Search This Blog

07/01/2018

ઍનકાઉન્ટર : 07-01-2018

* નેતાઓ દાખલ થાય એ હૉસ્પિટલોમાં ઑક્સિજન કેમ ખૂટી જતો નથી ?
- જેવાં દેશનાં નસીબ.
(
ધિમંત ભાવસાર, બડોલી)

* 'નામ શબાના'... અટક કઇ ?
- જાવેદને પૂછી જુઓ... નામ હી કાફી હૈ !
(
પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)

* શું હિંદુ ધર્મ લુપ્ત થઇ રહ્યો છે ?
- હા.એકલો ધર્મ ન ચાલે... સાથમાં ધર્મઝનૂન જોઇએ.
(
મયૂર વાળંદ, ભૂજ-માધાપર)

* રૂપાળા થવા માટે શું કરવું જોઇએ ?
- કોઈ કાળિયાની બાજુમાં જઇને ઊભા રહેવું જોઇએ.
(
ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ - વિસનગર)

* તમે ઇલેકશન કેમ લડતા નથી ?
- સૉરી... પોલીસ-સ્ટેશનમાં મારા નામે હજી એક પણ ગૂનો નોંધાયો નથી.
(
ધવલ જે. સોની, ગોધરા)

* તમે નિવૃત્તિ પછી શું કરવાનું વિચાર્યું છે ?
- નિવૃત્તિ પછી ફૅમિલી જે કહે એ વિચારવાનું હોય !
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* આપના મત મુજબ, ઍન્જિનિયરિંગમાં કઇ બ્રાન્ચ સારી કહેવાય ?
- પગારથી મતલબ રાખવાનો હોય તો એકે ય બ્રાન્ચ સારી ન કહેવાય !
(
ધ્રૂવિત ચાવડા, જૂનાગઢ) અને (જય જાની, રાજકોટ)

* દેશની કંપનીઓને (પતંજલી...?) પ્રોત્સાહન આપવા બાબા રામદેવ વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાની પ્રજાને સલાહ આપે છે ને વડાપ્રધાન વિદેશોમાં જઇજઇને એમનો ધંધો ભારતમાં લાવવાની અપીલ કરે છે... કાંઈ સમજણ ના પડી !
- એ તો એકવાર દેશમાં 'આયુર્વેદિક વ્હિસ્કી' શરૂ થાય પછી ખબર પડે.
(
અશોક જમોડ, જૂનાગઢ)

* ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોથી દેશ કેવી રીતે આઝાદ થશે ?
- વાઇફો બહાર કરતા સારું ખવડાવતી થાય ત્યારે.
(
વાહિદ સૈયદ, ધંધૂકા)

* 'ઍનકાઉન્ટર' કૉલમનો કોઈ ચોક્કસ હેતુ બતાવશો ?
- અમને ખબર પડે કે તરત જણાવી દઇશું.
(
પાયલ પરમાર, ફત્તેપુર-છોટા ઉદેપુર)

* છેલ્લે તમે ઉદાસ ક્યારે થયા હતા ?
- બસ... આ ઊભો જ થયો છું.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* મોટાભાગના લોકો પોતાનું નામ છપાવવા 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછે છે, એવું નથી લાગતું ?
-હા.. તે કાંઈ નામ છપાવવા બેસણાંની જાહેરખબર તો ન છપાવાય ને !
(
મૃગા સાહિલ શાહ, અમદાવાદ)

* સરનામું ન લખીએ એમાં તમે જવાબ શું કામ ન આપો ? ઘેર આવીને તમે જવાબ થોડા દેવાના છો ?
- હા, પણ સવાલો પૂછવા બધાને મારા ઘેર તો ન બોલાવાય ને !
(
ડૉ.જ્યોતિ હાથી, રાજકોટ)

* તમને રેલવે-લાઈનમાં પણ બમ્પની જરૂર લાગે છે ?
- દરિયામાં ફૂટે-ફૂટે બમ્પ હોય છે કે નહિ ?
(
કિરણ પાનસુરીયા, સુરત)

* સ્વાઇન ફ્લૂ કે ડૅંગ્યૂએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો, છતાં સરકાર ચૂપ કેમ બેઠી છે ?
- સરકારને સ્વચ્છતામાં નહિ, 'સ્વચ્છતા અભિયાનો'માં રસ છે.
(
દિશા પટેલ, અમદાવાદ)

* નરેન્દ્ર મોદી અને તમારી વચ્ચે શું સામ્ય છે ?
- એ દેશ અને હું કૉલમ ચલાવું છું... કોઇની સલાહ વગર !
(
જયેશ વી. જરીવાલા, સુરત)

*
પત્નીના ખોટા શકથી બચવા શું કરવું ?
- એનો શક સાચો પાડો... કે હું એક લાવી શકું છું... તો બીજી ય લાવી શકું એમ છું. (બીજી સ્ટૉકમાં હોવી જોઇએ !)
(
દેવેન્દ્રસિંહ રાજ, વછનાડ-ભરૂચ)

* દરેક રાજકારણીને પૈસા બનાવવાનો જ રસ હોય, એમ નથી લાગતું ?
- ખર્ચાપાણી છે.
(
રહીમ મલકાણી, ભાવનગર)

* દેશનાં મંદિરો/દેરાસરો પાસે આટઆટલો પૈસો હોવા છતાં, એમાંનો રૂપિયો ય આર્મીના જવાનો માટે કેમ નથી ખર્ચાતો ?
- મૃત શહીદની છાતી ઉપર દાનવીરશ્રીના નામની તખ્તી મૂકવા દે, તો વિશ્વનું સૌથી ધનાઢ્ય લશ્કર આપણા દેશનું હોય.
(
રોહન ઝવેરભાઈ મકવાણા, ચકલાસી)

* આખી જિંદગી બોજ ઉઠાવ્યો ખીલ્લીએ... ને લોકો વખાણ તસ્વીરનાં કરે છે.
- તસ્વીર પપ્પુની અને મમ્મા ખિલ્લી હોય તો, કોંગ્રેસીજનો પાસે બીજો કોઈ વિકલ્પ કે આવડત છે ?
(
રોહિન્ટન બોધાનવાલા, મુંબઇ)

* ઈશ્વરકૃપા માટે મેહનત કે પ્રભુસ્મરણ ?
- એ બંન્ને પછી ય ઈશ્વર કૃપા કરે એ જરૂરી નથી.
(
રાજેશ બી. દરજી, અમદાવાદ)

* તમારી સલાહ લેવા રોજ કેટલા માણસો આવે છે ?
- બસ. દર રવિવારે પચ્ચીસેક જણા સલાહો આપી જાય છે.
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* હે રામ... હે શ્યામ... પ્રભુ ક્યારે અવતરશો ?
- જોઈ જુઓ... ઑડિયન્સ પૂરું ભેગું થઇ ગયું હોય તો આવીએ...!
(
પી.એમ.જોશી, નેત્રામલી-ઇડર)

* બાબાઓથી માંડ છૂટયા... ત્યાં રામરહિમબાબા આવ્યા....
- રાધેમાંને ભૂલી ગયા ?
(મૂકેશ પી. મેહતા, સુરત)

No comments: