Search This Blog

14/01/2018

ઍનકાઉન્ટર : 14-01-2018

* દારૂ પીવાથી નુકસાન થાય, છતાં સરકાર પરમિટ કેમ આપે છે?
- 'પરમિટ લઈને કે લીધા વગર... ક્યાં ચાલે છે કોઈને પીધા વગર!'
(
ગોપાલ પટેલ, અમદાવાદ)

* કોઈ ૪૨૦- બાબાને હેલીકોપ્ટરમાં બેસાડીને કોર્ટમાં લઈ જવાની શી જરૂર?
- 'આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે...'
(
પ્રાંજલ એચ. જોશી, ભાવનગર)

* માતા- પિતા અને સદ્ ગુરૂ, આ ત્રણમાંથી પહેલી પસંદગી કોની કરો. કારણ ચોક્કસ જણાવજો.
- માતા- પિતાની સામે તો ભગવાનની પસંદગી પણ ન કરૂં... ભગવાન કે સદ્ ગુરૂ... બતાવ્યા કોણે?
(
પાયલ દિનેશ પરમાર, વડોદરા)

* બ્રાહ્મણોએ જ્યારથી ગુરૂપદ છોડવા માંડયું, ત્યારથી આ પદની ગરીમા ઓછી થવા નથી લાગી?
- બધા બ્રાહ્મણો જ્ઞાની નથી હોતા અને બધા જ્ઞાનીઓ બ્રાહ્મણ નથી હોતા.
(
ધર્મેન્દ્ર જોશી, અબ્રામા- વલસાડ)

* વ્યસનમુક્તિ માટે તમે દેશને શું સંદેશો આપો છો?
- પાનમસાલાની પિચકારીઓ મારનારાઓને કાશ્મિરના ફૂલવામામાં મોકલી દેવા જોઈએ.
(
નવિન ડી. જોશી, નાલાસોપારા)

* હોશિયાર કોણ? સવાલ પૂછનાર કે જવાબ આપનાર?
- હાલમાં આપણા બેમાંથી તો એકેય લાગતું નથી.
(
જગદિશ રતનપરા, વાસદ- આણંદ)

* તમારા દિમાગમાં આવા 'અનઍક્સપૅક્ટૅડ' જવાબો આવે છે ક્યાંથી?
- પરણેલો છું.
(
જતિન દૌલતરાય દેસાઈ, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર' તમે ન ચલાવતા હોત તો ગુજરાતની પ્રજાના અમૂલ્ય સવાલોના જવાબો કોણ આપત?
- મારી જેમ પ્રજાના (અને પોતાના) ગળે ય ન ઉતરે, એવા જવાબો હાલમાં ભારતમાં ફક્ત એક જ વ્યક્તિ આપી શકે છે... પરમપૂજ્ય રાહુલ ગાંધીજી.
(
ગૌરવ રાઠોડ, રાજકોટ)

* આજકાલ માણસો બહુ બદલાઈ ગયા નથી લાગતા?
- યૂ મીન... માણસોમાંથી નેતા, ગુરૂજી, બાબા ને એ બધું તો બનવાના જ હતા ને? બસ. હવે એ લોકો માણસો ન બની શકે.
(
સંજય ચાવડા, રાજકોટ)

* દર બબ્બે દિવસે પબ્લિક આટલી ભેગી કેમ થઇ જાય છે?
- ઘેરથી તગેડી મૂક્યા હોય - ને બહાર વક્તા થવાનો ચાન્સ રહે.
(
ચિરાગ કટારીયા, મોરબી)

* સવાલ પૂછનારનું નામ તમારા જવાબની નીચે હોય છે. સવાલ પૂછનારો જ જવાબ આપી દે છે?
- બાદશાહે મહેલ છોડયા પછી એમનું પાળેલું પોમરેનિયન ગાદી પર બેસી જાય, એટલે સરકાર કૂતરૂં ચલાવતું હોય?
(
દેવલ વસાવડા, વડોદરા)

* ગર્વ હોવો અને ગૌરવ હોવું, એ બન્ને વચ્ચે શું ફરક છે?
- ગર્વ પુલ્લિંગ છે ને ગૌરવ નાન્યતર જાતિનું છે. મોદી જે ચલાવી શકે તે ગાંધી ચલાવી શકે?
(
તેજસ મેહતા, હિમ્મતનગર)

* આ રામરહીમબાબા સાથે તમારે કોઈ ઓળખાણ ખરી?
- તમે જૅલસ બહુ છો. છાનોમાનો રૂમાલ ય ભરાવી દેવાય, એવો એક નાનકડો સવાલે હનીપ્રિત માટે તમે પૂછ્યો?
(
લાખણ પંપાણીયા, લોધવા)

* 'ઍનકાઉન્ટર'માં ફક્ત સ્ત્રીઓના જ સવાલો લેવાય, તો પુરૂષો શું કરે?
- એકે ય વાચક પુરૂષે પૂછેલા પ્રશ્નો વાંચતો હજી સુધી તો જોવા નથી મળ્યો!
(
જીગ્નલ એ. ગામિત, સુરત)

* ગુજરાતને દમણમાં સમાવી લેવામાં આવે તો?
- શનિ- રવિ જાઓ.... અડધું ગુજરાત દમણમાં સમાયેલું દેખાશે.
(
કૌસ્તુભ દેશપાંડે, વડોદરા)

* મોદીજીના સ્વચ્છતા અભિયાન વિશે શું કહેવું છે?
- કચરો વધારે છે ને માણસો ઓછા છે.
(
અનંતકુમાર ત્રિવેદી, ગઢડા)

* વાઇફ વહેમાતી રહે તો ગોરધનના ફાયદામાં, પણ ગોરધન શું કરે તો વાઇફને ફાયદો થાય?
- તમારામાં કંઇક તો હશે ને, જેનો કોઈ ખૌફ એને રહેતો હોય... આ જ સિધ્ધિ ઉપર જીંદગી ખેંચી નાંખો.
(
ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)

* દેશમાં બનતી ચીજવસ્તુઓ જ ખરીદવાનો ધારો સરકાર કેમ કાઢતી નથી?
- સરકારે ય ચીન- રશિયન બનાવટની ચીજો વાપરે છે.
(
સાધના નાણાવટી, ગાંધીનગર)

* તમારી દ્રષ્ટિએ વિકાસ શું ગાંડો થયો હતો?
- આ બધાને જોવાના પણ નહિ, એટલા પૂરતો હું ડાહ્યો છું.
(
પરેશ પી. દવે, રાજકોટ)

* 'ઍનકાઉન્ટર'માં હું જ સવાલ પૂછું ને હું જ જવાબ આપું, તો ચાલશે?
- આ તમારા જ સવાલ- જવાબ છપાયા છે.
(
અજય જોશી, નાસિક)

* રાષ્ટ્રગીત માટે તમે ધર્મગુરૂઓ- કથાકારોને આટઆટલી વિનંતીઓ કરો છો... કોઈ રીસ્પૉન્સ?

- એ પ્રમાણયોગ્ય ગુરૂઓની તો ખબર નથી, બાકી ગુજરાતભરમાંથી અનેક સંસ્થાઓના ફોન- મેસેજ આવતા રહ્યા છે કે, અમે અમારા દરેક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત શરૂ કરાવી દીધું છે. આ ચેતના મારા કે કોઇના કહેવાથી નથી આવી... આપણો હરએક નાગરિક દેશભક્ત છે જ.
(
રશ્મિન એન. પાઠક, આદિપુર- કચ્છ)

No comments: