Search This Blog

11/01/2018

ટૅટુ બાબા

રામ-રહીમબાબા પત્યા. હવે ટૅટુબાબાઓનો જમાનો આવ્યો છે. છોકરીઓને ટૅટુબેબી કહેવાય. સમાજમાં રહેવું હોય તો હાથ-પગ કે જ્યાં જગ્યા મળે ત્યાં ટૅટુ મૂકાવવું પડે. એનું ચીતરામણ આપણને સમજાય નહિ કે, આ શેના લીટા કર્યા છે, પણ ટૅટુ ઘણા લોકોનું આધાર-કાર્ડ બની ગયું છે.

જન્મ્યા ત્યારે હાથ પર રસી મૂકાવી હતી, એ ટૅટુ કહેવાય કે નહિ, એની તો ખબર નથી, પણ આજના મૉન્ટૂ-મિષ્ટીના જમાનામાં ટૅટુ ન મૂકાવ્યું હોય તોરાત્રે સીસીડીની મેહફીલોમાં ઍડમિશન ના મળે ! ફ્રેન્ડઝ લોકોમાં 'ગબાભ''ની છાપ પડે. ગ્રૂપમાં રહેવું હોય તો હવે તો ગ્રૂપના સીમ્બોલનું ટૅટુ મૂકાવવું  પડે. ટૅટુ દુનિયાનું સૌથી વધુ આધારભૂત આઈડૅન્ટિટી-કાર્ડ છે.

ચોંકાવનારી વાત એ છે કે, શરીરના તમામ ભાગો ઉપર યુવાનો ટૅટુ મૂકાવે છે, પણ હજી સુધી જીભ ઉપર ટૅટુ મૂકાવનાર જોવા મળ્યો નથી. ચામડીને બદલે વિમાનના ટાયર નંખાવ્યા હોય, એવી જાડી ચામડીના લોકો આખા શરીર ઉપર ગમે ત્યાં ટૅટુ મૂકાવી શકે છે.

મહાન સમ્રાટ અશોકે શિલાલેખો બેશક કોતરાવ્યા હતા, પણ એમાંનો એના બૉડી ઉપર નહિ. મહાન માણસો મર્યા પછી એમની કબર ઉપર કંઇક ને કંઇક  લખાવે છે... આજના છોકરાઓ પોતાની બોડીને કબરનો દરજ્જો આપી એની ઉપર કોતરકામ કરાવે છે. શરૂઆત કોણીની ઉપર-નીચે ટેટુ મૂકાવવાથી થાય છે.

ત્યાં બધું ભરાઈ જાય પછી ગળાની પાછળ બોચીનો અડધો ભાગ આવે. કોલર વગરની  જર્સીઓ પહેર્યા પછી ખભાની આસપાસ ટૅટુ જોઇએ જ... ન હોય તો બા ખીજાય ! એ પછી ય ન રહેવાતું હોય ને સમાજમાં છાપ ખરાબ પડવા જેવું લાગે તો ઢીંચણ નીચે ટૅટુ મૂકાવવાની વ્યવસ્થા છે. વાતવાતમાં શર્ટ બહાર કાઢી નાંખવામાં અગાઉ ટેસડો પડતો નહતો, પણ હવે તો ટાઉન હૉલના સ્ટેજ જેવી છાતી ઉપર ચીતરામણ ન કરાવો તો ફ્રેન્ડઝ-લોકો ગામડીયો કહે છે.

કહે છે કે, સાચો કલાકાર તો પેટ ઉપર દૂંટીની આજુબાજુ આખું મણીનગર ચીતરાવે...વચ્ચે કાંકરીયું તળાવ ! અલબત્ત, આનાથી વધુ દક્ષિણ તરફના ભાગોમાં અમેરિકાના ધોળીયા-કાળીયાઓ ટૅટુ મૂકાવતા હોય છે... આપણે ત્યાં જોયા નથી અને જોવા નથી. પણ આજના ગુજરાતી ફ્રેન્ડઝો માટે નવાઈ લાગે છે કે, હિંમત કેમ નથી રાખતા જીભ ઉપર ટૅટુ મુકાવવાની !

એની ઉપર તો કોઈ આકર્ષક ઓફર જેવો મેસેજ ચીતરાવી શકાય ને ઍરપોર્ટા લાઉન્જમાં બેઠા હોઈએ ત્યારે જીભ બહાર કાઢીને સામે વાળીને કેવું મીષ્ટુ-મીષ્ટુ ઇન્વિટેશન આપી શકાય ! એવી એ જ સામે ચાલીને પ્લેનમાં એની સીટ આપણી બાજુમાં લેવડાવે... સુઉં કિયો છો ? વાતવાતમાં જીભડો બહાર કાઢનારી આજની પ્રગતિશીલ યુવતીઓએ તો જીભ ઉપર ચોક્કસ ટેટુ મૂકાવવા જોઇએ.

અત્યારે જેમ ફાધરો-મધરો ખોવાઈ જાય છે, એમ જૂના જમાનામાં છોકરાં ખોવાઈ જતા ને ખોવાઈ જાય તો પાછા મળી આવે, એ માટે ગામડાંનાં લોકો છોકરાઓના હાથ ઉપર છુંદણાં છુંદાવતા. કોઇએ સાપ ચીતરાવ્યો હોય, કોઇએ 'રામ' લખાવ્યું હોય તો કોઈ ત્રિશૂળ મૂકાવતું. ગામડાંના મેળાઓમાં ખાસ કરીને ડોસીઓ હાથ પર છુંદણા છુંદાવતી એ એ ય મોટા ભાગે ત્રણ-ચાર ટપકાં ઉપર નીચે હોય.

વૃધ્ધો હાથ ઉપર 'ઓમ' લખાવે. જો કે, એ વખતે એમને ખબર નહોતી કે, આ મૂકાવ્યા છે એમને ટૅટુ કહેવાય ને હવે પછીના જમાનામાં એ વર્લ્ડની સૌથી રનિંગ ફૅશન બની જશે. બહુ દુ:ખની વાત છે કે, આજે ૮૦-૯૦એ પહોંચેલી એ ડોસીઓ નવા ટૅટુ મૂકાવતી નથી અને જમાનાની સાથે ચાલતી નથી. એ લોકો મોંઢેથી કાંઈ બોલી ન શકે, પણ હાથ ઉપર એક દિલ ચીતરીને મહીં આરપાર નીકળતા તીરનું ટૅટુ મૂકાવ્યું હોય તો પૉસિબલ છે, આ ઉંમરે ય ડોસીની લાઈફ બની જાય. જૂનાં તો રામ, જય અંબે કે ત્રિશૂળ દોરેલા છુંદણા તો કેવા ઝાંખા થઇ ગયા હોય ! જલ્લાદ હિટલરે કૉન્સૅન્ટ્રેશન કૅમ્પના દરેક કેદીના હાથ ઉપર કેદી-નંબરનું ટૅટુ મૂકાવતો, જેથી કેદી ભાગી જાય તો પણ એને શોધી કાઢવામાં સરળતા રહે. બહુ જૂના જમાનાના બોટ કે સ્ટીમરના ખલાસીઓ ટેટુ મૂકાવતા. હજી હમણાં સુધી પશ્ચિમના દેશો ટેટુને જંગલીપણું ગણાવતા, પણ છેલ્લા ૧૫-૨૦ વર્ષોથી ધોળિયાઓ ય આડેધડ ટેટુ મૂકાવતા થયા છે, ત્યાં તો સારા ઘરની સ્ત્રીઓ સ્તન ઉપર ટેટુ મૂકાવતા અચકાતી નથી.

(આને કેવળ સાંભળેલી વાત સમજવી, જોયેલી નહિ !) પૂરા વર્લ્ડમાં આજે ટેટુ મોડર્ન ગણાય છે. આમાં મોડર્ન શું આવ્યું, એ તો મૂકાવનારને ખબર, પણ પૂછવાનું મન થાય કે, ટેટુબાબાઓ જાણે છે કે, આજે જે ગમ્યું, તે બહુ બહુ તો આઠ-દસ વર્ષ સુધી ગમશે ને પછી પસ્તાવો થશે તો ? એક વાર મૂકાવ્યા પછી જીંદગીભર રહેવાનું અને કઢાવવું હોય, તો ચીસાચીસ કરી મૂકો, એવું જાલીમ દુ:ખે.... અને એ ય, પૂરેપૂરૂં નીકળશે જ, એમ કહેવાય નહિ.

બહુ મુહબ્બતમાં આવીને ટેટુ બાબાએ હાથ ઉપર પ્રેમિકાનું નામ 'શિલ્પુ' ચીતરાવ્યું હોય, એટલે આ જન્મમાં તો ભ'ઇનો શિલ્પુ સિવાય ઉધ્ધાર નહિ. ન કરે શિલ્પુ ને એને બદલવી પડી ને એની જગ્યાએ 'કિસ્તુ' આવી, તો ભ'ઇ તો ગયા ને છપ્પનના ભાવમાં ? પ્યારની માફક ટેટુ પણ જીવનમાં એક જ વાર થાય તો ઝાઝો વાંધો આવતો નથી, પણ આધાર-કાર્ડ લાંબુ થતું જાય તો સ્કૂલના પ્રગતિપત્રકની માફક હાથ-પગ ઉપર શિલ્પુઓ કે કિસ્તુઓની વણઝાર ચાલી આવે તો બધીઓ સાથે રોજેરોજની મારામારીઓ !
એક વાત સ્વીકારવી પડે કે, ટૅટુ ચીતરાવનારાઓ ખોટા કામો કરતા નથી. તરત પકડાઇ જાય ને ! આ નિશાની એવી છે કે, તમે ખોટું બોલી ન શકો. ''હું તો હતો જ નહિ....'' એવું કહેવાનો ચાન્સ ટૅટુને લીધે ન મળે. એમાં ય, આ તો જીવો ત્યાં સુધીનું પ્રૂફ.

સામેના માણસો નામ ભૂલી જાય, ટૅટુ નહિ. એ નિશાનીને લીધે પકડાઇ જલ્દી જાય. અર્થાત્, ટેટુ મૂકાવનારાઓ ખોટા કામો કરે નહિ, એની સાબિતી એ છે કે, તમે જીવનમાં કે ટીવી ઉપર જોયેલા ટેટુ વગરના બાબાઓમાં કેટલા શરીફ છે ? એકે ય નેતા ટેટુવાળો જોયો ? ફિલ્મ હીરો પણ નહિ. બીજી ફિલ્મમાં એને રૉલ ન મળે.

ક્રિકેટરો લગભગ બધા મૂકાવે છે. ગાવસકર કે સચિન તેન્ડુલકરે ટેટા-ફેટા કદી મૂકાવ્યા નથી, પણ વિરાટ કોહલી આજના ક્રિકેટરોનો હીરો છે. એણે બન્ને હાથ ચીતરાવી નાંખ્યા છે અને એના કહેવા મુજબ, એનું દરેક ટેટુ અર્થપૂર્ણ છે, સારૂં ક્રિકેટ રમવાની પ્રેરણા આપે છે. એનું દરેક ટેટુ એની શક્તિ છે. ડાબા હાથ નીચેનું એના ધર્મનું છે. એની નીચેનું ભગવાન શિવજીનું ટેટુ છે, જે કૈલાસ માનસરોવરમાં તપ કરવા બેઠા છે. વિરાટ કોહલી એક ફાયદો શ્રદ્ધાળુઓને કદાચ કરી આપી શકે.

શ્રદ્ધાળુઓને કૈલાસ માનસરોવરની યાત્રા ઉપડવું હોય સીધો જમ્પ એના ખભે એ મારવાનો ! પણ એના પછીનું ટેટુ જાપનીઝ સમુરાઇના હાથમાં ઊગામેલી તલવારનું છે. એને કારણે વિરાટને એના ગુરૂ પ્રત્યેની વફાદારી, સ્વયંશિસ્ત અને દરેકની સાથે નૈતિક વ્યવહાર અપાવે છે. પછીના બે ટેટુમાં એના મમ્મી-પપ્પાના નામો કોતરાવ્યા છે.

નવાઇ લાગી શકે છે કે, એ સિવાયના ટૅટુઓમાં એની ટૅસ્ટ અને વન-ડૅ ક્રિકેટમાં સાથે પહેરવાની કૅપના નંબર લખ્યા છે, ૨૬૯ અને ૧૭૫. એના ડાબા ખભા ઉપર ભગવાન શિવજીની આંખનું પ્રતિક છે, જેને કારણે દ્રષ્ટિની શક્તિનું પ્રતિક બને છે, જેને લીધે અજ્ઞાાત શક્તિઓ વિશે જાણકારી મળે છે. ઑપનિંગ-બૅટ્સમેન કે.ઍલ. રાહુલ, હાર્દિક પંડયા અને બાકીના બધા ય આવી શક્તિઓ ભેગી કરવા માંડયા છે, હાર્દિક પંડયાનો પોતાનો કલર કામમાં આવી જાય એવો છે, એટલે એને બહુ ખર્ચવા નહિ પડયા હોય. અર્થાત્, સારૂં ક્રિકેટ રમવું હોય તો ટેટુ મૂકાવો.

મૂકાવેલું એક પણ ટેટુ કોઇને ભાડે કે ગિફટમાં આપી શકાતું નથી, એની ઉઠાંતરી થઇ શકતી નથી. એની નકલ થઇ શકતી નથી. આપણાવાળી ડીઝાઇન એણે ચોરવી હોય તો ટૅટુવાળાને ત્યાં આપણે લઇ જવા પડે. એનો મતલબ એ થયો કે, આ એક જ ધંધો એવો છે, જે કોઇ કોઇના હાથમાંથી ઠોકી જતું નથી.

ટૅટુબાબા બનવું જ હોય ને ન જ રહેવાતું હોય, છતાં કોઇ ખર્ચો, દુ:ખાવો કે કાયમી લમણાફોડ જોઇતી ન હોય તો બહુ સહેલો ઉપાય છે.

શરીરના જે ભાગ ઉપર જેટલા ટૅટા મૂકાવવા હોય, એટલા બૉલપૅનથી ટૅમ્પરરી ચીતરાવી લેવાય ને ન ગમે તો એવા બીજા પચાસ ટૅટુ ઇચ્છો ત્યારે મૂકાવી દેવાય. પસ્તાવો તો ન થાય. પેલું એકનું એક આખી જીંદગી ચલાવવું પડે... આ તો સવારે તન્વિ, બપોરે કલ્કિ અને સાંજે ઇવન, મણીબેનના નામનું ટૅટુ ય ચાલે... મણકી જીંદગીભર તો ઘર ઘાલી ન જાય !

સિક્સર
- કાંદા સમારતી વખતે ભલભલાની આંખમાં પાણી આવી જાય છે...
- કોઈના માટે આટલી બધી લાગણી રખાય જ નહિ !

No comments: