Search This Blog

04/01/2017

મેહમાન ઊભા ક્યારે થશે ?

ઉપર સ્વર્ગમાં નવરા બેઠા ક્યારેક ભગવાન શંકરને ફેમિલી સાથે શ્રીકૃષ્ણને ઘેર જવાનું મન નહિ થતું હોય ? કોક દહાડો ભગવાન મહાવીર સ્વામી અને શ્રીકૃષ્ણ એકબીજા સાથે બેઠા બેઠા શતરંજ રમતા હોય એ વખતે ભગવાન જીસસ અને શ્રીહનુમાનજી રીક્ષામાંથી ઉતરીને સીધા નાસ્તો લઇને આવતા નહિ હોય ?

અલ્લાહ મીયાં તો અલ્લાહના માણસ, એમને ત્યાં જે આવે એને અલ્લાહની કૅટેગરી મળે. મેહમાનો તો સહુને ઘેર આવે. અત્યારે નહેરૂ ચાચા અને સ્વયં ઈન્દિરાજી નવરાધૂપ બેઠા બેઠા લાલબહાદુર શાસ્ત્રીને ઘેર ધામા નાંખીને, 'હવે આ મોદીનું શું કરવું ?... અમારી સોનુ અને પપ્પુને બહુ હેરાન કરે છે..! કંઇક કરો, શાસ્ત્રીજી...!'' એવી વિનવણીઓ કરતા હશે ને ?

આપણા ઘેર મેહમાનો તો આવવા જ જોઇએ... પણ આવ્યા પછી જવા ય જોઇએ. એ લોકોએ એટલી વાર બેસવું ન જોઇએ કે, આપણે ય ભૂલી જઇએ કે, એ લોકો આપણા ઘેર આવ્યા છે કે આપણે એમના ઘેર ગયા છીએ...?

કહે છે કે, મેહમાનો આવે પછી ૧૦-૧૫ મિનિટ સુધી જ ગમતા હોય છે.... પછી તો ઘરના કમ્પાઉન્ડમાં કૂવો કેમ ન ખોદાવ્યો, ખોળામાં બેસી જાય એવા કૂતરાં કેમ ન પાળ્યા, જમવાનું કહેવાની ક્યાં જરૂરત હતી, એની લવારીઓ એ લોકોના ગયા પછી ય ચાલે રાખે. આવેલા મેહમાનો કાંઇ વહાલમાં ઊભા થઇને આપણે બચ્ચીઓ ભરી આવીએ, એવા મીઠડાં ન હોય !

(
એ લેવલની તો એવાઓની વાઇફો ય ન હોય ! આ તો એક વાત થાય છે !) મેહમાનો સાથે થોડી વાર સુધી જ હાહા-હીહી મીઠી લાગે, પછી ધીમેધીમે આપણાં મૂડો તરડાતાં જાય, મોંઢા પરાણે હસતા રાખવા પડે, બોર થવા માંડીએ, કોક વીરાન જંગલમાં જઇને એકાદું ખૂન કરી આવવાના ધખારા ઉપડે, જેથી પાછા આવીએ ત્યારે એ લોકો આપણા ઘેર ન હોય !

એ લોકોના તો મનમાં ય ન હોય કે, હવે ઊભા થઇએ અને ઘેર પાછા જઇએ, પણ આપણને છેલ્લા અડધા કલાકથી ગુદગુદી થવા માંડે કે, આ લોકો દુનિયાથી નહિ, તો છેવટે આપણા ઘરમાંથી ટાઇમસર ઊભા થઇ જાય ને (એમના) ઘેર જાય તો બીજા કામ પતે ! કેટલાક તો અડ્ડો જમાવીને એવી રીતે બેઠા હોય કે, ફફડાટ આપણને રહે કે, ઘેર પાછા એ લોકોને જવાનું છે કે,

આપણે ! થોડી વારમાં તો ગાડી સ્પીડ પકડી લે છે અને મેહમાન પોતે કિચનમાંથી સીધું આપણને પૂછે, ''દાદુ, તમારી ગ્રીન-ટી કે સાદી...? સાથે કુકીઝ મૂકું ને...?'' તારી ભલી થાય ચમના... થોડી કળ તો વળવા દે કે, અમે ભાનમાં આવીએ કે આ ચા-બિસ્કીટનું તું અમારા માટે પૂછે છે કે, એના ફેમિલી માટે ! ઘણા મેહમાનો તો આપણા નાસ્તાનો આગ્રહે ય આપણને કરે, ''લો ને... લો ને... ખવાશે હવે...!''

પણ કિટક-શાસ્ત્રોમાં કીધું છે કે, કિચનમાં ઘુસેલી ઉધઇ અને ડ્રોઇંગ-રૂમમાં જામેલા મેહમાનો કદી એમને એમ જતા નથી. બાપાનું રાજ તો આપણાથી ના બોલાય પણ આવી ગયા પછી આપણા ઘરમાં આ લોકોનું રાજ ચાલતું હોય છે.

એવું ય નથી કે, આવેલા બધા મેહમાનો ગમતા ન હોય અને 'આ ક્યાં ગુડાણા...?'વાળી નફરતું થાતી હોય ! એવું બધાના કેસમાં ન હોય, છતાં એક તબક્કો એવો આવે છે કે, મેહમાન તરીકે નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન કે કેટરિના કૈફ (ડિમ્પલ કાપડીયા સિવાય) ફેમિલી સાથે આવ્યા હોય તો ય અકળામણો થવા માંડે. હવે આપણે એમનાથી કંટાળ્યા હોઇએ અને ક્યારે ઊભા થાય, એની અકળામણો થવા માંડે. એમને મજા આવતી હોય ને આપણો જીવ જતો હોય. એક લિમિટ હોય મેહમાનોને રમાડે રાખવાની, પણ પછી તગડો કંટાળો આવવા માંડે. આ એ તબક્કો છે કે, આપણા ઘરવાળા એ લોકોની જોક ઉપર સાવ ખોટેખોટું હસવા માંડે છે, એમાં એ લોકો એવું સમજે કે, 'હવે આપણને હ્યુમરની સમજ પડવા માંડી છે...' એટલે બમણા ફૉર્સથી નવી ફાલતુ કટો મારવા માંડે ને આપણે એવા કડવા મોંઢે દાંત કાઢી કાઢીને (અમારા કાઠીયાવાડની ભાષામાં, 'દાંત કાઢવા' એટલે હસવું !) અધમૂવા થઇ ગયા હોઇએ ને પરાણે હળવું પડે છે, એની દાઝો પોતાના ઉપરે ય ચઢવા માંડે. હું તો આવા તબક્કે ટાઇમો પાસ કરવા ડ્રોઇંગ-રૂમની ટયુબલાઇટો ઉપર ચકરભમ-ચકરભમ ફરે રાખતા જીવડાંની સામે એકીટસે જોયે રાખું, એ લોકોની સ્પીડ કેટલી હશે, એક જીવડું એવરેજ કેટલા ચકરડાં મારે છેઊડતા ઊડતા એકબીજાને અથડાતા કેમ નથી, એ ગણવા બેસવું, એમાંનું એકાદું જીવડું અનામતની સીટ ઉપર ફરતું હશે અથવા ત્યાં ઊડતા તમામ જીવડાં નીચે આવીને આ મેહમાનોને કેમ નથી કરડતા, એવા કડવા વિચારો પણ આવે. વાઇફ આદર્શ હૉસ્ટેસ છે એટલે એ મોઢું બગાડયા વિના પેલા લોકોની પીસી ઉપર સાવ સાચું હસતી જાય, એમાં એ લોકોને વધારે મજો પડતો જાય કે, 'બેનમાં સૅન્સ ઑફ હ્યુમર ઘણી છે... બાકી ભ'ઇમાં ખાસ કાંઇ વેતાં નથી !'

કેટલાક લોકો મહેમાનો લાંબુ બેસે નહિં, એ માટે એમના પાળેલા કૂતરાંઓ કે સહેજ પણ 'નહિં પાળેલા' ઘરડા મા-બાપને બેસાડી રાખે છે. વધુ ક્રૂર લોકો તો એ બન્ને પાર્ટીઓને બેસાડી રાખે છે.... મેહમાનો સમજીને સમજીને લાંબુ ન ટકે !

આમ ને આમ તો હું બર્બાદ થઇ જઇશ, પણ મેહમાનોને ઊભા કરવાના સચોટ ઉપાયો શોધી નહિ શકું, એવા દુ : ખ સાથે અચાનક એક દિવસ મને એક ઉપાય મળી આવ્યો.

મેં ઈસ્તંબૂલથી કૂવૈચનો છોડ મંગાવ્યો છે, જેના પાંદડા આપણા સોફા ઉપર ઘસવાથી સોફા ઉપર જે બેસે, એના હાથે-પગે બરડે, છાતીમાં, ગાલ ઉપર, પેટ ઉપર... ઓહ ન જાને, શરીરના કયા કયા સ્થળોએ નૉન-સ્ટૉપ ખંજવાળો ઉપડે છે. ક્યાં, કેટલી અને ક્યારે ઉપડશે, એનું કોઇ ચોક્કસ સાયન્સ હોતું નથી, પણ આપણને જોવાનો જલસો પડી જાય. બશર્તે, આપણે એ લોકોને કે બે દહાડા સુધી સોફાને અડવાનું નહિ ! આ ખંજવાળો નૉનસ્ટૉપ અને મીઠડી હોય છે... સૅક્સી હોય છે.

'
હજી આવે... હાય રામ્મા... ભલે આવે..' એમ ખણતા જઇએ ને મનમાં મુસ્કુરાતા જઇએ. ખંજવાળતી વેળાએ મોઢું  હસુ-હસુ થતું રહે છે, એ કુવૈચની સફળતાની પ્રથમ નિશાની. માત્ર ખંજવાળનારાને જ નહિ, એમને જોનારાઓને ય મજો પડતો જાય છે. ગુજરાતના કેટલાક અવિકસિત પ્રદેશોમાં એને વલૂર કહેવાય છે ને એ વલૂરીયાઓ પોતાના ગામના ઘરની ડૅલીમાં એક ચોક્કસ ખાટલી રાખે છે.

જ્યારે આવી મનભાવન અને તનભાવન વલૂર ઊપડે, ત્યારે ભીંતે ખાટલી ટેકવીને કોરો બરડો મજા પડતી રહે, એમ એમ ઘસતા હોય છે. કહે છે કે, મોઢું હસુહસુ થયે રાખે છે, પણ ખંજવાળ બંધ થવાનું નામ નથી લેતી. જે ક્ષણથી એ તરડાવા માંડે છે, ત્યારે એનું શરીર કોઇ ચોક્કસ આકાર પકડી લે છે, પણ મૂળ આકારનું રહેતું નથી. પછી તો ખંજવાળ એટલી હદે ઉપડે છે કે, એ ફક્ત હાથના જ નહિ, પગના પંજાઓથી પણ બાકીનું શરીર ઘસવા માંડે છે. એને જે અડવા જાય એ ય મરવાનો થાય છે.

કૂવૈચનો છોડ ગુજરાતની લીલુડી ધરતી ઉપરે ય ક્યાંક થાય છે, પણ ક્યાં થાય છે એની મને ખબર ન હોવાથી ઈસ્તંબૂલથી મંગાવ્યો છે. આ આપણી નકરી માનસિકતા છે. ઈસ્તંબૂલને બદલે મેં કૂકરવાડા કે સિધ્ધપુર લખ્યું હોય તો વાચકોને મારી વાતમાં જ નહિ, કૂવૈચમાં જ વિશ્વાસ રહ્યો ન હોત ! આ તો માલ વેચવાના પૈસા છે. અલબત્ત, કૂવૈચના ઉપયોગ પછી ચોખ્ખાઇનું મહત્વ ઘણું છે. કૂવૈચની ખંજવાળોથી ચામડી તતડી ગઇ હોય, તો એના મારણ એટલે કે ઉપાય તરીકે ભીની કાળી માટી સ્કિન ઉપર ચોપડી દેવાની, જેથી ખંજવાળ મૅક્સિમમ બે-ત્રણ દિવસમાં મટી જાય...

દોસ્તો, યાદ રાખો. ચોખ્ખાઇનું ઘણું મહત્વ છે. કાળી ભીની માટી આવી ખંજવાળોનું મારણ છે. પણ એના કૂંડા કે ઢગલા આપણા ઘર પાસે ન રખાય. કાળી માટીના ગારા આપણા ઘરની આજુબાજુ દસ-વીસ કી.મી.ની ત્રિજ્યામાં હોવા ન જોઇએ. આ કાળી માટી જો એમને હાથ લાગી ગઇ, તો પહેલો ઘા તો એ લોકો બે-ચાર દહાડામાં ચૂકવી દઇ શકશે, અને પછી બીજી વાર હાથમાં કાળી માટીના પિંડલા લઇને જ આપણા ઘેર આવશે. પછી તો કૂવૈચે એમનું કાંઇ તોડી નહિ શકે !

યસ. એક આખરી સલાહ. મેહમાનો કૂવૈચને ય ચાવી જાય છતાં ઊભા ન થાય તો એમને હાંકી કાઢવાનો છેલ્લો એક રસ્તો છે. ડ્રોઇંગ-રૂમના ટેબલ ઉપર 'ટીક-૨૦'ની વીસ-પચીસ બૉટલો મૂકી રાખો અને તરત જ નરેન્દ્ર મોદીની નોટબંધીની ચર્ચા શરૂ કરો. એ લોકો જે બોલે, એનાથી વિરૂધ્ધ દલિલો કરતા રહેવાનું. ચોથી/પાંચમી દલિલે તો એવા કંટાળશે કે હવે એમનાથી નરેન્દ્ર મોદી કે નોટબંધી સહન નહિ થાય... મેદાન સાફ થઇ જશે. બીજે દિવસે છાપાવાળાઓ મોટા મથાળા સાથે છાપશે... ''નોટબંધીનો વધુ એક કરૂણ અંજામ... એક સાથે સાત લાશો''.

સિક્સર
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સામેની ફૂટપાથો ઉપર મન ફાવે એટલા કલાકો સુધી તમારા વાહનો મન ફાવે એવા રોડ બ્લૉક કરીને જતા રહો.... કોઇ માઇના લાલની તાકાત છે, તમારૂં નામ લઇ શકે ? ત્યાંના દુકાનદારોની રક્ષા માટે પોલીસ આટલું ય ન કરી શકે ?

જામ થતો ટ્રાફિક જખ મારે છે...!  (હસવું આવે એવી વાત  :  આ રસ્તેથી ક્યારેક પોલીસ-કમિશ્નર લેવલના પોલીસ-અધિકારી ય પસાર થતા હોય તો એ ય કટાક્ષમાં મુસ્કુરાઇને જતા રહે છે... 'ઇસ દેશ કા યારોં ક્યા કહેના. યે દેશ હૈ દુનિયા કા ગહેના...!')

No comments: