Search This Blog

09/04/2017

ઍનકાઉન્ટર : 09-04-2017

* દુઃખ આવતું રહ્યું છે ને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળવું પડે, એનું નામ જિંદગી. આ બાબતે આપનો અભિપ્રાય ?
-
છાપું અને ટોયલેટ... બન્ને પતી ગયા પછી સુખ આપે છે.
 (
દીપક આશરા, ગાંધીનગર)

* ચા એ પુરુષવાચક છે કે સ્ત્રીવાચક ?
-
એ સવારે કોણ બનાવી આપે છે, એના ઉપર આધાર છે.
 (
મૂકેશ પડસાલા, અમદાવાદ)

* ફિલ્મ 'દંગલ'માં હીરો તમે હોત તો ?
-
આ હું નહોતો, એમાં ૧૦૦ કરોડનો બિઝનેસ થયો.
 (
રવિ દિયોરા, સુરત)

 
* આલિયા ભટ્ટે રાહુલ ગાંધીને કહ્યું કે- લોકોએ તો મને બેવકૂફ ચીતરી હતી..
-
તમારે માટે એવી મેહનત તો કરાવો.
(
મલ્હાર બ્રહ્મભટ્ટ, વડોદરા)

* કોઇ પંખો ચાલુ કરો... એ વાક્યથી તમે શું સંદેશો આપવા માંગો છો ?
-
આખો 'દિ એસી ચાલુ ન રખાય. બા ખિજાય.
 (
તરુણા પુરોહિત, દહીંસર-પૂર્વ)

 
* તમે હાસ્યકલાકારની ક્રેડિટ કોને આપો છો ?
-
ક્રેડિટમાં કાંઇ નહિ આપવાનું... બધું રોકડેથી જ !
 (
પાયલ દુધરેજીયા, જામનગર)

* જીવનમાં પ્રેમ જરૂરી કેમ હોય છે ?
-
એ તો બસ.. એમ જ !
 (
શાહિસ્તા કાજી, રાજકોટ)

* વિરોધ પક્ષોએ સંસદ ચાલવા ન દીધી... ક્યાં સુધી આવું કરશે ?
-
જે લોકો પોળને ઓટલે બેસવાને લાયક નહોતા, એ પાર્લામેન્ટમાં બેસી ગયા... અંજામ-એ-ગુલિસ્તાં ક્યા હોગા ?
(
પ્રવીણ ઓઝા, સુરત)

*  વૈભવી ગાડીઓમાં ફરનારાઓ ટૉલટૅક્સ ભરવા કેમ ઠાગાઠૈયા કરતા હશે ?
-
ટૉલટૅક્સ શાને માટે અને ક્યાં સુધી ભરવાનો હોય, એ જાણી લેશો તો આ સવાલ નહિ પૂછો.
 (
જિતેન્દ્ર કેલા, મોરબી)

*  સ્ત્રી હોવાની ગરીમા હોય છે. સ્ત્રીઓ જ શા માટે સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મિટાવવા માંગે છે ?
-
તોડફોડ એમનો પહેલેથી સ્વભાવ.
 (
જય પટેલ, સુરત)

*  તમારે કોઇ સ્ત્રી સાથે ઝગડો થાય કે નહિ ?
-
પ્રેમો કરવાના ફાંફાં છે ત્યાં ઝગડા ક્યાંથી કરવા ?
 (
દિલીપ સુથાર, દેવકાપડી-ભાભર)

*  તમને સૌથી વધુ ગુસ્સો ક્યારે આવે ?
-
ગુસ્સો નહિ પણ દયા આવે, જ્યારે ૫૦થી વધુ ભારતીયો ભેગા થયા હોય ને રાષ્ટ્રગીત ન ગવાય !
 (
પ્રતીક અંતાણી, ભાવનગર)

*  અનામતો રહે ત્યાં સુધી સમરતતાનો ભાવ ક્યાંથી જગવવો ?
-
સાંભળ્યું છે કે, હવે બ્રાહ્મણો, વૈષ્ણવો, સિંધી અને પારસીઓ માટે ય અનામતો આવી રહી છે.
 (
હલક હિમતભાઇ ત્રિવેદી, સુરેન્દ્રનગર)

*  પશુચિકિત્સકો વિશે તમારું શું માનવું છે ?
-
એટલું જ કે, મારે માટે હજી સુધી એમની જરૂર પડી નથી.
 (
મધુરી કોડિયાતર, ગાંધીનગર)

 
* શિયાળામાં તડકે ઊભા રહેવાથી વિટામિન-ડી મળે, તો ઉનાળામાં કેમ નહિ ?
-
ઠેઠ શિયાળે ઊભા હો અને ઉનાળે બેસો, એ બહુ લાંબું ન પડે ?
(
નીલેશ જી. વાળા, સરખડી-કોડિનાર)

 
* આજકાલ ડિમ્પલ ભાભીનો ઉલ્લેખ ઓછો કરો છો.. બ્રૅક-અપ ?
-
લખુ... આઈ મીન લક્ષ્મણ... તુમ સે યે ઉમ્મીદ નહિ થી !
 (
જયેશ અંતાણી, ભાવનગર)

*  મેહમાનો ન આવે, એટલા માટે સોફા ઉપર કૂવૈચ લગાવો છો, તો બા ખિજાતાં નથી ?
-
પછી તો સોફો જ કાઢી નાંખ્યો !
 (
દીપક એસ. માછી, વડોદરા)

*  નામ તો આવી ગયું છાપામાં... હવે ફોટો છપાવવા શું કરવું ?
-
અમારી 'ઝગમગ' પૂર્તિમાં ભૂલકાંના ફોટા છાપે છે.
 (
કૌશલ પંડયા, અમદાવાદ)  

 
* પત્ની અને પ્રેમિકા વચ્ચે શું તફાવત ? એમાં કોની બા ખિજાય ?
-
પ્રેમિકા સુધી બરોબર છે... એની બાને જાવા દિયો !
 (
નયન રાઠોડ, વડોદરા)

*  આપણા દેશ ઉપર સૌથી વધારે જોખમ કોનું ? તમારા દોસ્ત જેન્તી જોખમનું કે રાહુલ ગાંધીનું ?
-
બસ. મરતા પહેલાં જેન્તી એક આંટો દિલ્હી મારી આવ્યો હોત...
 (
મહેશ ચાવડા, ગાંધીનગર)

 
* ફિલ્મોવાળાઓનું લગ્નજીવન ડામાડોળ કેમ હોય છે ?
-
આપણે શી પંચાત ?
 (
ચંદ્રકાંત બગરીયા, પૂણેં-મહારાષ્ટ્ર)

 
* ભૂદેવ બની આશીર્વાદ આપો છો, છતાં ચમનાની ભલી કેમ થતી નથી ?
-
એ મફતમાં આશીર્વાદ લઇ જાય છે, બોલો !
 (
બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)

*  હું માનું છું કે, લોકો પ્રેમનો અસલી અર્થ જાણતા નથી. તમે જાણો છો ?
-
ના.
 (
ચેતન ત્રિવેદી, અમદાવાદ)

*  કહે છે, દીવાલોને કાન હોય છે... હશે, પણ એમને જીભ હોતી નથી, તો પછી વાત બહાર જાય ક્યાંથી ?
-
દીવાલોની પાછળ પડોસી રહેતા હોય છે. એમને કાન હોય છે.
 (
રોહિન્ટન બાંધાનવાલા, મુંબઇ)

*  માત્ર 'એનકાઉન્ટર' વાંચવા છાપું મંગાવવું પડે છે.
-
મારે 'લખવા' મંગાવવું પડે છે.
 (
સોનલ પ્રદીપ જોશી, ભાવનગર)

* તમે ફ્રેન્ચ-કટ દાઢી વધારી ? છાપામાં ફોટો તો મૂકો ?
-
હું પછી બહુ હૅન્ડસમ લાગું, એ મને ના ગમે...!
 (
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

No comments: