Search This Blog

21/07/2017

ફિલ્મ હી ફિલ્મ (૧૯૮૩)

ફિલ્મ  :    ફિલ્મ હી ફિલ્મ (૧૯૮૩)
નિર્માતા    :    શહાબ એહમદ
દિગ્દર્શક    :    હિરેન નાગ
સંગીત    :    બપ્પી લાહિરી
ગીતકાર    :    ઈન્દિવર
રનિંગ ટાઇમ    :    ૧૬-રીલ્સ
થિયેટર    :    મૉડેલ ટોકીઝ (અમદાવાદ)
કલાકારો    :    પ્રાણ, રમેશદેવ, સીમા, મોહન ચોટી, બિરબલ અને અન્ય નવા ચેહરાઓ.

આ કોલમમાં જે શુક્રવારે પોતે જોયેલી કે મનપસંદ હીરો-હીરોઈન કે સંગીતકારની ફિલ્મ વિશે લખાય
, તો જ વાંચવું, એવી જીદ લઈને બેસનારા વાચકોને બીજી નહિ તો આજની ફિલ્મ વિશે વાંચવાનો મારો અંગત આગ્રહ છે. જૂની હિંદી ફિલ્મો અને તેના કલાકારો વિશે આવી અને આટલી બધી જાણકારી ભાગ્યે જ કોઈ અન્ય લેખમાં જોવા મળશે.

ખાસ તો
, આપણા ગુજરાતનો હણહણતો ફિલ્મી અશ્વ કહેવાય 'રણજીત સ્ટુડિયો'ના કર્તાહર્તાએ સરદાર ચંદુલાલ શાહની જીવનકથની ઉપર બનેલી આ ફિલ્મમાં આટલો મહાન નિર્માતા નિષ્ફળ ગયા પછી કેટલી હદે પાયમાલ થઈ જાય છે - ખાસ તો શેરબજાર, સટ્ટો અને રેસકોર્સ એમને કેવા ભરખી જાય છે, એની સાચી વાર્તા પરથી બનેલી આ ફિલ્મ તો સામાન્ય છે, પરંતુ એની ડોક્યુમેન્ટરી-વેલ્યૂ અવર્ણનીય છે. માટે વાંચશો તો ઘણું જાણવા મળશે.

સરદાર ચંદુલાલ જેસંગભાઈ શાહ (જન્મ તા. ૧૩ એપ્રિલ
, ૧૮૯૮ : મૃત્યુ તા. ૨૫ નવેમ્બર, ૧૯૭૫) અમારા જામનગરના હતા. ઈ.સ. ૧૯૨૯-માં મુંબઈમાં રણજીત સ્ટુડિયો બનાવ્યો. કદાચ અઢીસોથી વધુ ફિલ્મો બનાવનાર ચંદુલાલ શાહનો 'રણજીત સ્ટુડિયો' પૂરબહારમાં ખીલ્યો હતો. એમણે ગૌહર બાનુ સાથે લગ્ન કર્યા હતા. આજની ફિલ્મ આડકતરી રીતે તો ચંદુલાલની જ જીવનકથની છે.

અઢળક ફિલ્મો બનાવનાર આટલા મોટા મૂવી-મોગલનું પતન રાજ કપૂર-નરગીસની ફિલ્મ
'પાપી'થી થયું, જેમાં મુહમ્મદ રફીએ એસ. મોહિંદરના સંગીતમાં ગાયેલું ગીત, 'તેરા કામ હૈ જલના પરવાને, ચાહે શમ્મા જલે યા ના જલે' લોકપ્રિય થયું હતું, જે રાજકપૂર ઉપર ફિલ્માયું હતું અને 'કૉમેડી' ગીત હતું. આ ફિલ્મના મારના ચાઠાં હજી સૂકાયા નહોતા, ત્યાં ચંદુલાલની બીજી ફિલ્મ 'ઝમીન કે તારે' સુપર ફલોપ ગઈ. એમાં પણ અનવર હુસેન ઉપર ફિલ્માયેલું રફીએ ગાયેલું 'ઓ મેરે પ્યારો ઝમીં કે તારોં, જાના તુમ્હેં હૈં કહાં...' આજ સુધી જાણિતું છે. એમ તો મીના કુમારી - રાજેન્દ્ર કુમારની મદન મોહનના સંગીતની ફિલ્મ 'અકેલી મત જઇયો' પણ એમણે બનાવી હતી, જેમાં આશા ભોંસલેનું ગીત, 'થોડી દેર કે લિયે મેરે હો જાઓ...' આજે પણ ઘણાને યાદ છે.

આ બધી ફિલ્મોમાં બહુ મોટા લેવલનું ધોવાણ થતા ચંદુલાલ શાહ શેર-સટ્ટા અને ઘોડાની રેસમાં વધુ પાયમાલ થવા ગયા. એક જમાનામાં એમના જેટલી કાર (ગાડીઓ) મુંબઈમાં કોઈની પાસે નહોતી
, તે ચંદુલાલ બસની લાઈનોમાં ઊભા રહેતા અને છેવટે ખિસ્સામાં એક પાઈ વિના ગૂજરી ગયા.

મન્ના ડે ના પ્લેબેકમાં રાજ કપૂરનું ફિલ્મ
'બહુરૂપિયા'નું (૧૯૬૪) આખું ગીત, 'મત કર હંસા, મસ્તી મેં ગા, કલ હોગા ક્યા, ભૂલ જા...' અહીં જોવા મળે છે. આ જ ફિલ્મમાં હીરોઈન વૈજ્યંતિમાલાનું એક નૃત્ય પણ અડધું મૂકી શકાયું છે.

શૈલેન્દ્રએ લખેલા આ ગીતનું સંગીત શંકર-જયકિશને આપ્યું હતું. વૈજ્યંતિમાલા સાથેની આ ફિલ્મ પૂરી થઈ નહિ અને ડબ્બામાં ગઈ. એ પહેલા ૧૯૬૦-માં ચંદુલાલે એમના નાના ભાઈ નવિનચંદ્ર શાહના નામે બનાવેલી ફિલ્મ
'રીપોર્ટર'નું દિગ્દર્શન 'અનારકલી'વાળા નંદલાલ જશવંતલાલને સોંપ્યું હતું. આ ફિલ્મ જ બની નહિ ને અધૂરી ડબ્બામાં નાંખી દેવી પડી. ગીત પછી આ ફિલ્મના બે-ત્રણ દ્રષ્યો પણ દર્શાવાયા છે જેમાં કોમેડિયન ગોપ અને વિલન રામાયણ તિવારી (ઉપરાંત, સ્ત્રીના અવાજમાં બોલતી એક કૂતરી લઈ આવ્યા છે.

એ લોકો એને કોમેડી કહેતા હશે પણ રાજ કપૂર એ કૂતરીને પોલીસ ઈન્સ્પેક્ટર તિવારી પાસે પોતાની પત્ની તરીકેની ઓળખ આપે છે.)
'યે ચેહરા, યે ઝૂલ્ફેં, જાદુ સા કર રહે હૈં, તૌબા તૌબા...' એ અમિતાભ-રેખા વચ્ચેનો પ્રેમસંબંધ પૂરબહારમાં ફૂલ્યો હતો, તે ફિલ્મ 'એક થા ચંદર, એક થી સુધા'નું રફી-લતાના ગીતને સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું છે.

પરવિન બાબી સાથેની એક ફિલ્મમાં અમિતાભ જૂની ઈંગ્લિશ ફિલ્મનો
'જેંગો' બને છે-ડબલ રોલમાં. મને યાદ છે, આ ઈંગ્લિશ ફિલ્મ આવી ત્યારે નામના સ્પેલિંગની ગરબડીને કારણે લોકો એને 'ડેન્ગો... ડેન્ગો' કહેતા હતા. ઈંગ્લિશમાં એનો સ્પેલિંગ DJANGO થતો હતો. અલબત્ત, અમિતાભની ફિલ્મ 'ખુદા ગવાહ' તો મનમોહન દેસાઈએ બનાવી હતી, પણ કોઈ કારણવશ એ પૂરી કરી ન શક્યા પછી અમિતાભની સાથે શ્રીદેવીને લઈને મુકુલ આનંદે એ ફિલ્મ બનાવી હતી.

'કિતના રંગીન હૈ યે ચાંદ સિતારોં કા સમા, આપ તકતે નહિ આપકી આદત ક્યા હૈ...' એ આશા ભોંસલે અને મુહમ્મદ રફીએ ગાયેલું ડયૂએટ ફિલ્મ 'પિકનિક'નું હતું, જેમાં હીરો-હીરોઈન સાધના અને ગુરૂદત્ત હતા. એન. દત્તાના સંગીતના શબ્દો સાહિરે લખ્યા હતા. કિશોર સાહૂની ફિલ્મ 'નયા મંદિર'માં મૂછોવાળા મનોજ કુમારની સાથે માલા સિન્હા, કન્હૈયાલાલ અને મેહમુદ હતા. '૬૧-માં બનવા જઈ રહેલી આ ફિલ્મના થોડા રીલ્સનું શૂટિંગ થયું ને ફિલ્મ બંધ પડી ગઈ.

આમાં પણ રફી-મન્ના ડેએ મનોજ-મેહમુદને પ્લે બેક આપી
, 'સુનો અય દુનિયાવાલોં એક નયા પૈગામ લાયા હૂં, નયા મંદિર, નયા મઝહબ નયા અસનામ લાયા હૂં' ચિત્રગુપ્તના સંગીતમાં ગાય છે. આ ફિલ્મ તો '૬૧-માં બની હતી, પણ આપણા કલ્યાણજી-આણંદજીભાઈઓએ આ જ કવ્વાલીની ધૂન આઈ.એસ. જોહરની '૬૬-માં બનેલી ફિલ્મ 'જોહર ઈન કશ્મિર'માં મન્ના દા અને મહેન્દ્ર કપૂરે ગાયેલી કવ્વાલી 'મુરાદેં લેકે સબ આયે હૈ મૈં દિલ લેકે આયા હૂં'માં પ્રેમપૂર્વક વાપરી છે.

બીજી એક ફિલ્મ
'જહાં મિલે ધરતી આકાશ' બનતા બનતા રોકાઈ ગઈ, જેમાં રાજકુમાર, બિના રોય, ફિરોઝ ખાન અને મુમતાઝ જેવા ક્લાસ-વન કલાકારો હતા. કિશોર સાહૂના દિગ્દર્શનમાં બનતી આ ફિલ્મનું સંગીત મદન મોહને આપ્યું હતું.એમાં રાજકુમાર બિના રૉયને બંદૂક ખભે મૂકીને કેવી રીતે ફોડવી એ શીખવવામાં પ્રેમના ઊભરામાં આવી જાય છે.

દિલીપકુમાર સાથે નૂતનને સાથે એક ફિલ્મમાં જોવા માટે બન્નેના ચાહકો બેતાબ હતા
, ખુદ નૂતન પણ ! બન્ને એક સાથે ફિલ્મ 'શિકવા'માં આવ્યા પણ ખરા. રમેશ સેહગલે બનાવેલી આ ફિલ્મનું સંગીત અનિલ બિશ્વાસનું હતું. સદનસીબે આ બન્ને કલાકારોના શૂટિંગના બે-ત્રણ ટુકડા આજની ફિલ્મ 'ફિલ્મ હી ફિલ્મ'માં જોવા મળે છે.

ફિલ્મનું વર્ષ ૧૯૫૪-નું હતું. એમ તો બીજા અવતારમાં-એટલે કે
, ૧૯૮૦-પછીની ફિલ્મોમાંથી કોઈ એકમાં આ બન્ને કલાકારો સાથે આવ્યા હતા, પણ હીરો-હીરોઈન તરીકે તો આ જ એક ફિલ્મ હતી, 'શિકવા.' આ ફિલ્મનો આવો ટુકડો તો નૂતન-દિલીપના ડાયહાર્ડ ચાહકોએ પણ ન જોયો હોય !

ભારતમાં મૂંગી ફિલ્મોનો યુગ ૧૯૩૧-માં પૂરો થયો અને ફિલ્મ 'આલમઆરા'થી બોલપટ એટલે કે ટોકીનો યુગ શરૂ થયો.

એમાં હીરો સુંદર માંજરી આંખોવાળા કોઈ ચંદનસિંઘને લીધો હતો. કમનસીબે
, ચંદનને હટાવીને માસ્ટર વિઠ્ઠલને ઝૂબૈદાની સાથે હીરો બનાવાયો, એ પછી ચંદનસિંઘ ચારેબાજુથી બેહાલ થઈ ગયો અને જ્યાં એની આ ફિલ્મનું શૂટિંગ થવાનું હતું, તે ફૅમસ સ્ટુડિયોના ગેટકીપરની નોકરી કરવી પડી. ચંદુલાલ શાહે એ ચંદનસિંઘને આર્થિક મદદ કરી અને જે કાંઈ પૈસા આપ્યા, એમાંથી ચંદને નાનકડો ધંધો અને પછી મોટી શોપ કરી. વખત એવો આવ્યો કે, ચંદન મોટો માણસ બની ગયો અને ચંદુલાલને કોઈ ડ્રાઈવ-ઈન સિનેમામાં ગેટકીપરની નોકરી કરવી પડી, એ જાણ્યા પછી ચંદનસિંઘે જૂનો ઉપકાર ભૂલ્યા વિના ચંદુલાલની અચ્છી મદદ કરી હતી.

વાંક કોનો હતો એની તો કોને ખબર પડવાની હતી
, પણ દેવ આનંદની (નવકેતન)ની મોટા ભાગની ફિલ્મોના પારસી કાયમી કેમેરામેન ફલી મિસ્ત્રી (જે હીરોઈન શ્યામાના પતિ હતા.) જીંદગીમાં જેટલું કમાયા, એ બધું પોતે બનાવેલી ફિલ્મ 'સાજન કી ગલીયાં'માં હોમી દીધું.

રાજ ખોસલાના દિગ્દર્શનમાં બનતી આ ફિલ્મમાં દેવની જ ફિલ્મ
'ગેમ્બલર'વાળી ઝાહિદા પણ હતી. હીરોઈન સાધના અને દેવ આનંદના કેટલાક દ્રષ્યો આ ફિલ્મ માટે મળી આવ્યા હતા, જે અહીં દર્શાવાયા છે. 'હમ ખૂબ જાનતે હૈં ક્યા હૈ તુમ્હારે દિલ મેં...' એ મુહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરે ગાયેલા ગીતને પણ અહીં દર્શાવાયું છે.

'આદમી કો જીના હૈ, ઝહેર હો કે અમૃત હો, મુસ્કુરાકે પીના હૈ' એ આશા ભોંસલેએ હેલન માટે ગાયેલા કેબરે ગીત પણ સાધના-ગુરૂદત્તની ફિલ્મ 'પિકનિક'માંથી લેવાયું છે.

'ઈધર તો દેખો, ઈક નઝર કો દેખો, છલકા હૈ સાગર પ્યાર કા, અભી સે અસર તો દેખો' એ ગીત આશા ભોંસલેના કંઠમાં મધુબાલા ઉપર ફિલ્માયું હતું. મધુબાલા પોતાના ગીતો માટે નિર્માતા પાસે ખાસ શરત મૂકાવતી કે એના ગીતો ફક્ત લતા મંગેશકર ગાશે, પણ 'હાવરા બ્રીજ કે 'દો ઉસ્તાદ' જેવી ફિલ્મોની જેમ અહીં ફિલ્મ 'યે બસ્તી, યે લોગ'માં આશાના પ્લેબેકમાં મધુબાલા ગાય છે. સંગીતકાર ભોલા શ્રેષ્ઠ (ગાયિકા સુષ્મા શ્રેષ્ઠ ઉર્ફે પૂર્ણિમાના પિતા)માં ફિલ્મનો હીરો બલરાજ સાહની હતો.'

'લમ્બી લમ્બી કાલી કાલી ઝૂલ્ફેં બિખરાકે આઈ હૈ હસિના' રેખા ઉપર ફિલ્માયેલો ડાન્સ છે. ગાયિકા આશા ભોંસલે. પણ 'મુગલ-એ-આઝમ' પછી મહાન નિર્માતા-દિગ્દર્શક કે.આસિફે ઉતારેલી ફિલ્મ 'સસ્તા ખૂન, મહેંગા પાની' એમના મૃત્યુને કારણે અધૂરી છોડી દેવી પડી. એ ફિલ્મના ફાઈટના દ્રષ્યો અહીં બતાવાયા છે. એ વાત જુદી છે કે, સાયરા બાનુને હીરોઈન બનાવી ત્યાં સુધી બરોબર છે પણ રાજેન્દ્ર કુમારને ફિલ્મ 'ઝંજીર'ના અમિતાભ બચ્ચન જેવો એન્ગ્રી યંગમેન બનાવીને આસિફે ભેગાભેગી કોમેડી ય બનાવી દીધી, એમાં આપણે બધા બચી ગયા.

મૂળ અમદાવાદના કાલુપુરની રાજા મહેતાની પોળના રહેવાસી સ્વ. કૃષ્ણ શાહે (જેમણે ધર્મેન્દ્ર-ઝીનત-રેક્સ હેરિસનને લઈને ફિલ્મ
'શાલિમાર' બનાવી હતી) ૧૯૭૯માં ફિલ્મ 'સિનેમા સિનેમા' બનાવી હતી, એ જ જોનરની આ બીજી ફિલ્મ 'ફિલ્મ હી ફિલ્મ' હતી.

બન્નેને ફીચર ફિલ્મ ન કહેવાય. ઓલમોસ્ટ ડોક્યુમેન્ટરી ટાઇપની આ ફિલ્મોમાં હિંદી ફિલ્મજગતની તડકી-છાંયડી ઘણા અપરિપક્વ અંદાજથી બનાવવામાં આવી હતી
, પણ બન્નેનો હેતુ સરખો હતો કે, ફિલ્મોની ઝાકઝમાળથી અંજાતા યુવાનોને સીખ મળે કે, ફિલ્મોમાં કામ કરવું કે બનાવવી આસાન નથી હોતી... નિષ્ફળ જાઓ તો ભીખ માંગવાનો વારો આવે છે. 'ફિલ્મ હી ફિલ્મ' તો શૂટિંગ શરૂ કર્યા પછી એક યા બીજા કારણોસર પડતી મૂકાયેલી ફિલ્મોના ટુકડાઓ બતાવવાનો 'કોલાજ' છે.

ડોક્યૂમેન્ટરી-લેવલની આ ફિલ્મમાં વાર્તા પરાણે બનાવવી પડી છે. ચંદુલાલ શાહના રોલમાં પ્રાણે સુંદર કામ કર્યું છે. ફિલ્મ નિર્માણમાં એમના પાર્ટનરે છેલ્લી ઘડીએ દગો કરતા ચંદુલાલનું સર્વસ્વ લૂંટાઇ ગયું હતું અને પત્ની પણ એમને છોડીને જતી રહી હતી. ચારસો-વીસીના
 આરોપસર એ પાંચ વર્ષ જેલમાં જાય છે. બહાર નીકળીને કંગાળ હાલતમાં એ ઝૂંપડીમાં રહે છે. પરદેશની એક ન્યૂસ-ચૅનલમાં ઇન્ટરવ્યૂ આપવા બદલ એમને ૫૦-હજાર મળે છે, એ પૈસાથી એ ફિલ્મ બનાવે છે, પણ વચમાં અનેક મુશ્કેલીઓ પછી ફિલ્મ પૂર્ણ થાય છે, જેનું નામ છે, 'ફિલ્મ હી ફિલ્મ'.

No comments: