Search This Blog

02/01/2018

* વિદ્યા વિનયથી શોભે તો વિનય કોનાથી શોભે ?
- એની વાઇફથી.
(
ધવલ જે. સોની, ગોધરા)

* 'કૉંગ્રેસ આવે છે', એ સૂત્રનું શું થયું ?
- કોઇ પણ કામ કર્યા કે બતાવ્યા વિના ભાજપ સામે માત્ર આક્ષેપો કરવા છતાં કૉંગ્રેસને આટલી બધી સીટો મળી, એમાં સરીયામ નિષ્ફળતા ભાજપની છે. કૉંગ્રેસને તો વકરો એટલો નફો !
(
પાર્થ જે. પટેલ, વિસનગર)

* દૂધમાં અને દહીં- બન્નેમાં પગ રાખવાનો ફાયદો કે નુકસાન ?
- છીઇઇઇ... એવા દૂધ-દહીંને અડાય પણ નહિ !
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* વહાણ ડૂબે એ પહેલા ઉંદરો વહેલા ભાગી જતા હોય છે. શું એ બચી શકતા હશે ખરા?
- હા. થોડા ઘણા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા ખરા ! ક્યાંયના ન રહ્યા!!
(
પી.એમ. જોશી, ઈડર)

* તમારા ઉપર ગુજરાતી બાયો- પિક બને ?
- હા, પણ એમાં હીરોઇનો કેટલી બધી લાવવી પડે !
(
લખમણ નંદાણીયા, કોઠા વિસ્તોરી- જામખંભાળીયા)

* ફરી નાટકનો યુગ આવશે, એવું લાગે છે ?
- હવે ઈ.સ. ૨૦૧૯માં.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* મંદિરોમાં ભીડ ને પુસ્તકાલયો ખાલી કેમ ?
- શું ફેર પડે છે ? ઈશ્વર તો બન્નેમાં વસે છે.
(
મહેશ જાંબુકીયા, બરવાળા)

* ભોળાને ભોટ ને ચાલાકને હોશિયાર કેમ સમજવામાં આવે છે ?
- એવું સમજનાર ભોળા હોય છે.
(
અફરોઝ મીરાણી, મહુવા)

* થીયેટરોમાં રાષ્ટ્રગીત ફિલ્મ પહેલા વગાડવામાં આવે છે, એવું લોકસભા- વિધાનસભાઓમાં ન થાય ?
- એ બધાને ખબર તો હોવી જોઇએ ને કે ક્યા રાષ્ટ્રનું ગીત ગાવાનું છે !
(
આકાશ શાહ, સુરત)

* બધા પતિઓ પત્નીની ચિઠ્ઠીના ચાકર હોય તો જમાઇને દસમો ગ્રહ કેમ કહે છે ?
- એ તો એવા જમાઇઓ બહાર એવી છાપ પાડે.. બાકી કાંઇ નહિ ! આ અમને જુઓ ને !
(
સુધીર ઝવેરી, મુંબઈ)

* ગૉળના ગાંગડા ગમે તે આકારમાં હોય, છતાં એ ગોળ જ કેમ કહેવાય ?
- બન્ને 'ગૉ'ના માત્રાના ઉચ્ચારમાં ફેર છે. વાઇફને કહી જોજો, ''તારી આંખો ગૉળ છે.'''
(
આદિલ શકીલ એહમદ અજમેરી, આણંદ)

* ગુજરાતના ધાનેરામાં રાહુલ ગાંધીની કાર ઉપર પથરાં પડયા. ધાનેરાની પ્રજા માટે એ ૫- ૧૦ હજાર કરોડ રૂપિયાના અનાજપાણી લઇ ગયા હોત તો આવું થાત ?
- હા. પ્રજાએ પહેલા અનાજપાણી લઇ લીધા હોત ને પથરાં પછી માર્યા હોત ! બીજી વાર કોણ આવવાનું છે !
(
હરૂભાઇ કારીઆ, મુંબઈ)

* રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય પ્રાણી (વાઘ) એક સાથે આવે તો શું કરવું ? ઊભા રહેવું...?
- એ પ્રાણી પણ આપણા રાષ્ટ્રનું છે. રાષ્ટ્રગીત વાગતું હોય તો એ ય ઊભો રહી જાય!
(
અનશ પટેલ, ઈખર- ભરૂચ)

* સ્ટેજ કાર્યક્રમોમાં વાતવાતમાં ઑડિયન્સ પાસે તાળીઓ પડાવતા કૉમ્પીયરોને સુધારવાનો કોઇ ઉપાય ?
- એમને ખબર હોય છે કે, ઑડિયન્સ સ્ટુપિડ હોય છે. ક્યાં તાળીઓ પાડવી, એને સમજ હોતી નથી. બોલતા બોલતા કાંઇ ભૂલાઇ જાય, એટલે ગૅપ પૂરવા, ...એક બાર ઓર તાલીયાં હો જાઆઆય...?''
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* કથાકિર્તનમાં રાષ્ટ્રગીત ગવડાવવા અંગે તમે આપેલ જવાબથી હિંદુઓ અને જૈનોની લાગણી દુભાઇ છે....
- હું નથી માનતો રાષ્ટ્રગીત ગાવામાં એકે ય હિંદુ કે જૈનની લાગણી દુભાતી હોય!
(
પ્રફૂલ્લ એ. મહેતા, રાજકોટ)

* રસ્તો પાર કરાવવાનો તમને શોખ ખરો ?
- જેને વારંવાર રસ્તો પાર કરાવવો ગમે, 'એવીઓને' દુનિયા સિવાય બધું પાર કરાવી આપું !
(
ધર્મેશ મકવાણા, સુરત)

* જે રીતે મોદી કામ કરી રહ્યા છે, એ જોયા પછી નથી લાગતું કે, એ સરમુખ્ત્યાર બનવા જઇ રહ્યા છે ?
- હવે એવી બીક રાખવા જેવી નથી.... ગુજરાતના પરિણામો જોયા પછી !
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* નાહી લીધા પછી જ ટુવાલનો ઉપયોગ થાય છે, તો પછી ટુવાલને ધોવો કેમ પડે છે?
- અમારામાં એવું ન હોય.... કાં તો નહાઇએ નહિ...ને કાં તો ટુવાલ ધોઇએ નહિ!
(
પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)

* શિવરાત્રીમાં શિવજીને પ્રસન્ન કરવા શું પીઓ છો ?
- 'પીવો' છે, પણ મળતો નથી... ગુજરાતમાં !
(
નૂતનકુમાર મા. ભટ્ટ, સુરત)

* ભારત કોંગ્રેસમુક્ત થઇ રહ્યું છે કે, ભાજપ કૉંગ્રેસયુક્ત થઇ રહ્યું છે ?

- સાચું કહું તો બેમાંથી એકે ય પાર્ટીમાં કોઇ વેતા રહ્યા નથી. ગુજરાતમાં પૂરા પાંચ વર્ષ કૉંગ્રેસે નામનું ય કોઇ કામ કર્યું નથી, છતાં આટલી બધી સીટ મળી, એ પ્રજાનો ભાજપ સામે આક્રોશ હતો... હજી ય છે.
(
કોમલ ભટ્ટ, ગાંધીનગર)

No comments: