Search This Blog

13/01/2017

ફિલ્મ  : 'હાય મેરા દિલ' ('૬૮)
નિર્માતા  : મનોહર ખન્ના
દિગ્દર્શક  : વેદ-મદન
સંગીત  : ઉષા ખન્ના
ગીતકારો  : આનંદ બક્ષી, એસ.એચ. બિહારી, પી.એલ. સંતોષી
રનિંગ ટાઈમ  : ૧૫-રીલ્સ
કલાકારો  : કિશોર કુમાર, કુમકુમ (ડબલ રોલ), આઈ.એસ. જોહર, મજનૂ, મદન પુરી, રાજ મેહરા, પ્રેમ ચોપરા, લક્ષ્મી છાયા, પરવિન પૉલ



ગીતો
૧. જાનેમન જાનેમન તુમ દિનરાત મેરે સાથ ઈ.... મન્ના ડે - ઉષા ખન્ના
૨. દુનિયા કહેતી મુઝ કો પાગલ... બસ કયામત ... કિશોર કુમાર
૩. મચલ ગયામચલ ગયાહાય મેરા દિલ, .... લતા મંગેશકર
૪. ઈજાઝત હો તો મૈં કુછ આપ સે ગુસ્તાખીયાં કર લૂં... કિશોર કુમાર
૫. જબ સે મૈં હો ગઈ યંગદિલ કરને લગા હૈ તંગ.... રફી-ઉષા ખન્ના
૬. અલખ નિરંજન બમબમ ભોલેનાથકાહે જીયા કી બાત.. મન્ના ડે

ઈન ફેક્ટ, '૬૮-ની સાલનો તબક્કો અત્યંત ફાલતુ ફિલ્મોના નિર્માણ માટે વગોવાયો હતો. એક બાજુ, શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન, રોશન, રવિ, કલ્યાણજી-આણંદજી, સલિલ ચૌધરી કે ખય્યામ જેવા દિગ્ગજો પડી ભાંગ્યા હતા - સિવાય કે દાદા બર્મને પોતાનું શહૂર મરતા સુધી ગુમાવ્યું નહોતું. તો બીજી બાજાુ લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાહુલદેવ બર્મનનો સૂરજ દોમદોમ તપવા માંડયો હતો.

'
૬૯-માં રાજેશ ખન્નાની 'આરાધના' આવી એમાં ખન્ના, રાહુલદેવ અને કિશોર... ત્રણે ત્સુનામીની જેમ હિંદી ફિલ્મનગર ઉપર ફરી વળ્યા, એમાં સૌથી મોટો ભોગ પેલા સંગીતકારો ઉપરાંત મુહમ્મદ રફીનો લેવાયો. સંગીતકારો જ નહિ, હીરોલોગ પણ હવે રફીને બદલે કિશોર માંગવા માંડયા. આવા વાવાઝોડાંમાં ટકી ગઈ પેડર રોડના પ્રભુકુંજની બે બહેનો, લતા મંગેશકર અને આશા ભોંસલે. સુમન કલ્યાણપુરે ય ફેંકાવા બરોબર જ હતી. તમે જોઈ શકો છો નીચેની યાદીમાં કે, ફિલ્મોની કે સંગીતની ગુણવત્તા માપવા જઈએ તો આમાંની કઈ અને કેટલી ફિલ્મો આવે એમ છે?

'
હાય મેરા દિલ' મોટા ભાગે તો અશોક ટૉકીઝમાં પડયું હતું, છતાં હું શ્યોર નથી, પણ અશોકની પાછળ રૂપમમાં ધર્મેન્દ્ર-તનૂજાનું 'ઇજ્જત', બાજુની રીગલ ટૉકીઝમાં શમ્મી કપૂર-રાજશ્રીનું 'બ્રહ્મચારી', લક્ષ્મીમાં શશી કપૂર-બબિતાનું 'હસિના માન જાયેગી', સ્ટેશન સામેની અલંકાર ટોકીઝમાં સુનિલ દત્ત-નૂતન-સંજીવ કુમારનું 'ગૌરી', લાઇટ હાઉસમાં જોય મુકર્જી-મીરા જોગલેકરનું 'એક કલી મુસ્કાઇ', નૉવૅલ્ટીમાં દેવ આનંદ-વૈજ્યંતિમાલાનું 'દુનિયા', રૂપાલીમાં કિશોર કુમાર-તનૂજાનું 'દો દૂની ચાર', રીલિફમાં માલા સિન્હા-વિશ્વજીતનું 'દો કલીયાં', એલ.એન.માં વહિદા રહેમાન-ધર્મેન્દ્રનું 'બાઝી', પ્રકાશ ટોકીઝમાં શશી કપૂર-નંદાનું 'જુઆરી', કૃષ્ણમાં સુનિલ દત્તે પોતાના ભાઈ સોમ દત્તને હીરો બનાવવા ઉતારેલું 'મન કા મીત', જે વિનોદ ખન્ના અને લીના ચંદાવરકરની પહેલી ફિલ્મ હતી. આ સમયગાળો એવો હતો કે, દેવ આનંદની જેમ આશા પારેખ જ નહિ, ખુદ શંકર-જયકિશને ય પતી ગયેલા અને માટે જ એ લોકોની ફિલ્મ 'કહીં ઓર ચલ' અમદાવાદમાં ક્યારે આવી અને કયા સિનેમામાં આવી, એનીય કોઈને ખબર રહી નથી.

કૉમેડી સાચું પૂછો તો હિંદી ફિલ્મોમાં હતી જ નહિ. કિશોર કુમાર પાસે રીતસરનાં વાંદરાવેડાં કરાવીને દિગ્દર્શકો એમ માનતા કે, પોતે અદ્ભુત કોમેડી ફિલ્મ બનાવી છે. 'હાય મેરા દિલ'માં તો ઈન્દ્રસેન (આઈ.એસ.) જોહર અને મજનૂની પુરાણી જોડીને બફૂનરી કરવા ઉપાડી લાવ્યા છે. આજે કપિલ શર્મા જેવા અદ્ભુત શોમાં પણ લેવાદેવા વગરના પુરૂષોને સ્ત્રી-પાત્રો આપી જુગુપ્સા ઊભી કરાવે છે.

એને બદલે સાચી સ્ત્રીઓ જ લઈ આવો ને? ત્યારે આઈ.એસ. જોહરને ય દરેક ફિલ્મમાં સ્ત્રી-પાત્ર ભજવવાનું વળગણ હતું. હૉલીવૂડના કોમેડિયન બૉબ હોપની 'એ રોડ ટુ...' સીરિઝની કૉપી કરીને જોહર પણ પોતાની સાથે મજનૂ, મેહમુદ, રાજીન્દરનાથ કે કિશોર કુમારને લઈને જ ફિલ્મો બનાવતો. બસ, એમાં ખૂટતું તત્ત્વ એક જ હતું, કૉમેડી.

પ્રસ્તુત ફિલ્મ 'હાય મેરા દિલ' જેવું છીછરૂં નામ વાંચીને જ જોવાનું મન ન થાય. નહિ તો ભારતની એક માત્ર સ્ત્રી-સંગીતકાર જેણે આટલા દસકાઓ સુધી ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ વચમાં ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતા બહેને પણ જમાનાની ડીમાન્ડ પ્રમાણે વેઠ જ ઉતારી છે. મારા મતે, ઉષાનું સર્વોત્તમ સંગીત સાયરા બાનુ-જૉય મુકર્જીની ફિલ્મ 'આઓ પ્યાર કરે'માં હતું.

'
મેરી દાસ્તાં મુઝે હી, મેરા દિલ સુના કે રોયે...' 'તમન્નાઓં કો ખીલને દો', 'તુમ અકેલે તો કભી બાગ મેં જાયા ન કરો...' જેવા કર્ણપ્રિય ગીતો એણે બનાવ્યા હતા. અમદાવાદમાં મારી સાથેની મુલાકાતમાં ઉષા ખન્નાએ ગર્વભેર જણાવ્યું હતું કે, હિંદી ફિલ્મોમાં શંકર-જયકિશનથી ઉત્તમ બીજા કોઈ સંગીતકાર નથી. ખુદ એના સંગીતમાં ય એસ.જે.ની ભરપુર છાયા હતી. એ બન્ને જેટલી જ વૉયલીનનો ઉપયોગ ઉષાએ પોતાની ફિલ્મોમાં કર્યો હતો, પણ એવી ધૂનો ક્યાંથી લાવવી? યસ. મૂકેશને અનેક ગીતોમાં ઉષાએ ઉજળો કરી બતાવ્યો છે.

મોટે ભાગે તો આ ફિલ્મ 'હાય મેરા દિલ' ઉષાએ જ નિર્માણ કરી હતી. પ્રોડયુસર તરીકે એના પિતા મનોહર ખન્ના છે. એ જમાનામાં કોઈની પાસે ૫૦-૬૦ લાખ રૂપિયા આવ્યા હોય, એટલે સીધો ફિલ્મ બનાવવા મંડી પડે અને મોટા ભાગે તો કાંઈ ગૂમાવે ય નહિ. આપણા પ્રેક્ષકો કમ-સે-કમ પેલાનો ખર્ચો કાઢી આપતા.

ખર્ચો કાઢવાની બદદાનત ફિલ્મના વિલન રાજ મેહરાને ઉપડે છે. એના સહાયક મદન પુરીનો સાથ લઈને... હિંદી ફિલ્મોમાં બીજું તો શું લૂટવાનું હોય... કરોડોં કી જાયદાદ...! એ જાયદાદ લૂંટવા માટે મદન પુરી હીરોઇન કુમકુમને પરણવા માંગે છે, પણ કુમ્મી તો ઘનચક્કર કિશોરને દિલ દઈ બેઠી છે (એટલે તો ફિલ્મનું નામ, 'હાય મેરા દિલ' રાખ્યું છે!) સવાલ એ થાય કે, કિશોર જેવા પરફેક્ટ કૉમેડીયન પાસેથી કામ લેવાનું કોઈનું ગજું નહોતું? બધાએ એની પાસે વાંદરાવેડાં જ કરાવ્યા? નહિ તો બિમલ રૉયે ફિલ્મ 'દો દૂની ચાર'માં કે મહેમૂદે 'પડોસન'માં કેવું ઢાંસુ કામ લીધું છે?

કામ આપવામાં કુમકુમ પણ કમ નહોતી. એનો સેક્સી દેખાવ અને એને ફિટ થતું શરીર જોવા ખાસ સિનેમા જનારો વર્ગ હતો. એ બેમિસાલ ડાન્સર હતી અને કોઈ પણ પ્રકારના નૃત્યમાં તેના લચકદાર શરીરને કારણે માત્ર ફ્રન્ટ-બેન્ચર્સ જ નહિ, બાલ્કનીના પ્રેક્ષકો ય મૂંગા મૂંગા વાઇફની હાજરી સહન કરીને આંખોના છાના ખૂણે કુમકુમને જોયે રાખતા. લતાએ ગાવા છતાં તદ્દન નિમ્ન કક્ષાનું બનેલું ગીત 'મચલ ગયા હાય મેરા દિલ...' ઉપર કુમકુમે જે ડાન્સ કર્યો છે, તે માની ન શકાય એવો કઠિન અને ખૂબસુરત છે. આવા અઘરા નૃત્યમાં પણ તેણે એકે ય સ્ટેપ રીપિટ નથી કર્યો. કુમ્મીની આ જ માસ્ટરી હતી કે, વાહિયાત લાગતા ફૂટપાથીયા ગીતોને એના ડાન્સમાં 'ક્લાસિક' ટચ આપતી.

બદનસીબી ખરી કે, હેલન અને વૈજ્યંતિમાલાની ઉપસ્થિતિમાં કુમ્મીને એટલી કદરદાની ન મળી જેની એ હક્કદાર હતી. એ સમયના બે મશહૂર ડાન્સ-ડાયરેક્ટરો પી.એલ. રાજ અને બદ્રીપ્રસાદે કુમકુમ પાસે આજ સુધીની હિંદી ફિલ્મોમાં આવેલા કોઈ પણ ડાન્સની બરોબરી કરી શકે, એવા નૃત્યો કરાવ્યા છે.

ફિલ્મ તો ધારણા મુજબ ફાલતુ છે જ, પણ ઘરમાં દીકરીને ડાન્સનો શોખ હોય તો આ ફિલ્મના કુમકુમના ડાન્સ બતાવવા જેવા છે, જે કોઈ હેલન કે વૈજ્યંતિથી ઉતરતા નથી. મૂળ બનારસના મુસ્લિમ પરિવારની દીકરી ઝેબુન્નિસા હિંદી ફિલ્મોમાં આવતા વ્હેંત છવાઈ ગઈ. એ એની (કે પેલા બાલ્કનીવાળા પ્રેક્ષકોની) કમનસીબી કે જેટલી અને જ્યાં ચાલવી જોઈતી હતી, ત્યાં ન ચાલી. પણ કિશોર કુમારનો શૂટ બધી ફિલ્મોમાં ચાલ્યો.

આ કદીય ન સમજાય એવી પઝલ છે. કિશોર કઇ કમાણી ઉપર લગભગ બધી ફિલ્મોમાં કાળો શૂટ પહેરીને ફરતો હતો?... અને એ ય ઘરમાં પણ! કાં તો પછી ફૂલોવાળી મોટી ડીઝાઈનના બુશકોટ પહેરે. હીરોઇનને બાગમાં મળવા પણ એ શૂટ પહેરીને જાય. આ ફિલ્મના એના એક સોલો ગીત, 'બસ કયામત હો ગઇ...'માં કુમકુમ સાથે બગીચામાં એ હાથમાં તલવાર અને રાજશાહી પોષાક પહેરીને શેને માટે આવે છે, એ સમજવું કઠિન છે. એને લોકો પાગલ માનતા અથવા એ એવું મનાવવા દેતો. 'બાપ રે બાપ'ની એની હીરોઇન ચાંદ ઉસ્માની કિશોરની ગેરહાજરીમાં એલફેલ બોલતી હશે. 

કિશોરને ખબર પડી, પછી શું કર્યું, જાણો છો? એણે જાહેરમાં કહી દીધું કે, ચાંદ ઉસ્માનીના માથામાં તો ઢગલા ભરીને જૂઓ પડી છે...' 'પિયા પિયા પિયા મેરા જીયા પુકારે...' ગીતના ચિત્રાંકન વખતે ઘોડાગાડીમાં કિશોર પોતાની ટોપી ઉસ્માનીને પહેરાવી પાછી પણ લઈ લે છે. કહે છે કે, એ ટોપી પાછી લીધી, ત્યારે ખબર પડી કે, ટૉપીમાં હજારો જૂઓ પડી હતી.' બસ, ચાંદ ઉસ્માનીની કરિયર ત્યાં જ ખતમ.

કોઈ હીરો એની સાથે કામ કરવા એ પછી તૈયાર ન થયો. કિશોરની મૂછો ય હેરત પમાડે એવી હતી. દિલ્હીની પાર્લામેન્ટ-કટ એની મૂછો કાયમ ચીતરેલી રહેતી. દરેક ફિલ્મમાં મૂછો તો એ જ કટની હોય છતાં અસલી રાખવાને બદલે ચીતરેલી મૂછો કેમ રાખતો હશે? એટલે સુધી કે, એના સ્ટેજ શૉમાં પણ મૂછો તો ચીતરેલી જ હોય! એ જમાનાની ફિલ્મોમાં હીરો માટે કોરિયોગ્રાફરો નહોતા, એટલે હીરોને આવડે એવા હાથ-પગ હલાવીને ડાન્સ કરતા.

અશોક કુમાર ચાલતી વખતે બન્ને હાથની આંટી મારતા ચાલે, એમ કિશોર એ જ અદાથી ગાતા ગાતા દોડે. કિશોરને તમે કોઈ પણ એક ગીતમાં બાગમાં ગાતો જોયો હોય તો સમજી લો કે, બધી ફિલ્મોમાં જોયો છે. જાતે જ હાથ-પગ હલાવવાના હોવાથી બધા હીરો બેવકૂફ લાગતા, સિવાય કે શમ્મી કપૂર, જે ડાન્સ-ડાયરેક્ટર વગર જ પોતાની મરજી મુજબના, છતાં પરફેક્ટ સ્ટેપ્સ લેતો.

પ્રેમ ચોપરા હજી નવોનવો ફિલ્મોમાં આવ્યો હતો. મુંબઇના 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં એ નોકરી ય કરતો અને ત્યાંથી ગાવલી મારીને શૂટિંગ પણ કરી આવતો. એ અહીં કિશોરનો જીગરી દોસ્ત બને છે. વિલન રાજ મેહરા 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પુલીસ-સુપ્રીન્ટેન્ડેન્ટ બને છે.

અવાજ મધુરો અને ચોખ્ખો હતો. ટાલ પૂરેપૂરી છતાં દેખાવડો પણ ખરો. એને ભાગ્યે જ મુખ્ય વિલનના રોલ મળતા. મદન પુરીનો તો એ જમાનો હતો કે, જે નિર્માતાઓને પ્રાણ પોસાતો નહતો, એે બધા મદન પુરીને બૂક કરે અને એમાં અગણિત ફિલ્મો આવી ગઇ. એક્ટર બેશક ખૂબ સારો.

કદરૂપો હોવાને કારણે ખલનાયક તરીકે ઘણો જામ્યો. લક્ષ્મી છાયા દેખાવડી તો ઘણી હતી, પણ હીરોઇનની સાઇડ-કીકના રોલમાં એ કાયમ માટે સાઇડમાં જ રહી. એ વધારે જાણિતી થઈ, 'મેરા ગાંવ, મેરા દેશ'ના 'માર દિયા જાય, કે છોડ દિયા જાય' ગીતથી. પણ એ પછી આ ગુજરાતી નાગરની છોકરીનું રહસ્યમય મૃત્યુ થયું અને લોકો ધારણા કરતા વહેલા ભૂલી ગયા.

મારી ધારણા ખોટી હોઈ શકે છે, પણ આ ફિલ્મના દિગ્દર્શકો વેદ અને મદન સંગીતકારો પણ હતા (આ ફિલ્મના નહિ!). જો કે, જે ઢબની આ ફિલ્મ બનાવી છે, એ જોતા એમની પાસેથી કોઈ ઊજળી ફિલ્મની અપેક્ષા રખાય એવું ય નથી.

મુહમ્મદ રફીને વેડફવા માટે જ આ ફિલ્મના એક ગીત માટે લાવવામાં આવ્યા હશે. બાકી મન્ના ડે ના બે ગીતો છતાં ઉષાના પ્રિય ગાયક મૂકેશની ગૈરહાજરી કઠે છે.

No comments: