Search This Blog

03/01/2018

દાંતના રમકડાં મારા રામે પડતા રાખ્યાં રે....

સંજુના હાથનું કાંડુ પકડીને લીલી ડૅન્ટિસ્ટના કિલનિકના પગથીયાં ચઢતી હતી. આ કાંડુ બેમાંથી એકે ય ની, ઉંમરને કારણે નહિ, ઉપર જઈને લીલીએ દુ:ખતી દાઢ પડાવવાની છે, એના આગોતરા ફફડાટમાં પકડયું હતું. આમ તો ઘર છે એટલે ઝગડા તો થાય અને ગુસ્સામાં સંજુએ ઘણી વખત લીલીના દાંત પાડી નાંખવાના ઘાંટા પાડયા હતા, પણ દાંત પાડવા કરતા ઘાંટા પાડવા સહેલા છે, એટલે વાત આગળ વધી નહોતી.

સંજુ જાહેર કરી ન શકે, પણ મનમાં રાજી ખરો કે, હવે કમસેકમ બે દિવસ સુધી લીલીની બોબડી બંધ રહેશે. એના વોટ્સઍપીયા ફાલતુ જોકસ પરાણે સાંભળવા નહિ પડે. દુ:ખાવાને કારણે લીલી હતી એના કરતા ૪૦ વર્ષ વધુ ઘરડી લાગતી હતી.

દાઢના દુખાવામાં જોનારને હસવું આવે, પણ જેને દુખતી હોય, એને ખબર પડે કે, આવામાં હસાય છે કેવી રીતે ! દુ:ખીનો જીવ જતો હોય... આ વાત સંજુએ સમજવી જોઈતી હતી. અફકોર્સ, પતિ હોવાની પૂરી કિંમત અત્યારે એ ચૂકવી રહ્યો હતો કે, મનમાં આનંદના ઘોડા થનગનતા હોય છતાં એકે ય ઘોડો ગઢની એટલે કે હોઠની બહાર દોડતો આવવો ન જોઈએ. એ તો એક આદર્શ ગોરધનની માફક લીલીને કીધે રાખતો હતો,'લીલી, ડૉન્ટ વરી.. કંઈ નહિ થાય... કંઈ નહિ થાય !'

લીલી અને સંજુ ભારે હૈયે કિલનિકમાં દાખલ થયા. જો કે, આ વખતે હૈયા કરતા દાઢ વધુ ભારે હતી. ભીંતને અડીને નર્વસ ચેહરે આવા બીજા ૨૪-૨૫ પૅશન્ટ્સ બેઠા હતા.

કેટલાક છતને તાકીને સુનમુન બેસી રહ્યા હતા, તો એક એક વાઈફ એના ગોરધનના ખોળામાં માથું છુપાવીએ રડુરડુ થતી હતી. બીજા પેશન્ટો આવતી જતી નર્સો કે દર્દીઓને તાકતા હતા, પણ નર્સોમાં પૈસા પડી જાય એમ હતા અને અંદરથી દાઢ પડાવનારાઓની ખૌફનાક ચીસો સંભળાતી હતી. દુ:ખતી દાઢે રોમેન્ટિસિઝમ ન સૂઝે ! ગોળના રવા ઉપર કપડું પડયું હોય એમ લીલી સંજુના ખભે માથું ઢાળીને બેઠી હતી.

બેસણાં અને ડૅન્ટિસ્ટના દવાખાનામાં બેઠેલાઓના મોંઢા એકસરખા પડી ગયેલા હોય છે. બેમાંથી એકે ય પ્રસંગે મોઢું મલક્તું રાખીને કોઈ બેઠું ન હોય. બધા એકબીજાની સામે કરૂણાના ભાવથી જોયે રાખતા હોય કે, 'આજ નહિ તો કાલ...' આ ય આપણી માફક મરવાનો થયો છે. અદાલતના જજ દાંત પડાવવા ડૅન્ટિસ્ટ પાસે જાય નહિ તો કાલ..  ત્યારે શરત મૂકી શક્તા નથી કે,' ગીતા ઉપર હાથ મૂકીને સૌગંદ ખાઓ કે, તમે માત્ર દાંત જ ખેંચી કાઢશો.. દાંત સિવાય કાંઈ નહિ.

' લીલીનો હાથ પકડીને સંજુએ એક સોફા ઉપર બેસાડી. એની સામે એ ભાવથી જોયું પણ ખરૂં કે, 'ડાર્લિંગ.. હિમ્મત રાખ..કંઈ નહિ થાય !' પણ આ બાજુ, ક્ષણે ક્ષણે લીલીની દાઢના લબકારા વધતા જતા હતા અને 'ઓય મા રે...' એવું કણસતી બબડતી હતી. તો આ બાજુ, સંજુને સંતોષ હતો કે દાંતના ડોકટરો જેટલો ટાઈમ દાંત ખેંચી કાઢવામાં કાઢે છે, એના કરતા વીસગણો દર્દીના મોંઢાં આંગળા ભરાવી રાખીને 'શું થાય છે ?' થી માંડીને બીજા બસ્સો સવાલો પૂછવામાં કાઢે છે.

બધી પૂછપરછ પતી ગયા પછી છેલ્લો સવાલ ડૅન્ટિસ્ટો બહુ ઘાતક પૂછે છે,'એક જ પાડવો છે ને ?'
અને છતાં ય, ગેરન્ટી કોઈ નહિ કે, છેલ્લી પ્રશ્નોત્તરી મુજબ, એ દુખતી દાઢ જ ખેંચી કાઢશે. ડહાપણની દાઢ ખેંચ્યા પછી એની બાજુની બેવકૂફીની દાઢ કોઈ ડૉક્ટર મફતમાં ખેંચી આપતો નથી. દાંતના મામલે લીલીના ફેમિલીનો ઇતિહાસ ઘણો નબળો હતો. વર્ષો પહેલા એના ફાધરના જડબાંમા આગલો દાંત નવો નંખાવવાનો હતો.

તે બજારમાં ક્યાંય ન મળ્યો, છેવટે ઊંટનો દાંત લગાવ્યો, ત્યારે માંડ ફિટ બેઠો. આંખના ડોક્ટરો પેશન્ટની સામે ઊંધા અક્ષરોએ લખેલું પાટીયું વંચાવે છે, ' પ ડ ર ત ધ ફ.'એના પછી એનાથી નાના અક્ષરો વાંચવાના અને છેલ્લે સાવ ઝીણા અક્ષરો દર્દી વાંચી શકે તો આંખ ઘણી સારી કહેવાય. આવી સગવડ ડૅન્ટિસ્ટો કરી આપતા નથી કે, પહેલા હાથીદાંત બતાવે, પછી ઊંટના દાંત બતાવે, પછી ઘોડાના..એમ છેલ્લે માણસના દાંત બતાવ્યા પછી એમાંથી સાઈઝ ફિટ થતી હોય તો એ નાંખી આપે.

હિંદી ફિલ્મોમાં 'દાંતના'ડોક્ટરો ય ગળામાં સ્ટેથોસ્કૉપ લટકાવીને ફરતા હોય છે. એ લોકોને ડૉક્ટર લાગવાનું હોય છે, હોવાનું હોતું નથી. દર્દીના મોંઢામાં સ્ટેથોસ્કોપ નાંખીને દાંત જોવાનો હોતો નથી, છતાં ડોક્ટર લાગવા માટે આ ભૂંગળું જરૂરી છે. એવી જ રીતે, આજ સુધીની એકે ય હિંદી ફિલ્મમાં ચશ્મા વગરનો ડોક્ટર આવ્યો નથી. ડોક્ટર લાગવા માટે સીધેસાદા હોળેલા વાળ અને ચશ્મા જરૂરી છે. એમાં હીરોકટ હૅર- સ્ટાઈલ ન ચાલે.

પણ સંજુ હેબતાઈ ગયો ડૅન્ટિસ્ટને જોઈને ! એ ટાયર- પંક્ચરવાળા કેરેલાઈટ જેવો વધારે લાગતો હતો. ધંધેધંધે પર્સનાલિટીઓ અલગ હોય, પણ નોર્મલી, ડોક્ટરો સમાજના એવા લોટમાંથી આવે છે કે, એમની પર્સનાલિટી સોબર અને વ્યવસ્થિત હોવી જોઈએ. એમાં ય, લીલીને બીવડાવવા સંજુએ એવું પણ કહી રાખ્યું હતું કે, આ ડેન્ટિસ્ટ ગરીબઘરમાં ઉછર્યો હતો અને પહેલા સાયકલની દુકાનમાં નોકરી કરતો.

આદત હજી ગઈ નથી અને ડૅન્ટિસ્ટ થયા પછી દર્દીના દાંત પાડવા સાયકલ-રીપેરીંગનો સામાન રાખતો હતો. લીલીનો ય મનમાં એ આગ્રહ ચોક્કસ ખરો કે, ડૉક્ટર મોઢું ખૂલેલું રાખવા જડબાં વચ્ચે સ્ક્રૂ-ડ્રાયવર ભરાયેલું ન રાખે. માનવ- શરીરનું આ એક જ અંગ એવું છે જેને બીજા લોકો પાડી નાંખવાની કે ખાટાં કરી નાંખવાની ધમકી આપી શકે છે.

કોઈ એમ નથી કહેતું કે, તારા ઢીંચણો પાડી નાંખીશ કે ખભા ખાટા કરી નાંખીશ,પણ ગુસ્સે ભરાયેલો દુશ્મન આપણા દાંત પાડી નાંખવા કે ખાટા કરી નાંખવાની બીવરામણીઓ બતાવે છે ખરો, પણ વાસ્તવમાં આ બન્ને ધમકીઓ બેઅસર હોય છે. દુશ્મન એવું તે વળી શું ખવડાવી મૂકે કે દાંત ખાટા થઈ જાય.

ઝગડો વધ્યો હોય તો દુશ્મન બંદૂક કે તલવારને બદલે મીઠામાં બોળેલા કાચી કેરીના કટકા લઈને બીવડાવતો નથી કે, 'આ ક્ટકા તો તારે ખાવા જ પડશે... મારે તારા દાંત ખાટા કરવા છે.' એજ રીતે, કોઈએ કોઈના દાંત પાડયા હોય એવું હજી સુધી જોયું તો નથી ( અને જોવું ય નથી !)

આખરે લીલીનો વારો આવ્યો. સંજુ એની બાને લઈ જતો હોય એમ લીલીનો ખભો પકડી રાખીને અંદર લઈ ગયો. દાંતના ડોક્ટરો પાસે સ્ટીલનો એક ખતરનાક ચીપિયો હોય છે, જેને 'જીણ' કહેવાય છે, બોલો!  એનો આકાર પુરૂષોને શૂઝ પહેરવા પગની પાછળથી નાખવો પડે, એવો હોય છે. ડૅન્ટિસ્ટ દર્દીનું મોઢું 'આઆઆઆઆ' કરાવીને સૌથી પહેલો એ ચીપિયો ખોસે છે.

''આમાંથી મોજાંની ગંધ કેમ મારે છે ?'' ચીપિયો મોંઢામાં જતા જ લીલીએ સંજુને પહેલી ફરિયાદ કરી. કોઈએ કાંઈ જવાબ ન આપ્યો અને ડોક્ટરે મોઢું બહાર કાઢીને પહેલું નિદાન આપ્યું, ''દાઢ પડાવવાની થઈ છે.''..પેઢાં ઉપર ઇન્જૅક્શન આપવું પડશે. એટલો પાર્ટ બહેરો કરી નાંખીએ, એટલે દાઢ પાડતી વખતે દુખાવો ન થાય. લીલી થથરતી જતી હતી.

એમાં ય, દાઢ ખેંચી કાઢવાનો તીણો ચીપિયો જોયો ત્યારે તો એના હોશ ઉડી ગયા. ઑપરેશન શરૂ થયું. એ પહેલા લીલીની રાડો ઘણી બુલંદ માત્રામાં શરૂ થઈ. શરીરના બુંદે બુંદમાં ખળભળાટી મચી ગઈ. ખૌફની મારી લીલી ઉછળતી હતી, 'સંજુ.. સંજુ... સંજુ..'ના નામની તીણી ચીસો પાડતી હતી.

...અને છેલ્લે એક તોતિંગ ચીસ.. અને પલભરમાં બધું શાંત.. લીલી પણ ! એ જાણતી હતી કે, લાઈફમાં હવે પછી આટલી વિકરાળ ચીસો હું ક્યારે ય પાડવાની નથી.. બસ, આ છેલ્લું તો હતું ! બધું સરસ રીતે પતી ગયું હતું. લીલી ય સીધી થઈ ગઈ હતી.. બાકીની આખી જીંદગી બોખી રહીશ, પણ હવે દાઢ પડાવવા નહિ આવું. સંજુનો હાથ લીલીના ખભા ઉપર હતો.

'સંજયભાઈ, બેનની બધી દાઢો પાડવાની છે..' આપણે મહિને- મહિને મળીશું. આઠેક મહિનામાં તો મોંઢું સાફ્ફ..!

કહે છે કે, સુખી થવા માટે ક્યારેક ધોધમાર દુખી થવું પડે છે.

સિક્સર
હવે પછી દેશની એકે ય ટીવી- ચેનલના ઍક્ઝિટ- પોલ ઉપર કોઈ વિશ્વાસ નહિ કરે !

No comments: