Search This Blog

07/04/2017

'નીંદ હમારી ખ્વાબ તુમ્હારે' ('૬૬)

ફિલ્મ     :     'નીંદ હમારી ખ્વાબ તુમ્હારે' ('૬૬)
નિર્માતા     :     મૂવી મૉન્યુમૅન્ટ્સ (મુંબઇ)
દિગ્દર્શક     :     શિવ સાહની
સંગીત     :     મદન મોહન
ગીતકાર     :     રાજિન્દર કિશન
રનિંગ ટાઈમ :     ૧૪-રીલ્સ
થીયેટર     :     લાઈટ હાઉસ
કલાકારો  :  શશીકપૂર, નંદા, બલરાજ સાહની, શશીકલા, રાજીન્દર નાથ, નિરૂપા રૉય, મનમોહન, અનવર હૂસેન, મનોરમા, વિશ્વ મેહરા, મધુમતિ, બેલા બૉઝ, લોટન અને ઓમપ્રકાશ.




ગીતો
૧.    સાકીયા એક જામ વો ભી તો દે દે...    આશા-મુબારક બેગમ
૨.    યૂં રૂઠો ના હસિના, મેરી જાન પે ...    મુહમ્મદ રફી
૩.    કભી તેરા દામન ન છોડેંગે હમ...    આશા ભોંસલે-મુહમ્મદ રફી
૪.    ભીગી હુઇ ઇસ રાત કા આંચલ...    આશા ભોંસલે
૫.    હુસ્ન જબ જબ, ઈશ્ક સે ટકરા ગયા...    આશા ભોંસલે-મુહમ્મદ રફી
૬.    કોઇ શિકવા ભી નહિ, ...    આશા ભોંસલે

જે સળગતો સવાલ આજે પણ ફિલ્મોમાં કે સોસાયટીમાં લેવા-દેવા વગરનો ચવાઈ રહ્યો છે, એ લગ્ન નિમિત્તે જ્ઞાતિ-જાતિના ભેદભાવનો ! એકબીજાની જ્ઞાતિને ઉતરતી ગણવામાં સવર્ણોથી માંડીને હરકોઈ તેહઝીબમાં આ સવાલ મોટા ઇગોનો બનાવાતો રહ્યો છે. જેમ કે, ફિલ્મ 'નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે'ની વાર્તા વ્યવસાયે નાયીમાંથી નવાબ બનેલા ઓમપ્રકાશ (અજુ નાઇ ઉર્ફે નવાબ અજમતુલ્લા ખાન) તેની બેગમ મનોરમા (બેગમ અજમતુલ્લા ફારૂકી) કેવળ પોતાની જ્ઞાતિને કારણે પોતાને તરછોડાયેલા માને છે.

એમનો શિક્ષિત પુત્ર શશી કપૂર (અનવર ફારૂકી) ઉચ્ચ જ્ઞાતિજાતિમાં મોટો ઇગો રાખનાર બલરાજ સાહની (ખાન બહાદૂર) અને તેમના પત્ની નિરૂપા રૉય (બેગમ ખાન બહાદુર) આ પરંપરાનો ભોગ બને છે અને ખાન બહાદુરની ઇંગ્લૅન્ડ-રીટર્ન્ડ સુંદર પુત્રી (નિશાદ)ના નિકાહ મંજૂર રાખતા નથી. પોતાની કહેવાતી સામાન્ય જ્ઞાતિ સમાજથી છુપી રાખવા-અને ખાસ તો, શશી કપૂરના લગ્ન કરાવી દેવા પિતા ઓમપ્રકાશ જૂઠ્ઠાણાનો સહારો લઇ પોતાની જ્ઞાતિ છુપાવે છે. ધાર્યા મુજબ, ફિલ્મના અંતે ભાંડો ફૂટી જાય છે અને લાલચોળ બલરાજ સાહની ત્યારે માને છે, જ્યારે જેને એ પોતાની જેમ ઉચ્ચ વર્ણનો માને છે, તે મનમોહન, (નવાબ શૌકત હમિદ ખાન) હલકો માણસ સાબિત થાય છે ને છેવટે સારાવાનાં થાય છે.

એ વખતની કે આજના સમયની આવા સબ્જૅક્ટની તમામ ફિલ્મો ઇન્ટરકાસ્ટ મૅરેજને સપોર્ટ કરે છે. નવાઇ એ વાતની લાગે કે, દીકરીને પોતાની જ્ઞાતિમાં જ પરણાવવાનો આગ્રહ હરએક માં-બાપ કેમ રાખે છે, એની ચર્ચા એકે ય ફિલ્મમાં આવતી નથી તે આવા માતા-પિતાઓનો હંમેશા પરાજય દર્શાવાતો રહ્યો છે. આ લોકો સમાજને સંદેશો શું આપે છે ?

મા-બાપ દીકરીને પોતાના જ સમાજમાં કેમ પરણાવવા માગતા હશે ? શું એ બધા બેવકૂફો હશે ? જ્ઞાતિ તો કોઈ ઊંચી-નીચી નથી હોતી, એ તો આપણે ય સ્વીકારીએ છીએ. પણ પુત્ર-પુત્રી માટે પોતાની જ જ્ઞાતિ અથવા સમાજનું પાત્ર શોધવાનો મૂળ હેતુ દીકરી દુ:ખી ન થાય, તેનો નહિ ??? માણસો જોયેલા-જાણિતા હોય અને ખાસ તો જે સંસ્કારોમાં દીકરીનો ઉછેર થયો હોય, તેનાથી તદ્દન વિપરીત સમાજમાં મોકલવામાં હરકોઈ મા-બાપને ટૅન્શન રહે. દરેક જ્ઞાતિના રસ્મો-રિવાજ નોખા હોય, જેનાથી નવીસવી વહુ બનીને આવેલી છોકરી માહિતગાર ન હોય.

ફિલ્મોમાં એ વાતને આંચકાજનક રીતે ખોટી ચગાવવામાં આવે છે કે, જ્ઞાતિ-જાતિનો ફરક શાથી ? જગતનો કોઈ બાપ પોતાની દીકરીને રહસ્યમય ભવિષ્યમાં પરણાવવા ન જ માંગતો હોય. જોયેલા-જાણેલા પરિવારમાં દીકરી પરણાવવાથી મા-બાપને કમસેકમ એ રાહત રહે છે કે, સામેવાળું કુટુંબ જોયેલું-જાણિતું છે. કાલ ઉઠીને પ્રોબ્લેમ થશે તો બન્ને પક્ષે એકબીજાના ઓળખીતાઓ જ છે. આમાં જ્ઞાતિ-જાતિ ક્યાં આવી ?

આ ફિલ્મમાં નાઇ-જ્ઞાતિની સમસ્યાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અહીં કોઈ જ્ઞાતિને ઊંચી-નીચી નથી બતાવાઈ. પોતે મોભાદાર કુટુંબના હોવાનો ઇગો બતાવાયો છે. (ફિલ્મ '૬૬-ની સાલમાં બની હતી અને એ સમયમાં 'નાઈ' માટે વપરાયેલા અમુક શબ્દો બીનસંસદીય ઠરાવવામાં આવ્યા હોવાથી અત્રે અપ્રસ્તુત છે.) સવાલ નાઇ કે બ્રાહ્મણ જ્ઞાતિનો નથી. જ્ઞાતિનો જ નથી. સવાલ હિંદી ફિલ્મોની હરદમ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓને જ ટાર્ગેટ કેમ બનાવાય છે, તે સવાલ મૂંઝવતો છે.

ઉચ્ચને બદલે અન્ય કોઈ જ્ઞાતિની દીકરીનો પિતા પણ એ જ ખાનદાન શોધશે ને જે એની સમજ મુજબ એની બરોબરીનું હોય. જસ્ટ બીકૉઝ... આદર્શને કારણે એકે ય પિતા પોતાનાથી આર્થિક દ્રષ્ટિએ પણ ઉતરતી જ્ઞાતિના છોકરા સાથે દીકરી પરણાવવા તૈયાર થશે ખરો ? ફિલ્મોમાં તો મવાલી છાપ હીરો સાથે ધનિક કુટુંબની છોકરી પ્રેમમાં પડી હોય એટલે વાર્તા લેખક યેનકેનપ્રકારેણ ફિલ્મ દ્વારા કોઈ તોતિંગ મેસેજ આપતો હોય એમ એવા સડકછાપ છોકરા સાથેના લગ્નને જસ્ટિફાય કરી બતાવશે. કેવળ દીકરી પરણાવવી જ નહિ, ઘરમાં વહુ લાવવામાં ય સત્તર-ગરણાં ગળનારા મા-બાપો માટે ચિંતા ઓછી નથી હોતી. હિંદી ફિલ્મો જોઇને તો એવું લાગે કે, શિક્ષિત માં-બાપ હોવું એ ગુન્હો છે.

આ તો ફિલ્મની વાર્તા છે, એટલે દલિલોને અવકાશ રહેતો નથી કે, ફિલ્મને અંતે શૌકત (મનમોહન) ખરાબ ચરીત્રનો સાબિત થાય છે અને હીરો અનવર (શશી) હીરોઇન નિશાદ (નંદા)ને બચાવે છે, એટલે પ્રશ્ન ઉકેલાઇ ગયો ! નવાબ ખાનદાન ખરાબ અને નાઇનું ફેમિલી સન્માન્નીય ! જો અનવર (શશી કપૂર)ને દુષ્ચરીત્રનો બતાવાયો હોત તો રીલિઝ થાત ખરી ?

ફિલ્મ એ સમયે બની હતી, જ્યારે શશી કપૂર સાથે હીરોઇન બનવા નંદા સિવાય ભાગ્યે જ કોઈ હીરોઇન તૈયાર થતી. નંદાએ શશીને આજીવન સાથ આપ્યો છે. આવી પવિત્ર ચરીત્રની બહુ ઓછી હિરોઇનો હિંદી ફિલ્મોમાં જોવા મળી છે. સ્વર્ગીય સુંદરતા છતાં આખી કરિયરમાં એક પણ ગેરવ્યાજબી સંબંધ નહિ અને છતાં ક્યાંય કલંક લાગવા દીધા વિના નંદાનું એ કમનસીબ કે, સ્વ. મનમોહન દેસાઈ સાથે સગાઈ થયા પછી મનમોહને રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો. બીજા રાજ્યોની તો ખબર નથી, પણ નંદા સ્વર્ગસ્થ બની, તે દિવસે 'ગુજરાત સમાચાર'માં મેં શ્રધ્ધાંજલિ-લેખ લખ્યો હતો, ત્યારે આશ્ચર્યજનક રીતે અનેક ગુજરાતી સ્ત્રીઓની આંખો ભીની થયેલા સંદેશાઓ મળ્યા હતા. સહુનો એક જ સૂર હતો, 'આવી પવિત્ર સુંદરતાવાળી અન્ય કોઈ હીરોઇન જોઇ નથી.' એક માત્ર નૂતન એની બરોબરીએ આવે, પણ સુંદરતામાં નંદાની બરોબરીએ તો એ પણ નહિ.

 
ફિલ્મ જોવાથી બહુ પ્રભાવિત નહિ થવાય, તેમ બૉર પણ નહિ થવાય, ખાસ કરીને નંદા-શશીની જોડીને જોયે રાખવાથી અને મદન મોહનના બેનમૂન ગીતો સાંભળવાથી. શશી પોતાની હરએક ફિલ્મમાં સફેદ કપડાં તો પહેરે જ, પણ ક્યા-બ્બાત-હૈ બ્રાન્ડની જર્સીઓ પણ એને શોભતી. અગાઉની હિંદી ફિલ્મોમાં જર્સી તો વિલનના ભાડુતી ગુંડાઓ જ પહેરતા. શશીએ ટ્રેન્ડ સ્થાપ્યો. બીજી પણ એક વાત શશીબાબાના ખાતે જમા થાય છે કે, ફાઈટ-ના દ્રષ્યોમાં એ સ્વાભાવિક લાગતો. બ્રાયન લારાની જેમ પૂરું બેકલિફ્ટ શશી મુક્કો મારવામાં વાપરતો, જે રાજ-દિલિપ કે દેવ આનંદ જ નહિ, રાજેન્દ્ર કુમારો કે ભા.ભૂ.ઓ. પણ બનાવતી લાગતા. એનું શરીર ડાન્સિંગ-ફિગરનું હોવાથી એ ઊભો રહે તો ય મન મોર બની થનગાટ કરતું હોય, એવું લાગે. અમને દેવ આનંદ કરતા ય શશી બાબાની ચાલનું વધારે આકર્ષણ રહેતું... ભલે એના જેવું ચાલી નહોતા શક્તા (અને એ જ, અમારા માટે સારૂં હતું !)

જોવાનો મજો એ વાતે છે કે, નંદા શશી કપૂરની અંતરંગ આજીવન દોસ્ત હોવા છતાં શશીના જ ભાઈ શમ્મી કપૂરથી એ ડરતી. ડરવા માટે કારણ કોઈ ખૌફનું નહોતું, પણ પેલાની જાયગૅન્ટિક પર્સનાલિટી પચાવવી હર કોઇના બસની વાત નહોતી. ઇન ફૅક્ટ, નંદા શમ્મીના વ્યક્તિત્વથી બારેમાસ અંજાયેલી હતી. એ સામે આવે એટલે બેનનું બોલવાનું બંધ. એમાં ય, સાઉથના કોઈ જંગલમાં નંદા-શશી શૂટિંગ કરતા હતા, ત્યારે ચાહકોના બેકાબૂ ટોળાને વિખેરવું મુશ્કેલ થઇ પડયું. એ જ જંગલમાં નજીકમાં શૂટિંગ કરતા શમ્મીને ખબર પડી કે તરત જ મારતી જીપે એ આવી પહોચ્યો અને જુઓ ચમત્કાર... ટોળું ગાયબ ! બસ. નંદાનો ખૌફ ઓર વધ્યો !

વિડંબના શશીકલા માટે થાય કે, આવી જાજરમાન અભિનેત્રી હોવા છતાં દિગ્દર્શકે એને કોઈ રોલ જ આપ્યો નથી. શશીકલા કરતા મોટા રોલ તો રાજીન્દરનાથ અને એકસ્ટ્રા કલાકાર લોટન (જે ફિલ્મમાં 'મીર સાહેબ' બને છે.) ને મળ્યા છે. યસ. શશી કપૂરની ફિલ્મ હોય એટલે બને ત્યાં સુધી રાજીન્દરનાથ તો હોય જ અને એ આપણને સારૂં રહેતું. એની કોમેડીને 'બફૂનરી'ના વિભાગમાં લેવાય છે, એટલે કે વિદુષકવેડાં, પણ અભિનયના જાણકારો ય માને છે કે, લોરેલ-હાર્ડી પણ બફૂનરી કરતા અને એ કોઈ કાળે ય સહેલો વિષય નથી. ઓમપ્રકાશની રૅગ્યૂલર રડારોળમાંથી આ ફિલ્મમાં મુક્તિ મળી છે.

'
૬૦-ના દશકની ફિલ્મોના મોટા ભાગના હીરો ઘરમાં ય શૂટ પહેરીને ફરતા હોય. હીરોઇનો ય અપ-ટુ-ડૅટ ડ્રેસમાં હોય. એમના વાળ તો જવલ્લે જ અસલી હોય ને વિગમાં પણ ધધૂડાબંધ હૅર-સ્પ્રે છાંટીને વાળ કડક કર્યા હોય. આજે એ જોઇએ તો ગમે થોડું ય નહિ, પણ એ સમયે હીરોઇનો બનાવટી વાળની સ્વિચો પહેરતી, કાને ખોટી લટો લટકાવતી, આંખોમાંથી ખૂણીયા કાઢતી. પરિણામે, બહુધા એવું બનતું કે ક્યારેક કોઇ દર્શકને વગર શૂટિંગની હીરોઇન જોવા મળતી તો આભો બની જતો. દેખિતું છે, એ જ હીરોઇનો અત્યંત સામાન્ય દેખાવની લાગતી. આજની હીરોઇનો નેચરલ રહે છે. વાળથી માંડીને ડ્રેસ પણ આજની છોકરીઓ પહેરે છે એવા. હીરો પણ કેવા મસ્ક્યૂલસ (સ્નાયુબધ્ધ શરીરવાળા) અને કેટલાકનો દેખાવ તો સામાન્ય હોય છતાં ફિલ્મી-પર્સનાલિટી ઊભરી આવે છે.

આ ફિલ્મમાં મદન મોહનની કમાલો તો સાંભળવા મળે જ છે, પણ મુહમ્મદ રફી પાસેથી ઊંચા ગજાનું કામ લીધું છે, ખાસ કરીને 'હુસ્ન જબ જબ, ઈશ્ક સે ટકરા ગયા...'માં રફી સાહેબનો ઉપાડ કર્ણપ્રિય અને ઘણો મીઠો બન્યો છે. સંગીત મદન મોહનનું હોય ને લતા મંગેશકર ન હોય, એ આમ તો માનવામાં ન આવે, છતાં કારણો ખબર નથી, એટલે માની લઇએ. હવે એ કમાલ રફીની છે, મદન મોહનની છે કે શશીબાબાની છે, એ વાચકોએ જોવાનું કે, 'યૂં રૂઠો ના હસિના...' ગીત માત્ર શશી કપૂર માટે જ બન્યું/ગવાયું હોય, એવા ઠૂમકા રફીએ કર્યા છે, કસૂર બલરાજ સાહની જેવા ઉચ્ચ ગજાના કલાકારનો પોતાનો હશે કે, શા માટે આવા પાયા વિનાના કિરદારો એમણે સ્વીકાર્યા હશે ! પેટપૂજા સિવાય તો કોઈ કારણ દેખાતું નથી. જે બલરાજને આવા વૈભવી રોલમાં રાલ્હનની ફિલ્મ 'તલાશ'માં જોયો હોય, એ પ્રેક્ષકો તો નિરાશ થઇ જવાના !

મોટી આંખો કાઢતી ગોળમટોળ ચરીત્ર અભિનેત્રી મનોરમા એક જમાનામાં પંચોલીની ફિલ્મ 'ખાનદાન' અને 'ખજાનચી'માં ઓલમોસ્ટ સેકન્ડ લીડમાં હતી. પાછલી અવસ્થામાં ક્રિશ્ચિયન સાધ્વી બની ગયેલી મનોરમાનું સાચું નામ 'ઍરિન આઇઝૅક ડૅનિયલ્સ' હતું અને તે હાફ-ઇન્ડિયન હતી. રાજન હકસર નામના ટાલીયા વિલનને પરણેલી (અને છૂટાછેડા પામેલી) મનોરમાના માતા આઇરિશ અને પિતા ઇન્ડિયન ક્રિશ્ચિયન હતા. એની દીકરી રીટા હકસર કોઈ એકાદ-બે ફિલ્મોમાં આવીને બુઝાઈ ગઈ હતી.

દેખાવમાં હૅન્ડસમ હોવા છતાં સિગારેટ અને ભારેખમ શરાબ પી પીને ગૂજરી ગયેલા ગુજરાતી વિલન મનમોહનનો પુત્ર નીતિન મનમોહન આજકાલની ફિલ્મોનો નિર્માતા-દિગ્દર્શક છે. ૧૯૬૨-'૬૩માં (ફિલ્મ 'ગુમરાહ' અને 'આરતી') સળંગ બે વર્ષ બેસ્ટ સપોર્ટિંગ-એક્ટ્રે્સનો ફિલ્મફેર એવોર્ડ જીતનાર ચરીત્ર અભિનેત્રી શશીકલા (જન્મ તા. ૪ ઓગસ્ટ, ૧૯૩૨) હવે નિવૃત્ત થઇ ચૂકી છે. એની તોફાની અને મારકણી સુંદરતાની મોટી કિંમતો એને ચૂકવવી પડી છે, એમાં તો એ વિપશ્યનામાં ય આકરા તપ કરી આવી, જંગલોમાં એકલી ભટકી અને ત્યાં ય સાધુબાવાઓની મેલી નજર જોઇને કંટાળીને સમાજમાં પાછી આવી. સાધુના ઘરમાં દીકરી પરણાવાય ?

No comments: