Search This Blog

18/01/2017

એ તો ચામાં બિસ્કીટ બોળીને ખાય છે...!

એમ ખાનારને કોઇ વાંધો હોતો નથી, પણ એવું જોનારના મોંઢા બગડે છે કે, 'હજી નાના છોકરાંની માફક ચામાં બિસ્કીટ બોળીને ખાય છે...! એની માએ ખાતા-પીતા ય શીખવાડયું નથી...!' (સૉરી, હરએક બાળકને 'ખાતા' એની મા શીખવે છે, પણ 'પીતા' શીખવા માટે દરેક બાળકે મોટા થઇને સ્વાવલંબી બનવાનું હોય છે. અહીં માતાનું કામ મિત્રો કરે છે. વ્હિસ્કી-વોડકાનો પહેલો ઘૂંટડો પીવાનું દોસ્તોએ શીખવ્યું હોય છે... 'આખિર, દોસ્ત હી દોસ્ત કે કામ આતા હૈ, ના....?') દેશની ચાની લારીએ-લારીએ કે ફલૅટોની બાલ્કની-બાલ્કનીએ ચામાં બિસ્કીટો બોળીને ખવાય છે, જે જોનારાઓની દ્રષ્ટિએ અસભ્યતા કહેવાય છે.

બોળવા માટે આમ જુઓ તો ચા સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં બિસ્કીટો બોળીને ખવાય એવું પણ નથી. વ્હિસ્કી, કોકા કોલા, છાશ, શેરડીનો રસ કે રાત્રે સૂતા પહેલા દિવેલ લેવું જ પડે એમ હોય, તો ય કોઇ દુ:ખી દિવેલમાં બિસ્કીટ બોળીને ખાતો જાણ્યો નથી. એ જ રીતે, ચામાં બિસ્કીટને બદલે બીજું કાંઇ બોળીને ખવાય કે કેમ, એ મુદ્દે ચાના વેપારીઓ ટેન્શનમાં છે. સીધી સાદી ચા ટેબલ પર પડી હોય, એમાં બિસ્કીટને બદલે બીજું શું બોળીને ખવાય તો વેપારીઓનો ધંધો અને ગ્રાહકનો ટેસ્ટ વધે, એ કામ સંશોધકો કરી રહ્યા છે. ચા ગમે તેવી સ્વાદિષ્ટ બની હોય, પણ એમાં મકાઇનો ડોડો બોળી બોળીને પીવાતી નથી. સિદ્ધપુર-ઊંઝા બાજુના કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, ચામાં ઇસબગુલ હલાવીને પી જવાથી સવારે પેટ ચોખ્ખું આવે છે, પણ આવા તારણો બરોબર નથી.

લોકો પેટો ચોખ્ખા લાવવા માટે ચાઓ નથી પીતા. એ માટે અન્ય સાધનો ઉપલબ્ધ છે... જેમ કે, પત્નીએ બનાવી આપેલો બ્રૅકફાસ્ટ ! કાફી છે, પેટના ધાંધણીયા ધૂણાવી નાંખવા માટે....! આ તો એક વાત થાય છે ! વળી ચામાં ઇસબગુલ નાંખવાથી ચાના મૂળભૂત સ્વાદનો પેલું હિંદીવાળા શું બોલે છે, હા.... 'જાયકો' રહેતો નથી... એટલે કે, સ્વાદ રહેતો નથી. એ રીતે ચા બહુ જીદ્દી સ્ત્રી છે કે, એમાં ઈસબગુલ નાંખવાથી ઈસબગુલના સ્વાદની હમણાં કહું એ થઇ જાય છે, પણ ચાના પોતાના ટેસ્ટને કોઇ અસર થતી નથી. એ એવી જ રહે છે. સ્ત્રીના સંપર્કમાં આવેલા હરએક પુરૂષની શું આ જ દાસ્તાન નથી ? (''આ જ છે... આ જ છે... ''ના ગગનભેદી પોકારો !) એ એવી ને એવી જ રહે ને આપણે છોલાઇ જઇએ ?

એ તો ઠીક, ચામાં અન્ય પણ કોઇ ખાદ્યપદાર્થ બોળાતો નથી... એમાં તો બા ખીજાય છે. જેમ કે, ચામાં પપૈયું કે જામફળ બોળીને ખવાતું નથી. થેપલાં, ભાખરી કે પુરી ચામાં બોળીને ચોક્કસ ખવાય, પણ સારેવડાં કે પાપડ બોળાતા નથી. અરે, પૂછી જુઓ પાણી-પુરી (પુરી-પકોડી)ની શોખિન ગુજરાતણોને....એમણે કદી પૂરીમાં ગરમાગરમ ચા નંખાવીને ચા-પુરીઓ ખાધી છે ? આમાં તો જે ખવાતું હોય એ જ ખવાય. ''ભૈયાજી, મેરી પકોડી મેં આદુ ઔર ગરમ મસાલા થોડા વધારે નાંખના...!'' પાણી-પુરીને બદલે ચા-પુરી ખવાતી હોત તો ગુજરાતણો આવું ય મંડી હોત ! સુઉં કિયો છો ?

હા. હજી પટેલો ચાની સાથે ઢેબરાં ને જૈનો ખાખરા ખાઈને આયખું પૂરૂં કરે છે (...ખાખરાનું!). રોજની પ્રૅક્ટિસનો સવાલ છે કે, કાંઇ પણ બોળ્યા વગર તો પટેલ-વાઇફો લોહીઓ ય નથી પીતી ને આ બાજુ, જૈનો ચામાં ખાખરા બોળે નહિ, ત્યાં સુધી બીજું કાંઇ બોળતા નથી. એ લોકોમાં બોળાબોળીનો બહુ શોખ ! પણ જે કાંઇ બોળવું હોય તે બધું 'જય જીનેન્દ્ર' બોલીને બોળવાનું ! બા'મણ ભ'ઇઓ (એટલે કે, બ્રાહ્મણો) ચામાં ઉઘાડેછોગ ખારી બિસ્કીટ બોળીને ખાતા જોવામાં આવ્યા છે, પણ એ લોકો ખારી બિસ્કીટને પિત્ઝા સમજતા હોવાથી આવું ખવાય છે. ખરેખર ખારી બિસ્કીટ મંગાવે ત્યારે એની ઉપર સોયા સોસ, ચીલી સોસ કે વિનેગર (ત્રણે સરખે ભાગે) ચોપડીને ખાય છે. વર્ષે અબજો રૂપિયાના અન્નકૂટો શામળીયાને ધરાવતા વૈષ્ણવો 'જે શી ક્રસ્ણ' બોલીને ભગવાનને ડાયાબીટીસ થવાનો ડર રાખ્યા વિના લાખો ટન મીઠાઇઓ ધરાવે છે, પણ ભારતના એકે ય મંદિરમાં મહાપ્રભુજીને ચાની સાથે ચાનકી (ઢેબરાં જેવું કંઇક) ધરાવેલી જોઇ ?

ચા અને વ્હિસ્કીમાં આટલું સામ્ય. બન્નેની સાથે શું લેવાય, એ સદીઓથી નક્કી જ છે. એમાં આજ સુધી ફેરફારો થયા નથી. ચાની સાથે બિસ્કીટ એમ વ્હિસ્કી, વોડકા કે બિયર સાથે બાઇટિંગ (મન્ચિંગ)માં બહુ બહુ તો પાપડ, ખારી સિંગ, ચણા, સૅલડ અને ચણાની દાળ લેવાતા હોય છે, પણ ગુજરાતીઓ દારૂ પીવા બેઠા હોવા છતાં વ્હિસ્કી સાથે ખમણ-ઢોકળાં નથી લેતા. આ તો એક વાત થાય છે. ગુજરાતના વાચકોને સંદેશો એટલો જ આપવાનો કે, ચાય કો ચાય હી રહેને દો, કોઇ જામ ન દો....!

અલબત્ત, મને કહેતા દુ:ખ થાય છે કે, ચામાં બિસ્કીટ બોળીને ખાતા ગુજરાતીઓને ઘૃણાની નજરથી શા માટે જોવામાં આવે છે, એમને 'મૅનરલૅસ' કેમ ગણવામાં આવે છે, કન્યાના આણાંમાં ચાની સાથે ખારી બિસ્કીટના કરંડીયા મન મૂકીને મૂકવામાં આવે છે, છતાં કડક સાસુ નવી વહુને સંભળાવ્યા વિના કેમ રહેતી નથી કે, 'તારા ઘરનાઓમાં એટલી ય અક્કલ નથી કે, ચામાં ખારી બોળીને હવે તો ગામડીયા ય નથી ખાતા..... કમસેકમ, તારી મમ્મીને તો ખબર હોવી જોઇએ ને કે, આવી બોળાબોળી બૅડ-મૅનર્સ કહેવાય ! ખારીના જ થેલાં મોકલવા'તા, તો ચા ને બદલે ચીઝ, બટર કે મૅયોનીઝના પૅકેટો મોકલવા જોઇએ ને ?... હંહ!'

યસ. જોનારાઓ આવી બોળાબોળીને બૅડ-મૅનર્સ ગણે છે. તમારા ઘરમાં તમે ગમે તે કરતા હો, પણ બહાર હૉટલ-રેસ્ટરાંઓમાં હખણા રહેવું જોઇએ ને ચામાં ખારી બિસ્કીટ જ નહિ, કાંઇ પણ બોળીને ખાવું ન જોઇએ. આનો સૌથી મોટો પ્રોબ્લેમ વિમાનમાં થાય છે. ઍર-હૉસ્ટેસ ચા-નાસ્તો લઈને આવે, ત્યારે બાજુવાળો ચામાં ખારી તો ત્યાં હોય નહિ, એટલે બ્રેડ-બટર ડૂબાડીને ખાય છે, એનાં જીંદગીથી કંટાળીને છુટાં પડેલાં ટીપાં આપણા શર્ટની ઉપર પડે છે અને ફરજના ભાનો ભૂલેલી ઍર-હૉસ્ટેસો ભીનો નૅપકીન લઈ આવીને આપણા શર્ટો ય સાફ કરતી નથી, જેથી બાજુવાળાને થોડી વારમાં બીજી વાર ચા મંગાવવાનું કહી શકાય ! મને તો કોઇ પણ ઍરલાઇન્સની કોઇ પણ ઍરહૉસ્ટેસ મારા શર્ટ પરનો ચા-કૉફીનો ડાઘો સાફ કરવા સ્માઈલ સાથે મારી તરફ અડધી વાંકી વળીને ડાઘો સાફ કરી આપે, એની કદર કરતો હોઉં છું. મેં તો આવા કારણોસર વિમાનમાં પહેરવા (અને કાઢવા) માટે ખાસ ૮-૧૦ શર્ટો જુદાં જ રાખ્યા છે. મોદીના સ્વચ્છતા-અભિયાનને મારો પૂરો ટેકો ગણવો. માનવીના ચરીત્ર અને શર્ટ ઉપર કદી ડાઘો હોવો ન જોઇએ. સારૂં શર્ટ અને સારા ચરીત્રવાળો ગોરધન કિસ્મતવાળી પત્નીઓને મળે છે.

મારા જામનગરમાં તો આ બોળાબોળીથી ય વાત ઘણી આગળ નીકળી ગઇ છે. ત્યાં ચાને કપમાંથી રકાબીમાં કાઢી ફૂંકો મારી મારીને પીવાય છે. પણ કદી કોઇ જામનગરી રકાબીની ચામાં બિસ્કીટ બોળતો નથી. એ એના સ્વભાવમાં જ નહિ. કપ-રકાબીના એ વ્યવસ્થિત બે ભાગ પાડે છે. કપ ખારી બિસ્કીટ બોળવા માટે અને રકાબીમાં કાઢેલી ચા ફૂંકો મારીને પીવા માટે. ચા અને ખારી, બેમાંથી જે વહેલું ખલાસ થઇ જાય એ મંગાવી લેવાનું.

ઘણા ઓછું ભણેલાઓ સવાલ પૂછે છે કે, બિસ્કીટને ચામાં બોળીને ખાવાથી બૅડ-મૅનર્સ ભલે ગણાતી હોય છતાં, અમેરિકાના નવા પ્રૅસિડૅન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ, અભિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર, કૅટરીના કૈફ તેમજ કાજોલ પણ આવા બિસ્કીટો બોળે છે, તો એમને તો કોઇ કશું કહેતું નથી.... આપણે કરીએ તો ગૂન્હો....? તારી ભલી થાય ચમના.... આ બધા પોતાની ચામાં પોતાની ખારી બિસ્કીટ બોળે છે... આપણી માફક બિસ્કીટ આપણું અને ચા બાજુવાળાની નહિ !

સિક્સર
-
માઉન્ટ આબુમાં ગયા સપ્તાહે માઇનસ બે ડીગ્રી ઠંડી હતી, ત્યારે આ લખનાર ત્યાં હતો....
-
શું વાત કરો છો ? તમને કાંઇ થયું નહિ ?
-
મને નહિ....મૂળ તો આ લેખ ઓગણીસ પાનાનો હતો...ઠંડીમાં ઠૂંઠવાઇને દોઢ પાનાનો થઈ ગયો !
-
તો તો આવી કાતિલ ઠંડી દર બુધવારે પડવી જોઇએ ! હવે તમે, 'સુઉં કિયો છો' ?

No comments: