Search This Blog

31/03/2017

ફિલ્મ : 'ઢોલક' ('૫૧)
નિર્માદા-દિગ્દર્શક : રૂપ કે. શોરી
સંગીત : શ્યામ સુંદર
લેખક : આઈ.એસ. જોહર
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
કલાકારો : મીના કે. શોરી, અજીત, મજનૂ, મનમોહનકૃષ્ણ, શકુંતલા, યશોધરા કાત્જુ, સતીષ બત્રા, શ્યામલાલ, રામલાલ, રજની, અમીરબાનુ, કઠાના, મહેન્દ્ર અને ટુનટુન.

ગીતો
૧.    મૌસમ આયા હૈ રંગીન, બજી હૈ કહીં સુરીલી બની...    સુલોચના કદમ-સતીષ બત્રા
૨.    ચોરી ચોરી આગ સી દિલ મે લગા કે ચલ દિયે...    સુલોચના કદમ
૩.    મગર અય હસિના-એ-બેખબર, જતા દેખ ચૂપકે સે...    સુલોચના કદમ-મુહમ્મદ રફી
૪.    હલ્લા ગુલ્લા લાઈ લા, ખુલ્લમખુલ્લા ગાઈ લા...    શમશાદ, રફી, બત્રા
૫.    ચાંદ કી સુંદર નગરી મેં પરીયોં કી રાની...    મુહમ્મદ રફી, ઉમાદેવી અને કોરસ
૬.    છલક રહા હૈ, નિગાહોં સે પ્યાર થોડા સા...    સુલોચના કદમ
૭.    કે એક પલ રૂક જાના સરકાર...    સુલોચના કદમ
૮.    મેરે દિલ મેં આઇયે, મેરી નજર મેં છાઇયે...    શમશાદ બેગમ
૯.    ઐસે રસિયા કા ક્યા ઐતબાર, જૂઠા પ્યાર...    લતા મંગેશકર
૧૦.    દર્દ મિન્નત કશે દવા ન હુઆ, મૈં ના અચ્છા હુઆ...    મુહમ્મદ રફી
ગીત નં. ૪ શ્યામલાલ શમ્સ, , , , , ૮ અઝીઝ કશ્મિરી અને છેલ્લી ગઝલ મીર્ઝા ગાલીબ.
નાકનું ટેચકું આજની ફિલ્મનું નામ વાંચીને ચઢી ગયું હોય ને, ''શું અશોક દવે આવી ફિલ્મો પર લખવા માડયા છે, જેનું નામ, ગીત, હીરો, હીરોઇન કે સંગીતકાર વિશે કાંઈ સાંભળ્યું પણ ન હોય!''

સબૂર. બાકી બધા જવા દો. લતા મંગેશકરને આ ફિલ્મના ગીતોના રીહર્સલ્સ દરમ્યાન, સાચા અર્થમાં 'મા-બેનની' નઠારી ગાળો આપીને બાકાયદા કાઢી મૂકનાર સંગીતકાર હતો, ધી વન એન્ડ ઑન્લી, 'શ્યામસુંદર'. લતા ય હિંદી ફિલ્મોમાં ગાવા આવે હજી બે-ચાર વર્ષો જ થયા હતા અને એ જમાનો પરફેક્ટ શ્યામસુંદર, ગુલામ હૈદર કે વિનોદનો હતો. લતાએ ગાળો ખાઇ લેવી પડે... પીધેલા શ્યામનો કોઈ ભરોસો નહિ!

હવે તમે થોડો રસ ઉમેરીને વાંચો કે, શ્યામસુંદર એવા કે કયા લેવલનો સંગીતકાર હશે કે, બે-ચાર દહાડામાં લતાબાઈ આ જ શ્યામસુંદર પાસે સમાધાન કરવા ગઈ... ડરતા ડરતા બોલી રીક્વેસ્ટ સાથે, ''માસ્ટરજી, જીતની બાર કહોગે, રીહર્સલ્સ દૂંગી... લેકીન ગાલીયાં પ્લીઝ, મત બોલીયે...''

ખ્યાલ આવ્યો ને કે, લતા જેવી ગ્રેટ ગાયિકાએ ધાર્યું હોય તો શ્યામસુંદર જેવા બીજા સેંકડો હતા... કદી પાછી ગઈ જ ન હોત! પણ અપમાન અને ગાળો ભૂલી જઈને લતા જેવી ગાયિકા શ્યામસુંદર પાસે પાછી ગઈ હોય તો સમજી શકો છો કે, ભારતનો એ કેટલો મૂલ્યવાન સંગીતકાર હશે? અફ કોર્સ, લતા એમને એમ તો ગઈ નહોતી. શ્યામ સુંદરે કોકની પાસે માફીઓ મોકલાવી અને ફરી કદી આવી ગાળાગાળી નહિ કરવાનું 'વચન' આપ્યું, ખાત્રી આપી ત્યારે લતા પાછી ગઈ... એક શરત સાથે, 'ગાળો નહિ બોલવાની અને દારૂ પીને રીહર્સલ નહિ કરવાના!'

બધું મંજૂર. બન્ને પાછા રીહર્સલ રૂમમાં ભેગા થયા. રીહર્સલનું કામ શરૂ થયું. શ્યામ અને લતા બન્ને એકબીજાના મમ્મી-પપ્પા થાય એવા ટેલેન્ટેડ અને શક્તિમાન હતા જ. માંડ દસેક મિનિટનું રીહર્સલ થયું હશે અને લતાબાઈથી કોક ભૂલ થઈ... અને તરત જ, ''તારી તો...''

પહેલા કરતાં ય વધુ ગંદી ગાળો અને બૂમાબૂમ... લતા ફરીથી ઘટનાસ્થળ છોડીને પાછી... અને ત્રીજા દિવસે ફરી માફીઓ, ફરી શરાબબંદી અને ફરી રીહર્સલ ચાલુ, ત્યારે માત્ર રીહર્સલ જ નહિ, ગીત આખું રેકૉર્ડિંગ સાથે પુરું થયું અને ગીત પણ કેવું આઠ હજાર વર્ષો સુધી મીઠડું લાગે એવું બન્યું, 'બહારેં ફિર ભી આયેંગી, મગર હમ તુમ જુદા હોંગે...'

એ વાત જુદી છે કે, શ્યામ સુંદર ત્રણ ચીજોને છોડી શકે એમ નહોતો, એમાંની પહેલી 'સંગીત'...! લતા સાથે ફરી વાંકુ પડતા આજની ફિલ્મ 'ઢોલક'માં શ્યામે લીડ-સિંગર તરીકે લતાને બદલે સુલોચના કદમને લીધી અને લિસ્ટ વાંચી જુઓ, સુલોચનાને કેવા કેવા મદહોશી લાવી દે એવા ગીતો ગાવા મળ્યા! ફિલ્મ 'કાલે બાદલ'માં ય એવો જ ફાયદો સુલોચનાને મળ્યો. નહિ તો એ જ વર્ષે (૧૯૪૯)માં આવેલી ફિલ્મ 'બાઝાર'નું 'સાજન કી ગલીયાં છોડ ચલે, દિલ રોયા આંસુ બહે ના સકે' આજે ૨૦૧૭-ની સાલમાં લતાપ્રેમીઓને કંઠસ્થ છે. 'અય દિલ ઉનકો યાદ ન કરના' અને બસા લો અપની નિગાહોં મેં પ્યાર થોડા' એ બન્ને લતા-સોલો ઉપરાંત મારી અંગત ભલામણ લતા-રફીનું ડયુએટ, 'અય મુહબ્બત, ઉનસે મિલને કા બહાના મિલ ગયા...' બાઅદબ સાંભળવા જેવું છે.
'બાઝાર'ના હીરો-હીરોઈન શ્યામ અને નિગાર સુલતાના હતા અને પુરૂષે-પુરૂષે પ્રેમી બદલતી નિગાર સુલતાનાને શ્યામે (સંગીતકાર શ્યામસુંદર નહિ...! એને સુંદરીમાં નહિ, શરાબ પૂરતો જ રસ હતો!) કેવી બદનામ કરી મૂકી હતી. સેક્સપ્રચૂર પ્રેમપત્રોને લાહૌરની શરાબની મેહફીલોમાં શ્યામ દોસ્તો વચ્ચે ઉઘાડેછોગ નિગારે લખેલા પત્રો મોટેમોટેથી વાંચી સંભળાવી વિકૃત આનંદ લેતો હતો, એ બધી વાતો આપણે આગળની કોઈ ફિલ્મમાં લખી ચૂક્યા છીએ.

પણ ફિલ્મનગરીમાં સંગીત જાણનારાઓ કોઈને શ્યામસુંદરને ગૂમાવવો પોસાય એવો નહોતો. નૂરજહાં સ્કાઉટની બાલિકાની જેમ પરફેક્ટ શિસ્તથી રીહર્સલ કરવા બેસી જતી - દલિલ વિના અને ગાળો ખાઈને, ત્યારે ક્યાંક ફિલ્મ 'ગાંવ કી ગોરી'ના તગડા ગીતો શ્યામે નૂરી પાસે ગવડાવીને એને આવનારા બસ્સો વર્ષો માટે અમર કરી દીધી.

એનું નામ તો હતું, શ્યામસુંદર ગબા. શરાબને બાદ કરતા ૧૫-વર્ષોમાં કેવળ ૨૪-હિંદી ફિલ્મોમાં સંગીત આપનાર શ્યામસુંદર એના ગુરૂ ડૉ. ગુલામ હૈદરના સંગીતથી છલકાઈ ગયો હતો. (આમ તો, હૈદર સા'બ દાંતના ડૉક્ટર હતા... એ ખબર પડી નથી કે, ગ્રાહકનો દાંત તોડતી વખતે ય ધૂનો બનાવવાનું ચાલુ હતું!?) '૪૪-માં આવેલી પંજાબી ફિલ્મમાં મુહમ્મદ રફી પાસે શ્યામ સુંદરે પહેલું ગીત ગવડાવ્યું, 'સોણિયે, ની હીરીયે, ની તેરી યાદને બહોત સતાયા...'

બાય ધ વે, આ રફીનું પહેલું એવું અપ્રાપ્ય ગીત છે, જેની ફક્ત એક રેકૉર્ડ મેળવવા રેડિયો સીલોન વર્ષોથી શ્રોતાઓને ઘરકામ સોંપતૂં રહ્યું છે, પણ આ ગીત મળ્યું નથી. આપણે પેલા વિવાદમાં પડવું નથી કે, મુહમ્મદ રફીનું હિંદી ફિલ્મનું પહેલું ગીત શ્યામસુંદરના કહેવા મુજબ જી.એમ. દુર્રાણી સાથે ગાયેલું 'અજી દિલ પે હુઆ ઐસા કાબુ...' છે કે મુહમ્મદ રફીના પોતાના કહેવા મુજબ તો આ જ એમનું પહેલું ગીત છે, તો પછી નૌશાદની ફિલ્મમાં ગાયેલું ફિલ્મ 'પહેલે આપ'ને એ વહેલું બહાર પડી જવાને કારણે નંબર એનો આવ્યો. ફિલ્મની વાર્તાનો આધાર કૉલેજનો છે અને હીરો અજીત અને હીરોઈન મીના શોરી કે સાઇડ હીરો મજનૂને પરદા ઉપર જોઈએ ત્યારે સીટ નીચે કોઈ ખોસેલ ટાંકણી વાગે કે, દાદાની ઉંમરે પહોંચી ગયેલાઓને ક્લાસમાં બેન્ચ ઉપર બેસાડી દો, એટલે કોલેજીયન થઈ જાય. ફિલ્મની વાર્તા આઇ.એસ. જોહરે લખી છે.

શ્યામસુંદર કેવો સંગીતકાર હતો, એ જોવા ઓપી નૈયરને એક પ્રતિભાવ જોવા જેવો છે. કોઈકે ઈન્ટર્વ્યુમાં ઉલ્લેખ કર્યો ને ઓપીએ આંખ મીંચી, પોતાના બન્ને કાન પકડી, જીભને દાંતો વચ્ચે દબાવીને ડોકું બે-ત્રણ વાર હલાવીને પ્રણામ કર્યા કે, આનાથી વધુ સારો સંગીતકાર તો બીજો કોઈ હોઈ શકે? આ ફિલ્મમાં ભાગ્યે જ કોઈના ધ્યાન ઉપર આવ્યું હોય એવું મુહમ્મદ રફી અને ઉમાદેવી (ટુનટુન) પ્લસ કોરસ સાથે ગવાયેલા ગીત ''ચાંદ કી સુંદર નગરી મેં...'ની મીઠાશ... કદાચ તમે સાંભળેલા કોઈ પણ ગીતથી કમ નથી. ગીતમાં વૉયલીન અને ઢોલકનો ઉપયોગ કાનને વધુ મધુર બનાવે એવો થયો છે.

મુહમ્મદ રફીના ચાહકો વધુ પાગલ થઈ જાય એવા ખરજથી તીવ્ર સુધી સ્વરને લઈ જવા ઉપરાંત એમણે મધુરી તાન મારી છે, મુર્કી લીધી છે અને આઘાત એ લાગે કે, રફીનું આવું મીઠું ગીત ખુદ એમના ચાહકો સુધી કેમ ન પહોંચ્યું? યસ. ઉમાદેવીના કંઠનો વૈભવ પણ ઓછો નથી. બીજા અંતરામાં અચાનક રફી ખરજમાં પહોંચી જઈને ઈવન, ગીતનો લય પણ બદલી નાંખે છે એની મીઠાશ ઓર વધે છે. જૂના જમાનાની વેમ્પ અમીરબાનુ અને અજીત ઉપર ફિલ્માયેલા આ ગીતને છેવટ યૂ-ટયુબ ઉપર સાંભળીને 'મને સાચો પાડજો'. શ્યામસુંદર ઉપર ફિદા થઈ જવાય, એવું એકએક ગીત આ ફિલ્મનું બન્યું છે.

એમાં ય, સુલોચના કદમનો આવો સેક્સી અને બેઈઝ વૉઈસ બીજી પચાસ ગાયિકાઓ પાસે સાંભળવા નહિ મળે. એના બે મોટા પ્રૂફ આ ફિલ્મના 'છલક રહા હૈ' અને ઑલટાઈમ ગ્રેટ સૉન્ગ, 'મૌસમ આયા હૈ રંગીન' સાંભળીને મળી જશે. મારી મેમરી યોગ્ય કામ કરતી હોય તો અત્યંત મધ્યમ વર્ગની આ ગૃહિણી-ગાયિકા મુંબઇના ભૂલેશ્વર કે ગીરગામમાં સાદું જીવન જીવતી હતી. દેખિતું છે, ગાયકીના પૉલિટિક્સમાં બહેનનો ભોગે ય લેવાઈ ગયો. પાછલી ઉંમરે એમને લ્યુકો ડર્મા (કોઢ) નીકળ્યો હતો.

શ્યામસુંદરનો સામાન્ય આવકવાળો પરિવાર દિલ્હીમાં રહે છે. એનો લકવાગ્રસ્ત પૌત્ર વિજય ગબા ત્યાં સ્ટેશનરીની એક નાનકડી દુકાન ચલાવે છે. બીજા પૌત્રને સંગીત સાથે કોઈ લેવાદેવા નથી.

પણ લેવાદેવા ખલનાયક અજીતને ચોક્કસ હતી હીરો બન્યા રહેવાની. મૂળ હમિદઅલી ખાન નામનો આ પઠાણ હીરો તરીકે શોભે એવો ઊંચો પહોળો અને હેન્ડસમ હતો, પણ એક્ટિંગના નામે મોટું મીંડુ. એટલે હીરો બન્યા રહેવાના ઘણા ફાંફા મારવા છતાં પ્રેક્ષકો અને નિર્માતાઓએ એને ફેંકી દીધો અને વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સૂરજ'માં ભ'ઈ પાછા તો આવ્યા, પણ વિલન તરીકે.

એના હાઇટ-બૉડી અને હાવભાવ વગરનો ચેહરો જ એવો હતો કે, વિલનની એક્ટિંગ કરવાની જરૂર પડે એમ નહોતું... ખૂબ સફળ અને એટલે સુધી સફળ કે વેમ્પ (મોના) સાથે મિમિક્રી આર્ટિસ્ટોએ 'મોના કે સાથ સોના'વાળી અનેક આઈટમો બનાવીને અજીતને અમર કરી દીધો. અહીં આ ફિલ્મમાં એ હીરો છે, એટલું જ આ ફિલ્મનું દુર્ભાગ્ય છે.

એ જમાનાની ફેશન મુજબ, ફિલ્મના બે રીલ્સ રંગીન બનાવવામાં આવતા. અહીં પણ બે રીલ્સને ક્રોમાર્ટમાં પ્રોસેસ કરાવી લંડન મોકલવામાં આવ્યા હતા.

ફિલ્મ 'ઢોલક' આઉટરાઇટ કૉમેડી છે અને બેશક, એ જમાનામાં બનતી એવી ફાલતુ કે સ્થૂળ (સ્લેપસ્ટિક) કૉમેડી નહોતી. સંવાદો અને એક્ટિંગ જોઈને આપણને ય ખડખડાટ હસવું આવે, એવા સ્તરની કૉમેડી હતી. ફિલ્મની વાર્તા ય આજે ફાલતુ લાગે એવી તો સાવ નથી જ. અલબત્ત, ફાલતુ ખરી પણ એ જમાનાની અન્ય ફિલ્મો જેવો તમને કંટાળો ન આપે એવી. રસ જળવાઈ રહે છે.

એ જમાનામાં હીરોઇનો લતા મંગેશકરની માફક પાછળ છેક બોચી સુધીની આખા માથાની વચ્ચે પાંથી પાડીને બે ચોટલા વાળતી, એ આંખને ન ગમે (કેટલીક તો પાછી અધધધ તેલો ય નાંખે!) મીના શોરીએ તો મને યાદ છે ત્યાં સુધી મોટા ભાગની ફિલ્મોમાં આ જ હેરસ્ટાઈલ(!) કરી છે. આવી બી- કે સી-ગ્રેડની ફિલ્મોના હીરોલોગ પણ આમ શૂટ પહેરે, પણ નીચે શૂઝ સફેદ પહેરે... ને એ મોડર્ન સ્ટાઈલ ગણાતી.

મીના શોરી આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રૂપ.કે. શોરીની બીજી વારની પત્ની હતી, પણ શોરી મીનાનો પાંચમી વારનો ગોરધન હતો. કરેક્ટરમાં મીના નિગાર સુલતાનાને ય પાછળ રાખી દે એવી બિન્ધાસ્ત હતી.

રૂપસુંદરી તો બન્ને હતી, પણ રૂપ શોરીને પ્રેમજાળમાં ફસાવી મીનાએ શોરીની તમામ સંપત્તિ હડપ કરી પાકિસ્તાન ભાગી ગઈ... પાપ-પૂણ્ય, બધાનો હિસાબ અહીં જ ચૂકવવાનો છે, એ ધોરણે પાકિસ્તાનમાં પોતાના અંતિમ દિવસોમાં મીના ભીખ માંગતી રસ્તા ઉપર મરી ગઈ, ત્યારે એનો જનાજો તો ઠીક, એને ઉપાડનારું કોઈ નહોતું. અસલી નામ ખુરશિદ જહાન શોરીની ફિલ્મ 'એક થી લડકી'થી દેશભરમાં મશહૂર થઈ ગઈ, ખાસ કરીને એના અપ્રતિમ લોકચાહના પામેલા ગીત 'લારા લપ્પા લાઈ રખ્ખ દા...'થી. સુંદર તો હતી જ અને એક્ટિંગમાં ય કૉમેડી ઉપર એનો હાથ પરફેક્ટ બેસી ગયો હોવા છતાં સોહરાબ મોદીએ પોતાની બે ફિલ્મો 'સિકંદર' (એની પહેલી ફિલ્મ) અને 'પૃથ્વીવલ્લભ'માં થોડું ધ્યાન ખેંચે એવા નાનકડા રોલ આપ્યા હતા. મોદીની અન્ય બે ફિલ્મ 'ફિર મિલેંગે' અને 'પથ્થરોં કા સૌદાગર'માં પણ એ હતી.

ફિલ્મ જોયા પછી એક જ અફસોસ થાય કે, ધી ગ્રેટ શ્યામસુંદરને શરાબે છીનવી લીધો... નહિ તો...!

નહિ તો શું...? આપણા અનેક સંગીતકારો-ગાયકોને દારૂએ છીનવી લીધા છે... દારૂ કેટલો વધુ નુકશાનકર્તા છે!