Search This Blog

14/04/2017

ફિલ્મ :'નમૂના' ('૪૯)
નિર્માતા : સી.આર.શાહ-ભટ્ટાચાર્ય
દિગ્દર્શક : હીરા સિંઘ
સંગીત : સી.રામચંદ્ર
ગીતકારો : સંતોષી-નખ્શબ
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
કલાકારો : દેવ આનંદ, કામિની કૌશલ, કિશોર, સાહુ, મદન પુરી, લીલા ચીટણીસ, પ્રોતિમાદેવી, હીરા સિંઘ, શ્યામા, શાંતિ, મધોક, સાન્યાલ, નર્મદા, શંકર, શૈલેન બૉઝ અને કક્કુ.

ફિલ્મ 'નમૂના' એ જમાનામાં ('૪૯)માં આવી હતી, જ્યાં ફિલ્મોનું દિગ્દર્શન કે કલાકારોના અભિનયમાં આવડતની જરૂર નહિ પડતી હોય, એવું લાગે. દેવ આનંદ અને કામિની કૌશલ જેવી ઍક્ટિંગ પપૅટ્સ જ કરી શકે. કામિની કૌશલ તો વ્હી.શાંતારામની સ્કૂલમાંથી આવતી હોય, એમ સંધ્યા કે જયશ્રીની માફક દરેક દ્રષ્યમાં આંખની નેણો ઊંચી-નીચી કરે રાખવી, લેવાદેવા વિનાની ગરદન ફેરવે રાખવી અને એક સેકન્ડમાં સાડા ત્રણસો હાવભાવ બદલવાના કૌશલ્યને ઍક્ટિંગ કહેવાતી હશે.

એનાથી તદ્દન વિપરિત, ભાઈશ્રી દેવ આનંદ ફિલ્મની શરૂઆતથી અંત સુધી રોતલ મોંઢું રાખીને ફરે છે, એ રોવાપણામાં ય કોઇ વધઘટ નહિ. કામિની કરતા વધુ હાવભાવો ખલનાયક મદનપુરી બદલતો રહે છે. જ્યારે કામિનીનો પિતા બનતો શૈલેન બૉઝ હરામ બરોબર આખી ફિલ્મમાં એકે ય સંવાદ નાનકડું ઍક્સપ્રેશન પણ લાવીને બોલ્યો હોય તો ! કિશોર સાહુનું તો સમજ્યા કે, એ જમાનામાં દેવ આનંદ કરતા વધુ જાણિતો ઍક્ટર હતો, છતાં અવાજ કે સંવાદો બોલવાની બધી ઢબ તમે ફિલ્મ 'ગાઇડ'માં જોઈ ચૂક્યા છો, એવી એકની એક !

એ જ 'ગાઇડ'માં દેવ આનંદની હરદમ ચોધાર આંસુઓએ રડતી બારે માસ રોતલ ક્લબની ચૅર-પર્સન શ્રીમતી લીલાબાઈ ચીટણીસ આનંદના સંવાદો ય રોતા મોંઢે બોલી જવાની કાબેલિયત ધરાવતી હતી. દેવની બીજી ફિલ્મી મમ્મી પ્રોતિમાદેવી ('જ્વૅલ થીફ') ચેહરા ઉપર કોઇ જ હાવભાવ લાવ્યા વિના રડી શકતી. ગુજરાતી મુખડામાં બનેલું 'મ્હારી ગલીમાં આવજો રે, સુરતવાલા સેઠીયા' એ લતા મંગેશકરે ગાયેલા મજ્જાના ગીત ઉપર ડાન્સ કરતી કક્કુને તમે આ ફિલ્મમાં જુઓ કે અન્ય કોઇપણ ફિલ્મમાં, એના સ્ટૅપ્સમાં કોઇ બદલાવ નહિ. સિનેમામાં એનો ડાન્સ જોતી વખતે તમે કમરથી વાંકા વળી વળીને ડાન્સ કરો તો કક્કુ કરતા જુદો ડાન્સ લાગે.

રહી વાત આ ફિલ્મ 'નમૂના'ની વાર્તાની. એ તો તમે જાતે બનાવી નાંખો ને કે, હીરો-હીરોઇન પ્રેમમાં પડે, વચ્ચે વિલન (મદન પુરી) ડફાકા મારે, દેવ સાથે ઇશ્કો-મુહબ્બતની હરિફાઇ માટે કામિની સાથે લગ્ન કરવા માંગતો વિલન કિશોર સાહુ સાઇડમાં વટ મારતો ફરે. માંડ પતવા આવ્યું હોય ત્યાં આપણને ખબર પડે કે, મોટા ઘરની આ દીકરી કામિની હકીકતમાં તો એક વેશ્યા (લીલા ચીટણીસ)ની પુત્રી છે, એટલે ફિલ્મમાં તમે રોના-ધોના ય લાવ્યા કહેવાઓ. પછી ફિલ્મના 'ઍન્ડ'માં તમારે શું કરવાનું છે, એ અંગે તમારે મૂંઝાઇ જવાનું, એટલે પ્રેક્ષકોને તો જાવા દિયો.... ખુદ તમને ય ન સમજાય એવો ઍન્ડ લાવીને બાત ખતમ કરી દેવાની !

દેવ આનંદ (જન્મ તા. ૨૬ સપ્ટૅમ્બર, ૧૯૨૩ : મૃત્યુ તા. ૩ ડીસેમ્બર, ૨૦૧૧) ચીર યુવાન કહેવાયો, ઑલમોસ્ટ ૮૮-મે વર્ષે ગૂજરી જવા છતાં. એ તો કદાચ તમને ય ખબર નહિ હોય કે, પોતાની સમગ્ર કારકિર્દીમાં દેવ આનંદ એક જ વાર-ફક્ત 'ગાઇડ'માં અવસાન પામ્યો છે. દુનિયાભરની હૅટ કે કૅપ્સ પહેરવાના શોખિન દેવે માથે રાજમુગુટ ફક્ત એક જ ફિલ્મ 'ઈન્સાનીયત'માં પહેર્યો છે. મારી યાદદાસ્ત દગો કરી શકે એમ છે કે, રાજ કપૂર તો એની એકે ય ફિલ્મમાં મર્યો નથી. દિલીપ કુમારને મરવા ઉપર બહુ સારો હાથ બેસી ગયો હતો, એટલે એણે ઘણી ફિલ્મોમાં મરી બતાવ્યું.

પણ પપ્પા દેવ આનંદની આજીવન સેવા કરવા એનો સુપુત્ર સુનિલ આનંદ પરણ્યો જ નહિ. દેવની બહેન શીલાકાન્તાનો પતિ કુલભૂષણ કપૂર દેવની અનેક ફિલ્મોમાં ઍકસ્ટ્રા તરીકે આવી ચૂક્યો છે. એ શેખર કપૂર અને બે બહેનો નીલમ અને અરૂણાના પિતા. આ નીલમ નવિન નિશ્ચલને પરણીને છૂટાછેડા લીધા અને બીજી બહેન અરૂણા બલરાજ સાહનીના પુત્ર પરિક્ષિત (અજય) સાહનીને પરણી અને એ સુખી છે. દેવ આનંદની પત્ની મોના સિંઘ ક્રિશ્ચિયન છે અને લગ્ન પછી કલ્પના કાર્તિક તરીકે ઓળખાઇ.

દેવ આનંદ વિશે તદ્દન 'રૅર' માહિતી એ છે કે, એ કોઇના પણ મૃત્યુ નિમિત્તે કદી સ્મશાને ગયો નથી, સિવાય કે એની માતા અને નાનાભાઈ વિજય આનંદ (ગોલ્ડી)ના મૃત્યુનો આઘાત એ સહન કરી શક્યો નહતો.

કામિની કૌશલના ઘેર મારે જવાનું થયું હતું. અફ કૉર્સ, એ મને ઓળખતા નહોતા, પણ મુંબઇના એક કાર્યક્રમ નિમિત્તે એમને ઘેરથી લેવા મારે જવાનું હતું. કૉલબૅલ સાંભળીને દરવાજો એમના પતિ મિસ્ટર સુદે ઉઘાડયો હતો. મને સારો આવકાર મળ્યો હતો.

એના વર્ષો પછી મારા હાથમાં લગભગ '૫૮-ની સાલનું 'ફિલ્મફૅર' આવ્યું. જેમાં કામિનીના નેહરૂ, ચેતન આનંદ અને અન્ય સાથે ચીન પ્રવાસના રંગીન ફોટાઓ સાથે વિસ્ત્રુત અહેવાલ છપાયો હતો, જે મેં મોકલી આપ્યો તો અત્યંત ભાવુક થઇને આભાર માનતો એમનો ફોન આવ્યો અને ઘણી ડીટૅઇલમાં વાતો કરી હતી. એમણે બાળકો માટે ટીવી કે સ્ટેજ પર ઘણું કામ કર્યું છે.

કમનસીબે, એક ઍક્ટ્રેસ તરીકે કોઇ મોટી છાપ ઊભી કરી શક્યા નહોતા. મનોજ કુમારે એમને ફિલ્મોમાં પોતાની મા નો રોલ આપીને કદર કરી હતી, પણ ખુદ એમને ય એકના એક કિરદારો કરીને કંટાળો આવતા ફિલ્મી લાઇન છોડી દીધી હતી. યોગાનુયોગ, કામિની કૌશલનો જન્મ તા. ૨૪ ફેબ્રૂઆરી, ૧૯૨૭ના રોજ થયો હતો. આ જ દિવસે (ત્રણ વર્ષ પહેલા) તલત મેહમુદ જન્મ્યા હતા. 'ઍપલ'ના સર્વેસર્વા સ્વ.સ્ટીવ જૉબ્સ અને તામિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતા પણ ૨૪ ફેબ્રૂઆરીએ અને મારા સાળા પણ આ જ દિવસે જન્મ્યા હતા. હું પાંચ દિવસ માટે વહેલું જન્મવાનું ચૂકી ગયો હતો. (સાલ ૧૯૨૫-૨૬ વાળી ન સમજવી !)

કિશોર સાહુ દેવ આનંદનો ચહિતો કલાકાર હતો. આપણને તો કિશોરનું મોંઢું જોઇને સદવિચારો આવતા બંધ થઇ જાય, એવો 'વિલનિશ-ફૅસ' હતો. પણ આ ફિલ્મ 'નમૂના'થી દેવ સાથે એનું સંધાન જોડાયું, એ પછી દેવે બને એટલી ફિલ્મોમાં કિશોરને સાથે રાખ્યો હતો. 'નમૂના' પછી ઝલઝલા, કાલા પાની, કાલા બાઝાર, ગાઇડ, હરે રામા, હરે કિશ્ના અને ગૅમ્બલર. આજની ફિલ્મ 'નમૂના'ના ગીત નં. ૫ અને ૬ના ગીતકાર નખ્શબ જારચવી ચરીત્રનો ભારે ભૂંડો માણસ હતો.

કિશોર સાહુએ એ જમાનાની અત્યંત પ્રભાવશાળી અને કમનીય સુંદર અને ઇંગ્લિશ-કલ્ચરવાળી હીરોઇન સ્નેહપ્રભા પ્રધાન સાથે લગ્ન કર્યા હતા. એ વૈભવી સ્ત્રી સાથે તમામ મર્યાદાઓ છોડીને નખ્શબે એની પાસે બદતમીઝ માંગણી કરી હતી. એક જમાનામાં વૅમ્પ નાદિરાના પતિ રહી ચૂકેલા આ ગીતકારે ફિલ્મ 'મહલ'ના 'મુશ્કીલ હૈ બહોત મુશ્કીલ, ચાહત કા ભૂલા દેના' ગીતના રૅકૉર્ડિંગ પછી સ્ટુડિયોમાં એકલી બેઠેલી લતા મંગેશકરને પહેલી જ વાર મળતો હોવા છતાં એવી જ માંગણી કરી અને લતાએ સાફ ઇન્કાર કરી દેતા ફિલ્મઉદ્યોગમાં એને બદનામ કરવાની કોશિષો કરી હતી.

ફિલ્મ 'નમૂના'નું સંગીત ધી ગ્રેટ સી.રામચંદ્રે આપ્યું હતું. મુહમ્મદ રફીને નીગ્લેક્ટ કરનારા બીજા એવા જ ગ્રેટ અનિલ બિશ્વાસ પણ પુરૂષ ગાયકોને ન છૂટકે જ લેતા. બહુ બહુ તો તલત મેહમુદને થોડા ગીતો મળે. પરિણામ ખુલ્લું છે. એકલી લતા મંગેશકર ક્યાં સુધી ચાલે ? બન્ને સંગીતકારોએ લતા પાસેથી જે કામ લીધું છે, તે અનન્ય છે, પણ એ ક્યાં સુધી લાંબુ ચાલે ? ન ચાલ્યું અને બન્ને મહાન હોવા છતાં અધવચ્ચે જ અટકી ગયા. અનિલ દા એ તો ક્વચિત મૂકેશનો ઉપયોગ પણ કર્યો છે, પણ એ ય ક્વચિત જ ! સી. રામચંદ્ર મૂકેશ પાસે માંડ બે-ત્રણ વાર ગયા. મુહમ્મદ રફીને આઘા રાખીને આ બન્ને સંગીતકારોએ નુકસાન તો આપણું જ કર્યું છે. નહિ તો એ બન્નેની પ્રતિભા માટે તો સ્વયં રફીને પણ આદર હતો.

ફિલ્મ 'નમૂના' જોતી વખતે હજાર આશ્ચર્યો વચ્ચે એક મોટું આશ્ચર્ય થયું. કામિની કૌશલ એની કૉલેજમાં ડ્રામા કરવા માંગે છે, પણ હીરો મળતો નથી. હીરો સામે જ બેઠો હોય છે અને ફૉર્મલ આનાકાની પછી હીરો તૈયાર થાય છે. આઘાત એ વાતનો લાગે કે, જે હીરો નહિ મળવાને કારણે નાટક રોકાઇ રહ્યું હતું એ હીરો (દેવ આનંદ) મળી ગયા પછી કામિનીના નાટકમાં હીરો ફક્ત એક દ્રષ્ય માટે સાઇડમાં ઊભેલો દેખાય છે... તારી ભલી થાય ચમના..... આવો હીરો તો ઑડિયન્સમાંથી ય મળી રહેત !

'૪૦-'૫૦ના દશકની ફિલ્મોમાં હીરો કે હીરોઇનના મમ્મી-પપ્પાને ધનવાન બતાવવા હોય તો ચોક્કસ પ્રકારનો સૅટ જ બનતો. વિશાળ અને પહોળો દાદર, મોટા ડ્રૉઇંગ-રૂમમાં પિયાનો, ઠસ્સાવાળી હીરોઇન કે તેની મમ્મી વૈભવી (!) ગાઉન પહેરે અને કાકાએ નાઇટ-સૂટ પહેર્યો હોય. 

હાથમાં ધૂમાડો નીકળતી પાઇપ પકડાવી દેવાની. અને નિશ્ચિંતપણે માની લેવાનું કે, વાત અમીરી-ગરીબી ઉપર ચગવાની છે. દેખિતું છે... ફિલ્મ હિંદી હોય એટલે અંતે વિજય કદી અમીરીનો ન થાય..... ગરીબી જ જીતે !

No comments: