Search This Blog

19/04/2017

ઓરખાણ પઇડીઇઇઇ...?

એમણે રસ્તા વચ્ચે મને ઊભો રાખી મારો ખભો હલાવીને ભારે ઉમળકાથી પૂછ્યું, 'દાદુ, ઓળખાણ પડી ?' મેં હા જ પાડી દીધી હોય, એવા અંદાજથી એ ચાલુ ય પડી ગયા, 'બોલો સેઠ... આ યોગી આદિત્યનાથનું શું લાગે છે ?'

'ઇ દેખાવમાં માયાવતી જેવા લાગતા હતા, એટલે ડરના માર્યા મેં એમની આંખોમાં જોઇને જવાબ ન આપ્યો. મને કોઈ પુરૂષ અડીને વાત કરે, તે સહન ન થાય. સ્ત્રીઓ માટે આપણું મોટું મન, પણ દેખાવમાં સ્માર્ટ હોય અને માથે ચીકણું-ચીકણું તેલ નાંખેલી તો ન જ હોવી જોઇએ.

'મને નથી પડી...' મેં રસ વગરનો જવાબ આપ્યો.

'હા બ્બૉસ હા... હવે તમે મોટા માણસ બની ગયા... અમારા જેવાની ઓળખાણો ક્યાંથી પડે ?'

'મોટો માણસ હું બેશક છું અને એ બનવામાં મેં ૪૪ વર્ષ ખર્ચ્યા છે... હવે, બોલો છો કે હું જઉં ?'

'ઓહ દાદુ... આમ મજાક ના કરો... હજી મને ન ઓળખ્યો ? આપણી વચ્ચે કેટલો જૂનો સંબંધ...?'

'ઓ હાઆઆ... યાદ આવ્યું ...! આપણે સાબરમતી જૅલમાં સાથે હતા... કાચા કામના કેદીઓ તરીકે... રાઈટ ? તમારો બિલ્લા નં. ૪૫૬... ને મારો -'

'બાપુ... આવી ઊડાવવાની...? તમારી ખબર નથી, પણ હું તો જૅલમાં ગયો નથી...'

એમની ઓળખાણ પાડીને ય કોઈ ફાયદો થાય એવું લાગતું નહોતું. પણ મને કે તમને આવા 'ઓળખાણ પડી ?' વાળા રોજ કેટલા ચોંટે છે ?' શોપિંગ-મોલ, કોઈ સ્ટેજ-શોના પ્રોગ્રામ કે મૅરેજના રીસેપ્શનોમાં આવા કેટલાને સંભાળવાના ?' ચીડાઈ જવાય એવી વાત એ હોય છે કે, એ પાછા ઝટ ફોડ ન પાડે કે, એ કોણ છે ! આપણે રસ્તા વચ્ચે ઓરલ-ટૅસ્ટ આપવા ઊભા હોઇએ, એમ એક સવાલમાં આપણને ફૅઇલ કરીને બીજો પૂછે, 'ચાલો યાદ કરાવું... સાહેબ, યાદ છે '૯૫-ની સાલમાં આશ્રમ રોડ પર નટરાજની નીચે એક છોકરીએ તમારા ઉપર ખીજાઈને ચંપલ કાઢ્યું હતું ?... યાદ છે, બૉસ ?

'એ ચંપલ મને નહિ... તને માર્યું હતું, રાજીયા...!'

'કરેક્ટ... હવે કેવું યાદ આવી ગયું, દાદુ ? તમારી વાત સાચી છે. એ મને જ મારવા ગઇ'તી. સીધી રીતે ઓળખાણ પાડો એવા તમે નથી. મેં ભૂલમાં એ છોકરીને મારી કઝિન સમજીને ખભો ખેંચીને બોલાવી હતી ને એ બીજી નીકળી. ખીજાઈને ચંપલ કાઢ્યું, પણ દાદુ, તમે વચ્ચે પડીને એને સમજાવી કે, સાચ્ચે જ મારી કઝિન એના જેવી લાગતી'તી, માટે ભૂલ થઇ ગઈ...તમે મને બચાવ્યો હતો, દાદુ !

'ઓહ... તું ભૂલમાં પેલીને કઝિન સમજી બેસે એટલો ભોળો નહતો અને બીજું... મને તો ખોટું બોલવાની આદત છે, એમાં મારી વાત એ માની ગઈ -'

કોણ, ક્યારે અને ક્યાં આપણી ઓળખાણ પાડવા આવી જશે, તે ગૂગલમાં શોધી શકાતું નથી. છતાં, એક ડૉક્ટર અને બીજો પોલીસવાળો આપણને મળે અને પૂછે, 'કેમ દેખાતા નથી ? ઓળખાણ તો પડી ને ?' ત્યારે ગભરાહટમાં મેં પહેરેલા કપડાં ઢીલાં થવા લાગે છે. આમ તો આ પર્સનલ વાત છે અને હું વાચકો સાથે શૅર ન કરૂં, પણ નજીકના દોસ્તો મને 'દાદુ' કહે છે, એમાં મારી કોઈ કમાલ નથી. આ ઉપનામ મેં કે કોઈએ રાખ્યું નહોતું, પણ આખી જુવાની ખાડિયામાં ગઇ અને ત્યાં એકબીજાને નામ સિવાય બીજી કોઈપણ પધ્ધતિથી બોલાવવાનો રિવાજ ચાલે. માની લો કે, નામ 'પરેશ', તો એને પરીયો-બરીયો કહે, એ તો બહુ સારૂં કહેવાય. એને બદલે પરીયાની વાત નીકળે, એટલે યારદોસ્તો આમ વાત કરે, 'બે, સુઉં વાત કરે છે ? પરીયો...? યૂ મીન, પરીયો-જેની બેન ધોબીની પોળના પેલા લંગડા સાથે ભાગી ગઈ'તી એ ?'

એ લંગડો ખરેખર કોઈ લંગડો ન હોય, પણ એને 'લાલીયા' ને બદલે 'લંગડો' કહેવાથી વાતમાં જરા વધારે વજન પડે.

મેં ખાડિયા છોડયું અને લેખક બનવાને કારણે અનેક લોકોને મળવાનું થવા માંડયું, એમાં નામો યાદ રાખવાના પ્રોબ્લેમ થાય ! મને નામો યાદ નથી રહેતા, પણ ખાડિયાની તહેઝીબ મુજબ, એકબીજાને એના અસલી નામને બદલે 'ગુરૂ, બૉસ, પાર્ટી, લેંચુ, દાદુ, ટીંચર, ભીડ કે ટણપા' કહીને બોલાવાય. આમ ગુરૂ કે બૉસ કહીને બોલાવાય પણ, 'ઓ ગુરૂ... આ જરા આપણી સાયકલમાં હવા ભરાઈ લાય ને !' મને નામ યાદ ન રહે ને પેલાને ખોટું ન લાગે એટલે એને જોતાવ્હેંત, 'આઓ દાદુ...' કહીને બોલાવું, એમાં એ ખુશ તો થાય જ, પણ એ સમજી એવું બેસે કે, હું એને એકલાને 'દાદુ' કહું છું, પરિણામે એને બીજું કોક મળ્યું હોય ત્યારે પેલો-એ બીજા કોકને કહે, 'તમે ત્યારે અશોક દવેને કે'જો ને, 'દાદુ મળ્યા'તા...!' એટલે ઓળખી જશે.'

તારી ભલી થાય ચમના. હું ગામમાં આવા બીજા પચ્ચાસને 'દાદુ' કહું છું, એમાં લોકોએ મને 'દાદુ' બનાવી દીધો છે. આમાં કોઇની પાસે આત્મહત્યા કરાવવાનું ઝનૂન ફોન ઉપાડયા પછી ઉપડે, 'કોણ દાદુ...? અરે બૉસ, હું દાદુ બોલું છું... તમને એક ખાસ મૅસેજ આલવાનો છે કે, બુધવારે પેલો ટીંચર મળ્યો'તો...ના ઓળખ્યો ? પેલો તરૂણ ટીંચરીયો... પિત્તળના પવાલામાં વોડકા પીતો'તો, એ...! મને કહે, 'દાદુને કહેજો ટીંચર અને ભીડ તમારે ત્યાં ગુરૂવાર આવશે, બૉસ !''

'આઆઆ...આ 'ભીડ' કોણ ?' મેં તો ટીંચરને ય નહતો ઓળખ્યો, પણ કદાચ ક્લ્યૂ મળે, એટલે 'ભીડ' માટે પૂછી જોયું.

'શું દાદુ તમે ય તે...! અરે ભીડ એટલે માણેક ચૉકમાં ગાંઠીયાવાળાને ટોપી પહેરાઈને પૈસા આલ્યા વિના ભાગ્યો'તો ને ગાંઠીયાવાળો તાવેથો લઇને બી.ડી.કોલેજ સુધી નો'તો દોડયો... એ ભીડ ! બીજી ઓળખાણ આલું... આ 'ભીડ' એટલે, પેલી મસ્ત માલ દીપિકાનો ભ', યાર !'
સાલું ડરના માર્યા પહેલા તો એ યાદ કરી લીધું કે, હું જેને પરણીને લાયો'તો, એનું નામ તો દીપિકા નહોતું ને ? એ જમાનો ને એ ધગધગતી ઉંમર એવી હતી કે, ખાડિયાની પોળે-પોળે આપણું એકાદ સાસરૂં તો મળી આવે, ભલે એ બધીઓના ફાધરોને રાજી રાખી શકાય એમ ન હોવાથી હું ખાડિયા બહારનીને પરણ્યોહતો... ખાડિયા બહારની લાવવાનું કારણ એ કે, ખાડિયા બહાર પાછી આપણી છાપ સારી...!

એટલું ખરૂં કે, ખાડિયા છોડે આજે ૩૦-૩૫ વર્ષ થયાપછી પણ પાર્ટીના અસલી નામથી બોલાવો તો હજી ય કોઇ ન ઓળખે. એ તો ડીઝલ, ખેંપટ કે ખમણ કહીને યાદ કરો એટલે નામ પૂછવાની ય જરૂર ન રહે. પાર્ટી એની જન્મકુંડળી નહિ, પોળ-કુંડળી સાથે યાદ આવી જાય...

છતાં એ બધી ભીડ, ગુરૂઓ કે બૉસો એકબીજાને આજે ય મળે ત્યારે એકબીજાને મળવાનો આનંદ અમિતાભ, સચિન કે નરેન્દ્ર મોદીને મળવા કરતા 'ડબ્બલ' હોય... સુઊં કિયો છો, ખાડિયાના ગ્રીનકાર્ડવાળાઓ ?

સિક્સર
શહેરના રસ્તાઓ કોઈ ૪-૫ ફૂટ તો જાવા દિયો, આવનારા બસ્સો વર્ષમાં બબ્બે ઈંચ પણ પહોળા થવાના નથી અને RTO વાળા રોજના નવા પાંચસો વાહનો શહેરના રસ્તાઓ ઉપર મૂકાવે છે. લોકો વાહનો ચલાવશે ક્યાં ?
-
આજે નહિ તો કાલે... ભારતભરમાં સાયકલો જ પાછી આવવાની છે.

1 comment:

Mitul said...

Dadu odkhan paydiiiii.. naj pade have tame mota Thai gaya.. Amara jeva 33 varas Na ne thoda odkho..