પોતાના ઘેર લાવે છે. રામુનો ઈલાજ કરાવવા શંકર મુંબઈ જાય છે, પણ તમામ ડૉક્ટરો રામુના સાજા થવાની શક્યતાને ના પાડી દે છે. નિરાશ થઈને ઘેર પાછા આવ્યા બાદ રાજ મેહરા અને તેના દીકરાઓ સાથેની મારામારીમાં અજાણ શંકર ઉપર કુહાડી વડે હૂમલો કરવા જતા ઈફ્તિખારને જોઈને ખૂબ ગભરાઈ ગયેલો રામુ ''બાપુ'' બોલી ઉઠે છે ને ફિલ્મનો સુખાંત આવે છે.

ફિલ્મ તો બેશક બડી ખૂબસુરત બની છે, પણ આપણને સાતમાં આસમાને બેસાડી દે છે એનું કર્ણપ્રિય સંગીત... માયમાયમાય...! નવાઈ મને આજે ફિલ્મ જોયાના ૪૮-વર્ષ પછી પણ એટલી જ લાગે છે કે, ઉમદા ફિલ્મી સંગીતની ચર્ચાઓમાં કેમ કદી 'દૂર ગગન કી છાંવ મેં'નો ઉલ્લેખમાત્ર આવતો નથી ? એક એક ગીત મનોહર બન્યું છે, ગવાયું છે, લખાયું છે, ફિલ્માયું છે. અને એ ય, એના સંગીતકાર કિશોર દા પોતે.

અફ કૉર્સ, ફિલ્મના ગીત-સંગીતમાં તમને સંગીતકાર સચિનદેવ બર્મનની છાંટ દેખાતી હોય, તો તમારા કાન તૈયાર થયેલા કહેવાય. એકાદું ગીત જાણે હેમંત કુમારે બનાવ્યું હોય, એવું ય તમારૂં નાક સુંઘશે. ક્યાંક ગડબડીની ગંધ આવતી હોય તો તમારો શંકાશીલ સ્વભાવ કામમાં આવશે કારણ કે, તમે થોડા તો સાચા છો જ. કિશોરની પોતાની મોટા ભાગની ફિલ્મોમાં હીરો, નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર, (આ ફિલ્મના એક ગીત, 'આ ચલ કે તુઝે મૈં લેકે ચલૂં...'નો તો ગીતકાર પણ એ જ) અને ગાયક એ પોતે હોય, એમાં ઘણી વાર તો એ ફિલ્મ જોનારે ય થીયેટરમાં એકલો કિશોર જ હોય. કિશોર ગાયક તરીકે ધી ગ્રેટ, ગ્રેટ અને હજી એક વાર ગ્રેટ, પણ સંગીત એનો સબ્જૅક્ટ નહતો. એટલે સુધી કે, ફિલ્મ 'ઝૂમરૂ'ના તમામ ગીતો હૉલીવૂડના ગાયક-સંગીતકાર બિંગ ક્રોસબીના ગીતોની સીધી ઉઠાંતરી હતી. આ ફિલ્મમાં જે સ્તરના (લગભગ ક્લાસિક લૅવલે પહોંચેલા) ગીતો બનાવાયા છે, તે બધા સચિનદેવ બર્મન કલ્ચરના છે. કિશોર બર્મન દાદાને રાહુલ જેટલો જ વહાલો હતો ને !

પણ સચિનદેવ બર્મન એના માટે પિતાતુલ્ય હોવાથી બન્ને વચ્ચેનું બૉન્ડિંગ ઘણું પવિત્ર અને અતૂટ હતું. ભલભલા દાદા બર્મનથી ડરતા (ખુદ એમનો સુપુત્ર રાહુલદેવ પણ ખરો !) પણ કિશોરને તો આ ઉંમરે પણ દાદાના ખોળામાં રમવાની પણ છુટ હતી... અને એ એવી છુટ લેતો પણ ખરો ! દાદાને પણ કિશોર માટે અનન્ય પ્રેમ. દાદાની છેલ્લી ફિલ્મ 'મિલી'ના કિશોરે ગાયેલા ભરપૂર ભાવનાત્મક ગીત 'બડી સૂની સૂની હૈ, જીંદગી યે જીંદગી...'નું રૅકૉર્ડિંગ પૂરૂં થયા પછી રડી પડેલા દાદા ત્યાં જ બેભાન થઈને પડી ગયા હતા. સ્વાભાવિક છે, કિશોર ખૂબ ઊંચા ગજાનો ગાયક પણ સંગીત એનો ગઢ નહતો. એના ગઢવી દાદા બર્મન હતા. વળી, કિશોરની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ''હોહોહીહીહૂહૂહાહા'' છાપની નહોતી. ગીતો વેદનાભર્યા બનાવવાના હતા. હવે બાકીનું તમે સમજી ગયા હો, તો લાઈફમાં ધારી લેવાની બાબતમાં તમારૂં બહુ મોટું નામ થશે. લોકો પોતાના ભાગનું ધરાવવા (એટલે કે, ધારી લેવાનું) તમને સોંપવા આવશે.

હેમંત કદાચ કદી આટલો મીઠો નહિ લાગ્યો હોય, એવું બૅકગ્રાઉન્ડમાં ગવાતા તેમના ગીત 'રાહી તુ મત રૂક જાના...' સાંભળીને મનમાં એ મુસ્કુરાહટ કાનની જાહોજલાલી સાથે ખીલતી રહે.

ફિલ્મનું સંગીત કન્ડક્ટ કર્યું હતું સંગીતકાર ભોલા શ્રેષ્ઠએ, જે કિશોરની પહેલી પત્ની અને એના પ્રથમ પુત્ર અમિત કુમારની મા રૂમાદેવીના પિતાતુલ્ય સંબંધી સંગીતકાર હતા. ઘરના જ સભ્ય કહેવાયા. આ ભોલા શ્રેષ્ઠ શમ્મી કપૂર-રાજેશ ખન્નાવાળી ફિલ્મ 'અંદાઝ'માં 'હૈ ના, બોલો બોલો' ગાનારી બાળગાયિકા સુષ્મા શ્રેષ્ઠના પિતા, જે પાછળથી નામ બદલીને 'પૂર્ણિમા' નામની ગાયિકા તરીકે મશહૂર થઈ.

ફિલ્મની હીરોઈન સુપ્રિયા ચૌધરી હિંદી ફિલ્મોમાં તો ન ચાલી (એટલે કે, એ પોતે જ ચાલવા નહોતી માંગતી), પણ બંગાળી ફિલ્મોમાં નામ મોટું. ખાસ કરીને ત્યાંના બન્ને સુપરસ્ટાર્સ ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચૅટરજી સાથે સુપ્પીએ બહુ ફિલ્મો કરી છે. એનો જન્મ બર્મા (આજના મ્યાનમાર)ના મીચકિના શહેરમાં થયો હતો, જ્યાં એનું ફૅમિલી સૅટલ થયું હતું. પછી ઈન્ડિયા આવ્યા. ચોંકવાની જરા ય જરૂર નથી. ઉંમર અને સગવડ હોય તો તમે ય સુપ્રિયાના ફાધર જેવી સિધ્ધિ મેળવી શકો છો. એના ફાધરને આઠ પુત્રીઓ અને ત્રણ પુત્રો હતા, એટલે હજી વધુ અભ્યાસાર્થે ઈન્ડિયા આવ્યા હોય, એવું કાંઈ ન હોય. આપણે એમ રાજી થવાનું કે, ૧૧-૧૧ બાળકોના પિતાને તો ઘરની બહારનું ય કેટલું કામ રહેતું હશે ?... આ તો એક વાત થાય છે.

ફિલ્મની વાર્તના સંદર્ભમાં એક સવાલ ઉઠે છે જરૂર. માણસ મૂંગો હોય તો એ બહેરો પણ હોય, જન્મથી કે અકસ્માતથી મૂંગો થયો હોય તો પણ એ બહેરો બને. કાન અને જીભના અવયવો એકબીજા સાથે જોડાયેલા હોવાથી આ વેદના સહન કરવી પડે છે.

કિશોર કુમારની પોતાની માલિકીની અસલી મૂછો હતી જ, પણ આપણને નવાઈ એ વાતની લાગે કે, ફિલ્મે-ફિલ્મે એણે ચોંટાડેલી મૂછો જ વાપરી છે. આમાંય ખોટી મૂછો ચોંટાડેલી દેખાય છે અને તે પણ મૂછ લાગે એવા વાળની નહિ, સાચા અર્થમાં થિગડું માર્યું હોય એવી કાળી પટ્ટી કિશોરે હોઠ ઉપર પહેરી છે. આવી સ્ટુપિડીટી કેમ ?

હિંદી ફિલ્મોમાં હીરો ફૌજી જવાન બને ત્યારે દિગ્દર્શક એક જ ભૂલ મોટી કરે છે. સેનાનો જવાન ફિલ્મી ઝૂલ્ફાં કદી રાખી શકતો નથી. ફલાણા-કટ કે ઢીકણાં-કટ તો દૂરની વાત છે, સૈનિક કે સેનાપતિએ બન્ને બાજુના લમણેથી વાળ છોલાવી નાંખવા પડે છે. આટઆટલી હિંદી ફિલ્મો બની, એમાંથી એકમાત્ર ગુલઝારની 'અચાનક'માં વિનોદ ખન્ના પાસે સૈનિક જેવી લાગે, એવી હૅરસ્ટાઈલ કરાવી હતી.

અલબત્ત, આટલી વાસ્તવિકતા ઉપર દરેક દિગ્દર્શકે સમાધાન કરવું પડે છે, એમાં કોઈનો દોષ નથી. હીરોને અન્ય ફિલ્મોમાં પણ કામ કરવાનું હોવાથી, માથા પરના વાળ એટલાને એટલા જ કાયમ રાખવા પડે છે.

ગામડાંના દ્રષ્યો ફિલ્માવવામાં કેવી અદભૂત કમાલ કિશોરે કરી / કરાવી છે ! એક સાદો દાખલો લઈએ. પ્રારંભમાં જ, પપ્પાની રાહ જોતો ગુંગો પુત્ર રામુ (અમિત કુમાર) ગામઠી રસ્તાની ખુલી આબોહવામાં ચાલતો ચાલતો નદી કિનારે પપ્પાની હોડી આવવાની પ્રતિક્ષામાં આવતો જતો દેખાય કે, ક્યારેક તો અમસ્તું જ બસ... કિશોર ગામના પાદરે દીકરાને શોધવા આવતો/જતો ફિલ્માય, તે દ્રષ્યો ફિલ્મની પટ્ટી પર કંડારવાનું કિશોરને સૂઝે, એ આંખનો જલસો છે. આપણને એમ કે કોઈ ઘટના બનશે, પણ બનતી નથી. માત્ર એને જતો આવતો શોટ કરવાનું કિશોરને સૂઝે, ત્યારે કેવું મનોરમ્ય લાગે છે, એ ફિલ્મ જુઓ તો વધુ ખ્યાલ આવે.

આશા ભોંસલેની લોરી તમે એના નાનકડાં બાળક હો, એવી મધુરતાથી ગવાઈ છે. શૈલેન્દ્રભાઈના શબ્દોની કમાલ તો વાંચો, ગુરૂજી, ''કહીં કોઈ ગીત ગાયે, કોઈ બંસી બજાયે, ઔર કોઈ ઢોલ લે, ધિના ધિન તક સુનાયે, સબ સે એક રંગ પડે, કોઈ ભી બચ ન સકે, પ્યાર ઔર મેલ કા ગુલાલ યું ઊડે, ખિલે મિલે દિલ કોઈ જીતે કોઈ હારે, ખોયા ખોયા ચંદા, ખોયે ખોયે તારે, સો ગયે તૂ ભી સોજા ચાંદ હમારે...'' શૈલેન્દ્રભાઈને અહીં ગીત નહિ, કવિતા કરવાનું ઢાળવાળું મેદાન મળી ગયું છે, પછી એના જેવો કવિ ઝાલ્યો રહે ? એમને એકલાને અહીં ગીતો લખવાના મળ્યા છે, એટલે તમામ ગીતોમાં આવી જ કવિતાઓ પૂજાના ફૂલોની થાળીની જેમ સજાવી છે. સલામ શૈલેન્દ્રભાઈ.