Search This Blog

29/06/2015

ઍનકાઉન્ટર : 29-06-2015

૧.કન્યા સાસરે પહેલી વાર પધારે ત્યારે એને 'લક્ષ્મી' કહે છે, પણ વર પહેલી વાર એના સાસરે જાય ત્યારે એને 'વિષ્ણુ' કેમ કહેતા નથી ?
-સાસરીવાળાને 'વિષ્ણુ' કોને કહેવાય એની ખબર હોય છે.
(મયૂર એસ. ભટ્ટ, સુરત)


૨.મારે તમારી જેમ ફટાફટ જવાબો આપતા શીખવું છે. કોઈ ઉપાય ?
-પરણી જાવ.
(ઉમેશ નાવડીયા, જલિલા-રાણપુર)

૩.તમે કોઈના જવાબો સીધા નથી આપતા. આમાં તમને શું મળે છે ?
-જગતની આ એક જ નોકરી એવી છે, જેમાં આડા જવાબ આપવાનો પગાર મળે છે.
(હિના એસ. પટેલ, અમદાવાદ)

૪.માથામાં તેલ નાંખીને સુઈ જનારી સ્ત્રીઓના તો સપનામાં ય તમે નહિ આવતા હો... રાઇટ ?
-માથે બોડી આવે એ ય ચાલે... તેલવાળી તો નહિ જ જોઈએ... સપનામાં ય !
(જીતેશ જોશી, મુંબઈ)

૫.મારે નેતા બનવું છે... શું કરવું ?
-કંઈ નહિ... એમાં કંઈ નહિ કરવાના પૈસા મળે છે.
(અમિતગીરી ગોસ્વામી, જામનગર)

૬.તમે આટલી સરળતાથી જવાબ કેવી રીતે આપી શકો છો ?
-કહે છે કે, મારા મગજ સુધી પૂરતું લોહી પહોંચતું નથી.
(કાશ્મિરા જે. દલાલ, ભરૂચ)

૭.'એનકાઉન્ટર'ના જવાબો આપવા ક્યા સમયે બેસો છો ?
-કસમયે.
(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)

૮.તમે જાતે દુઃખી થઈને બીજાને સુખ જ આપ્યા કરો છો, તો તમારી પાસે કેટલો સ્ટોક છે ?
-ઓ ભાઈ... ફેરફાર કરવો હોય તો હજી કરી નાખો... લોકો તો તમારાથી ઊલટું કહે છે !
(મેરૂ સતાપરા, અસલાલી)

૯.મારે હીરો થવું છે.
-સુરતના હીરાબજારમાં તપાસ કરો.
(બિપીન પટેલ, પાલનપુર)

૧૦.સાઠે બુદ્ધિ નાઠે. તમારે શું કહેવું છે ?
-આ સવાલ ત્રણ વર્ષ પહેલા પૂછવા જેવો હતો.
(રિતેશ ત્રિવેદી, પાલનપુર)

૧૧.દિલ્હીમાં સરકાર બનાવી લીધા છતાં 'આપ' પાર્ટીવાળા અંદરોઅંદર કેમ ઝગડે છે?
-એવું કંઈ નથી. એ લોકો બહારોબહાર (બારોબાર) પણ ઝગડે છે.
(જયેશ પટેલ, કાંકણોલ-હિંમતનગર)

૧૨.આજ સુધીના 'એનકાઉન્ટરો'માં તમે આપેલો શ્રેષ્ઠ જવાબ ક્યો ?
-આ.
(દીપક એસ.કાલે, અમદાવાદ)

૧૩.જમ્મુ-કાશ્મિરમાં ભાજપે પીડીએફ સાથે કરેલા જોડાણ વિશે તમારે શું કહેવું છે ?
-એક કહેવત છે... 'સાપે છછુંદર ગળ્યું !'
(રણજીત મકવાણા, નડિયાદ)

૧૪.અમારે તમારૂં સન્માન કરવું છે. કહો, 'ગેટ-ટુ-ગેધર' ક્યારે રાખીએ ?
-'ફરગેટ-ટુગેધર'.
(રાજેશ બી. દરજી, અમદાવાદ)

૧૫.મોદી સાહેબની ૫૬-ની છાતી ક્યાં ગઈ ?
-તમે અડી આવો એટલે ખબર
(અશોક વરૂ, લાલપુર-જામનગર)

૧૬.મેં તમને જોયા નથી, પણ તમારા હાજરજવાબીપણા ઉપરથી એવું લાગે છે કે, તમે અનુપમ ખેર જેવા લાગતા હશો ?
-એ તો ખબર નથી, પણ સાઇઝમાં મારી પત્ની અનુપમની વાઇફ કિરણ ખેર જેવી ચોક્કસ દેખાય છે.
(વેદાંત દિવેચા, વડોદરા)

૧૭.તમે અગાઉ આપેલા જવાબના અનુસંધાનમાં હું તમારી કાર ફેમિલી સાથે લેવા તૈયાર છું. બોલો...
-એમાં ફેમિલીને લાવવાની કાંઈ જરૂર નથી... તમે ત્યારે એકલા આવી જાઓ.
(કરાગ્ર શુકલ, વડોદરા)

૧૮.જેમને પત્રકારત્વ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી, એવા લેભાગુઓ પોતાના વાહન ઉપર 'પ્રેસ' લખાવે છે. આવાઓને રોકવાનો કોઈ ઉપાય ?
-તમારે એમના વાહન પર લખેલા 'પ્રેસ'ની આગળ 'એક્સ' લખાવી દેવાનું.
(નરેન્દ્ર પીઠડીયા, જામનગર)

૧૯.કોઈ દિવસ મારી સામે ય ન જોનાર છોકરીઓ હવે જોવા લાગી છે... શું કરવું ?
-પહેરેલા કપડાંના બધા બટનો ચેક કરી લેવા.
(દીપક પટેલ, જુનાગઢ)

૨૦.સરકારને ચૂકવીએ તેને 'ટેક્સ' કહેવાય, ટેક્સીવાળાને ચૂકવીએ તેને 'ફેર' કહેવાય, તો વાઈફને આખો પગાર ચૂકવી દઈએ, એને શું કહેવાય ?
-અનફેર.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

૨૧.બધા હાસ્યલેખકો બ્રાહ્મણ જ કેમ હોય છે ?
-તમે માહિતી આપી રહ્યા છો કે ફરિયાદ કરી રહ્યા છો ?
(ડૉ. દિલીપ ભાયાણી, સુરત)

૨૨.લગ્ન પછી પુરૂષ નરમ કેમ પડી જાય છે ?
-અમારી બાજુ એવું નથી હોતું.
(ભરત સાંખલા, ડિસા)

૨૩.શિરે શિખા, ભાલે તિલક અને ખભે જનોઈથી ખબર પડે કે આ વ્યક્તિ બ્રાહ્મણ છે. શું તમે આવા કોઈ અલંકારો ધારણ કર્યા છે ?
-બહુ પૂણ્યો કર્યા હોય ત્યારે બ્રાહ્મણ અવતાર મળે છે. એમને કોઈ અલંકાર ધારણ કરવાની જરૂર નથી.
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

૨૪.પંખો કેવો લેવો ?
-કોઈ ચાલુ કરી આપે એવો.
(રોહિત દવે, હાલોલ)

૨૫.શું પુરૂષ લગ્ન પછી જ સુધરે ?-એ તો કોના લગ્ન પછી સુધરવાનું છે, એ જોયા પછી ખબર પડે.
(દિલીપસિંહ ચૌહાણ, આદિપુર)

૨૬.મોબાઈલની રિંગ વાગતા જ સહુના પગ કેમ ચાલવા માંડે છે ?
-કોઈનું મગજ ચાલે... કોઈના પગ !
(ડૉ. સુનિલ ટેલર, વાપી)

28/06/2015

'પ્રોફેસર' ('૬૨)

ફિલ્મ - 'પ્રોફેસર' ('૬૨)
નિર્માતા - એફ.સી.મેહરા
દિગ્દર્શક - લેખ ટંડન
સંગીત - શંકર-જયકિશન
ગીતો - શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ - ૧૫૦- મિનિટસ
થીયેટર - રીલિફ ,અમદાવાદ
કલાકારો - શમ્મી કપૂર, કલ્પના, પરવિન ચૌધરી, લલિતા પવાર, પ્રતિમા દેવી, રશિદ ખાન, બેલા બૉઝ, ટુનટુન, વીર સખૂજા, રણધીર, રત્નમાલા, રતન ગૌરાંગ, એમ.એ. લતિફ, સલિમ, રિડકુ અને ઇફ્તેખાર.





નાના એટલે કે કિશોરાવસ્થાના રાજ કપૂરને એના માતાજી (મિસીસ પૃથ્વીરાજ કપૂરે) એક રૂપિયો આપીને સૂચના આપી. ''તારા ભાઇ શમ્મીને લઇને મેટ્રોમાં ફિલ્મ 'ધી સ્નોવ્હાઇટ ઍન્ડ ધી સૅવન ડ્વૉર્ફ્સ' જોઇ આવ.'' કોલકાતાના ચૌરંગી ખાતે આ સિનેમા આવ્યું હતું. કપૂર-ખાનદાનના પેઢીઓ જૂના નોકર દ્વારકાને સાથે લઇને જવાનું હતું. ચાર આના ટ્રામમાં મેટ્રો સુધી જવાના, ચાર આના પાછા આવવાના. (ઓહ..નવી પેઢીના વાચકો માટે સમજણ... એક આનો એટલે છ નયા પૈસા થાય. ૧૬- આનાનો એક રૂપિયો ઓહ માય ગોડ.... આજના છોકરાઓને તો 'નયા પૈસા' એટલે શું, એ ય સમજાવવું પડશે.... માંડીવાળો !) અને બન્ને ભાઇઓની ચારચાર આનાની ટિકિટ. ત્યાં પહોંચ્યા ત્યારે ટિકીટની પડાપડી સાથે જંગી લાઇન જોઇને ત્રણેના હોશ ઊડી ગયા. દ્વારકાને તો આમે ય, પેલા બન્ને ફિલ્મ જોઇને બહાર આવે, ત્યાં સુધી સિનેમાની બહાર રાહ જોતા બેસી રહેવાનું હતું પણ આટલી પડાપડી જોઇને રાજ કપૂરે શમ્મીને કહ્યું, ''બહોઓઓઓ... ત લમ્બી લાઇન હૈ... તુમ દોનો યહાં બૈઠો... મૈં લાઇન મેં ખડા રહેકર ટિકીટ લેકર આતા હૂં.'' રાજ દોઢેક કલાક સુધી દેખાયો નહિ ને પાછો આવ્યો ત્યારે મોઢું પડી ગયું હતું. ''બહોત કોશિષ કિ...ટિકીટ નહિ મિલી...! લાઇન બહોઓઓઓ...ત લમ્બી થી, ફિર ભી...''

શમ્મી કપૂરના શબ્દોમાં આ વાતનું રહસ્ય જાણીએ તો, ''તમે જાણો છો, રાજ કપૂરે શું કર્યું ? ચાર આનાવાળી ટીકિટ મળી નહિ, એટલે એ બાર આનાની ટિકીટ લઇને એકલો ફિલ્મ જોવા બેસી ગયો... અમને બન્નેને બહાર બેસાડી રાખ્યા..'' શમ્મીએ ઑન રૅકૉર્ડ કીધું છે, ''આટલો 'નાનો' માણસ મારો ભાઇ રાજ કપૂર... 'હતો'' !

આ વાતના ૫૦-૫૦ વર્ષો પછી ય શમ્મી મોટા ભાઇનું આવું કરતુત ભૂલ્યો નથી ને આપણે આટલા વર્ષો પછી પણ, આ હસતા-ગાતા હૅન્ડસમ માણસની જબરદસ્ત પર્સનાલિટી, ઍક્ટિંગ અને પ્રભાવ ભૂલ્યા નથી. નહિ તો ફિલ્મ 'પ્રોફેસર' તો ઠેઠ ૧૯૬૨માં એટલે કે, આજથી ૫૨ વર્ષ પહેલા આવી હતી, છતાં એકેએક ગીત અને આખેઆખો શમ્મી કપૂર યાદ રહી ગયો છે ને ? આ ફિલ્મમાં હીરોઇન કલ્પના કોઇને યાદ નથી, સાઇડ હીરોઇન પરવિન ચૌધરીનું તો તમારામાંથી ઘણાએ નામ પણ અત્યારે સાંભળ્યું- એટલે કે, વાંચ્યું હશે. હા, એક વ્યક્તિ આ ફિલ્મને કારણે પૂરજોશ યાદ રહી ગઇ હોય તો તે, લલિતા પવાર. રાજ કપૂરની ફિલ્મ 'અનાડી' પછીનો એનો આ સર્વોત્તમ કિરદાર હતો. હજી મારા જેવા જૂની ફિલ્મોના ચાહકોને તો લલિતાબાઇ બુઢ્ઢા શમ્મી કપૂરના પ્રેમમાં પડીને, સજતી- ધજતી અરીસામાં જોતી જોતી, 'પ્રેમનગર મેં બનાઉંગી ઘર મેં તજ સોલહ સિંગાર...' ગાતી એ યાદ છે.

શમ્મી કપૂરના ચાહકોને તો આજે ય ઝૂલસતા કરી નાંખે, એવો છેલછબિલો એ દેખાતો હતો. એ કે આ જમાનાના કોઇ પણ ઍક્ટર જેટલો એ ઉત્તમ ઍક્ટર હતો, પણ એક ઍક્ટર તરીકે ફિલ્મ-મીડિયાએ એને બહુ નીગ્લૅક્ટ કર્યો. અહી એની ઍક્ટિંગ ઘણી સારી હોવા છતાં 'બૅસ્ટ ઍક્ટર'નો એવોર્ડ એ સહેજમાં ચૂકી ગયો. ગીતના ફિલ્માંકનમાં એ સુપરહીરો હતો. જેમ 'કાશ્મિર કી કલી'ના ''ઇશારો ઇશારો મે દિલ લેનેવાલે....'' ગીતના બીજા અંતરા પહેલાના ઇન્ટરલ્યૂડ મ્યુઝિકમાં સિતારના પીસ ઉપર એ ગુજરાતી ગરબા જેવો ડાન્સ કરે છે, એ જોવા જ મારા જેવાઓએ તો એ ફિલ્મ ૮-૧૦ વખત જોઇ નાંખી હતી, તેમ આ ફિલ્મના 'અય ગુલબદન...' ગીત વખતે એણે પહેરેલી કાશ્મિરી ટોપીમાં તાજા લગ્ન કરવા બેઠેલા મોર જેવો સોહામણો લાગે છે, એ હજી ભૂલાતું નથી. કપૂરીયાઓ બધા પહેલેથી જ આવા ડૅશિંગ-પર્નાલિટીવાળા ખરા કે નહિ ? શમ્મી કપૂરને પોતાની ફિલ્મમાં લેવા માટે નિર્માતાઓએ શમ્મીના સેક્રેટેરીની રીતસરની ચમચાગીરી કરવી પડતી. જયકિશનની જેવી જ શર્ત શમ્મી મૂકતો, ''તમારી ફિલ્મમાં સંગીત શંકર-જયકિશનનું હોય તો આગળ વાત કરો..!'' એમાં ય, આ ફિલ્મમાં શમ્મીના જીગરજાન દોસ્ત જયકિશનના બનાવેલા ૪- ગીતો છે ને શંકરના બે જ. જયકિશન શમ્મીના મૅનરિઝમ્સથી અચ્છી તરહ વાકેફ હતો એટલે મુહમ્મદ રફી પાસે જેવા ઝટકા કેવી રીતે મરાવવા, એ ખૂબી જય જાણતો હતો. હું પર્સનલી એ થીયરી સાથે સહમત નથી કે, રફી સાહેબ જે હીરો માટે ગાતા હોય, એ જ હીરોએ પોતે ગાયું હોય, એવું રફી ગાઇ શકતા... આ બધો બકવાસ છ, તેમ છતાં ય દેવ આનંદનું 'અભી ના જાઓ છોડકર...' કે દિલીપ કુમારના- ચાર-પાંચ ગીતો અને શમ્મીના તો ઑલમોસ્ટ તમામ ગીતોમાં રફીનો અવાજ સાંભળો, તો એટલા પૂરતી મારી થીયરી ખોટી પડે છે. શમ્મી પરદા ઉપર હોય ને રફી 'આઇ ઇ યા, કરૂં મૈં ક્યા સુકુસુકુ...' ગાય તો માનવું જ પડે કે, અવાજ રફીનો નહિ હોય, શમ્મીનો જ છે. આ ફિલ્મના નિર્માતા ફકીર ચંદ મેહરા માટે શમ્મી શ્વાસનો પ્રાણ હતો. એમણે પહેલી જ ફિલ્મ શમ્મીને લઇને 'મુજરીમ' બનાવી. પછી 'ઉજાલા'માં ય શમ્મીને લીધો. 'સિંગાપુર', 'પ્રોફેસર', 'પ્રિન્સ' અને છેલ્લે 'મનોરંજન'માં ય શમ્મી કપૂર. શમ્મીએ ઘણા બધાને ઘણું બધું કમાવી આપ્યું છે.

ઇન ફૅક્ટ, 'પ્રોફેસર' સારી ફિલ્મ હતી, માટે ફિલ્મ વિશે જ વાત કરીએ.

એ જમાનામાં એટલે કે '૬૨ની સાલમાં રંગીન ફિલ્મ બનાવવી એ પણ મોટી વાત ગણાતી હતી. મેહરાએ શમ્મીના જોર પર એ જુગાર પણ ખેલ્યો અને ધાંય ધાંય સફળતા મળી. અગાઉ શમ્મીની 'જંગલી' પણ એવી સનસનાટી મચાવી ચૂકી હતી. લેખ ટંડને પ્રભાવશાળી દિગ્દર્શન કર્યું હોવાથી આજથી ૫૨ વર્ષ પહેલા બનેલી ફિલ્મ હોવા છતાં આજે ય જોવી ગમે એવી છે.

ફિલ્મની વાર્તામાં આમ કાંઇ ખાસ નથી છતાં, થોડી ઘણી ઇન્ટરેસ્ટિંગ તો ખરી, એટલે અંશો જોઇ લઇએ -

પ્રિતમ (શમ્મી કપૂર) પોતાની માં ટીબી જેવા (એ જમાનામાં) જીવલેણ ગણાતા રોગ સામે પૈસેટકે ઝઝૂમવા નોકરીની શોધમાં છે. સીતાદેવી વર્મા (લલિતા પવાર) પોતાની બે ભત્રીજીઓ (કલ્પના અને પરવિન ચૌધરી) ને સરખું શિક્ષણ આપવા એક ટયૂશન- માસ્તરની શોધમાં છે, શર્ત એટલી કે માસ્તર બુઢ્ઢો હોવો જોઇએ. જાહેર ખબર વાંચીને શમ્મી પોતે જ બુઢ્ઢો બનીને માસ્તર બનીને આવે છે, પણ અંદરનો યુવાન શમ્મી કલ્પના માટે આકર્ષાય છે અને બન્ને પ્રેમમાં પણ પડે છે. પ્રોબ્લેમ એ વાતનો કે, આવો સોહામણો બુઢ્ઢો માસ્તર સીતાદેવીને ય ખૂબ ગમી જાય છે- પોતાને માટે, અને એ ય માસ્તર સાથે પરણવાના સપના જોવા માંડે છે. શમ્મીની હાલત સમજી શકાય એવી છે. રાઝ ખુલી જાય તો પ્રેમિકા તો જાય, પણ છેતરપિંડીનો આરોપ ય લાગે. ખૂબ કડક સ્વભાવ ધરાવતી સીતાદેવી બુઢ્ઢા (બનેલા) શમ્મીને જોઇને પલળવા માંડે છે. કાચી સેકન્ડમાં બન્ને વેશ બદલીને શમ્મી બન્નેને ઉલ્લુ તો બનાવે છે, પણ આખરે રાઝ ખુલી જતા ટૅન્શન તો ઊભું થાય છે, પણ ફિલ્મ પૂરી કરવા માટે દરેક દિગ્દર્શકે ફિલ્મનો અંત સુમેળભર્યો લાવવો પડે, એ અહી લવાય છે.

શમ્મીની પર્સનાલીટીની ખૂબી એ હતી કે, શૂટ-બૂટને બદલે એ કેવળ અડધી બાંયનું ઇન્સર્ટ કર્યા વિનાનું શર્ટ મોટાભાગની ફિલ્મોમાં પહેરતો, એમાં પણ એ એવો જ ખૂબસૂરત લાગતો. ક્યારેક ફડકો આપણને લાગી જાય કે, આવી ડૅશિંગ પર્સનાલીટીવાળા હીરો સાથે કામ કરતા હીરોઇનો ડરતી નહી હોય ? નંદાએ તો કબૂલ કર્યું હતું કે, 'હું શમ્મી કપૂરની પર્નાલિટીથી એટલી અંજાઇ હતી કે, એ સામે આવે તો હુ ડરી જતી.' એ વાત તો સહુ જાણે છે કે, અનેક હીરોઇનોની પહેલી ફિલ્મ શમ્મી કપૂર સાથે બની હતી, જેમાં આશા પારેખ, સાયરા બાનુ, કલ્પના, (બનતા સુધી રાગિણી), ચાંદ ઉસ્માની... હજી એકાદી છે, નામ યાદ નથી આવતું.

ફિલ્મની હીરોઇન કલ્પનાનું સાચું નામ 'અર્ચના મોહન' હતું. એના પિતા પંડિત જવાહરલાલ નેહરૂના જમણા હાથ સમાન હતા. નેહરૂની એ ખૂબ લાડકી હતી, માટે મેહમાનો આવે, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં કલ્પનાના કથ્થક નૃત્યનો પ્રોગ્રામ બેશક હોય જ. ઇન ફૅક્ટ, ફિલ્મોમાં કલ્પનાને લાવવાનો યશ બલરાજ સાહનીને આપવો પડે. ઉર્દુ લેખિકા ઇસ્મત ચુગતાઇને પણ એ ખૂબ ગમી ગયેલી, એટલે પહેલી ફિલ્મ 'પ્રોફેસર'માં એને ચાન્સ મળ્યો. દેવ આનંદ સાથે 'તીન દેવીયા' અને શશી કપૂર-કિશોર કુમાર સાથે 'પ્યાર કિયે જા' જેવી ફિલ્મો મળી. એ પછી એ કોઇ નૅવી ઓફિસરને પરણી પણ લગ્ન ઝાઝા ચાલ્યા નહિ- ડિવોર્સ થયો અને ફિલ્મી લેખક સચિન ભૌમિકને પરણી. એમાં ય કોઇ જમાવટ થઇ નહિ ને છેવટે ૪ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ પૂણેમાં મૃત્યુ પામી. એની દીકરી પ્રિતી સિંધી હરિશ મનસુખાણીને પરણી છે.

હીરોની ટીવી- પૅશન્ટમાં બનતી અને બુઢાપામાં ય સુંદર લાગતી ચરિત્ર અભિનેત્રી પ્રતિમા દેવી બંગાળણ હતી. એના કૅરેક્ટરને લઇને એ જમાનામાં ઘણી બધી વાતો વહેતી થયેલી. ફિલ્મ 'જ્વેલ થીફ'માં એ દેવ આનંદની માં બને છે. તમે બધાએ રિડકુ અને રતન ગૌરાંગ નામના ઍક્ટરોને તો રાજ-દિલીપ-દેવ કરતા ય વધુ વખત જોયા હશે, પણ નામ ખબર ન હોય. ફિલ્મોમાં સાવ ઢીચકો અને વાતવતામાં હીરો-હીરોઇન ઉપર દાદાગીરી કરીને હસાવતો વ્હેંતીયો રિડકુ અહી ગોડાઉન સાઇઝની ટુનટુનનો પ્રેમી છે. રતન ગૌરાંગ એના ચાઇનીઝ મોંઢાને કારણે ઠેઠ રાજ કપૂરની ફિલ્મ 'બરસાત' થી ફિલ્મોમાં આવે છે. છે ય ઠીંગણો એટલે ચીનો/ નેપાળી ગુરખો/હોટલનો વૅઇટર બતાવવાનો હોય, ત્યારે એનો ઉપયોગ થાય. અહી એ હૉટેલમાં શમ્મી કપૂરના ચમચા તરીકે કામ કરે છે. સલમાન ખાનના પિતા સલીમ (જાવેદવાળા) અહી પરવિન ચૌધરીના પ્રેમી તરીકે છે. બીર સખુજા સલિમનો પિતા બને છે. આ સલીમખાન એક જમાનામાં 'પ્રિન્સ સલિમ' નામ લખાવીને થોડી ઘણી ફિલ્મોમાં હીરો તરીકે આવ્યો હતો. મુહમ્મદ રફી- સુમન કલ્યાણપુરનું 'તેરે હમ ઓ સજન, તુ જહાં મૈં વહાં, સૂરજ તું ઝર્રા મૈં...' તેમ જ, રફીનું સોલો, 'મુઝે તુમ સે મુહબ્બત હૈ, મગર મૈં કહે નહિ સકતા...' ફિલ્મ 'બચપન' ('૬૩)માં સલીમ ઉપર ફિલ્માયા હતા. પહેલા ગીતની હીરોઇન મેનકા ઇરાની હતી. 'દેવ આનંદને ચેતવવા ફિલ્મ 'સીઆઇડી'માં વહિદા રહેમાન શમશાદ બેગમના કંઠે, 'કહીં પે નિગાહેં, કહીં પે નિશાના...' ગાય છે, તે લંગડો વિલન વીર (બીર) સખુજાને તમે શમ્મીની જ ફિલ્મ 'કાશ્મિર કી કલી'માં ય જોયો છે, જે 'હૈ દુનિયા ઉસી કા જમાના ઉસીકા...' ગીત વખતે દારૂ ઢીંચતો દેખાય છે. રણધીરને તો ઓળખો જ ને ? મોટા ભાગની ફિલ્મોમાં વ્યાજખાઉ મારવાડીના રોલ કરતો બટકો ! નાસિર હુસેનની લગભગ બધી ફિલ્મોમાં એ હોય જ. આ ફિલ્મમાં સાઇડી તરીકે કામ કરતી હીરોઇન પરવિન ચૌધરી થોડી ઘણી સ્ટન્ટ ફિલ્મોમાં આવી ગયા પછી આજ દિન સુધી એનો કોઇ પત્તો નથી. નિષ્ફળ આપઘાત કરીને આવેલી પરવિનની સારવાર કરતો ડૉક્ટર એમ.એ. લતીફ છે, જે ફિલ્મ 'કાલા પાની'માં દેવ આનંદનો જેલવાસી પિતા બને છે. રાશિદ ખાન આમ તો દેવ આનંદનો ખાસ દોસ્ત. એની મોટા ભાગની ફિલ્મોમાં તમે એને જોયો છે. ફિલ્મ 'ગાઇડ'માં ખંડહરમાં ઉંદર મારવા માટે એ રાયફલ વાપરે છે. રત્નમાલા આ ફિલ્મમાં લલિતા પવારનું શમ્મી કપૂર સાથે લગ્ન ઍનાઉન્સ કરે છે. ઘણી ફિલ્મોમાં એ માં બનીને આવી છે.

ફિલ્મી નૃત્યગીતોમાં હીરો-હીરોઇનની આગળ-પાછળ નાચતા રહેતા જુનિયર આર્ટિસ્ટોને પણ સલામ કરવી પડે. આપણા ઘરમાં લગ્નપ્રસંગ, પાર્ટી કે નવરાત્રી વખતે ઘરના છોકરાઓ ડાન્સ કરતા હોય, એ જોઇએ ત્યારે ખબર પડે છે કે કેટલી મેહનત કરવી પડે છે ! એ હિસાબે, ફિલ્મોમાં આ ડાન્સરો વર્ષોથી આ ફિલ્ડમાં હોવાને કારણે પૂરા પ્રોફેશનલ અને પરફૅક્ટ થઇ ગયા હોય છે. એ ૧૦-૧૫ જણા હોય ને એમાંના એકની ય નાનીઅમથી ભૂલ થાય તો હીરો-હીરોઇનને ય એકડેએકથી એના એ જ સ્ટૅપ્સ ફરી લેવા પડે છે ને આ લોકો બિચારા સામાન્ય હોવાથી એમની કોઇ ભૂલ કોઇ માફ કરતું નથી, છતાં એક હકીકત એ પણ છે કે, મોટા ભાગના આ જુનિયર ડાન્સરો બેશક હીરો-હીરોઇનોથી વધુ સારા ડાન્સરો હોય છે. ફિલ્મ '૬૨ની સાલમાં બની હતી ને શમ્મી કપૂર નોકરીની અરજી સ્યાહીના ખડીયામાં કિત્તો બોળી બોળીને લખે છે, એ કાંઇ મગજમાં ઉતરતું નથી. ફિલ્મ હજી '૫૦ પહેલાની હોત તો સમજાત કે, એ વખતે ફાઉન્ટન કે બૉલ પેનો શોધાઇ નહોતી. ફિલ્મોમાં હીરો કે હીરોઇને હાથમાં બૅગ ઉપાડી હોય તે નિશ્ચિતપણે ખાલી જ સમજવાની. અહી પણ શમ્મી બૉસ કલ્પના-પરવિન ચૌધરીના ગીત, 'હો કોઇ આયેગા આયેગા આયેગા...'વખતે આવી જ ખાલી બૅગ લઇને ફરતો રહે છે. શંકર-જયકિશનના મનમસ્ત સંગીતે આ ફિલ્મમાં એમને 'બેસ્ટ સંગીતકરોનો ફિલ્મફેર એવોર્ડ જીતી આપ્યો હતો, પણ ખુદ શમ્મી, સપૉર્ટિંગ-એક્ટ્રેસ માટે લલિતા પવાર, શ્રેષ્ઠ ગીત 'અય ગુલબદન' માટે મુહમ્મદ રફી નૉમિનેટ થયા પણ ઍવોર્ડ બીજા લઇ ગયા.

24/06/2015

શિક્ષક કભી સાધારણ નહિ હોતા...

ચાણક્યનું એક વાક્ય મને જીવનભર સ્પર્શી ગયું છે કે, 'શિક્ષક કભી સાધારણ નહિ હોતા'. મને તો આ કથન રીતસર લાગુ પડે છે. મારે હાસ્યલેખક તો બનવું જ નહોતું, શિક્ષક બનવું હતું. ન બની શક્યો, એટલે ખબર પડી કે, 'શિક્ષક કભી આલતુ-ફાલતુ નહિ બન સક્તા'. હું ભાગ્યવાન છું કે મને સ્કૂલ અને શિક્ષકો એવા મળ્યા કે, હું સહેજમાં આલતુ-ફાલતુ બનતો રહી ગયો અને આજે હાસ્ય લેખક બની ગયો! આજે જે કાંઈ છું, એમાં મારા શિક્ષકોનો મોટો હાથ અને પગ પણ છે (ઘણીવાર પાછળના હિસ્સામાં સાહેબની લાતો ખાધી છે...!) આમ તો અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને મારવાની હૉબી કોઈ શિક્ષકને નહોતી, છતાં વાત આપણાં લક્ષણની નીકળે, પછી કોઈને કાંઈ કહેવાય છે ? અલબત્ત, સાહેબો બધા મને એકને નહિ, પૂરી સ્કૂલના વિદ્યાર્થીઓને ગમતા.

પણ સ્કૂલ છોડયાના આજે ૪૭ વર્ષ પછી હજી એ શિક્ષકો કે સ્કૂલ ભૂલાયા નથી. આજે તો ત્યાં સ્કૂલ પણ નથી અને શિક્ષકો કેટલા હયાત છે, એની ય ખબર નથી. ખાડિયામાં સારંગપુર તળીયાની પોળને નાકે આજે ય એ મકાન તરછોડાયેલા દાદાજીની જેમ ઊભું છે. અમારી એ સાધના વિનય મંદિર અમારા સહુને માટે મંદિર જ હતું (વિનય-બીનય આવ્યો કે નહિ, એની તો અમારી વાઈફોને ય ખબર નથી) એ સાહેબો તો હયાત હશે ત્યારે ય અમારામાંથી એકે ય વિદ્યાર્થી યાદ ન હોય,પણ અમને એ સહુ યાદ છે :

પ્રિ. રતિભાઈ પટેલ
સ્વભાવે કે દેખાવે, બિલકુલ દાદામોની એટલે કે અશોકકુમાર જેવા લાગે. હસી પણ એ જ રીતે પડે. એમને તો ફરજના ભાગરૂપે ય અશોક કુમાર લાગવું અને બનવું પડે એમ હતું. ક્લાસમાં અમે બધા કિશોર કુમારો કે અનુપ કુમારો જેવા હતા. એમની પર્સનાલિટી જ એવી કે, કદી ગુસ્સે ન થાય છતાં ઘેર ગયા પછી ય એમની બીકો લાગતી રહે.

સૂર્યકાંતભાઈ
આખું નામ સૂર્યકાંત કાળીદાસ પટેલ હોવાને કારણે ખાનગીમાં અમે લોકો એમને 'સૂકા પટેલ' કહેતા. આ ઉપનામ એમણે સાર્થક પણ કરી બતાવેલું, એકદમ સૂકલકડી જેવું શરીર આજીવન જાળવી રાખીને ! વિદ્યાર્થીઓને એ ખૂબ વહાલા. એમ કહીએ અમે કે, 'સૂર્યકાંતભાઈને સાધના હાઈસ્કૂલમાં નોકરી ન મળી હોત, તો અમેરિકાના 'નાસા'માં એ વૈજ્ઞાનિક હોત, એવું સુંદર સાયન્સ અમને ભણાવે. એમનો એક જ પ્રોબ્લેમ સાયન્સ ભણાવવામાં જ્યારે ક્યાંય 'ઢગલો' શબ્દ આવે, એટલે એમની પિન ચોંટી જાય. એમને ઢગલો શબ્દ યાદ જ ન આવે. બકનળી અને કસનળીની વાતમાં ઉદાહરણ આપતા કહે, 'જુઓ, તમે શાકમાર્કેટમાં બટાકા લેવા ગયા હો અને શાકવાળો બટાકાનો... બટાકાનો.... પેલું શું કહેવાય, બટાકાનો...?'' એટલું કહીને બન્ને હાથો વડે કાલ્પનિક ત્રિકોણ બનાવીને ઢગલો યાદ કરવાની કોશિષ કરે. અમે જાણતા હોઈએ કે એ બટાકાના ઢગલાની વાત કરવા માંગે છે, પણ અમે જાણી જોઇને એમને ઊંધે પાટે ચઢાવીએ, 'બટાકાનો થેલો' સાહેબ ? એ અકળાય, 'અરે ના ના... પેલો શું કહેવાય ?' અમે 'કોથળો, ખટારો, પૂળો... જેવા શબ્દો યાદ અપાવીએ એમાં ખીજાય, 'અરે બકનળીમાં પૂળો ક્યાંથી આવ્યો ? પૂળો તો ઘાસનો હોય, પણ આપણે પેલો શું કહેવાય...?' પિન હજી ચોંટેલી જ હોય, પછી સમજીને એ પોતે જ વાત પડતી મૂકી દે. પણ પીરિઅડ પૂરો થવા આવે ત્યારે ગુરૂત્વાકર્ષણનો સિધ્ધાંત સમજાવતા 'ન્યૂટન ઝાડ નીચે બેઠો'તો ત્યાં... 'ઢગલો... ઢગલોઓઓઓ...' અચાનક યાદ આવી જાય, એમાં તો ચેહરા ઉપર ખુશી ખુશી સાથે બૂમ પાડી ઉઠે, 'ઢગલો...'

કેશુભાઈ
કેશુભાઈ આખી સ્કૂલના હીરો હતા. શિક્ષક હોવા છતાં સાયકલ પર આવે ને તો ય ધર્મેન્દ્ર ઘોડા ઉપર બેઠો હોય એવું લાગે. એ અમને ગણિત શીખવતા. ગણિત તો આમે ય કાંઈ બધાનો માનિતો સબ્જેક્ટ ન હોય, છતાં કેશુભાઈ બધાને ગમતા, યસ. એ ખીજાય તો ય ગમતા. મારા હાથમાં એક વાર ફૂટપટ્ટી ચોડી દીધી ને મારું પડી ગયેલું મોઢું જોઇને એકદમ પાસે આવ્યા. લાગણીથી મારી હથેળી પંપાળતા પંપાળતા કહે, 'હજી બે ફૂટપટ્ટીઓ બાકી રહી... તું આ ત્રીજી વખત હોમવર્ક કરી લાવ્યો નથી.' સાલી બીજી બે વખત ક્યારે પડશે, એની લ્હાયમાં ન લ્હાયમાં પછી તો હું બબ્બે વખત એકનું એક હોમવર્ક કરીને જવા માંડયો.

ગ્લોરીયાબેન-નિમુબેન-સુધાબેન
ચેહરો સુંદર, હાઈટ સામાન્ય, પણ વાળ લાંબા અને સાડી કડક કડક તો એવી પહેરે કે ખભે પડતા ફોલમાં એક કરચલી ન દેખાય. એ ભાગ્યે જ હસતા, છતાં ચહેરા પરની કડકાઈએ અમને સહુને જીવનભર ભૂગોળ શીખવી દીધી. નિમુબેન અમને ઇંગ્લિશ ગ્રામ્રર ભણાવતા. સુધાબેનની માફક એ પણ સ્કૂલના ટ્રસ્ટી જસુબેનના સગા બેન થાય, એની અમને કદી ય ખબર પડી નથી. અર્થાત્ નોકરીમાં સગપણ બેમાંથી એકે ય બહેનો વચ્ચે ન લાવે. સુધાબેન પણ ગ્લોરીયાબેન જેવા કડક ખરા. મોઢું એવું ગોળમટોળ કે પૃથ્વી ગોળ કેવી હશે, એ પરીક્ષા આપતી વખતે અમે એમનું મોઢું યાદ કરતા.

પ્રહલાદભાઈ
પગથી માથા સુધી પુરા પટેલ હોવાને કારણે ઉચ્ચારોમાં અક્ષરે અક્ષરે પટેલપણું છલકાય. સ્વભાવના કડક નહિ. પણ ચહેરો કડક હોવાને કારણે સ્કૂલ છૂટવા પછી અમારી પોળને નાકે દૂરથી આવતા દેખાય તો ય બી કોઈ દુકાનને ઓટલે ચડી જઈએ. પણ એ અમારી વ્યર્થ સમજણ હતી. 'મેહતો મારે ય નહિ ને ભણાવે ય નહિ' એ બ્રાન્ડના એ શિક્ષક ન હોવાને કારણે કદી ગુસ્સે થયા ન હોવા છતાં, આ લેખ લખતી વખતે ય પાછળ જોઇ લઉં છું કે, 'પ્રહલાદભ'ઇ પાછળ ઊભા તો નહિ હોય ને ?'

પુરૂષોત્તમભાઈ
કોઈ ફેકટરીમાં બનાવવા આપ્યું હોય એવું સરસ મજાનું ગોળમટોળ શરીર, ખાદીની ટોપી, ઝભ્ભો અને ધોતીયું અને સદા ય હસતો ચેહરો. કોઈ એક જ વિષય નહિ, પુરા શિક્ષણના એ સ્વામી હતા. ક્લાસો છોડવાની કે આજની ભાષામાં 'બન્ક' કરવાની તો ફેશન એ જમાનામાં શરૂ થઇ નહોતી, છતાં 'પશાકાકા'ને નામે ઓળખાતા આ શિક્ષકશ્રીના પીરિયડની અમે રાહ જોઇએ. ઓહ યસ. ધોતીયું પહેરતા હોવા છતાં, પગના બે ઠૂમકા મારીને સાયકલ પર એવી આસાનીથી ચઢી જતા, જાણે 'ચેતક' ઉપર રાણા પ્રતાપ અસવાર થયા હોય.

ભગુભાઇ
બી.ટી.શાહને નામે બહુ લાડકા બનેલા ભગુભાઇ બધા માસ્તરોમાં સૌથી વધુ 'વૅલ-ડ્રેસ્ડ' હતા. રિવરફ્રન્ટ જેવું મોટું કપાળ આખરે તો કચ્છના રણમાં ફેરવાઇ ગયું હતું. પતલા-પતલા બોડી ઉપર એ બ્લેઝર પહેરીને સ્કૂલે આવે, ત્યારે ખબર પડતી કે બ્લેઝર પાછળ એક બોડી પણ ઉભું છે. ભગુભાઇ ચશ્મા કાળા પહેરે એટલે ૪૨-વિદ્યાર્થીઓના ક્લાસમાં કોની સામે જુએ છે, એની ખબર ન પડે, માટે એમના કોઇ પ્રયત્ન વગર આખી સ્કૂલમાં શિસ્ત જળવાઇ રહેતી !

અંબુભાઈ
અંબુભાઈને ભણાવવા ઉપરાંત રસમધુર વાર્તાઓ કહેવા ઉપર સારો હાથ અને ગળુ બેસી ગયા હતા. અમે ક્યારેક તો જીદ ઉપર ચઢી જઇએ કે, 'વાર્તા કહો જ'. પણ એ જાહોજલાલી તો ક્યારેક ફ્રી-પીરિઅડમાં જ મળતી. એ શિક્ષક ન બન્યા હોત તો હિંદી ફિલ્મના દિગ્દર્શક બન્યા હોત. એટલી સરળતાથી વાર્તા સમજાવે. કહે છે ને કે, 'વાત એકની એક હોય... કહેવા કહેવાની ય એક સ્ટાઇલ હોય છે, એ સ્ટાઇલ અમારા અંબુભાઈને હસ્તગત કે હોઠગત હતી.'

જયેન્દ્રભાઇ 
એટલા ભલા કે હમણાં રડી પડશે, એવું લાગણીભર્યું એમનું મોઢું. ઓછું અને ધીમું બોલે પણ અમને બધાને એ ગમે બહુ. ખીજાવાની કે વાંક હોય તો ય એમનાથી ડરવાની તો કોઈ શક્યતા જ નહિ. એ હંમેશા સાયકલ ઊભી રાખીને (ક્લાસમાં નહિ... સ્કૂલ છૂટયા પછીની વાત થાય છે !) વાતો કરવા ઊભા હોય. ત્યારે રણે ચઢતો રાજપુત બે ઘડી ઘોડાની પીઠ થપથપાવે એમ જયેન્દ્રભાઈ બરોબર બે વખત સાયકલની સીટને થપથપાવે. અલબત્ત, જયેન્દ્રભાઈ તો રણે ચઢ્યા હોત, તો ત્યાં ય સિપાહીઓને યુધ્ધભૂમિ ઉપર ઇતિહાસ ભણાવત, એવા શિક્ષણપ્રેમી.

રાજાસુબા
એ જમાનામાં ખાદીનો ઝભ્ભો કાનની નીચે સુધીના બટનવાળો આવતો. રાજાસુબા સાહેબનો એ કાયમી યુનિફોર્મ. ગોરા ચહેરા ઉપર કાળી ફ્રેમના ચશ્મા અને તમામ વિદ્યાર્થીઓમાં સહુથી વધુ વહાલા આ સાહેબ હતા. હસાવે-બસાવે નહિ, પણ ભણાવવાની ઢબ એવી કે, આજે અમે લોકો સોનિયા ગાંધી કરતાં સારૂં હિંદી બોલી શકીએ છીએ તો એ પ્રતાપ રાજાસુબા સાહેબનો.

મહેન્દ્રભાઈ
અમારા ચિત્રશિક્ષક. એ પોતે ય અનોખા કલાકાર હતા. ચિત્રકામમાં તો આ 'યોર્સ ટ્રૂલી'નો નંબર જ પહેલો આવે, એટલે હું એમનો જરા લાડકો વિદ્યાર્થી ખરો. ફ્રી-હેન્ડ, કુદરતી દ્રષ્ય, પૅન્સિલ-સ્કેચ કે પદાર્થ ચિત્રમાં એમની ભણાવવાની માસ્ટરી. એક વાર, ચાલુ ક્લાસે મેં જ એમનું ચિત્ર બનાવ્યું, જેને ચિત્ર દોરવા જતા દોરાઈ ગયેલું કાર્ટુન કહી શકાય, એ જોઇને મારા ઉપર ખીજાવાને બદલે ખુશ થયા કે 'તારો હાથ સારો ચાલે છે. (એ વખતે એમનો હાથ સારો ચાલે નહિ, એવી બીક ખરી !)... મેહનત કરીશ તો આગળ આવીશ.' એમના આશિર્વાદ સાચા પડયા. છાપા-મૅગેઝીનોની દુનિયામાં મારો પહેલો પ્રવેશ કાર્ટુનિસ્ટ તરીકે, બીજો ફોટોગ્રાફર તરીકે અને છેવટે... ઓહ, હોનીને તો કોણ ટાળી શક્યું છે ?'

સિક્સર
અમદાવાદમાં છત્રી ખોલવી પડે, એવો વરસાદ ક્યારે પડશે ?

21/06/2015

ઍનકાઉન્ટર : 21-06-2015

૧.ઓછા ખર્ચે ગરમીમાં ક્યાં જવાય ?
- બાથરૂમમાં.
(શશીકાંત દેસાલે, સુરત)

૨.લોકોને ખરેખર મોંઘવારી નડે છે કે, વર્ષોથી ચાલ્યો આવતો આ રાજકીય મંત્ર છે ?
- ભારતના દસ ટકા લોકોને મોંઘવારી પૂરજોશ 'ફળે' છે.
(મિનેષ દેડકીયા, રાજકોટ)

૩.શું તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે ?
- તે એ વગર બે બાળકોનો બાપ થઇ ગયો હોઇશ ?
(હિતેશ ડી. પરમાર, મુંબઇ)

૪.તમારે ધો. ૧૦માં કેટલા ટકા આવ્યા હતા ?
- 'કેટલા' જરૂરી નથી... 'કેવી રીતે' આવ્યા હતા, એ હવે બોલાય એવું નથી.
(મનન પટેલ, સુરત)

૫.'ઍનકાઉન્ટરો' તો તમે કરો છો, છતાં તમારી તપાસ કેમ થતી નથી ?
- આમાં ય ભ'ઇ... પૈસા ખવડાવવા પડે છે. વાચકોને !
(અરસી બેરીયા, બાલોચ-કુતિયાણા)

૬.સુરતના લાલજીભાઇએ નમોનો કોટ મોંઘા ભાવે ખરીદ્યો, એમાં દેશનું શું ભલું થયું ?
- એમ તો હું ય 'મરણજીત'ના ગંજી પહેરૂં છું, એ દેસના ભલા માટે નથી ખરીદતો.
(મોમહમદઅલી સોરઠીયા, મુંબઇ)

૭.ઓબામા અને મોદી વચ્ચે શું સમાનતા છે ?
- બંનેના નાકમાં બબ્બે ફોયણાં છે.
(કિરણ ઓડ, મહિસા-ખેડા)

૮.પડોસના ઘરમાં શું રસોઇ બની રહી છે, તે જાણવાનો કોઇ આસાન રસ્તો ખરો ?
- દુનિયા બહુ આગળ વધી ગઇ છે... ને તમે હજી રસોઇ સુધી જ પહોંચ્યા છો... પંખો ચાલુ કરો.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

૯.મને મારા હસબન્ડ બહુ ગમે છે, પણ હું એમને કેટલી ગમું છું, એ જાણવાનો કોઇ રસ્તો ખરો?
- બહુ આસાન રસ્તો છે. તમારી કોઇ સુંદર ફ્રૅન્ડને વરજી ઘરમાં હોય ત્યારે બે-ચાર વખત ઘરે બોલાવો... બધો હિસાબ-કિતાબ સમજાઇ જશે.
(બિજલ શાહ, અમદાવાદ)

૧૦.મારી ગાય નદીના સામા કાંઠે જતી રહી છે. નદીમાં પાણી પણ બહુ છે. ગાયને પાછી લાવવાનો કોઇ ઉપાય ખરો ?
- દેખાવમાં હું ભરવાડ જેવો સુંદર લાગુ છું ખરો... પણ ગાયનું પૂંછડું પકડતાં ય આવડતું નથી.
(કરસન ભરવાડ, કરમસદ)

૧૧.ઇલેકશનો પૂરા થતાં જ 'ગાંધી-ટોપીઓ' ગાયબ કેમ થઇ જાય છે ?
- એકલી ટોપી નહિ....કપડાં માત્ર ગયાબ થઇ જાય છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

૧૨.જીવનમાં કઇ વસ્તુને મહત્ત્વ આપવું જોઈએ ?
- જીવનની સર્વોત્તમ પ્રાપ્તિ કોઇ 'વસ્તુ' નથી હોતી.
(પ્રિયાંક શાહ, વડોદરા)

૧૩.સહુ 'મેરા ભારત મહાન' બોલે તો છે, પણ કોઇ ડાઉટ વગર ભારત મહાન ક્યારે બનશે?
- જ્યારે તમારી જેમ, તમારી ઉંમરના યુવાનોમાં દેશભક્તિનું જૂનુન ઉભરશે.
(રવિ રાઠોડ 'દાવડી', રાજકોટ)

૧૪.પાકિસ્તાનના પ્લેયરો વિશે તમારૂં શું માનવું છે ?
- અંદરોઅંદર ઝગડીને પોતાની ટીમ ખલાસ કરવા માટે એમને કોઇની મદદ લેવી પડતી નથી.
(ઉજ્જવલ પટેલ, વડોદરા)

૧૫.તમે ફિલ્મોમાં કામ કેમ કરતા નથી ?
- કામચોર છું.
(તન્વી સંઘાણી, અમદાવાદ)

૧૬.તમે આટલા બધા ફૅમસ છો, પણ ચેહરો બહુ ઓછાએ જોયો હોય, ક્યાંક કોઇ ઓળખી જાય, તો કેવી રીતે પેશ આવે છે તમારી સાથે ?
- એટલી ખબર છે કે, મારે નિરાશ થવું નથી પડતું.
(ફૌજીયા મોહમદ પારા, મુંબઇ)

૧૭.ભંવરલાલે તમારા અમદાવાદમાં અબજો રૂપિયાને ખર્ચે દિક્ષા લીધી... તમારો પ્રતિભાવ?
- તેઓ માણસ છોડીને ઈશ્વરની વધુ નજીક ગયા છે.
(શૈલા પી. શાહ, વડોદરા)

૧૮.તમે દાઢી જાતે કરો છો ?
- હા...પણ હજી બહારના ઑર્ડરો લેવાનું શરૂ કર્યું નથી.
(નીલકમલ મેહતા, અમદાવાદ)

૧૯.બાંગલા દેશ ગયેલી ભારતીય ટીમમાં ક્રિકેટરોની વાઇફ કે ગર્લ-ફ્રૅન્ડ્ઝને સાથે લઇ જવાની છૂટ મળશે ?
- સમજાયું નહિ. તમે વાઇફ 'એકવચન'માં લખું છે ને ગર્લ-ફ્રૅન્ડ્ઝ બહુવચનમાં લખ્યું છે.
(કેસરી વાય. મેહતા, સુરત)

૨૦.તમે કયા હાસ્યલેખકને બહુ મીસ કરો છો ?
- સ્વ. બાબુભાઇ વ્યાસને. એમના જેવું સૂક્ષ્મ છતાં ય ખડખડાટ હસાવી દે, એવું હાસ્ય બહુ ઓછામાં જોવા મળ્યું છે.
(ચુનરી પી. છાયા, મુંબઇ)

૨૧.આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હોવા છતાં એક શબ્દ પણ બોલતાં નથી. મુખ્યમંત્રીનો પ્રભાવ ખૂટતો હોય, એવું તમને લાગે છે ?
- સહેજ પણ નહિ, રાહુલ બાબાએ બોલી બોલીને શું ઉકાળ્યું ?
(મનોજ પી. સ્વામી, ગાંધીનગર)

૨૨.શું હવે રાજુ શ્રીવાસ્તવ, કપિલ શર્મા કે મહેશ શાસ્ત્રીના દિવસો પૂરા થઇ ગયા ?
- રાહુલ બાબ સામે એમની મિમિક્રી તો કેટલી ચાલે ?
(લાવણી પટેલ, નડિયાદ)

૨૩.આખા ઍરિયાની પરણી નાંખે, એટલા મોટા લાઉડ-સ્પિકરો મોડી રાત સુધી ચાલે, છતાં બોલનાર કોઇ નહિ ?
- આખા દેશમાં ધર્મને નામે તમે ખૂન પણ કરી શકો...! દેશને માટે એક તિરંગો ફરકાવો તો બોલનારા નીકળી પડે.
(ગૌરાંગ ભો. પટેલ, અમદાવાદ)

૨૪.નારણપુરા ચાર રસ્તે તમારા ફ્લૅટની નીચે શાકવાળાની દૂકાન પર પુરૂષો ગ્રાહકોને જોઇને તમે એમની પિરકી ઊડાડો છો, એ અમને ગમ્યું નથી. વાઇફ બિઝી હોય તોપતિએ આવા નાના કામો કરવા જોઇએ !
- ઇશ્વર તમને વધુ આગળ વધારે.
(પરેશ મઢીવાળા, અમદાવાદ)

૨૫.તમે હમણાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મ કઇ ?
- કૉમેડીમાં 'ભેજા ફ્રાય', 'ફિલ્મીસ્તાન' અને 'ચલો દિલ્લી', થ્રિલરમાં 'અબ તક છપ્પન (૨)', બદલાપુર, બૅબી અને આરૂષી હત્યાકાંડ પર આધારિત ફિલ્મ 'રહસ્ય.'
(સ્મિતા વિજયકર, રાજકોટ)

૨૬.તમને કંઇક થઇ જાય તો તમારા વાઇફ યમરાજાની પાછળ પાછળ જઇને તમને જીવતા કરવાની દોડાદોડી કરે ખરાં ?
- મને શ્રધ્ધા છે, ચોક્કસ કરે... મને પાછો જીવતો નહિ કરવાની યમરાજાને વિનંતિ કરવા માટે !
(તનુજા પટેલ, અમદાવાદ)

19/06/2015

'બાપ રે બાપ' ('૫૫)

ફિલ્મ : 'બાપ રે બાપ' ('૫૫)
નિર્માતા- આર.કારદાર
સંગીતકાર- નૈયર
ગીતકાર- નિસાર અખ્તર
રનિંગ ટાઇમ- - રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો- કિશોર કુમાર, ચાંદ ઉસ્માની, સ્મૃતિ બિશ્વાસ, જયંત, એસ.એન.બૅનર્જી, ઉલ્હાસ, મારૂતિ, લીલા મીશ્રા, મીરાદેવી, અમીરબાનુ, આગા મેહરાજ, બૈજનાથ અને ઘોષ.




ગીતો
૧. યા પિયા પિયા મોરા જીયા પુકારે, હમ ભી ચલે હૈ ...... આશા-કિશોર
૨. રાત રંગીલી, ચમકે તારેં, આજા સજનવા પ્રેમ દુવારે ..... આશા ભોંસલે
૩. મૈં ભી જવાં, દિલ ભી જવાં .... આશા ભોંસલે
૪. કહે દિલ યે દીવાના, મેરા દર્દ ન જાના ..... આશા ભોંસલે
૫. ફૂલ સે ગાલોં સે, મતવાલી ચાલોં સે..... આશા-કિશોર
૬. દીવાના દિલ ગાયે અબ મુઝસે રહા ન જાયે .... આશા ભોંસલે
૭. ન બતા, હમેં સબ હૈ પતા ..... આશા ભોંસલે
૮. ફૂટ આપસ મેં પડી હમે કંવારે રહે ગયે .... કિશોર કુમાર
૯. તુમ ન આયે ઘટા ગમ કી છાને લગી ..... આશા ભોંસલે
૧૦.અબ યે બતા, જાયેં કહા .... આશા ભોંસલે
૧૧.જાને ભી દે છોડ યે બહાના ..... આશા ભોંસલે

કિશોર બોલવામાં હતો તો આખો ? એને ધૂમધામ પૈસા આપનાર નિર્માતાઓને ય ગાંઠતો નહોતો, ત્યાં નવીસવી હીરોઇન ચાંદ ઉસ્માની તો કઇ વાડીની મૂળી ? આ ફિલ્મ 'બાપ રે બાપ' પત્યા પછી નહિ, શૂટિંગ હજી ચાલતા હતા, તે દરમ્યાન કોક પત્રકારને કહી દીધું, ''ચાંદ ઉસ્માનીનું માથું તો જુઓથી ભરેલું છે. (ડૅન્ડ્રફ)'' બસ. ખલાસ. બહેનની કરિયર ખતમ થઇ ગઇ. આવું કહેવા માટે કિશોર ઉપર ગુસ્સો ચઢતો હશે કે, કોઇના માટે આવું બોલાય ? કોઇની પણ બા ખીજાય, પણ આમાં સાવ એવું નહોતું. શરૂઆત ચાંદ ઉસ્માનીએ કરી હતી. કિશોર પોતાનો હીરો હોવા છતાં ચાંદ એની સખીઓને જરા વેરથી કહેતી ફરતી હતી, 'કિશોર સાવ વાંદરા જેવો છે.' આ તો અહી આટલું લખાય, બાકી તો કહે છે કે, એ આડુંઅવળું ઘણું બોલતી હતી.

અંજામ જોઇ લીધો ? ત્યાંને ત્યાં ચાંદ ઉસ્માનીની કરિયર ખતમ. આવું સાંભળ્યા પછી ક્યો હીરો એની સાથે કામ કરવા તૈયાર થાય ? મોટા ભાગની ફિલ્મોમાં હીરોલોગને ભેટતી વખતે હીરોઇનના માથે તો હાથ-બાથ ફેરવવાનો તો કાયદેસરનો આવે કે નહિ ? આ ફિલ્મના એક યુગલ ગીત, 'ફૂલ સે ગાલો સે, મતવાલી ચાલોં સે...' ગીત દરમ્યાન કિશોર પોતાની કૅપ ચાંદ ઉસ્માનીના માથે પહેરાવે છે, એ કૅપ પાછી લીધા પછી કિશોર એમાં ઘણી જૂઓ જોઇ હતી, એના લીધે આ ઘટના બની હોવાનું કહેવાય છે.

નહિ તો આ ચાંદ ઉસ્માનીનો પહેલો હીરો... પહેલી વાર ફિલ્મોમાં કામ કરવા આવેલો શમ્મી કપૂર હતો. મહેશ કૌલની ફિલ્મ 'જીવનજ્યોતી'માં બન્નેની પહેલી ફિલ્મ હતી. આટલું વાંચતા લતા મંગેશકરના અનેક પ્રેમીઓને શમ્મી કપૂરની ફિલ્મ 'ચોર બાઝાર'નું ગીત યાદ આવી ગયું હશે, જે મારૂં તો જીવલેણ ફૅવરીટ છે, ''હુઇ યે હમસે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે, ઝમીં કી ખાક હોકર આસમા સે દિલ લગા બૈઠે...'' પણ એ હીરોઇન ચિત્રા હતી, ચાંદ ઉસ્માની નહિ. ચાંદ ઉસ્માનીને છેલ્લે તમે સાયરા બાનુ-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'અમન'માં જોઇ હશે. એ પછી ય બે-ચાર ફિલ્મોમાં આવી હતી, પણ ચેહરામાં કોઇ સુંદરતા નહિ, આંખો ફાંગી અને ઍક્ટિંગમાં પથ્થર... ક્યાંય ન ચાલી.

પણ ફિલ્મ 'બાપ રે બાપ' આજ સુધી યાદ રહી ગઇ હોય તો, ટોટલ ૧૨માંથી ફક્ત બે જ ગીતો મશહૂર થવાને કારણે. આશા-કિશોરનું 'પિયા પિયા પિયા મોરા જીયા પુકારે, હમ ભી ચલેંગે સૈયા, સંગ તુમ્હારે....' અને આશાબાઇનું અત્યંત નશીલું, 'રાત રંગીલી, ચમકે તારે, આજા સજનવા પ્રેમ દુવારે....' બાકી તો મહાન સંગીતકાર ઓપી નૈયરની બહુ ઓછી ફિલ્મો છે, જેના તમામે તમામને બદલે આખી ફિલ્મમાંથી કોઇ બે-ત્રણ ગીતો જ ઉપડયા હોય. કિશોર તો પોતે ગાયક હતો છતાં મુહમ્મદ રફી કે મન્ના ડેએ પણ એને ઘણી ફિલ્મોમાં પ્લૅબેક આપ્યું છે, પણ અહી તો આશા ભોંસલેએ પણ એક ગીતમાં કિશોરને પ્લેબૅક આપ્યું છે.

ફિલ્મમાં ઓપી નૈયરના આસિસ્ટન્ટ્સ તરીકે ફિલ્મ 'શિકારી' કે 'નમસ્તેજી'ના સંગીતકાર જી.એસ.કોહલી અને ઍરેન્જર તરીકે સેબાસ્ટિયન છે. આ વિગત જાણવા જેવી છે કે, ઓપી કદી ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કે ટાઇટલસ- મ્યુઝિક બનાવતા નહોતા. એ કામ તેમના આસિસ્ટન્ટ કરે. સેબાસ્ટિયન ઇંગ્લિશ જ બોલતા સમજતા હતા. મૂળ તો એ શંકર-જયકિશનના ઍરેન્જર. (ઍરેન્જરનું કામ સંગીતકાર કોઇ ગીતની ધૂન બનાવે, એના સ્વરાંકનો બનાવીને વાજીંત્રવાદકોને આપવાના. સ્વરાંકન એટલે ગીતનો ઢાળ 'સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા' મુજબ ગોઠવવાના, જેથી વાદકો એ વાંચીને ધૂન સમજી જાય અને તે મુજબ વગાડે.) હતા. પણ ઓપીનું ય સેબાસ્ટિયને ઘણું કામ કર્યું છે. એક વખતે ખુશ થઇને ઓપીએ પોતાની 'રૉલેક્સ' ઘડિયાળ એમને ભેટ આપી દીધી હતી. (જે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ આજે પણ ગણાય છે.) પણ આશાએ ઓપીને છોડી દીધા પછી ઓપીના બુરા દિવસો આવ્યા અને આવક બંધ થઇ. ઘડિયાળ નહોતા પહેરતા એ જોઇને કોકે પૂછ્યૂં, ''ઓપી... હવે તો સસ્તી ઘડિયાળો ય બહુ મળે છે... પહેરતા કેમ નથી ?''જવાબમાં ઓપીએ કહ્યું, ''ઓપીએ જમાનાની શ્રેષ્ઠ ચીજો જ અપનાવી છે. આજે મારો સમય અને ઘડિયાળ બન્ને નથી. ગમે તેવી ઘડિયાળ ઓપીને ન શોભે.'' અલબત્ત, કડકીના આવા દિવસોમાં ય ઓપી રોજ સવારે ચર્ચગેટ પર પોતાના મકાનથી ચાલતા જઇને કૉફી પીવા તાજમહલ હૉટેલમાં જ જતા. આ ક્રમ એમનો વર્ષોનો હતો, જે તોડયો નહિ. આશા સાથે સંબંધો પૂરા થઇ જવાના કારણે આ દિવસો આવ્યા હતા, એ જોઇને કોકે પૂછ્યું, 'તમે આશાજી સાથે સમાધાન કેમ કરી લેતા નથી ?' એ સાંભળીને ઓપી તાજમહલ હૉટેલ સામે દેખાતા ગૅટ વે ઓફ ઇન્ડિયાની ફૂટપાથ બતાવીને જવાબ આપ્યો, ''આ સામે ફૂટપાથ દેખાય છે ને...? હું ત્યાં ઊભો રહીને ભીખ માંગીશ, પણ આશાજી પાસે હાથ લાંબો કરવા નહિ જઉં.''

એ વાત જુદી છે કે, આશા ભોંસલેએ સંબંધો તૂટયા પછી ઓપીને જાહેરમાં ઉઘાડા પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. ત્યારે ઓપીએ આશા માટે કદી 'આશાજી' સિવાય ઉલ્લેખ નથી કર્યો. ''આશાજી તમને આટલા બદનામ કરે છે, તો સામો જવાબ કેમ નથી આપતા ?'' એવું ય કોઇએ પૂછ્યું, તેના જવાબમાં ઓપીએ કહ્યું હતું, ''મારા પિતાએ મને સલાહ આપી હતી.''નૅવર ઍક્સપ્લેઇન, યોર ફ્રેન્ડસ ડૉન્ટ નીડ ઇટ. યોર એનીમીઝ વોન્ટ બીલિવ ઇટ.'' (ખુલાસાઓ ન કરો. તમારા દોસ્તોને એની જરૂર નથી ને દુશ્મનો કોઇ ખુલાસો માનવાના નથી.)

આવી અનોખી અને પહેલીવારની ઘણી નવાઇઓ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. નિર્માતા- દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદારનું નામ એ જમાનામાં બહુ ઊંચા આસમાને લેવાતું, પણ એમની મોટા ભાગની ફિલ્મોનો હીરો દિલીપ કુમાર જ હોય, સંગીતકાર નૌશાદ જ હોય. બહુ ઠાઠમાઠવાળો નિર્માતા હતો કારદાર. મોટા ભાગે શાર્કસ્કીનના શૂટ અને સફેદ શૂઝમાં ફરતા કારદારને 'દ' ઉપરથી ફિલ્મો બનાવવાનો ચસકો વધારે લાગી ગયો હતો. નૌશાદ તો જોઇએ જ. ફિલ્મોના નામો વાંચી, 'દુલારી', 'દર્દ', 'દાસ્તાન', 'દિલ્લગી', 'દીવાના', 'દિલ દિયા, દર્દ લિયા' અને 'દિલે નાદાન' (જેમાં ફોર એ ચેઇન્જ, સંગીત નૌશાદને બદલે એમના આસિસ્ટન્ટ ગુલામ મુહમ્મદને આપ્યું હતું. તલત મેહમુદવાળી ફિલ્મ 'યાસ્મિન' સી.રામચંદ્રને આપ્યું હતું, એમ અહી ઓપી નૈયરને પહેલી અને છેલ્લીવાર લીધા હતા.

અલબત્ત, ભ'ઇ બધી રીતે પૂરા હતા. છોકરીઓના વધારે પડતા શોખિન ! શક્તિ કપૂરને કારણે પેલું બિભત્સ 'કાસ્ટિંગ કાઉચ' આપણા લોકોના જાણવામાં આવ્યું પણ એની શરૂઆત દિલીપ કુમારે કે.આસીફ સાથે મળીને કરી હતી. જેમાં સુરૈયાને ફસાવવા માટે દિલીપ કુમારે આસીફ પાસે એક ખાસ ફિલ્મ બનાવવાનું કહ્યું, જેમાં સુરૈયાને હોઠે સાપ કરડે અને એનું ઝેર ઉતારવા દિલીપ કુમાર જાનના જોખમે એ હોઠ ચૂસી લે. સુરૈયા ધાગધાગી થઇ ગઇ અને એના ભાઇએ સ્ટુડિયોના સેટ પર આવીને દિલીપને જે સમજાવવાનું હતું, એ એની જબાનમાં સમજાવી દીધું હતું.

પણ વાત આપણે કારદારની કરતા થોડા વખત પહેલા અમેરિકાના વિશ્વવિખ્યાત મૅગેઝીન 'લાઇફ'ના પત્રકાર માર્ક બર્કે લખેલી વાત મુજબ, હિન્દી ફિલ્મોમાં 'કાસ્ટિંગ કાઉચ' '૫૦-ના દાયકામાં આવી ગયું હતું. આ કારદાર નવી છોકરીઓને હીરોઇન બનાવવાની લાલચ આપીને સ્ટુડિયોમાં બોલાવી, એમની નગ્ન તસ્વીરો પડાવી લેતો ને પછી બ્લૅક-મૅઇલ કરતો. બાય ધ વે... તમને આ બધા ફોટા જોવાની લાલચ ઉપડી હોય, તો 'ગુગલ સર્ચ'માં 'એ.આર.કારદાર' લખીને ખાતું ખોલો. આવા અનેક ફોટાઓ જોવા મળશે.

અફ કોર્સ, એકલો કારદાર કે દિલીપ કુમારો જ આવા હતા, એવું નથી. રાજ કપૂરના નામે પણ આવી કથાઓ ચગી હતી. દેવ આનંદે તો નિખાલસતાથી પોતાની અનેક પ્રેમકથાઓ સૅક્સ સાથે આત્મકથામાં વર્ણવી છે. કાગડા બધે...???

પણ આનો સટ્ટાક કરતો ચોખ્ખો એક અર્થ એ પણ થયો ને કે, ચાંદ ઉસ્માનીને પણ આ નફ્ફટાઇમાંથી પસાર થવું પડયું હશે ! કારદારે ઉસ્માનીનો આવો જ ટેસ્ટ લીધો તો હશે ને ?

એક ઇન્ટરેસ્ટિંગ વાત કેવળ કિશોર કુમારને જ શોભે એવી છે.

ઓપી કદાચ ગીતની ધૂન જેટલા રૅકૉર્ડિંગમાં સીરિયસ નહોતા. ફિલ્મ 'એક મુસાફિર એક હસિના'નું. ''મૈ પ્યાર કા રાહી હું. તેરી ઝૂલ્ફ કે સાયે મેં...' ગીતના અંતરાના શબ્દો છે, ''નાઝની તૂ નહિ જા સકેગી, છોડકર ઝીંદગી કે ઝમલે...'' એ અંતરો ગાતી વખતે આશા ભોંસલેએ એક લોચો મારી દીધો. મુહમ્મદ રફીના આ મીસરા પછી આશાએ ગાવાનું હતું, ''ના મૈં હૂં નાઝની, ના મૈ હૂં મેહજબીં, આપ હી કી નઝર હૈ દીવાની'' એને બદલે આશાએ ભૂલથી ''જબ ભી છાયે ઘટા યાદ કરના જરા, સાત રંગો કી હૂં મૈં કહાની...'' ગાઇ નાખ્યું. બીજા કોઇ સંગીતકારે આ ભૂલ ચલાવી લીધી ન હોત, પણ આજે ય આ ગીત હવે નવેસરથી સાંભળી જુઓ.. એ ભૂલ સુધરી નથી. એવું આ ફિલ્મમાં પણ થયું. આશાએ બીજો લોચો માર્યો. ગીતના બીજા અંતરામાં કિશોર ગાતો હોય છે, ''...યે ઋતુ મનભાતી, યે મુખ ગોરા ગોરા...'' ત્યારે આશા વચમાં ''આઆઆ...'' ભૂલમાં ગાઇ બેસે છે. આશા ગભરાઇ ગઇ, પણ નટખટ કિશોરે ચાલુ રૅકૉડિંગે ઇશારો કરી દીધો કે, 'આગળ ગાયે રાખ... ભૂલ હું સુધારી દઇશ.' એટલે ઓપીએ ફરી એક વાર ભૂલ ચલાવી લીધી. કિશોરે આ ગીતના ફિલ્માંકન વખતે એ ભૂલ સુધારી દીધી. ઘોડાગાડીમાં આ ગીત ગવાય છે, ને આશાની ભૂલવાળો હિસ્સો ચાંદ ઉસ્માની ગાવા જાય છે, ત્યારે કિશોર એના મોંઢા ઉપર હાથ મૂકી દે છે, ''ડોબી...હજી હું ગાઉં છું...'' ના ધોરણે.

બાય ધ વે, ઓપી એક માત્ર સંગીતકાર છે, જેમણે ઘોડાગાડીના ઠેકા ઉપર પૂરા ૪૨ ગીતો બનાવ્યા છે.

આ ફિલ્મ 'બાપ રે બાપ'માં કે.એન.સિંઘ તો નથી, પણ કિશોર એને ખૂબ ચાહતો. સિંઘના અવાજની મિમિક્રી કરવામાં એને ખૂબ આનંદ આવતો. અહી પણ એને સિંઘની નકલ ઘણી વાર કરી છે. પોતાના પ્રોડક્શનની ફિલ્મ 'બઢતી કા નામ દાઢી'માં તો કિશોરે કે.એન.સિંઘને માત્ર ચડ્ડી પહેરાવી, માથે કૃષ્ણ જેવું પીછું પહેરાવીને યમુના કિનારે ડાન્સ પણ કરાવ્યો હતો. અહી તો બારમાસી વિલન જયંતને સિંધી ધનવાન કિશોરના પિતાના રોલમાં કૉમેડી કરતો બતાવાયો છે. જયંત બહુ અસરકારક વિલન હતો. અમજદખાન એનો દીકરો થાય, એ તો સહુને ખબર છે.

અન્ય પાત્રોમાં કોઇ નોંધપાત્ર હોય તો ઉલ્હાસ. થોડો થોડો ગમે એવો વિલન હતો. આખી કારકિર્દીમાં ખાસ કોઇ નોંધપાત્ર કામ મળ્યું જ નહિ, પણ નાના નાના રોલમાં એ પોતાની છાપ છોડી શકતો. વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' એનું ઉદાહરણ....

ફિલ્મની વાર્તા કે તેનો અંશ લખવાનો મૂડ આવે એવો નથી. ઘટીયા ફિલ્મ વિશે કંઇક લખાય, એ પણ ઍમ્બેરેસિંગ લાગે છે, પણ ફિલ્મ કિશોર કુમારની હતી, એટલે આખી ફિલ્મમાં કિશોરને જોયા કરવો મનોરંજક લાગે છે. એ માથે પડયો નથી. વાર્તા-સંવાદમાં તો કોઇ દમ નથી, પણ કિશોર એની બફૂનરીથી બેશક હસાવે રાખે છે. આખી ફિલ્મમાં એણે કે.એન.સિંઘના અવાજની અનેક નકલો કરી છે, પણ એ જમાનાના ખલનાયક તિવારીને પણ લપેટયો છે. કિશોર તિવારીના અવાજમાં એની જ સ્ટાઇલથી થોડાઘણાં સંવાદો બોલ્યો છે ને આ બધું જોવું સાંભળવું ગમે એવું છે, બાકી તો જે શી ક્રસ્ણ.

17/06/2015

મેરે દુશ્મન, તુ મેરી દોસ્તી કો તરસે

અમદાવાદના એસ.જી. હાઇવે પરના વૈષ્ણોદેવી મંદિર પાછળ ચાંદખેડા તરફ જતો એક અન્ડરપાસ આવે છે. હું 'કલહાર' બંગલોઝથી ઍરપૉર્ટ જતો હતો. બહુ લાંબુ અંતર અને રાતનો લગભગ ૧૧-નો સમય. હું તો વડોદરાવાળા ઍક્સપ્રેસ-હાઇવે ઉપરે ય ૬૦-થી વધુ સ્પીડમાં જતો નથી. પણ એ ગરનાળુ વટાવતા જ અંધારામાં મારી પાછળ કોઇ મારૂતિ વાન બેફામ સ્પીડથી આવતી દેખાઈ. મેં સાઇડમાં લઇને ગાડી વધુ ધીમી પાડી. ત્યાં અચાનક મારી બાજુમાં ગાડી ધીમી પાડીને એકલા બેઠેલા છોકરાએ મને અત્યંત હલકી કક્ષાની ગાળો દેવા માંડી. રોડના ડીવાઇડર પાસે મારી ગાડી બ્લૉક કરી માં-બેનની ગાળોથી ય હલકી કહી શકાય એવી ગાળો બોલતો એ ઢીંચકો છોકરો બિભત્સતા પર ઉતરી આવવા માંડયો. એની હાઇટ-બૉડી તો વાળીને મારા ખિસ્સામાં મૂકી દેવાય એવી હતી ને તમારામાંથી જેમણે મને રૂબરૂ જોયો છે, તે જાણતા હશે કે, પૂરા પોણા છ-ફૂટની હાઇટવાળો હટ્ટોકટ્ટો માણસ છું. મારે એને મારવાની જરૂર પણ પડે એમ નહોતું. માત્ર કૉલરથી પકડીને હવામાં અધ્ધર કરી શકું, એટલી સાઇઝનો એ હતો.

મને હજી ખબર પણ નહોતી કે, એ મને કઇ કમાણી ઉપર આટલી બધી સતત ગાળો દીધે રાખે છે. મારો જન્મજાત સ્વભાવ છે કે, કોઇ ગુસ્સે થતું હોય, ત્યાં હું ઠંડા કલેજાનો બની જવા માંડુ છું. અમદાવાદમાં ગાડી ચલાવવી અને રોજ મારામારી કરવી, મને નહિ.... કોઇને ન પોસાય, છતાં એવી નાનીમોટી ઘટનાઓ તો દરેક વાહનવાળાને બનવાની જ.

'અરે બેટા, તું સારા ઘરનો છે... આટલી બધી ગાળો.'

'બેટો...? તું મારી માં ને...' આગળનું બિભત્સ તો એ પોતાની માં માટે ય બોલ્યો, એ હું યાદ પણ કરી શકતો નથી. ત્યાં અહીં લખવાનો તો સવાલ જ ક્યાં ઊભો થાય છે. એ બીજું કશું કરતો નહતો... બસ, નૉન-સ્ટૉપ ગાળો જ બોલે રાખતો હતો. એક ક્ષણ માટે તો એવો ય વિચાર આવી ગયો કે, ગાડીમાંથી ઉતરીને આને ઊંચો કરીને રોડ ઉપર પછાડું, પણ ટેન્શન વધતું જાય, એમ હું આગળનું વધુ વિચારી શકું છું. મને હવે પછી બની શકે એવા દ્રષ્યો યાદ આવવા માંડયા કે, હું એને ઉંચકીને રોડ કે ડીવાઇડર ઉપર પછાડું, એ તો ક્ષણનું કામ છે, પણ પછી બનવાપાત્ર ઘટનાઓના દિવા-સપનાઓ મને ત્યાં જ ફાસ્ટફોરવર્ડમાં આવવા માંડયા કે, એને ખૂબ વાગે, અંધારામાં પાછળથી આવતી કોક ટ્રક એને કચડી નાંખે... એ હૉસ્પિટલમાં કે સ્મશાને ને હું પોલીસ-સ્ટેશનો અને અદાલતના ચક્કરો મારતો થઇ જાઉં. મોટો પ્રોબ્લેમ એ ધારી લીધો કે, હું મારવા બેસું તો પછી મારવાનો થાક મને ન લાગવો જોઈએ.. માર ખાવાનો એને લાગવો જોઈએ. અદાલત કે પોલીસવાળા તો ઠીક, ખૂદ મારા ઘરવાળા વાંક મારો કાઢશે કે, 'છોકરો હતો... દસ-બાર ગાળો દઇ ગયો ને ખઇ લીધી હોત તો ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા કયાં તમને બાયલો કહેવા આવવાની હતી... પણ આટલો બધો કોઇને મરાય...?'

અને કાંઇ બાકી રહી જતું હોય એમ પેલા છોકરાના ઘરવાળાઓ ય મને કાંઈ 'થૅન્કસ' કહેવા થોડા આવવાના હોય ? બાત નીકલી હૈ તો બહોત દૂર તલક જાયેગી..!'

ગયા મહિને જ બનેલી આ સત્યઘટનાથી, જે પાઠ હું જન્મજાત શીખ્યો હતો કે, અંતે તો પરાજય ગુસ્સો કરનારનો જ થાય છે, એ મને આજીવન કામમાં આવ્યો છે. આપણા જેવાની જીંદગીઓમાં વિજય-પરાજય જેવું ઓછું હોય, છતાં એક નાનકડો ઝગડો આવનારા આઠ કલાકથી માંડીને બાકીની જીંદગીમાં ઝેર ઘોળી દે છે. લાચારી બધાની એકસરખી કે, પેલા જેવા હલકટ તમે થઇ શકવાના નથી અને થાઓ તો હિંદુસ્તાનનો ઈન્ડિયન પીનલ કોડ બહુ ખતરનાક છે.

તો શું... આપણો વાંક હોય કે ના હોય, આપણો પરાજય સ્વીકારીને દુશ્મનોને જવા દેવાના ?

ઓકે. મારા કૅસમાં તો આજ સુધી કોઇ દુશ્મનને મેં સામે વાર (કોઇપણ સ્વરૂપે) નથી કર્યો, છતાં અંતે વિજય મારો થયો છે. પરમેશ્વરે એ લોકોને જરૂરત કરતા વધુ સજાઓ આપીને મારા વતી બદલો લીધો છે ને એ દુશ્મનોને રિબાતા જોઇને હું કદી ખૂશ થયો નથી. આજે પણ તમામને કોઇ ફંકશનમાં હું સામેથી બોલાવી શકું છું. તમારૂ ફીલ્ડ કોઇ બી હો, એક વાર તમે સફળ થવા માંડયા, પછી હરિફો તમને માફ કરતા નથી. ગુજરાતમાં જ અનેક ક્રિકેટરો આગળ વધી ન શક્યા, સુગમ સંગીતમાં તો રોજ બીજે દહાડે કોઇ કહેનારો કે કહેનારી મળે છે. 'સુગમ સંગીત જેવું પૉલિટિક્સ અન્ય કોઇ ક્ષેત્રમાં નથી.' સાહિત્યના ક્ષેત્રમાં તો અમથા ય તમામ કવિ-લેખકો ઘણા લોઅર-મિડલ ક્લાસમાંથી આવ્યા છે. જેમણે જાહોજલાલી જોઇ જ નથી. થોડું નામ થયું, એમાં મહારાજા બની જાય ને આસપાસના તમામ રાજા-મહારાજાઓને ખતમ કરવા બહુ ઝીણકું છતાં બિભત્સ રાજકારણ રમે. સીધો સિધ્ધાંત... 'ગુણવત્તાથી નહિ તો ગાળોથી મારો સાલાને !'

પણ દુશ્મનોને સીધા કરવાની મારી 'ચાલ' બેહદ કામયાબ નિવડી છે કે, કદીય એમની ઉપર વળતો હૂમલો કરવાનો જ નહિ. એમનું ખરાબ તો એટલા માટે નહિ બોલવાનું કે, માતા સરસ્વતિની કૃપાથી લોકો મને સારૂં બોલવાના અઢળક પૈસા આપે છે. અહીં થોડું મારૂં અભિમાન પણ આવી જાય છે કે, ગમે તેવો આલીયો-માલીયો મારા દુશ્મન હોવાની જાહોજલાલી કેવી રીતે ભોગવી શકે ? દુશ્મન પણ બધી રીતે મારા લૅવલનો હોવો જોઇએ. કાલ ઉઠીને આપણા રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ કહે, 'બૉસ, આપણે હમણાંથી બચ્ચન-ફચ્ચનને ઘેર સવારના ચા-પાણી બંધ કરી દીધા છે. બચ્ચુને તો હું બોલાવતો જ નથી !' લો કલ્લો બાત... આમાં તમને બચ્ચનનું ધોરણ કેટલું નીચું ગયેલું લાગે, જે રણછોડભ'ઇને ઓળખતો ય ન હોય !

તમે આ થિયરીથી કન્વિન્સ ન થતા હો, પણ કોઇ પણ દુશ્મનને સામે ચાલીને પ્રેમથી બોલાવવામાં લેવલ તમારૂં ઊંચુ દેખાવાનું છે. શક્ય છે, દુશ્મની ખતમ પણ થઇ જાય. જીવનભરની દુશ્મની આજ સુધી કોઇને ફાયદો કરાવતી ગઇ નથી. ઉપર જવાનો સમય નજીક આવતો જાય, ત્યારે માથાં ઉપર દુશ્મનીના ભારનું પોટલું ઊચકીને જવાનું ન હોય....'ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈડલ હી જાના હૈ'!

રસ્તે જતા હો અને અચાનક દૂરથી તમારો કોક દુશ્મન દેખાઇ ગયો, ત્યારે કેવા વિચારો આવે છે? ત્યાં જઇને એને મારી આવવા-બાવવાનું તો આપણા ગુજરાતીઓનું કામ નહિ. પણ મનમાં એની માં-બેનને કેટલી ચોપડાવો છો ? પેલાને તો ખબરે ય નથી કે, તમે આસપાસમાં છો, પણ અચાનક આપણાથી સાલો જોવાઇ ગયો, તો તમારી બૉડી-લૅન્ગ્વેજ કેવી થઇ જાય છે ? મનમાં ને મનમાં ધુંધવાઇ જઇએ છીએ અને કાંઇ કરી શક્તા ન હોવાની લાચારી આપણી ઉપર હસતી રહે છે. છેલ્લે જાણીએ છીએ કે, આપણાથી કાંઇ થવાનું નથી, એટલે, 'મરવા દે ને સાલાને... એના જેવું કોણ થાય ?' કહીને મોટા માણસ બની જઇએ છીએ. એકાદ-બે વીક પહેલા મેં એક વિવાદાસ્પદ લેખો લખ્યો હતો, 'હા, હું ગાળો બોલું છું'.... ગાળો બોલી નાંખવાનો મોટો ફાયદો એ કે, મારામારી કરવા જવું ન પડે, એને તો જાવા દિયો, સામું આપણને વાગે-બાગે નહિ અને મનમાં બોલાયેલી ગાળોને કારણે એક મોટી મારામારી અને ભયાનક ભાવિ પરિણામોથી બચી જવાય છે. ગાળો વેશ્યા જેવી છે. પોતે બદનામ થઇને, વિકૃત માણસોની હવસ સંતોષીને રસ્તે જતી સારા ઘરની સ્ત્રીઓને શક્ય હોય ત્યાં સુધી બચાવી લે છે. મનમાં બોલાયેલી ગાળો ય વેશ્યાનું કામ કરે છે. તમને સંભવિત મુશ્કેલીમાંથી ઉગારી તો લે છે જ, પણ બદલો લીધાનો નાનકડો સંતોષે ય આપે છે.

ઓહ યસ...હું તો હવે આ શાસ્ત્રમાં ય પી.એચ.ડી. કરવા જઇ રહ્યો છું...ગાળો બોલી નાંખવાને બદલે, સરસ મજાનું હસી પડું છું (ઘણા કહે છે, 'તમે હસતી વખતે બહુ હૅન્ડસમ લાગો છો.' એના જવાબમાં હું કહું છું, 'હસતી વખતે તો વાંદરૂં ય હૅન્ડસમ લાગે'!)

કમ્માલની વાત તો એ છે કે, પેલાને તો ખબરે ય નથી કે તમે ય ત્યાં હતા. એ તો એની મસ્તીમાં નીકળી ગયો ને તમારા આવનારા બે કલાક બગાડતો ગયો. ફ્રેન્કલી કહું, તો આ તબક્કે દુશ્મનીમાં તો એ તમને મારતો ગયો. વગર હથિયારે, વગર ગાળાગાળીએ કે ઈવન વગર જોયે આ નાનકડો જંગ એ જીતતો ગયો. બે કલાક તમારા બગડયા...એને તો તમે યાદે ય નથી રહ્યાં!

મોટા ભાગે આ આઇન્સ્ટાઇનનું અથવા અશોક દવેએ આપેલું ક્વૉટ છે કે, 'ત્રીજું વિશ્વયુદ્ધ કેવું લડાશે એની તો ખબર નથી, પણ ચોથું તો બેશક પથ્થરોથી લડાશે. (એણે 'પથ્થરો' શબ્દ વાપર્યો હતો અને મેં, 'ઢેખાળા' ! નૉલેજ-નૉલેજમાં થોડો ફેર તો પડવાનો ને ? એ બિચારો ક્યાં મારા ખાડીયાનો હતો !) યસ, આ લેખનો વાચક આઇન્સ્ટાઇન અને અશોક દવે કરતા ય વધુ સ્માર્ટ હશે તો ક્વૉટમાં થોડો ફેરફાર કરશે, '...ચોથું વિશ્વયુદ્ધ બેશક ગાળોથી લડાશે.'

સિક્સર
'મૅગી' બંધ થાય કે પિત્ઝા-પાસ્તા... ગુજરાતણોને કોઇ ફરક પડતો નથી... પણ ભૂલેચુકે ય 'પાણી-પુરી' ઉપર પ્રતિબંધ આવશે તો, મોદી-સરકાર તો શું, આવનારીએકે ય સરકાર નહિ ટકે! (ઍન્ડ માઇન્ડ યુ.. બબ્બે કીલો પાણી-પુરી ખાઇ લીધા પછી મફતમાં મળતી 'મસાલા-પુરી' તો સરકારે ફરજીયાત બનાવવી પડશે.... તો જ હજી બીજી બે લોકસભા જીતી શકશે.)

14/06/2015

એનકાઉન્ટર : 14-06-2015

૧. જો તમને સોનિયા ગાંધી કોંગ્રેસ-અધ્યક્ષ બનાવે તો ?
- એટલા બધા એ બેવકૂફ નથી.
(દિવ્યા સાણંદીયા, સુરત)

૨. તમે પત્નીને દિવસમાં કેટલી વાર 'આઈ લવ યૂ' કહો છો ?
- આવું હોય ત્યારે અમે બન્ને એકબીજાને 'જે શી ક્રસ્ણ' કહીએ છીએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

૩. લેખક સફળતાની ટોચ પર ક્યારે પહોંચ્યા કહેવાય ?
- જ્યારે ત્યાંથી એને ધક્કો મારનારાઓની લાઈન લાગી હોય !
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)

૪. 'વેલેન્ટાઈન-ડે' ઉપર લોકો પોતાની ગર્લ-ફ્રેન્ડ પાછળ ખર્ચા કેમ કરે છે ?
- હાસ્તો વળી, એમ કાંઈ મફતમાં ઘર-ઘર થોડું રમાય છે, કાંઈ ?
(ડેની ગોટેચા, કેશોદ)

૫. મેહનત છતાં એકઝામ્સમાં માકર્સ ઓછા કેમ આવે છે ?
- મોટા માણસોના જીવનચરિત્રો વાંચો.
(ચંદ્રેશ ડોબરીયા, નિંગાલા-બોટાદ)

૬. દિલ્હીમાં ભાજપથી કંટાળીને જ પ્રજાએ 'આપ'ને પસંદ કરી... હવે મોદી માટે ખતરો ખરો કે નહિ ?
- હજી સુધીતો નથી !
(ધીમંત ભાવસાર, બડોલી)

૭. તમને પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવે તો ?
- ભારતથી મહાન દેશ બીજો કોઈ છે ખરો ? હવેથી જરા ઊચું વિચારો.
(કેયૂર પ્રજાપતિ, મહેસાણા)

૮. તમને 'એનકાઉન્ટર' લખવાની પ્રેરણા કેવી રીતે મળી ?
- મગજમાંથી.
(ડૉ. પ્રવિણ કલસરીયા, તલગાજરડા)

૯. દિલ્હીમાં તો 'ઝાડુ' ફેરવાઈ ગયું... હવે ?
- હવેના ઝાડુઓ વિદેશોથી આવશે...
(નિહાર ગોર, પાલનપુર)

૧૦. પહેલા ઝાડુ... પછી સ્વચ્છતા... હવે ?
- શૌચાલય.
(જતિન દેસાઈ, મુંબઈ)

૧૧. 'ભદ્રંભદ્ર' જેવી હાસ્યનવલકથા ગુજરાતને ક્યારે મળશે ?
- કોઈ હાસ્યલેખક આખી નવલકથા લખવાની ભૂલ કરે ત્યારે.
(ઉષા ઢોલરીયા, વાપી)

૧૨. કેજરીવાલના મતે મોદીજીનો સૂટ રૂ. દસ લાખનો, તો એમના મફલરની કિંમત કેટલી ?
- એ તો સૂટના વધેલા કાપડમાંથી બની જાય !
(રાજેન્દ્ર સેન્તા, અંકલેશ્વર)

૧૩. વર્લ્ડ-કપમાં પાકિસ્તાન સામે ઈન્ડિયા જીત્યું, એમાં મીડિયા દ્વારા આટલું બધું કવરેજ... ?
- આમાં તમને વાંધો ક્યાં આવ્યો... ?
(રોહિત બૂચ, વડોદરા)

૧૪. તમારી દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી સમસ્યા કઈ છે ?
- બેફિકર બનીને બેસી રહેલા નેતાઓ.
(જયમીન જોશી, આણંદ)

૧૫. 'ઈસરો' તમને મંગળના ગ્રહ ઉપર મોકલે તો જવા રાજી ખરા ?
- 'ઈસરો'માં વૈજ્ઞાાનિકો બેઠા છે... મારા સાસરાવાળાઓ નહિ !
(અનંત ત્રિવેદી, ગોરડકા-બોટાદ)

૧૬. પાકિસ્તાન જઈને એને મારી અવાય નહિ ?
- ભારતના વડાપ્રધાનનું નામ 'બરાક હુસેન ઓબામા' નથી.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

૧૭. લગ્નપ્રસંગે ચાંદલો... એ પ્રથા વિશે શું માનો છો ?
- ખાસ કાંઈ નહિ... જે કંકોત્રીમાં 'ભેટ-ચાંદલો લેવાનો નથી' એવું આશ્વાસન લખવામાં આવે છે, ત્યાં જમવાનું બહુ મીઠું લાગે છે.
(પુનિતા વ્યાસ, પૂણે-મહારાષ્ટ્ર)

૧૮. કહેવાય છે કે, સુંદર સ્ત્રીને જોયા પછી પુરૂષનું મગજ બંધ થઈ જાય છે... તમે પણ એમાંના જ નીકળ્યા !
- તમે અભિનંદન આપી રહ્યા છો કે ફરિયાદ કરી રહ્યા છો ?
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

૧૯. તમને એક સવાલનો જવાબ લખતાં કેટલો સમય લાગે છે ?
- ગમ્મત ગુણવત્તાથી આવે... સમયથી નહિ !
(અકીલ મનસુરી, અમદાવાદ)

૨૦. છોકરો પસંદ કરતા પહેલાં શું જોવું જોઈએ ?
- એના બાપનું કપાળ... આઈ મીન, બેન્ક-બેલેન્સ ! લગ્નના બીજા જ મહિને કન્યાને નોકરી શોધવાની લાઈનમાં ઊભા રહેવું પડે, એવા ઘરમાં ન પરણાય !
(અંજલિ રાયઠઠા, રાજકોટ)

૨૧. ડૉક્ટરો અને વકીલો આખી જીંદગી 'પ્રેક્ટીસ' જ કરે છે, તો 'પરફેક્ટ' ક્યારે બનશે ?
- એ લોકો 'પરફેક્ટ' છે, માટે આપણે 'પ્રેક્ટીસ' કરવી પડતી નથી.
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

૨૨. મેરેજ પછી લાઈફમાં ચેઈન્જીસ આવે, એ વાત સાચી છે ? અને આવે તો કેવા ચેઈન્જીસ આવે ?
- ખાસ કંઈ નહિ... અત્યાર સુધી કપડાં-બપડાં તમે ધોતા હો... નવા ચેઈન્જ મુજબ ગોરધનને ધોવાના (અને ''ધોવાનો'') આવે !
(ચેતના દવે, સુરત)

૨૩. સોનું અને કથિર, એમ તમારા પત્ની અને ડિમ્પલ કાપડીયા... બરોબર ને ?
- શું ધૂળ બરોબર... ? ડિમ્પલ સોનું તો પત્ની પ્લેટિનમ !
(સિલિકા દેડકીયા, રાજકોટ)

૨૪. તમે મારા આગળના સવાલનો જવાબ આપવામાં ત્રણ મહિના લીધા... એટલો બધો અઘરો લાગ્યો ?
- હું ડૉક્ટર હોત તો હજી છ મહિના વધુ લાગત !
(ડૉ. વ્યોમિકા દેવધરા, વાપી)

૨૫. આપને ક્યારેય કોઈની ઉપર અહોભાવ થયો છે ?
- હા. એક વ્યક્તિ ઉપર. રાકેશ શર્મા, જે પહેલા ભારતીય હતા, જે અંતરીક્ષમાં ગયા. મેડમ ઈંદિરા ગાંધીએ લાઈવ ટેલીકાસ્ટમાં પૂછ્યું, ''ઉપર સે હમારા ભારત કૈસા દિખતા હૈ ?'' તો રાકેશે જવાબ આપ્યો, ''સવાલ હી નહિ ઉઠતા... સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'' બસ, મને આજ સુધી આ એક જ વ્યક્તિ ઉપર સંપૂર્ણ અહોભાવ થયો છે.
(જગદિશ આર. શાહ, રાજકોટ)

૨૬. ટ્રક-ડ્રાયવરની સાથે મેલાઘેલા સાથીને 'ક્લીનર' કેમ કહેવાય છે ?
- જ્યાં કોઈ સર્વિસ થતી નથી, એને ય 'સર્વિસ રોડ' જ કહેવાય છે ને ?
(સુનિલ એન. આનંદ, સુરત)