Search This Blog

22/04/2017

ફિલ્મ : ‘હેરા ફેરી’ (૭૬)
નિર્માતા : ચૌધરી
ન્ટરપ્રાઇઝ
દિગ્દર્શક : પ્રકાશ મેહરા
સંગીત : કલ્યાણજી–આણંદજી
ગીતકાર : અંજાન
રનિંગ ટાઇમ : ૧૮ રીલ્સ : ૧૬૮ મિનિટ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સાયરા બાનુ, સુલક્ષણા પંડિત, ડૉ. શ્રીરામ લાગુ, ઊર્મિલા ભટ્ટ, પિંચુ કપૂર, ગોગા કપૂર, મૅકમોહન, મોહન શૅરી, યુનુસ પરવેઝ, વિકાસ આનંદ, પદ્મા ખન્ના, ઇન્દુમેહતા, રામ સેઠી, તરૂણ ઘોષ અને પી. જયરાજ.

ગીતો
૧. આપ કા સરકાર ક્યા કુછ ખો ગયા હૈ..... આશા ભોંસલે
૨. કલ તક રબ... દરબાર મેં ઉપરવાલે કે... કિશોર – મહેન્દ્ર
૩. મુઝે પ્યાર મેં ખત કિસીને લિખા હૈ... આશા ભોંસલે
૪. બરસો પુરાના યે યારાના, એક પલ મેં... કિશોર કુમાર
૫. કૌન અંજામ–એ–ઉલ્ફત નહી જાનતા... લતા મંગેશકર
ફક્ત ગીત નં. ૨ ઇન્દિવર, બાકીમાં અંજાન.

હિંદુઓમાં મનાય છે કે, કોકના મૃત્યુની અફવા ઊડે, તો એ વ્યક્તિનું આયુષ્ય લંબાઈ જાય છે. વિનોદ ખન્નાનું આયુષ્ય તો આ લેખ લખાય છે, ત્યાં સુધી તો લંબાઈ ગયું છે અને ઇશ્વરને પ્રાર્થના ય આપણે સહુ ભેગા મળીને કરી દઇએ કે, આવો હૅન્ડસમ અને કાબિલ હીરો હજી એની ઇચ્છા હોય ત્યાં સુધી જીવવો જોઇએ. સોશિયલ મીડિયા કેવું તગડું છતાં સ્થૂળ થતું જાય છે કે, કોઈકે અત્યંત નંખાઈ ગયેલા બિમાર વિનોદનો ફોટો વોટ્સઍપમાં વાયરલ કરી દીધો, ને ઉપરથી કાંઈ જ ‘કન્ફર્મ’ કર્યા વિના એમ પણ લખી દીધું હતું કે, ‘વિનોદ ખન્નાનું અવસાન થયું છે.’ એમાં કાચી સેકંડમાં આખા દેશમાં ખોટી ખબર ફેલાઈ ગઈ. આ લખનાર પણ જૂઠની ઝપેટમાં આવી ગયા હતા અને કોઇ  ૧૦–૧૫ દોસ્તોને આવો મૅસેજ ફૉરવર્ડ કર્યો.

કમનસીબે, આવા સોહામણા અને ‘માચો’ હીરોની બિમારી પછીનો ફોટો મૃત્યુ કરતાં ય વધુ ડરામણો હતો. જેને આપણે સ્વર્ગસમી રાજધાનીના રાજકુમાર સ્વરૂપે જોયો હોય, એ આટલો અશક્ત, નિ:સહાય અને મનથી ભાંગી પડેલો દેખાય, એ આપણને આજે ય મંજૂર નથી. પ્રાર્થનાઓ એટલે જ કરવી જોઇએ કે, મૃત્યુ તો સહુનું આવવાનું છે, પણ આવા સશક્ત અને હૅન્ડસમ માણસને પરમેશ્વર આવું લાચાર મૌત ન આપે. આવી હસ્તીઓ મરવી પણ જોઇએ કોઇ રાજા–શહેનશાહને છાજે એવી રીતે !

પાકિસ્તાનના પેશાવર (ત્યાંનો પઠાણી ઉચ્ચાર, પિશાવર)માં ૬ઠ્ઠી ઑક્ટોબર, ૧૯૪૬ના રોજ જન્મેલા વિનોદ ખન્નાનું ‘રૂક જાના નહિ, તું કહીં હાર કે...’ ગીતવાળી ફિલ્મ ‘ઈમ્તિહાન’ જોયેલી યાદ હોય તો નાસિક પાસેના દેવલાલી ગામમાં આવેલી બાન્સૅસ્કૂલમાં પૂરી ફિલ્મનું શૂટિંગ થયું હતું. એ જ સ્કૂલમાં એક જમાનામાં ધી ગ્રેટ દિલીપ કુમાર ભણ્યા હતા. કરોડો કમાવી આપતી ફિલ્મી કરિયર પડતી મૂકીને વિનોદ અચાનક આચાર્ય રજનીશનો શિષ્ય બની ફિલ્મોને અલવિદા કહી બેઠો. થોડા વર્ષોમાં ભૂલ સમજાતા એ ફિલ્મોમાં પાછો આવ્યો અને પ્રેક્ષકો તો તૈયાર જ હતા, એને વધાવી લેવા માટે.

મને યાદ છે ૧૯૬૮ની સાલ. મે તાજું તાજું એસ.એસ.સી. પાસ કર્યું હતું અને ઘટમાં ઘોડા થનગનતા હતા અમદાવાદની કૃષ્ણ ટૉકીઝની બહાર લાગેલી ધક્કામુક્કીવાળી લાંબી લાઈનમાં ઊભા રહીને ફિલ્મ ‘મનકા મીત’ જોવાના. સુનિલ દત્તે પોતાના નાના ભાઇ સોમ દત્તને ચમકાવવા બનાવેલી આ ફિલ્મ જોવાનું એક માત્ર આકર્ષણ આ ફિ;મમાં બિલકુલ સાચી લાગે એવી ‘ફાઇટિંગ’ જોવાની. એ જમાનાના પ્રેક્ષકો માની નહોતા શકતા કે, આ સાચી મારામારી તો નહિ હોય ! સોમ દત્તની આ ફાઈટિંગ એની જેમ પહેલી જ ફિલ્મમાં ચમકતા વિલન વિનોદ ખન્ના સાથે હતી. સોમ–વિનોદની જેમ લીના ચંદાવરકર અને સંધ્યારાનીની ય એ પહેલી ફિલ્મ હતી પણ નસીબ જુઓ... આજ સુધી સોમ દત્ત અને સંધ્યારાની ક્યાં ફેંકાઈ ગયા, તેની કોઇની જાણ નથી ને વખત જતા લીના અને વિનોદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો–હીરોઈન તરીકે છવાઇ ગયા. વિનોદને બે માર્ક વધારે આપવા પડે કે, એ તો વિલનમાંથી હીરો બન્યો. (...અને હીરોમાંથી પાછા વિલન બનવા એ રાજકારણમાં જોડાઇને ભાજપનો સંસદ સભ્ય બન્યો હતો ! )

૧૯૭૬માં આવેલી આ ફિલ્મ ‘હેરા ફેરી’માં વિનોદ અમિતાભ બચ્ચન સાથે પેરેલલ (સમાંતર) રોલમાં હતો, પણ અમિતાભ સાથે એકે ય હીરો પૅરેલલ રોલમાં હોઇ શકે ખરો ? આ બન્નેએ કોઈ સાત–આઠ ફિલ્મો સાથે કરી હશે, છતાં તાજેતરમાં બહાર પડેલી રિશી કપૂરની આત્મકથા (ખુલ્લમ ખુલ્લા)માં રિશીએ જણાવ્યા મુજબ, અમિતાભે પોતાના સહકલાકારોને કદી ય ફિલ્મની સફળતાનો યશ કે ઇવન ઉલ્લેખ આપ્યો નથી. બચ્ચનની ધાંયધાંય સફળતા સામે એક માત્ર વિનોદ ખન્ના ટકી જતો હતો, પણ રજનીશજીનો સન્યાસ વચમાં આવી જતા અમિતાભનો માર્ગ તદ્દન મોકળો થઇ ગયો. રાજેશ ખન્નાને ખલાસ કરવા માટે તો એ પોતે એકલો કાફી હતો ને એમાં ય અમિતાભ જેવા સર્વોત્તમ હીરો સાથે ખન્નો ટક્કર મારી બેઠો, એમાં ભઇ ક્યાં ખોવાઇ ગયા એની ય ખબર ન પડી.

વિનોદની આજની આ ફિલ્મ ‘હેરા ફેરી’ તો તમે ન જુઓ એમાં કલ્યાણ છે, પણ એની બેશક જોવા જેવી ઘણી ફિલ્મોમાં ‘અચાનક, ઇમ્તિહાન, શક, રિસ્ક, મૈં તુલસી તેરે આંગનકી અને દયાવાન’ ખાસ જોજો. ‘હેરાફેરી’ બીજા કોઇએ ઉતારી હોત તો, ‘છુટા નથી...’ આગળ જાઓ, બાબા, કહીને કાઢી મૂક્યો હોત, પણ બચ્ચનની ઝંજીર, શરાબી અને નમકહલાલ જેવી સુંદર ફિલ્મો બનાવનાર પ્રકાશ મેહરાએ ‘હેરાફેરી’ ઉતારીને પોતાની સાથે બચ્ચન, ખન્ના, સાયરા કે સુલક્ષણા... બધાની અક્કલોના એકસામટાં દેવાળા ફૂંકાવ્યા છે. યસ. ફિલ્મ બકવાસ હોઇ શકે, પણ આટલો  મોટો બકવાસ તો તમિલ–કન્નડ–તેલુગુ કે મલયાલમ ફિલ્મોમાં ય જોવા નહોતો મળતો. ‘‘ફિલ્મ ભલે થર્ડ ક્લાસ હોય... હું નહિ કરૂં તો બીજો કોઇ હીરો કરી લેશે અને ફિલ્મોની સફળતાનું તો કોઇ ઠેકાણું હોતું નથી... ક્યારે કઇ ફિલ્મ સુપરડૂપર હિટ જશે, એ કહેવાય નહિ, એના કરતાં કચરો ફિલ્મ તો છે ને...? ઝડપી લો. ’’ એવું આ ફિલ્મના તમામ ઍક્ટરોએ સ્વીકાર્યું હશે...

1 comment:

Unknown said...

અશોકભાઈ,
First time I beg difer little, I had seen this movie in 1980 @ age of 18. મારી એ વખત ની સમજ શક્તિ પ્રમાણે હેરાફેરી સારી સસ્પેન્સ થ્રિલર મુવી માં ની એક હતી.