Search This Blog

06/01/2017

''નૌજવાન'' ('૫૧)

ફિલ્મ  :  ''નૌજવાન'' ('૫૧)
નિર્માતા  :  એ.આર. કારદાર
દિગ્દર્શક  :  મહેશ કૌલ
સંગીત  :  સચિનદેવ બર્મન
ગીતકાર  :  સાહિર લૂધિયાનવી
રનિંગ ટાઈમ  :  ૧૨, ૪૩૭-ફૂટ  :  (સર્ટિફિકેટમાં રીલ્સ લખ્યા નથી.)
કલાકારો  :  નલિની જયવંત, પ્રેમનાથ, કક્કુ, યશોધરા કાત્જુ, નવાબ કાશ્મિરી, કઠાના, મહેન્દ્ર, કમલ મેહરા, એસ.એન. બેનર્જી, ઝેબ કુરેશી, નંદિની, અનંત પ્રભુ, હારૂન અને અર્જુન.





ગીતો
૧. પનઘટ પે દેખો,  ... ગીતા રૉય-મુહમ્મદ રફી
૨. પી પી પિયા... હમ ઔર તુમ, .. શમશાદ-કિશોર કુમાર
૩. હો ઝુનક ઝુનક ઝન, ઝુમ લે જવાની કા... ગીતા રૉય-મુહમ્મદ રફી
૪. કહાં લે કે જઇયો રામ જુલ્મી નૈના ... લતા-કિશોર કુમાર
૫. દિલ કા દર્દ ના જાને દુનિયા, જાને બસ તડપાના... લતા મંગેશકર
૬. બોલોં કે બદલે દુશ્મન હુઆ જમાના...... ?
૭. કૈસે બુલાયેં, ઠંડી હવાયેં, લહેરા કે આયે ... લતા મંગેશકર

અત્યારે એ વાતના ભરચક આશ્ચર્યો થાય કે, લતા મંગેશકર-ઈશ્વર કરે બીજા ૨૦-વર્ષ જીવે, પણ વાસ્તવિકતા રોવડાવી નાંખે એવી છે કે, એ નહિ હોય ત્યારે એને શ્રધ્ધાંજલિ આપનારા કેટલા બચ્યા હશે, જેણે જેણે એની સાથે '૪૦-'૫૦ના દાયકાઓથી કામ કર્યું હશે! સજ્જાદ હુસેન એનો માનિતો સંગીતકાર હતો અને જીવ્યો ત્યાં સુધી લતાના પેડર રોડ પર  'પ્રભુ કુંજ' નિવાસસ્થાને નિયમિત જતો અને લતા અને તેના પરિવાર સાથે ફેમિલી-મેમ્બરની જેમ ભળી જતો.

શ્યામ સુંદર, હુસ્નલાલ-ભગતરામ, સી. રામચંદ્ર, નૌશાદ, શંકર-જયકિશન, રોશન કે મદન મોહન જેવા દિગ્ગજ સંગીતકારો કે મુહમ્મદ રફીથી માંડીને કિશોર, મૂકેશ કે હેમંત... આજે તો એની પાસે બેસવાવાળું કોઈ નહિ ને? આપણે કૉલેજમાં હતા, ત્યારે ફૂટપાથ પર ચાની લારીએ યારદોસ્તોને મળતા, એ આજે પાછા મળે તો કેવી નૉસ્ટેલ્જીક યાદોમાં ખોવાઈ જઈએ? લતા પાસે તો કોઈ જ બચ્યું નહિ ને? એને ખેમચંદ પ્રકાશ કે અનિલ વિશ્વાસ માસ્ટર ગુલામ હૈદર યાદ આવતા હશે, પણ એમાંનું કોઈ આજે બચ્યું છે, જેની સાથે પ્રભુ કુંજની બાલ્કનીમાં કૉફી પીતા પીતા લતા ખોવાઈ જઈ શકે?

મારાથી તો બર્મન દા નો વિયોગ પણ સહન નથી થતો કે, દાદાએ કેવા મસ્તમધુરા ગીતો ગવડાવ્યા છે? બીજા તો ફરી ક્યારેક યાદ કરીશું, પણ દાદાની ફિલ્મ 'નૌજવાન'માં ઠંડી હવાયેં, લહેરા કે આયે...' કે 'જીયા જાય, દિલ કા દર્દ ના જાને દુનિયા, જાને બસ તડપાના...' યાદ આવે છે તો ય મને ફરિયાદ ઉપડે છે કે, 'દાદા, આટલા જલદી જતા રહેવાતું હશે? લતાને આ ગીતો ગુનગુનાવવા હોય તો કોની સાથે બેસીને ગાય?' 'દિલ કા દર્દ ના જાને દુનિયા, જાને બસ તડપાના...' ગીત મૂળ તો દાદાએ લોકભજન પરથી બનાવ્યું હતું અને પછી ફિલ્મ 'દેવદાસ'માં ગોઠવ્યું, 'આન મિલો આન મિલો શ્યામ સાંવરે...' બન્ને વારાફરતી ગુનગુનાઓ એટલે બન્ને ગીતો વચ્ચેનું  સામ્ય ખબર પડશે.

લતા સાથે કામ કર્યું હોય, એવા તો આખી ઈન્ડસ્ટ્રીમાં માંડ બે-ચાર બચ્યા હશે!

ફિલ્મ 'નૌજવાન' તો સમજ્યા કે, એમાં કાંઈ હતું નહિ (પ્રેમનાથ હીરો હોય પછી આપણે ય સાલું કમાવવાનું શું?) નહિ તો મહેશ કૌલ એ જમાનામાં ભલે બહુ સફળ નહિ તો ય માન આપવું પડે, એવું નામ દિગ્દર્શક તરીકે તો નામ ખમતીધર હતું. શમ્મી કપૂરને ફિલ્મોમાં લાવનાર મહેશભ'ઈ હતા. (હવે જો કે, 'મહેશ' નામ યાદ આવે છે ને બેન્કમાં મારું સેવિંગ્સ ખાતુ ચેક કરી આવું છું કે, એમાં કોઈ ૧૩-૧૪ હજાર કરોડ તો કોઈ મુકી ગયું નથી ને?)

મહેશ કૌલ તો ખૈર, આ ફિલ્મમાં કશું ઉકાળી નહોતા શક્યા પણ ફિલ્મના નિર્માતા અબ્દુર રશિદ કારદાર એક નિર્માતા તરીકે ફિલ્મી દુનિયામાં બહુ વગોવાયેલું નામ કમાયા હતા, કાસ્ટિંગ-કાઉચમાં!

એ.આર. કારદાર આ ફિલ્મના નિર્માતા હતા. શક્તિ કપૂરને સ્ટિંગ-ઓપરેશન દ્વારા 'કાસ્ટિંગ-કાઉચ' માટે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને દેશભરમાં 'સ્ટિંગ-ઓપરેશન' જેવા અજાણ્યા શબ્દો ઘરઘરમાં બોલાતા થઈ ગયા હતા. આ શબ્દોનો સીધે સીધો મતલબ, એ થાય કે, તમારી જાણ બહાર તમારી પાસે એવું કાંઈ બોલાવી નંખાય અથવા કરાવી નંખાય, જેનાથી તમે ૧૦૦-ટકા અજાણ હો અને ટીવી કે ટેપ-રેકોર્ડરમાં તમારું બોલેલું બધું રેકોર્ડ થઈ જાય ને તમે ખુલાસા કરવાના કોઈ કામના ન રહો! એટલે કે, પકડાઈ જ જાઓ.

શક્તિ કપૂરે ફિલ્મોમાં કામ કરવા આવવા માંગતી સુંદર છોકરીઓને 'ફિલ્મમાં કામ અપાવવાની લાલચ' આપીને એનો સેક્સુઅલ ગેરલાભ લીધો, (જેને 'કાસ્ટિંગ-કાઉચ' કહેવાય છે!) એ બધું મૂવી-કેમેરામાં ઝડપાઈ ગયું અને ભ'ઈ પાકે પાયે બદનામ થઈ ગયા, એનો દેશ આખાને આઘાત લાગ્યો કારણ કે, દેશ માનતો હતો કે, એકલો શક્તિ કપૂર જ આવા કુટિર-ઉદ્યોગમાં સંડોવાયેલો હશે...

(
એ ટીવી-ચેનલે શક્તિ કપૂર પાસે ઘૂંટણીયે પડીને માફીઓ મંગાવી હતી અને બધું કેમેરામાં કૈદ કરી લીધું હતું) દેશને એ ખબર નહિ કે, રાજકારણથી માંડીને કોર્પોરેટ-હાઉસો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા કાસ્ટિંગ-કાઉચ રોજના છે અને આજના ની... ૪૦-૫૦ વર્ષોથી ફિલ્મોમાં આવું જ ચાલે છે, એનો સૌથી મોટો દાખલો દિલીપ કુમારનો છે, જેણે 'મુગલ-એ-આઝમ'ના દિગ્દર્શક કે.આસીફ સાથે મળીને સુરૈયાને ફિલ્મ 'જાનવર'માં (જે ફિલ્મ કદી બની જ નહિ!) કામ કરાવવાને  બહાને દિલીપ કુમારે પણ શક્તિ કપૂરવેડાં કર્યા અને સુરૈયાની સમયસર બુધ્ધિ ચાલી જવાને કારણે દિલીપ-આસીફનો પૂરો ભાંડો ફૂટી ગયો અને સુરૈયાના મામાએ એ ફિલ્મના સેટ પર આવીને દિલીપને સારો એવો ઠમઠોર્યો હતો.

એ જ દિલીપ કુમારની ફિલ્મ 'દિલ દિયા દર્દ લિયા'ના નિર્માતા-દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદારને આ ફિલ્મ બનાવવા બદલ છાતીનો કાયમી દુ:ખાવો આપી દેનાર દિલીપ કુમારને તો એ નિષ્ફળ ફિલ્મના પૂરા પૈસા મળી ગયા હતા, પણ 'બધું અહીંનું અહીં જ ભોગવવાનું હોય છે', એ ન્યાયે કારદારને એના કર્મોનો બદલો પાછો એ જ દિલીપ કુમારે આપી દીધો, કારદારને વગર પાણીએ નવડાવીને! આ ફિલ્મ બૉક્સ-ઓફિસ ઉપર સખ્ત રીતે પિટાઈ ગઈ અને સઘળો અપયશ દિલીપ કુમારને માથે નાંખવામાં આવ્યો, જેમાં ફિલ્મની તમામ બાબતોમાં દિલીપની ટાંગ અડાવવાની આદતને અબ્દુર રશિદ કારદારે અખબારો સમક્ષ ખુલ્લી પાડી હતી. અલબત્ત, એથી દિલીપને કોઈ નુકસાન ન થયું પણ કારદાર કાયમ માટે ફિલ્મોમાંથી ફેંકાઈ ગયા.

કર્મો એટલા માટે કે, જ્યારે કારદારનો જમાનો હતો ત્યારે એણે ય ભરચક શક્તિ કપૂરવેડાં કર્યા હતા. પોતાની ફિલ્મોમાં કામ અપાવવા માટે નવી નવી સુંદર છોકરીઓના કપડાં કઢાવીને કારદાર ફોટા પડાવતો અને પછી શું થાય, એ વાચકોને ક્યાં નથી ખબર?

કારદાર એની ફિલ્મોમાં કામ કરવા માંગતી છોકરીઓને મન ફાવે એમ કપડાં કઢાવીને પરેડ કરાવતો, જેના ઘણામાંથી એક ફોટો આ સાથે પ્રસિધ્ધ કર્યો છે, જે અમેરિકાના વિશ્વપ્રસિધ્ધ મેગેઝીન 'લાઈફ'ના ફોટોગ્રાફર જેમ્સ બર્કીએ પાડયા હતા. ફિલ્મોમાં હીરોઇન બનવાની લાલચુ છોકરીઓ ગરજની મારી તમે માંગો એ કરી આપે, એ લાચારીનો સઘળો ફાયદો કારદાર લેતા હતા, એ જોયા પછી કારદારની ફિલ્મોની તમામ હીરોઇનો સામે સવાલ ઊભો થાય કે, ''આ પણ નહિ હોય ને...???''

અક્ષરો ખૂબ સુંદર હોવાને કારણે કારદારે પોતાની કરિયર કેલિગ્રાફિસ્ટ તરીકે કરી હતી. (એક જમાનામાં હું પણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સને આપવાના સર્ટિફિકેટો ઉપર સુંદર અક્ષરે (કેલિગ્રાફિક) વિદ્યાર્થીના નામ લખવા જતો હતો. એક સર્ટિફીકેટ ઉપર નામ લખવાના અધધધ... રૂ. ૦.૨૫ પૈસા મળતા હતા...!

તમારામાંથી '૭૩ પછી ગ્રેજ્યુએટ થયેલા અનેકોના સર્ટિફિકેટો ઉપર મારા લખેલા અક્ષરો કામ કરી ગયા હશે! ...ભોગ તમારા!) પણ લક્ષણોના ધોરણે મારી કુંડળી પાછી કારદાર કે બીજા કોઈ ધારદાર સાથે મળતી નહોતી!

આજની ફિલ્મ 'નૌજવાન'ની હીરોઇન નલિની જયવંત હતી અને આ બહેને પડાવેલા (અને 'ગૂગલ'માં જોવા મળતા) અનેક ફોટાઓ જોયા પછી સવાલ એમની નિષ્ઠા માટે ય ઊભો થઈ શકે!) નલિનીબેન નૂતન-તનૂજાની માસી થાય, પણ આ બન્ને બહેનોએ પોતાના કેરેક્ટરો સતી સીતા જેવા પવિત્ર રાખ્યા છે (ભલે એ બન્નેને એકબીજા સાથે જીંદગીભર બન્યું નહોતું!) પણ નલ્લી એક જમાનામાં દાદામોની અશોક કુમારની સત્તાવાર પ્રેમિકા હતી એ ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઈ (જે આજની ફિલ્મ 'નૌજવાન'ના ટેકનિકલ એડવાઇઝર પણ હતા) સાથે પરણ્યા પછી રોજની બે-ચારને હિસાબે પતિદેવ તરફથી ધોલધપાટ ખાધા પછી માંડ માંડ મેળવેલા છુટાછેડા પછી સાઇડ-એક્ટર પ્રભુ દયાલ સાથે પરણીને ત્યાંથી ય પાછી આવી અને મૃત્યુ બહુ ગુમનામી અને ગરીબીમાં આવ્યું.

આ એ જ નલિની જયવંત હતી, જે 'ફિલ્મફેર' આયોજીત ભારતની સૌથી વધુ સુંદર હીરોઇન કોણ?' સ્પર્ધામાં મધુબાલા, નરગીસ, વૈજ્યંતિમાલા, સુરૈયા અને અન્ય હીરોઇનોને બાજુમાં રાખીને પહેલો નંબર લઈ આવી હતી. ૮૦-વર્ષે ગુજરી જનાર આ અભિનેત્રીના અંતિમ દિવસો ભારે કરૂણામાં ગયા હતા. કહે છે કે, એના મૃતદેહને કોઇ સ્મશાને લઈ જનારે મળતું નહોતું.

પણ આ ફિલ્મ 'નૌજવાન'માં એની કઝિન બનનાર સાઇડ-એક્ટ્રેસ યશોદરા કાત્જુ હિંદી ફિલ્મોની સૌથી પહેલી સ્ત્રી-કૉમેડિયન હતી. બહુ બટકી હતી, પણ એક્ટિંગમાં સારા ગુલ ખુલાવતી. હેલનને પહેલીવાર ફિલ્મ 'શબિસ્તાન'માં કામ અપાવનાર ડાન્સર કક્કુ એક ગીત પૂરતી આવે છે. એ છોકરી કેમેરાની સામે ન હોય ને જાગતી હોય ત્યારે નોન-સ્ટોપ સિગારેટો ફૂંકે રાખતી. ઘર કે ઘરની બહાર માત્ર ઇંગ્લિશમાં કડકડાટ બોલતી કક્કુ એટલા બધા પૈસા કમાઈ કે, જૂતાંના એના શોખને કારણે એના બંગલાની બહારની ગોળ દિવાલો ફરતે પોતાના જૂતા-સેન્ડલના કબાટો ભરેલા રહેતા, પણ ગૂજરી ગઈ ઑલમોસ્ટ ભિખારણની અવસ્થામાં!

ફિલ્મની વાર્તામાં એમાં કામ કરનારાઓ ય પડયા નથી, એટલે આપણે ય ખોટા પેટ્રોલો બાળવા નથી. એટલું ખબર છે કે, એ જમાનામાં ફિલ્મ 'આગ', 'આન', 'બરસાત' કે 'ઔરત' જેવી ફિલ્મોમાં અત્યંત હેન્ડસમ લાગતો પ્રેમનાથ આ ફિલ્મમાં ઈંગ્લિશ ફ શેપના બૉડીમાં દેખાય છે એટલે જોવા ગમે એવો લાગે છે.

કરોડપતિ બાપ (નવાબ કાશ્મિરી)ની બેટી નલિની જયવંતને ૧૫-દિવસમાં એણે બાફી મારેલો બર્માથી આવેલો રાજકુમાર સક્સેના (પ્રેમનાથ) જોડે લગ્ન કરી લેવાનું હોય છે. આપણા તો ઠીક, આપણી સાથે બાજુમાં બેઠેલાના મગજમાં ય ન ઉતરે, એવી ઘટનાઓ પછી બન્ને પ્રેમીઓ ફિલ્મના અંતે ભેગા અને આપણો છુટકારો થાય છે.

ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ના ત્રણ હપ્તા પોતાને ખૂબ ગમ્યા હતા, એનો આનંદ વ્યક્ત કરવા એક બહેને મને સૂચન કર્યું, ''...એ ત્રણ હપ્તા ખૂબ ગમ્યા... પણ બાકીની (આજના જેવી) ફિલ્મો બંડલ હોય છે, તો એના વિશે શું કામ લખો છો?''

મારે નમ્રતા સાથે કહેવું પડયું, ''બસ... 'મુગલ-એ-આઝમ' જેવી બીજી માત્ર એક ફિલ્મનું નામ આપો.'' બહેને તરત સ્વીકારી પણ લીધું કે, આવી ફિલ્મો તો સદીમાં એકાદી જ થાય!

No comments: