Search This Blog

05/04/2017

મોબાઇલને સેલફોન કહેવાય

કહે છે કે, હવે પછીનું બાળક જન્મતાની સાથે કાને સેલ ફોન ભરાવીને જ આવશે. ઉપરવાલાની સ્કીમ મુજબ, એક સેલફોનની સાથે એક બાળક ફ્રી. અને બાળક પણ અંદરથી એની મમ્મી સાથે, 'બહાર બધું કેમનું છે... ? પપ્પા ઘરમાં છે ? આવવા જેવું ખરૂં ?'ની પૂરી ઈન્ક્વાયરી કરીને બહાર આવશે. વિડીયો-કોલની સગવડ હોવાથી મમ્મા પણ એનું છોકરું મહીં પડયું-પડયું શું કરે છે, એ જોઈ શકશે. જમાનો એ છે કે, મમ્મી વગર ચાલશે, પણ મોબાઈલ વગર નહિ ચાલે.... પપ્પાનું તો આમે ય કોણ પૂછે ય છે ! સાયન્સ આગળ વધ્યું છે, એટલે બાળક મોબાઈલ લઇને આવે, એ માટે હનીમૂન વખતે પત્નીએ આખેઆખો મોબાઈલ ગળી જવાની જરૂર નહિ પડે. પ્રસૂતા નારી નવરી બેઠી હોય ત્યારે ઘરનું આધાર-કાર્ડ ચાવે જવું. સહિ-સિક્કા સાથે બાળક સુધી પહોંચી જશે.

સાયન્સની માનવ-જીવનને ઉપયોગી પહેલી પાંચ શોધોમાં મોબાઇલ જેવી મને એકે ય નથી લાગતી. જસ્ટ થિન્ક ઓફ ઇટ... આજ સુધી, હાઇ-વે પર કોઇ બમ્પ અચાનક આવી જતા ગાડીએ હેડકી ખાધી, એમાં કોઇ ઇમર્જન્સી આવી જાય, તો નજીકના ગામના ટેલીફોન-બૂથની રાહ જોવી પડતી. અથવા તો કોઇ ગામડીયાને ધક્કો મારી એની સાયકલ ખૂંચવી લઇ નજીકના ગામ સુધી જવું. ઈશ્વર ન કરે ને હવે હાઇ-વે પર કોઇ પ્રોબ્લેમ થાય તો એવી અવસ્થામાં ય જગતના કોઇ પણ ખૂણે સેલફોન કરીને મદદ માંગી શકો. SMS અને  WhatsApp ની શોધ તો માની ન શકાય એવી લાડકી છે. એક પૈસો ખર્ચવાનો નહિ ને કાચી સેકંડમાં મેસેજ પહોંચી જાય. ('પૈસો નહિ ખર્ચવાનો માટે લાડકી છે !) સેલફોન જેવી ઉપયોગી શોધો બહુ ઓછી થઇ છે.

પણ હવે મોબાઇલ વગરનું માત્ર જીવન જ નહિ, આબરૂ ય ભયમાં આવી જાય છે. ઘરમાં જુઓ. ઉઠતાની સાથે તમારો દીકરો કે દીકરી મોબાઇલ ઉપર ન વળગ્યા હોય, તો ચિંતા થાય કે, એને કોઇ બોલાવતું નહિ હોય ? આપણો દીકરો એવો નાંખી દેવા જેવો હશે કે, કોઇ એને 'વોટ્સએપ' પણ નથી કરતું ? હજી ઊંઘમાં છીએ તો ય આપણા ફોન કે WhatsApp ચાલુ છે ને છોકરો હજી જુવાનજોધ છે, છતાં કોઇ એને બોલાવતું નહિ હોય ? આપણને તો એને પૈણાવવાની ચિંતા થાય ! હજી ગોઠવાતું ન હોય તો દીકરીને કહી રાખવું પડે છે કે, અમથેઅમથો કાને મોબાઇલ ભરાઈ રાખ, બેના...! લાગવું જોઇએ કે, તારો ય કોઇ લેવાલ છે.

પણ એવી ચિંતા તો આપણે ફોનો ઉપર વળગ્યા ન હોઇએ તો એ લોકોને ય આપણી થાય એમ નથી, કારણ કે, આપણે ય મંડેલા હોઇએ છીએ. (એટલું કે, આપણે કોને વળગ્યા હોઇએ છીએ, એ જાહેર થવા દેવાય એવું નથી હોતું !.... જાહેર થઇ જાય તો, આપણા 'ટેસ્ટ' ઉપર એ લોકોને હસવું આવે !) હવે તો ઈનામો ગોઠવી શકાશે કે, આખા દિવસમાં ફોન પર ન મંડેલા દસ-યુવક-યુવતીના ફોટા પાડી લાવનારને એક સેલ ફોન ફ્રી.

આનો સીધો અર્થ એ થયો કે, મોબાઇલ ફોનની શોધ નહોતી થઇ, એ વખત પહેલાની આખા જીવનની કેટલી બધી વાતો કેટલા બધાને કરવાની બાકી રહી ગઇ હતી!

એવું જ સેલ્ફીને કારણે પાવર વધ્યો છે. આજ સુધી આપણે રૂપાળા-દેખાવડા છીએ કે નહિ, એની ખબર જ પડતી નહોતી (આપણને નહિ... બીજાઓને !) પણ સેલ્ફી અને ફેસબુકને કારણે ગામ આખાને વટપૂર્વક બતાવી દેવાય છે કે, 'હવે જોઇ લે, હું કેવી ચાર્મિંગ છું...!' ખાસ તો, માત્ર ૨૦ જ મિનિટમાં આપણો ચાર્મ કેટલો વધી ગયો છે, એ બતાવવા તાત્કાલિક નવો સેલ્ફી લઇને પાછો મોકલી દેવાનો, એટલે જોનારો ભલે મરતો... સાલાને ખબર તો પડે કે, અહીં ય કોઇ અલીબાગથી નથી આવ્યા, સુંદરવનથી આવ્યા છીએ ! અને ચોથી મિનિટે આપણો નવો સેલ્ફી તો મોકલવાના જ હોઇએ ! (સ્પષ્ટતા : મારૂં એક વાર થઇ ચૂક્યું છે અને હું ફેસબૂક પર નથી. સ્પષ્ટતા પૂરી.)

કમનસીબે સાયન્સને આપણે હજી એટલું આગળ વધારી શક્યા નથી કે, ઘરમાં ને ઘરમાં એકબીજા સાથે સેલફોનો પર વાત કરી શકીએ. કાન બે હોવા છતાં વાપરી શકીએ છીએ એક જ સેલ ફોન ! ઘરમાં કાંઈ બે-ત્રણ મેમ્બરો નથી હોતા. ૭-૮ તો મિનિમમ હોય છે. કિચનમાં મહારાજ પાસે સેલફોન હોવા છતાં એમની સાથે વાત તો રૂરૂ જ કરવી પડે છે. બહુ પાછળ રહી ગયા છીએ આપણે !

ઓહ.. હનીમૂનોમાં સેલફોનોનો ઉપયોગ ક્યારે શરૂ થશે ? વાઇફ સાથે આપણે (કે ઈવન, વાઇફને પણ) જવાની જરૂર ન પડે ને હિલ-સ્ટેશન પર માત્ર સેલફોનોથી કામ પતાવી શકાય એટલું સાયન્સને આગળ વધારવાની જરૂર છે. ઘુંઘટ ઉતારવાનું કામ વિડિયો-કોલિંગ દ્વારા શું ન થઇ શકે ? હાલમાં ય વિડિયો ઉપર 'આઈ લવ યૂ'કે 'ફ્લાઈંગ પપ્પા-પપ્પી' બધું ચાલે છે. જાતે ન જઇએ તો બીજા કેટલા કામો પતાવી શકીએ ! વિડીયો-કોલિંગ દ્વારા ગોરમહારાજે તો લગ્નના ઘટનાસ્થળે ઉપસ્થિત રહેવાની આજે ય જરૂરત નથી, છતાં હનીમૂનો સેલફોનોથી પતાવવાનું જરી અઘરૂં છે. શું વિજ્ઞન આ અંગે કાંઇ વિચારશે ? (આને મારૂં 'ચર્ચાપત્ર' સમજવું.)

આ ગૂગલ-ફૂગલના આવ્યા પછી 'બે-ગુણ્યા-બે' કેટલા થાય, એ મોંઢે યાદ નથી રહેતું. પેલામાં તો બે અંગૂઠા મોબાઇલમાં દબાવ્યા એટલે કાચી સેકન્ડમાં પરફેક્ટ જવાબ આવી જાય કે, 'બે-ગુણ્યા-બે એટલે ચાર થાય.' (મેં એક જ્યોતિષી ઉપરાંત અત્યારે કેલ્ક્યુલેટરમાં પણ ચેક કરી જોયું કે, જવાબ 'ચાર' જ આવે છે... પરફેક્ટ. હવે આગળ વાંચો.) બધું મોબાઈલમાં આપ્યું હોય છે એટલે મોંઢે તો વાઇફનો સેલનંબરે ય ઘણાને યાદ નહિ હોય... ભલે ને વાઇફ પોતાની ન હોય ! (એમ કાંઇ બધું યાદે ય રાખવાનું ન હોય ! વાઇફોને પૂછો, એમને આપણો નંબર યાદ છે ? કોઇ પંખો ચાલુ કરો.)

અમેરિકા જેવું હજી શરૂ નથી થયું એ સારૂં છે કે, ગાડીમાં બેઠા બેઠા સરનામું સેલફોનના 'નેવિગેશન'થી પરફેક્ટ શોધી શકાય છે, નહિ તો ઘરમાં જ ડ્રોઇંગ-રૂમમાંથી વોશરૂમ જવા માટે નેવિગેશન વાપરવું પડે. બધું કાંઇ મોંઢે યાદ ન રહે. ઈન્ડિયામાં એ સફળ પણ થાય એવું લાગતું નથી. ત્યાં '૧૨, ડિક્સહિલ', એટલું જ લખો એટલે ગાડી એના દરવાજે આવીને ઊભી રહે. આપણે બહુ લોંબુ-લોંબુ લખવું પડે. ફ્લેટ નં. ૯૨૩, ધત્તેરે કી એપાર્ટમેન્ટ્સ, છાણવાળી ગાયો બેસે છે એની સામેની ગલી, ચાર ખૂણાવાળો રોડ, સ્વ. ડૉન બ્રેડમેન રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (પાછળ 'ઈન્ડિયા' ખાસ લખવું પડે, નહિ તો ગાડી ઑસ્ટ્રેલિયા જઇને ય ઊભી રહે !)

જગતની કોઇ પણ વસ્તુ ખોવાઇ જાય તો એવી જ બીજી વસ્તુ વડે એ શોધી શકાતી નથી. ચાવી આડી અવળી મૂકાઈ ગઇ હોય તો બીજી ચાવી એ શોધી શકતી નથી. ભીડમાં છોકરૂં છૂટું પડી ગયું હોય તો ટૅમ્પરરી બીજાનું માંગી લાવીને આપણું છોકરૂં શોધી શકાતું નથી. (કેટલાક, અપવાદરૂપ કિસ્સામાં કોઇના રીસેપ્શન કે શોપિંગ-મોલમાં વાઇફ છુટી પડી ગઇ હોય તો બીજા કોઇની સુંદર વાઇફ સાથે બે ઘડી હસીને વાતો કરવા મંડવાથી આપણાવાળી આપોઆપ રીબાઉન્ડ થઇને પાછી આવી જાય છે... પણ, આપણે પેલી બીજાવાળી સાથે સૅટ થઇ ગયા પછી આપણાવાળી આવી જાય, એમાં આખા સી.જી.રોડને પાછલા બારણે બંધ કરાવવાનું એલાન આપવું પડે. આ તો એક વાત થાય છે !)


ખોવાઇ ગયેલા મોબાઇલને શોધવામાં બીજો મોબાઇલ કામમાં આવે છે. ઘરમાં આડો મૂકાઇ ગયો હોય તો બીજા કોઈના ફોનથી ઘંટડીઓ વગાડીને આપણો ફોન શોધી શકાય છે.

મને રોજ સવારે તઇણ લિટર દૂધ મોકલવા માટે ભૈયાનો ફોન આવે છે. હું ક્યારેય દૂધ લેતો નથી, માટે ના પાડી કે, હું કદી દૂધ લેતો નથી. હવેથી મને ન આપશો.' પેલો તો આદતથી બંધાયેલો હતો. બીજે પરોઢીયે, ત્રીજે, ચોથે, પંદરમે પરોઢીએ ફોન આવે જ, 'તઇણ લિટર મેકલ્યું છે..'! કેટલી વાર ના પાડે ?

કંટાળીને મેં છેવટે એક વાર અવાજ બદલીને ભૈયાને કહ્યું, 'તમે રોજ સાત નંબરમાં તઇણ લિટર નાંખો છો.. એની સામે મારા નવ નંબરમાં આજે ૪૦૦ કોથળીની જરૂર પડી છે... નાંખશો ? લખી લો, ૧૮ નંબરમાં ૩૧૯ કોથળી, સામે બી-૧માં ૪૮૯ કોથળીનો ઑર્ડર છે... ત્રણે ઘરની કૉમન પાર્ટી છે. તાબડતોબ જોઇએ. ભૈયાએ દૂધનો ધંધો બંધ કરી ખાલી કોથળા વેચવાનો ધંધો શરૂ કર્યો.

સિક્સર
તડબૂચ (કે કોઇ પણ ફ્રૂટ) ખરીદતા પહેલા હજારવાર વિચાર કરજો. મોટા ભાગનાઓ ઈન્જેક્શન મારીને મીઠા બનાવાયા હોય છે, જે શરીરને ફાડી નાંખી શકે એમ હોય છે.

No comments: