Search This Blog

30/04/2017

એન્કાઉન્ટર : 30-04-2017

* તમને અમદાવાદમાં કોઈ સ્થળનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળે તો શેનું કરો ?
-
જાહેર રસ્તા ઉપર શૌચાલયનું... ! અને મને ખબર છે, આખી  જિંદગીમાં આવું આમંત્રણ નહિ મળે !
(
દર્પણ પંડયા, રાજકોટ)

* ચિત્રકલા, હસ્તકલા, માટીકલા, લલિતકલા અને હવે શશીકલા... !
-
એટલે 'કરૂ- કલા'!
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* હું ફિલ્મ બનાવું તો મેઈન લીડ આપ કરશો ? શું ચાર્જ લેશો ?
-
આપણા બેનો મેળ નહિ પડે. તમને ફિલ્મ બનાવવાનો અને મને ફિલમ ઉતારવાનો શોખ છે !
(
નાઝનીન કોકાવાલા અઝીઝાબેન, સુરત)

* રાહુલ- અખિલેશના ગઠબંધનને કોઈ એક ફિલ્મી નામ આપવું હોય તો શું અપાય ?
-
ફિલ્મોને એટલી સસ્તી ના બનાવો ભાઈ, કે ગમે તે આલીયા- માલીયાનું નામ આપી દેવાય ! થર્ડ- કલાસ તો થર્ડ- કલાસ ફિલ્મો ય પ્રજાનું મનોરંજન તો કરે છે !
(
નીરત ઊનડકટ, રાજકોટ)

* તમે માનો છો કે, આપણા દેશમાં રાજાશાહી જ જોઈએ ?
-
રાજકારણના તખ્તા ઉપર જે કોઈ રાણીઓ દેખાય છે, તે બધી વિધવાઓ હોય છે... 'રાણીશાહી' તો શક્ય લાગતી નથી.
(
શિવરાજસિંહ પી. ઝાલા, રાજકોટ)

* વાંકાચૂકા દાંતનું દવાખાનું ! આમાં વાંકા તો સમજ્યા, પણ 'ચૂકા' એટલે કેવા ?
-
ગોરધનને ખભે બચકું ભરવા જતાં જેના દાંત વળી ગયા હોય એ !
(
ટી.વી. બારીયા, વડોદરા)

* શું બોસ... પછી પેલું ગોટીની શેરીવાળું કબાટ ખસેડયું કે નહિ ?
-
એના બધા નકૂચા ઢીલા પડી ગયા હતા...
(
વિજય ખાચરીયા, જેતપુર)

* મને 'બુધવારની બપોરે' વાંચીને ક્યારેક ખડખડાટ હસવું આવે છે, એમાં તમારા લખાણની ગુણવત્તા હશે કે મારી તીવ્ર બુદ્ધિ ?
-
અફ કૉર્સ, તમારી બુદ્ધિ જ... કે, શું વાંચવાથી એ વધે છે, એની તો ખબર પડે છે!
(
નિલેશ વૈષ્ણવ, ભરૂચ)

* ડિમ્પલ કાપડિયા... અશોક દવે, શું બન્નેના કી.મી. પૂરા થઈ ગયા છે ?
-
ખોટી આશાઓ રાખીને બેઠા છો !
(
ઠાકોરભાઈ મિસ્ત્રી, આણંદ)

* કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પાછા જઈ શકશે ખરા ?
-
જે ગયા છે, એ ભારતીય સૈનિકો પાછા આવી શકશે કે કેમ, એ પૂછો. પથરા ખાધે રાખવાના. સામો વાર નહિ કરવાનો !
(
ધવલ જે. સોની, ગોધરા)

* સત્યનો વિજય આજના જમાનામાં કેમ શક્ય નથી ?
-
પહેલાના જમાનામાં ય સત્યનો વિજય થતો જોયો તો નથી !
(
દીપક એમ. પંડયા, બિલિમોરા)

* ગુજરાતમાં જ્યાં માંગો ત્યાં દારૂ મળે છે. છતાં શરાબીઓ દારૂ પીવા ઠેઠ દીવ સુધી કેમ લાંબા થાય છે ?
-
પહેલા તો ક્યાં 'માંગવાનો' એ પ્લીઝ જણાવશો અને બીજું, સત્યની રાહ બહુ લાંબી હોય છે, ભાઈ !
(
ચિંતન લોહરાણા, ઊના- ગીર સોમનાથ)

* કાળા અને ધોળામાં શું ફરક પડે ?
-
એક વાર કાળાને કાળો કહી જોજો, એટલે ખબર પડશે.
(
ગૌતમ પડશાલા, સુરત)

* તમને પાકિસ્તાનના અખબારમાં કોલમ લખવાનું આમંત્રણ મળે તો સ્વીકારો ખરા ?
-
એ તો પાકિસ્તાન છે... એનો ટેસ્ટ આટલો ઊંચો ક્યાંથી હોય ?
(
માધવ જે. ધ્રૂવ, જામનગર)

* અખિલેશ યાદવની જીભ બહુ લાંબી થઈ ગઈ લાગે છે...
-
બાળકોને લગતા સવાલો ''ઝગમગ'' પૂર્તિમાં પૂછો.
(
ડી.એચ. ચાવડા, અમદાવાદ)

* ગર્લફ્રેન્ડનાં લગ્ન બીજા છોકરા સાથે થાય તો શું કરવું ?
-
તમે અને કોઈ ત્રીજો બચી ગયા કહેવાઓ !
(
આશિક હસમુખભાઈ શેઠ, અમદાવાદ)

* આપ અમેરિકાના પ્રેસિડેન્ટ વિશે શું માનો છો ?
-
એટ લીસ્ટ... એ બોલેલું કરી બતાવે છે !
(
કિશોર મહેતા, રાજકોટ)

* બા ખુશ ક્યારે થાય ?
-
એમનો દાઢનો દુ:ખાવો બંધ થાય ત્યારે.
(
વૃત્તિ અધ્યારૂ, પાટડી- સુરેન્દ્રનગર)

* એકે ય ધારાસભ્ય એસ.ટી. બસમાં મુસાફરી કરતો જોયો/સાંભળ્યો નથી, છતાં એમના નામની સીટો રીઝર્વ કેમ રખાય છે ?
-
પ્રવાસીઓ સમજી શકે કે, આ સીટો પહેલેથી ગંદી છે. એની ઉપર ન બેસાય, માટે!
(
પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* આપના મતે રાષ્ટ્રગીતનું ગૌરવ નહિ જાળવનારાઓને શી સજા થવી જોઈએ ?
-
એ સહુને મહારાજોની કથા સાંભળવા બેસાડી દેવા જોઈએ... ત્યાં ય રાષ્ટ્રગીત ગવાતું નથી.
(
ધનેશ મિસ્ત્રી, નડિયાદ)

* યુ.પી.ની પ્રજા વિશે શું માનો છો ?
-
નસીબદાર પ્રજા છે. દેશમાં પહેલી વખત મોદી પછી પ્રજાને કોઈ કામ કરતો મુખ્યમંત્રી મળ્યો છે.
(
વિજયસિંહ મોરી, કોડિનાર)

* નામ, સરનામું, મોબાઈલ નંબર ભલે ફરજિયાત છે, પણ એમાં સવાલ પૂછવો ફરજિયાત ખરો ?
-
મારો જવાબ કેવો લાગ્યો ?
(
ડૉ. પ્રતિક પટેલ, મહિસાગર- સંતરામપુર)

* મોદી અને ટ્રમ્પ, બન્ને એકસરખા મગજના છે ?
-
તો જ પોતાના દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજે ને ?
(
ભારતી ગજ્જર, કેલિફોર્નિયા- અમેરિકા)

29/04/2017

‘‘નૌકર’’ (’૭૬)

ફિલ્મ : ‘‘નૌકર’’(’૭૬)
નિર્માતા – નિર્દેશક : ઈસ્માઈલ મેમન
સંગીતકાર : રાહુલદેવ બર્મન
ગીતકાર : મઝરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૪ – રીલ્સ, ૧૨૬ – મિનિટ્સ
થીયેટર : (ખબર નથી.)
કલાકારો : સંજીવ કુમાર, જયા ભાદુરી, મેહમુદ, લલિતા પવાર, મનમોહન કૃષ્ણા, મધુ માલિની, મીના ટી., સુંદર, જલાલ આગા, બૅબી નિશાત, સોની, મનમૌજી, પરવિન, પૉલ, અનવર હુસેન : મેહમાન કલાકારો – શૈલેન્દ્ર સિંઘ, યોગીતા બાલી, શમ્મી.

ગીતો
૧. અંખીયો મેં છોટે છોટે ચાંદની રે ઝૂમ.... કીશોર
૨. અંખીયો મેં છોટે છોટે સપને સજાય કે... ચાંદની રે ઝૂમ.... લતા
૩. પલ્લો લટકે રે મ્હારો પલ્લો લટકે... આશા ભોંસલે – કિશોર
૪. દેખી હજારોં મેહફીલેં પર યે ફિઝાં કુછ.... મુહમ્મદ રફી – આશા
૫. આયા ન કરો ગુડીયા મેરે પાસ, દુ:ખ મેરા સુનકર... આશા

ફિલ્મની સ્ટારકાસ્ટના નામો વાંચતા તમે કેવા અંજાઇ જાઓ ! સંજીવ કુમાર, જયા ભાદુરી, મેહમુદ...! આ ત્રણે જ કાફી છે, ફિલ્મને હિટ બનાવવા માટે ! આપણે તો આંખ મીંચીને ફિલ્મની ડીવીડી મંગાવી લેવાના ને ? અને જુઓ ત્યારે ખબર પડે કે, દર વર્ષે સરેરાશ ૧૦૦ની ગણત્રીએ ભારતમાં હિંદી ફિલ્મો ઉતરતા હોય તો બાકીની ૯૯–તો આના કરતાં સારી હશે ! પછી પસ્તાવો ય થાય કે, આના કરતા તો પડોસીના છોકરાઓને લઇને ગુજરાત યુનિવર્સિટીના પટમાં તંબૂવાળું સર્કસ જોવા ગયા હોત તો સારૂં થાત ! આમ તો દિગ્દર્શક ઈસ્માઈલ મર્ચન્ટ પણ ગૂજરી જતા પહેલા બે–ચાર સારી ફિલ્મો બનાવીને ગયો હતો, પણ આવી કચરો ફિલ્મ બનાવીને માણસ લાંબુ જીવે ય ક્યાંથી ?

સંજીવ કુમાર ગ્રેટ ઍક્ટર હતો, પણ ગ્રેટ હીરો નહતો. એવું જયાબેન માટે કહી શકાય કે, ઍક્ટ્રેસ તો એ નૂતન–મીના કુમારી કક્ષાની, પણ હીરોઇનમાં બેન બહુ ના ચાલે. મેહમુદ કોઇ કૉમેડિયનનું નામ છે, એટલે હસવાની મોટી આશાઓ લઇને ફિલ્મ જોવા બેસીએ, ત્યાં એ પોતે હાસ્યનો નહિ, કરૂણતાનો કેવો મોટો અવતાર છે, એ બતાવવા બેસે અને જોનારાને ખીજ ચઢે એવા રોતડાં મોંઢા બનાવે ! આપણે રાહુલદેવ બર્મનના ચાહક તો એની ૨૦ – ૨૫ ફિલ્મો સુધી, પછી દુકાન બંધ કરતી વખતે કોઇ મોટો ઘરાક આવી જાય ને પૈસો ઘણો કમાવવાનો છે, એ ઇરાદે દાળવડાંવાળો ઇંટો ખવડાવતો હોય એવા દાળવડાં ખવડાવે, એવી હાલત આર.ડી.એ આપણી કરી નાંખી હતી. લક્ષ્મી – પ્યારેના વાદેવાદે છેલ્લે છેલ્લે તો આ ભ’ઇ પણ એક વર્ષની ૨૦–૨૫ ફિલ્મો લેવા માંડ્યા હતા. કંટાળો ના આવતો હોય તો નાનકડું ગણિત માંડો. એક ફિલ્મમાં સરેરાશ ૬–ગીતો હોય, એટલે એક વર્ષમાં ભ’ઇએ સમજોને, ૧૦૦–ગીતો બનાવવાના. એક ગીત પાછળ ફિલ્મના દિગ્દર્શક સાથે વાટાઘાટો કેટલી કરવાની, રીહર્સલો કેટલા, રોજ જુદા જુદા રૅકોર્ડિંગ સ્ટુડિયોઝ જવાનું, પાછું રૅકોર્ડિંગ... અર્થાત, રોજેરોજ એક એક નવું ગીત બનાવવાનું, વાદકો, ગીતકારો કે સાઉન્ડ–રૅકોર્ડિસ્ટ્સ સાથે રોજની લમણાફોડ... આ બધામાં ગીતની ક્વૉલિટી ક્યાંથી આવે ? બીજી બાજુ, એના જ લૅજન્ડરી પિતા કુમાર શોચિનદેબો વર્મણ પાસે પોતાની ફિલ્મનું સંગીત મેળવવા માટે નિર્માતાઓને ઘૂંટણીયે પડવું પડતું, ફિલ્મની વાર્તા સંભળાવવી પડતી અને આ બધા મરી–મસાલા પછી દાદા કન્વિન્સ થાય તો સંગીત આપવાની હા પાડે. જ્યારે, પોતાના દિવસો પૂરા થયા પછી... રોજ વહેલી પરોઢે કેડે ટોપલો ભરાવીને કાગળના ડૂચા વીણનારી સફાઇ–બાઇઓ હાથમાં જે આવ્યો, એ ડૂચો વીણતી જાય, એમ લક્ષ્મી–પ્યારે અને આર.ડી.બર્મન હાથમાં જે ફિલ્મ આવી તે ‘માઇ બાપ’ બોલતા બોલતા લઇ જ લેતા હતા. જયકિશનના ગયા પછી ઍક્ઝેક્ટ આવી હાલત શંકરની પણ હતી. શંકરની (માઇનસ જયકિશન) પાછળની (સંન્યાસી) જેવી રડીખડી ફિલ્મને બાદ કરતા તમામ ફિલ્મોમાં સંગીત ‘શંકર–જયકિશન’નું હતું, એ કહેતા ય શરમ આવે ! સુભાષઘાઈની ફિલ્મ ‘રામ–લખન’માં આર.ડી.બર્મનને સંગીત આપવાનું હતું ને છેલ્લી ઘડીએ નામ લક્ષ્મી–પ્યારેનું મૂકાઈ ગયું અને પછી તો આવું અનેક ફિલ્મોમાં બનવા માંડ્યું, એમાં આર.ડી.ને હાર્ટ–ઍટેક આવી ગયો.

આઘાત તો રાજસ્થાની મધુરા લોકગીત પરથી ઉઠાંતરી કરીને બનાવેલા ‘પલ્લો લટકે રે મ્હારો પલ્લો લટકે...’ ગીત ફિલ્મમાં જોઇને થાય કે, કોઇ સંદર્ભ મળતો નથી આ ગીતને આ ફિલ્મમાં મૂકવાનો ! ફિલ્મની વાર્તાને કોઇ જરૂરત હોય તો એ તો વિચારવાનું જ નહિ, પણ હીરો–હીરોઇન બેમાંથી એકે ય નું બૅકગ્રાઉન્ડ રાજસ્થાની નથી. બેમાંથી એકે ય ને રાજસ્થાની તો જાવા દિયો, રાંદલ માં નો ગરબો ગાતા ય આવડતો નથી ને શું જોઇને આ ગીત મૂક્યું હશે ? પછી તો વાર આગળ ચાલે કે, એકે ય ગીતની ફિલ્મમાં ક્યાં જરૂરત હતી ? (આમ તો આવી ફિલ્મની જ ક્યાં જરૂરત હતી !) દારાસિંઘ અને ચિત્રાવાળી ફિલ્મ હોય તો સમજ્યા કે, આવા ગીતો મૂકવા પડે, પણ તો પછી ઈસ્માઈલ મેમણ સાબિત ક્યાંથી કરી શકે કે, હું દારાસિંઘવાળી ફિલ્મો કરતાં ય વધુ કચરો ઉતારી શકું છું...!

સંજીવ કુમાર આપણા સુરતનો હરિભાઈ જરીવાળા છે, એ હિસાબે એનું જરા હેઠું ન પડવા દઇએ, પણ સંજીવ કે આ કે એ સમયના કોઇ પણ ગુજરાતી કલાકારે પોતે ગુજરાતી હોવાનું ગર્વ તો જવા દો, સ્વીકાર પણ નહતો કર્યો ! સુરતના લોકોને સંજીવ પોતાના શહેરનો હતો, એ ગૌરવ ઉપર ગુજરાતનો કદાચ સર્વોત્તમ ટાઉન હૉલ સંજીવ કુમારના નામ ઉપર બનાવ્યો, પણ લતા, ગાવસકર, તેન્ડુલકર કે અન્ય કોઈ પણ મરાઠી પોતે મહારાષ્ટ્રીયન હોવાનું ગર્વ જાહેરમાં દર્શાવે છે, એવું સંજીવ તો ઠીક, આશા પારેખો, દેવેન વર્માઓ, જયકિશનો, બિંદુઓ કે અરૂણા ઈરાનીઓ એકે ય વાર દર્શાવ્યું હોય તો પ્રણામ છે એમને ! સિવાય કે રોકડા પૈસા આપીને ગુજરાતમાં બોલાવીને એમનું તમે જાહેર સન્માન કરો, ત્યારે, ‘હું તો ગુજરાતનો દીકરો છું...’વાળો ધાપો મારે. તારી ભલી થાય ચમના.... મુંબઇમાં તો ગુજરાતી તરીકે તું આટલો બધો હડધૂત થાય છે ને સાલાઓએ મુંબઇના લોકલ રેલવે સ્ટેશનો ઉપરથી ગુજરાતી નામો ય કઢાવી નાંખ્યા છે, એના વળતા હૂમલા તરીકે ગુજરાતમાં રહેતા મરાઠીઓ ભલે આપણે સવાયા ગુજરાતીઓ ગણીને સગા ભાઇ જેવું વર્તન કરીએ, પણ મુંબઇમાં રહ્યો રહ્યો તું તો ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવ...! થૅન્ક ગૉડ કે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ જેવી ટીવી–સીરિયલોએ ગુજરાત અને ગુજરાતીઓનું નામ આખા વિશ્વના ઇન્ડિયનોમાં ગાજતું કરી દીધું છે. લતા મંગેશકર, સુનિલ ગાવસકર, સચિન તેન્ડુલકર કે રાજ ઠાકરે જેવાઓ પહેલા મહારાષ્ટ્રીયન ને પછી ભારતીય હોવાનું સ્વીકારે છે. ગુજરાતીઓને તો એ પણ ખબર નથી કે, ગુજરાતી હોવું શરમજનક કહેવાય કે છાનુંમાનું સહન કરી લેવાય?

બીજી એક નવાઇ તો નહિ, પણ છાતી બળી જાય, ‘૮૦–ના દશકની ફિલ્મોના હીરો–હીરોઇનોની હૅરસ્ટાઇલો જોઇએ ! એ વખતે હૅરકટિંગ પાર્લરોને ય કમાતા આવડતું નહોતું ને હીરોલોગ માથાના જે તરફ વાળ વધતા હોય, ત્યાં થોડી કાતર મરાવી લે. એમાં કોઇ સ્ટાઇલ જોવા ન મળે. મેહમુદને તો બને એટલા કદરૂપા દેખાવાનું ઝનૂન હરકોઇ ફિલ્મમાં હતું એ જોતા આ ફિલ્મમાં એના માથે ગાયનો પોદરો પડ્યો હોય ને સુકાવા દીધા પછી મહિનાઓ સુધી કાઢ્યો ન હોય, એને આ ભ’ઇ હૅરસ્ટાઇલ કહેતા હશે ! લમણાં ઉપરના બન્ને ખૂણીયા ખાલી થઇ ગયા હોવાથી બન્નેને ઢાંકવા મેહમુદ કાન પાસે પાંથી પાડીને લાંબા જટીયાં કપાળ નીચેની બન્ને ભ્રમરો ઢાંકીને એને હૅરસ્ટાઇલ કહેતો. જયા ભાદુરીના મમ્મી–પપ્પાની કૃપાથી વાળ એને લાંબા મળ્યા હતા, પણ એ એની ઘણી મોટી સિદ્ધિ હોય એમ અવારનવાર ચોટલો પ્રેક્ષકો તરફ રાખીને સંવાદો બોલે. આપણે હજી કેશકર્તનનો વ્યવસાય હાથમાં લીધો ન હોવાથી એ જોઇને આપણને ફાયદો શું ? વળી ફિલ્મની નોકરાણી રોજ શૅમ્પૂ કરેલા વાળ અને સરસ મઝાના સાડલા પહેરે, પાવડર – ચાંદલા પરફૅક્ટ કરે, એ બધું જોયે રાખો. જયા ભાદુરીની ફિલ્મ ‘કોરા કાગઝ’ આવી, ત્યારે એ જમાનાની છોકરીઓ આડેધડ એની કૉપી કરીને કૉટનનો બોર્ડરવાળો સફેદ કે ઑફ–વ્હાઇટ સાડલો, કોરા વાળનો અંબોડો, કાળી ફ્રેમના ચશ્મા અને હાથમાં એકાદ–બે પુસ્તકો સાથે બહુ ‘સૌમ્ય ઢબે’ નીચે જોઇને ચાલવાની ફેશન પડી ગઇ હતી.

પણ મોટો ત્રાસ મેહમુદ એના કહેવાતા અભિનય થી જ નહિ, અત્યંત ક્રૂર દેખાવથી આપે છે. છોકરૂં જ નહિ, આપણે ય બી પડીએ, એવી ‘માણસો ન રાખે એવી’ હૅર–સ્ટાઇલો આખી ફિલ્મમાં રાખે છે, એના કરતાં એવા જોનારને વૉમિટ કરાવી નાંખી એવા કપડાં પહેરે છે. કાંઇ બાકી રહી જતું હોય એમ બારમાસી રોતડ ક્લબના પ્રમુખ શ્રી. મનમોહનકૃષ્ણને જોય રાખવાના. આવા નામવાળા બધા એકસરખા જ હશે ?

અહીં જરા વાંચવામાં મજો પડે એમ છે. મેહમુદ વિશે આ કૉલમમાં અઢળક લખાયું છે. યાદ રહ્યું હોય તો ઠીક છે, નહિ તો રીપિટ વાંચવામાં કંટાળો નહિ આવે કે, આ ફિલ્મ ‘નૌકર’ના નિર્માતા–દિગ્દર્શક ઈસ્માઈલ મેમણ મેહમુદની બહેન શાનો (ઉર્ફે ખૈરૂન્નિસા)ને પરણ્યો હતો. આ શાનો સાથે અગાઉ હસરત જયપુરીની મા વિશે ખરીખોટી વાતો એવી ઉડી કે, એ સગાઇ તોડવી પડી. એશાનો એટલે કે ખૈરૂ ઇસ્માઇલ મેમણની પત્ની હોવાના નાતે આ ફિલ્મી સહનિર્માત્રી તરીકે ઇસ્માઇલે ખૈરૂનું નામ ટાઇટલ્સમાં ચમકાવ્યું છે. સગાઇ થઇ ત્યારે હસરત કૂંવારો હતો. રાજ કપૂરની ‘આહ’ના થોડાં ગીતો હસરતે પણ લખ્યા હતા. તાજી તાજી સગાઇ થઇ હોવાને કારણે હસરતે રાજ કપૂર પાસેથી ‘આહ’ના પ્રીમિયર શોના સ્પેશિયલ પાસની ગોઠવણ કરાવીને મેહમુદની મા લતિફૂન્નિસા, પિતા મુમતાઝઅલી અને દીકરી ખૈરૂન્નિસાને ‘આહ’ જોવા લઇ ગયો હતો. ઈસ્માઈલ પરણેલો અને એક દીકરાનનો બાપ પણ હતો. ઈસ્માઈલ એક જમાનામાં મેહબૂબ ખાનનો આસિસ્ટન્ટ હોવાને નાતે ભક્ત પણ હતો અને ગુરૂદક્ષિણા કાજે પોતાના દીકરાનું નામ ‘મેહબૂબ’ રાખ્યું હતું.

આજ ફિલ્મ ‘નૌકર’ના શૂટિંગ વખતે ઈસ્માઈલનું મૃત્યુ થયા પછી શાનો ઊર્ફે ખૈરૂન્નિસા ફિલ્મ ‘પડોસન’ના દિગ્દર્શક જ્યોતિ સ્વરૂપને પરણી હતી. જ્યોતિ અને મેહમુદની પહેલી મુલાકાત મહેશ કૌલની ફિલ્મ ‘અભિમાન’ (‘૫૭)ના સૅટ પર થઇ હતી. જ્યોતિ સ્વરૂપ મહેશ કૌલનો ભત્રીજો થાય. આ જ્યોતિ સ્વરૂપનો આસિસ્ટન્ટ દિગ્દર્શક સઇદ અલી અક્બર મેહમુદના ફેમિલીનો દોસ્ત બનીને પોતાની અત્યંત વિવેકી વર્તણૂંકને કારણે બધામાં લોકપ્રિય થઇ પડ્યો હતો, એનો લાભ લઇને પહેલા મેહમૂદની ઍક્ટ્રૅસ–બહેન મૂનુ મુમતાઝના પ્રેમમાં પડ્યો. મીનુ મુમતાઝને તો એ પરણી પણ ગયો હતો, પણ અક્બરનું લફરૂં મીનુ મુમતાઝની બીજી બહેન ઝૂબૈદા સાથે ચાલતું હતું. મીનુનું લફરૂં અમિતા–મેહબુબની ફિલ્મ ‘હમ, તુમ ઔર વો’ના પબ્લિસિસ્ટ મુબિન અન્સારી સાથે ચાલતું હતું, એ પૂરૂં થાય એ પહેલા મીનુ મુમતાઝ અબ્દુલ ગફાર નડિયાદવાલાના પ્રેમમાં પડી ગઇ હતી. જ્યોતિસ્વરૂપનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર સઇદ અલી અક્બર તો મુંબઇની ભેંડીબજારની ભાષામાં કહીએ તો ‘બો’ત હરામ કા પિલ્લા થા.... મેહમુદની બન્ને બહેનો ઝૂબૈદા અને મીનુ મુમતાઝને પોતાના પ્રેમમાં ફસાવીને ઝૂબીની છેવટે ટાઢે પાણીએ ખસ કાઢી હતી. આ ફિલ્મના નિર્માતા–દિગ્દર્શક ઈસ્માઈલ મેમણના મૃત્યુ પછી ખૈરૂ સાથે જ્યોતિ પરણ્યો હતો ને એ બન્નેને જે દીકરો થયો, ‘‘નૌશાદ,’’ તે ગુરુદત્તની દીકરી નીના સાથે પરણ્યો છે. યેન કેન પ્રકારેણ મેમુદ સાથે ‘માન ન માન, મૈં તેરા મેહમાન’ની જીદ ઉપર પરણવા માંગતી અરૂણા ઇરાની મેહમુદના ઘેર જ રહેવા આવી ગઇ હતી, પણ એક કહાની મુજબ, મેહમુદે ઐને દારૂ પીવાની ના પાડી હોવા છતાં એ સદા ય ઢીંચતી રહી, એમાં મેહમુદે ઐને કાયમ માટે કાઢી મૂકી હતી, જ્યારે વાર્તાનો દૂસરો કિસ્સો એવું કહે છે કે, શરાબ–ફરાબ નહિ, મેહમુદ અચાનક ઘેર પાછો આવ્યો, ત્યારે અરૂણા ઇરાની કોઇ બીજા પુરુષ સાથે હતી, એમાં કૅસ આખો ખલાસ થઇ ગયો. મેહમુદને ફિલ્મ ‘સી.આઇ.ડી.’ અને ‘શ્રીમાન સત્યવાદી’ની હીરોઇન શકીલા સાથે વન–સાઇડેડ પ્રેમ થઇ ગયો હતો, ત્યારે શકીલા એને ધિક્કારતી હતી અને રાજ કપૂરે મેહમુદને બધાની વચ્ચે ખૂબ ખખડાવ્યો ત્યારે પીછો છૂટ્યો હતો. પણ મુમતાઝ પાગલની માફક મેહમુદના પ્રેમમાં હતી... તો મેહમુદને એનામાં કોઇ ઇન્ટરેસ્ટ નહતો.

આ ફિલ્મના ટાઈટલ જેવી એક બીજી ફિલ્મ ‘‘નૌકર’’ ૧૯૪૩–માં આવી હતી, જેના લેખક હતા પાકિસ્તાનથી ત્રાસીને ઇન્ડિયામાં વસેલા તોફાની લેખક સઆદત હસન  મન્ટો. ફિલ્મના કલાકારો ભૂરી અને તેજસ્વી આંખોવાળો હીરો ચંદ્રમોહન, નૂતન–તનૂજાની મમ્મી શોભના સમર્થ, મિર્ઝા મુશર્રફ, બલવંતસિંઘ અને યાકુબ. હીરોઇન સૂરિલી અને સુંદર નૂરજહાં, જેના પતિ શૌકત હૂસેન રિઝવીએ આ ફિલ્મ બનાવી
હતી. (નૂરજહાંના બે–ચાર પૈકીનો આ એક પતિ શૌકત એ જ માણસ જેની ગેરહાજરીમાં પાકિસ્તાની ક્રિકેટર મુદસ્સર નઝરના ક્રિકેટર પિતા નઝર મહમ્મદ નૂરજહાંના ગેરકાયદેસર લફરામાં હતા અને શૌકતના ગયા પછી છાનોમાનો શૌકત નૂરી પાસે આવે, એમાં એક દિવસ પેલો વહેલો આવી ગયો, એમાં નઝર મહમ્મદને સીમેન્ટની પાઇપ પરથી લસરીને નીચે આવવામાં ભ’ઇ લપસી પડ્યા. આ પગ ભાંગવાની જીંદગીભર ખોટ રહી ગઇ.)

આ ફિલ્મે જયા ભાદુરી (જન્મ તા. ૯ ઍપ્રિલ, ૧૯૪૭ – જન્મસ્થળ : જબલપુર – મ.પ્ર.)ને ‘ફિલ્મફૅર’નો ‘બેસ્ટ ઍક્ટ્રેસ’નો ઍવોર્ડ જીતી આપ્યો હતો, પણ તમે ફિલ્મ જો તો મહીંથી જયાને ઍવોર્ડ તો શું, ઈનામમાં પચ્ચા ગ્રામ વટાણા આપવા જેવો ય અભિનય ન લાગે ! એને આપવો જ હતો તો બીજી પચ્ચાસ ફિલ્મો હતી, ‘ગુડ્ડી’, પિયા કા ઘર, અનામિકા, પરિચય, કોશિષ, બાવર્ચી, દૂસરી સીતા, ઉપહાર, અભિમાન અને આજની ફિલ્મમાં તો એને આ ઍવોર્ડ મલ્યો હતો, પણ ‘ફિલ્મફૅર’ના એ વર્ષો શરૂ થઇ ગયા હતા જ્યાં (થૅન્ક્સ ટુ મનોજ કુમાર) આવા ઍવોર્ડ્સ મૅનેજ થવા માંડ્યા હતા. ‘ફિલ્મ ઈન્ડિયા’નો સરળ વાચક સમજી શકે, એટલા માટે ‘ફિલ્મફૅર’ના ઍવોર્ડ્સ કેવી રીતે મૅનેજ થતા હતા, એ સમજાવું.

મુંબઈથી બહાર પડતાં ફિલ્મઉદ્યોગના સૌથી વધુ સન્માનપાત્ર ફિલ્મી મૅગેઝીન ‘ફિલ્મફૅર’ના વાર્ષિક ઍવોર્ડ્સ બહાર પડવાના હોય ત્યારે આગલા અંકમાં વાંચકો પોતાની પસંદગી મુજબ, એ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ હીરો, હીરોઇન, સંગીતકાર, ગાયક, ગાયિકા... અને એવી અનેક કૅટેગરીમાં તમારી પસંદગીના નામો લખીને એ ફૉર્મ કાપીને મુંબઇ મોકલવાનું હોય છે, એ મુજબ સૌથી વધુ મતો મેળવનાર હીરો–હીરોઇન કે ગાયક–સંગીતકારને ઍવોર્ડ મળે. આજની કિંમત મુજબ ગણવા જઇએ તો ‘ફિલ્મફૅર’નો એક અંક
૧૦૦/–માં પડે. તમને રાજેશ ખન્ના ગમતો હોય ને ઍવોર્ડ એ જ જીતે, એવી ઇચ્છા હોય તો ય લઇ લઇને કેટલા અંકો તમે ખરીદી શકો ?

મનોજ કુમાર જેટલા અંકો બહાર પડે, તે આગલી રાત્રે ‘ફિલ્મફૅર’ની ઑફિસેથી જ તમામ અંકો ખરીદી લે. આ ગોઠવણમાં ‘ફિલ્મફૅર’ના માલિકો કે અધિકારીઓ પણ શામેલ હોય, એ સમજી શકાય એવું છે. ફિર ક્યા...? મનોજ બે દહાડા માટે નોકરી શોધતા કોઇ ૨૦૦–૪૦૦ યુવકોનો સ્ટાફ ભાડે રાખી લે અને બધા જ અંકોમાં પોતાની જે ફિલ્મ આવતી હોય (માની લો, ‘‘બેઇમાન’’!) એને જ વર્ષની સર્વોત્તમ ફિલ્મ, બેસ્ટ હીરો પોતે, દિગ્દર્શક, સંગીતકાર, ગીતકાર, ગાયક મૂકેશ ને સપૉર્ટિંગ ઍક્ટર તરીકે પ્રાણનું નામ ‘ફિલ્મફૅર’ના
ફંક્શનમાં જાહેર થયું હતું, જે મનોજ કુમારનો અગંત મિત્ર હોવા છતાં બેઇમાની સમજી ગયો અને પોતાને મળેલો ઍવોર્ડ સ્વીકારવાની ના પાડી. એનો ગુસ્સો હતો કે, ‘બેઇમાન’ના સંગીતમાં કોઇ ભલીવાર ન હતો... અસલી સંગીત ફિલ્મ ‘પાકીઝા’નું હતું, છતાં ઍવોર્ડ ‘પાકીઝા’ને બદલે ‘બેઇમાન’ને મળ્યો. પ્રાણે પોતાનો જ ઍવોર્ડ ન સ્વીકાર્યો.

એટલું જ સમજી લેવાનું કે, ભારત દેશમાં મળતા મોટા ભાગના ઍવોર્ડ્સ ‘મૅનેજ’ થાય છે.

26/04/2017

મારૂં મૉડેલિંગ

મારે મૉડેલિંગ કરવું છે. ટીવી, છાપા કે મૅગેઝીનોની જાહેર ખબરોમાં શૂટ–બૂટ પહેરેલા મોડેલોના ફોટા આવે છે, એવા હું ય પડાવી શકું તેમ છું. મૅરેજ વખતનો એક આકર્ષક શૂટ પડ્યો છે. હવે થતો નથી. મારી પાસે ‘માચો’ ફિગર ભલે ન હોય, પણ હું બન્ને બાજુથી આઠ–દસ ઇંચ પેટની ટમી ઉતારવા તૈયાર છું. મારૂં મોઢું જમણી બાજુ સહેજ ઊંચુ રખાવીને સ્માઇલ સાથે ઊંચુ જોવડાવો તો હૅન્ડસમ પણ લાગુ છું. સિગારેટ પીતો નથી, પણ મૉડેલિંગ કરવાનું હોય તો સિગારેટ તો શું, હું દિવેલ પણ પી શકું એમ છું.

મને ‘ચમૂલ’ના દૂધની જા.ખ.માં ચમકાવો તો ય તમારી પ્રોડક્ટ વેચાવા માંડે. એક કરૅક્શન : દૂધનું મૉડેલિંગ કરી શકું છું એનો મતલબ એ નહિ કે ખોળામાં કોઇ ૩–૪ મહિનાના ચીન્કુને સુવડાવીને એને બોટલમાં દૂધ પીવડાવતા ફોટાવાળું મૉડેલિંગ કરૂં ! ચિન્કુને દૂધુ પીવડાવતો ફોટો એવી રીતે પાડવાનો કે, હું દિવાલના ટેકે એક પગ ઊંચો કરીને હાથમાં ‘ચમૂલ’ની બોટલ પકડીને ઊભો હોઉં. બાળકને ખબર પડે છે કે, એ જે જુએ છે, એ બૉટલ દૂધની નહિ, ‘વૉડકા’ છે, એટલે ખીલખિલાટ હસતું ભાખોડીયા ભરતું પાછું જતું રહે, ત્યાં જ પાછળથી ‘વોઇસ–ઑવર’માં કોઇ ચાર્મિંગ છોકરીનો અવાજ સંભળાય, ‘જોઈ લો... દૂધ અને દારૂ વચ્ચેનો તફાવત નાનું છોકરૂં ય સમજી શકે છે... તમે ય સમજો. આજથી દારૂ ફગાવો, દૂધ અપનાવો’

મૉડેલિંગના ફિલ્ડના એક જાણકાર દોસ્તને મારી આ દૂધવાળી યોજના જણાવી તો એ એવું સમજ્યો કે, વહેલી પરોઢે હું દૂધની કેબિનમાં દૂધની કોથળીઓના વિતરણનું કામ કરતો હોઇશ.

મેં એને પૂછી જોયું, ‘યાર, મારે મૉડેલિંગ કરવું છે... અત્યારના આ બધા મૉડેલોને જોઇને મને મજા નથી આવતી !’

‘હા, પણ પછી તો કોઇને મઝા નહિ આવે... તું મૉડેલિંગ કરીશ તો....!’

‘તું તારે મને એટલું કહે ને કે, મારે મૉડેલિંગ કરવું હોય તો પહેલા શું કરવાનું ?’

‘પહેલા ફોટા પડાવો. પૉર્ટફોલિયો બનાવો અને ઍડ ઍજન્સીઓના ચક્કરો મારો... તો કોઇ મૉડેલિંગનો ચાન્સ આપશે.’
***
શહેરના એક જાણીતા મૉડેલ–ફોટોગ્રાફર પાસે હું ગયો.

‘કાકા... ફોટા શેના માટે પડાવવાના છે ? બેસણાંની ખુરશી ઉપર ફૂલ ચઢાઇને મૂકવા માટે ?’ ફોટોગ્રાફરે ઘણા દયાના ભાવ સાથે મને પૂછ્યું. મને એ ગમ્યું નહિ કારણ કે, ‘બેસણાં વખતે હું કાંઈ આટલો ખડખડાટ હસતો ફોટો થોડો મૂકવાનો હોઇશ...? ત્યાં તો કરૂણ પ્રસંગને છાજે એવો ઉદાસ ચહેરાવાળો ફોટો મૂકાય. આપણું મૃત્યુ દીપી ઉઠવું જોઇએ... લોકોને લાગવું જોઇએ કે ડોહો ટાઇમસર ગયો છે. સુઉં કિયો છો ? ‘જુઓ ભાઈ, આ ફોટા મારા બેસણાંમાં મૂકવા માટે પડાવવા નથી આયો... મારે થોડું ઘણું મૉડેલિંગ કરવું છે, એનો પૉર્ટફોલીયો બનાવવો છે...’’

મેં બેસણાંની ના પાડી એટલે એ સીધા મૃત્યુનું મૉડેલિંગ સમજ્યો.

‘સ્મશાનમાં મૉડેલિંગ...? મરવાના મૉડેલિંગનો તમને ઍક્સપીરિયન્સ છે, અન્કલ ? ચિતા ઉપર લાંબુ કોણ થવાનું છે ? કાકા, આમાં પડખું ફરીને નહિ સુવાય ! આની પહેલા એકે ય વાર અગ્નિદાહ લેવડાવ્યો છે ?’

‘એ શંખ...? મારે બેસણું કે મૃત્યુ – બેમાંથી એકે ય નો ફોટો પડાવવાનો નથી... આ તો–’

‘સૉરી કાકા... આ તો તમે આયા ત્યારની અવસાનોની વાતો કરતા’તા એટલે મે’કુ...’

‘મને આફ્ટર–શૅવ લોશનનું મૉડેલિંગ કરવાનું મન છે. દાઢી કરી લીધા પછી હીરોલોગ હસતા મોંઢે પોતાનો હાથ ગાલ ઉપર ફેરવે છે, એવો મારે ફેરવવો છે...’

‘પણ અન્કલ એવો હાથ તો કોઈ હીરો એના ગાલ ઉપર તમને ફેરવવા નહિ દે...’

કલાક બગાડ્યા પછી મને તો એ મૉડેલોનો નહિ, ડાઘુઓનો સ્પૅશિયાલિસ્ટ ફોટોગ્રાફર લાગ્યો. મને આવા આલ્બમો પણ બતાવ્યા, જેમાં એક ડાઘુ કૅમેરા સામે સ્માઇલ સાથે નનામી ઊંચકીને ચાલતો હોય, બીજો સળગતી ચિતાના લાકડાને અડાડીને સિગારેટ સળગાવતો હોય, ત્રીજો વળી મરનાર ડોહાના ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા સુપુત્રને પોતાની છાતીસરસો ચાંપીને કૅમેરા સામે અદ્ભુત સ્માઇલ આપતો હોય. જો કે, એક ફોટો અફલાતુન આવ્યો હતો. નવા વાડજનું ટ્રાફિક–સર્કલ ક્રોસ કરવા જતા બે સ્મશાનયાત્રાઓ એકબીજાને અથડાઈ, એમાં તો બન્ને પાર્ટીઓ બથ્થંબથ્થા ઉપર આવી ગઇ. બધું પત્યા પછી પહેલાવાળાને તો આ લોકો બાળી આવ્યા, પણ બીજો ક્યાં જતો રહ્યો એની આ ધમાલમાં કોઇને ખબર પડી નહિ. હુવડાવ્યો ત્યારે એ ફૂલટાઇમ મર્યો નહતો ને આ મારામારીને કારણે રોડ ઉપર ઠાઠડી સાથે એ પછડાયો, એમાં એને ભાન આવી ગયું કે, ‘હું હજી મર્યો નથી’ અને બન્ને પાર્ટીઓને લડતી જોઇને, ‘કંઇક થયું લાગે છે... !’ એવું બોલતો રીક્ષા કરીને ઘેર જતો રહ્યો.

મારે હમણાં આઠ–દસ વર્ષ સ્મશાનયાત્રાઓની જરૂર પડે એમ ન હોવાથી આવા અદ્ભુત ફોટોગ્રાફરને મેં હાલ પૂરતું કોઈ કામ ન સોંપ્યું.

મને યાદ આવ્યું કે, લાઈફ–ટાઈમના બૅસ્ટ પૉઝ તો હું ગાર્ડનના બાંકડે બેઠા બેઠા આપી શકું છું, તો પછી મૉડેલિંગનું એ જ લોકેશન શું ખોટું ? બાંકડાની એ ખૂબી છે કે, આપણે બેઠા પછી અડધો ખાલી રહે છે, જેની ઉપર ચાહો એને બેસવાનું આમંત્રણ આપી શકો. મારે અહીં ચ્યવનપ્રાશનું મૉડેલિંગ કરવું હતું. બૉટલમાં ચમચી બોળીને ચમચી મ્હોંમાં ચૂસતો ફોટો બહુ સરસ આવે. જોનારને લાગવું જોઇએ કે, આ ચ્યવનપ્રાશ ખાવાથી ઘેર નહિ તો ગાર્ડનના બાંકડે બેસવાની શક્તિ આવે છે. સફેદ ટાઈટ પૅન્ટ, સફેદ શૂઝ, સફેદ ટી–શર્ટ ને બાકીના શરીરનો રંગ કાળો એવી સુંદર યુવતી એની સખી સાથે ચાલવા આવી હશે, તે મેં સ્માઇલો સાથે બોલાવી કે, ‘આપણે બે નો ફોટો પાડી આપશો ?’

મોંઢાં બગાડીને – પાછા એવું બોલીને બન્ને જતી રહી, ‘ડોહો થઇ ગયો, પણ આદતો ના સુધરી...!’

મારી પાસે છેલ્લો ઉપાય રૅમ્પ–વૉકનો હતો. એમાં કહે છે કે, એક લાંબા સ્ટેજ પર આંટો મારીને પાછા આવતા રહેવાનું. અંદર જઇને તરત જ બીજા કપડાં પહેરીને પાછા રૅમ્પ ઉપર આવી જવાનું. પુરૂષ–મૉડેલોને વળી એટલું સારૂં છે કે, ચાલુ રૅમ્પ–વૉકે આજ સુધી એમના કપડા કદી નીકળી ગયા નથી. યુવતીઓને એક તો પહેરવાના નામના કપડાં અને એમાંય ‘માલ–ફંક્શન’ થાય એટલે કે નીકળી જાય.

તો આપણે તો જાણે પહેલી વાર રૅમ્પ–વૉક કરવા નીકળ્યા હોઈં, એમ પેલો મને શીખવાડે, ‘કાકા, આ રૅમ્પ–વૉક છે... અહીં વૉકર કે લાકડી લઇને ના ચલાય...! ના ફાવતું હોય તો રીક્ષા કરી લો...’

તારી ભલી થાય ચમના...

ખરા મૉડેલિંગની જરૂર અમે ૬૦–પછી વાળાઓને છે. એક પછી એક અમારા ૪૦–૫૦ વર્ષ જૂના દોસ્તો મૉડેલિંગ કરવા ક્યારના ઉપર પહોંચી ગયા છે. ઘરવાળા અમારૂં મૉડેલિંગ કરાવવા ગાર્ડનમાં મોકલે છે. રૅમ્પ–વૉક તો બહુ દૂરની વાત છે. અમારે તો રસ્તો ક્રોસ કરવો હોય તો ય રીક્ષા કરવી પડે છે અને એટલા માટે તો એ લોકો ય આવતા નથી. મૉડેલિંગના ફોટા તો દૂરની વાત છે પણ ઘરવાળા ગુસપુસ બધા કરતાં હોય છે કે, ‘ડોહાનો એકે ય રંગીન અને મોટો ફોટો ઘરમાં નથી. જશે ત્યારે આખા ઘરમાં ફેંદમફેંદી... એના કરતાં અત્યારથી પડાઈ રાખો... છેલ્લી ઘડીએ દોડાદોડ નહી !’

ઓ ભાઈઓ, કોઈ વટ મારવા માટે નહિ... ઘરવાળાના કામમાં આવવા મારે ફોટા પડાવવા હતા !

સિક્સર
કેવા આઘાતની વાત છે ! હજી એકે ય મહારાજની કથા કે ભજન–કીર્તનમાં ભારતનું રાષ્ટ્ર ગીત ગવડાવાતું નથી. દરેક શહેરના દરેક વિસ્તારમાંથી ફક્ત ૨૫–૨૫ યુવકો તિરંગા લઇને પહોંચી જાય અને આવી કથાઓમાં અને વિનંતીથી ન માને તો શાંતિપૂર્વક ધરણાં ધરીને હવે ફરજિયાત રાષ્ટ્રગીત ગવડાવે !

24/04/2017

એન્કાઉન્ટર : 23-04-2017

* નોટબંધી અને કાળા નાણાં વિશે આપનો શું અભિપ્રાય છે?
નોટબંધીની મને અસર પડે, એટલું કાળું નાણું કમાવવું છે.
(વિનાયક ર. શુક્લ
, ગોધરા)

* બસમાં મહિલા કન્ડક્ટરોથી લાભ પૅસેન્જરોને કે સરકારને
?
મહિલા કન્ડક્ટરોને. જે કાંઇ ગેરલાભ છે, એ બધો ડ્રાયવરને છે. સીધેસીધું જોઈને બસ હાંકે રાખવાની
(મધુકર પી. માંકડ, જામનગર)

* હિમ્મતનગરમાં મારા બે પુત્રો સાથે તમારો ફોટો જોયો. ચેહરા ઉપર માર્મિક હાસ્ય, લખાણોમાં અટ્ટહાસ્ય !
એ બન્નેને કહો લખાણોમાં ય માર્મિક હાસ્ય જ રાખે !
(ડૉ. સુનિલ ઇશ્વરલાલ ટેલર
, હિમ્મતનગર)

* સાઉથમાં ફિલ્મી હીરો કે નેતાઓના મંદિરો બને છે. ગુજરાતમાં કેમ નહિ
?
સાઉથના ભક્તો એટલે દૂરથી ગુજરાત આવવું ના ફાવે ને...? અને, ગુજરાતમાં દારૂબંધી નહિ ? ભક્તો ય તરસે મરે !
(ધિમંત ભાવસાર
, બડોલીઇડર)

* સસરાના ઘેર રહેનારને ઘર
જમાઈ કહે છે, પણ જમાઈને ઘેર કાયમી રહેનાર સાસુને શું કહેવાય ?
વૉચમેન... સૉરી, ‘વૉચવૂમન
(પ્રણવ કારીઆ
, મુંબઈ)

* સત્યનો વિકલ્પ હોઈ શકે
?
જરૂર શું છે ?
(દીપક આશરા
, ગાંધીનગર)

* રાહુલ ગાંધી સમાજવાદી પાર્ટીની સાયકલનું બીજું પૈંડુ બન્યા....
રાહુલને તો વકરો એટલો નફો જ હતો... સપાએ સાયકલ પણ ગૂમાવી !
(હર્ષ એસ. હાથી
, ગોંડલ)

*
ઍન્કાઉન્ટરમાં મારૂં નામ જોઇને થયો એટલો આનંદ તો લગ્નની કંકોત્રી જોઇને ય નહોતો થયો ! 
ઓહ, આઈ સી...! કંકોત્રીમાં આપણું નામ આવે, આનંદનો વિષય કહેવાય...!
(જયમિન પટેલ
, બાર્ટલેટશિકાગો, અમેરિકા)

* શશીકલા જેવી ભ્રષ્ટ સ્ત્રી પણ મુખ્યમંત્રી બની શકે
, એવું આપણા દેશનું બંધારણ છે ?
આખી પાર્લામેન્ટ ખાલી કરાવવી છે ?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા
, મુંબઈ)

* પત્ની અને પ્રેમિકામાંથી કોની બા ખીજાય તો ધ્યાન રાખવું પડે
?
આમાં તમારે વચ્ચે પડાય જ નહિ. કૅસ એ બન્નેના ફાધરોને સોંપી દેવાય ! બન્નેની બાઓ ફોડી લે. 
(બચુ રાઠોડ
, વડોદરા)

* તમારી કૉલમમાં સુરતના વાચકો જ વધારે સવાલો પૂછે છે
?
આવા લોકોને પાર્લામૅન્ટમાં ન મોકલાય.
(મેઘાવી હેમંત મેહતા
, સુરત)

*
એન્કાઉન્ટરમાં સવાલોની સાથે ઇમોશન્સને પણ સ્થાન આપો તો ?
અપાય, પણ ઇમોશન્સેપોતાના નામ, સરનામા ને મોબાઇલ નંબરોની પૂરી વિગતો ભરવી પડે.
(ચિંતન માખેચા
, રાજકોટ)

* ભારતને અવકાશક્ષેત્રે મળેલી સિદ્ધિ વિશે શું કહેશો
?
– ‘સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા...
(મહેન્દ્ર પંચાલ
, ધ્રાંગધ્રા)

* રાષ્ટ્રગીત પ્રત્યેક ધાર્મિક સભામાં પણ ગવાવું જોઇએ
, એ તમારા અભિયાનની સાધુસંતો ઉપર કોઇ અસર થઇ ખરી ?
એ સહુને ધંધો ભક્તો આપે છે, ભગવાન નહિ ! હવે તમે કહો, એ લોકો કોને ખુશ રાખે ?
(શ્વેતા સુમન દેસાઇ
, સુરત)

* શુક્રવારની
ચિત્રલોકપૂર્તિમાં જૂની ફિલ્મો વિશે આટલી બધી માહિતી કઇ રીતે યાદ રાખીને આપી શકો છો ?
જુવાનીમાં મંદિરો કરતાં સિનેમાના પ્રવાસો વધારે કર્યા હતા.
(જયદેવ વ્યાસ
, અમદાવાદ)

* તમે કેમ બદલાઈ ગયા છો

આજકાલ જાતે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરૂં છું.
(રૂપલ વાલવા
, ધુનધોરાજી, જામનગર)

* તમે કદી બાથરૂમમાં રૅઇનકોટ પહેરીને નહાયા છો
?
હું બાથરૂમની બહાર હોઉં, એમાં રસ રાખો ને, ઇ !
(સૈફી મોહમ્મદભાઇ રંગવાલા
, દાહોદ)

*
એન્કાઉન્ટર’  નામ બદલીને બીજું શું રાખી શકાય ?
– ‘સર્જીકલ સ્ટ્રાઈક’. 
(ડૉ. કિરીટ કુબાવત
, અમદાવાદ)

* લગ્નના ૩૮ વર્ષ બાદ મારી પત્નીએ મને બુધ્ધુ કહ્યો. આવી દીવા જેવી વાત સમજતા એને આટલા વર્ષો કેમ થયા હશે
?
કાંઈ નહિ. તમે તો સમજુ છો ને ?
(શાંતિભાઈ ઠક્કર
, બિલિમોરા)

* મંગળ પર જમીન લેવાય કે નહિ

ત્યાં પહેલા શૌચાલય બાંધવાની અરજી કરો... એ બાંધવું નહિ પડે અને જમીનનું જલ્દી પતી જશે.
(રાજુ નંદાણીયા
, ચૌટાકુતિયાણા)

* રોડ પર આટલા બધા બમ્પ મૂકવાનું કારણ શું
?
રેલવેના પાટા ઉપરે ય બમ્પ આવી રહ્યાં છે.
(પુલિન સી. શાહ
, સુરેન્દ્રનગર)

* દરેક વાઈફને એના પતિ નક્કામા કેમ લાગે છે
?
દરેક પતિ નથી લાગતા.
(ડૉ. રાજવી સુનિલ ટેલર
, વાપી)

* ધાર્મિક સ્થળોની ભીડ ઇશ્વરની આસ્થા સૂચવે છે કે આત્મવિશ્વાસમાં ઘટાડો
?
દેશભક્તિમાં ઘટાડો.
(જયેશ અંતાણી
, ભાવનગર)

22/04/2017

ફિલ્મ : ‘હેરા ફેરી’ (૭૬)
નિર્માતા : ચૌધરી
ન્ટરપ્રાઇઝ
દિગ્દર્શક : પ્રકાશ મેહરા
સંગીત : કલ્યાણજી–આણંદજી
ગીતકાર : અંજાન
રનિંગ ટાઇમ : ૧૮ રીલ્સ : ૧૬૮ મિનિટ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સાયરા બાનુ, સુલક્ષણા પંડિત, ડૉ. શ્રીરામ લાગુ, ઊર્મિલા ભટ્ટ, પિંચુ કપૂર, ગોગા કપૂર, મૅકમોહન, મોહન શૅરી, યુનુસ પરવેઝ, વિકાસ આનંદ, પદ્મા ખન્ના, ઇન્દુમેહતા, રામ સેઠી, તરૂણ ઘોષ અને પી. જયરાજ.

ગીતો
૧. આપ કા સરકાર ક્યા કુછ ખો ગયા હૈ..... આશા ભોંસલે
૨. કલ તક રબ... દરબાર મેં ઉપરવાલે કે... કિશોર – મહેન્દ્ર
૩. મુઝે પ્યાર મેં ખત કિસીને લિખા હૈ... આશા ભોંસલે
૪. બરસો પુરાના યે યારાના, એક પલ મેં... કિશોર કુમાર
૫. કૌન અંજામ–એ–ઉલ્ફત નહી જાનતા... લતા મંગેશકર
ફક્ત ગીત નં. ૨ ઇન્દિવર, બાકીમાં અંજાન.

હિંદુઓમાં મનાય છે કે, કોકના મૃત્યુની અફવા ઊડે, તો એ વ્યક્તિનું આયુષ્ય લંબાઈ જાય છે. વિનોદ ખન્નાનું આયુષ્ય તો આ લેખ લખાય છે, ત્યાં સુધી તો લંબાઈ ગયું છે અને ઇશ્વરને પ્રાર્થના ય આપણે સહુ ભેગા મળીને કરી દઇએ કે, આવો હૅન્ડસમ અને કાબિલ હીરો હજી એની ઇચ્છા હોય ત્યાં સુધી જીવવો જોઇએ. સોશિયલ મીડિયા કેવું તગડું છતાં સ્થૂળ થતું જાય છે કે, કોઈકે અત્યંત નંખાઈ ગયેલા બિમાર વિનોદનો ફોટો વોટ્સઍપમાં વાયરલ કરી દીધો, ને ઉપરથી કાંઈ જ ‘કન્ફર્મ’ કર્યા વિના એમ પણ લખી દીધું હતું કે, ‘વિનોદ ખન્નાનું અવસાન થયું છે.’ એમાં કાચી સેકંડમાં આખા દેશમાં ખોટી ખબર ફેલાઈ ગઈ. આ લખનાર પણ જૂઠની ઝપેટમાં આવી ગયા હતા અને કોઇ  ૧૦–૧૫ દોસ્તોને આવો મૅસેજ ફૉરવર્ડ કર્યો.

કમનસીબે, આવા સોહામણા અને ‘માચો’ હીરોની બિમારી પછીનો ફોટો મૃત્યુ કરતાં ય વધુ ડરામણો હતો. જેને આપણે સ્વર્ગસમી રાજધાનીના રાજકુમાર સ્વરૂપે જોયો હોય, એ આટલો અશક્ત, નિ:સહાય અને મનથી ભાંગી પડેલો દેખાય, એ આપણને આજે ય મંજૂર નથી. પ્રાર્થનાઓ એટલે જ કરવી જોઇએ કે, મૃત્યુ તો સહુનું આવવાનું છે, પણ આવા સશક્ત અને હૅન્ડસમ માણસને પરમેશ્વર આવું લાચાર મૌત ન આપે. આવી હસ્તીઓ મરવી પણ જોઇએ કોઇ રાજા–શહેનશાહને છાજે એવી રીતે !

પાકિસ્તાનના પેશાવર (ત્યાંનો પઠાણી ઉચ્ચાર, પિશાવર)માં ૬ઠ્ઠી ઑક્ટોબર, ૧૯૪૬ના રોજ જન્મેલા વિનોદ ખન્નાનું ‘રૂક જાના નહિ, તું કહીં હાર કે...’ ગીતવાળી ફિલ્મ ‘ઈમ્તિહાન’ જોયેલી યાદ હોય તો નાસિક પાસેના દેવલાલી ગામમાં આવેલી બાન્સૅસ્કૂલમાં પૂરી ફિલ્મનું શૂટિંગ થયું હતું. એ જ સ્કૂલમાં એક જમાનામાં ધી ગ્રેટ દિલીપ કુમાર ભણ્યા હતા. કરોડો કમાવી આપતી ફિલ્મી કરિયર પડતી મૂકીને વિનોદ અચાનક આચાર્ય રજનીશનો શિષ્ય બની ફિલ્મોને અલવિદા કહી બેઠો. થોડા વર્ષોમાં ભૂલ સમજાતા એ ફિલ્મોમાં પાછો આવ્યો અને પ્રેક્ષકો તો તૈયાર જ હતા, એને વધાવી લેવા માટે.

મને યાદ છે ૧૯૬૮ની સાલ. મે તાજું તાજું એસ.એસ.સી. પાસ કર્યું હતું અને ઘટમાં ઘોડા થનગનતા હતા અમદાવાદની કૃષ્ણ ટૉકીઝની બહાર લાગેલી ધક્કામુક્કીવાળી લાંબી લાઈનમાં ઊભા રહીને ફિલ્મ ‘મનકા મીત’ જોવાના. સુનિલ દત્તે પોતાના નાના ભાઇ સોમ દત્તને ચમકાવવા બનાવેલી આ ફિલ્મ જોવાનું એક માત્ર આકર્ષણ આ ફિ;મમાં બિલકુલ સાચી લાગે એવી ‘ફાઇટિંગ’ જોવાની. એ જમાનાના પ્રેક્ષકો માની નહોતા શકતા કે, આ સાચી મારામારી તો નહિ હોય ! સોમ દત્તની આ ફાઈટિંગ એની જેમ પહેલી જ ફિલ્મમાં ચમકતા વિલન વિનોદ ખન્ના સાથે હતી. સોમ–વિનોદની જેમ લીના ચંદાવરકર અને સંધ્યારાનીની ય એ પહેલી ફિલ્મ હતી પણ નસીબ જુઓ... આજ સુધી સોમ દત્ત અને સંધ્યારાની ક્યાં ફેંકાઈ ગયા, તેની કોઇની જાણ નથી ને વખત જતા લીના અને વિનોદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો–હીરોઈન તરીકે છવાઇ ગયા. વિનોદને બે માર્ક વધારે આપવા પડે કે, એ તો વિલનમાંથી હીરો બન્યો. (...અને હીરોમાંથી પાછા વિલન બનવા એ રાજકારણમાં જોડાઇને ભાજપનો સંસદ સભ્ય બન્યો હતો ! )

૧૯૭૬માં આવેલી આ ફિલ્મ ‘હેરા ફેરી’માં વિનોદ અમિતાભ બચ્ચન સાથે પેરેલલ (સમાંતર) રોલમાં હતો, પણ અમિતાભ સાથે એકે ય હીરો પૅરેલલ રોલમાં હોઇ શકે ખરો ? આ બન્નેએ કોઈ સાત–આઠ ફિલ્મો સાથે કરી હશે, છતાં તાજેતરમાં બહાર પડેલી રિશી કપૂરની આત્મકથા (ખુલ્લમ ખુલ્લા)માં રિશીએ જણાવ્યા મુજબ, અમિતાભે પોતાના સહકલાકારોને કદી ય ફિલ્મની સફળતાનો યશ કે ઇવન ઉલ્લેખ આપ્યો નથી. બચ્ચનની ધાંયધાંય સફળતા સામે એક માત્ર વિનોદ ખન્ના ટકી જતો હતો, પણ રજનીશજીનો સન્યાસ વચમાં આવી જતા અમિતાભનો માર્ગ તદ્દન મોકળો થઇ ગયો. રાજેશ ખન્નાને ખલાસ કરવા માટે તો એ પોતે એકલો કાફી હતો ને એમાં ય અમિતાભ જેવા સર્વોત્તમ હીરો સાથે ખન્નો ટક્કર મારી બેઠો, એમાં ભઇ ક્યાં ખોવાઇ ગયા એની ય ખબર ન પડી.

વિનોદની આજની આ ફિલ્મ ‘હેરા ફેરી’ તો તમે ન જુઓ એમાં કલ્યાણ છે, પણ એની બેશક જોવા જેવી ઘણી ફિલ્મોમાં ‘અચાનક, ઇમ્તિહાન, શક, રિસ્ક, મૈં તુલસી તેરે આંગનકી અને દયાવાન’ ખાસ જોજો. ‘હેરાફેરી’ બીજા કોઇએ ઉતારી હોત તો, ‘છુટા નથી...’ આગળ જાઓ, બાબા, કહીને કાઢી મૂક્યો હોત, પણ બચ્ચનની ઝંજીર, શરાબી અને નમકહલાલ જેવી સુંદર ફિલ્મો બનાવનાર પ્રકાશ મેહરાએ ‘હેરાફેરી’ ઉતારીને પોતાની સાથે બચ્ચન, ખન્ના, સાયરા કે સુલક્ષણા... બધાની અક્કલોના એકસામટાં દેવાળા ફૂંકાવ્યા છે. યસ. ફિલ્મ બકવાસ હોઇ શકે, પણ આટલો  મોટો બકવાસ તો તમિલ–કન્નડ–તેલુગુ કે મલયાલમ ફિલ્મોમાં ય જોવા નહોતો મળતો. ‘‘ફિલ્મ ભલે થર્ડ ક્લાસ હોય... હું નહિ કરૂં તો બીજો કોઇ હીરો કરી લેશે અને ફિલ્મોની સફળતાનું તો કોઇ ઠેકાણું હોતું નથી... ક્યારે કઇ ફિલ્મ સુપરડૂપર હિટ જશે, એ કહેવાય નહિ, એના કરતાં કચરો ફિલ્મ તો છે ને...? ઝડપી લો. ’’ એવું આ ફિલ્મના તમામ ઍક્ટરોએ સ્વીકાર્યું હશે...

19/04/2017

ઓરખાણ પઇડીઇઇઇ...?

એમણે રસ્તા વચ્ચે મને ઊભો રાખી મારો ખભો હલાવીને ભારે ઉમળકાથી પૂછ્યું, 'દાદુ, ઓળખાણ પડી ?' મેં હા જ પાડી દીધી હોય, એવા અંદાજથી એ ચાલુ ય પડી ગયા, 'બોલો સેઠ... આ યોગી આદિત્યનાથનું શું લાગે છે ?'

'ઇ દેખાવમાં માયાવતી જેવા લાગતા હતા, એટલે ડરના માર્યા મેં એમની આંખોમાં જોઇને જવાબ ન આપ્યો. મને કોઈ પુરૂષ અડીને વાત કરે, તે સહન ન થાય. સ્ત્રીઓ માટે આપણું મોટું મન, પણ દેખાવમાં સ્માર્ટ હોય અને માથે ચીકણું-ચીકણું તેલ નાંખેલી તો ન જ હોવી જોઇએ.

'મને નથી પડી...' મેં રસ વગરનો જવાબ આપ્યો.

'હા બ્બૉસ હા... હવે તમે મોટા માણસ બની ગયા... અમારા જેવાની ઓળખાણો ક્યાંથી પડે ?'

'મોટો માણસ હું બેશક છું અને એ બનવામાં મેં ૪૪ વર્ષ ખર્ચ્યા છે... હવે, બોલો છો કે હું જઉં ?'

'ઓહ દાદુ... આમ મજાક ના કરો... હજી મને ન ઓળખ્યો ? આપણી વચ્ચે કેટલો જૂનો સંબંધ...?'

'ઓ હાઆઆ... યાદ આવ્યું ...! આપણે સાબરમતી જૅલમાં સાથે હતા... કાચા કામના કેદીઓ તરીકે... રાઈટ ? તમારો બિલ્લા નં. ૪૫૬... ને મારો -'

'બાપુ... આવી ઊડાવવાની...? તમારી ખબર નથી, પણ હું તો જૅલમાં ગયો નથી...'

એમની ઓળખાણ પાડીને ય કોઈ ફાયદો થાય એવું લાગતું નહોતું. પણ મને કે તમને આવા 'ઓળખાણ પડી ?' વાળા રોજ કેટલા ચોંટે છે ?' શોપિંગ-મોલ, કોઈ સ્ટેજ-શોના પ્રોગ્રામ કે મૅરેજના રીસેપ્શનોમાં આવા કેટલાને સંભાળવાના ?' ચીડાઈ જવાય એવી વાત એ હોય છે કે, એ પાછા ઝટ ફોડ ન પાડે કે, એ કોણ છે ! આપણે રસ્તા વચ્ચે ઓરલ-ટૅસ્ટ આપવા ઊભા હોઇએ, એમ એક સવાલમાં આપણને ફૅઇલ કરીને બીજો પૂછે, 'ચાલો યાદ કરાવું... સાહેબ, યાદ છે '૯૫-ની સાલમાં આશ્રમ રોડ પર નટરાજની નીચે એક છોકરીએ તમારા ઉપર ખીજાઈને ચંપલ કાઢ્યું હતું ?... યાદ છે, બૉસ ?

'એ ચંપલ મને નહિ... તને માર્યું હતું, રાજીયા...!'

'કરેક્ટ... હવે કેવું યાદ આવી ગયું, દાદુ ? તમારી વાત સાચી છે. એ મને જ મારવા ગઇ'તી. સીધી રીતે ઓળખાણ પાડો એવા તમે નથી. મેં ભૂલમાં એ છોકરીને મારી કઝિન સમજીને ખભો ખેંચીને બોલાવી હતી ને એ બીજી નીકળી. ખીજાઈને ચંપલ કાઢ્યું, પણ દાદુ, તમે વચ્ચે પડીને એને સમજાવી કે, સાચ્ચે જ મારી કઝિન એના જેવી લાગતી'તી, માટે ભૂલ થઇ ગઈ...તમે મને બચાવ્યો હતો, દાદુ !

'ઓહ... તું ભૂલમાં પેલીને કઝિન સમજી બેસે એટલો ભોળો નહતો અને બીજું... મને તો ખોટું બોલવાની આદત છે, એમાં મારી વાત એ માની ગઈ -'

કોણ, ક્યારે અને ક્યાં આપણી ઓળખાણ પાડવા આવી જશે, તે ગૂગલમાં શોધી શકાતું નથી. છતાં, એક ડૉક્ટર અને બીજો પોલીસવાળો આપણને મળે અને પૂછે, 'કેમ દેખાતા નથી ? ઓળખાણ તો પડી ને ?' ત્યારે ગભરાહટમાં મેં પહેરેલા કપડાં ઢીલાં થવા લાગે છે. આમ તો આ પર્સનલ વાત છે અને હું વાચકો સાથે શૅર ન કરૂં, પણ નજીકના દોસ્તો મને 'દાદુ' કહે છે, એમાં મારી કોઈ કમાલ નથી. આ ઉપનામ મેં કે કોઈએ રાખ્યું નહોતું, પણ આખી જુવાની ખાડિયામાં ગઇ અને ત્યાં એકબીજાને નામ સિવાય બીજી કોઈપણ પધ્ધતિથી બોલાવવાનો રિવાજ ચાલે. માની લો કે, નામ 'પરેશ', તો એને પરીયો-બરીયો કહે, એ તો બહુ સારૂં કહેવાય. એને બદલે પરીયાની વાત નીકળે, એટલે યારદોસ્તો આમ વાત કરે, 'બે, સુઉં વાત કરે છે ? પરીયો...? યૂ મીન, પરીયો-જેની બેન ધોબીની પોળના પેલા લંગડા સાથે ભાગી ગઈ'તી એ ?'

એ લંગડો ખરેખર કોઈ લંગડો ન હોય, પણ એને 'લાલીયા' ને બદલે 'લંગડો' કહેવાથી વાતમાં જરા વધારે વજન પડે.

મેં ખાડિયા છોડયું અને લેખક બનવાને કારણે અનેક લોકોને મળવાનું થવા માંડયું, એમાં નામો યાદ રાખવાના પ્રોબ્લેમ થાય ! મને નામો યાદ નથી રહેતા, પણ ખાડિયાની તહેઝીબ મુજબ, એકબીજાને એના અસલી નામને બદલે 'ગુરૂ, બૉસ, પાર્ટી, લેંચુ, દાદુ, ટીંચર, ભીડ કે ટણપા' કહીને બોલાવાય. આમ ગુરૂ કે બૉસ કહીને બોલાવાય પણ, 'ઓ ગુરૂ... આ જરા આપણી સાયકલમાં હવા ભરાઈ લાય ને !' મને નામ યાદ ન રહે ને પેલાને ખોટું ન લાગે એટલે એને જોતાવ્હેંત, 'આઓ દાદુ...' કહીને બોલાવું, એમાં એ ખુશ તો થાય જ, પણ એ સમજી એવું બેસે કે, હું એને એકલાને 'દાદુ' કહું છું, પરિણામે એને બીજું કોક મળ્યું હોય ત્યારે પેલો-એ બીજા કોકને કહે, 'તમે ત્યારે અશોક દવેને કે'જો ને, 'દાદુ મળ્યા'તા...!' એટલે ઓળખી જશે.'

તારી ભલી થાય ચમના. હું ગામમાં આવા બીજા પચ્ચાસને 'દાદુ' કહું છું, એમાં લોકોએ મને 'દાદુ' બનાવી દીધો છે. આમાં કોઇની પાસે આત્મહત્યા કરાવવાનું ઝનૂન ફોન ઉપાડયા પછી ઉપડે, 'કોણ દાદુ...? અરે બૉસ, હું દાદુ બોલું છું... તમને એક ખાસ મૅસેજ આલવાનો છે કે, બુધવારે પેલો ટીંચર મળ્યો'તો...ના ઓળખ્યો ? પેલો તરૂણ ટીંચરીયો... પિત્તળના પવાલામાં વોડકા પીતો'તો, એ...! મને કહે, 'દાદુને કહેજો ટીંચર અને ભીડ તમારે ત્યાં ગુરૂવાર આવશે, બૉસ !''

'આઆઆ...આ 'ભીડ' કોણ ?' મેં તો ટીંચરને ય નહતો ઓળખ્યો, પણ કદાચ ક્લ્યૂ મળે, એટલે 'ભીડ' માટે પૂછી જોયું.

'શું દાદુ તમે ય તે...! અરે ભીડ એટલે માણેક ચૉકમાં ગાંઠીયાવાળાને ટોપી પહેરાઈને પૈસા આલ્યા વિના ભાગ્યો'તો ને ગાંઠીયાવાળો તાવેથો લઇને બી.ડી.કોલેજ સુધી નો'તો દોડયો... એ ભીડ ! બીજી ઓળખાણ આલું... આ 'ભીડ' એટલે, પેલી મસ્ત માલ દીપિકાનો ભ', યાર !'
સાલું ડરના માર્યા પહેલા તો એ યાદ કરી લીધું કે, હું જેને પરણીને લાયો'તો, એનું નામ તો દીપિકા નહોતું ને ? એ જમાનો ને એ ધગધગતી ઉંમર એવી હતી કે, ખાડિયાની પોળે-પોળે આપણું એકાદ સાસરૂં તો મળી આવે, ભલે એ બધીઓના ફાધરોને રાજી રાખી શકાય એમ ન હોવાથી હું ખાડિયા બહારનીને પરણ્યોહતો... ખાડિયા બહારની લાવવાનું કારણ એ કે, ખાડિયા બહાર પાછી આપણી છાપ સારી...!

એટલું ખરૂં કે, ખાડિયા છોડે આજે ૩૦-૩૫ વર્ષ થયાપછી પણ પાર્ટીના અસલી નામથી બોલાવો તો હજી ય કોઇ ન ઓળખે. એ તો ડીઝલ, ખેંપટ કે ખમણ કહીને યાદ કરો એટલે નામ પૂછવાની ય જરૂર ન રહે. પાર્ટી એની જન્મકુંડળી નહિ, પોળ-કુંડળી સાથે યાદ આવી જાય...

છતાં એ બધી ભીડ, ગુરૂઓ કે બૉસો એકબીજાને આજે ય મળે ત્યારે એકબીજાને મળવાનો આનંદ અમિતાભ, સચિન કે નરેન્દ્ર મોદીને મળવા કરતા 'ડબ્બલ' હોય... સુઊં કિયો છો, ખાડિયાના ગ્રીનકાર્ડવાળાઓ ?

સિક્સર
શહેરના રસ્તાઓ કોઈ ૪-૫ ફૂટ તો જાવા દિયો, આવનારા બસ્સો વર્ષમાં બબ્બે ઈંચ પણ પહોળા થવાના નથી અને RTO વાળા રોજના નવા પાંચસો વાહનો શહેરના રસ્તાઓ ઉપર મૂકાવે છે. લોકો વાહનો ચલાવશે ક્યાં ?
-
આજે નહિ તો કાલે... ભારતભરમાં સાયકલો જ પાછી આવવાની છે.